પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ
લાડકકવાયાની વંદના: સંપાદન: જગદીશ રથવી ‘સ્નેહબંસી’
આઝાદીની ચળવળ સમયે ગાંધીજીએ જોયું કે, ભારતની અનેક સમસ્યાઓનું મૂળ ગામડામાં છે. તેથી તેમણે ગામડાંઓને સ્વાવલંબી બનાવતા અનુભવકેન્દ્રી શિક્ષણ પર ભાર મૂક્યો. તેમના આ યજ્ઞમાં અનેક કર્મશીલોનો સાથ સહકાર સાંપડ્યો. વેડછીમાં આશ્રમ સ્થાપનાર લખતર (જિ. સુરેન્દ્રનગર) માં જન્મેલા જુગતરામ ચીમનલાલ દવે (જન્મ તાઃ૧-૯-૧૮૮૮, અવસાનઃ ૧૪-૩-૧૯૮૫) તેમાંના એક. તેઓ ‘જુગતરામકાકા’ અથવા ‘જુ.કાકા’ તરીકે ઓળખાતા હતા. તેમણે વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસની તકો વિસ્તારવા ઇસ. 1968માં વેડછી આશ્રમની નજીક જ ગાંધી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. જુગતરામના દેહાવસાનને આજે ચાર દાયકા પૂરા થવા પર છે, ત્યારે વેડછીની ગાંધી વિદ્યાપીઠ આજે પણ અનેક પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે, તેના મૂળમાં જુગતરામ સહિત અનેક અનુગામી કર્મશીલોના સહિયારા પ્રયાસો રહેલા છે. પુસ્તક ‘લાડકવાયાની વંદના’ આવા કર્મશીલોના જીવનચરિત્રોનો સંપુટ છે, જેનું સંપાદન જગદીશભાઇ (જગમાલ) રથવીએ કર્યું છે. આ પુસ્તક ત્રણ વિભાગમાં વિભાજિત છે; ગુરુવંદના, લાડકવાયાની ભાવવંદના તથા મારા લાડકવાયા (ભાગ-2).
પુસ્તકના પહેલા વિભાગમાં ગુરુવંદના છે; જેમાં સંસ્થાના મૂળ સ્થાપક જુગતરામ સહિત કુલ પચ્ચીસ ગુરુજનોના પરિચયો છે. આ લખાણોમાં તેમની સાદગી અને સ્વચ્છતા પ્રત્યેનો ઝોક અહોભાવ પ્રેરે છે. જેમ કે, ગભરુભાઇ ભડિયાદરા વિશે ઉલ્લેખ છે કે તેઓ ધોળી ચડ્ડી અને સદરો પહેરતા અને પરિસરને સ્વચ્છ રાખવા જાતે ઝાડુ લગાવતા. ક્યારેક એમ પણ બને કે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારોની સેવકની જેમ આવભગત કરતા હોય ને બીજે દિવસે તેઓ ઇન્ટરવ્યુ લેનાર તરીકે ખુરશીમાં બેઠા હોય! આવું જ નરસિંહભાઇ સવાણી બાબતે. સંસ્થામાં શિસ્ત જાળવવના આગ્રહી છતાં ભૂલ બદલ શિક્ષાને બદલે ભૂલસુધારણાને વિશેષ મહત્વ આપતા આચાર્યો કે શિક્ષકો વિશે વાંચતા જો વાચક પ્રભાવિત થાય, તો નજરે જોનાર પર શી અસર થતી હશે? આ સાહજિક પ્રશ્નનો જવાબ આપતું રોચક વર્ણન શાંતિભાઇ કથિરીયા અંગેના લખાણમાં મળે છે. તેઓ વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે અધ્યાપકોના સળંગ નિવાસને ‘પોલીસ લાઇન’થી ઓળખાવતા તો સવારે પ્રાર્થના સમયે વાગતા ઘંટને ‘મરણિયો ઘંટ’ કહેતા; એટલું જ નહી, આ વિશે તેમણે એક કવિતા પણ રચી હતી. તેમને આરંભે અધ્યાપક તરીકેનું ગુમાન પણ હતું. પરંતું તેમણે એક સવારે ઢીંચણ સુધી ટૂંકું ધોતિયું અને ટૂંકી બાંયનું પહેરણ પહેરેલા સંસ્થાના સ્થાપક એવા જુગતરામને જાહેર શૌચાલય સાફ કરતા જોયા ત્યારથી એ અહમ ઓગળી ગયો. એ સમયે ભ્રષ્ટાચાર અંગે પ્રવર્તતી સૂક્ષ્મ સમજ પણ શાંતિભાઇના લેખમાં સ્પષ્ટ થાય છે. ગ્રામીણ બેંકમાંથી સેવાનિવૃત્તિ પ્રસંગે મળેલી ભેટ તેમણે માથે ચડાવી એવી સમજથી પરત કરી કે આનો સ્વીકાર કરું તો ભ્રષ્ટાચારનો જ ભાગ ગણાય! આ વાત હ્રદયને કેવી ઝણઝણાવનારી છે!
આ લખાણો સંસ્થાના વિદ્યાર્થીઓએ લખેલા છે, જેમણે જે અવલોક્યું તે કાગળ પર ઉતાર્યું હોવાથી આ લખાણોમાં વિશ્વસનીયતાનો પાસ છે. તેમાં ગુરુજનોની કૌટુંબિક પૃષ્ઠભૂમિ, ગાંધી વિદ્યાપીઠ સાથે જોડાણના સંયોગો, ખાસિયત, મેળવેલી સિદ્ધી, વેડછીમાં યોગદાન, પારિવારિક જીવનની છેલ્લામાં છેલ્લી માહિતી વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી જુગતરામકાકાએ સ્થાપેલા વેડછી વિદ્યાપીઠમાં કોનું અને કેવું પ્રદાન રહ્યું છે તેનો ચિતાર પણ મળતો રહે છે. એ ઉપરાંત ગામડાગામમાં આડંબર રહિત સાદગીથી વસતા કુટુંબોની કઠણાઇ અને તકલીફો, સંઘર્ષ, વગેરે વિશે એવી વાતો જાણવા મળે છે કે જેનો શહેરીજનોને ખાસ પરિચય નથી. આજે ઘરના નાકે દૂધ લેવા પણ વાહન શોધતાં હોઇએ ત્યારે અમરસિંહભાઇ પરમાર જેવા કેટલાંય હતા જે ભણવા છ- છ કિમી ચાલતાં જતા હતા ને અભ્યાસની ફી સ્વજનોએ કે મિત્રોને આભારી હોય! કેટલાંક વ્યક્તિઓની ભૌતિક અસુવિધાઓ વિશે જાણીએ તો એમ થાય કે કેટલો પ્રબળ પુરુષાર્થ છુપાયો છે આ વ્યક્તિત્વોમાં! આવાં ચરિત્રો સાચે જ પ્રેરણાદાયક છે, જેમ કે; શિવાભાઇ રાઠોડ રોજ સવારે વહેલા ઉઠી બાને મદદરૂપ થાય, લાકડાં કાપી ભારો લાવે. જમ્યા બાદ ચાર કિમી રેતી ખૂંદતા ચાલતા ભણવા જવાનું; આ દરમ્યાન અંગ્રેજી સ્પેલિંગો તેમજ સંસ્કૃતના પાઠો તૈયાર કરતા જાય! તેમના ભણતરથી લઇ જીપીએસસીની પરીક્ષા પાસ કરી ક્લાસ વન ઓફિસર થવાની તેમની યાત્રા વાંચતી વખતે થાય કે અર્જુન ફક્ત મહાભારતકાળમાં જ નહોતા!
અમૃતભાઇ કાશીરામ પટેલ વૈજ્ઞાનિક બન્યા તો પ્રવિણભાઇ ડાભી પીએચડી થયા અને પર્યાવરણવિદ બન્યા, જગદગીશભાઇ રથવીએ સાહિત્ય ક્ષેત્રે કાઠું કાઢ્યું, તો ઇશ્વરસિંહ ચાવડા કે હરિસિંહ ચાવડા જેવા કેટલાંક તો રાજકીય કારકીર્દીંમાં આગળ વધ્યા અને સંસદ સુધી પહોંચ્યા હતા. પુસ્તકના પહેલા વિભાગમાં આવાં કુલ પચ્ચીસ ચરિત્રો છે.
બીજા વિભાગ ‘લાડકવાયાની ભાવવંદના’માં સંસ્થા સાથે સેવાકાર્યથી જોડાનાર ક્લાર્ક, પટાવાળા, ચોકિયાત, રસોઇયા, ગ્રંથપાલ, હિસાબનીશ વગેરેનાં ચરિત્રલેખનો પણ સામેલ છે. ગુરુજનોની જેમ જ આ તમામ પાત્રોના વિદ્યાપીઠ સાથેના જોડાણ ઉપરાંત જીવંત સંપર્કનો અહેસાસ આપતી હાલની પારિવારિક પરિસ્થિતીની તથા સંપર્ક માહિતી પણ આપવામાં આવી છે તે સૌથી ધ્યાનાકર્ષક બાબત છે. બીજા વિભાગમાં આવાં તેર પરિચયો છે. તેમાં મચ્છુ હોનારત સમયે ત્રણ કરોડ જેવી માતબર રકમ પિડીતોને આર્થિક વળતર ચૂકવી, વધેલી મામૂલી રકમ પણ સરકારમાં જમા કરાવે; અને પોતે માત્ર બિસ્કીટ ખાઇને વળતી મુસાફરી કરે એવા ઉદ્યોગશિક્ષક દેવજીભાઇ કે માત્ર સાડા ત્રણ રૂપિયાનો હિસાબ ન મળતાં રાતનો ઉજાગરો વેઠતા હિસાબનીશ ઝીણાજી અનારજી ઠાકોર જેવા સેવાકાર્યથી જોડાયેલાં અનોખા વ્યક્તિત્વોનાં આલેખનો વાંચતી વખતે પ્રામાણિકતા અને ચોકસાઇ જેવા ગુણો વાચકના મનમાં વીજળીનો ઝબકારો કરી જાય છે. જાણેઅજાણે વાચકના મનમાં સંસ્કારબીજ રોપતાં આવાં પ્રસંગો આ પુસ્તકનાં અમૂલ્ય ઘરેણાં સમાન છે.
ત્રીજા વિભાગમાં સત્તાવીસ વિદ્યાર્થીઓની કૌટુંબિક પરિસ્થિતિ, સંસ્થામાં પ્રવેશ અને તેમની વર્તમાન પરિસ્થિતી વિશેનું માહિતીસભર લખાણ ‘મારા લાડકવાયા (ભાગ-2)’ તરીકે સમાવવામાં આવ્યું છે. આ લખાણો એકાદ વર્ષ પહેલાં જગદીશભાઇએ તૈયાર કરેલા વિદ્યાપીઠના કુલ 68 જેટલા વિદ્યાર્થીઓના ચરિત્રગ્રંથ ‘મારા લાડકવાયા’ની પુરવણી છે.
આ પુસ્તક વાંચતી વખતે જે તે સમયનું સામાજિક ચિત્ર પણ ઉપસી આવે છે, જે ડાહ્યાભાઇ બાલુભાઇ ચૌધરી વિશેનાં લખાણમાં બખૂબી ઝડપાયું છે. ‘એ સમયે ધાણિયામા એટલે કે જે તે મજૂરોના માલિક, એમને એવા પાઠ ભણાવે કે તમારે ભણીને શું કરવું છે? અમે તમને રોટલા આપીએ છીએ તે સુખેથી ખાયા કરો ને?’ આવા સમયે ડાહ્યાભાઇ સર્વોદય કાર્યકરની મદદથી ભણ્યા. છાત્રાલયમાં રહ્યા, નઇ તાલીમનું શિક્ષણ મેળવ્યું અને એમ.એ. બી.એડ. થયા; લાયબ્રેરીનો અભ્યાસ કર્યો અને વેડછીમાં ગ્રંથપાલ તરીકે જોડાયા. તેમની બે દિકરીઓ ભણીને શિક્ષિકા બની જ્યારે ત્રીજી દિકરી ડૉક્ટર થઇ. આ તો એક ઉદાહરણ માત્ર છે. એક સમયે નિરક્ષર એવા આદિવાસી સમાજની બીજી કે ત્રીજી પેઢીમાં ડોક્ટર અને અન્જીનીયર તૈયાર થાય એ નાનીસૂની વાત નથી. અનેક તકલીફો વેઠતી આદિવાસી પ્રજાના જીવનમાં આશ્રમી શિક્ષણવ્યવસ્થાને કારણે ખરેખર વસંત બેઠી હોવાનાં ઘણાં ઉદાહરણો વાંચતી વખતે મનમાં સતત એ લાગણી થાય છે કે ગાંધીવિચાર આજે પણ પ્રસ્તુત છે અને આ પુસ્તક તેનો આધારભૂત દસ્તાવેજ છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
લાડકવાયાની વંદન : જગદીશ રથવી ‘સ્નેહબંસી’
પૃષ્ઠસંખ્યા : 344
કિંમત : ₹ 350
પ્રથમ આવૃત્તિ, 2022
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :જગદીશ રથવી, નિલમણી પાર્ક, 80 ફીટ રોડ, ગીતાનગર પાસે, સુરેન્દ્રનગર |
સંપાદક સંપર્કઃ 94288 12934
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com