આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર
પણ સમજવું તો જોઇએ
દિવ્યભાષ સી. અંજારીઆ
પ્રકરણ # ૩ – અંશ : ૨ થી આગળ
સામૂહિક સ્તરનાં અર્થશાસ્ત્રનાં પરિપ્રેક્ષ્યમાં ખર્ચાઓ અને લાભાલાભનું વિશ્લેષણ
વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ ઘણી આર્થિક બાબતો વિશે આગાહીઓ કરવામાં ખોટા પડતા હોય છે. તો, સંસાધનોના વપરાશની સામે લાભોની આપણી અપેક્ષાઓ જેવી કેટલીય બાબતોમાં તેઓ સાચા પણ પડતા હોય છે. આપણને સમજાય એવી ભાષામાં એમ કહી શકાય કે અર્થશાસ્ત્રનું વિજ્ઞાન, તત્ત્વતઃ, ખર્ચાઓ અને લાભાલાભનું વિશ્લેષણ છે. જે મુજબ અર્થશાસ્ત્રીઓ એમ માનવા, અને અનુમાન કરવા, માગતા હોય છે, કે તર્કને અનુસરતાં માનવીઓ તરીકે આપણે ઓછામાં ઓછે ખર્ચે વધારેમાં વધારે લાભ મેળવવા માગતાં હોઈએ છીએ. ઘણે અંશે, આ અનુમાન સાવ ખોટું પણ નથી.
ખર્ચાઓ અને લાભાલાભનાં વિશ્લેષ્ણનો દૃષ્ટિકોણ પોતે ખોટો નથી, પણ અર્થશાસ્ત્રીઓ અર્થવ્યવસ્થાનાં માપનનાં મૂળમાં માત્ર નાણાં હોવાની બાબતે ખોટા પડતા હોય છે. એમના માટે નાણાં એ ફક્ત વિનિમયો માટેના સર્વમાન્ય આધારને બદલે, કે પછી વિનિમયોને સરળ કરી આપનાર સાધનને બદલે, અર્થશાસ્ત્રનાં દરેક પાસાંનો અનિવાર્ય આધાર છે.
પરિણામે, ખર્ચ અને લાભાલાભનાં સહિતનાં અર્થવ્યવસ્થાનાં બધાં જ વિશ્લેષણો નાણાંને પ્રાથમિક સંદર્ભ ગણીને જ કરાતાં હોય છે. માનવી તર્કસંગત પ્રાણી છે તે પૂર્વાનુમાનની સાથે ખર્ચા અને લાભાલાભની બધી ગણતરીઓમાં નાણાને જ આધાર ગણી લેવાથી આપણી સાથેના વ્યવહારોની બાબતમાં અર્થશાસ્ત્રીઓ મુશ્કેલીમાં આવી પડતા હોય છે. આચરણમૂલક અર્થશાસ્ત્રીઓ પણ આપણી વર્તણૂકોને નાણાના સંદર્ભના તર્કની દૃષ્ટિ જ જોતા હોય છે અને અભ્યાસ કરતા હોય છે. કલ્પનાશીલ રચનાત્મકતાથી દોરવાતાં આપણા જેવાં આર્થિક નિર્ણયકર્તાઓનાં ઘણા નિર્ણયો નાણાના આધાર સિવાયના, બિનતાર્કિક, હોય છે. આપણા જેવાં બિનઅર્થકારણી સામાન્ય લોકો પોતાની મરજીના માલિક હોય છે. એમને દરેલ બાબતોમાં નાણાની જ પરવા નથી હોતી કે નથી તો દરેક વખતે તેઓ ખર્ચા અને લાભાલાભની ગણતરીઓ કરતાં. તેનું સીધું એક પરિણામ એ આવે છે કે અર્થશાસ્ત્રીઓ આપણી બધી વર્તણૂકોની સાચી આગાહીઓ તો નથી જ કરી શકતા પણ આપણા નાણાને કેંદ્રમાં રાખ્યા સિવાયના આપણા અંગત નિર્ણયોની સામુદાયિક અસરો જેમના પર પડતી હોય છે એવાં સામુહિક સ્તરનાં અર્થશાસ્ત્રની બધી ઘટનાઓની પણ તેઓ ચોક્કસપણે આગાહી નથી કરી શકતા.
સામૂહિક સ્તરનાં અર્થશાસ્ત્રની આપણને જરૂર પણ છે
આપણે જે અર્થવ્યવસ્થામાં રહીએ છીએ તેને અર્થશાસ્ત્રીઓ માલની ખપત, ઘરેલુ બચત, રોકાણો કે તેનાં પરનાં વળતરો અને નાણાંનાં ભાવિ મૂલ્યો જેવી બાબતોના સંદર્ભોમાં સામુહિક સ્તરે જ જુએ અને સમજે છે. જોકે એ સ્તરનાં તેમનાં ઘણાં તારણો, તેમની કેટલીક આગાહીઓ અને તેમની મોટા ભાગની ચિંતાઓ આપણને વ્યક્તિગત સ્તરની આપણી ખુશીઓ અને આપણી જીવન વ્યવસ્થાને કંઈકને કંઈક અંશે અસર પણ કરે છે. જેમકે, ભાવવધારાની આપણી ખરીદશક્તિ પરની કે આપણા રોકાણોનાં અસરકાર વળતર પરની અસરો.
બહુ સરળ ભાષામાં એમ કહી શકાય કે અર્થશાસ્ત્રીઓના અભ્યાસોનું હાર્દ નાણાકીય ખર્ચાઓ અને તેની સામેના નાણાકીય લાભાલાભોનાં વિશ્લેષણ સાથે સંકળાયેલું રહેતું હોય છે. આપણે જે સંસાધનો વાપરીએ છીએ કે જે નાણાકીય ‘ખર્ચા’ કરીએ છીએ તેમાં કઈ રીતે મહત્તમ ‘મૂલ્યવર્ધન’ કરવાથી આપણને વધારેમાં વધારે લાભ મળે તેનું મહત્ત્વ તેમના સામુદાયિક સ્તરના અભ્યાસોમાં વધારે હોય છે. એ લોકો જે સામુદાયિક સ્તરે જે બાબતોની શોધમાં રહે છે એ જ બાબતો, ભલે અલગ પ્રકારે, આપણને આપણાં વ્યક્તિગત સ્તરે પણ પ્રસ્તુત રહે છે.
સામુદાયિક સ્તરનાં અર્થવ્યવસ્થાનાં પરિબળો વિશે આપણે સામુદાયિક અર્થશાસ્ત્રનાં સરળમાં સરળ મોડેલને સમજી લીધા પછીથી મોડેથી વાત કરીશું.
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનના પદાર્થપાઠો અનુસાર આપણી આગવી અર્થવ્યવસ્થાના નિયમોની ગોઠવણી
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનના પદાર્થપાઠો શીખવાની શરૂઆત આપણે અર્થવ્યવસ્થાનાં માળખાંને સમજવાથી કરવી જોઈશે. ખર્ચ ને લાભાલાભનાં વિશ્લેષણ અર્થશાસ્ત્રનાં માળખાનું એક એવું સરળ પાસું છે જે આપણે બહુ ભારીખમ આર્થિક સિદ્ધાંતોની જંજાળમાં પડ્યા સિવાય પણ આપણાં અંગત જીવનમાં અપનાવી શકીએ તેમ છીએ.
આર્થિક જેલની અંદરનાં, અને બહારનાં પણ, જીવનને સ્પર્શતા સામુદાયિક અર્થતંત્રના અન્ય આવશ્યક સિદ્ધાંતોને આપણે જરૂરથી સમજીશું. પરંતુ એમ કરીને આર્થિક જેલની કોટડીમાં આપણે ગોંધાઈ નથી રહેવું. એ સિદ્ધાંતોની જ મદદથી જ્યાં નાણાની જરૂર નથી એવાં, જેલરને પણ સ્વીકાર્ય એવાં, ખુલ્લાં આકાશની નીચે વહેતી તાજગીભરી હવાની લહેરખીઓમાં આપણે ભમવું છે. નાણાની જાળમાં વીટાલાયેલા જેલના નિયમો આપણે પાળવા છે તે જેટલું સાચું છે એટલું જે નાણાં સિવાયનાં આપણાં જીવનનાં પાસાંઓ વડે આપણા જીવનને સંવારવાનું સાચું છે.
એટલે, અર્થશાસ્ત્રનાં માળખાંની અંદર રહીને આપણે આપણા પોતાના નિયમોથી ચાલતી આપણી આગવી અર્થવ્યવસ્થાની દુનિયાને વિકસાવવાની છે અને તેને અનુરૂપ થઈને આપણાં જીવનને ઘડવાનું છે.
આપણી અર્થવ્યવસ્થા અનુસાર અર્થશાસ્ત્રનાં મૂળભુત માળખાંની ગોઠવણી
અર્થશાસ્ત્રીઓનાં ખર્ચ અને લાભાલાભનાં વિશ્લેષણનાં મૉડેલને આપણે આપણી અંગત અર્થવ્યવસ્થાના ઢાંચામાં ગોઠવાવાની સાથે સાથે આપણે આપણાં બીનનાણાકીય સાધનોના વપરાશના ખર્ચા અને જીવનમાં સુખની આભા ફેલાવતા તેમાંથી મળતા બીનનાણાકીય લાભાલાભના હિસાબ પણ આપણે માંડીશું.
આપણી પાસે ઉપલબ્ધ એવાં અનેક સંસાધનોને અસરકારક રીતે કામે લગાડીને આપણાં સુખનાં આપણાં પોતાનાં લક્ષ્યોને આપણે સિદ્ધ કરીશું.
સુખના આપણા અન્ય અનેક સંભવિત લાભાલાભની ગણત્રીઓ આપણે માત્ર રૂપિયા પૈસામાં જ નહીં પણ બીનનાણાકીય પ્રમાણો અનુસાર પણ કરીશું.
બીજા શબ્દોમાં કહીએ તો અર્થશાસ્ત્રીનાં નાણાકીય ખર્ચને લાભાલાભનાં સરળ મૉડેલને અપનાવીને આપણે આપણા જીવનના હિસાબ રૂપિયા આના પુરતા મર્યાદિત નહીં કરી નાખીએ, પણ સંસાધનોના વપરાશનાં ખર્ચનાં તેમ જ તેમાંથી પરિણમતા લાભાલાભનાં દરેક શક્ય પરિમાણોના સંદર્ભમાં ગણત્રીઓ માંડીશું.
હવે પછી આપણી પાસે કયાં કયાં સંસાધનો છે, નાણાના પ્રભાવને હાવી થવા દેવા સિવાય તેમને કેમ કામે લગાડવાં અને આપણાં વ્યક્તિગત જીવનને સ્પર્શતા તેમાંથી પરિણમતા નાણકીય અને બીનનાણાકીય લાભો કયા હોઈ શકે તેની વાત કરીને આ પ્રકારણ પુરૂં કરીશું.
ક્રમશઃ
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.