વ્યંગ્ય કવન

પંચમ શુક્લ

ફેસબુકની ચાગલી ઘૂંઘટપ્રથા સમજો સજન,
મુંહ દિખાઈની રસમમાં મિત્રતા કરજો સજન.
દેવના પૂજન પછી નિર્માલ્યની જેમજ સહજ,
લાઈક ‘ને કૉમેન્ટ ખોબે ભાવથી ભરજો સજન.
વાટકી-વ્યવહારના આ વર્ચ્યૂઅલ સમુદાયમાં,
લેતીદેતીની પરિભાષા તુરત શીખજો સજન.
છાશવારે અહિં તરે છે એટલું નવનીત કે,
નીરક્ષીર-વિવેકવાળી દૃષ્ટિ કેળવજો સજન.
એક-બે જ્ઞાનેન્દ્રિયોને આ જગત બહેકાવશે,
એક-બે કર્મેન્દ્રિયોને એટલે દમજો સજન.
સજન: સજ્જન, સારું માણસ
ફેસબુકની ઘૂંઘટપ્રથાઃ Locked profile feature of Facebook
ચાગલું: દોઢડાહ્યું, મોઢે ચડાવેલ, મૂર્ખ છતાં ચતુર હોવાનો ઢોંગ કરતું
નિર્માલ્યઃ દેવ દેવી ઉપરથી ઉતારી લીધેલાં ફૂલ વગેરે પ્રસાદી પદાર્થ
પરિભાષાઃ ટેક્નિકલ ટર્મિનોલોજી, શાસ્ત્રની સાંકેતિક સંજ્ઞાઓ
નવનીતઃ નવ ( નવું ) + ની ( લઈ જવું ) + ત ( ભૂતકૃદંતનો પ્રત્યય ) ]->નવું ખેંચી કાઢેલું, માખણ
નીરક્ષીર: પાણી અને દૂધ
ઇંદ્રિયોઃ વાક ( વાચા ), હસ્ત ( હાથ ), પાય ( પગ ), પાયુ ( ગુદા ) અને ઉપસ્થ ( લિંગ ) એ પાંચ કર્મેંદ્રિયો અને ત્વચા (ચામડી), ચક્ષુ ( આંખ ), શ્રોત્ર ( કાન ), રસના ( જીભ ) અને ઘ્રાણ ( નાક ) એ પાંચ જ્ઞાનેંદ્રિયો
દમવુંઃ દમન કરવું, સંયમ કરવો