પ્રાસંગિક કવિતા

જીતી જશે ગુજરાત…

રક્ષા શુક્લ

સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.
દિલનો દીવો પ્રગટાવો તો ઝળહળ ઝળહળ જાત.

કબીરવડ છું, બાંહ પસારું, તડકાની આંખે અંધારું,
સિદ્ધહેમ શબ્દોનું શાસન, છ અક્ષરમાં વેદ ઉતારું.
ઊતરો પાંચ પગથિયાં ત્યાં ઉજ્વળ મલકે ઈતિહાસ.
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.

ગામ ગામ છે ગોકુળ સરીખા, વડલા માફક વૃદ્ધો,
બાવન ગજની ધજા ફરફરે, બાવન નીપજે બુદ્ધો.
ગુજરાતી હોવાના નાતે, મીરાંની મિરાંત.
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.

ફળિયે લેલૂમ લીમડો ઢાળે હળું હળું શીતળતા,
હોંકારા સંગાથે ટીમણ, વાળું-પાણી ભળતા.
સીયારામ, શિવ શિવમાં પણ સંભળાતી સરગમ સાત.
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.

સુખ સહિયારું માણ્યું, સહિયારો લેશું રે ભેખ,
હું જ સનાતન, ગૂર્જર ગૌરવ, શાશ્વત શિલાલેખ.
માથું ઊંચકે ઝંઝાવાતો, વિલા મોંએ મ્હાત.
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.

ટીપે ટીપે ઝરણું જંગી પ્રપાતને હંફાવે,
ગુજરાતી શ્રી ગણેશ બોલી સૂરજ સઘળે વાવે.
ઝળાહળાના ઝુમ્મર લઈને ઊભું રહે પરભાત,
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.

*

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.

ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?

સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.

તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.

એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?

કવિ શ્રી ઉમાશંકર જોશી