દીપક ધોળકિયા

૧૮૫૭ના વિદ્રોહની આગ આમ તો આખા દેશમાં ફેલાયેલી હતી પણ એમાં અમુક કેન્દ્રો મુખ્ય રહ્યાં. ઓડીશામાં સંબલપુરે વિદ્રોહની આગેવાની લીધી.  સંબલપુરના વીર સુરેન્દ્ર સાય આમ તો છેક ૨૨ વર્ષની ઉંમરે, ૧૮૨૭થી ઈસ્ટ ઇંડિયા કંપનીની જોહુકમી સામે લડતા રહ્યા અને એમણે ૧૮૫૭ પહેલાં ૧૭ વર્ષ અને તે પછી ૨૦ વર્ષ અંગ્રેજોની જેલમાં ગાળ્યાં.

 સુરેન્દ્ર સાય સોળમી સદીના ચૌહાણ વંશના રાજા મધુકર સાયના સીધા વારસ હતા. પરંતુ પાટવી કુંવરને રાજગાદી મળે એટલે એમના બાપદાદાને વારસામાં ગાદી નહોતી મળી. પરંતુ ૧૮૨૭માં  એ વખતના રાજા નિઃસંતાન મૃત્યુ પામતાં વારસાનો સવાલ ઊભો થયો. સુરેન્દ્ર સાયએ પોતે ગાદીના હકદાર હોવાનું દેખાડ્યું પણ  કંપનીએ સર્વોપરિ સત્તા તરીકે એમનો દાવો નકારી કાઢ્યો અને વિધવા રાણી  મોહના કુમારીને રાજગાદી સોંપી. હિન્દુસ્તાનની પરંપરાથી આ નિર્ણય વિરુદ્ધ હતો એટલે લોકોમાં કંપનીની જોહુકમી સામે ચણભણાટ શરૂ થયો. સુરેન્દ્ર સાયએ આનો વિરોધ કર્યો. ગોંડ આદિવાસીઓના રાજાએ પણ એમને ટેકો આપ્યો.

આ બાજુ, રાણી મોહના કુમારી પણ વહીવટ જાણતી નહોતી એટલે અરાજકતા વધી.

હવે ઈસ્ટ ઇંડિયા કંપનીએ રાણીને પેન્શનર તરીકે કટક મોકલી દીધી અને  ચૌહાણ વંશના જ એક વૃદ્ધ જમીનદાર નારાયણ સિંઘને ગાદીએ બેસાડ્યો. પરંતુ એથી તો લોકો ભડક્યા. લોકલાગણી સુરેન્દ્ર સાયની તરફેણમાં હતી. ગોંડ આદિવાસીઓ પણ એમને ટેકો આપતા હતા એટલે ૧૮૪૦માં નારાયણ સિંહે લખનપુરના ગોંડ જમીનદારને મરાવી નાખ્યો. અંગ્રેજોએ આ હત્યા માટે સુરેન્દ્ર સાયને જવાબદાર ઠરાવીને એમને પકડી લીધા અને આજીવન કેદની સજા કરી. ૧૮૪૯માં નારાયણ સિંઘનું પણ ગાદીનો વારસ છોડ્યા વિના  મૃત્યુ પામ્યો અને ‘ડૉક્ટ્રીન ઑફ લેપ્સ’ હેઠળ કંપનીએ સંબલપુરનું રાજ્ય ખાલસા કરી લીધું. સુરેન્દ્ર સાયને તો કોઈ પણ રીતે ગાદી સોંપવા કંપની તૈયાર નહોતી.

૧૮૫૭નો વિદ્રોહ શરૂ થયો ત્યારે સુરેન્દ્ર સાય જેલમાં જ હતા. પણ વિદ્રોહીઓએ જેલ પર જ હુમલો કરીને સુરેન્દ્ર સાયને મુક્ત કરાવ્યા અને એમને બળવાના સરદાર બનાવ્યા. એમણે બહાર આવીને ફોજ બનાવવાનું શરૂ કર્યું તેમાં આદિવાસીઓનો એમને ભારે ટેકો મલ્યો. બધા ગોંડ જમીનદારો સુરેન્દ્ર સાયના નેતૃત્વમાં કંપની રાજ સામે એકઠા થઈ ગયા. ૧૮૫૭ પછી છેક ૧૮૬૨ સુધી એ અંગ્રેજોની સામે લડતા રહ્યા.  એમના માણસો અંગ્રેજો પર ઓચિંતો જ હુમલો કરતા અને નાસી જતા. આ છાપામાર લડાઈથી અંગ્રેજો થાક્યા.

કંપનીએ હવે સેનાના વડા ફૉર્સ્ટરની બદલી કરી નાખી અને નવા વડા  તરીકે મેજર ઇમ્પીને નીમ્યો. ઇમ્પી આમ તો બીજે ઠેકાણ વિદ્રોહને દબાવવામાં સફળ થયો હતો એટલે એને સંબલપુર મોકલવામાં આવ્યો હતો પણ એ અહીં ફાવ્યો નહીં. એણે નવી નીતિ અખત્યાર કરી અને  શરણે થનારા વિદ્રોહીઓને અભયદાનનું વચન આપ્યું અને વાટાઘાટો શરૂ કરી. સુરેન્દ્રે પણ અંગ્રેજોની પ્રામાણિકતામાં વિશ્વાસ રાખીને વિદ્રોહ પડતો મૂક્યો અને સમજૂતી કરી લીધી. પરંતુ કંપનીના બીજા અધિકારીઓને ઇમ્પીની સમાધાન નીતિ પસંદ નહોતી. એમણે ઇમ્પી પર સુરેન્દ્રને પકડી  લેવાનું દબાણ કર્યું.  દરમિયાન ઇમ્પીનું મૃત્યુ થઈ ગયું. આનો લાભ લઈને કંપનીએ પોતાની જ સમજૂતીનો ભંગ કરીને ૧૮૬૪માં એમની ધરપકડ કરી.  ૧૮૮૪ના  ફેબ્રુઆરીની ૨૮મીએ એમનું ૭૫ વર્ષની ઉંમરે અસીરગઢ (મધ્યપ્રદેશ)ની જેલમાં જ અવસાન થયું.

સુરેન્દ્ર સાયે એમની અર્ધી જિંદગી અંગ્રેજોના વિરોધમાં ગાળી નાખી. એમને અંજલી રૂપે ટપાલ ટિકિટ તો ભારત સરકારે બહાર પાડી છે પરંતુ આપણા ૧૮૫૭ના સંગ્રામના ઇતિહાસમાં એમને પૂરતું સન્માન નથી મળ્યું એ દુઃખની વાત છે.

૦૦૦

સંદર્ભઃ

http://magazines.odisha.gov.in/Orissareview/august-2007/engpdf/Page72-75pdf

https://odishabytes.com/veer-surendra-sai-a-valiant-fighter-against-british-imperialism-know-about-1857-rebellion-in-w-odisha/


દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી