શૈલા મુન્શા

 

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,
તે હળવે હળવે ચાલે છે,
તેના ડીલ પર ડાઘ છે,
તે મારા ઘરનો વાઘ છે!

ચાર વર્ષની તસનીમને જોઈ મને આ બાળગીત યાદ આવી ગયું જે ગાઈ ગાઈને હું મોટી થઈ.

તસનીમ એક અરેબિક છોકરી. સોનેરી વાંકડિયા વાળ અને બિલાડી જેવી જ માંજરી આંખો. અરબી સ્ત્રીઓ રૂપાળી તો  હોય  જ છે, એમાં કોઈ બે મત નથી.  તસનીમને પણ એ રૂપ ખોબલે ભરીને મળ્યું હતું, પણ એ રૂપને જાણે ગ્રહણ લાગી ગયું હતું.

નાતાલની રજા પહેલા જ તસનીમ સ્કૂલમા આવી. ખુબ બોલકી અને આખો દિવસ એના મોઢે એના પિતાનુ નામ હોય. મારા ડેડીએ મને તૈયાર કરી, મને કુકી આપી, વગેરે વગેરે. એક મોટો અને એક નાનો ભાઈ, પણ દેખાઈ આવે કે તસનીમ ઘરમાં બોસ છે. તસનીમ ઘરની બિલાડી નહિ, પણ વાઘ છે એ દેખાઈ આવે!

શરૂઆતમાં જે મન થાય તે ડ્રેસ પહેરી આવે, સ્કૂલે આવવાનો કોઈ સમય નહિ, આઠ, નવ કોઈ પણ સમયે આવે. સ્કૂલના નિયમ અનુસાર એવું ના ચાલે, એટલે મીસ સમન્થાએ પહેલા ઘરે લેટર મોકલાવ્યો, પછી ફોન પર પિતા સાથે રૂબરૂ વાત કરી તસનીમને રોજ સમયસર સ્કૂલે મોકલવા કહ્યું. પિતાનુ કહેવું એમ કે આટલી ઠંડીમાં તસનીમને વહેલી કેવી રીતે ઉઠાડુ?

પછી ખબર પડી કે માતા પિતા છૂટાછેડા લઈ જુદા થયા છે, અને બાળકો પિતા પાસે છે. આટલા નાના બાળકોની કસ્ટડી પિતા પાસે એ જાણ થઈ એટલે જરૂર માતાનો કોઈ મોટો વાંક હશે એ તો ખ્યાલમાં આવી ગયું.

પિતા હમેશ રઘવાયા લાગે. એક તો બાળકોની જવાબદારી એમના પર, સાથે એ પોતે પણ અમેરિકાની કોલેજ ડીગ્રી લેવા ભણવા જાય, એટલે બાળકોને લેવા કોઈવાર બીજા લોકો આવે. અલબત્ત બધાના નામ અમારા સ્કૂલના નિયમ અનુસાર રજિસ્ટર કરાવેલા જ હોય. બાળકોની સલામતી માટે એ ખૂબ જરુરી હોય છે, કારણ અમેરિકામાં છૂટાછેડા, સ્ટેપ મધર, સ્ટેપ ફાધરનુ પ્રમાણ કદાચ ભારત જેવા દેશ કરતાં વધારે છે અને બાળકોના અપહરણના કેસ પણ ઘણા થતાં હોય છે.
તસનીમ પિતાની ખૂબ લાડકી એ દેખાઈ આવે કારણ તસનીમ હમેશ એના પિતાની જ વાત કરતી હોય. ધીરેધીરે તસનીમ ક્લાસના નિયમનુ પાલન કરવા માંડી. સ્કૂલ બસમાં આવવા માંડી. મારી કોઈ દિવસ પિતા સાથે રૂબરૂ મુલાકાત થઈ નહોતી. મેં એમને અલપ ઝલપ જોયા હતા, કોઈવાર બાળકોને મુકવા આવે ત્યારે, પણ વાતચીત નહોતી થઈ.

હમણાં જ વેલેનટાઈન ડે ગયો અને અમે બાળકો પાસે કાર્ડ બનાવડાવ્યા અને દરેક બાળકે પોતાના કાર્ડમાં “I love you Mom and Dad” એવું લખાવ્યું. કોઈએ વળી “I love you Mom” લખાવ્યું, પણ જ્યારે તસનીમને પુછ્યું તો એ તરત બોલી “I love my Daddy”.

જો કે નાનકડી બાળકી માતાની કમી તો જરૂર અનુભવતી હશે, કદાચ એટલે જ  તસનીમને મારી અને મીસ સમન્થા સાથે ખૂબ ફાવે. તસનીમના સોનેરી ઝુલ્ફા પણ પિતાને કદાચ સરખી રીતે પોનીટેલ કે બે નાના ચોટલાં લેતા નહિ ફાવતું હોય એટલે જેમતેમ રબર બેન્ડ બાંધી આપે અને જેવી એ ક્લાસમાં આવે કે હું સરસ રીતે એના વાળ ગૂંથી આપું. ખાસ એના માટે રંગબેરંગી હેર બેન્ડ, બકલ વગેરે લઈ આવું. વાળ ગૂંથતા મને મારી નાનકડી શ્વેતા યાદ આવી જાય.

તસનીમને કોઈ પણ વાત કહેવી હોય તો અજબ લહેકાથી કરે. એકવાર એની ગાડી ખરાબ થઈ ગઈ હશે અને સ્કૂલે આવતાં મોડુ થયું તો જાણે મોઢું ફુલાવી ફરિયાદ કરવા માંડી. “ડેડી નવી ગાડી લાવતા નથી, મારી વાત સાંભળતા નથી, મને મોડું થાય છે,  એમ માંજરી આંખો ગોળ ઘુમાવતી જાય અને વાત કરતી જાય!

બે દિવસ પહેલાં ઓફિસમાંથી ક્લાસમાં બઝર વાગ્યું, તસનીમને ઘરે લઈ જવા ડેડી આવ્યા હતા એટલે એને લઈને હું ઓફિસમાં ગઈ.

ડેડીને તસનીમ સોંપી કેમ છો કહ્યું. ડેડીએ મજામાં નો વળતો જવાબ આપી મને પુછ્યું “મીસ મુન્શા કોણ છે”? હું કાંઈ બોલું તે પહેલાં તસનીમ મને વળગતા કહે “આ મારી મીસ મુન્શા છે” હું તસનીમના ચહેરાની ખૂશી અને આંખની ચમક જોઈ જ રહી. તસનીમના પિતા મને કહેવા માંડ્યા કે ઘરે આવી તસનીમ ના મોઢે આખો દિવસ મીસ મુન્શા એ ગીત ગવડાવ્યા, મીસ સમન્થાએ એ.બી.સી.ડી કરાવી, મીસ મુન્શા બગીચામાં લઈ ગઈ, એ જ વાતો સાંભળવા મળે છે. હું ખરેખર ખુબ આભારી છું કે તમે મારી દીકરીનો આટલો ખ્યાલ રાખો છો અને પ્રેમ કરો છો. એ કહેતાં કહેતાં એમના ચહેરા પર જે આભારનો ભાવ, સંતોષની ચમક હતી એ કોઈ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.

આ દિવ્યાંગ બાળકોને જરા સરખો પ્રેમ આપતા કેટલા વ્યાજ સહિત એમનો પ્રેમ અમે પામીએ છીએ એ તો અમે જ જાણીએ છીએ. કોઈવાર એમના ભલા માટે કડક થઈને વાત કરીએ પણ બીજી જ પળે દોડતાં આવીને વળગે ત્યારે બધો ગુસ્સો પળમાં ગાયબ થઈ જાય.

આજે પણ  એ પળ મારી નજર સામે તરી આવે છે. તસનીમના પિતાના મોઢા પર છલકતી શાંતિ અને શિક્ષક પ્રત્યેનો અહોભાવ!!

આ નિર્દોષ બાળકોની આંખોથી છલકતો નિઃસ્વાર્થ પ્રેમ અમારા હૈયાને અનેરા આનંદ અને ગર્વથી ભરી દે છે. હર દિન એક નવી ઉર્જા લઈને આવે છે!!

તસનીમ આમ જ ચહેકતી રહે એ જ પ્રાર્થના સહિત,
અસ્તુ,


સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com