આપણાં જીવનનું અર્થશાસ્ત્ર પણ સમજવું તો જોઇએ

ચાલો, અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનને સમજીએ થી આગળ

દિવ્યભાષ સી. અંજારીઆ

અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનમાં સાચું શું …..

આપણાં જીવનમાં ખુશીના  બે માર્ગો -વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર તેમ જ અંગત અર્થવ્યવસ્થા-માંથી આપણે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રના માર્ગના નકશાને તો સમજવાનો ઉપક્રમ કરી લીધો. એટલે હવે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર આપણાં અંગત જીવનની અર્થવ્યવસ્થા પર શું અસર કરે છે તેના પર ધ્યાન આપીએ.

એ માટે અર્થશાસ્ત્રીઓ તેમનાં ‘અર્થશાસ્ત્રનાં ‘વિજ્ઞાન’ને કયા દૃષ્ટિકોણથી જુએ છે તે સમજવું જોઈશે.

દુનિયામાં આપણી જરૂરિયાતો પુરી કરવા માટે અમર્યાદિત સાધનો હોત, તો અર્થશાસ્ત્ર જ કદાચ પેદા ન થયું હોત. પણ હકીકત એ છે કે સાધનો મર્યાદિત છે અને જરૂરિયાતોનો અંત જ નથી.  એટલે મર્યાદિત સાધનો વડે મહત્તમ જરૂરિયાતો સંતોષાઈ શકે તેવી ‘ઉપયોગિતા’ કેમ પેદા કરવી તે મૂળભુત પ્રશ્ન અર્થશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બની રહે છે. ઍડમ સ્મિથથી લઈને બધા અર્થશાત્રીઓ ‘ઉપયોગિતા’નો અર્થ આપણા નિર્ણયો અને પ્રયાસોની નિપજ તેમજ પરિણામોને, ‘શુ સિદ્ધ થઈ શકે તેમ છે’ તે સંદર્ભમાં કરે છે. મોટા ભાગે ઉપયોગિતાનું વ્યાવહારિક સ્વરૂપ નાણાં ગણાય છે. ‘વૈજ્ઞાનિક’ અર્થશાસ્ત્રનો પાયો ‘તર્ક’ એ છે કે સાધનો મર્યાદિત હોવાને કારણે આપણને ઓછામાં ઓછાં સાધનો વાપરીને વધારેમાં વધારે ‘ઉપયોગિતા’ પેદા કરવામાં જ રસ હોય. અને ‘નાણાં’ , કે ‘સમૃદ્ધિ’ સિવાય બીજી ‘ઉપયોગિતા’ વળી કઈ હોય ?

શાસનકર્તાઓને અર્થતંત્ર અને અર્થવ્યવસ્થાનું સંચાલન સુપેરે કરવામાં મદદરૂપ થવાનો અર્થશાસ્ત્રીઓનો આશય હોય છે. અર્થશાસ્ત્રીઓનો અર્થશાસ્ત્ર તરફનો વૈજ્ઞાનિક અભિગમ સમગ્રતયા સમાવેશક સ્તરે અભ્યાસનો રહેતો હોય છે. એ સ્તરે તેઓ સામુદાયિક અર્થતંત્રનો અભ્યાસ કરે છે, સામુદાયિક આર્થિક ઘટનાઓની આગાહીઓ કરે છે  અને એ મુજબ અર્થવ્યવસ્થાઓનું સંચાલન કરે છે. અમુક અપવાદો અને મર્યાદાઓમાં રહીને, આમ કરવું શક્ય બની શકે છે.

ઉત્પાદનો અને સેવાઓ પુરાં પાડનરાંઓનાં સ્તરે,  પેદાશો અને સેવાઓનાં ઉત્પાદન, વહેંચણી અને ખપત સાથે સંબંધ ધરાવતાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા અર્થતંત્ર ભજવે છે. પેદાશો અને સેવાઓના ઉત્પાદકો અમુક ચોક્કસ સ્તરમાં સાધનોને કામે લગાડે તે સામે તેમને પુરતું વળતર મળી રહે તે સાથે સામુદાયિક અર્થયંત્રનો સંદર્ભ છે.

આટલે સુધી તો વૈજ્ઞાનિક અભિગમ સામુદાયિક તેમ જ વ્યક્તિગત બાબતો પુરતો અસરકારક રહી શકે છે.

પરંતુ, અર્થશાસ્ત્ર નિરપેક્ષ , આદેશાત્મક નહીં પણ સાપેક્ષ, સામાજિક વિજ્ઞાન છે, એટલે બધી ઘટનાઓ અમુક જ ધારાધારણો મુજબ બને તેમ થતું નથી. તેમાં પણ આપણે અંગત સ્તરે જે નિર્ણયો કે પગલાં લેતાં હોઇએ છીએ તેના સામુહિક પરિપ્રેક્ષ્યને સમજવામાં કચાશ રહી જાય તો અર્થશાસ્ત્રીઓની સામુહિક આર્થિક ઘટનાઓની બધી આગાહીઓ સાચી ન પડે. પરિણામે, અર્થવ્યવસ્થાનાં સંચાલનમાં ક્યારેક ગડબડ થવાની શક્યતાઓ પણ રહે છે. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા અર્થશાસ્ત્રીઓથી આવી ચૂક કેમ થતી હશે તે આપણે થોડે આગળ જતાં જોઈશું.

અર્થશાસ્ત્રીઓ આપણા વ્યક્તિગત નિર્ણયો અને પગલાંઓની સામુહિક અસરો સમજવામાં કચાશ કરે અને તેથી સામુદાયિક અર્થતંત્રનાં સંચાલનમાં તેમનાથી જે ત્રુટિઓ રહી જાય તેને કારણે અર્થશાસ્ત્રનું વિજ્ઞાન ખોટું છે તેમ ન કહી શકાય. એ મર્યાદાઓ અને અપવાદોના દાયરામાં, વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર સામુહિક તેમ જ વ્યક્તિગત કક્ષાએ પ્રસ્તુત રહે છે.

વ્યક્તિગત અર્થવ્યવસ્થાની કક્ષાએ વૈજ્ઞાનિક અર્થતંત્ર કેટલું સાચું

વ્યક્તિગત અર્થવ્યવસ્થાની બારીકીઓ સમજવા બાબતે અર્થશાસ્ત્રીઓની નાની મોટી બધી ઉણપો છતાં તે લોકોનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોની ખુશી અને શ્રેય માટે અર્થતંત્રને કામે લગાડવાનો છે એ વાત તો સાચી જ છે. તેમ વળી, મર્યાદિત સાધનોના ઉપયોગ વડે મહત્તમ જરૂરિયાતો પુરી કરવા વિશે આપણને સભાન કરવાનો તેમનો વૈજ્ઞાનિક અભિગમ પણ એટલો જ  સાચો છે. અર્થશાસ્ત્રનાં ‘સક્રિય’ પરિબળ તરીકે આપણે આર્થિક ઘટનાઓ સાથે વ્યવહાર કરીએ કે ન કરીએ, આપણી જરૂરિયાતો પુરી કરવા માટે ઓછામાં ઓછાં સાધનોનો વપરાશ થાય તેમ આપણે કરવું જ જોઈએ તે વાત પણ સાચી તો છે જ. પૃથ્વી પર ઉપલબ્ધ બધાં જ કુદરતી સંસાધનો અમર્યાદિત નથી એ વિશે તો કોઈ શંકાને સ્થાન જ નથી. વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનને આપણી સમજના દાયરામાં લાવીને કુદરતી સાધનોની મર્યાદિત ઉપલબ્ધિ વિશે આપણને અવગત કરેલ છે તે પણ સાચું જ છે. ઓછામાં ઓછાં સાધનોના વપરાશની મર્યાદામાં રહીને પણ, આપણા વ્યક્તિગત તેમ જ સામુદાયિક નિર્ણયો અને પગલાંઓ વડે, શક્ય તેટલી મહત્તમ સુખની પ્રાપ્તિ તરફનો માર્ગ પણ તેઓએ દેખાડ્યો છે એ પણ વળી સાચું તો છે જ.

અને, અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનમાં ખોટું શું …..

આપણે લોકો આપણાં બિનઆર્થિક વ્યક્તિગત સ્તરે અર્થશાત્રનાં વિજ્ઞાનને સમજીએ કે ન સમજીએ, પણ, મોટા ભાગે, આપણો અભિગમ આપણાં સુખ અને સંતોષની સિદ્ધિ  માટે ઓછામાં ઓછાં સાધનો વાપરવાનો તો હોય જ છે.

સામાન્ય રીતે, આપણે જેટલું પણ કમાઈએ છીએ તે બધું વાપરી નથી કાઢતાં. આવકમાંથી થોડી થોડી બચત કરીને તે બચતનું ભવિષ્ય માટે રોકાણ કરીએ છીએ. આપણી આવડત, આપણો સમય, આપણો શ્રમ જેવાં આપણાં સાધનોનો આપણે શક્ય એટલો ઓછો વપરાશ થાય તે વિશે પ્રયત્નશીલ પણ રહીએ જ છીએ. ઘણી વાર, વ્યક્તિગત સ્તરે, કે પછી સામુહિક સ્તરે, આપણાં એ સાધનોનો વપરાશ નાણાંકીય અર્થશાસ્ત્રથી અલગ દિશામાં પણ કરીએ છીએ.

દેશનાં સકલ ઘરેલુ ઉત્પાદનને મહત્તમ કરવું હોય તો ખેડૂતોએ મહત્તમ ખાતર વાપરીને મહત્તમ પાક લેવો જોઈએ અને ગ્રાહકોએ તેનો મનમુકીને મહત્તમ વપરાશ કરવો જોઈએ એવી અર્થશાત્રની દેખીતી સમજ ગણાય. પરંતુ કેટલાય ખેડૂતો ઓછામાં ઓછાં ખાતરો, ઓછામાં ઓછું પાણી અને ઓછામાં ઓછી જમીન વાપરીને વધારેમાં વધારે પાક લેતા હોય છે. વ્યવહારૂ ગૃહિણી જેવાં કેટલાંય ગ્રાહકો હંમેશાં પ્રયત્નશીલ રહેતાં હોય છે કે ઓછામાં ઓછાં અનાજ, શાકભાજી કે મસાલા વાપરીને, દરરોજ, દર ટંકે, કેમ વધારેમાં વધારે સ્વાદિષ્ટ તેમજ આરોગ્યપ્રદ  રસોઇ બનાવવી !

માનવીની નવીનીકરણ કરતાં રહેવાની સહજ વૃત્તિને પરિણામે આપણે ખેતીપ્રધાન યુગમાંથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં આવ્યાં. યાંત્રિકીકરણની સવળી અસરોને કારણે ઉત્પાદનમાં અનેકગણો વધારો થવા લાગ્યો,. તે સાથે ખર્ચ ઓછાં કરવાની સ્પર્ધાત્મકતાને કારણે ઓછાં માલસામાન અને સાધનો પણ વપરાતાં ગયાં. ઉપભોકતાવાદ જેવાં વલણોને કારણે વસ્તુઓ અને સેવાઓનો વપરાશ વધ્યો. આમ માનવ સહજ સકારક વૃત્તિઓએ અર્થતંત્રને સુચક્રના પ્રવાઃહમાં પળોટ્યું.

દેખીતી રીતે, વ્યક્તિગત અને સામુહિક સ્તરે, વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રનો અભિગમ, જાણ્યેઅજાણ્યે, પણ સાચો પડતો હતો.

પરંતુ, કુદરત કે માનવી દરેક વખતે અર્થશાસ્ત્રીઓની આદર્શ અપેક્ષાઓ અનુસાર વર્તતાં નથી. પ્રાદેશિક કે વૈશ્વિક સ્તરે આવી પડતી કોવિડ ૧૯ જેવી કુદરતી આપત્તિઓ કે માનવ સર્જિત યુદ્ધો જેવી આકસ્મિક ઘટનાઓ અર્થશાસ્ત્રીઓ પારખી નથી શકતા.

એ ઉપરાંત લોભ, લાલચ કે ટુંકા ગાળામાં બહુ કમાઈ લેવાની ટુંકી દૃષ્ટિ જેવી માનવસહજ નબળાઇઓ પ્રેરિત વ્યક્તિગત નિર્ણયોની સામુહિક અસરો પણ અર્થશાસ્ત્રીઓની પરખનાં રડારમાં નથી ઝીલાતી હોતી.

અનઅપેક્ષિત વિપરિત બાહ્ય સંજોગો કે માનવ નબળાઇ સર્જિત નિર્ણયોની અસરો એટલી પ્રબળ કક્ષાએ પહોંચી જાય છે કે અર્થતંત્રનાં સુચક્ર ના પ્રવાહો અચાનક જ દુષ્ચક્રોનાં વમળોમાં ફેરવાઈ જાય છે.

સામાન્યપણે જોવામાં આવતું રહ્યું છે કે જ્યારે જ્યારે આર્થિક સુચક્ર વધારે સબળ હોય છે, અને વધારે સમય ચાલે છે, ત્યારે તે પછી આવી પડતું દુષ્ચક્ર વધારે આકરૂં હોય છે, અને લાંબો સમય પણ ચાલતું હોય છે. સુચક્ર ક્યારે પુરૂં થશે અને દુષ્ચક્રની અસરો કેટલી વિઘાતક નીવડશે તે વૈજ્ઞાનિક અભિગમથી મેળવેલ અર્થશાસ્ત્રીઓનાં જ્ઞાન અને અનુભવો પણ આગળથી કહી નથી શકતાં.

તે ઉપરાંત વ્યક્તિગત સ્તરે માનવ સહજ ભિન્નતા એટલી બધી સંકુલ છે કે કોઈ પણ વ્યક્તિ કયા સંજોગોમાં કેવો નિર્ણય લેશે અને કેમ વર્તશે તે કળી શકવું અશક્ય જ છે. એટલે એ વિશે અર્થશાસ્ત્રીઓ ગમે એટલું વિચારી સમજીને પૂર્વાનુમાન બાંધે, એ પૂર્વાનુમાન ખોટું પડવાની જ સંભાવનાઓ વધારે રહે છે.

આચરણમૂલક અર્થશાસ્ત્ર આપણી નિર્ણય પ્રક્રિયાની સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક અભિગમને સમજવા મથે છે, પણ આપણાં આચરણ માટે જવાબદાર હોઈ શકે તેવાં વ્યક્તિગત પ્રેરણાત્મક, અને પસંદનાપસંદનાં, ચાલક બળો તેની ગણતરીમાં નથી આવતાં. આવું જ પ્રયોગમૂલક અર્થશાસ્ત્ર સાથે પણ થાય છે. આપણા આર્થિક નિર્ણયો પાછળની વૈજ્ઞાનિક પ્રક્રિયાનો આધાર લઈને પ્રયોગમૂલક અર્થશાસ્ત્રીઓ પૂર્વાનુમાનો ઘડે છે, અને પછી એવા જ પ્રયોગો વડે તેને પ્રમાણિત કરવા માગે છે. અહીં પણ વ્યક્તિગત પ્રેરણાત્મક, અને પસંદનાપસંદનાં, પરિબળો એમની વિચારધારાની બહાર જ રહી જાય છે.

પરિણામ એ આવે છે કે આવા વ્યક્તિગત નિર્ણયો અને પગલાંઓની અસરો નથી તો વ્યક્તિગત સ્તરનાં અર્થતંત્ર અભ્યાસ કરતું કે નથી તેની સામુદાયિક અસરોનો અભ્યાસ સામુદાયિક સ્તરનાં અર્થતંત્ર દ્વારા થઈ શકતો. આમ, વ્યક્તિગત સ્તરનાં અર્થતંત્ર અને સામુદાયિક સ્તરનાં અર્થતંત્રને સાંકળતી વ્યક્તિગત નિર્ણય પ્રક્રિયાઓની અસરોની અતિઆવશ્યક કડી કાયમ ખૂટતી જ રહે છે.

એટલે પછી આપણે આપણી પોતાની અર્થવ્યવસ્થા ગોઠવી લઈએ છીએ અને અર્થશાત્રીઓ વૈજ્ઞાનિક અભિગમનાં તેમનાં સામુદાયિક સ્તરનાં અર્થતંત્રમાં ખુંપેલા રહે છે. અર્થતંત્રનું વિજ્ઞાન આ બે અલગ પ્રવાહો વચ્ચે બીનઅસરકારક વિદ્યાશાખા તરીકે અથડાતું રહે છે, અને આપણે આપણાં પોતપોતાનાં આગવાં સુખની શોધ આપણે કોતરેલ, આપણી પોતાની અર્થવ્યવસ્થાની, કેડી પર કરતાં રહીએ છીએ.

આ શાશ્વત વિરોધાભાસને કારણે જ આપણાં પુસ્તકનો વિચાર અંકુરિત થયો છે…….. !!


ક્રમશઃ


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.