પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ

‘દલિત અધિકાર’ વિચારપત્ર સાથે સંકળાયેલા રહેલા ચંદુભાઈ મહેરિયા જાહેર જીવન અને લેખનના પ્રવાહોના ઊંડા અભ્યાસી રહ્યા છે. દલિત સમસ્યાઓ, દલિત સાહિત્ય અંગેનો તેમનો અભ્યાસ સઘન અને સાતત્યપૂર્વકનો રહ્યો છે. વિવિધ ઘટનાઓ કે સમસ્યાઓની અસલ છબી ઝીલતી દૃષ્ટિ; એક્સ રે જેવું આકલન કરવાની આગવી સૂઝ તથા પોતાના મુદ્દાઓને સરળ શબ્દોમાં કાગળ પર ઉતારવાની મહારત તેમની વિશેષતા છે. ચંદુભાઇએ ૧૪ નવેમ્બર ૨૦૧૮થી સંદેશની બુધવારની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં તાર્કિક, વૈચારિક તથા બૌદ્ધિક ચર્ચાઓ છેડતું કટારલેખન શરૂ કર્યું. આપણી આસપાસ ઘટતી જનનિસબત ધરાવતી ઘટનાઓ કેન્દ્રિત કટારનું નામ હતું ‘ચોતરફ’. કટારના ચોક્કસ માળખામાં સીમિત રહેવા છતાં તેમણે વિવિધ ઘટનાઓનાં કારણો, અસરો તેમજ અભિપ્રાયો પોતાની આગવી શૈલીમાં અને અસરકારક સરળ શબ્દોમાં આલેખ્યા. ચંદુભાઇનું પ્રથમ પુસ્તક ‘ચોતરફ’, જનનિસબત ધરાવતાં કુલ ૪૯ લેખોનોસંચય છે.

પુસ્તકમાં ગરીબો, દલિતો, કિસાનો, તથા રોજમદારોની રોજગારી અને ભૂખમરો; રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાઓ અને ચૂંટણી પ્રક્રિયા; શિક્ષણ અને શિક્ષણનીતિ; રાષ્ટ્ર તેમજ રાષ્ટ્રહિત; પોલીસની જવાબદારી, વર્તણૂક અને તેમની સમસ્યાઓ; ન્યાય વગેરે જેવા અનેક મુદ્દાઓ આવરી લેવાયા છે. આ સમસ્યાઓ કે ઘટનાઓ જે તે સમયે બની હોવા છતાં, તે ‘આઉટડેટેડ’ નથી. પુસ્તકમાં લેખકના સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક એમ વિવિધ મુદ્દાઓ પર અદભૂત નીરીક્ષણો તેમજ સચોટ વિશ્લેષણો જાણવા, વાંચવા તથા સમજવા મળે છે. વિવિધ સંસ્થાકીય તેમજ સરકારી આંકડાઓના અનેક સંદર્ભો આ લખાણોને પારદર્શી અને વિશ્વસનીય બનાવે છે. તેથી જ વાંચતી વખતે ક્યારેક વિચાર કરતા થઈ જવાય છે કે આ કયા ભારતની વાત છે.

કેટલીક શાશ્વત સમસ્યાઓ અંગે ચોંકાવનારી હકીકતો, મહત્વનાં અવલોકનો તથા લેખકની તાર્કિક દાખલા-દલીલો આધારિત અમુક સંક્ષિપ્ત નમૂના:

ભૂખમરો– આજે ભારત વિશ્વમાં અન્નની નિકાસ કરે છે, ત્યારે આ કેટલીક હકીકતો શરમ ઉપજાવે તેવી છે. તેમની નોંધો,

1)     મૃતક ભૂખથી મૃત્યુ પામ્યો છે કે નહીં તે નક્કી કરવા 1880નો ફેમિન કોડ આજે પણ માન્ય છે. આ કોડ મુજબ મૃતકના પેટમાંથી અન્નનો એક સડેલો દાણો પણ મળી આવે તો તે વ્યક્તિના મૃત્યુનું કારણ ભૂખ નથી મનાતું.

2)     ભુખમરાના ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’ મુજબ ધાનની નિકાસ કરતા ભારતનો દેખાવ એશિયાના માત્ર પાકિસ્તાન તથા અફઘાનીસ્તાન કરતાં જ બહેતર છે!

મજબૂત V/S મજબૂર સરકાર– અજીત ડોવાલના મતે રાષ્ટ્રિય સુરક્ષા માટે કેન્દ્રમાં એક જ પક્ષની પૂર્ણબહુમત ધરાવતી સરકાર મજબૂત છે. લેખકના મતે જો આમ સાચું હોત તો,

1)     પૂર્ણબહુમત ધરાવતી ભારતની સરકાર વખતે 1962માં ચીન તેમજ પછીના વર્ષોમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થયા જ ન હોત!

2)     કથિત તોડજોડ ધરાવતી સરકાર ‘મજબુર’ રહેતી હોત તો પૂર્ણબહુમત ન ધરાવતી નરસિંહરાવની સરકાર અર્થતંત્રને નવી દિશા દોરતા જબરદસ્ત આર્થિક સુધારા ન કરી શકી હોત!

3)     તે જ રીતે યુપીએ સરકારથી મનરેગા, શિક્ષણ અને માહિતીના કાયદા લાગુ થયા ન હોત. અને

4)     ભાજપ અને ડાબેરી સમર્થન ધરાવતી વીપી સિંહની સરકાર મંડલ કમિશન લાગુ પાડી શકી ન હોત!

એક રાષ્ટ્ર એક ચુંટણી– લેખકના મતે આ મુદ્દે સાવધાની વરતવા જેવી છે, કારણ કે 1999થી 2014 સુધીની 6 રાજ્યોની 16 ચુંટણીઓની 2600 વિધાનસભા બેઠકોનો અભ્યાસે સાબિત કર્યું છે કે 77 ટકા મતદારો કોઈ એક જ પક્ષ તરફ ઢળ્યા હતા.

આમ, આ પ્રથામાં મતદારોની માનસિકતા કોઇ એક પલ્લે નમવાનું જોખમ સામેલ છે.

શિક્ષણ– આ બાબતે લેખકે વિશદ છણાવટ આપતાં અપૂરતું ભંડોળ તેમજ રાજકીય ઇચ્છાશક્તિના અભાવને મુખ્ય કારણ માન્યા છે. લેખકે કોઠારી કમિશનની જીડીપીનાં ૬ ટકા નાણાં શિક્ષણ માટે વાપરવાની ભલામણનો હવાલો આપી દલીલ કરી છે કે આજ સુધી કેન્દ્રની કોઇ સરકારે ૩ ટકાથી વધુ નાણાં ફાળવ્યા જ નથી.

રાજકીય ઇચ્છાશક્તિ કેવાં પરિણામો આપી શકે તે માટે તેમણે બહુચર્ચિત ચારા કૌભાંડમાં દોષિત લાલુ પ્રસાદ યાદવનો  કિસ્સો ટાંક્યો છે. તે મુજબ, ચૂંટણી પ્રચાર સમયે લાલુપ્રસાદને ‘ભૈયા’ કહી પોકારતી લક્ષ્મીનિયાનો ભેટો થયો. કાખમાં છોકરું તેડી આવેલી ચીંથરેહાલ લક્ષ્મીનિયા બિહારની અત્યંત પછાત એવી મુસહર જાતિની હતી. લાલુએ લક્ષ્મીનિયા અને તેની કાખમાં તેડેલા સંતાનને યાદ રાખી સત્તામાં આવતાં મુસહરોને શિક્ષણ સુલભ કરાવવા નક્કી કર્યું. લક્ષ્મીનિયાના ગામ પુનપુનથી શરૂઆત કરી તેમણે 300 જેટલી શાળાઓ સ્થાપી હતી.

વંદેમાતરમ ગાન – લેખકના મતે વંદેમાતરમનું ગાન ધાર્મિક નહીં પણ રાજકીય મુદ્દો છે. પોતાની આ વાત રજૂ કરવા લેખકે નોંધ્યું છે કે 1905માં વંદેમાતરમ સ્વીકૃતિ પામ્યું તે વખતે કોંગ્રેસનાં અધિવેશનો અને આઝાદીના આંદોલનોમાં સહુ એકી અવાજે વંદેમાતરમનું ગાન કરતા હતા. કારણ કે ત્યારે અલગ મઝહબી રાષ્ટ્રની માનસિકતા નહોતી પ્રગટી.

કાયદો, વ્યવસ્થા અને પોલિસ– આ બાબતે પણ પુસ્તકમાં સારી એવી ચર્ચા છેડાઇ છે. તેમાં કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓ તથા જાતિ અંગે પોલિસનાં માનસિક વલણો દર્શાવી પોલિસનો બિહામણો ચહેરો રજૂ કર્યો છે; તો સાથે તેમની અપૂરતી સુવિધાઓ, અપૂરતું સંખ્યાબળ, કામના અનિશ્ચિત કલાકો વગેરે બાબતે ચિંતા પણ વ્યક્ત કરી છે.

પુસ્તકમાં આવી અનેક બાબતે પર પ્રકાશ ફેંકતી ચર્ચાઓ ઉપરાંત કેટલીક અજાણી માહિતી પીરસતા નહેરુ, આંબેડકરના બીજાં પત્નિ માઇસાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, ઠક્કરબાપા, જલિયાંવાલાબાગના હત્યાકાંડ પરથી ‘ખૂની બૈસાખી’ કવિતા લખનાર નાનકસિંહ વગેરે જેવા બાર વ્ચક્તિવિશેષોના ચંદુભાઇએ કરેલા આલેખનોનો પણ સમાવેશ છે.

*

એક સમયે વિવિધ મુદ્દે અખબારોમાં છેડાયેલી ચર્ચાઓના પડઘા ગલીના નાકે અને ગામને ચોતરે પડઘાતા. દ્રશ્ય સામગ્રી પર આધારિત ટીવી અને મોબાઇલની હોડમાં ઝંપલાવી અખબારોએ ‘વાચક’ને ‘દર્શક’ બનાવવા સાથ આપ્યો. લોકોની વાંચનરૂચિ ઘડતા લખાણનું સ્થાન માનુનીઓની તસવીરોએ રોક્યું. વેચાણ વધારવા અને નંબર વનની દોડમાં અખબારોએ માર્કેટીંગના અવનવા નુસખાની અજમાયશ કરી એક સમયના ‘વાચક’ને ક્રમશઃ ‘ગ્રાહક’માં તબદીલ કરી દીધો! પુસ્તક ચોતરફના આરંભે લેખક ચંદુભાઇએ કેફિયતમાં સખેદ એ મતલબની નોંધ આપી છે કે, એક સમયે દરેક રીતે ‘જગાડવા’નું કાર્ય કરતા અખબારો આજે એ બરના રહ્યા નથી. જો કે તેમાં ‘ચોતરફ’ સુખદ અપવાદોમાંની એક કટાર છે.

આ પુસ્તક વાંચતા સમજાય છે કે પંડીતાઇના દેખાડા રહિતની વિદ્વતા તથા આડંબર રહિતની રજૂઆત ચંદુભાઇના લેખનનુ આગવું પાસું છે. આ એક બેઠકે વાંચી કાઢવાનું પુસ્તક નથી; બલકે વાંચ્યા બાદ મનન કરવાથી લખાણોનું હાર્દ સમજાય છે. લેખકની તટસ્થતા તેમજ સ્પષ્ટતા ઉડીને આંખે વળગે છે. લેખકે વિવિધ મુદ્દાઓ ચર્ચા કરી છોડી નથી દીધા, પણ લેખના સમાપનમાં તેનું મૂળ તથા શું કરવું ઘટે એ પણ સૂચવ્યું છે. પુસ્તકના આરંભે ચંદુભાઇએ આલેખેલા જીવનવૃતાંતના અત્યંત ટૂંકા છતાં સચોટ પરિચયમાં તેમના આ ઘડાયેલા લેખનનો રાઝ જાણવા મળે છે. તેઓએ નોંધ્યું છે કે “તેમણે કશાં વિચારબંધનો ને વાચનપ્રતિબદ્ધતા વિના તમામ ‘વાદ’ના પુસ્તકો, છાપાનાં તંત્રીલેખો તથા ખાસ કરીને પ્રકાશ શાહ, ભાનુભાઇ અધ્વર્યુ જેવા એક કરતાં વધુ લેખકોના દ્રષ્ટિકોણ જાણવા, તેના આધારે પોતાનો દ્રષ્ટિકોણ વિકસાવવા પર ધ્યાન આપ્યું છે.” પુસ્તકના પ્રારંભે સંજય સ્વાતિ ભાવેએ પુસ્તક ‘ચોતરફ’ને આવકારતો અને મુદ્દાસર પરિચય આપતો લેખ લખ્યો છે, જેમાં તેમણે ચંદુભાઈની કાર્યશૈલીનો સુપેરે પરિચય કરાવ્યો છે. તેમાં સહર્ષ નોંધ્યું છે કે “છાપાંના લેખો છીછરા હોય છે એવી છાપને દૂર કરનારાં જૂજ ગુજરાતી પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે.” પુસ્તક વાંચતા આ ટીપ્પણી સર્વથા યોગ્ય જણાય છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

ચોતરફ: ચંદુભાઇ મહેરિયા

પૃષ્ઠસંખ્યા : 196
કિંમત : રૂ. 230/
આવૃત્તિઃ પ્રથમ આવૃત્તિ-2022

પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : સાર્થક પ્રકાશન; 14 ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર સામે, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, વાસણા, અમદાવાદ-390007 | વીજાણુ સંપર્કઃ spguj2013@gmail.com ; http://www.saarthakprakashan.com

વિક્રેતા: બુક શેલ્ફ; 16 સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા,   અમદાવાદ-380009


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com