હરેશ ધોળકિયા

ગઈ સદીના પાંચમા અને છઠ્ઠા દસકામાં અમારી પેઢી જયારે કિશોરાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થામાંથી પસાર થતી હતી, ત્યારે અનેક સર્જનાત્મક વૈવિધ્યોનો આનંદ માણવા મળતો હતો. આજ કરતાં કદાચ ત્યારે, અનેક અભાવો વચ્ચે પણ, વધારે સર્જનાત્મકતા હતી. એક એકથી ઉતમ ફિલ્મો, એક એકથી ઉતમ કાર્યક્રમો, એક એકથી ઉતમ પુસ્તકો, વિવિધ કળાઓ માણવાની તક મળતી હતી. તેનાથી આંખ સૌંદર્યથી છલકાતી હતી અને મગજ સંસ્કારથી ઘડાતું હતું. એક અવૈધિક ઉતમ શિક્ષણ મળતું હતું. ત્યારે બે ચિત્રકારો તરુણ મગજનો કબજો લઈને બેઠા હતાઃ મુલગાંવકર અને કનુ દેસાઈ. ત્યારે ‘સેમસન’નાં વસ્ત્રો વખણાતાં. ભુજમાં તેની દુકાન. દર વર્ષે તે કેલેન્ડર પ્રસિધ્ધ કરે. મહાન લોકોનાં ચિત્રો. અને તેના ચિત્રકાર મુલગાંવકર. આ કેલેન્ડર મેળવવા તલપાપડ થતા. મળે તો નહીં, પણ પડોશીના ઘરમાં તે લટકે. આખું વર્ષ દરરોજ તે જોઈએ અને ખુશ થઈએ. દર વર્ષે મુલગાંવકર દીવાળીના એક વિશેષાંક કાઢે. હોય તો તે મરાઠીમાં, પણ તેમાં તેનાં પુષ્કળ રંગીન ચિત્રો હોય. પૈસાનો અભાવ છતાં તે ખરીદતા જ. મુલગાંવકર પાછળ પાગલ જ હતા.
એવા જ બીજા ચિત્રકાર કનુ દેસાઈ. તેમનાં પણ સરસ આલ્બમો પ્રગટ થાય. તે પણ થોડાં ખરીદેલ એવું યાદ છે. પણ પુસ્તકોનાં પુઠાં પર તેમનાં ચિત્રો હોય. ‘કુમાર’ મેગેઝીનમાં તેમનાં ચિત્રો હોય. ફિલ્મોના તે આર્ટ ડાયરેકટર. તેમાં પણ ‘ઝનક ઝનક પાગલ બાજે’, ‘ નવરંગ’, ‘ સ્ત્રી’ કે ‘ ગીત ગાયા પથ્થરોને’ ફિલ્મો કેવળ કનુ દેસાઈની કલા માટે જ જોવા જઈએ.’ઝનક ઝનક..ં માટે કનુ દેસાઈને વર્ષ ૧૯૫૭ માટેનો ફિલ્મફેરનો શ્રેષ્ઠ આર્ટ ડાયરેક્ટરનો ઍવોર્ડ પણ મળેલ છે.  ઝનક ઝનક…’ તો આજે પણ સમય મળે તો જોઈ લેવાય છે. કનુ દેસાઈ ત્યારના અદભુત ચિત્રકાર. અમારી પેઢી તેમના પાછળ ગાંડી. તેમનાં રેખાંકનો જોયા જ કરીએ.
પછી તો સમય વીતતો ગયો. “મોટા ‘ થતા ગયા. “વ્યવહારુ” થતા ગયા. એટલે આવા શોખો ગૌણ થતા ગયા. કનુભાઈ સ્મૃતિ બની ગયા. મુલગાંવકરના અંકો અદશ્ય થતા ગયા.
તાજેતરમાં અચાનક એક પુસ્તક હાથમાં આવ્યું. તે જોતાં જ સમગ્ર ભૂતકાળ યાદ આવી ગયો. જૂનું પાગલપણું ફરી સળવળવા લાગ્યું. કયું પુસ્તક હતું તે ? તેનું નામ છે ” રંગરેખાના કલાધર કનુ દેસાઈ.” સુરતની ‘કલાતીર્થ’ સંસ્થાએ પ્રકાશિત કર્યું છે. તેના પાયાના વ્યકિત રમણિકભાઈ ઝાપડિયા સાથે અકસ્માતે પરિચય થયેલો. પછી તો તે જે કલાનું પુસ્તક પ્રકાશિત કરે તે મોકલાવે. એક એકથી ચડિયાતાં પુસ્તકો. જોયા જ કરીએ. માણ્યા જ કરીએ. તેમાં આ પુસ્તક આવ્યું. કનુ દેસાઈના નામ માત્ર શરીર-મનમાં થનગનાટ પેદા કરી દીધો. બધું છોડી તે જોવા બેસી ગયો. ૩૪૪ પાનાંએ સમગ્ર અસ્તિત્વને ઝળહળતું, આનંદમય, સૌંદર્યમય, યુવાન કરી દીધું. આ પુસ્તકમાં કનુ દેસાઈ વિશેની બધી જ માહિતી પહેલી વાર મળે છે.
આ પુસ્તકનું સંપાદન કરેલ છે શ્રી કનુ પટેલે. ( કનુને કનુ જ ઓળખી શકે.) ‘કલાતીર્થે’ પ્રકાશિત કરેલ છે. પુસ્તકનાં ૩૪૪ પાનાંને છ અધ્યાયમાં વહેંચી નંખાયાં છે. પ્રથમ અધ્યાયમાં કનુ દેસાઈનું જીવન વૃતાંત અને કલાવૃતાંત આપેલ છે. તેમાં રવિશંકર રાવળ, ગજેન્દ્ર શાહ અને સલીલ દલાલે તેમના વિશે લખ્યું છે. બીજા અધ્યાયમાં કનુ દેસાઈના કલા વિશેના વિચારો છે. તેમાં તેમનો ઈન્ટરવ્યૂ પણ આપેલ છે. ત્રીજા અધ્યાયમાં કનુ દેસાઈનાં ચિત્રો મૂકયાં છે. ચોથા અધ્યાયમાં કનુ દેસાઈનાં સંસ્મરણો આપેલ છે જેમાં કુલ તેર વ્યકિતઓએ તેમનાં સાથેનાં સંસ્મરણો લખ્યાં છે. તેમાં લેખક રમણલાલ દેસાઈ, પત્રકાર નીરુભાઈ દેસાઈ, તંત્રી મુકુંદ શાહ જેવાનો સમાવેશ થાય છે. અધ્યાય પાંચ અને છમાં તેમનાં અન્ય ચિત્રો છે. સમગ્ર પુસ્તકમાં કનુ દેસાઈનાં કુલ ૪૩૮ ચિત્રો આપ્યાં છે. તેમણે પાડેલ ફોટા ૩૮ છે. કનુભાઈના પોતાના ર૮ ફોટા છે. તેમણે કરેલ ફિલ્મોનાં દશ્યોના ૭ ફોટા છે. તેમની પત્નીએ દોરેલ બે ચિત્રો છે. એક રવિશંકર રાવળનુ ચિત્ર છે. આમ લેખો અને ચિત્રો અને
ફોટાઓ દ્વારા કનુભાઈ આપણા સામે સમગ્ર રીતે પ્રગટ થાય છે. આ ઘટના પહેલી વાર (કદાચ છેલ્લી વાર !) બની છે જે વિરલ કહી શકાય.
કનુભાઈનો જન્મ ૧૯૦૮માં ભરુચમાં થયો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીના સાંનિધ્યમાં ભણ્યા. આ દરમ્યાન રવિશંકર રાવળના પરિચયમાં આવ્યા. તેમણે તેમને ઘડયા. વિદ્યાપીઠના આચાર્ય કૃપલાણીએ તેમને શાંતિનિકેતન મોકલ્યા જયાં તે અવનીન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોઝ પાસે ચિત્રમાં તૈયાર થયા. પાછા ગુજરાતમાં આવ્યા. થોડો સમય અમદાવાદમાં રહ્યા. પછી ફિલ્મોમાં આમંત્રણ મળતાં મુંબઈ ગયા. આજીવન ત્યાં જ રહ્યા. સમગ્ર જીવનમાં તેમણે ત્રીસ જેટલા ચિત્રસંપુટો, પાંચ હજાર જેટલાં ચિત્રો અને પચાસેક જેટલી ફિલ્મોમાં આર્ટ ડિરેકશન કર્યું. તેમાં પ્રકાશ ભટ્ટ અને વી. શાંતારામની ફિલ્મો મહત્વની છે. ગાંધીજી દાંડીકૂચ કરી તેનું દસ્તાવેજીકરણ માત્ર કનુ દેસાઈનાં જ ચિત્રો છે. ગાંધી શતાબ્દીમાં સરકારે ગાંધી પરિચયની બે ટ્રેનો આખા ભારતમાં ફેરવી જે કનુભાઈએ તૈયાર કરેલ. અમેરિકામાં પણ તેમનાં ચિત્રોનાં પ્રદર્શન થયાં હતાં. જર્મનીના એક મ્યુઝીયમમાં આજે પણ તેમનું ચિત્ર સથાન પામે છે. વિશ્વ વિખ્યાત ચિત્રકાર નિકોલસ રોરીક તેમના પ્રશંસક હતા. તેમના ગુરુ રવિશંકર રાવળ તો તેમના પાછળ ગાંડા જ હતા. ૧૯૮૦માં તેમણે વિદાય લીધી.
કનુભાઈનાં ચિત્રો વિશે ખૂબ લખાયું છે. દરેકે તેમની ભરપૂર પ્રસંશા કરી છે. રવિશંકર રાવળ લખે છે, ‘ કનુ દેસાઈ જીવનના રંગે જતા તરંગો આલેખે છે. વાસ્તવિકતાને કવિતામાં ઝુલાવે છે.” રમણલાલ દેસાઈ લખે છે, ” કનુ દેસાઈ એક ચિત્રકાર તરીકે આમ આપણા એક સરસ રસવિધાયક છે. એક સરસ કવિ છે. એમણે ચિત્રો દ્વરા આપણને અનેક કવિતાઓ આપી છે. ચિત્રાવલીઓ દ્વારા અનેક કાવ્યગુરુઓ આપ્યા છે.” તો ફિલ્મ નિર્દેશક વી. શાંતારામ કહે છે, “કનુ દેસાઈ નખશીખ ભારતીય સંસ્કૃતિના આરાધક હતા. તેમની કલામાં તે સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમના ચિત્રોમાં રેખા અને ગીતલયનું કલા સૌંદર્ય પ્રધાન સ્થાને છે.”
લેખક યશવંત દોશી કહે છે, ‘ કનુ દેસાઈએ ગુજરાતી સ્ત્રીનાં સૌંદર્યતત્વો ચિત્રોમાં પ્રગટ કર્યા છે. તો બીજી બાજુ ગુજરાતી સ્ત્રીઓ પણ કનુભાઈનાં ચિત્રો જોઈને એ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરવા માંડી.” પત્રકાર નીરુભાઈ દેસાઈ તેમની પ્રશંસા કરતાં લખે છે, ” છાયાચિત્રો સીલકટના એ પ્રથમ નિર્માતા. રોમેન્ટિક, રંગદર્શી ચિત્રોના એ સુરેખ ઘડવૈયા, રંગોળી અને શિલ્પનાનો સમન્વય તેમણે ઉપસાવ્યો….નિકોલસ રોરીકે તેમનાં ચિત્રો જોઈને હિમગિરીની ગોદની રંગની વ્યાવર્ત લીલા સાથે તુલના કરી હતી. ‘” જયેન્દ્ર મહેતાના મતે, ” જીવનના અતિ સામાન્ય પ્રસંગોમાંથી પણ કદી કોઈને ન સ્ફૂરે એવું કંઈક નવું એમણે કરી બતાવ્યું છે. “
તો કનુ દેસાઈ શું માનતા ? ગાંધીજીએ જયારે તેમનાં ચિત્રો જોયાં, ત્યારે તેમણે કહેલ, ” અદના આદમી સુધી તારી કલા ન પહોંચી શકે તો ચિત્રકળા છોડી દેવી.” આ તેમનું જીવન સૂત્ર બનેલ. એક લેખમાં તે લખે છે, ” હિન્દની કળાભાવનામાં સૌંદર્યભાવના ઉપરાંત એક પ્રકારનું ધર્મબળ છે….હિન્દની સૌંદર્યદષ્ટિ કાવ્ય, નાટક અને કલાઓમાં સાવ અનોખી છે અને જીવનના ગૂઢતમ રસાસ્વાદ અર્પનારી હોવાથી પશ્ચિમના કલાકારોને પણ અભ્યાસપાઠરુપ છે. ” એમાં જ આગળ લખે છે, ” કલાકારનો પરમ ધર્મ રહેશે કે તેણે પોતાની કલાકૃતિને, જીવનને હીન કે અધોમુખ કરનારાં તત્વોથી મુકત રાખી સમાજને સંજીવન અને નવપ્રફુલ્લતા આપે એવાં સર્જનો કરી બતાવવાં. ” (આના સંદર્ભમાં રમણલાલ દેસાઈએ લખેલ છે કે, ” કનુ દેસાઈએ ચિત્રોમાં શું આપ્યું છે એ પ્રશ્ન ઘણાએ ચર્ચ્યો છે, પણ એમણે શું નથી આપ્યું એ સહજ કહી જાઉં ? એણે બીભત્સ ગણાય એવું એકેય ચિત્ર નથી આપ્યું…એકાંત શયનગૃહમાં મૂકવાનું છૂપું મન થાય એવું એક પણ ચિત્ર નથી. સાથે શયનગૃહમાં ન મૂકી શકાય એવું એક પણ ચિત્ર નથી.”)
આ અદભુત પુસ્તક વિશે તો જાણે લખ્યા જ કરીએ. કનુભાઈ વિશે પણ લખ્યા જ કરીએ એટલી વિગતો તેમાં આપી છે. પણ એમાં તો કહેવાય કે તે માટે તો આ પુસ્તક જ હાથમાં લેવું જોઈએ અને જોવું-વાંચવું-માણવું જોઈએ. એક વખત આ પુસ્તક હાથમાં લેવાશે, તો , ભલેને મગજ કદાચ ઓરંગઝેબ છાપ હશે તો પણ, તે નીચે મૂકી નહીં જ શકાય. તેમનું એક એક ચિત્ર
આપણી આંખને તેનાથી દૂર હટવા નહીં દે. તેમનાં રેખાકનો આપણા સમગ્ર અસ્તિત્વને વિવિધ રંગોથી રંગી દેશે. તેમનું વિષય વૈવિધ્ય આપણને પળેપળ ચકિત કરતું રહેશે. એક વ્યકિત કેટકેટલી કલ્પનાઓ કરી શકે તે આ ચિત્ર સંપૂટો કહે છે. જીવનનો એક પણ વિષય નથી જેને કનુભાઈએ ચિત્રિત કર્યો ન હોય. અને દરેક ચિત્ર ભલે નાનું હોય, તો પણ એ નાનકડા ચિત્રમાંની વિગતો, સૂક્ષ્મ હકીકતોનું ચિત્રણ આપણને એ ચિત્ર પાસે જ અટકાવી રાખશે. ભૂલથી જો દરેક ચિત્રનો વ્યકિતગત અભ્યાસ કરવાનો પ્રયાસ કરાશે તો આ પુસ્તક કદી પુરું કરી નહીં શકાય. તેનું આજીવન દર્શન કર્યા કરવું પડશે. ગમે તેટલી વાર આ ચિત્રો જોશું, તો પણ સંતોષ નહીં જ થાય. બસ, જોયા જ કરીએ એવી અતૃપ્તિ રહેશે.
આવું પુસ્તક આપવા બદલ, કનુભાઈને પુનઃ જીવિત કરવા બદલ, તેમને નવજીવન આપવા બદલ, નવી પેઢીને તેમનો પરિચય કરાવવા બદલ પ્રકાશક રમણિકભાઈ ઝાપડિયા અને સંપાદક કનુભાઈ પટેલને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. કનુભાઈ પટેલનો કનુ દેસાઈ પ્રત્યેનો આદરભાવ તેમની મહેનતમાં દેખાય છે. પાને પાને તેમનો પૂજયભાવ છલકતો અનુભવાય છે. આ બન્નેએ આ કામ કરી ગુજરાતના કલાજગતને અને નવી પેઢીના ચિત્રકારોને શું અણમોલ ભેટ આપી છે તેની કદાચ તેમને પણ ખબર નહીં હોય. ગુજરાતનું કલાજગત હમેશ માટે તેમનું ત્રદણી રહેશે.

પુસ્તક વિશે:
” રંગરેખાના કલાધર કનુ દેસાઈ : : સંપાદક-કનુ પટેલ : પ્રકાશક-રમણિક ઝાપડિયા, કલાતીર્થ, સુરત.)

સંપાદકીય પાદ નોંધઃ
” રંગરેખાના કલાધર કનુ દેસાઈ ઃ : સંપાદક-કનુ પટેલ એકત્ર ફાઉન્ડેશનનાં ગ્રંથાલયમાં વાંચી શકાય છે.
કેટલાક વિશે માહિતી સંદર્ભો