ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

તું જ તારું બિંબ જોઈ, મૂલ્ય તારું આંકજે,
જાત જેવો આયનો તો આ જગતમાં ક્યાંય નહીં.

પીયૂષ ચાવડા

 

જીવન અનેક શક્યતાઓથી ભરેલું છે. વર્તમાન સમયમાં સીધી લીટીમાં ચાલતી જિંદગીમાં કયારે અને કેવો વળાંક આવે તેની કોઈને ખબર પડતી નથી. આનંદના શિખર ઉપરથી દુ:ખના ડુંગરો તળે દબાઈ જવું પડે તેવું પણ બને. સુખમાં છલકાઈ નહીં જવાનું અને મુશ્કેલીમાં સ્થિતપ્રજ્ઞતા સાચવી રાખવાની જવાબદારી ખૂબ કઠિન હોય છે. પરંતુ આવું કરનાર જ જીવનનૌકા સફળ રીતે હંકારી શકે છે. જિંદગીમાં સફળતા કરતાં સાર્થકતાનું મહત્વ વિશેષ છે. સાર્થક થવા માટે હોશિયારી કરતાં ડહાપણયુક્ત વર્તણૂક આવશ્યક છે. કયારેક લોકો જ્ઞાનનો ઉપયોગ કપટ કરવામાં, અન્યોને છેતરવામાં અને દાવપેચ ખેલવામાં કરે છે. બુદ્ધિનો ઉપયોગ ડાહ્યા અને શાણા થવામાં પણ થઈ શકે છે તેવી સમજ હોય તે આવશ્યક છે.

એક નાજુક સુંદ૨ રૂપાળી સ્ત્રી વિમાનમાં પ્રવેશી અને પોતાની જગ્યા શોધવા લાગી. તેણે જોયું કે તેની બેઠક બંને હાથ વિનાના એક મુસાફરની બાજુમાં છે. આથી તે તેની બાજુમાં બેસવા માટે આનાકાની કરવા લાગી. રૂપાળી સ્ત્રીએ એરહોસ્ટેસને જણાવ્યું કે બે હાથ વિનાની અપંગ વ્યક્તિ સાથે બેસીને મુસાફરી કરવાનું તે પસંદ કરતી નથી. તેણે એરહોસ્ટેસને પોતાની બેઠક બદલી આપવા માટે જણાવ્યું. એરહોસ્ટેસે નમ્રતાપૂર્વક પૂછ્યું, “બહેન, હું તે માટેનું કારણ જાણી શકું?” તે સ્વરૂપવાન સ્ત્રીએ ઉત્તર આપ્યો, “આ પ્રકારના અપંગ લોકો સાથે બેસી હું પ્રવાસનો આનંદ ગુમાવવા ઈચ્છતી નથી.” આ સાંભળી એરહોસ્ટેસે (વિમાન પરિચારિકા) આઘાત અનુભવ્યો. એક શિક્ષિત દેખાતી સ્ત્રીના મુખેથી આ ઉત્તર સાંભળી એરહોસ્ટેસને ખૂબ દુ:ખ થયું. દેખાવડી સ્ત્રીએ ફરીથી એરહોસ્ટેસને કહ્યું કે આ જગ્યાએ તે બેસી શકશે નહીં. તેને બીજી બેઠક ફાળવી આપવા માટે જણાવ્યું.

એરહોસ્ટેસે એ સ્ત્રીને થોડી ધીરજ રાખવા માટે વિનંતી કરી. તે બીજી કોઈ જગ્યા શોધી તેની બેઠક બદલી આપશે તેમ જણાવ્યું. આજુબાજમાં કોઈ બેઠક ખાલી હોય તો તે તરફ તેણે નજર ફેરવી. પરંતુ કોઈ જગ્યા તે શોધી શકી નહીં. એરહોસ્ટેસ સ્ત્રી તરફ જોઈ બોલી, “મેડમ, ઈકોનોમી કલાસની તમામ બેઠકો ભરાઈ ગઈ છે. પરંતુ અમારી વિમાની કંપની શક્ય હોય ત્યાં સુધી તેના ગ્રાહકોને મહત્તમ સંતોષ આપવા માટે પ્રયત્નશીલ હોય છે. તેથી હું વિમાનના કેપ્ટનને આ બાબતે વાત કરું છું. ત્યાં સુધી આપશ્રી થોડી વધારે ધીરજ રાખો તેવી નમ્ર વિનંતી.” આ પ્રમાણે જણાવી તે કેપ્ટન પાસે ગઈ.

કેપ્ટનને મળી તે પરત આવી. તેણે તે સ્ત્રીને કહ્યું, “મેડમ, આપને તકલીફ પડી તે બદલ અમે દિલગીર છીએ. આ વિમાનમાં એક જ સીટ ખાલી છે અને તે માત્ર ‘પ્રથમ વર્ગ’ (First class)ની જ છે. મેં મારા સાહેબને વાત કરી અને અમે એક અસાધારણ અપવાદરૂપ નિર્ણય લીધો છે. કંપનીના ઈતિહાસમાં પ્રથમ વાર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઈકોનોમી વર્ગમાં મુસાફરી કરતા મુસાફરને પ્રથમ વર્ગમાં મુસાફરી કરવાની સવલત આપવામાં આવે છે…”

“ગર્વિષ્ઠ’  સ્ત્રી અત્યંત આનંદિત થઈ. તે એરહોસ્ટેસનો આભાર વ્યકત કરવા પ્રયત્ન કરતી હતી… ત્યાં તો એરહોસ્ટેસ બે હાથ વિનાના મુસાફર પાસે ગઈ અને બોલી, “સાહેબ, આપશ્રી અહીંયાંથી પ્રથમ વર્ગની બેઠક ઉપર જવાની તકલીફ લેશો? એક અવિનયી વ્યક્તિને કારણે આપના જીવનમાં બનેલી દુ:ખદ ઘટનાથી અમે આપને છુટકારો અપાવવા માંગીએ છીએ.” આ સાંભળીને ત્યાં ઉપસ્થિત સૌએ આ નિર્ણયને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. આ પરિસ્થિતિ જોઈ સ્વરૂપવાન યુવતી ઝંખવાણી પડી ગઈ.

ત્યાર બાદ તે મુસાફર ભાઈ ઊભા થયા અને બોલ્યા, “હું સી.આર.પી.એફ. ફોર્સમાંથી નિવૃત્ત થયેલો પૂર્વ સૈનિક છું. દેશની રક્ષા કરતાં કાશ્મીરમાં થયેલા બોમ્બ ધડાકામાં મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. બહેનને પહેલી વાર જ્યારે આ રીતે વાત કરતાં સાંભળ્યા ત્યારે મને થયું કે શું આવા લોકો માટે મેં મારા જાનની બાજી લગાવી હતી? પરંતુ ત્યાર બાદના કેપ્ટનના નિર્ણય અને તમામ મુસાફરોએ આપેલ પ્રતિક્રિયાને કારણે મેં મારા દેશ માટે ગુમાવેલ બે હાથ બદલ અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું. જય હિન્દ.” વિમાનના સૌ પ્રવાસીઓએ ‘જય હિન્દ’ના નારાથી પ્રતિઘોષ કર્યો. ત્યાર બાદ તે ભાઈ પ્રથમ વર્ગની બેઠક તરફ આગળ વઘ્યા અને રૂપાળી સ્ત્રી અત્યંત શરમમાં ડૂબી જઈ પોતાની બેઠક ઉપર ફસડાઈ પડી. જે સૌંદર્ય શરીર અને ચહેરા ઉપર દેખાય છે તે સાચું નથી. સુંદરતા તો સારી વ્યકિતના ઉત્કૃષ્ટ, ઉમદા અને ઉચ્ચ વિચારોમાં છુપાયેલી હોય છે. સૌંદર્ય વર્તન અને વ્યવહાર દ્વારા પ્રદર્શિત થાય છે.

પ્રેમ વિના જ્યાં બધા ટકરાય છે,
ત્યાં અહમ દીવાલ થઈ અથડાય છે.
જો સફળતા મેળવી આગળ વધે,
ભાર ‘હું’નો આવતાં પટકાય છે.

જિજ્ઞા મહેતા

સામાન્ય જીવનમાં રૂપાળું એટલું સુંદર સમજવાની ભૂલ થાય છે. જે દેખાવડું છે, ભભકાદાર છે અને પ્રભાવશાળી છે. તેને ઉત્તમ સમજવાની ક્ષતિ જીવનમાં ડગલે ને પગલે થાય છે. રૂપાળાપણું નાશવંત છે પરંતુ આત્મા અને વિચારો ચિરકાળ રહેતા હોય છે. વ્યક્તિનું વ્યક્તિત્વ તેની વાણી અને વર્તનમાં છુપાયેલું હોય છે. ઉત્તમ વિચારો અને વ્યવહાર જ વ્યક્તિને સારો બનાવે છે. ચતુરાઈ અને લુચ્ચાઈ વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. ચતુરાઈમાં ડહાપણ, શાણપણ, વિદ્વત્તા, વિવેક જેવા સદ્‍ગુણોનો સમાવેશ થાય છે. જ્યારે લુચ્ચાઈમાં કપટ, દાવપેચ, તરકટ, ધૂર્તતા, છેતરપીંડી જેવા ભારોભાર દુર્ગુણો સમાયેલા છે. ઉચ્ચ બુદ્ધિ ધરાવતી વ્યક્તિમાં ડહાપણ હોય જ તેવું જરૂરી નથી. બુદ્ધિમત્તા અને ડહાપણ વચ્ચે નીચે મુજબનો તફાવત નજરે પડે છે :-

(૧) બુદ્ધિ દલીલબાજી તરક દોરી જાય છે. ડહાપણ સમજૂતી તરફ પ્રયાણ કરાવે છે.

(૨) અક્કલ ઈચ્છાશક્તિ ઉપરનો કાબૂ છે. શાણપણ ઈચ્છાશક્તિ ઉપર કાબૂ શા માટે રાખવો તે શીખવે છે.

(૩) બુદ્ધિ ગરમ છે તેથી તે બાળે છે. ડહાપણ હૂંફ આપે છે તેથી તે મુશ્કેલીમાં રાહત અપાવે છે.

(૪) ગ્રહણશકિત જ્ઞાનનો પીછો કરે છે અને તેથી તેના શોધકને તે થકવી નાંખે છે. ડહાપણ સત્યની પાછળ દોડે છે અને તેથી તે તેની શોધ કરનારને પ્રોત્સાહિત કરે છે.

(પ) બુદ્ધિ પકડી રાખવાનું શીખવે છે. ડહાપણ મુકિતનો અહેસાસ કરાવે છે.

(૬) બુદ્ધિ વ્યક્તિને દોરે છે. ડહાપણ તેને માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે.

(9) બુદ્ધિશાળી વ્યક્તિ સમજે છે કે તે સર્વજ્ઞ છે. ડહાપણયુક્ત વ્યક્તિ હજુ ઘણું શીખવાનું બાકી છે તેમ વિચારે છે.

(૮) બુદ્ધિમત્તાવાળી વ્યક્તિ પોતાની દલીલને જ સાચી ઠેરવવા પ્રયત્ન કરે છે. ડાહ્યો માણસ દલીલબાજીથી દૂર રહેવાનું પસંદ કરે છે.

(૯) બુદ્ધિશાળી વણમાગી સલાહ આપવા માટે સતત હાજર હોય છે. ડાહ્યો માણસ જે તે વ્યક્તિ સાથે સલાહમસલત કરી તમામ વિકલ્પોની ચર્ચાવિચારણા કર્યા બાદ સલાહ આપે છે.

(૧૦) બુદ્ધિમત્તાવાળી વ્યક્તિ જે કહેવાયું છે તે જ સમજે છે. શાણપણ ભરેલી વ્યક્તિ જે કહેવાયું છે તે અને નથી કહેવાયું તે પણ સમજવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરે છે.

(૧૧) બુદ્ધિશાળી માણસ જ્યારે કાંઈક કહેવાનું હોય ત્યારે બોલે છે. શાણો માણસ કહેવાનું કાંઈક હોય ત્યારે જ બોલે છે.

(૧૨) બુદ્ધિશાળી દરેક બાબતને સાપેક્ષ રીતે નિહાળે છે. ડહાપણયુક્ત દરેક બાબતને સંબંધના ત્રાજવે તોલે છે.

(૧૩) બુદ્ધિશાળી પ્રવાહ ઉપર કાબૂ રાખે છે. જ્યારે શાણો પ્રવાહને યોગ્ય રસ્તે વાળે છે.

(૧૪) બુદ્ધિશાળી ઉપદેશ આપે છે. ડાહ્યો અન્યોના હૃદય સુધી પહોંચે છે.

જીવનમાં સુખ, શાંતિ અને પ્રગતિ માટે બુદ્ધિ ઓછી હોય તો ચાલશે. પરંત ડહાપણ અને શાણપણ વિના જિંદગી અધૂરી રહેશે. વિદ્વત્તા હોય તો બુદ્ધિશક્તિ પ્રાપ્ત કરી શકાય પરંતુ બુદ્ધિથી ડહાપણયુક્ત બનાય જ તેવી કોઈ ખાત્રી નથી.

આચમન:

ઊંચી બુદ્ધિને હોશિયારી ગણવામાં
અનેક લોકો થાપ ખાય છે.
ડાહ્યા અને શાણા માણસોને કારણે
દુનિયા પ્રગતિના પંથે જાય છે.


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)