આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર પણ સમજવું તો જોઇએ

દિવ્યભાષ સી. અંજારીઆ

પ્રકરણ # ૩ – અંશ : ૧ થી આગળ

અર્થશાસ્ત્રીઓની તર્કસંગત પૂર્વધારણાઓ અને અનુમાનો

પરંપરાગત રીતે અર્થશાસ્ત્રીઓ માને છે કે આપણે બધાં એવી તાર્કિક વ્યક્તિઓ છીએ જેઓ પોતાના આર્થિક  નિર્ણયો ઓછામાં ઓછાં ‘નાણાં’ ખર્ચીને વધારેમાં વધારે (નાણાકીય) ‘ઉપયોગિતા’ મળશે એ તર્કથી જ લે છે. જેમકે, ઓછાંમાં ઓછાં કિંમતની સારામાં સારી વસ્તુ કે સેવા ખરીદવી, કે આપણાં કામ કે નોકરી માટે વધારેમાં વધારે મહેનતાણાંની અપેક્ષા કરવી; એ જ કામ માટે જો વધારે નાણાં મળતાં હોય તો અત્યારની નોકરી પણ છોડી દેવા તૈયાર થઈ જવું; કે પછી આપણાં રોકાણ પર વધારેમાં વધારે વ્યાજ કે ડિવિડંડ રૂપી  વળતરની શોધમાં રહેવું, વગેરે. એટલે જ આપણને ‘મફત’ મળતી ભેટો બહુ વહાલી લાગે છે!  બીજા શબ્દોમાં કહીએ તો આપણા દરેક આર્થિક નિર્ણયોનો મૂળભૂત આશય વધારેમાં વધારે નાણાકીય સંપત્તિ અર્જિત કરવાનો હોય છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે, વધારે મહેનતાણાંના પ્રસ્તાવ જતા કરવા કે વધારે મોંઘી વસ્તુ કે સેવા પર પસંદગી ન ઉતારવી કે રોકાણ પર ઓછું વળતર સ્વીકારવા જેવા ‘અતાર્કિક’ નિર્ણયો આપણે ‘તાર્કિક’ વ્યક્તિઓ તરીકે ન લઇએ.

‘તાર્કિકતા’ની આ વ્યાખ્યાનો વ્યવહારમાં અર્થ એ થાય કે આપણે ‘નાણાં સંચાલિત’ અર્થવ્યવસ્થાની બહારની કોઈ અર્થવ્યવસ્થામાં ભળવા નથી માગતાં. બીજા શબ્દોમાં કહીએ તો,  કોઈને કોઈ સ્વરૂપના નાણાકીય વળતરની જ આપણે હંમેશાં તલાશ રહે છે, આપણી વસ્તુઓ કે સેવાઓ આપણે બીજાંને નાણાનાં બદલામાં જ આપવાનું પસંદ કરીએ છે. આપણી બધી ખુશીઓ પણ નાણામાં શરૂ  થઈને નાણામાં જ પુરી થાય છે.

એટલે કે, અર્થશાસ્ત્રીઓ તો એમ જ માનશે કે ‘બિનતાર્કિક’ વિશ્વનું કોઈ અસ્તિત્વ જ નથી. વળી જો કદાચ કોઈ રડ્યુંખડ્યું બિનતાર્કિક હોય, તો પણ તેને અપવાદ ગણીને ગણતરીમાં ન લેવામાં કોઈ વાંધો ન આવે.

અર્થશાત્રીઓનું આ મૂળભુત અનુમાન જ સમસ્યાની જડ છે. એ લોકો તો આપણને બધાંને એવાં ‘તાર્કિક પ્રાણી’ માને છે જેમને નાણાકીય ‘ઉપયોગિતા’ને પોતાનાં સુખની શોધ મહત્તમ કરવામાં જ રસ છે. પરંતુ, વાસ્તવમાં આપણા બધા નિર્ણયો ‘તાર્કિક’, એટલે કે નાણાકીય ફાયદાઓને મહત્તમ કરવા અંગેના, નથી હોતા. આપણે હાલના વ્યવસાયમાં અન્યથા ખુશ હોઇએ તો માત્ર વધારે મહેનતાણાં માટે કરીને વ્યવસાય ન પણ બદલીએ ! આપણને કૉઈ વસ્તુ ગમી ગાઈ છે, કે સમાજમાં વટ પાડવો છે, એટલે પણ ઘણી વાર મોંધી દાટ વસ્તુ કે સેવા આપણે ખરીદવાનું આપણે પસંદ કરી લેતાં હોઇએ છીએ. જે રોકાણમાં વળતર ઘણું વધારે હોય, પણ વળતર કે રોકાણની સલામતી ન હોય એવાં રોકાણો કરવાનું આપણે ટાળતાં પણ હોઇએ છીએ – જેમકે, ઘણી વાર આપણે કોઈ વસ્તુ ખરીદવાનો નિર્ણય એટલે કરીએ છીએ કે તે ‘પર્યાવરણને નુકસાન કરનાર’ નથી, કે પછી કોઈ સંસ્થા સાથે રોકાણ કરવાનું, કે અન્ય કોઈ રીતે સંકળાવાનું, એટલે પસંદ એટલે નક્કી કરીએ છીએ કે એ સંસ્થા ‘બાળ મજૂર’ને કામે ન લગાડવાં જેવાં ઉચ્ચ નૈતિક ધોરણો જ અપનાવે છે.

જોકે છેલ્લા થોડા સમયથી અર્થશાસ્ત્રીઓને આ ‘તાર્કિક પૂર્વધારણા’ની ભુલ સમજાવા લાગી છે. પરિણામે, આચરણમૂલક અર્થશાસ્ત્રની શાખાનો વિકાસ થવા લાગો છે. આચરણમૂલક અર્થશાસ્ત્રીઓ આપણી વર્તણૂકો, અને તેને સુસંગત લેવાતા આપણા નિર્ણયોને દોરતા મનાતા નિયમો બાબતે વિચારવા લાગ્યા છે. જોકે, પોતાના આવા પ્રયાસોમાં, હજુ પણ, એ લોકોનો મૂળભુત અભિગમ તો આપણી નિર્ણય પ્રક્રિયા  ‘તર્કસંગત’ જ હશે એવી માન્યતા અનુસારનાં વિજ્ઞાનના રંગે જ રંગાયેલો છે.  એ લોકો ને એ વિચાર જ નથી આવતો કે આપણે ‘તાર્કિક’ ધારાધોરણો સિવાયનું કોઈ આચરણ કરી પણ શકીએ છીએ. અંગત સ્તરે આપણા ઘણ નિર્ણયો – કે આચરણો – તર્કની બહાર પણ હોય છે એવું મહદ અંશે સાબિત થઈ ચૂકવા છતાં એ લોકો આપણાં આચરણોની પાછળ ઓછામાં ઓછાં નાણાકીય ખર્ચ વડે મહત્તમ વળતર વડે આથિક સંપતિ ઊભી કરનારા ‘તર્કસંગત’ નિયમોની જ શોધમાં મચ્યા પડ્યા રહે છે. પરિણામે, આપણી ઘણા નિર્ણયો – કે આચરણો- હજુ પણ તેમની ગણતરીમાં આવતાં જ નથી.

અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનનું ખરૂં સ્થાન

વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ ફુગાવો, ઉપાદકતા કે નાણાકીય સ્થિરતા જેવા સામુહિક સ્તરની અર્થવ્યવસ્થાનાં વિજ્ઞાન અને સંશોધનોમાં રચ્યા પય્યા રહેતા હોય છે. તેમના આ અભ્યાસ અને આગાહીઓને કારણે શાસનકર્તાઓ કે નિયમનકર્તાઓને નીતિ ઘડવામાં સલાહકારો તરીકેની ભૂમિકા સુનિશ્ચિત જરૂર બને છે.

પરંતુ સામુહિક સ્તરની અર્થવ્યવસ્થાને લગતી સફળતાઓ આપણને, વ્યક્તિગત સ્તરે, બહુ ઉપયોગી નથી નીવડી. જો અર્થશાસ્ત્રીએ સામાજિક વિજ્ઞાન જેવાં તેમનાં અર્થશાસ્ત્રનાં દરેક પાસામાં સફળ થવું હશે તો તેમણે આપણા જેવી, સામાન્યતઃ બિનઆર્થિક કક્ષાની, વ્યક્તિઓની વ્યક્તિગત નિર્ણય પ્રક્રિયાના અસરકારક ‘માર્ગદર્શક’ તરીકે સફળ થવું જોઇશે. એમ કરી શકવા માટે તેમણે આપણી નિર્ણય પ્રક્રિયા પાછળનાં પરિબળો અને નિર્ણયોનાં પરિણામોને ગણતરીમાં લેવાનું શરૂ કરવું જોઇશે. એટલે કે, તેમનાં સામૂહિક સ્તરનાં અર્થશાસ્ત્રને આપણી વ્યક્તિગત સ્તરની અર્થવ્યવસ્થા સાથે સક્રિયપણે સાંકળવું જોઇશે. વધારેમાં વધારે ‘ઉપયોગિતા’ કે નાણાકીય સમૃદ્ધિ જેવી બાબતોની તેમની વૈશ્વિક સ્તરની ખોજનો સમન્વય એ લોકો વ્યક્તિગત સ્તરની આપણી એ જ ખોજ સાથે કરી શકશે તો જ તેઓ વ્યક્તિગત સ્તરે તેમ જ સામુદાયિક રીતે વૈશ્વિક કક્ષાએ આપણને સંતોષ અને સુખ આપી શકશે.

વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ આપણને મર્યાદિત સ્તરે જ મદદ કરી શક્યા છે – કરી રહ્યા છે – એટલે આપણે હવે એમના વિશે ચિંતા કરવાનું છોડીને આપણાં અંગત સ્તરે, થોડું વધારે દૂરનું, વિચારવા પર ધ્યાન આપવું જોઇશે. આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થા ગોઠવીને પણ સાધનોની બિલકુલ જરૂર પુરતી જ ખપત કરીને આપણે વધારેમાં વધારે પરિણામો લાવી શકીએ તેમ છીએ. આપણી આગવી અર્થવ્યસ્થાની ગોઠવણી કરતી વખતે આપણે આર્થિક જેલની નીતિઓ અને નાણારૂપી જેલરના નિયમોને અનુરૂપ થવાની સન્નિષ્ઠ કોશિશ કરીએ તે વધારે જરૂરી બની રહે છે. એમ કરવામાં આપણે જો સફળ થઈશું તો કોઈ જ આશ્ચર્યની વાત નહીં હોય કે જેલર દ્વારા આપણા બિનનાણાકીય નિર્ણયો અને આચરણોની સ્વીકૃતિ પણ મળશે. હા, એટલી જ શરત રહેશે કે આપણે બીજા જેલવાસીઓને નુકસાન ન પહૉંચાડીએ, કે જેલમાં સુરંગો ખોદીને બિનઅર્થિક અભયારણ્યો તરફ ભાગી છૂટવાની પેરવીઓ ન કરીએ.

તો ચાલો, આર્થિક જેલમાં રહ્યે રહ્યે આપણી આગવી અંગત અર્થવ્યવસ્થાના નિયમો ઘડીએ.


ક્રમશઃ


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.