નિસબત

ચંદુ મહેરિયા

વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને  પીરિયડ લીવ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી, સરકારની નીતિ વિષયક બાબત ગણાવી,  સર્વોચ્ચ અદાલતે સુનાવણી માટે સ્વીકારી નથી. જોકે  અન્ય પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટે માસિકસ્ત્રાવ દરમિયાનની સ્વચ્છતા અંગે સમાન રાષ્ટ્રીય નીતિ ઘડવા અને તમામ સ્કૂલ ગલ્સને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવા નિર્દેશ આપ્યો છે. તેને કારણે માસિકસ્ત્રાવ, મોનોપોઝ, પીરિયડ લીવ અને સેનેટરી નેપકિન જેવી શરમ અને સંકોચને કારણે ભાગ્યે જ જાહેરમાં ચર્ચાતી બાબતો સપાટી પર આવી છે.

મલયાલમ લેખક પી. ભાસ્કર રુન્નીના પુસ્તક ‘ કેરલ ઈન નાઈનટીન્થ સેન્ચુરી’માં ઈ.સ. ૧૯૧૨માં કેરળના કોચીન રજવાડાના( હાલનો અર્નાકુલમ જિલ્લો)  ત્રિપુનથુરા ગામની સરકારી કન્યા શાળાએ વાર્ષિક પરીક્ષામાં પણ મહિલા શિક્ષકો અને વિધ્યાર્થીઓને પીરિયડ લીવ આપી હોવાનો ઉલ્લેખ છે. સોવિયત સંઘે ઈ.સ. ૧૯૨૨માં નેશનલ પોલિસી થકી મહિલા કામદારોને માસિકસ્ત્રાવની રજા આપી હતી. આ તો હવે સદી પુરાણી વાત થઈ.

પણ નવેમ્બર ૧૯૯૧માં મુખ્યત્વે કેન્દ્રના ધોરણે પગાર અને પગાર વિસંગતતા નાબૂદી માટેના બિહારના સરકારી કર્મચારીઓના આંદોલનની એક ગૌણ માગણી મહિલા કર્મચારીઓને માસિકસ્ત્રાવની પીડાના દિવસોની સવેતન ખાસ રજા આપવાની હતી. માધ્યમોએ ગંવાર તરીકે ચિતરેલા લાલુપ્રસાદ યાદવ તે સમયે બિહારના મુખ્યમંત્રી હતા. કર્મચારી આગેવાનો સાથે મંત્રણાના મેજ પર લાલુપ્રસાદે પીરિયડ લીવની માંગણી ક્ષણના ય વિલંબ વિના સ્વીકારી લીધી હતી. અને ૧૯૯૨ની પહેલી જાન્યુઆરીથી તેનો અમલ થઈ રહ્યો છે.

પછાત, સામંતી અને બીમારુ રાજ્ય બિહારના મહિલા કર્મચારીઓ લગભગ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પીરિયડ લીવ મેળવે છે.પરંતુ ભારતનું એકેય પ્રગતિશીલ, વિકસિત કે વાઈબ્રન્ટ રાજ્ય જમાના કરતાં આગળના બિહારના આ પગલાંનું અનુકરણ કરી શક્યું નથી. (અપવાદરૂપે હજુ હમણા કેરળની સામ્યવાદી સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓની છાત્રાઓને પીરિયડ લીવ આપવાનું ઠરાવ્યું છે ) એટલે દુનિયાના લગભગ એકાદ ડઝન દેશોમાં મહિલાઓને માસિકસ્ત્રાવના દુખાવા માટે ખાસ રજા મળે છે અને તાજેતરમાં સ્પેનની સંસદે આ માંગ સ્વીકારતાં તે પીરિયડ લીવ આપનારો  પહેલો યુરોપિયન દેશ બન્યો છે. તેની યાદ ભારતને આપવાનો અર્થ નથી.

તમામ મહિલાઓ દર મહિને એકાધિક દિવસોની માસિકસ્ત્રાવની પીડા ભોગવે છે. એક મહિલા તેની જિંદગીના કુલ વરસોમાંથી સરેરાશ દસ વરસ કે ત્રણ હજાર પાંચસો દિવસ માસિકની પીડા વેઠે છે. તેમાં બે વરસનો ગાળો તો ભારે મુશ્કેલ હોય છે. તેમાં અસહ્ય પીડા, દર્દ અને રક્તસ્ત્રાવ સહેવા પડે છે. આ વિષયના એક વિદેશી નિષ્ણાતના મત પ્રમાણે માસિકનો દુ:ખાવો હ્રદય રોગના હુમલા જેટલો હોય છે. માસિકના  દિવસોમાં લગભગ ૨૦ ટકા મહિલાઓ તો ચાલી પણ શકતી નથી. મહિલાઓ જે શારીરિક-માનસિક મુશ્કેલીઓ ભોગવે છે તેમાં માથું, પેટ અને પગનો દુખાવો, શરીરમાં કળતર, ઉલટી, તાવ, ચક્કર , ચીડિયાપણું, બેચેની, મૂડ ખરાબ હોવો, ઉંઘ અને  ભૂખ ઘટવાં જેવી બાબતોનો સમાવેશ થાય છે.

મહિલાઓને આ દિવસોમાં આરામની સખત જરૂર હોય છે એટલે જો તે આ સમયે કામ કરે તો કામને અને મહિલાને બંનેને અસર થાય છે. તેને કારણે કામની ગુણવત્તા જોખમાય છે અને ઉત્પાદન ઘટે છે. જો માસિકના દુખાવાની પીડાના સમયે તેને રજા કે આરામ મળે તો પછીના દિવસોમાં તે વધુ સારી રીતે કામ કરી શકે છે અને ધાર્યું ઉત્પાદન થઈ શકે છે. એટલે મહિલા અને નોકરીદાતાના લાભમાં છે કે તેને આરામ કે રજા મળે.

કામગરા દેશની વાજબી છાપ ધરાવતા જાપાનમાં ૧૯૪૭થી મહિલાઓને પીરિયડ લીવ આપવામાં આવે છે. માસિકસ્ત્રાવ અને તેની પીડા એક જૈવિક પ્રક્રિયા છે. મહિલાઓ આ દિવસો અને તેની પીડા વિશે ખુલીને પુરુષકર્મી સાથે સહજતાથી વાત કરી શકતી નથી. ઘણી મહિલાઓ રજોનિવ્રુતિકાળની મુશ્કેલીઓને કારણે નોકરી છોડે છે. દેશમાં સરેરાશ ૫૭.૬ ટકા મહિલાઓ જ સેનેટરી પેડ વાપરે છે. બાકીનાને તે પોસાય તેમ નથી તેથી તેઓ હાથવગા ઉપાય કરે છે. દેશની શ્રમિક અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને પીડા વેઠીને પણ કામ કરવું પડે છે. નહીં તો તેને ભૂખે મરવું પડે છે.

આમ પણ સવેતનિક કામ માટે મહિલાઓની પસંદગી ઓછી જ થાય છે. ૧૯૬૧ના માતૃત્વ લાભ અધિનિયમ પ્રમાણે મહિલાકર્મીને પ્રસૂતિ, ગર્ભપાત, ફેમિલીપ્લાનિંગ સર્જરી જેવા કારણોસર પેઈડ લીવ આપવી  નોકરીદાતાને ગમતી નથી. જો તેમાં પીરિયડ લીવ ઉમેરાય તોમહિલાઓને શાયદ નોકરીએ જ ના  રાખે..આ સૌથી મોટો ગેરફાયદો છે. જાપાનમાં કાયદા છતાં પાત્રતા ધરાવતી ૦.૯ ટકા મહિલાઓ જ પીરિયડ લીવનો લાભ લે છે.તે હકીકત પણ નજરઅંદાજ કરવા જેવી નથી.

જોકે સ્ત્રી-પુરુષ સમાનતાની દ્રષ્ટિએ આ માંગનો વિરોધ યોગ્ય નથી. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે, બાળક્ને જન્મ આપે છે, માસિક્ની પીડા વેઠે છે. આ કશું ય પુરુષને ભાગે આવતું ના હોઈ સમાનતાની આડ લેવી યોગ્ય નથી. માસિકની રજા મહિલાઓનો કાનૂની અને માનવીય અધિકાર છે અને તે તેમને આરામ અને રાહત આપશે તે નિર્વિવાદ છે. દેશની દોઢ ડઝન ખાનગી કંપનીઓ અને બિહાર રાજ્ય જો પીરિયડ લીવ આપતાં હોય તો બીજા પણ આપી શકે.

પીરિયડ લીવના મુદ્દે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે. સંસદમાં  આ અંગેના બે બિનસરકારી વિધેયકો પર સરકારનો અભિગમ નકારાત્મક હતો.. લોકસભામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ  પ્રવર્તમાન કાયદાનો હવાલો આપીને માંગ નકારી છે. તો આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે માસિકસ્ત્રાવને સામાન્ય શારીરિક પ્રક્રિયા ગણાવીને ગંભીર પીડા કે મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓનું પ્રમાણ ઓછું છે તેમ જણાવી રજાની માંગણી ઈન્કારી છે. કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુ  માસિકના ગાળાને મહિલાઓ માટે ઈમોશનલ રોલર કોસ્ટર જેવો ગણાવે છે ખરા પણ રજા તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પૂરતી જ આપે છે !

મહિલાઓની માસિક્સ્ત્રાવની રજાની માંગ સ્વીકારીને સરકાર કદાચ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં મહિલાલક્ષી સવલતો અને સુધારા કરવામાંથી મુક્તિ મેળવી લેશે. વળી બહુ મોટો ગરીબ મહિલાઓનો વર્ગ તો તેમાંથી બાકાત હશે.સિંદૂર, કાજલ,  ચાંદલો જેવા મહિલા સોંદર્યપ્રસાધનના સાધનો જીએસટી મુક્ત હોય પણ સેનેટરી નેપકિન  જીએસટીયુક્ત હોય તેવી સરકારી નીતિ અને માસિક્સ્ત્રાવની જૈવિક પ્રક્રિયાને પણ ધર્મ સાથે જોડી માસિકધર્મ તરીકે ઓળખાવતા સમાજ સામે મહિલાઓએ અનેક મોરચે લડવાનું છે. એટલે સરકારસહિતના સમગ્ર સમાજની સંવેદનશીલતા જરૂરી છે


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.