નિસબત

ચંદુ મહેરિયા

છેલ્લા પચીસ વરસોમાં દેશમાં આશરે બે લાખ વિધ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પાછલા પાંચેક વરસોથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૧૭માં ૯૯૦૫ વિધ્યાર્થીઓની આત્મહત્યા ૨૦૨૧માં વધીને ૧૦,૭૩૨ થઈ હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ૨૦૨૧માં કુલ ૧.૬૪ લાખ આત્મહત્યામાં વિધ્યાર્થીઓની  આત્મહત્યાનું પ્રમાણ આઠ ટકા હતું. રાજસ્થાનનું કોટા મેડિકલ-એન્જિનીયરીંગની પ્રવેશ પરીક્ષાના કોંચિંગ સેન્ટર તરીકે જાણીતું છે. આખા દેશના વિધાર્થીઓ ત્યાં કોચિંગ માટે જાય છે. છેલ્લા દાયકામાં કોટા કોચિંગ સેન્ટરના ૧૨૧ અને છેલ્લા તેર મહિનામાં ૨૨ વિધ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. દેશમાં પ્રાયમરીથી હાયર એજ્યુકેશન મેળવતા છોકરા-છોકરીઓ આત્મહત્યા કરે છે. આપઘાત કરનારા છોકરાઓની ટકાવારી ૫૬.૫૧ અને છોકરીઓની ૪૩.૪૯ ટકા છે. આ આંકડાઓ પરથી  છાત્રોની આત્મહત્યામાં થયેલી વૃધ્ધિ અને તેની ગંભીરતાનો અંદાજ આવી શકે છે. વિધ્યાર્થીઓની આત્મહત્યાના મુખ્ય કારણોમાં ભણતરનું દબાણ, માબાપ અને અન્યોની મોટી અપેક્ષાઓ , માનસિક તણાવ, ઘર-કુટુંબથી દૂર રહેવાના કારણે સાલતી એકલતા તથા પરીક્ષામાં નાપાસ થવું કે નાપાસ થવાની શક્યતા છે.

વિધ્યાર્થીઓની આત્મહત્યાના સવાલ સાથે  ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા સમાજના વંચિત વર્ગના વિધ્યાર્થીઓની આત્મહત્યાઓને પણ તપાસવા જેવી છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ આઈઆઈટી, આઈઆઈએમ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૨૦૧૪ થી ૨૦૨૧ના  આઠ વરસોમાં ૧૨૨ વિધ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. તેમાં વંચિત કે અનામત વર્ગના ૭૧ અને કથિત ઉચ્ચ જ્ઞાતિ કે સામાન્ય વર્ગના ૫૧ વિધ્યાર્થીઓ હતા. સામાન્ય રીતે પ્રિન્ટ અને ઈલેક્ટોનિક મીડિયાના સમાચારોમાં હત્યા અને આત્મહત્યાના સમાચારોની ભરમાર હોય છે.પરંતુ દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી વિધ્યાર્થીઓની આત્મહત્યાની ભાગ્યે જ  નોંધ લેવાતી હોય છે. ૨૦૧૬ની હૈદરાબાદ યુનિવર્સિટીના પીએચ ડીના દલિત વિધ્યાર્થી રોહિત વેમુલા, ૨૦૧૯માં મુંબઈની નાયર હોસ્પિટલના પી.જી. મેડિકલના આદિવાસી છાત્રા પાયલ તડવી અને તાજેતરમાં અમદાવાદના આઈઆઈટી મુંબઈના ફસ્ટ યર બી.ટેકના દલિત સ્ટુડન્ટ દર્શન સોલંકીની આત્મહત્યાની ઘટનાઓ તેમાં અપવાદ છે . આ ઘટનાઓએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવને ઉજાગર કરી વ્યાપક ઉહાપોહ જગવ્યો છે.

ભારતીયોના મન-મસ્તિષ્કમાં જ્ઞાતિના મૂળ બહુ ઊંડા છે. સાવ અજાણી વ્યક્તિની આકસ્મિક ટૂંકી મુલાકાત કે પ્રવાસમાં પણ જ્ઞાતિ જાણવાની તેને ઉત્સુકતા રહે છે. અગાઉ,  તમે કેવા? કે તમારું દૂધ કયું ? એવું સીધેસીધું પૂછી લેવાતું, પછીના વખતમાં વ્યક્તિની અટક પૂછાતી થઈ હતી. હવે સમાજની પ્રગતિ સાથે જ્ઞાતિ જાણવાની રીત પણ બદલાઈ છે. નમૂના દાખલ, દલિત પરિવારની પહેલી પેઢીના, અઢાર જ વરસના, ઉચ્ચ શિક્ષણ લગી પહોંચેલા, દર્શન સોલંકીને આઈઆઈટી મુંબઈના તેના બિનઅનામત વર્ગના રૂમ મેટે(શું કહીશું સહઆવાસી?) જેઈઈનો રેન્ક પૂછીને તેની જ્ઞાતિ જાણવા ચાહી. દર્શનના નીચા જેઈઈ રેન્ક પરથી તેને તે કથિત નીચલા વર્ણનો અને અનામત વર્ગનો હોવાની ખાતરી થતાં જ તેનું દર્શન પ્રત્યેનું વલણ બદલાયું. જે દર્શનને આત્મહત્યા સુધી લઈ ગયું.

ડો.બાબાસાહેબ આંબેડકરના ત્રિમંત્ર શિક્ષણ, સંઘર્ષ અને સંગઠનમાં શિક્ષણ પ્રથમ સ્થાને છે. બંધારણે તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. પરંતુ ભારતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અસમાનતા, જ્ઞાતિભેદ અને અસહિષ્ણુતા પ્રવર્તતે છે. આ શિક્ષણ સંસ્થાઓનો માહોલ દલિતા વિધ્યાર્થીઓ માટે  અસમરસ એટલો જ અસંવેદનશીલ છે. અનામત કે ગુણવત્તાના ધોરણે પ્રવેશ મેળવતા દલિત-આદિવાસી વિધ્યાર્થીઓ અને અન્યો વચ્ચેની ભિન્ન સામાજિક પ્રુષ્ઠભૂમિ, રહેણીકરણી, ભાષા, ઉચ્ચારણ, પહેરવેશ અને ગ્રામીણ-શહેરી રીતભાતના તફાવતો તથા તેને બળ આપતું  શિક્ષણ સંસ્થાનું વાતાવરણ,  ભેદભાવની દીવાલને મજબૂત કરે છે.

અમેરિકાની ઈકવાલિટી લેબના સર્વેનું તારણ હતું કે ભારતના દર ત્રણમાંથી એક દલિત વિધ્યાર્થીને ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી , બોમ્બેના એસ.સી. એસટી સ્ટુડન્ટ સેલના ફેબ્રુઆરી ૨૦૨૨ના સર્વેમાં જાણવા મળ્યું હતું કે  ૬૩.૨ ટકા દલિત-આદિવાસી વિધ્યાર્થીઓ તેમની જ્ઞાતિ અંગે સહજભાવે વાત કરી શકતા નથી. ૩૭ ટકાને તેમના સહાધ્યાયી કે સહઆવાસીએ પ્રવેશ પરીક્ષાના રેન્ક થકી જ્ઞાતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ૩૩.૮ ટકાનો મત હતો કે તેમણે ખૂલીને જ્ઞાતિ અંગેની જાણકારી નજીકના મિત્રોને જ આપી હતી. ૭.૨ ટકા જાહેરમાં જ્ઞાતિની વાત કરતાં ડરતા હતા. ૨૧.૬ ટકાનું કહેવું હતું કે ભેદભાવની ફરિયાદ કરવાથી વિધ્યાર્થીઓ અને અધ્યાપકોની વિપરીત પ્રતિક્રિયાની ભીતિ હતી. આ સર્વે આઈઆઈટી, બોમ્બે દલિત આદિવાસી વિધ્યાર્થીઓ માટે અસલામત અને  અસંવેદનશીલ હોવાનું ગંભીરતાથી જણાવે છે.

મિત્રતા કે બંધુત્વની ભાવનાના અભાવને કારણે વંચિત સમાજના વિધ્યાર્થીઓની ન માત્ર ઉપેક્ષા પણ હેરાનગતિના અનેક દાખલા બન્યા છે. અંગ્રેજી કડકડાટ ના બોલી શકતા હોવાથી દલિત-આદિવાસી વિધ્યાર્થીઓની ઠેકડી ઉડાડવામાં આવે છે. અધ્યાપકો તેમને વારંવાર નાપાસ કરે છે. તેમના સંશોધન કે શોધનિબંધોને હળવાશથી લે છે. તેને તપાસવામાં અસહ્ય  વિલંબ કરે છે. માનસિક તાણમાં રહેતા વિધ્યાર્થી પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવાતી નથી. રાજધાની દિલ્હીની એઈમ્સમાં પણ દલિત વિધ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાનું અને તે માટે મેનેજમેન્ટ જવાબદાર હોવાનું યુજીસીના તત્કાલીન અધ્યક્ષ ડો.સુખદેવ થોરાટના વડપણ હેઠળની સમિતિનું તારણ હતું. બીજેપી સાંસદ ડો. કિરીટ સોલંકી જેના અધ્યક્ષ છે તે અનુ.જાતિ,જનજાતિ ક્લ્યાણ અંગેની સંસદીય સમિતિએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ હોવાનું જણાવ્યું છે. જોકે દર્શન સોલંકીની આત્મહત્યા પછી તુરત જ  આઈઆઈટી, બોમ્બેએ સામાજિક ભેદભાવનો સાફ ઈન્કાર કર્યો હતો.

આખરે આ સમસ્યાનો ઉકેલ શું ? સામાજિક ભેદભાવની જડ જ્ઞાતિ છે .એટલે  જ્ઞાતિ નિર્મૂલન જ ઉકેલ છે.પણ તે દિશાના પ્રયાસો બહુ પાંખા છે. આઈઆઈટી, ખડગપુરને રોજ સાંજે એક કલાક વીજળી બંધ રાખીને વિધ્યાર્થીઓ મોબાઈલ કે ઈન્ટરનેટના ઉપયોગને બદલે પરસ્પર મિત્રતા કેળવતા થાય તેવો ઉપાય સૂઝ્યો છે. કેરળના કોટ્ટાયમની દલિત વિધ્યાર્થિની દીપા મોહનન મહાત્મા ગાંધી યુનિવર્સિટીમાં નેનોમેડિસિનમાં રિસર્ચ સ્ટુડન્ટ હતાં. તેમની સાથે તેમના ગાઈડ, અન્ય સ્ટાફ ભારે સામાજિક ભેદભાવ આચરતા હતા.. તેથી તંગ આવી આત્મહત્યા કરવા કે અભ્યાસ છોડી દેવાને બદલે ૨૦૨૧માં તેમણે ગાંધીના માર્ગે લડત આદરી. દીપાના આમરણ અનશનના અગિયારમા દિવસે યુનિવર્સિટીને જવાબદાર અધ્યાપકની હકાલપટી કરવી પડી હતી. આ દિવસોમાં મહાત્મા ગાંધી હિંદી મહાવિધ્યાલય, વર્ધાનો દલિત વિધ્યાર્થી રજનીશ કુમાર અંબેડકર પણ તેના પીએચ ડી થીસિસના મૂલ્યાંકનની માંગ સાથે ધરણારત છે,.

દલિત વિધ્યાર્થીઓ માટે ભારતના વિધ્યાધામો ભેદભાવ, પક્ષપાત અને યાતનાગૃહો અને તેની સામેના તેમના સંઘર્ષના ધામો બની રહ્યા છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીની નોન ડીસ્ક્રિમિનેશન પોલિસીમાં તેર પ્રકારના ભેદભાવ સામેલ છે. દર્શન સોલંકીની આત્મહત્યા અને તેના પ્રતિરોધના દિવસોમાં હાર્વર્ડે ચૌદમા ભેદભાવ રૂપે કાસ્ટ કે જ્ઞાતિને સામેલ કરી છે. પણ હાર્ડ વર્કનું ભારત હાર્વર્ડને શાનું અનુસરે ?


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.