ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ટેક્નોલોજીએ માનવજીવનમાં ધરમૂળ પરિવર્તન આણ્યાં છે, પણ એકવીસમી સદીમાં આ પરિવર્તનની ઝડપ અનેક ગણી વધી ગઈ છે. ટેક્નોલોજીનો વ્યાપ એટલો બહોળો થઈ ગયો છે કે હવે સાક્ષરતા અને નિરક્ષરતાના ઘણા ભેદ ભૂંસાવા લાગ્યા છે. એવાં એવાં ક્ષેત્રે તે પ્રવેશી રહી છે કે એની કલ્પના સુદ્ધાં મુશ્કેલ બને!

આવું એક ક્ષેત્ર બાંધકામનું છે. થ્રી ડી પ્રિન્‍ટિંગ તરીકે ઓળખાતી ટેક્નોલોજી દ્વારા મશીન દ્વારા ‘છોડવામાં’ આવતા સિમેન્‍ટ–કોન્‍ક્રીટના રગડા દ્વારા સીધેસીધું બાંધકામ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. કમ્પ્યુટરમાં મૂકાયેલી ડિઝાઈન મુજબ એક મોટા કદનો ‘હાથ’ રગડાને નિર્ધારીત માત્રામાં, નિયત પદ્ધતિએ પાથરતો જાય અને બાંધકામ આગળ વધતું જાય. ‘પ્રિન્‍ટિંગ’ શબ્દથી કદાચ ગેરસમજ થઈ શકે, પણ અહીં તેનો અર્થ ‘છાપવું’ નહીં, ‘રચવું’ કે ‘બનાવવું’ સમજવાનો છે. પૂર્વનિર્ધારીત પ્રોગ્રામ અનુસાર કમ્પ્યુટર દ્વારા જ જે તે ચીજને તૈયાર કરવાની ક્રિયાને ‘પ્રિન્‍ટિંગ’ કહે છે. આ પદ્ધતિ ઘણી સફળ રહી છે અને તે વ્યાપક બનવા લાગે તો આ ક્ષેત્રમાં માનવબળનો ઉપયોગ અને તેનું જોખમ દેખીતી રીતે ઘટી શકે એમ છે.

મકાન આ રીતે બની શકતાં હોય તો ખોરાક કેમ ન બની શકે? આ દિશામાં વિવિધ અખતરા ચાલી રહ્યા હતા, જેમાં આખરે માર્ચ, 2023ના અંતિમ સપ્તાહમાં સફળતા પ્રાપ્ત થઈ છે. અમેરિકાના ન્યૂ યોર્કની કોલમ્બીયા યુનિવર્સિટી દ્વારા એવું થ્રી ડી પ્રિન્‍ટર તૈયાર કરવામાં આવ્યું છે કે જે ચીઝકેકને પ્રિન્‍ટ કરી શકે એટલે કે તૈયાર કરી શકે. આમ તો અહીં છેક 2005થી આ અંગેના પ્રયત્નો થઈ રહ્યા છે. સંરક્ષણ વિભાગ પણ ‘એમ.આર.ઈ.’(મીલ્સ રેડી ટુ ઈટ) વિકસાવવા પર કામ કરી રહ્યો છે, જેને સૈનિકોની પોષણ જરૂરિયાત મુજબ, પહેરી શકાય એવાં સેન્‍સર સાથે જોડી શકાય. એટલે કે જે તે સૈનિકને કેટલા પોષણની જરૂર છે એ મુજબ તેને માટે આહાર તૈયાર થઈ શકે. ‘નાસા’ દ્વારા પણ અવકાશયાત્રીઓ માટે આ પ્રકારના ખોરાક અંગે સંશોધન ચાલી રહ્યું હતું. અલબત્ત, એક મુખ્ય ફરક એ હતો કે અત્યાર સુધી આ ખોરાક બનાવવા માટે રાંધ્યા વિનાની કાચી સામગ્રી વડે અખતરા થઈ રહ્યા હતા. તેને બદલે રાંધેલી સામગ્રીને પાઉડર યા પેસ્ટના સ્વરૂપે ઉપયોગમાં લેવાથી તેને ઝટ સફળતા મળી છે. કોલમ્બીયા યુનિવર્સિટીના સંશોધકોએ થ્રી ડી ચીઝ કેકને ‘પ્રિન્‍ટ’ કરવા માટે બિસ્કીટની પેસ્ટ, પીનટ બટર, સ્ટ્રોબેરી જામ, નટેલા, બનાના પ્યોરી, ચેરી ડ્રીઝલ અને ફ્રોસ્ટિંગનો ઉપયોગ કર્યો હતો.

સંશોધકોની આ ટીમના અનુસાર હવે પછીનાં ભાવિ રસોડાં આ જ હશે. પાઉડર કે પેસ્ટમાં રૂપાંતરિત કરી શકાય એવી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ, કેવળ થોડાં બટન દબાવીને ખોરાક બનાવવામાં થઈ શકશે. ચીકન, બીફ, શાક અને ચીઝ પર આ અંગેના અખતરા થઈ ગયા છે. આ ટેક્નોલોજી વ્યાપક બનશે તો રસોડાંની સિકલ ફરી જશે. અગ્નિની શોધ પછી માણસ ખોરાક રાંધીને ખાતો થયો એ પછીની ખોરાક બાબતે આ કદાચ સૌથી મોટી ક્રાંતિ હોઈ શકે છે. જો કે, પાઉડર કે પેસ્ટમાં વિવિધ ખોરાકને રૂપાંતરિત કરવાનું કામ ઘરમેળે કે ભોજનાલયોમાં વ્યાવહારિક રીતે કેટલું શક્ય બનશે એ સવાલ છે.

આ ઉપરાંત, કોઈ પણ નવિન શોધ અમલી બને ત્યારે હંમેશાં સવાલ ઉભા થતા હોય છે કે અત્યાર સુધી ચાલી આવતી પ્રથાને વળગી રહેવું કે નવિન શોધને અપનાવી લેવી. એમાં હંમેશ મુજબ બે વિભાગ પડી જતા હોય છે.

એક વર્ગ દૃઢપણે માને છે કે રાંધવું એ કેવળ ક્રિયા નથી. એ એક કળા છે, એક પ્રકારે સર્જનાત્મક પ્રક્રિયા છે, અને ઘણા માટે એ દૈનિક કાર્યક્રમનું કેન્‍દ્ર હોય છે. શાકભાજી સાફ કરવાં, તેને સમારવાં, વિવિધ વ્યંજનો માટેની તૈયારી કરવી, યોગ્ય રીતે તળવા કે શેકવાથી લઈને તેમાં વિવિધ પ્રકારના મસાલા ઉમેરવા અને અંતે તૈયાર થયેલા વ્યંજનને સુશોભિત કરીને પીરસવું- આ તમામ બાબતો ઘણી વાર વ્યક્તિને તાણમુક્ત બનાવવાનું કામ કરે છે. થ્રી ડી ટેક્નોલોજી વડે ‘પ્રિન્‍ટ’ કરાયેલી રોટલી કે ભજીયાં કદાચ સ્વાદમાં આબેહૂબ હોઈ શકે, પણ લોઢી પર શેકીને કે તાવડીમાં તળીને એ બનાવનારને જે આનંદ આપે એવો આનંદ આનાથી મળે કે કેમ એ સવાલ છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં સમાંતરે બે-ત્રણ સદીની માનસિકતા ચાલતી રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ મુખ્યત્વે ભેદ મિટાવવા માટે નહીં, પણ ભેદ કરાવવા માટે થઈ રહ્યો છે. હજી તો આ ટેક્નોલોજી વિકસીત દેશોમાં સુદ્ધાં પા પા પગલી ભરી રહી છે, અને તેનો ઉપયોગ કયા ક્ષેત્રે, શી રીતે થશે એની અટકળ જ છે. આપણા દેશમાં એના આગમનને કદાચ ઝાઝો વિલંબ ન થાય એમ બને, છતાં એનો ઉપયોગ કયા ક્ષેત્રે થશે એ મહત્ત્વની બાબત નથી. રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ કદાચ આદર્શ સ્થિતિ હોઈ શકે, પણ ખરેખરી આદર્શ સ્થિતિ એ છે કે સૌને પૂરતો આહાર મળી રહે. આ લક્ષ્યાંકે પહોંચવાનું આપણે હજી બાકી છે, કેમ કે, આપણી પ્રાથમિકતાઓમાં ગરીબી અને ભૂખમરાની નાબૂદી ઘણા પાછળના ક્રમે છે.

વિજ્ઞાનકથાઓમાં એક સમયે જેની કલ્પના કરવામાં આવતી હતી એવો આ ખોરાક બહુ ઝડપથી વર્તમાન બને એ શક્યતા છે, પણ કોઈ ભૂખ્યું ન રહે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી કેવળ શાસનની છે?  આપણા પોતાના સ્વાર્થ ખાતર આપણે પક્ષીઓને ગાંઠિયા અને કૂતરાંઓને બિસ્કીટ જેવો હાનિકારક ખોરાક ખવડાવીને પુણ્ય કર્યાનો સંતોષ મેળવી લઈએ છીએ. આપણી નજર સમક્ષ અનેક ભૂખ્યાં મનુષ્યો જોઈને આપણને કશું થતું નથી. આથી યંત્રો દ્વારા આવાસ બને કે ખોરાક, જનસામાન્યને એ સુલભ થાય તો જ એ ટેક્નોલોજીનો ખરો અર્થ સરે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦ – ૦૪ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)