પ્રકૃતિની પાંખો
હીત વોરા
જેમ જેમ ઉનાળાની ઋતુ અંત તરફ જાય છે તેમ પ્રકૃતિ ધીમે ધીમે બદલાતી લાગે છે, ઉનાળાની તીવ્ર ગરમી ઓછી થવા લાગે છે, પવનમાં ભેજનો અહેસાસ થાય છે અને આકાશમાં વાદળો ભેગા થવા લાગે છે. આ સમય દરમિયાન, જો તમે બાવળ કે ખજૂરના ઝાડને ધ્યાનથી જુઓ, તો તમને તેમાં લટકતી નાની રચનાઓ દેખાશે. આ છે Baya Weaver—જેને ગુજરાતીમાં “સુગરી” કહેવાય છે તેના ગૂંથેલા માળા.શરૂઆતમાં આ માળા તાજા લીલા અને અપૂર્ણ દેખાય છે, જાણે હજી પણ પવન સાથે આકાર લઈ રહ્યા હોય.
આ પક્ષી શિયાળાના સમયમાં સાદું ચકલી જેવું ભૂખરા રંગનું દેખાય છે જે થી તે ખેતરો અને ઘાસવાળા વિસ્તારોમાં સરળતાથી ભળી જાય છે અને ખાસ ધ્યાન ખેંચતું નથી આ સમયમાં તેના રંગ-રૂપને નોન બ્રીડિંગ પ્લુમેજ કહેવામાં આવે છે. પરંતુ ચોમાસું નજીક આવે ત્યારે નર પંખીનો રૂપ-રંગ બદલાઈ જાય છે. તેનું માથું તેજસ્વી પીળા રંગનું થઈ જાય છે અને તે ખૂબ સક્રિય બની જાય છે—તેનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે: માળો બનાવવો અને માદા સુગરીને આકર્ષવી.


નર તેમાં લટકી રહે છે, અવાજ કરે છે અને સતત હલચલ કરીને માદાને આકર્ષે છે. માદા આવે છે અને માળાની સારી રીતે તપાસ કરે છે. જો માળો મજબૂત, સુરક્ષિત અને યોગ્ય લાગે, તો તે તેને સ્વીકારી લે છે અને પછી માળો સંપૂર્ણ બોટલ જેવા આકારમાં બને છે. જો માળો સ્વીકારવામાં ન આવે, તો નર તે માળાને ત્યજી ઉડી જાય છે. એક જ ઝાડ પર લટકતા ઘણા માળાઓમાંના ઘણા માળા નકારેલા પણ હોય છે—પ્રકૃતિમાં પસંદગી કેટલી કડક છે તેનું આ એક ઉદાહરણ છે.
આ સમગ્ર પ્રક્રિયા ચોમાસા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. વરસાદ સાથે નવી ઘાસ ઊગે છે, જે માળા બનાવવા માટે જરૂરી છે. ખેતરોમાં બીજ વધે છે અને જીવાતોની સંખ્યા વધી જાય છે—જે નવજાત બચ્ચા માટે મહત્વપૂર્ણ ખોરાક છે. એટલે સુગરી માટે ચોમાસું માત્ર એક ઋતુ નથી, પણ જીવનચક્રનો આધાર છે.
જ્યારે માદા કોઈ માળો સ્વીકારી લે છે, પછી જ નર તેને પૂર્ણ કરે છે. માદા તેમાં સામાન્ય રીતે ૨ થી ૪ ઈંડાં મૂકે છે અને તેમની ઉષ્ણતા જાળવે છે. થોડા સમયમાં બચ્ચા બહાર આવે છે અને જ્યાં સુધી તેઓ ઉડવા તૈયાર ન થાય ત્યાં સુધી માતા-પિતા તેમને ખવડાવે છે.
સુગરીના માળાનો એક રસપ્રદ પાસો એ છે કે તે હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે માળાનું મુખ ચોમાસાના તેજ પવનની દિશાથી વિપરીત રાખવામાં આવે છે, જેથી વરસાદ અને પવનનો પ્રભાવ ઓછો પડે. માળાનો લાંબો અને સંકોચાયેલો પ્રવેશદ્વાર પણ વરસાદી પાણી અંદર જવાથી રોકે છે. આ પ્રકારની રચનાને કારણે માળાના અંદરનું વાતાવરણ તુલનાત્મક રીતે સ્થિર રહે છે, જે ભારે વરસાદ દરમિયાન ઈંડાં અને બચ્ચા માટે વધુ સુરક્ષિત બને છે.
સુગરી સામાજિક પક્ષી છે અને સામાન્ય રીતે ટોળાંમાં રહે છે. આ ટોળાં ખોરાક માટે સાથે મળીને શોધખોળ કરે છે—ઘાસમાંથી બીજ ખાય છે. કાપણી થયેલા ખેતરોમાં તે મોટા ટોળાંમાં ભેગા થઈને બાકી રહેલા દાણા, ખાસ કરીને ધાન, ખાય છે. તેમના ટોળાંનું ઉડાન પણ ખાસ હોય છે. તે ટોળામાં એકબીજાની નજીક રહીને ઝડપથી વળાંક લેતા, સંકલિત રીતે દિશા બદલતા ઉડે છે!
પ્રજનન સમય દરમિયાન તેઓ જીવાતો જેમ કે ઈયળ, પતંગિયા અને અન્ય કીટકો પણ પકડે છે, જે બચ્ચા માટે જરૂરી પ્રોટીનનો સ્ત્રોત બને છે. ક્યારેક તેઓ નાનાં દેડકા અને ગરોળી પણ પકડે છે. તેમની હાજરી ખોરાકની ઉપલબ્ધિ પર આધારિત હોય છે—જ્યાં ખોરાક મળે, ત્યાં તેઓ જાય છે. સાંજ પડે ત્યારે તેઓ પાણીના સ્ત્રોતની આસપાસના રીડ-બેડમાં(નદી અથવા તળાવમાં રહેલી મોટી અને લાંબી ઘાસમાં)ટોળાંમાં બેસી રહે છે.
ક્યારેક તેઓ પાકને નુકસાન પહોંચાડે છે, પરંતુ સાથે સાથે તેઓ જીવાતો ખાઈને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ પણ કરે છે.
બચ્ચા ઉડી જાય પછી માળાની વાર્તા પૂરી થતી નથી. ઘણા માળા ખાલી રહી જાય છે અને ધીમે ધીમે સુકાઈ જાય છે. પરંતુ તે વ્યર્થ નથી જતા. નાના પંખીઓ જેમ કે મુનિયા અથવા સિલ્વરબિલ આ માળાઓનો ઉપયોગ કરે છે. નાના જીવાતો અને મકોડાં પણ તેમાં રહેવા લાગે છે. એટલે એક માળો, જે એક પરિવાર માટે બનાવાયો હતો, પછી બીજા ઘણા જીવો માટે આશ્રય બને છે.
આ કારણે, આવા માળાઓને સજાવટ માટે ઘરે લઈ જવું યોગ્ય નથી. જે માળો આપણને ખાલી લાગે છે, તે હકીકતમાં પર્યાવરણનો એક ભાગ છે.
સુગરી પોતાની રીતે પર્યાવરણનું પ્રતિબિંબ છે. તેની હાજરી બતાવે છે કે આસપાસનો વિસ્તાર સ્વસ્થ છે—જ્યાં ઘાસ, પાણી અને ખોરાક પૂરતો છે. તેનો પ્રજનન મોન્સૂનના આગમનને દર્શાવે છે, અને તેની પ્રવૃત્તિ ઋતુના ફેરફારો સાથે જોડાયેલી છે.
આવતા વરસાદ સાથે, સુગરી ફરી પાછી આવે છે—અને આ ચક્ર આમ જ ચાલતું રહે છે.
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
