વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

તાહીરાએ પાસેની બર્થ પર સૂતેલા પતિ અને દીકરી સલમા તરફ નજર કરી. ઊંડો શ્વાસ લઈને પડખું બદલ્યું. ટ્રેનની રફ્તારની સાથે રહેમાનઅલીની મોટી ફાંદ હલતી હતી. તાહીરાએ પોતાના નાજુક કાંડા પર બાંધેલી હીરાની ઘડીયાળ તરફ નજર કરી. એણે તો લગભગ આખી રાત જાગતાં જ પસાર કરી હતી.

તાહીરા પોતાની જાતને કોસતી રહી. શા માટે એણે સમય જતા ભૂલાઈ ગયેલો ઘા ખોતરીને તાજો કર્યો? હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. સ્ટેશન આવી ગયું. તાહીરાએ બુરખો ખેંચી લીધો. સલમા તો પહેલેથી કૂદકો મારીને પ્લેટફોર્મ પર ઊતરી ચૂકી હતી. રહેમાનઅલીએ તાહીરાને કાચની ઢીંગલીની જેમ સાચવીને ઊતારી.

આ એ જ સ્ટેશન હતું. એ જ કરણનું ઝાડ હતું. કશુંય બદલાયું નહોતું.

તાહીરાના મનમાં ભૂતકાળની યાદો તરી આવી. એ યાદ સાથે એનું મન કચવાયું. ઘરે પહોંચ્યા તો સૌને જોઈને નાની તો ખુશહાલ થઈ ગઈ. રહેમાનઅલીને ગળે વળગાડીને એનું માથું ચૂમી લીધું.

તાહીરાનો બુરખો ઊતાર્યો. એનું અપ્રતિમ સૌંદર્ય જોઈને સૌ સ્તબ્ધ બની ગયાં.

તાહીરા પંદર વર્ષે પહેલી વાર સાસરે પગ મૂકતી હતી. માંડ વીસા મળ્યો હતો. ત્રણ દિવસ રહીને પાકિસ્તાન ચાલી જવાની હતી. રહેમાન નીચે મામુ-મામી સાથે બેઠો હતો, તાહીરા ઊપરવાળા રૂમમાં ચાલી ગઈ.

એકાંતમાં જરા હાંશ અનુભવતી તાહીરાએ રૂમની બારી ખોલી અને સામે જ લાલ હવેલી જોઈને એ હેબતાઈ ગઈ. એ જાણતી હતી કે હિંદુસ્તાનના જે શહેરમાં એને આવવાનું હતું એ શહેરનો એક એક પત્થર એના પર પહાડ બનીને તૂટી પડવાનો છે.

કહે તો કોને કહે? રહેમાન તો ભોળો, સાવ સાફ દિલનો માણસ હતો. એના હ્રદયમાં તાહીરા માટે અનહદ પ્રેમ હતો. એને કેવી રીતે અને શું કહી શકાય?

બે દેશોના ભાગલામાં અનેક લોકો હેરાન થયાં એમાંની એક તાહીરા પણ હતી. ત્યારે એ માત્ર સોળ વર્ષની અનુપમ સૌંદર્ય ધરાવતી સુધા હતી. સુધા એના મામાના પરિવાર સાથે લગ્નમાં મુલતાન આવી હતી. દંગા-ફસાદની જ્વાળાઓએ એને બરબાદ કરી દીધી. તોફાની મુસ્લિમ તત્વો જ્યારે ભૂખ્યા વરુની જેમ એની પર તૂટી પડ્યા હતા ત્યારે આ રહેમાનઅલી જ દેવદૂત બનીને આવ્યો હતો. આમાં ક્યાં કોઈ એક કોમને ક્યાં દોગામી દેવાય એમ હતી? હેવાનિયત બંને પક્ષે હતી, પણ રહેમાને નાતજાત ન જોઈ. એણે તો માત્ર ઇન્સાનિયત દાખવીને સુધાને બચાવી લીધી. રહેમાનની પત્નીને પણ આમ જ કોઈએ પીંખી નાખી હતી.

રહેમાન અને સુધાએ સમજણપૂર્વક એકબીજાનો સ્વીકાર કરી લીધો. સુધા તાહીરા બનીને રહેમાનની આજીવન સાથી બની. તાહીરા હસતી તો રહેમાન એની પર કુરબાન થઈ જતો. ક્યારેક તાહીરા ઉદાસ થતી ત્યારે રહેમાનનું હ્રદય વલોવાઈ જતું. એ એના માટે આસમાનના તારા જ તોડી લાવવાનું બાકી રાખતો.

એક વર્ષ પછી દીકરીના જન્મ પછી તો બંને વચ્ચેની રહીસહી દૂરી પણ દૂર થઈ ગઈ. રહેમાનની પ્રગતિનો વ્યાપ એક નાનકડી દુકાનમાંથી ડિપાર્ટમેન્ટલ સ્ટોર સુધી ફેલાયો. કિસ્મતે તાહીરાને સુખી થવાના આશીર્વાદ આપી દીધાં, પણ અત્યારે તાહીરા સુખની નિંદરના બદલે બેચેનીમાં આમથી તેમ પાસા બદલતી હતી.

આ ક્ષણે એને કેટલીય વાતો યાદ આવતી હતી. હોળીના એ મસ્તીભર્યા દિવસો, ગુલાબી મખમલની ઓઢણીમાં માએ ટાંકી દીધેલાં ઝીણકાં અમસ્તા એ ગોટા. એક હાથમાં હાથમાં સિગરેટ પકડીને બીજા હાથે પુસ્તક વાંચતો એનો પતિ તરુણ. પાછળથી દબાતા પગલે આવીને એના ચહેરા પર અબીલ લગાડી દેતા પતિનો સ્પર્શ,. સાસુમાની નજર ચૂકવીને એનું પતિની સામે જોઈ રહેવું અને પછી જીભ કાઢીને ભાગી જવું.. બધું જ એને યાદ આવતું હતું. એ ફરી સોળ વર્ષની સુધા બની ગઈ.

જ્યારે એ મુલતાન જવા નીકળી ત્યારે સૌએ એને ન જવા માટે સમજાવી હતી, રોકી હતી. પણ એને ક્યાં ખબર હતી કે એ સૌના નકારને ઉવેખીને એના દુર્ભાગ્ય તરફ જઈ રહી છે? આજે જ્યાં કરણનું ઝાડ જોયું એ સ્ટેશન પર તરુણ એને મુકવા આવ્યો હતો. ટ્રેન ઊપડવાની ઘડીએ એણે તરુણને નજરભરીને જોયો હતો.

પણ હવે તો એ ક્યાં સુધા હતી? આ દુનિયાની નજરે તો એનું નામો-નિશાન. એનું અસ્તિત્વ રહ્યું જ નહોતું. સુધાનું નામ માત્ર એ જાણતી હતી. હવે એ તાહીરા હતી. એણે ફરી કાંપતા હાથે બારી ખોલી. સામે એના શ્વસુર વકીલ સાહેબની લાલ હવેલી દેખાતી હતી. આજે પણ એની છત પર ફેલાયેલી રાતરાણીની વેલ દેખાતી હતી. આ હવેલીમાં એક એવો રૂમ હતો જ્યાં એણે અને તરુણે કેટલાય સુખભર્યા દિવસો માણ્યાં હતાં.

“શું કરતા હશે હવે? લગ્ન કરી લીધા હશે, કેટલાં બાળકો હશે?” મનમાં અનેક સવાલો ઊઠ્યા. એક અજાણ્યા મોહવશ એની આંખો વરસી પડી.

રાતનો અંધકાર ભરડો લઈ રહ્યો હતો. રહેમાન ઊંઘમાં હતો.

“તાહીરા. ..”

રહેમાનનો અવાજ સાંભળીને એ વાસ્તવિકતા સાથે પાછી જોડાઈ, પણ એના જીવને જંપ નહોતો. થોડી વાર પછી રહેમાનના નસકોરાં શરૂ થયાં અને તાહીરા દબાતા પગલે ઊભી થઈને બારી પાસે આવી. હવેલી પર નજર કરતાં જોયું તો ત્રીજા માળ પરના એ રૂમમાં હજુ લાઈટનું અજવાળું પથરાયેલું હતું. એ જોઈનેય તાહીરાના દિલને ટાઢક પહોંચી.

એ ઘરમાં રાતનું વાળું મોડું થતું હતું. જમીને તરૂણને દૂધ પીવાની આદત હતી. સુધાનાં મનમાં ભૂતકાળની યાદો એક પછી એક તાજી થવા માંડી. કેટલાય વર્ષો પસાર થઈ ગયાં પણ તરૂણની આદતો હજુ એને યાદ હતી.

વ્યથિત સુધા પોતાની જાતને પર ધિક્કારી રહી. એને થયું કે, શા માટે એ જીવિત રહી?  એ પોતાનું ગળું દબાવીને કે કૂવામાં પડીને મરી શકી હોત. ધર્મ છોડ્યો પણ સંસ્કાર ન છોડી શકી. જીવનધારા બદલી પણ દરેક ત્રીજ, હોળી, દિવાળી, એ ન ભૂલી શકી કે ન તો એ ઈદ માણી શકી.

એને થયું કે સામે દેખાતા શ્વસુરગૃહે જઈને, તરુણના પગ પકડીને પોતાના પાપની માફી માંગી લે. હ્રદયમાંથી ઊઠતા આક્રંદને રોકવા એણે દુપટ્ટો મ્હોં પર કસીને દાબી દીધો.

રાત એમ જ પસાર થતી રહી. રહેમાન ઘસઘસાટ ઊંઘતો રહ્યો અને તાહીરા આખી રાત જાગતી રહી.

સવારે શહેનાઈના સૂરોથી આ ઘર ગુંજી ઊઠ્યું. પોલીસ બેન્ડ તૈયાર હતું.

આ એ જ શહેર હતું જ્યાં લાલ વસ્ત્રોમાં સજેલી સુધા તરુણની દુલ્હન બનીને આવી હતી. આજે  તાહીરાએ કાળા બુરખાની અંદર પોતાની જાતને સમેટી લીધી.. ઘરની બહાર જતાં પહેલાં એણે પોતાાના ચહેરા પર બુરખો ખેંચી લીધો, જાણે ચહેરો જ નહીં ભૂતકાળને પણ એક આવરણ હેઠળ ઢાંકી દીધો.

ધામધૂમથી શાદી સંપન્ન થઈ. ચાંદના ટુકડા જેવી દુલ્હન લઈને બારાત પાછી આવી. સાંજ પડે સૌએ ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો. બસ એક તાહીરા સાવ અલિપ્ત રહી. આ કશું જ એને સ્પર્શતું નહોતું. એ ન ગઈ.

ઘર ખાલી પડ્યું. તાહીરા ઝટપટ બુરખો ઓઢીને બહાર નીકળી. દબાતા પગલે સામે દેખાતી હવેલીની પાછળની સીડીઓ ચઢવા લાગી. આ સમયે એ સોળ વર્ષની ચંચળ નવવધૂ હતી. સૈયદ વંશના રહેમાનનું અસ્તિત્વ જ જાણે એ ભૂલી ગઈ હતી. સીડીના સૌથી ઉપરના પગથિયાં સુધી પહોંચતાં તો એના પગ મણ મણનું વજન અનુભવવા લાગ્યા. બસ હવે એ સહેજ ઉપર ચઢે તો એના રૂમની બારી નજરે પડવાની હતી. અને બારીમાંથી તરૂણ?

સુધાએ મનોમન પ્રાર્થના કરી, “હે બિલ્વેશ્વર મહાદેવ, એક વાર હું એમને જોઈ લઉં તો તમારા ચરણોમાં આ હીરાની અંગૂઠી ચડાવીશ.”

આહ, કેટલા દિવસો પછી એણે એક ભક્તની જેમ ભગવાનનું સ્મરણ કર્યું હતું? ભગવાને એની ભાવના સ્વીકારી હોય એમ એ જ ગંભીર મુદ્રામાં સામે દિવાલ તરફ મ્હોં કરીને બેઠેલો તરુણ દેખાયો. ખુરશી પણ એ હતી. ટેબલ પર હજુ સુધાની તસ્વીર હતી.

નજર વાટે જ એના દેવતાની ચરણરજ લીધી.

“નજર ભરીને જોઈ લે અને અહીંથી ભાગ જલદી તાહીરા.” અચાનક સુધામાંથી એ તાહીરા બની રહી. ઝટપટ સીડી ઊતરીને એ બિલ્વેશ્વર મહાદેવના મંદીર તરફ દોડી. મહાદેવ પાસે પાલવ પાથરીને, માથું ટેકવીને તરુણની સુખાકારી માટે પ્રાર્થના કરી. હીરાની અંગૂઠી ઊતારીને ભગવાનના ચરણોમાં ચઢાવી, ભાગતી પાછી ઘરે પહોંચી. એનો પીળો પડી ગયેલો ચહેરો. પસીનાથી તરબતર તન જોઈને રહેમાનને ચિંતા થઈ.

“તાહીરા, શું થયું, તાવ તો નથી ને?” કહીને એણે તાહીરાનો હાથ થામી લીધો. હાથ પકડતા જ અંગૂઠી વગરની ખાલી આંગળી નજરે ચઢી. શાદીના દિવસે એણે તાહીરાને પહેરાવી હતી. ભાવ અને ભાવના, બંનેની દૃષ્ટિએ અમૂલ્ય હતી.

“અરે, અંગૂઠી ક્યાં?” એ વધુ ન બોલી શક્યો.

“કોણ જાણે ક્યાં પડી ગઈ” તાહીરાએ થડકતા શ્વાસે જવાબ આપ્યો. ડરથી શરીર કાંપી ઊઠ્યું.

“કશો વાંધો નહીં.” કહી રહેમાને એની આંગળી ચૂમી લીધી.

“ઇન્શા અલ્લાહ, તારી આ આંગળીઓ સલામત રહે.  મારે બીજું કશું નથી જોઈતું . આપણે તહેરાનથી બીજો હીરો મંગાવી લઈશું.”

તાહીરાની બાવરી નજર અંધકારમાં ડૂબતી લાલ હવેલી પર હતી. હવે, પેલા રૂમમાં અંધકાર છવાઈ ગયો હતો. તાહીરાએ ઊંડો. ઠંડો શ્વાસ ભર્યોને બારી બંધ કરી લીધી.

લાલ હવેલી સંપૂર્ણ અંધકારમાં જાણે ઓગળી ગઈ હતી.


ગોરા પંત શિવાની લિખિત વાર્તા -લાલ હવેલી-ને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.