પુસ્તક પરિચય

રીટા જાની

મુનશીના સાહિત્યનો કસબ મેઘધનુષી છે. તેમની પ્રતિભામાં માત્ર એક રંગછટા નથી. ઐતિહાસિક, પૌરાણિક, આત્મકથાના રંગોને માણ્યા બાદ આજે એક નવીન પદચિહ્ન આપણને એક નવા સાહિત્યરસના રંગનો અનુભવ કરાવશે. તે છે તેમની સામાજિક નવલકથાઓ, જે મુનશીના એક નવા કસબનો પરિચય કરાવે છે.

રોજે રોજ વર્તમાનપત્રોમાં જુદી જુદી જગ્યાઓએ બાળકીઓ અને મહિલાઓ સામે થતા અત્યાચારોના  પડઘા શમતા જ નથી. ત્યાંથી એક ચિત્કાર સંભળાય છે – કોનો વાંક?  સમયના જુદા જુદા પ્રવાહો વચ્ચે વહેતો સમાજ ક્યારેક વિચિત્રતાઓ સાથે પણ જીવતો હોય છે. ક્યારેક સમાજની રૂઢિઓ એવો વળાંક લેતી હોય છે કે સમાજ વ્યક્તિના સુખ અને આનંદના સ્થાને દુઃખ, શોષણ અને ચિત્કારનું પ્રતિક બને છે. આવી વ્યવસ્થાઓ ત્યારે જ બદલાય જ્યારે રૂઢિગત માન્યતા બદલાય અને આ ભગીરથ કાર્યમાં ફાળો આપે છે સાહિત્યના જ્યોતિર્ધર લેખકો. આજે આવી જ એક અદભૂત કૃતિ આપની સમક્ષ પ્રસ્તુત છે. એ છે મુનશીની સામાજિક નવલકથા ‘કોનો વાંક?’

આ નવલકથામાં સામાજિક પરિસ્થિતિ અને પ્રશ્નોનું નિરૂપણ કેવળ સમાજ સુધારક તરીકે જ નહીં પરંતુ બળવાખોરોનું નિરૂપણ પણ મહત્વનું બન્યું છે. પોતાના અનુભવ જગતમાંથી કેટલીક સામગ્રી લઇને મુંબઇના ધમાલીયા જીવનમાં યુવાન હૃદયમાં ચાલતી મૂંઝવણો અને સમાજના અન્ય દૂષણો તથા બંધનોનું આલેખન મહત્વનુ બની રહે છે. 1915માં  ‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર’ ના તંત્રી રતનલાલ શાહના દબાણને વશ થઈ મુનશીએ ‘કોનો વાંક’ નવલકથા શરૂ કરી. એના માટે કોલમ દીઠ 1રૂપિયો મળવાનો હતો જે તે સમયમાં સારું ગણાતું. ‘કોનો વાંક’ એ ‘વેરની વસૂલાત’ પછી મુનશીની બીજી સામાજિક નવલકથા છે. ન્યાતમાં એક મિત્રની પત્ની બાળવિધવા થઈ હતી. તેના દુઃખોની ઊંડી છાપ મુનશીના મન પર હતી, જે આ કથાના મૂળમાં છે. તેઓ જ્યારે એલ. એલ. બી. નો અભ્યાસ કરતાં ત્યારે કાંદાવાડી રહેતા તે વખતની મનોદશાની છાપ પણ આ કથા પર છે. તો મહાયોગી મહારાજની કથા પણ તેમના અનુભવની જ નીપજ છે. આ સમયની તેમની સામાજિક નવલકથામાં પોતાની, પોતાના મિત્રોની ને જગતની ઠેકડી કરવાનો ભાવ પણ સ્પષ્ટપણે ઉપસે છે. તો ક્યારેક નિર્દોષ વિનોદવૃત્તિ કરતાં ડંખભર્યો કટાક્ષ વધુ પ્રભાવી બને છે. ‘કોનો વાંક’માં બંડખોર સમાજલક્ષિતા છતી થાય છે. આ કથામાં મુનશીએ સમાજ સામે બંડ પોકારતી બાળવિધવા મણિનું જીવંત વ્યક્તિત્વ વાળું પાત્ર આલેખ્યું છે. સામાજિક નવલકથાઓમાં  મુનશીના ધારદાર કટાક્ષ પ્રગટે છે. મુનશીની કથનશૈલી સીધી અને સચોટ છે, સાથે તેમના તેજસ્વી પાત્રો ને ઘટનાઓનો ધસમસતો પ્રવાહ વાચકોને જકડી રાખે છે.

૮ વર્ષની  મણિના  બાળવિવાહ થાય છે. લગ્ન શું છે તેની સમજ પડે એ પહેલાં તો લગ્નના 3 મહિનામાં જ તે વિધવા બની. થોડાં વર્ષો વીત્યે પિતાએ વિધવા પુત્રીને ઘાતકીપણે રીબાવે એવા સાસરિયાંને આશરે મૂકી. અત્યંત રૂપવતી, કોડભરી મણિ ટ્રેનમાં એક નાના ગામડાના સ્ટેશને ઉતારી પડી. ને ત્યાં આખા ગામમાં પિતાતુલ્ય ગણાતા જોરા ભગતને ત્યાં તેણે  દીકરીને જન્મ આપ્યો. દીકરીને જોરા ભગતને ત્યાં સોંપીને તે શહેરમાં  જાય છે.

સંસારના અરણ્યમાં રઝળતી મણિને જુદા જુદા સમયે અલગ અલગ સંજોગોમાં કેવા લોકોનો ભેટો થયો અને એ સંજોગોનો તેણે કઈ રીતે સામનો કર્યો તે ઘટનાઓની વાતો હૃદયના ધબકારા વધારી દે છે. એક તરફ આજની પેઢીને આશારામ બાપુ કે રામરહિમની યાદ અપાવે એવા મહાયોગી મહારાજ છે તો બીજી તરફ સમાજ ઉદ્ધારિણી સભાના પ્રમુખ રાવસાહેબ ગંભીરલાલ છે, જે પોતાની આબરૂ – મોભાને ખાતર તેના સ્વચ્છંદનો ભોગ બનેલી મણિને ભોળવીને છોડી દે છે. આ સભાના બીજા સભ્યો છે વકીલ મિ. મારુતિ, ડૉ.ધનેશચંદ્ર અને પ્રેસવાળા મિ.તરફડદાસ, જેમને જાહેર ચળવળ કરવાનો અભરખો છે, ભાષણ કરવાનો લહાવો લેવો છે, છાપામાં જાહેરખબર આપવી છે. આમાંથી એક પણ વ્યક્તિને ખરેખર સંસાર સુધારણા માટે કામ કરવું નથી. પણ ફક્ત કામનો દેખાવ કરવો છે. ડૉ. ધનેશચંદ્ર વાત તો પ્રેક્ટીકલ પગલાંની ખામીની કરે છે. પણ જ્યારે ખરેખર વિધવાવિવાહ કરવાની વાત આવે છે, ત્યારે છૂટી પડે છે. આ ઉપરાંત એક ચંદુલાલ શેઠ છે,  એક રામજણી તુંગભદ્રા છે , જે યેન કેન પ્રકારેણ મણિને ફસાવવા માગે છે. આ દુનિયા દ્વંદ્વથી ભરેલી છે. રાત દિવસ, પ્રકાશ અંધકાર, સુખ દુઃખ, સારું ખરાબ બધું સાથે જ હોય છે. મણિના જીવનમાં પણ એવા સારા લોકો આવે છે, જેમાં એક છે જોરા ભગત, જે તેને આશ્રય આપે છે, તેની દીકરીની જવાબદારી લે છે. એક છે મુચકુંદ, જે ભાગેલી મણિને સમાજ અને પરિવારના વિરોધની પરવા કર્યા વગર આશરો આપે છે, સાચી લાગણી ને હૂંફ આપે છે. તો એક છે મોઘારામ, જે ફક્ત માનવતાની રાહે મણિને મદદ કરે છે. અને મદદ કરતાં તેને જેલમાં જવું પડે છે તો પણ પીછેહઠ કરતા નથી.

જીવનની આ લડાઇમાં મણિ પોતાના સિદ્ધાંતો, આદર્શો કે વિચારો સાથે બાંધછોડ કરતી નથી. કઠિન પરિસ્થિતિઓનો મુકાબલો કરે છે. તેમાં તેની યુવાની, તેની આશાઓ, તેના અરમાનો, તેના પ્રેમ, એટલે સુધી કે તેની દીકરીના જીવનનો પણ ભોગ લેવાય છે. છતાં તે હિંમત હારતી નથી. અને સંજોગો અને સમાજની વિષમતાઓ સામે ઝઝુમે છે. અને તેથી જ મુનશી કથાના અંતે પૂછે છે કે કેટલીય મણિઓ અને કેટલાયે મુચકુંદો સમોવડા જોડા વિના, અસમાન જોડને સહન કરતાં, નરક સમા સંસારના ઉચ્છેદક અનુભવો કરતાં ભવ પૂરો કરે છે. કોનો વાંક?

જે સમાજ દૂષણને ભૂષણ માને તેનું ભાવિ અંધકારમય હોય છે. આવો સમાજ કાળના પ્રવાહ સામે ટકી શકતો નથી. આવા સમાજને સ્વસ્થતા તરફ દોરી જવાનું કાર્ય સમાજના જ્યોતિર્ધરનુ છે.


સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com