પુસ્તક પરિચય

રીટા જાની

ગત બે અંકમાં આપણે  પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન પરશુરામ’ ના પ્રથમ બે ખંડનું મુનશીની કલમે આલેખાયેલ અદભુત ચિત્રણ માણ્યું. ત્રીજા ખંડની શરૂઆતમાં  ભદ્રશ્રેણ્ય અને ભાર્ગવને સમાચાર મળે છે કે સહસ્ત્રાર્જુન યાદવ અને ભૃગુઓના સંહાર માટે મોટું સૈન્ય મોકલી રહ્યો છે. ભાર્ગવ કહે છે કે સહસ્ત્રાર્જુન આવી પહોંચે એ પહેલાં બધાએ અહીંથી નીકળી જવું અને આર્યાવર્ત પહોંચી જવું. મુનશી ફરી અહીં એક માનવેતર પાત્ર આલેખે છે – કાપાલિકોની ગુરુ,બસો વર્ષની ઉંમરની, અઘોરચક્રઅધિષ્ઠાત્રી, ત્રિકાળદર્શી સિદ્ધેશ્વરી મહાદંતી. જેની કથા વાચકને ડર, આશ્ચર્ય, પ્રેરકતા જેવા વિવિધ ભાવોના સમુદ્રમાં ભીંજવે છે.

યાદવો અને ભૃગુઓ જ્યાં કદી મનુષ્ય સંચર્યો ન હોય એવા રસ્તે આર્યાવર્ત જવા નીકળી પડ્યા. રસ્તામાં આતિથ્ય આપતાં જંગલોના બદલે રણ દેખાતાં, ઝરણામાં પાણી ન હતાં, તાપ અંગારા વરસાવતો, ભૂખ, તરસ અને રોગ તેમના નિત્ય સહચારી થઈ બેઠાં હતા. આવી વિષમ પરિસ્થિતિમાં પણ ભાર્ગવ  ‘અડગતામાં મરવું એ જ જીવન’ એવો સંદેશ આપી રહ્યા. એટલું જ નહિ પણ બધાને સરસ્વતી નદીના કાંપ પાર કરાવી નદીના બીજા કાંઠે લાવ્યા, જ્યાં સરસ્વતીના અમૃત સમા મીઠાં પાણીએ તેમને નવજીવન આપ્યું. પણ પાછળ સહસ્ત્રાર્જુના સેનાપતિ રુરુનું વિનાશક ઝનૂનભરેલું સૈન્ય પણ આવી પહોંચ્યું. દ્વેષનો દાવાનળ સળગી ઉઠયો ને  સૌ એકબીજાને મારવા ને ડુબાડવા લાગ્યા.

આર્યાવર્ત પહોંચતાં પહેલાં ભાર્ગવને જાણ થઈ કે તેમના બે ભાઈઓ પિતૃલોક સંચર્યા છે. ત્રીજા ભાઈ યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. પિતાજી ભૃગુશ્રેષ્ઠ કોઈ જોડે બોલતા નથી અને એકલા સરસ્વતીના તીરે આંટા મારે છે. તો માતા રેણુકા ઉર્ફે અંબા  આશ્રમ છોડી ગાંધર્વરાજને ત્યાં જઈ રહ્યા છે. આ જાણી ભાર્ગવ આશ્રમ પહોંચે છે. મહર્ષિ જમદગ્નિની કરુણાજનક સ્થિતિ જોઈ કંપતા હૃદયે ભાર્ગવ પિતાના ચરણોમાં પડી જાય છે.

વૃદ્ધ મહર્ષિ : “હું પિતા નથી. મને પુત્ર નથી. તું કોણ છે, હું જાણતો નથી.”

ભાર્ગવ: “પિતાજી! હું રામ – તમારો નાનો છોકરો – સહસ્ત્રાર્જુન ઉપાડી ગયો હતો તે. મહર્ષિ જમદગ્નિ!”

મહર્ષિ: “એક હતો જમદગ્નિ. એ મરી ગયો ને યમલોકમાં ગયો. એ આર્યોનો વિનાશ અટકાવી ન શક્યો. વિશ્વામિત્રને વિજય અપાવી ન શક્યો. ભૃગુઓના તેજ, વીર્ય ને શુદ્ધિ સાચવી ન શક્યો. એના શિષ્યોમાં વિદ્યા ન હતી. ન એ જીતી શક્યો, ન એ સંહાર અટકાવી શક્યો. એના પુત્રોની માતાએ પતિની આજ્ઞા વિરુદ્ધ ગાંધર્વરાજ જોડે રહી પત્નીવ્રત લોપ્યું. મારો એક પણ પુત્ર એવો નથી કે રેણુકાનો વધ કરી પિતાનું ગૌરવ ને શુદ્ધિ સંભાળે…છોકરા! ચાલ્યો જા.”

થરથરતા પગે દૂર જતા પિતાને ભાર્ગવ જોઈ રહ્યા ને મહાદંતીના તેજને શરમાવાનારી આંખોમાંથી અશ્રુબિંદુ પડ્યું. ભાર્ગવ માતા પાસે જાય છે પણ તેમને માન્યામાં નથી આવતું કે લોકોની અંબા કલ્યાણી ગાંધર્વ જોડે નાસી ગયેલી પતિત આર્યા કઈ રીતે હોઈ શકે. ભાર્ગવ માતા પાસેથી સત્ય જાણવા માગે છે કે એવો કયો ધર્મ જણાયો કે તેમણે પતિની આજ્ઞા લોપી. માતા ભાર્ગવને ગાંધર્વરાજ પાસે લઈ જાય છે અને બતાવે છે કે રક્તપિત્તથી પીડાતા લોકોની સારવાર અર્થે તે અહીઁ રોકાઈ હતી. ભાર્ગવ તેને કહે છે “તેં જે સેવા કરી છે તે બીજું કોઈ ન કરી શકે. તું પતિપરાયણા છે. વિશુદ્ધિ હોય ત્યાં અધર્મ ન હોય. તેને કોઈ અપકીર્તિ નહિ મળે. જગતને આ માનવું જ પડશે.”  ભાર્ગવ રેણુકાને લઈને મહર્ષિ જમદગ્નિ પાસે જાય છે. મહર્ષિ તેનો શિરચ્છેદ કરવા કહે છે. ભાર્ગવ તે માટે તૈયાર થાય છે ને કહે છે કે પિતાની આજ્ઞાને માથે ચડાવીશ. પણ પછી મારે જીવવું નથી.

ભાર્ગવ : “પિતાજી! અધર્મ આચારમાં નથી, એમાં રહેલી દૃષ્ટિમાં છે. નહીંતો મરણપથારીએ પડેલા રક્તપિત્તિયાની સેવા કરનાર અંબા પરમ કલ્યાણીને પાપાચારી માની બેસત નહીં. મિથ્યા અભિમાનથી નહિ, સામર્થ્યથી જ આર્યત્વ સચવાય છે.”
રેણુકા: “બેટા! મારી આજ્ઞા છે – છેલ્લી, મારો શિરચ્છેદ કર અને પિતાની ક્ષમા માગ.”
ભાર્ગવ: “પિતાજી ક્ષમા કરો. આપની આજ્ઞા માથે ચડાવું છું – અંબાનો વધ કરું છું.”
મહર્ષિ : “અંબા, મેં તારો વધ કર્યો. તારા પુત્રે તને સજીવન કરી. રામ! પરશુ ફેંકી દે. હું મારી આણ પછી ખેંચી લઉ છું.”

ચક્રવર્તી સહસ્ત્રાર્જુને આર્યાવર્તને રાખમાં રોળ્યું પણ મહર્ષિ જમદગ્નિએ નમતું આપ્યું નહોતું. તેથી સહસ્ત્રાર્જુન મહર્ષિને ઝાડ સાથે બાંધી તેમના શરીરમાં તીર મારી તેમને પીડા આપી  રહ્યો હતો. ભાર્ગવે એવો વ્યૂહ રચ્યો કે  ત્રણે દિશામાંથી ભાર્ગવ આવી રહ્યા છે એવા સમાચાર સહસ્ત્રાર્જુનને મળ્યાં. એક દિશાએથી હરિતનું સૈન્ય, બીજી દિશાએથી ભરતોનું સૈન્ય અને ત્રીજી દિશાએથી ભાર્ગવ આવ્યા. આ સંહાર તાંડવમાં સહસ્ત્રાર્જુન અને ભાર્ગવ આમને સામને આવી ગયા ને છેવટે ભાર્ગવને હાથે સહસ્ત્રાર્જુને પરાજિત થઈને જાન ગુમાવ્યો.

આ કથામાં મુનશીની કલમનો કમાલ કથાના પાત્રોના મુખે સાંભળવા મળે છે. તેમાં જે શાણપણ અને સંદેશ છે તે કાલાતીત છે. કોઈ પણ સ્થળ, કાળ અને સમયને અતિક્રમીને આ સત્ય આજે પણ અપનાવવાની જરૂર હોય એવું લાગ્યા વગર રહેતું નથી.

વિશ્વામિત્ર: ‘માનવી માત્રને માટે મારાં આંસુ વહ્યા છે ને મારી આંસુની સરિતામાંથી મને સત્યો દેખાયાં છે. માનવી માનવીના ભેદ મેં ટાળ્યા છે. આર્યત્વ નથી રંગમાં –  નથી કુળમાં  –  જ્યાં દેશને શરણ જવાની શક્તિ છે ત્યાં આર્યત્વ છે. મારે આર્ય – અનાર્યના ભેદ ટાળવા હતા. માનવી માનવીના ભેદ તો આર્યત્વને કલંકિત કરે છે. જ્યાં સંસ્કાર ત્યાં આર્યત્વ. આર્ય ને દસ્યુઓના વર્ણભેદ પર રચાયેલ સૃષ્ટિ મહાન અસત્ય છે. મેં વર્ણભેદ ભુલાવ્યો – સંસ્કાર ભેદ શીખવ્યો. જે તપ ને વિદ્યા મેળવે તે આર્ય.

દુષ્યંત: “કાલે જેને વીરતા કહેતા હતા તેમાં આજે બધાને મૂર્ખાઈ દેખાય છે. સહચર કોઈને ગમતો નથી. દરેક પોતાનો લાભ શોધી રહ્યા છે.”

ભાર્ગવ: “પરાજય તો મહાન છે, હું તો એને સદા ભેટતો આવ્યો છું. એ વિપત્તિ વીરોને તાવે છે. તેમનું કાંચન પ્રગટાવે છે. એમાંથી જ સામાન્યો  છૂટા પડે છે, અને અધોગામી બને છે, અને શુરો અલગ થઈને ઉન્નત માર્ગે વિહરે છે. હાર શું? જીત શું? કાયરોની શબ્દજાળ ભેદીએ. હાર – જીત મૃત્યુ પામેલા વીરોની સંખ્યામાં છે?  વિનાશ થયેલી સમૃદ્ધિની ગણનામાં? ના – ના. જીવન ઉન્નત કરે તે વિજય – જે ન કરે તે પરાજય. જ્યાં શ્રદ્ધાભર ઉત્સાહ નથી ત્યાં પરાજય; જ્યાં શ્રદ્ધા ને ઉત્સાહ છે ત્યાં પરાજય કદી હોય નહિ. વિજય તો ક્ષણજીવી ફૂલ છે. આ પળે વિકાસ, પેલી પળે કરમાય. એનાથી પર – ચિરંજીવ – છે આત્મશ્રદ્ધા, અણનમ શક્તિની જનેતા. જ્યારે આત્મશ્રદ્ધા ચળે ત્યારે પરાજય આવે. પ્રાપ્ય – અપ્રાપ્યની ચિંતા કરીને આપણે આત્મશ્રદ્ધા ખોઈએ છીએ. પ્રાપ્ય માટે લડે એ માનવી; અપ્રાપ્ય માટે લડે એ મહાત્મા. પ્રાપ્યતાની મર્યાદા શોધવામાં જ પરાજયના પાયા ચણાય છે.”

ભાર્ગવ: “હું તો અપ્રાપ્યનો મંત્રદૃષ્ટા છું. હું મરી જઈશ  તોયે મૃત્યુનો સ્વામી બનીને. મારા મરણમાંથી ઉત્સાહ અને શ્રદ્ધાની છોળો ઉડશે. તેની આંચ આજના નહિ તો આવતીકાલના વીરોને લાગશે. આર્યત્વનો ધ્વજ તે ફરી  ફરકાવશે ને અનંત કાળ સુધી આગળ ધપતો લઈ જશે.”

પરાશર મુનિ: “હિંસા કદી જીતી નથી. કદી જીતવાની નથી. દ્વેષ સળગે ત્યારે દ્વેષી થવામાં વીરતા નથી. દ્વેષ જીતવામાં સામર્થ્ય છે. સમરાંગણમાં એક બીજા પર ઝેર ઉછળે છે. એકબીજાને વિનાશવાનું ઝનૂન ઉપાડે છે . ક્યારે તમે બધા આ વિનાશકતાની નિરર્થકતા સમજશો? હિંસાના બી વાવે ઝેરના વન ઊગશે. ક્યાં સુધી આ નિરર્થક વિનાશ વેરશો? દ્વેષ તમને તારશે નહિ, બાળીને ભસ્મ કરશે.”

આજે જ્યારે વિશ્વ ધર્મ,સત્તા( આર્થિક, રાજકીય, સામાજિક) ,યુદ્ધ, સામ્રાજ્યવાદ અને અન્ય કારણોસર આતંકવાદ અને અત્યાચારનો સામનો  કરી રહ્યું છે ત્યારે પૌરાણિક નવલકથાની વાત કેટલી યથાર્થ લાગે છે! એ જ છે દીર્ઘદ્રષ્ટા અને આર્ષદ્રષ્ટા મુનશીની કલમનો કસબ!


સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com