ચાલો, અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનને સમજીએ
અર્થશાસ્ત્રની આપણી આસપાસ રચાયેલી જેલની દુનિયા થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
આપણાં જીવનનાં સુખની સફર વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર અને અંગત અર્થવ્યવસ્થા એમ બે રસ્તે આગળ વધતી હોય છે.
પહેલાં વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રના માર્ગનો નકશો સમજીએ.
અર્થશાસ્ત્રીઓ અને આપણે
પરંપરાગત વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ અર્થશાત્રને એક વિજ્ઞાનની નજરે જુએ છે. તેઓ માને છે કે એક વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્ર આર્થિક ઘટનાઓને વૈજ્ઞાનિક નિયમો દ્વારા સમજાવી શકે છે. તેમના મતાનુસાર અર્થશાસ્ત્રના આ નિયમો આપણા વિવિધ આર્થિક નિર્ણયો અને વર્તનોને અમુક દિશા આપતાં પરિબળો છે. એમને માટે અર્થતંત્ર એ એકલ ઘટક એવું નાણાં વિશ્વ છે. એ નાણાં વિશ્વમાં વ્યાપક સ્તરે જે કંઈ બની રહ્યું છે, કે બનશે, તે સમજાવવા માટે તેઓ સમષ્ટિ અર્થશાસ્ત્રના નિયમો ઘડે છે.
જમીની સ્તરે, વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ આપણને આથિક નિર્ણયો લેતાં આર્થિક પરિબળો ગણે છે. અને એ મુજબ, આપણે કેવી રીતે આર્થિક નિર્ણયો લઈએ છીએ તે વિશે તેઓ અનુમાનો ઘડે છે.
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનની આચરણમૂલક અર્થશાસ્ત્ર અને પ્રયોગમૂલક અર્થશાસ્ત્ર એમ બે શાખાઓ પણ રચાઇ છે. આચરણમૂલક અર્થશાસ્ત્ર આપણે શી રીતે નિર્ણયો લઈએ છીએ તે સમજવા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે પ્રયોગમૂલક અર્થશાસ્ત્ર આપણા પર પ્રયોગો કરીને આપણા નિર્ણયોને લગતાં વિવિધ પૂર્વાનુમાનોને ચકાસે છે. જેમકે, આચરણમૂલક અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે આપણે સૌ તર્કસંગત પ્રાણીઓ છીએ અને ઓછામાં ઓછાં સંસાધનો વાપરીને મહત્તમ લાભ લેવા પ્રયત્નશીલ રહીએ છીએ. એ લોકો એમ પણ માને છે આપણને બધાંને ધનવાન અને સમૃદ્ધ થવું છે. એટલે નાણાં સંચાલિત અર્થવ્યવસ્થાથી અંતર પાળનાર કે સમૃદ્ધિનો સમૂળગો વૈરાગ્ય પાળનાર લોકો તેમને સમજાતાં નથી. તેની સામે, પ્રયોગમૂલક અર્થશાસ્ત્રીઓ વ્યક્તિઓને, અને સમુદાયોનાં જૂથોને, એવા ચોક્કસ સંજોગો હેઠળ પસાર કરીને અભ્યાસ કરે છે કે આપણે ખરેખર ‘તર્કસંગત’ નિર્ણયો જ લઈએ છે કે પછી હંમેશાં નાણાંકીય સંપત્તિ વધારતાં જ રહેવા સાથે સુસંગત આર્થિક નિર્ણયો જ કરતાં હોઇએ છીએ.
જેમ વિશુદ્ધ વિજ્ઞાનશાખાનાં વિજ્ઞાનીઓ વિવિધ પ્રયોગો દ્વારા તેમનાં પૂર્વાનુમાનો ચકાસે છે તેમ પ્રયોગમૂલક અર્થશાત્રીઓ પણ આપણા પર કરાતા પ્રયોગો દ્વારા તેમનાં અનુમાનો ખરાં છે કે નહીં તે ચકાસે છે. આપણાં આચરણોનો એ લોકો અભ્યાસ કરે છે. એ લોકો માને છે આપણાં આચરણોને પદ્ધતિસર વિકાસાવાયેલ નિયમોમાં બંધબેસતાં કરી શકાશે, અને તેના પરથી સમષ્ટિ અર્થતંત્રના ગતિપ્રવાહોના વૈજ્ઞાનિક અભિગમોને સમજી શકાશે. એ લોકો આપણી વ્યક્તિ તરીકેની, તેમજ સામુહિક, અર્થવ્યવસ્થાને પણ સમજવાની કોશિશ કરતા રહે છે. એ અભ્યાસો પરથી એ લોકો એમ પણ માને છે કે તેઓ આપણને સમજાવી શકશે કે કેમ ઉચિત સમયે, યોગ્ય, આર્થિક, નિર્ણયો લઈને આપણાં જીવનને આપણાં વાંછિત સુખની સિદ્ધિ તરફ દોરતાં રહી શકાય.
અંગત જીવનની અર્થવ્યવસ્થાના દૃષ્ટિકોણથી આપણે આશા કરીએ કે પ્રયોગમૂલક અર્થશાસ્ત્રીઓ આપણી આર્થિક નિર્ણય પ્રક્રિયાઓને, કે આપણાં જીવનમાં નાણાંની ભૂમિકા વિશે અને નાણાં બાબતે, તેમજ નાણાં સિવાયના, આપણા નિર્ણયોને વધુ સારી રીતે સમજે. જો આમ થવા લાગે તો તેઓ આપણને માત્ર આર્થિક પરિબળો તરીકે જોવાની સાથે ગ્રાહક, બચતકર્તાઓ, નિવેશકો, દાતાઓ કે એવાં ચોક્કસ સમુદાયોના સભ્યો તરીકેના આર્થિક, તેમ જ આપણા બિનઆર્થિક, નિર્ણયોને સારી રીતે સમજી શકશે. નાણાંપ્રધાન અર્થવ્યવસ્થાઓ ઉપરાંત બિનનાણાંપ્રધાન અર્થવ્યવસ્થાઓની આસપાસ રચાયેલ સમુદાયોમાંની આપણાં અંગત જીવનની અર્થવ્યવસ્થાને સારી રીતે સમજવાની દિશામાં આ મહત્ત્વની પહેલ બની રહી શકે છે. બહુખ્યાત નોબેલ પારિતોષિકનું વર્ષ ૨૦૨૧ માટે અર્થશાસ્ત્રનું પારિતોષિક એમ.આઈ.ટીના અભિજિત બેનર્જી અને એસ્થર ડફ્લૉને એનાયત થવું એ પ્રયોગમૂલક અર્થશાસ્ત્રનાં મહત્ત્વની વધતી જતી સ્વીકૃતિનું એક સ્વાભાવિક સૂચક છે.
અર્થવિજ્ઞાનીઓને આપણે ખોટાં પણ પાડીએ છીએ !
અર્થશાસ્ત્રીઓ પણ ઘણી વાર ખોટા પડતા હોય છે. ભાવ વધારાને કારણે ફુગાવાની અસરો કે નીચે તરફ ગતિ કરતાં આર્થિક ચક્રો જેવી અર્થવ્યવસ્થાની કેટલીય વ્યાપક ઘટનાઓની સચોટ આગાહીઓ તેઓ ઘણી વાર નથી કરી શકતા. જો તેઓ પુરેપુરી સ્પષ્ટતા સાથે આવાં આર્થક અનુમાનો કરી શકતા હોત તો શેરબજારોમાં જોવા મળતી ચચળતા કે બેંકોનાં અચાનક જ (!?) દેવાં ફુકવાં જેવી ઘટનાઓ બનતી જ ન હોત ! તેમ વળી, અર્થશાસ્ત્રીઓ આપણાં અંગત જીવનની અર્થવ્યવસ્થાના નિયમો પણ દર વખતે તારવી નથી શકતા. પરિણામે, ઘણી આર્થિક બાબતોમાં આપણા માર્ગદર્શક તરીકે અર્થશાસ્ત્રીઓ કંઈક અંશે ઊણા પડતા અનુભવાય છે.
આપણા જીવનને સ્પર્શતી, પ્રત્યક્ષ અને પરોક્ષ, ઘટનાઓ વિશે અર્થશાસ્ત્રીઓ ખોટા પડવાનું એક કારણ એ છે કે અર્થશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન કે ગણિત જેવું નિરપેક્ષ વિજ્ઞાન નથી. એટલે તેમાં જે જે નિયમો ઘડવામાં આવ્યા હોય છે તે અમુક સંજોગો અને સંદર્ભોના પરિપ્રેક્ષ્યમાં ખરા નીવડે, એટલા થોડા અલગ સંજોગ કે સંદર્ભમાં ખરા ન પણ ઉતરે. વળી, આપણે, દરેક વ્યક્તિ, આપણી જીવન પદ્ધતિ, વિચાર શક્તિ, નિર્ણય પ્રક્રિયા, જીવન પદ્ધતિ જેવી અનેક બાબતોમાં એકબીજાંથી એટલાં અલગ છીએ કે આપણા નિર્ણયો કે પગલાંઓને પરંપરાગત અર્થશાસ્ત્રના એકસમાન માપદંડથી ન તો માપી શકાય કે ન તો તેમના વિશે આગાહીઓ કરી શકાય. જીવનનાં સુખની આપણી પરિભાષાઓ જેટલી અલગ અલગ છે, તેટલી જ જીવનનાં સુખ પ્રાપ્તિનાં ધ્યેયને સિદ્ધ કરવાની આપણી રીતો આગવી છે. સામાન્યતઃ વ્યક્તિગત સ્તરે તર્કસંગત જ હોય તેવી વ્યક્તિ સામુહિક સ્તરે, ક્યારેક, સાવ બિન તર્કસંગત નિર્ણયો લેતી હોય છે. તો વળી, ઘણી વાર એનાથી સાવ ઉલટું પણ બનતું જોવા મળતું હોય છે. ખુબ ઊંચા વળતરવાળા વ્યવસાયોને છોડીને આર્થિક દૃષ્ટિએ થોડી સંકડામણ અનુભવાતી હોય તેવી પ્રવૃત્તિઓમાં મસ્ત રહેતાં કેટલાંય લોકો આપણી આસપાસ નજરે પડશે.
એટલે આપણાં જેવાં સાવ અનપેક્ષિત રીતે વર્તતાં અસ્તિત્વો સાથે જેમને કામ કરવાનું હોવા છતાં પણ જેમની પાસેથી સામુહિક કે વ્યક્તિગત સ્તરની આર્થિક ઘટનાઓની ચોક્કસ, ભુલચુક વગરની, આગાહીઓ કરવાનીની જવાબદારી નિભાવતાં વ્યાવસાયિક અર્થશાત્રીઓ માટે આપણને ખુબ સહાનુભૂતિ હોવી ઘટે.
અર્થશાત્રના ભાગ્યવિધાતાઓ અર્થશાત્રીઓ નહીં પણ આપણાં જેવાં સામાન્ય લોકો છે !
ભૌતિક વિજ્ઞાનની બાબતોની જેમ, અર્થશાત્ર કે નાણાં નથી તો કુદરતી રીતે પેદા થયાં કે નથી તો ઉપરથી ટપકી પડ્યાં. અર્થશાસ્ત્ર માનવ સંબંધો અને આચરણોનું વિજ્ઞાન છે. નાણાં માનવીની પોતાની શોધ છે. આપણે આપણાં જીવનનાં જે નિર્ણયો, જે રીતે કરીએ, છીએ તે મુજબ અર્થશાસ્ત્ર ચાલે છે. એ દૃષ્ટિએ, આપણા માટે આર્થિક નિયમો ઘડતા કે વિજ્ઞાનની રચના કરતા વ્યાવસાયિક અર્થશાત્રીઓના હાથમાં નહીં, પણ આપણાં જેવાં સામાન્ય લોકો સ્વરૂપ આર્થિક પરિબળોના હાથમાં આર્થિક ઘટનાઓની દોર છે. આપણી પોતાની અંગત અર્થવ્યવસ્થા ભલે ગમે તેટલી અવૈજ્ઞાનિક હોય, પણ તે આપણી પોતાની, માત્ર આપણા પોતાના માટેની, છે.
સમષ્ટિ (સામુદાયિક) અર્થશાસ્ત્રનો આધાર સામુહિક સ્તરે આપણે જે નિર્ણયો લઇએ છીએ, પગલાં લઇએ છીએ તેના પર છે. આપણે જે રીતે આપણી અંગત અર્થવ્યવસ્થા ગોઠવીએ છીએ તે વ્યષ્ટિ (સૂક્ષ્મ) અર્થશાસ્ત્રને ઘડે છે. વસ્તુઓ કે સેવાઓની આપણી ખરીદીઓ કે વેચાણો, નાણાં વડે સમૃદ્ધિ ઉપાર્જન કે બીનનાણકીય સંસાધનોના આપણા ઉપયોગ એ આપણા. પોતાના, આર્થિક નિર્ણયોની નીપજો છે. આપણા આ અંગત આર્થિક નિર્ણયો, નાણાં વિશેના આપણા આગવા દૃષ્ટિકોણો વગેરે જેવી આપણી આર્થિક, તેમ જ બિનઆર્થિક, ગતિવિધિઓ આપણને અર્થવ્યવસ્થાનાં ઘડવૈયા બનાવે છે.
સામુદાયિક અર્થશાત્રની જે ઘટનાઓ પર આપણે ક્રિયા-પ્રતિક્રિયાઓ કરતાં હોઈએ છીએ તે વ્યાવસાયિક વિજ્ઞાનીઓએ ભલે વૈજ્ઞાનિક વિચારસરણીના આધાર પર રચેલ હોય, પણ સમગ્ર અર્થતંત્રનો એ બહુ નાનો સરખો હિસ્સો જ છે. તે સાથે સાથે, આપણાં પોતાનાં, વ્યક્તિગત અર્થશાસ્ત્રને, આપણી પોતપોતાની આગવી રીતથી, પણ આપણે અનુસરીએ છીએ. અર્થત્રંત્રનો આ હિસ્સો નાણાં સાથે સંકળાયેલો હોય પણ ખરો, કે પછી બિનનાણાકીય આર્થિક પરિસ્થિતિઓ અને નિયમોના સંદર્ભ સાથેનો પણ હોઈ શકે છે. આમ, આપણે સત્તાવાર અર્થતંત્ર અને વ્યક્તિગત અર્થતંત્ર એમ એકસાથે બે આર્થિક વિશ્વમાં વસીએ છીએ, તેમજ સમષ્ટિ તેમજ વ્યષ્ટિ અંર્થંતંત્રનાં ઘડતરમાં, અને તેને ચાલતાં રાખવામાં, પણ ભૂમિકા ભજવીએ છીએ
હકીકત એ છે કે અર્થશાસ્ત્રીઓ ઘણીવાર ફુગાવો અથવા જીવન ખર્ચ, અથવા નાણાંનું વાસ્તવિક મૂલ્ય જેવી સામુહિક સ્તરે બનતી આર્થિક ઘટનાઓની આગાહી કરવામાં પણ ખોટા પડે છે. આપણા વ્યક્તિગત અર્થશાસ્ત્રને માર્ગદર્શન આપતા નિયમોને સમજવામાં જ્યાં ઉણા પડતાં હોય ત્યાં આપણી વિચારસરણી અને તેને આનુષિંક પગલાંઓ તેમની પુરી સમજમાં બેસે એ વાત તો જાણે છોડી દઇએ. પરંતુ, જો અર્થશાસ્ત્રીઓ વ્યક્તિગત આર્થિક ઘટનાઓને કારણે ઘડાતાં સૂક્ષ્મ અર્થશાસ્ત્રને ન સમજે, કે તેને ધ્યાન પર ન લે, તો જેના વિશે વિચાર કરવાની તેમની પ્રાથમિક જવાબદારી છે એવાં સમષ્ટિ અર્થતંત્ર વિશેનાં તેમનાં અનુમાનો અને નિયમો, અને એ રીતે આખું સમષ્ટિ અર્થતંત્ર તેમજ તેની આપણા પોતાના વ્યક્તિગત અર્થશાસ્ત્રની અંદરના આપણા દ્વારા લેવામાં આવેલા વિશાળ સંખ્યામાં નિર્ણયો, બાબતે એ લોકો ખોટા જ પડતા રહી શકે છે. વિશાળ સંખ્યામાં લેવાતા આપણા આ વ્યક્તિગત નિર્ણયો આપણે બધા અલગ અલગ વ્યક્તિઓ તરીકે લઈએ છીએ. ક્યારેક તો વળી એકબીજાના નિયમો આમને સામને રદ થઈ જાય એવા જ નિર્ણયો લઈએ છીએ. આ બધાંનું એકંદર પરિણામ સમષ્ટિ અર્થત્રંતની બહુ મહત્ત્વની વાસ્તવિકતામાં પરિણમે છે. સૂક્ષ્મ આર્થિક નિર્ણયોની આ સંખ્યા વિશાળ છે, જેની સ્પષ્ટપણે આગાહી કરવી ઘણી મુશ્કેલ છે.
આપણા વ્યક્તિગત અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક વૈશ્વિક કાયદાઓ નથી. આપણા નિયમો આપણે જ બનાવીએ છીએ, અને મીટાવીએ પણ છીએ. તેમ છતાં અર્થતંત્ર અને નાણાંની એક ચોક્કસ મર્યાદામાં રહીને આપણા (નાણાં) જેલર અર્થતંત્રની આપણી જેલ માટે તેમના નિયમો બનાવે છે. પરંતુ, સમાંતર રીતે, આપણાં વ્યક્તિગત અર્થશાસ્ત્ર સાથે સુસંગત આપણા નિયમો આપણે ઘડી પણ શકીએ છીએ. આપણે ભલે અનુમાનિત નિયમોનું પાલન કરતી વૈજ્ઞાનિક સંસ્થાઓ નથી પણ આપણે એવાં સર્જનાત્મક માનવ અસ્તિત્વો છીએ, જેઓ પોતાની ફિલસૂફી, પોતાની લાગણીઓ, અને પોતાના તર્કના આધારે આર્થિક નિર્ણયો લે છે. મજાની વાત એટલી જ છે કે, આવું બધું વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓની વૈજ્ઞાનિક શોધમાંથી છટકી જાય છે.
વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ આપણા આર્થિક નિર્ણયોને સ્પર્શતા નથી. અને તેથી, તેઓ નાણાંની દ્રષ્ટિએ આપણા નિર્ણયોની અસરોને માપી શકતા નથી. તેઓ ખોટા પડવાનું આ બીજું કારણ છે. નાણાં સિવાયના આપણાં અન્ય સંસાધનોનો ઉપયોગ કરીને, નાણાં દ્વારા, તેમજ આપણી અન્ય પ્રેરણાઓ દ્વારા, સંચાલિત આર્થિક જેલનાં વાતાવરણની બહારના ઘણા નિર્ણયો આપણે અસરકારક રીતે લઈ લઈએ છીએ. જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડીએ છીએ, ત્યારે શું આપણે પૈસા વિશે વિચારીએ છીએ? આપણને જ્યારે નોકરી દરમ્યાન કંઈક સરખું વાંકું પડે છે ત્યારે આપણી નોકરી છોડી દેવા સમયે ત્યારે શું આપણે પૈસા વિશે વિચાર કરવા રોકાઈએ છીએ? જ્યારે આપણે મોંઘાં ઉત્પાદનો અને સેવાઓ ખરીદીને તેનો વપરાશ કરતાં હોઈએ છીએ, ત્યારે શું આપણે તર્કસંગત હોઈએ છીએ ? આપણી બચત અથવા સંપત્તિને મહત્તમ કરવાનો એ સમયે વિચાર કરીએ છીએ ખરાં? જ્યારે આપણે આપણી સંપત્તિનો મોટો હિસ્સો દાન કે સખાવત રૂપે આપવાનો નિર્ણય લેતાં હોઈએ છીએ, ત્યારે શું આપણે પૈસા વિશે તર્કસંગત હોઈએ છીએ? અર્થશાસ્ત્રીઓ ફક્ત આપણા નાણાં આધારિત નિર્ણયો પર આવી અટકી જાય છે, જ્યારે દેખીતી રીતે આપણા જે અતાર્કિક આર્થિક નિર્ણયો છે તેને તેઓ નજ઼રઅંદાજ કરી લે છે..
આપણા માર્ગદર્શક બનવા જતાં અર્થશાસ્ત્રીઓ તેમનાં સામુદાયિક અર્થતંત્રનું ચોકઠું આપણા સૂક્ષ્મ અર્થતંત્ર સાથે બેસાડી દેતા હોય છે.
જ્યાં સુધી વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ તેમના સમષ્ટિ અર્થતંત્રને આપણાં રોજબરોજનાં વ્યક્તિગત અર્થશાસ્ત્ર સાથે વણાયેલ વ્યષ્ટિ અર્થતંત્ર સાથે સાંકળશે નહીં, ત્યાં સુધી તો તેઓ છાસવારે ખોટા પડતા રહેશે.. અર્થશાસ્ત્રના વિજ્ઞાને આપણે વ્યક્તિઓ તરીકે, અથવા સમુદાય તરીકે, અનુસરીએ છીએ તે વ્યક્તિગત અર્થશાસ્ત્ર સાથે પોતાનું અનુકૂલન સાધવું પડશે. આર્થિક સંશોધકો અને શિક્ષણવિદોએ અભ્યાસ કરવો પડશે કે કેવી રીતે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર તેમના સામુહિક અર્થસાસ્ત્રને અસર કરે છે. આર્થિક સલાહકારો દ્વારા સંચાલિત અર્થતંત્રો આપણા વ્યક્તિગત સ્તરે કેવી રીતે બદલાઈ શકે છે તે મુજબનાં વ્યક્તિગત અર્થશાસ્ત્રના માળખાને ધ્યાનમાં લેવું પડશે. આર્થિક સલાહકારોને અનુસરતી સરકારો છે, સંશોધકો અને શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકો વગેરેના શૈક્ષણિક અર્થશાસ્ત્રી સમુદાયો તેમજ વિદ્યાર્થીઓ એ બધાએ વ્યક્તિ દ્વારા દોરવાતાં સૂક્ષ્મ અર્થશાસ્ત્રને અનુસરવું પડશે અને તેને પોતાનાં વૈજ્ઞાનિક સમાષ્ટિ અર્થતંત્ર સાથે જોડવું પડશે. ભૂલની ઘટનાઓ ઘટાડવાનો અને સમષ્ટિ અને વ્યષ્ટિ અર્થવ્યવસ્થાઓની દુનિયા વચ્ચેનું અંતર ઓછું કરવાના ઉદ્દેશ્ય તે સિવાય સિદ્ધ કરવા અશક્ય બની રહેશે. આર્થિક ઘટનાઓની આગાહી કરવાના પ્રયાસ કરતી વખતે આપણા સર્જનાત્મક, અવૈજ્ઞાનિક, અતાર્કિક મંતવ્યોને પણ ધ્યાનમાં લેવા જોઈશે.
જ્યાં સુધી અર્થશાસ્ત્રીઓ સૂક્ષ્મ અર્થશાસ્ત્રના અભ્યાસની આ શાખાને અસરકારક રીતે આગળ ન ધપાવે ત્યાં સુધી તેમની આર્થિક સલાહ હંમેશા આપણા માટે વિશ્વાસપાત્ર રહેશે નહીં. જ્યાં સુધી વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણમાં આપણી વ્યક્તિગત અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલ વ્યષ્ટિ અર્થશાત્રનાં સ્થાનનું મહત્ત્વ ન બને ત્યાં સુધી આપણાં જીવનની ખુશીઓ તરફનાં માર્ગદર્શન માટે વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ પર આધાર રાખવાનો ખાસ અર્થ નથી.
ક્રમશઃ
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
વિચારતા કરી દે તેવો લેખ. ગમ્યો.
LikeLike