નિસબત
ચંદુ મહેરિયા
તેજસ્વી, અધ્યયનશીલ અને પ્રતિબધ્ધ સમાજવાદી નેતા મધુ લિમયે(૧૯૨૨-૧૯૯૫) ની જન્મશતાબ્દીનું સમાપન વરસ અને કોંગ્રેસ સમાજવાદી પક્ષથી નોખા સમાજવાદી પક્ષની સ્થાપના(૧૯૪૮)નું અમૃતપર્વ ઠાલો યોગાનુયોગ જ નથી. આમ તો ભારતમાં સમાજવાદી આંદોલન બહુ વહેલું આરંભાયું હતું. કોંગ્રેસના ભાગરૂપે જ સમાજવાદીઓ કામ કરતા હતા. પરંતુ ગાંધી હત્યાના વરસે તેઓ છૂટા પડ્યા અને પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો એ રીતે આ સમાજવાદી પક્ષની સ્થાપનાનું પંચોતેરમું વરસ છે. એ સમયે દેશમાં સમાજવાદનું પંચો તેરમું હોય એવી સ્થિતિ છે. સમાજવાદી નેતા તરીકે મધુ લિમયેને તેનો અણસાર આવી ગયો હતો. તેમણે તેનું નિર્મમ વિષ્લેષણ પણ કર્યું હતું. આજે દેશમાં એક રાજકીય પક્ષ તરીકે સમાજવાદી પક્ષ જરૂર અસ્તિત્વમાં છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં તેની રાજવટ પણ હતી. પરંતુ મુલાયમસિંઘ યાદવના કુણબાના આ પક્ષનો પરિવારવાદ અને તકવાદ તેને સમાજવાદી કહેતાં અટકાવે તેવો છે.
પહેલી મે ૧૯૨૨ના રોજ પુણેમાં જન્મેલા મધુ લિમયે પંદર વરસની વયે સ્કૂલમા ગયા વિના મેટ્રિકની પરીક્ષા પાસ કરીને બૌધ્ધિકોનો અડ્ડો ગણાતી ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા હતા. વાચન, સ્વતંત્રતા આંદોલન અને સમાજવાદનો પાશ એમને વિધ્યાર્થીકાળમાં જ લાગ્યો હતો. પ્રખર સમાજવાદી એસ.એમ. જોશીના પરિચયે તે ગાઢ થયો. આઝાદી આંદોલનમાં ભાગ લેવા તેમણે કોલેજ શિક્ષણ અધૂરું છોડી દીધું પણ વાચન અને અધ્યયન જીવનભર રહ્યાં. ૧૯૪૦માં અઢાર વરસના નવયુવાન લિમયેને યુધ્ધ વિરોધી વકતવ્ય બદલ જેલની સજા થઈ. તેમને જે ધુલિયા જેલમાં રાખવામાં આવ્યા હતા. તે જેલમાં ચાળીસ વરસના સાને ગુરુજી વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે હતા. લિમયે અને સાને ગુરુજીની ત્યાં એવી તો આત્મીયતા બંધાઈ કે જેલમાં લિમયેએ સમાજવાદ પર જે અઢાર વ્યાખ્યાનો આપ્યા હતા તેનું રોજેરોજ શબ્દાંકન સાને ગુરુજી કરતા હતા. એસ.એમ.જોશી અને સાને ગુરુજી તરફથી મધુ લિમયેને પુત્રવત પ્યાર મળ્યો હતો.
સમાજવાદીઓ માટે સહજ એવી અધ્યયનશીલતા અને આંદોલનકારિતા મધુ લિમયેમાં પણ હતી. ભારત આઝાદ થયા પછી પણ ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. ડો.રામ મનોહર લોહિયાના ગોવા મુક્તિ આંદોલનમાં લિમયે સક્રિય હતા. અસ્થમાની પરવા કર્યા વિના તેઓ જોડાયા હતા. જુલાઈ ૧૯૫૫માં ગોવા મુક્તિ સત્યાગ્રહના એક જૂથનું નેતૃત્વ કરતા તેમને એ હદે માર મારવામાં આવ્યો હતો કે તેમના અવસાનની અફવા ચાલી હતી. પોર્ટુગીઝ પોલીસના મારની શારીરિક પીડા આજીવન એ રીતે રહી કે તેઓ કદી ચત્તા સુઈ ના શક્યા. છતાં ગોવા મુક્તિ સત્યાગ્રહને તેઓ જિંદગીનું સુવર્ણ પૃષ્ઠ માનતા હતા જેમાં તેમને બાર વરસના કારાવાસની સજા થઈ હતી. આંદોલન આઝાદીનું હોય કે દૂસરી આઝાદીનું , મજદૂરોનું હોય કે કિસાનોનું , યુવાનોનું હોય કે મહિલાઓનું લિમયે સદા તેમાં હોય જ. તોંતેર વરસની આવરદામાં આ અધ્યયનશીલ આંદોલનકારીને ત્રેવીસ વખત જેલમાં જવું પડ્યું હતુ. ઈંદિરાઈ કટોકટીમાં પણ તેમણે ઓગણીસ મહિનાનો જેલવાસ વેઠ્યો હતો.
જન્મભૂમિ મહારાષ્ટ્રને બદલે તેમણે બિહારને કર્મભૂમિ બનાવી હતી. ચાર વખત બિહારમાંથી તેઓ લોકસભામાં ચૂંટાયા હતા. એટલે સિધ્ધાંતનિષ્ઠાને વરેલા સજગ સાંસદ સંસદમાં સદાય કર્મભૂમિના લોકોની ભાષા હિંદીમાં જ બોલતા હતા. જે તેમણે પહેલા જેલવાસમાં શીખી હતી. જાગ્રત અને નીડર સાંસદ તરીકે તેમનાથી સત્તાપક્ષ સતત ડરતો. કેટકેટલા કૌભાંડો તેમણે ઉજાગર કર્યા છે. આંતરિક કટોકટી વખતે ઈન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી ટાળવા પાંચને બદલે મુદત વધારીને છ વરસની કરી તો તેના વિરોધમાં તેમણે જેલમાંથી સંસદસભ્યપદેથી રાજીનામુ મોકલી આપ્યું હતું. યાદ રહે કે આવું સાહસ જેલમાં રહેલા એક પણ વિપક્ષી સાંસદે કર્યું નહોતું માત્ર શરદ યાદવ જ તેને અનુસર્યા હતા. સ્વાતંત્ર્ય સૈનિક અને સંસદસભ્ય તરીકે મળતું પેન્શન એમણે આર્થિક અભાવો છતા કદી ના લીધું. લોહિયાએ પિછડા માંગે સો મેં સાઠનો નારો આપ્યો તો તેનો અમલ લિમયેએ પોતાથી કર્યો. ચોથી લોકસભાના સંયુક્ત સમાજવાદી પક્ષના સંસદીય નેતા પદેથી રાજીનામુ આપીને તેમણે પછાત વર્ગના રવિ રાયને નેતાપદે બેસાડ્યા. કટોકટી પછી જનતા પક્ષની સરકાર બની તો સરકારમાં જોડાવાને બદલે તેમણે પક્ષના મહાસચિવ તરીકે સંગઠનના કામને પ્રાધાન્ય આપ્યું હતુ. એ સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે અલગ અલગ રાજકીય વિચારધારાના લોકોના બનેલા પ્રધાનમંડળમાં મારા વિચારોનો કદાચ મેળ ના બેસે.
અસંમતિનો અવાજ લિમયેની પહેચાન હતી. સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનથી તે વેગળા રહ્યા. એટલે જે પ્રજાએ ગોવા મુક્તિ આંદોલનના નેતા તરીકે જેલમુક્તિ પછી તેમની મુંબઈના શિવાજી પાર્કમાં વિરાટ સત્કાર સભા યોજી આરતી ઉતારી હતી તે જ પ્રજાએ તે જ સ્થળે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના ઉમેદવાર સામે તેમને બોલવા ના દીધા અને ચૂંટણીમાં તેમની ડિપોઝિટ ડૂલ થઈ. જોકે આવી આકરી કિંમત ચૂકવીને તે જનમતની વિરુધ્ધ રહ્યા હતા. ૧૯૫૧-૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં હાર પછી સમાજવાદીઓમાં વિચારમંથન ચાલ્યું હતું. અશોક મહેતાએ સત્તાપક્ષ સાથે હળીમળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પણા લિમયે તેના વિરોધમાં હતા. તેનાથી સમાજવાદીઓનું વિપક્ષ તરીકેનું વજૂદ નહીં રહે તેમ તે માનતા હતા. ડો.લોહિયાના બિનકોંગ્રેસવદના પણ તે વિરોધી હતા. રાજા મહારાજાઓના સ્વતંત્ર પક્ષ અને જનસંઘ જેવા સાંપ્રદાયિકા પક્ષ સાથે માત્ર કોંગ્રેસને હરાવવા જોડાણ કરવાના મતના તે નહતા.
૧૯૮૨માં સક્રિય રાજનીતિમાંથી તે નિવૃત થયા પણ લેખન થકી જાહેર જીવનમાં સક્રિય હતા. બારેક વરસના આ ગાળામાં તેમણે અનેક પુસ્તકો લખ્યા. નિત્ય અધ્યયનરત આ રાજનેતાએ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પંચોતેર જેટલા પુસ્તકો લખ્યા છે. જેમાં સમાજવાદનો ઈતિહાસ અને તેની આલોચના પણ છે. ધર્મ નિરપેક્ષપક્ષોએ મુસ્લિમ અને હિંદુ સાંપ્રદાયિક કટ્ટરપંથી પક્ષો સાથે કરેલા સિધ્ધાંતહીન જોડાણોને કારણે સાંપ્રદાયિક પક્ષો બળવત્તર બન્યા હોવાનું અને સમાજવાદીઓના વિખરાવે તે સત્તામાં આવશે તેમ તે માનતા હતા.
સમાજવાદ એક છેતરામણો શબ્દ છે. કોંગ્રેસે તેના અધિવેશનોમાં ‘સમાજવાદી પધ્ધતિનો સમાજ’ અને ‘લોકતાંત્રિક સમાજવાદ’ ના ઉલ્લેખ સાથે સામાજિક આર્થિક નીતિઓ માટે તે સ્વીકાર્યો હતો. ઈન્દિરા ગાંધી ૧૯૭૬માં તેને બંધારણના આમુખમાં મુકી દીધો છે. ભારતીય જનતા પક્ષે પણ ગાંધીવાદી સમાજવાદને અપનાવ્યો હતો.જો મૂડીવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી માલિકોના હાથમાં હોય છે તો સમાજવાદમાં તે રાજ્યની માલિકીના હોય છે. સામ્યવાદમાં તે સમાજની માલિકીના હોય છે. એટલે સમાજવાદ એ સામ્યવાદ પૂર્વેની સ્થિતિ કહી શકાય. . ૧૯૯૧માં કોંગ્રેસે આર્થિક ઉદારીકરણનો માર્ગ અખત્યાર કરીને સમાજવાદનું અચ્યુતમ કેશવમ કરી નાંખ્યું છે. દેશમાં વિકરાળ આર્થિક-સામાજિક અસમાનતાને લીધે આજે સમાજવાદ જાણે કે પોથીઓમાં કેદ શબ્દ બની ગયો છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.