લ્યોઆ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

રોજ સવારમાં અખબારોનાં પાનેથી અનેક દુર્ઘટનાઓ ઉભરાઇ ઉભરાઇને આપણા મન-મગજને કલુષિત કરતી રહે છે. અને અખબારને કોરાણે મુક્યા પછી એમાંથી મોટા ભાગની આપણને કોઠે પડી જાય છે, તો કેટલીક વિસરાઇ પણ જાય છે. પણ આજેય છેલ્લા ત્રણેક માસથી એક એવી દુર્ઘટનાના આગમનના એંધાણ આપણને કંપાવી જાય છે, જેનો કંપ હજુ શમ્યો નથી. દેશમાં તો ઠીક, પણ ગુજરાતમાં ભાગ્યે જ કોઇ એવું ઘર હશે  કે જે એ દુર્ઘટનાની કંપારી હજુ પણ અનુભવતું નહીં હોય. એ દુર્ઘટના છે કોરોનાએ વરસાવેલા કાળા કેરની.

કોને યાદ નહીં હોય એ કાળા કારમા દહાડા? જ્યારે ધોળે દિવસે દરેક ગામ-ગામડાં, કસ્બાઓ, શહેરો, (મહાનગરો પણ) સાવ સુનકારગ્રસ્ત થઇ ગયા હતા !  એકે એક મનુષ્ય પોતાના કે પોતાના કોઇ સ્વજન પર ત્રાટકેલા, અથવા ત્રાટકી શકનારા, યા એનો ભોગ બનીને દિવંગત થઇ ચૂકેલા પરિવારજનને યાદ કરી કરીને આજે પણ કંપી એટલા માટે જાય છે કે ફરી એના આગમનના એંધાણ છાપાંઓ, સોશ્યલ મિડીયા, ટીવી ચેનલો અને રેડીયો દ્વારા તો સમજાય, પણ મુખોમુખ પણ ફેલાઇ રહ્યા છે.

હા, એ દિવસોમાં જેમને જાહેર જનતા સાથે રોજેરોજનો વ્યવહાર છે એવી સરકારી કચેરીઓ પણ સ્મશાન જેવી નિષ્ચેષ્ઠ બની  રહી હતી. લોક કહેતાં અરજદારોના કામ પણ રઝળી રહ્યાં હતાં. આખા ગુજરાત રાજ્યમાં એ માર્ચથી કોરોનાના કહેરની કાળી અસરમાં મોટા ભાગનાં કામકાજ થંભી ગયાં હતાં. મોટા ભાગની અર્ધસરકારી અને સરકારી ઓફીસોમાં અશાંત શાતિ છવાઇ ગઇ હતી. અરજદારોને પણ એ કોઠે પડી ગયું હોય એમ એમની રકઝક અને દલીલબાજી ઠંડા પડી ગયા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન પણ ગુજરાત સરકારની કેટલીક સરકારી ઓફીસો એવી હતી કે જેમણે કોરોનાના ઓથાર નીચે કામમાં ઝોલ પડવા દીધો નહોતો.

બીજી ઓફિસોનો તો મને જાતઅનુભવ નહોતો પણ એ દિવસોમાં મેં અને મારા સ્વજનોએ સ્થાપેલા ‘તરુછાયા એજ્યુકેશન એન્‍ડ કલ્ચરલ ચેરીટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના પછીના અમુક કામે ગુજરાત રાજ્યના ચેરીટી કમિશનરની ઓફીસે અવારનવાર એ અંદેશા સાથે જતો હતો કે ત્યાં પણ એ વખતે પૂરબહારમા ફેલાયેલા કોરોનાનું ગ્રહણ લાગી ગયું હશે અને મારું કામ પતાવ્યા વગર જ મારે પાછા ફરવું પડશે. પરંતુ મને એ જોઇને અને અનુભવીને અતિ આશ્ચર્ય થયું હતું કે એ કચેરીના દરેક કર્મચારીએ સરકારના ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લની રાહબરી હેઠળ ચેરિટી તંત્રની  કામગીરી જારી રાખી હતી. જેના ફળસ્વરૂપે માર્ચ ૨૦૧૯થી લઈને પછીના થોડા સમય સુધીમાં તો એ તંત્ર દ્વારા પચીસ હજાર જેટલા કેસો ચલાવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. મેં જરા ઉંડા ઊતરીને આંકડા મેળવ્યા તો દર મહિને કેસોના નિકાલની સરેરાશ ૮૦૦ કેસોની હતી. એક બાજુ રાજ્યમાં કોર્ટો ખૂબ જ લાંબા સમય સુધી બંધ રહી હતી. ત્યારે ચેરિટી કમિશનરની અદાલત અને તાબાની અદાલતોના (જેમ કે સમગ્ર રાજ્યના) આસિસ્ટન્ટ ચેરીટી કમિશનરોની કચેરીઓ તેમની દોરવણી હેઠળ પોતાના નિયત અને રોજિંદા ક્રમમાં નિયમિત કામ કરતી રહી હતી.

એક અંદાજ મુજબ ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લએ રોજિંદા ક્રમમાં પોતાની કોર્ટની કામગીરી ચાલુ રાખી અને ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીમાં નાના મોટા અને પરચુરણ એવા પચીસ  હજાર કેસીસના કેસોના ત્વરિત નિકાલ કર્યે રાખ્યા હતા.. આમ, કોરોનાના કપરા કાળમાં પણ તેમણે કોર્ટના ડાયસ પર જઈને રૂટિન કેસો ચલાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હું માનું છું  કે સમગ્ર ભારતમાં આની બીજી મિસાલ નહીં હોય.

રાજ્યમાં કોરોનાના આગમન બાદ શરૂઆતમાં મોટા ભાગની કચેરીઓમાં કામકાજ બંધ રહ્યા હતા. સરકારના વિભાગોમાં પણ કામગીરી અટકી પડી હતી. લોકડાઉન બાદ પણ ઘણા કિસ્સામાં કચેરીઓમાં કામકાજ શરૂ થયા ન હતા. જેમાં કોર્ટો પણ લાંબા સમય સુધી બંધ રહી હતી. જો કે, આ તમામ વચ્ચે 2019માં પણ અગાઉ ચાલતી હતી તે જ રીતે અથવા તેથી વધુ ચીવટથી ચેરિટી તંત્ર દ્વારા કોર્ટની કામગીરી કોરોનાની ગાઈડલાઈન સાથે ચાલુ રાખી હતી. જેના પગલે વર્ષોથી પડતર એવા અનેક કેસોના નિકાલ કરવામાં આવ્યા હતા. કોરોનાને લઈને તમામ સ્ટાફ, વકીલો અને અધિકારીઓએ સાથે બેસીને એવો નિર્ણય કર્યો હતો કે, કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરીને કેસો ચલાવવામાં આવે. જેથી ચેરિટી તંત્ર દ્વારા સમગ્ર કામગીરી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનને કેન્દ્રમાં રાખી કોર્ટની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. કોરોના ગાઈડલાઈનનો ભંગ થાય તો કોર્ટની કામગીરી અટકી શકે તેમ હોઈ તમામ લોકોને આ અંગે સુચના આપી ગાઈડલાઈનનું પાલન કરવા માટે તાકીદ કરાઈ હતી.

કોર્ટમાં કેસો ચલાવતી વખતે યોગ્ય અંતર જાળવવામાં આવતું હતું. ઉપરાંત બને ત્યાં સુધી જરૂર ન હોય તો પક્ષકારોને નહીં બોલાવવાનું નક્કી કરાયું હતું. જેથી કરીને એટલો લોકસંપર્ક ટળે અને રોગનો ફેલાવો વિકરાળ રૂપ ઘારણ ન કરે. આમ, કોરોનાની ગાઈડલાઈનનો ભંગ પણ ન થાય અને કેસોના નિકાલ થાય તે રીતે કામગીરી કરી બતાવી હતી. અમદાવાદ સ્થિત ચેરિટી કમિશનરની અદાલત અને તેમના તાબાની અદાલતો ચાલુ રાખી આ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ચેરિટી કમિશનર દ્વારા થતી આવી કામગીરીમાં વકીલોએ પૂરતો સહકાર આપ્યો હતો. કોરોના કાળમાં વકીલોને કોઈ તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રખાયું હતું. તેઓ ચેરિટી કમિશનર કચેરીમાં આવેલા બાર રૂમમાં આવીને બેસી ન રહે તે માટે સમજૂતી સધાઇ ગઇ હતી. વકીલો પણ પોતાનો કેસ હોય ત્યારે ચેરિટી કમિશનરની કચેરીએ આવતા હતા અને જેવો કેસ પતે ત્યાર પછી  તરત જ કોર્ટ છોડી જતા રહેતા હતા.

(ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લા)

ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લએ એક વિક્રમ ગણાય તે રીતે વિશેષ ઝુંબેશ હાથ ધરીને બિનતકરારી ચેઈન્જ રિપોર્ટ અને ટ્રસ્ટ નોંધણીની અરજીઓના એક જ દિવસમાં ખૂબ જ મોટી સંખ્યામાં નિકાલ કરી બતાવ્યો. નમૂના તરીકે સમગ્ર સમયમાંથી માત્ર એક સમયખંડની વાત જ લઇએ તો રાજ્યમાં ચેરિટી તંત્ર દ્વારા એક જ દિવસમાં 2964 પડતર કેસનો ચેરિટી તંત્ર દ્વારા નિકાલ કર્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ વર્ષો સુધી કેસોના નિકાલ થતા ન હતા, ત્યારે આ સાથે હવે સમગ્ર રાજ્યમાં બહુ જૂજ કરતાં પણ ઓછા કેસો પેન્ડિંગ છે. આગામી દિવસોમાં ઝુંબેશ ચાલુ રાખી આ કેસોનો પણ નિકાલ કરવામાં આવશે તેવી આશા અસ્થાને નથી.

છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ચેરિટી તંત્રની કાયાપલટ થઈ ગઈ છે. અંદાજે ચાર કરોડ ડોક્યુમેન્ટ્સનું ડિજિટલાઈઝેશન થયું છે અને તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટની માહિતી પણ હવે ઓનલાઈન ઉપલબ્ધ થઈ છે. અગાઉ ચેરિટી ઓફિસ ભાડાના મકાનમાં ચાલતી હતી. પરંતુ ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લાએ કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાનું આ બાબતે ધ્યાન દોરતાં હવે સમગ્ર રાજ્યમા દરેક મોટા મથકમાં ચેરિટી તંત્રનાં ભવનો તૈયાર થઈ રહ્યા છે. જેમાંના એક અમરેલી જિલ્લાના વિશાળ ભવનનો ફોટો આ સાથે છે.

રાજ્યમાં અત્યારે ૩.૫૭ લાખ ( ત્રણ લાખ સત્તાવન હજાર) ટ્રસ્ટો સરકારી ચોપડે નોંધાયેલા છે. જેમાંથી દોઢ લાખ ટ્રસ્ટો બહુ સારું કાર્ય કરે છે અને એમાંથી પણ એક લાખ જેટલા ટ્રસ્ટો તો નમૂનેદાર કાર્ય કરે છે. છતાં લીટીગેશનના પ્રશ્નો તો રહેવાના છે. સવાલ એ છે કે એમાં કેટલાકના વિવાદો પેન્ડિંગ રહે છે. આવી અનિવાર્ય પેન્ડન્સી ઘટાડવા માટે ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લએ અથાગ પ્રયત્નો કરીને છેલ્લા બે-ત્રણ વર્ષમાં નવી રીત અપનાવીને બિનતકરારી ચેઈન્જ રિપોર્ટ અને બિનતકરારી નોંધણી અરજીઓના નિકાલની ઝુંબેશ રાખી હતી. ચેરિટી કમિશનરના આ નવતર પ્રયોગથી 18 હજાર જેટલા કેસોનો નિવેડો આવ્યો હતો.

૨૬ ઓગસ્ટ અને ૨૭ ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં આવા બિનતકરારી ચેઈન્જ રિપોર્ટ, જેની સંખ્યા ૨,૯૬૪ છે તે કેસો પૂરા કરવામાં આવ્યા હતા. આમ, ચેરિટી તંત્ર દ્વારા કેસોની પેન્ડન્સીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો. અગાઉ વર્ષો વીતી ગયા પછી પણ પેન્ડન્સી ઘટતી ન હતી. હાલમાં સમગ્ર રાજ્યમાં ચેરિટી તંત્રના લીટીગેશનની કુલ સંખ્યા તેર હજાર પણ નથી. આમ, કેસોના નિકાલમાં ઝડપ આવે, ટ્રસ્ટીઓને સમયસર ન્યાય મળે, સંતોષ થાય અને તંત્રનું કામનું ભારણ ઘટે તેવા પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. જિલ્લા લેવલે અધિકારીઓની નિમણૂક થાય, સારાં ચેરિટી ભવનો નિર્માણ પામે અને ટ્રસ્ટોના વહીવટમાં પારદર્શક્તા આવે તે માટે ચેરિટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત એક જ દિવસમાં ૨,૯૬૪ જેટલા કેસોના નિકાલ કરી ચેરિટી તંત્ર દ્વારા નવો ચિલો ચાતરવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં પણ ચેરિટી દ્વારા ઝુંબેશ ચાલુ રાખી વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવુ પ્રતિત થાય છે, પણ ટ્રસ્ટોની આંતરિક સ્થીતી શી છે તેની થોડી વધુ વિગતો અને તેમનો સંપર્ક હવે પછીના હપ્તામાં.


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com