અર્થશાસ્ત્રની આપણી આસપાસ રચાયેલી જેલની દુનિયા
‘પ્રાકક્થન’ – સુખી અંગત જીવનની માર્ગદર્શિકા થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
જીવનનાં અર્થશાસ્ત્રને સમજવા માટે પહેલું પગલું ‘અર્થશાત્ર’ની દુનિયાના અર્થશાસ્ત્રનાં વિજ્ઞાન, માનવ જીવનનાં અર્થશાસ્ત્ર અને આપણાં જીવનની વ્યક્તિગત અર્થવ્યવસ્થાના ત્રિલોકના કોઠાને સમજવાનું છે.
આપણેઃ કેદી
નાણાંની મોહજાળે આપણી આસપાસ એક અનોખી કેદ ખડી કરી છે જેની બધી ચાવીઓ જેલર તરીકે પૈસો પોતાના હાથમાં રમાડે છે. આ જેલની સીમાઓ જાણે અનંત છે.
જેલર પણ હોવો જોઇએ
માનવીને આ કારાગૃહમાંથી મુક્તિ મળે એવી કોઈ દૈવી શક્તિ તેની પાસે છે નહીં. વળી, જેમ જેમ આપણે આ મોહપાશમાંથી છૂટવા હવાતિયામાં મારીએ છીએ તેમ તેમ નાણાંની નાગચૂડ વધારે કસાતી જાય છે. આજે નરી વાસ્તવિકતા એ છે કે આપણાં જીવનનાં ડગલે ને પગલે આપણે જાણ્યે અજાણ્યે એ જેલરની અનુમતિ આવશ્યક બની ગઈ છે.
અર્થવ્યવસ્થાની કેદની નીતિના ઘડવૈયાઓ
જોકે ખુદ જેલર પણ આપણને મળેલી આ જન્મની આર્થિક જેલની કેદના નિયમો ઘડવા માટે સ્વતંત્ર નથી.
આપણાં જીવનની આર્થિક કેદનાં નીતિનિયમો તો અર્થશાસ્ત્રની લગામ જેમના હાથમાં છે એવાં અર્થશાસ્ત્રીઓ અને રાજનેતાઓ ઘડે છે. જેલર તો એ નીતિનિયમોનું પોતાની રીતે અર્થઘટન કરે છે અને પછી આપણાં જીવનભર તેનો અમલ કરે છે.
પણ કેદમાંથી છૂટકારો નથી
આ કેદમાં ભાગી છૂટીને આર્થિક પ્રભાવમાં ન હોય તેવું જીવન જીવવાની ખ્વાહિશ અનેક લોકો ધરાવતાં હોય છે. આજન્મ આર્થિક કેદની જેલ તોડીને જે લોકો એમેઝોનનાં ગાઢ જંગલો કે આફ્રિકાની વનરાજીઓ કે હિમાલયની હિમાચ્છાદિત શિખરો કે બરફની સફેદ ચાદરથી ઢકાયેલ આલ્પ્સના ઢોળાવોનાં મુક્તિ-અભયારણ્યોમાં જઈને વસે છે તેઓ નાણાંકીય જેલરે છેડેલ ઝંઝાવાતની સામે શાહમૃગીય વૃત્તિથી પોતાની જાતને બચાવી લીધાની આત્મવંચના જ કરે છે. પ્રત્યક્ષ રીતે એ લોકો નાણાં સાથે વ્યવહારો નથી કરતાં. પરંતુ તેમનાં કુટુંબીજનો, તેમનાં અનુયાયીઓ, સખાવતીઓ કે સરકારો જે તેમને ‘મદદ’ કરી રહ્યાં છે તે તો નાણાંની શક્તિને જ આભારી છે.
આર્થિક કેદના નાણાં સ્વરૂપ જેલરે ઘડેલા નિયમોની મર્યાદામાં રહીને તમને પોતાના જીવનના નિયમો ઘડવાની મર્યાદિત સ્વતંત્રતા જરૂર છે. એકબીજાંની જરૂરિયાતો પુરી કરવાના વિનિમય પ્રેરિત સમુદાયનાં તમે ભાગ બનો કે સેવા જ્ઞાનની વહેંચણી કરતી સંસ્થામાં તમે માત્ર એ સેવાનો જ છેડો સંભાળી લો કે સેવાઓ મેળવનાર લાભાર્થીઓ બનો જે સંસ્થાનો વહીવટ કોઇ અન્ય લોકો જ સંભાળતાં હોય, તો પણ તમે પરોક્ષપણે નાણાકીય વ્યવહારની સાંકળ કડી તો બની જ રહો છો. પ્રત્યક્ષ નહી તો પરોક્ષપણે, નાણાં સ્વરૂપ જેલર સાથેનો તમારો સંપર્ક છૂટતો નથી. જીવન જીવવા માટે કુદરતે હવા પાણી આપણને વિનામૂલ્યે આપેલ છે એવી બધી આપણી માન્યતાઓની કિંમત આજે નથી ચુકવતાં તેથી ભવિષ્યમાં તેની વસુલાતમાંથી છૂટકારો તો નથી જ મળી જતો.
જીવન માટે પૈસો અનિવાર્ય છે
આપણે આપણા સહસમુદાયીઓ સાથે ચીજવસ્તુઓ અને સેવાઓની આપસી જરૂરિયાતોની આપલે તો કરવી પડશે. એ આપલેના વ્યવહારો અર્થશાસ્ત્રનો એક મહત્ત્વનો હિસ્સો છે. વળી આ આપલે સરળ બનાવવા માટે નાણાની જરૂરિયાત પણ મહદ અંશે અનિવાર્ય રીતે આવશ્યક જ બની ગઈ છે.
વિનિમય માધ્યમ તરીકે નાણાં એ અર્થશાસ્ત્રને વેગવંતુ રાખવા માટેનું વાહન છે. અર્થશાસ્ત્ર સાથે આપણું જીવન પણ વણાયેલું હોઇ, આપણે આપણાં વાંછિત મુકામો સુધી પહોંચવા નાણાંનાં વાહન પર સવારી કરવી આવશ્યક પણ છે. નાણાં અર્થશાસ્ત્રને વેગવંતુ રાખે છે અને અર્થશાસ્ત્ર અનુસારના આપણા વિનિમયોને સરળ બનાવે છે તેટલા પુરતું નાણાં પણ આપણી એક મહત્ત્વની આવશ્યકતા તે પણ ખરૂં તો છે જ.
કેદની સજા આપણે જાતે વહોરી લીધી છે
પરંતુ તે સાથે એ પણ એટલું જ ખરૂ છે કે અર્થશાસ્ત્ર આપણા જીવનનું ખુબ મહત્ત્વનું પાસું હોવા છતાં તેને જેલ બનાવી દેવા જેટલું મહત્ત્વ આપી દેવાની પણ કોઈ જરૂર નથી . એ જ રીતે. નાણાની આવશ્યકતાનો સ્વીકાર કરવા છતાં પણ તેને આપણો જેલર બનાવી દેવાની પણ કોઈ જરૂર નથી.
એટલે આ જ કેદમાં જો આ જન્મારો કાઢવાનો હોય તો એ જેલની પીડાઓને સહ્ય બનાવવા માટે એ કેદની નાનીમોટી વ્યવસ્થાઓને સારી પેઠે સમજી લેવામાં જ સાર રહ્યો છે એ વાત સ્વીકારી લઈને નિયતિ આપણા માટે જીવનમાં લખેલાં અન્ય સુખોને પ્રાપ્ત કરવા માટે અર્થશાસ્ત્રનાં કારાગૃહમાંનાં જીવનને સમજી લેવાની દિશામાં આગળ વધીએ.
સૌ પ્રથમ તો એ સમજી લઈએ કે આર્થિક કેદની જેલમાં, નાણાંનાં જેલરપણા હેઠળ આ જ્ન્મારો વિતાવવાનો છે. એટલે જેલર દ્વારા લાગુ કરાતા, જેલના કાયદા સ્વીકારીને તેનું પુરા સહકારથી, વહેલામાં વહેલી તકે, પાલન કરવા લાગીએ.
કેદમાં રહ્યે રહ્યે પણ સુખ માણી શકાય
આનંદો ! સારા સમાચાર એ છે કે જેલના કાયદાઓને સ્વીકારીને તેનો પૂર્ણતઃ અમલ કરવા લાગ્યા તેમજ પછી જેલર જોડે સહકારમય વર્તાવ કરવાનું કર્યા પછી પણ જીવન સુખેથી વીતી શકે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, કેદી તરીકે પણ સુખી જીવન વ્યતિત કરવું શક્ય છે, કેમકે મૂળતઃ જેનાં સંચાલનની દોરવણી માટે નાણાંની ભૂમિકા માર્ગદર્શક તરીકેની નક્કી થઈ હતી એવી અર્થ વ્યવસ્થાની આ જેલ આપણાં સુખ માટે બનાવાઈ હતી . નાણાં જેનું વાહન છે એવા અર્થ વ્યવસ્થાના નિયમો જીવનની અર્થ વ્યવસ્થા માટેનો તખતો બિછાવે છે.
જેલના નિયમોને આપણે જો એ સંદર્ભમાં શીખીએ અને જેલરની સુચના પણ એ પરિપ્રેક્ષ્યમાં સમજીએ તો બિન-નાણામય જીવન માંડવા માટે આ કેદમાંથી ભાગી છૂટવા માટે ભોંયરાઓ ખોદવાની મહેનત કરવા પાછળ શક્તિ વ્યય કરવાને બદલે એ નિયમોને જીવન સુખમય બનાવવા પાછળ કામે લગાડવા માટે મગજ દોડાવવામાં આપણું શ્રેય છે.
અર્થવ્યવસ્થા આપણાં જીવન માટે રચાયેલ એક સેવા છે
એટલું હંમેશા યાદ રાખીએ કે મહત્ત્વ આપણાં જીવનનું, એ જિંદગીની જીવવાની આપણી રીતનું છે. અર્થ વ્યવસ્થા આ રીતરસમોને સરળ, પદ્ધતિસરની બનાવા માટે પ્રયોજાયેલ છે.
આપણા જીવનમાં અર્થ વ્યવસ્થાનું મહત્ત્વ એટલા સારૂ છે કે હવે તે આપણા જીવન સાથે ખુબ ગાઢપણે વીટળાઇ ગયેલ છે. નાણાની મદદથી થતા વ્યવહારોની દોરવણી અર્થ વ્યવસ્થામાં એટલી હદે વણાઈ ગયેલ છે કે નાણા વગરની અર્થ વ્યવસ્થા, અને પરિણામે, એ અર્થ વ્યવસ્થા વિનાનું આપણું જીવન, અશક્યવત જ બની ગયેલ છે.
પરંતુ તેના કારણે એ મૂળભુત હકીકત બદલાતી નથી કે નાણાં તેમ જ અર્થ વ્યવસ્થા એ બન્નેની પ્રાથમિક ભૂમિકા તો આપણે નક્કી કરેલાં આપણા જીવનનાં સુખોના મુકામો સિદ્ધ કરવાના માર્ગના આપણા માટેના તેઓ પથદર્શકો છે.
આપણા જીવનમાં નાણા પ્રેરિત અર્થ વ્યવસ્થાનુ ગમે તૅટલું મહત્ત્વ હોય તો પણ આપણે તેની અને આપણી ભૂમિકાને ઉલટસુલટ થવા ન દેવી જોઈએ. અર્થ વ્યવસ્થા આપણાં જીવનના આર્થિક વ્યવહારોને પધ્ધતિસરના અને સરળ બનાવવા માટે સર્જાયેલ છે. આપણા જીવનને તેને તાબે કરી દેવાની કોઈ જરૂર નથી. આપણા જીવનને આપણે અર્થ વ્યવસ્થાની કેદમાં પુરાવા ન દેવું જોઈએ કે ન તો આપણી મુનસફી મુજબનાં, કુદરતી રીતે મુકત રહેવા સર્જાયેલ, જીવનની લગામ આપણા પથદર્શક થવા સર્જાયેલ નાણાને તાબે થવા દેવાય.
આપણા જીવનનો અધિષ્ઠાતા પૈસો નહીં પણ ખુદ આપણે જ
આપણા જીવનનાં સુખની પ્રાપ્તિના માર્ગનાં અર્થ વ્યવસ્થા અને નાણાં એ સાધનો છે, તેમને આપણા જીવનનાં સાધ્ય તરીકેની ભુમિકામાં બેસાડી ન દેવાય તે જોવાનું આપણા હાથમાં છે.
જેલના નિયમો ન સમજવા કે જેલરની સુચનાઓ ન માનવી એ તેમને આપણા પર હાવી થવા દેવાનો સીધો માર્ગ છે. અર્થ વ્યવસ્થાના નિયમો સમજવાથી તેમ જ નાણાના ઉપયોગોને સમજી લેવાથી આપણે તેમને આપણા જીવનને સુખી બનાવવામાં – જેલમાં રહ્યે રહ્યે પણ – કામે લગાડી શકીએ છીએ.
પણ જો નાણાને આપણી જીવન શૈલી પર છવાઈ દેવાની તક આપી તો તો પછી નાણાં આપણને ગુલામ બનાવી દેશે. જીવનને નાણાંના ઉપાર્જનની પાછળ વેડફાવા ન દેવું જોઇએ. નાણાં પેદા કરવાં એ આપણા જીવનનો હેતુ નથી – ન હોઈ શકે. આપણા જીવનનો હેતુ નક્કી કર્યા પછી નાણાની ઉપલબ્ધિ અને વ્યવસ્થા એ હેતુને સિદ્ધ કરવા પુરતી જ હોવી જોઈએ.
અર્થ વ્યવસ્થાના મૂળભુત નિયમોની સીમાની અંદર, આપણે ધારેલાં સુખની પ્રાપ્તિ માટે આપણે નક્કી કરેલ આપણી આગવી અર્થવ્યવસ્થા કે તેને લગતા નિયમોને નાણા રૂપી જેલર પણ માન્ય રાખશે.
અર્થવ્યવસ્થાને સમજવાથી જીવન સુખમય બનશે અને વ્યક્તિગત નિયમો ઘડી શકાશે
અર્થ વ્યવસ્થાને સમજવાની દિશામાં પહેલું પગલું આપણા જીવનનાં અર્થશાસ્ત્રનાં આયોજનની સંરચના તૈયાર કરવા માટે બે માર્ગો પરની સફર ભણી લઈ જાય છે.
પહેલા માર્ગ પર આપણને સમજાશે કે આપણા રોજબરોજનાં જીવનમાં અર્થ વ્યવસ્થાનું અગત્ય શું છે અને તે શી રીતે કામ કરે છે અને તેમાં નાણાની ઉપયોગીતા કેમ અને શી રીતે છે. સુખી થવા માટે, અર્થ વ્યવસ્થાના દાયરામાં રહીને, આપણે આપણાં જીવનની સંરચના ઘડવી જોઈશે અને તેની સાથેના સંલગ્ન નિયમો ઘડવા પડશે. એક વાર આ વાત સ્વીકાર્યા પછી આ બધું સમજવું અને અમલમાં મુકવું એ પહેલી નજરે દેખાય છે એટલું મુશ્કેલ કામ નથી.
પણ આ એક માર્ગ પર સફર કરી લેવાથી પુરેપુરો અર્થ નહીં સરે. એ માટે અર્થ વ્યવસ્થા અને નાણાંને અતિક્રમીને આપણે આપણા પોતાનાં જીવનના નિયમોની કેડી ખોળવાની અને કંડારવાની છે. અર્થ વ્યવસ્થા અને તેના નિયમો તેમજ નાણાંની ભૂમિકાને સમજી લીધા પછી આપણે તેમને આપણાં પોતાનાં જીવનના હેતુઓના, અને સુખ માટે એ હેતુઓની સિદ્ધિના માર્ગના, પરિપ્રેક્ષ્યમાં ઢાળવાના છે. આ પ્રક્રિયા દરમ્યાન જે નિયમો આપણે ઘડીશું તે આપણી પોતીકી અર્થ વ્યવસ્થાને સુનિશ્ચિત કરશે. એ નિયમો આપણાં પોતાનાં સુખની સિદ્ધિના માર્ગ પરનાં આપણા દિશાસુચક યંત્રોની ગરજ સારશે.
આવશ્યકતા પુરતી અર્થયવસ્થાને સમજવાની શરૂઆત
આપણાં રોજબરોજનાં જીવનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સ્પર્શતી અર્થ વ્યવસ્થાની મૂળભુત સમજણ ન કેળવવાથી જીવનમાં અચાનક જ આશ્ચર્યોના સામના કરવાના પ્રસંગો બનતા રહેશે, જેનાં પરિણામો કષ્ટદાયક નીવડી શકે છે. ભાવવધારા જેવી દરરોજ છાપામાં વાંચવા મળતી એક જ બાબતનું ઉદાહરણ લઈએ. ભાવવધારો એ એવી ઉધઈ છે જે આપણી બચત અને બચત દ્વારા એકઠી કરાયેલ સંપત્તિને કોરી ખાય છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવોને કારણે દર મહિને કેટલા વધારે ને વધારે રૂપિયા જરૂરી બનતા જાય છે એ વાતને જ યાદ કરીશું તો ભાવવધારાની આપણી આવક અને બચત પરની આર્થિક અસરો સમજાઈ જશે. બહુ સામાન્ય હિસાબ માંડીશું તો પણ સમજાઈ જશે કે આજની જીવન શેલી મુજબ જો આજે આપણને મહિને દસ હજાર રૂપિયાની જરૂર પડે છે તો દર વર્ષે ૬% ભાવ વધતા રહે તો એ જ જીવન શૈલી ટકાવી રાખવા માટે દસ વર્ષ પછી મહિને કેટલા રૂપિયાની જોગવાઈ કરવી આવશ્યક બની રહેશે. ભાવવધારાની આર્થિક અસરોને ન સમજવાની ભુલ, કે આળસ, ની કિંમત આપણે કથળતી જતી જીવન શૈલી કે ભાવિ જીવનનાં ધ્યેયોની પ્રાપ્તિની નિષ્ફળતાઓનાં સ્વરૂપે અવશ્યપણે ચુકવવી પડતી હોય છે.
આપણા જીવનને સ્પર્શતી અર્થ વ્યવસ્થાની અસરોને સમજવા માટે આપણે અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટ કરવાની જરૂર નથી, કે નથી જરૂર વ્યાવસાયિક અર્થશાત્રી બનવાની. આપણે તો વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓએ સમયે સમયે રજુ કરેલા આર્થિક સિદ્ધાંતો કે નિયમોની આપણાં રોજબરોજનાં જીવનને સ્પર્શતી અસરો પુરતી સમજ કેળવવાની રહે છે. એટલું જ સમજવાથી પણ અર્થ વ્યવસ્થાની કેદમાં જીવન કેમ સુખેથી વીતાવી શકાય એટલું માર્ગદર્શન તો મળી રહેશે.
તો ચાલો અર્થ વ્યવસ્થાની કેદના નિયમો સમજીએ.
ક્રમશઃ
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.