લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
(ગતાંકથી ચાલુ)
ભાગ્યે જ કોઇને અંદાજ હશે કે ગુજરાતભરમાં કુલ મળીને ૩.૩૦ લાખથી વધુ ટ્રસ્ટો ખુબ જ સરાહનિય અને પ્રેરણાદાયી સેવાકાર્યો કરે છે. એક આંકડો જોઈએ તો હાલ ધાર્મિક અને શિક્ષણ ક્ષેત્રનાં લગભગ બે લાખ સાઠ હજાર ટ્રસ્ટ તથા છ્ન્નુ હજાર સોસાયટી રજિસ્ટર્ડ છે. પણ તેમાનાં બધાંને જોઇએ તેટલો સહયોગ સાંપડતો નથી. ચેરીટી કમિશનર યશવંત શુકલે (વાય.એમ.શુક્લએ) એ વાત પર ભાર મુક્યો કે માત્ર સરકારે જ નહીં, જનતાએ પણ એમને સહયોગ આપવો જરૂરી. એમણે પોતાના કાર્યક્ષેત્રની ઉફરા ચાલીને પણ આ હકીકત પર ધ્યાન આપવાની લોકોને અપીલ કરી.

તેઓ પોતે તો મૂળ લખતરના છે, પણ તેમના નામની સુવાસથી ભાવનગર જ નહીં, સેવાક્ષેત્ર સાથે સંકળાયેલી એવી ગુજરાતની કોઇ વ્યક્તિઓ અજાણ નહીં હોય. એમણે એ ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે વર્ષો સુધી સેવા આપી અને તેમણે આ કાર્યની સાથે ભાવનગરમાં ન્યાયક્ષેત્રના વિષય ઉપરાંત બીજા વિષયમાં ચંચુપાત કરીને અનેક એવા સેવાભાવી કાર્યો અને નિર્ણયો કર્યા, જેના કારણે ભાવનગરની પુરી વકીલ આલમમાં અને સામાન્ય જનસમાજમાં તેમનાં સેવાકાર્યોની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે.
તેમણે હમણાં એક ખુબ જ સરસ વાત કરી અને કહ્યું કે વર્તમાન સમયમાં લોકોને જ્યારે ટ્રસ્ટો પરથી વિશ્વાસ ડગમગી રહ્યો છે ત્યારે કેટલાક ટ્રસ્ટો એવાં પણ છે કે, જેમનાં કાર્યોને ખરેખર બિરદાવવા જરૂરી છે. સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, સેવાના ક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે આવાં 3.30 લાખથી વધુ ટ્રસ્ટો છે કે જે ખરેખર એવા કાર્યો કરેછે કે, તેમને સહાયરૂપ થવાની દિલથી ઈચ્છા થાય છે. આવાં ટ્રસ્ટોને જો વધુ સહાય મળે તો સમાજવ્યવસ્થામાં તેની એક ખૂબ સારી અસર ઉભી થશે અને જરૂરીયાતમંદો માટે સેવાના કાર્યોની તકો વધુ ઉભી થશે. તેઓ એ મતના છે કે તન, મન,ધનથી સમાજસેવા કરી રહેલાં આવા ટ્રસ્ટને સહયોગ આપવો એ સૌની ફરજ છે.
હંમેશા બીજાથી કાંઈક અલગ એવા સેવાકાર્યો કરવા માટે તેઓ પંકાયેલા છે. છેવાડાના માણસને સહાયરૂપ થવા માટેના પ્રયાસો તેમના રહ્યાં છે. વિકાસની બાબતમાં પણ તેમની એક અલગ ઓળખ સેવાકીય કાર્યો સાથે સર્વત્ર ઉભી થયેલી છે. તેમના અનુભવી મતે સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત એન.જી.ઓ.માં એવી પણ સંસ્થાઓ છે જેને વિશ્વાસપાત્ર કહી શકાય. આવી સંસ્થાઓ સમાજસેવા માટે હરહંમેશા તત્પર રહેતી હોય છે. જો કે, કોઇ અમુક અપવાદરૂપ ટ્રસ્ટના કારણે લોકોના મનમાં જાહેર ટ્રસ્ટ પ્રત્યે શંકા ઉભી થાય છે, પરંતુ બિનસરકારી તમામ સંગઠનો વિશ્વાસપાત્ર હોતાં નથી તેવું નથી. આવા ટ્રસ્ટોથી લોકોનાં અનેક કામોના સુખઃદ નિવારણ પણ આવ્યાં છે અને આવી સંસ્થા સમાજમાં શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક તેમજ બાળકલ્યાણક્ષેત્રે સર્વોત્તમ કાર્ય કરી રહી છે.
શુક્લાજી 2014માં અમેરિકા ગયા હતા અને ત્યાંય એમની દૃષ્ટિ ટ્રસ્ટો દ્વારા થતા સેવાકાર્યો ઉપર જ રહી. અમેરિકાથી ભારત આવ્યા પછી એમના ધ્યાનમાં એવી વાત આવી કે અમુક અપવાદરૂપ ટ્રસ્ટના કારણે લોકોના મનમાં જાહેર ટ્રસ્ટો પ્રત્યે શંકા-કુશંકા ઉભી થઈ છે, પરંતુ 3 લાખ 30 હજાર જેટલા નાના મોટા ટ્રસ્ટો શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક, બાળકલ્યાણ સહિતના સામાજીક કાર્યો પ્રત્યે આવી સંસ્થાઓ સર્વોત્તમ કાર્ય કરી રહી છે અને લોકોમાં આદર્શનું ઉદાહરણ પણ પુરૂ પાડી રહી છે. ત્યારે એવા અણગમતા દાખલા બહુ જુજ જ નજરે પડે છે. તેમણે કાર્યભાર સંભાળ્યાં પછી એમને પોતાને શ્રેષ્ઠ કામગીરી કરતાં ટ્રસ્ટોનો નજીકથી પરિચય થયો છે. તેઓ માનતા હતા કે આવા ટ્રસ્ટોને ઓળખી ઓળખીને તેમને લોકોએ પણ સહયોગ આપવો જોઈએ. તેમણે પોતે છેલ્લા થોડા વર્ષોમાં આવાં લોકોપયોગી ટ્રસ્ટોને ઓળખી તેને સહાયરૂપ થવા પ્રયાસ કર્યો છે. એમણે જોયું કે અનેક ટ્રસ્ટો એવાં છે જેમનામાં પોતાની શ્રેષ્ઠ કાર્યવાહીને વધુ વિસ્તરિત કરીને સમાજ માટે કંઈક કરી છુટવાની તમન્ના રહેલી છે, પરંતુ નાણાંના અભાવે કેટલાક કાર્યો કરવામાં અડચણ ઉભી થાય છે. આ માટે આવા ટ્રસ્ટોને આર્થિક સહાયની જરૂર છે. તેમણે કોઇ કોઇ કિસ્સામાં એવું પણ જોયું કે આ માટે આવાં કેટલાક ટ્રસ્ટો પોતાની જ સ્થાવર-જંગમ મિલકત વેચવા માટે પરવાનગી માંગી રહ્યાં છે.
વિકાસ માટે શૈક્ષણિક ટ્રસ્ટોને વિકસીત કરવા અને આર્થિક સહાય માટે મદદરૂપ થવાનો તેમણે પ્રયાસ કર્યો છે. આવા વિશ્વાસપાત્ર ટ્રસ્ટને નડતી જટિલ સમસ્યાઓને પણ સુલઝાવવા માટે પ્રયાસ કરી એના શ્રેષ્ઠકાર્યના માર્ગમાં આવતી અડચણ દુર કરવા સનિષ્ઠ પ્રયાસો પણ તેમણે કર્યા છે.
તેમના જેવા ચેરિટી કમિશનર આવવાથી ગુજરાત રાજ્યના અને ખાસ કરીને સ્વૈચ્છિક સંસ્થાઓના સદનસીબે છેલ્લા સાત વર્ષમાં ચેરિટી તંત્રની કાર્યપદ્ધતિમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. સમગ્ર ચેરિટી વિભાગની સમૂળી કાયાપલટ તેમના દ્વારા થઇ છે.
મૂળ સુરેન્દ્રનગર પાસેના લખતરના શ્રી યશવંતભાઈ શુક્લની કારકિર્દીની શરૂઆત થઈ ગોંડલમાંથી. અને ત્યાં જ તેઓ જજ થયા. પ્રથમથી જ પ્રબળ નીતિશાસ્ત્ર સાથે જોડાયેલા પ્રામાણિક જજ તરીકેની છાપ ધરાવનાર યશવંતભાઈનાં પત્ની જોલીબહેન પણ ગ્રાહક સુરક્ષા અમદાવાદ કોર્ટનાં જજ છે. તેમનો પુત્ર નૈતિક શુક્લ પણ કાયદાશાસ્ત્રની ઉચ્ચ ડીગ્રી સાથે ગુજરાત હાઇકોર્ટમાં સફળ વકીલાત કરે છે. ભાવનગરથી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયા બાદ ગુજરાત સરકારે યશવંતભાઈની ચેરિટી કમિશનર તરીકે નિમણૂક કરી. આજે એ જ હોદા ઉપર તેમનું આઠમું વર્ષ ચાલે છે.
ચેરિટી કમિશનર તરીકે તેમના આવ્યા પછી તેમના કારણે જ વહીવટમાં ટેક્નોલોજીના આગમન સાથે આધુનિકતાનો આવિષ્કાર થયો. અસલ રેકર્ડને સ્કેનિંગ કરી તેને ડિજિટલાઈજેશન કરવામાં આવ્યા. આ ડિજિટલાઈજેશનને કારણે ટ્રસ્ટના કોઈ પણ પ્રકારના રેકર્ડમાં ચેડાં કરવાનું હવે શક્ય બનશે નહીં. દરેક જિલ્લા કે તાલુકાના નામ બાદ ટ્રસ્ટનું નામ ક્લિક કરતાં ઓનલાઈન ટ્રસ્ટની નોંધણીની તારીખથી આજ દિન સુધીની બધી કાર્યવાહી કોમ્પ્યુટર પર નિહાળી શકાય તેવી સુવિધા ઉભી થઇ. કોઇ પણ અને તમામ ટ્રસ્ટનો રેકર્ડ આજે જાહેર જનતાને જોવા માટે ઉપલબ્ધ થયો તે સિદ્ધિ ખરેખર અદ્વિતીય છે. ચેરિટી કમિશનર અને તેની અંતર્ગતની કચેરીઓના તમામ રેકર્ડનું દસ્તાવેજીકરણ ડિજિટલ થતાં તે હવે સુરક્ષિત તો ખરૂં જ, પણ સૌ કોઇ માટે સુલભ બન્યું છે.
એમના સંસ્પર્શથી ચેરિટી વિભાગમાં બીજો એક ફેરફાર એ આવ્યો કે, અગાઉ ખાનગી ટ્રસ્ટની મિલકતની હરાજી વખતે અમુક લોકો ટોળી બનાવીને સસ્તામાં મિલકત પડાવી લેવાનો કારસો કરતા. એ અટકાવવા કડક નિયમ બનાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એક શૈક્ષણિક સંસ્થાની જમીન અંદાજે 450 કરોડમાં, જ્યારે એક ટ્રસ્ટની જમીન અંદાજે 350 કરોડમાં વેચાઈ. જેનાથી ટ્રસ્ટને સારી આવક થઈ અને તેનો ફાયદો ચેરિટી વિભાગને પણ મળતાં તે આત્મનિર્ભર બન્યો છે.
તેમનો ચેરિટી વિભાગમાં આંતરમાળખાકીય સુવિધા આપવામાં પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. ચેરિટી કમિશનર પાસે સ્વૈચ્છિક સંસ્થાઓએ આપેલા કાયદેસરના ફાળાની કરોડો રૂપિયાની રકમ બેંકમાં જમા હતી પરંતુ ચેરિટી કમિશનરની મુખ્ય કચેરીથી માંડીને ક્ષેત્રીય કચેરીઓના મકાનોની હાલત જર્જરીત હતી. ફર્નિચરથી માંડીને તમામ સુવિધાઓમાં અનેક બાબતોમાં રાજ્ય સરકારે ચેરિટી કમિશનરની ભલામણ માનીને અમદાવાદમાં વસ્ત્રાપુર પાસે બહુમાળી મકાનમાં એક સુંદર ઓફિસનું નિર્માણ કર્યું. ચેરિટી તંત્રની ઓફિસ આધુનિક બનાવી. તેમાં કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ,વકીલો અને મુલાકાતે આવતી વ્યક્તિઓને એક સારો અનુભવ થાય તેવા સુંદર વાતાવરણનું નિર્માણ થયું. આ ઉપરાંત વડોદરા, સુરત, ભાવનગર, ભરૂચ, જામનગર, ગોધરા, અમરેલી એમ અનેક સ્થળોએ ચેરિટી તંત્રનાં નવા મકાનોનું નિર્માણ થયું છે. અન્ય જિલ્લાઓમાં પણ જમીનોની ફાળવણી થઈ છે અને તેના ઉપર જરૂરી બાંધકામ કરવા માટે પણ કાર્યવાહી શરૂ થઈ છે. જ્યાં ઈચ્છા મજબૂત છે ત્યાં સિધ્ધિ હાથવગી છે એ વાતને યથાર્થ કરતા યશવંતભાઈની આવી ઉમદા કામગીરી ખરેખર પ્રશંસનીય છે. અમદાવાદની મુખ્ય કચેરીના લોકાર્પણ સમયે રાજ્યના મુખ્યમંત્રીએ પણ ચેરિટી કમિશનર કચેરીની નવી જગ્યાની પ્રશંસા કરી લોકોને ખાતરી આપી હતી કે હવે રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ માટે સરળતા રહેશે અને લોકો સેવા કરવાના કામમાં જે તંત્રના અંતરાયો અનુભવતા હતા તેનું નિરાકરણ થશે.

ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ચેરિટી કમિશનર પાસે અનેક બાબતોની નોંધણી કરાવવી, મંજૂરી મેળવવી વગેરે બાબતો ફરજિયાત છે. અધિકારીઓની ખાલી જગ્યા, કર્મચારીઓની અછત અને કામના બોજા હેઠળ સમગ્ર તંત્ર મૂર્છિત અવસ્થામાં હતું. તેમાંથી હવે ખૂબ ઓછી સંખ્યામાં પડતર કેસો સાથે ગુજરાતનું ચેરિટી તંત્રનું કાર્ય ઝડપી બન્યું છે, જે પણ તેમને આભારી છે. રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેકના જીવનમાં હવે નવી રોશની આવી છે ત્યારે કોરોના પછીના કાળમાં અનેક લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ અસરકારક ભૂમિકા ભજવી શકે તે માટે ટ્રસ્ટની અનેક જોગવાઈઓનું સંશોધન કરી સૌના સાથ-સહકારથી એક નવા વાતાવરણનું નિર્માણ કરવું જરૂરી બન્યું છે. સ્વભાવે શાંત, સરળ અને પ્રામાણિક એવા યશવંતભાઈની આજે ઉંમર થઈ ગઈ હોવા છતાં તેમની કામગીરીથી પ્રભાવિત સરકાર તેમને હોદામુક્ત કરતી નથી. ક્યારેય પોતાની ખ્યાતિ કે પ્રશંસા કોઈ કરે તેની અપેક્ષા રાખ્યા વગર યશવંતભાઈ પણ વફાદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક તેમની કામગીરી બજાવી રહ્યા છે.
તેમનો સંપર્ક-Mobile- 98254 13120 / ચેરીટી કમિશ્નર , ત્રીજો માળ, બહુમાળી ભવન નં 2, વસ્ત્રાપુર અમદાવાદ-380 052
લેખક સંપર્ક –
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com