ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

વાયોલીન્સ વિશેની શ્રેણીની પહેલી કડીમાં જણાવ્યું હતું તેમ શંકર-જયકિશને પોતાના વાદ્યવૃંદમાં વાયોલીન્સનો પ્રચૂર ઉપયોગ કર્યો છે. એ કારણથી આ કડી તે સંગીતકાર બેલડીનાં ચુનંદાં ગીતોને સમર્પિત છે, જેમાં વાયોલીન્સ સમગ્ર રચનાના આધારસ્થંભ બની રહ્યાં છે. આ સંગીતકારોએ સેબેસ્ટીયન ડી’સોઝા નામના તેમના સહાયક અને અતિશય કુશળ વાદકો સાથે મળીને અસંખ્ય ગીતોમાં વાયોલીન્સના અવનવા અને અસાધારણ પ્રયોગો કર્યા છે. ગીતના પૂર્વાલાપ/Preludes,  મધ્યાલાપ/Interludes, કાઉન્ટર મેલોડીઝ/Obligetos માં તો વિશિષ્ટ પ્રયોગો ખરા જ, સાથે ગીતને સમાંતર એકધારું દ્વીસ્તરીય કે ત્રિસ્તરીય વાયોલીન્સવાદન ચાલ્યા કરે તેવાં ગીતો પણ આ સંગીતકારોએ સર્જ્યાં છે. આજે લગભગ સાડાપાંચ દાયકા પછી પણ ચાહકો તો ખરા જ, સંગીતના ઊંડા જાણકારો પણ આવાં ગીતોને માણતાં અને તેમાંના વૈવિધ્યપૂર્ણ વાયોલીનવાદનની બારીકીઓની ચર્ચા કરતાં થાકતા નથી.

ફિલ્મી ગીતોમાં વાયોલીન્સના પ્રયોગોની પ્રાથમિક સમજણ એવી છે કે એકસાથે અનેક વાદકો વગાડી રહ્યા હોય તે ધૂન ‘ગ્રુપ વાયોલીન્સ’ અથવા સ્ટાફ વાયોલીન્સ’ વાદન તરીકે ઓળખાય છે. મોટા ભાગે આ પ્રકારના પ્રયોગો જ થતા રહ્યા છે. અમુક ખાસ કિસ્સામાં એક જ વાદક ચોક્કસ અંશ વગાડી લે , તે ‘સોલો વાયોલીન’ અથવા ‘એકલ વાયોલીન’ વાદન કહેવાય છે. કોઈ કોઈ વાર એકસાથે વાયોલીન્સ, વાયોલા અને સેલોના સામુહિક વાદન વડે વિવિધ સ્તરીય વાદન પણ સર્જાયું છે. ખેર, એ બધી ક્લીષ્ટ ચર્ચા છોડી, ગીતો માણીએ. આ ગીતોની પસંદગી બહુ મુશ્કેલ બની રહી છે. એક કરતાં એક ચડીયાતાં વાયોલીનપ્રધાન ગીતોમાંથી કેટલાંયે ગીતોને સામેલ ન કરવાનું ઘણું મુશ્કેલ બન્યું છે. દરેક ભાવકને પોતાની પસંદગીનું ગીત ન સમાવાયાની ફરિયાદ રહેશે.

શરૂઆત કરીએ ૧૯૫૩ની ફિલ્મ ‘આહ’ના મુકેશે ગાયેલા ગીત રાત અંધેરી દૂર સવેરા થી. સામાન્ય છાપ એવી રહી છે કે આ જોડીના વાદ્યવૃંદમાં ઓછામાં ઓછા ૨૫-૩૦ વાયોલીનવાદકો રહેતા હતા. પણ આ ગીત સાંભળતાં ખ્યાલ આવે છે કે તેમાં સમુહ વાયોલીનવાદન છે ખરું પણ મહદઅંશે એકલ વાયોલીનનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે.

૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હલાકુ’નું ગીત આજા કી ઈંતેજાર મેંસાંભળીએ. પૂર્વાલાપથી શરૂ થઈ જતું વાયોલીનવાદન ગાયકીને સમાંતર ઓબ્લિગેટોઝમાં અને મધ્યાલાપમાં તો ખરું જ, ગીતનું સમાપન પણ તેના થકી જ થાય છે. આમ, આ એક સર્વાંગ વાયોલીનપ્રધાન ગીત ગણાવી શકાય.

ફિલ્મ ‘અનાડી’ (૧૯૫૯)નાં ગીતો અપ્રતિમ સફળતાને વર્યાં હતાં. આજે પણ તે ફિલ્મના એકેએક ગીતની લોકપ્રિયતા બરકરાર છે. તે પૈકીનું તેરા જાના દિલ કે અરમાનોં કા લૂટ જાનાસાંભળીએ. ધ્યાનથી સાંભળતાં ખ્યાલ આવે છે કે મધ્યાલાપમાં ગ્રુપ વાયોલીન કાને પડે છે. રસપ્રદ પ્રયોગ એ છે કે મધ્યાલાપ પૂરો થાય અને ગાયકી શરૂ થાય તે તબક્કે એકલ વાયોલીનનો નાનકડો પણ એકદમ કર્ણપ્ર્રિય ટહૂકો પ્રયોજાયો છે. ટાઈમર ચાલુ રાખીને સાંભળતાં આ બાબત પહેલા મધ્યાલાપ પછી 1.12 ઉપર અને બીજી વાર 2.37 ઉપર સાંભળી શકાય છે.

હવે પછીનું ગીત ૧૯૬૦માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જીસ દેસ મેં ગંગા બહતી હૈ’નું આ અબ લૌટ ચલે  છે. હિન્દી ફિલ્મોનાં ગીતોના ઈતિહાસમાં આ ગીત પોતાનું આગવું સ્થાન જમાવીને બેઠું છે. જાણકારો દ્વારા આ ગીતને શકવર્તી ગણાવાયું છે. આ ગીતના રેકોર્ડીંગ વિશે પણ દંતકથાસમ વાતો ચાલતી રહે છે. એક આદર્શ ગીતમાં અપેક્ષિત હોય તેવા બધા જ ઘટકો અહીં છે. અનેકવિધ વાદ્યોના અને કોરસના અવિસ્મરણિય પ્રયોગો વચ્ચે વાયોલીન્સ પોતાની હાજરી પૂરાવતાં રહે છે.

https://youtu.be/nMgxhBJ7UWo

હવે પછીનું ગીત ફિલ્મ ‘પ્રોફેસર’ (૧૯૬૨)નું મૈં ચલી મૈં ચલી, પીછે પીછે જહાં’ છે. નોંધનીય છે કે મધ્યાલાપમાં વાગી રહેલા વાયોલીન્સના અંશો ચાલી રહેલી ટ્રેનના લયમાં સાથ પૂરાવતા હોય તેમ પ્રયોજાયા છે.

 

૧૯૬૨ની ફિલ્મ ‘દિલ તેરા દિવાના’ ના શિર્ષકગીતના પૂર્વાલાપમાંનું વાયોલીનવાદન સાંભળતાં ખ્યાલ આવે છે કે તે સમયે ફિલ્મમાં બતાવેલા વીજળી અને તોફાનના ઘટનાક્રમ સાથે તે વાદન કેટલું સુસંગત છે.

ફિલ્મ ‘દિલ એક મંદીર’ (૧૯૬૩)ના ગીત યાદ ન જાયે બીતે દિનોં કી ના શબ્દોમાં સમાયેલા કરુણ ભાવને વાયોલીનવાદન બરાબર ઉઠાવ આપે છે.

૧૯૬૫માં પ્રદર્શિત થયેલી ગુમનામએક રહસ્યપ્રધાન ફિલ્મ હતી. તેના શિર્ષકગીતમાંનું વાયોલીનવાદન આ ગીતના સમયે પાત્રો ઉપર છવાયેલા ખોફના માહોલને બરાબર ન્યાય આપે છે.

https://www.youtube.com/watch?v=Kjyr9JYd3-I

ફિલ્મ ‘ગબન’ (૧૯૬૬)ના ગીત તુમ બિન સજન, બરસે નયનમાં એટલું તો પ્રભાવક વાયોલીનવાદન છે કે ગીત યાદ આવે ત્યારે પણ સાથેના વાયોલીનના અંશો મનમાં ગૂંજવા લાગે છે.

https://www.youtube.com/watch?v=Pk1J8p2jUiw
ફિલ્મ ‘છોટી સી મુલાકાત’ (૧૯૬૭)ના ગીત તુઝે દેખા તુઝે ચાહામાં અંતરા ગવાતા હોય તે દરમિયાન વાયોલીનવાદન થકી ચાલતા રહેતા ઓબ્લીગેટોઝ/ કાઉન્ટર મેલોડી બહુ જ રોચક છે. અલબત્ત, તે પ્રચ્છન્નપણે વાગી રહ્યા હોવાથી ધ્યાનથી સાંભળવા જરૂરી છે.

૧૯૬૭ની જ ફિલ્મ ‘રાત ઔર દિન’નું ગીત દિલ કી ગિરહ ખોલ દોસાંભળતાં જ તેમાંના વાયોલીનના અંશો ધ્યાન ખેંચી લે છે.

૧૯૬૭નું જ એક વધુ ગીત માણીએ. ફિલ્મ ‘ગુન્હાઓં કા દેવતા’ના આ શિર્ષકગીતનું વાયોલીનવાદન તે ગીત સાથે ચાલી રહેલા નૃત્ય સાથે તાલ મિલાવતું હોય એવી અસર ઉભી થાય છે.

 

ફિલ્મ ‘ઝૂક ગયા આસમાન’ના પ્રસ્તુત ગીત ‘કૌન હૈ જો સપનોં મેં આયા’ સાથેનું વાયોલીનવાદન તે ગીતના તોફાની અંદાજને બરાબર ખીલવે છે.

https://youtu.be/9n_R4Vfu-bo

ફિલ્મના ગીતનું રેકોર્ડીંગ થતું હોય ત્યારે એકસાથે ઘણાં વાદ્યોને ઉઠાવ આપવાનો હોય છે. આથી કેટલાંક ગીતો સાથેનું વાયોલીનવાદન પ્રચ્છન્ન રહી જવા પામે છે. આ કારણથી ફિલ્મ ‘બ્રહ્મચારી’ (૧૯૬૮)ના ગીત ‘મૈં ગાઉં તુમ સો જાઓની એક સ્ટેજ કાર્યક્રમની પ્રસ્તુતિ સાંભળીએ. આ ક્લીપને માણતાં ખ્યાલ આવશે કે વાયોલીનવાદન બહુ અસરકારક રીતે ઉપસી આવ્યું છે. આ ક્લીપની પસંદગી જીવંત વાયોલીનવાદનના આધારે કરવામાં આવી છે.

                                          

 

શંકર-જયકિશને બનાવેલાં ગીતો માણ્યા પછી તેમનું જ બનાવેલું ફિલ્મ ‘હલાકુ’નું નૃત્યસંગીત સાંભળીએ. એમાંનું વાયોલીનવાદન સાંભળતાં તે પણ નૃત્યની સ્ફૂર્તીથી વાગી રહ્યું હોવાની અનુભૂતિ થાય છે.

યુ ટ્યુબ ઉપર શંકર-જયકિશનનાં બનાવેલાં અલગઅલગ ગીતોમાંના વાયોલીનવાદનના અંશો ભેગા કરીને બનાવેલી ક્લીપ્સ The Magic Violins Of Shankar Jaykishan Part 1, The Magic Violins Of Shankar Jaykishan Part 2 અને The Magic Violins Of Shankar Jaykishan Part 3 શિર્ષકથી ઉપલબ્ધ છે, તે માણતી વેળાએ શંકર-જયકિશનની સાથે સેબેસ્ટીયન ડી’સોઝાને યાદ કરવાની પણ ભલામણ છે.


નોંધ :

૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com