ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

હું જાણું છું કે તમે શું બોલ્યા તે ભૂલાઈ જશે, તમે શું કર્યું છે તે પણ યાદ રહેશે નહીં, પરંતુ તમે શું અનુભવ્યું તે નિરંતર યાદ રહેશે.

માયા એન્‍જેલો (Maya Angelou)

શાળા-કૉલેજનો અભ્યાસ છોડયા પછી પણ દરેક વ્યકિત તેના વર્ગખંડની સ્મૃતિઓની સંદૂક સાથે લઈને ફરે છે. વર્ગખંડની સ્મૃતિઓ સદાય વાગોળાતી હોય છે. સમગ્ર જિંદગી દરમિયાન થયેલા અનુભવોનો સરવાળો વર્ગખંડના અનુભવોથી કદાચ વધારે નહીં જ હોય. શાળામાં પ્રત્યેક સવાર નવા પ્રસંગથી શરૂ થાય છે અને સાંજ એક નૂતન યાદ સાથે પૂર્ણ થાય છે. બાળપણના અનુભવોમાં સર્વશ્રેષ્ઠ પ્રસંગો વર્ગખંડમાં જ બન્યા હોય છે. કેળવણીનું ઉત્તમ સ્થળ વર્ગખંડ હોય છે. વર્ગખંડ માત્ર ભૌતિક ઓળખ નથી પણ આ તો ચીરકાળ યાદ રહેતી અને સદાય મમળાવવી ગમે તેવી જીવંત સ્મૃતિઓ છે. શાળામાંથી વર્ગખંડને બાદ કરવામાં આવે તો શાળા માત્ર અને માત્ર એક ઈમારત રહી જાય. તમામ ઉત્તમ શિક્ષકો સદાય તેમના વર્ગવ્યવહારને કારણે વિદ્યાર્થીઓના મન, હૃદય અને વર્તનમાં સચવાયેલા રહેલા છે અને ભવિષ્યમાં પણ રહેશે. શિક્ષકના જીવનમાં વર્ગખંડનું સ્થાન દેવસ્થાન કરતાં વધારે મહત્ત્વ ધરાવતું હોય છે.

શિક્ષણની સફળતાનો માત્ર એક જ આધાર હોય તો તે છે વર્ગખંડની ગતિવિધિ. વિદ્યાર્થી અને શિક્ષક બંનેના વ્યકિતત્ત્વને નિખારતું આ ઉત્તમ સ્થળ છે. વર્ગખંડનો યોગ્ય ઉપયોગ કરનાર શિક્ષક સફળતાને વરે જ છે. વિદ્યાર્થીના વિકાસના તમામ પાસાઓનું ઘડતર આ જગ્યાએ થતું હોવાથી સજાગ વિદ્યાર્થી અહીંયાંથી સૌથી વધ પ્રાપ્ત કરી શકે છે. બાળ મનોભાવોને જાગ્રત કરનાર અને શિક્ષકની ઓળખ ઉભી કરનાર વર્ગખંડ સમાજ જીવનનું પ્રતિબિંબ છે. આથી વર્ગખંડમાં વિષયના જ્ઞાનને પિરસતી વખતે ઘણા ભૌતિક અને માનસિક વ્યવસ્થાપનોની તેયારી કરવી પડતી હોય છે. અહીં આપણે વર્ગખંડમાં બાળકની આસ્થામાં ઉમેરો કરતાં માનસિક વ્યવસ્થાપનો અંગે વિચારીશું :

(૧) ઊર્મિઓનું વ્યવસ્થાપન : વર્ગખંડમાં પ્રત્યેક મિનિટે પરિસ્થિતિ બદલાય છે. નાની નાની ઘટનાઓ વિદ્યાર્થી અને શિક્ષકના સંબંધ પાતળા કે ગાઢ કરી શકે છે. શિક્ષકને જેટલું વહાલ વર્ગખંડના વ્યવહારને કારણે મળે છે તેટલું કદાચ

વિધિવત્‌ શિક્ષણ દરમિયાન પ્રાપ્ત થતું નથી. વિષય તો પુસ્તકમાંથી શીખી શકાય પરંતુ દયા, પ્રેમ કે લાગણી તો વર્તન ઉપર આધારિત છે. શિક્ષકના વર્તનમાં તે જેટલું અનુભવવા મળે તેટલું તે વિકસે. પ્રત્યેક પળે વિદ્યાર્થીને શિક્ષક “મારા” છે તેનો અનુભવ કરાવવાનું કાર્ય તો ઉત્તમ શિક્ષક જ કરી શકે. વારંવાર ગુસ્સે થતા કે ચિડાઈ જતા શિક્ષકને માન કેવી રીતે મળે? વહાલ અને સંવેદનશીલતા તો વર્તનમાં રહેલા હોવાથી જે શિક્ષક તેનો મહત્તમ ઉપયોગ કરે તે કદાચ વિષયવસ્તુમાં થોડાક અધૂરા હોય તો પણ વિદ્યાર્થીઓ તેમને નિભાવી લેતા હોય છે. નિર્વ્યાજ પ્રેમ વહેવડાવતો શિક્ષક જરૂરથી સફળતાના શીખરે આરૂઢ થાય છે.

મૃદુતા અને માયાળુતા તો
સામર્થ્ય અને દૃઢતાના સ્વરૂપો છે;
નિર્બળતા અને હતાશાની
નિશાનીઓ નહીં.

 (૨) ક્ષમાનું વ્યવસ્થાપન : વર્ગખંડના વિદ્યાર્થીઓ તેમની કિશોરાવસ્થા અને તરૂણાવસ્થામાં હોવાથી કરવા જોઈએ તેવા અથવા ન કરવા જેવા તોફાનો ન કરે તો જ નવાઈ. તેઓ દરેક ઘટનાનું પોતાની રીતે મૂલ્યાંકન કરતા હોવાથી તેમને યોગ્ય લાગે તેવી પ્રતિક્રિયા આપતા હોય છે. તેઓ શું કરે છે તેની કયારેક તેઓને તો ખબર પણ હોતી નથી પરંતુ શિક્ષકને તો જરૂરથી હોય છે. આ સંજોગોમાં તેમના અયોગ્ય વર્તનને ભૂલી જઈ માફ કરી દેવાની વિચારસરણી શિક્ષકમાં હોવી જોઈએ. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીના અયોગ્ય વર્તનને દાઢમાં રાખી તેમની સાથે વર્ગ વ્યવહાર કરે છે. પરંતુ તે યોગ્ય નથી. કદાચ જીવનનો આ અગત્યનો ગુણધર્મ શિક્ષક વર્ગખંડમાં પોતાના ઉદાહરણ દ્વારા જ શીખવી શકશે. ‘ભૂલો અને માફ કરો’નું સનાતન સત્ય વિદ્યાર્થીઓને ગળે ઉતારવામાં જે સારસ્વતને સફળતા પ્રાપ્ત થાય છે તે વિદ્યાર્થીઓના મન અને હૃદયમાં કાયમી સ્થાન જમાવી શકે છે. ભૂલ માફ કરતાં શિક્ષકનો સ્મિતસભર ચહેરો વિદ્યાર્થીઓની સ્મૃતિમાં કાયમ અંકિત થઈ જાય છે.

મૌન અને સ્મિત બે શક્તિશાળી હથિયાર છે.
સ્મિત ઘણી સમસ્યાના ઊકેલ લાવે છે
અને મૌન અનેક સમસ્યાઓને દૂર રાખે છે.

(3) વર્તનનું વ્યવસ્થાપન:  વર્ગનું વાતાવરણ હળવું, શિક્ષણાભિમુખ અને ખેલદિલીવાળું રાખવાની જવાબદારી શિક્ષકની છે. કેટલાક શિક્ષકો વર્ગમાં અત્યંત કડક રહેવાનો અભિગમ ધરાવતા હોવાથી વિદ્યાર્થીઓ તેમની સાથે ક્યારેય ખૂલીને અને ખીલીને વાત કરતા નથી. અસંખ્ય મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી વેરાયેલા વિદ્યાર્થીઓ મન મોકળું કરી શિક્ષક સાથે વાત કરવામાં સંકોચ અનુભવે તો વર્ગખંડનું વાતાવરણ જાણે-અજાણે તંગ રહેતું હોય છે. ‘સોટી વાગે…’ વાળી વાત આજે અપ્રસ્તુત બની ગઈ હોવા છતાં કેટલાક શિક્ષકો સમજી શકતા નથી અને તેથી વર્ગમાં સતત ‘ભારેલો અગ્નિ’ રહેતો જોવા મળે છે. વર્ગખંડનું આવું વાતાવરણ ક્યારેય સારા શૈક્ષણિક ભાવાવરણમાં પરિવર્તિત થઈ શકે નહીં. દરેક વ્યકિતમાં બધા સદ્‍ગુણોનો સરવાળો હોઈ જ ન શકે. વર્ગખંડના વાતાવરણને હળવું બનાવવામાં આ સમજ હંમેશા અગ્રસ્થાને રહેવી જોઈએ. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને દલીલોને માત્ર ઉતારી પાડવાથી તેના ઉકેલ આવતા નથી. તેમને સમજી હળવી વાતચીત દ્વારા ઉકેલ લાવવા ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ રચવું આવશ્યક છે.

કોઈ ચર્ચા વખતે શબ્દોને
ઊંચા કરો, અવાજને નહીં.
ફૂલ વરસાદથી ખીલે છે,
વીજળીના કડાકા-ભડાકાથી નહીં.

(4) આત્મવિશ્વાસનું વ્યવસ્થાપન : વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રવચનને માત્ર સાંભળીને ભૂલી જતા નથી પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે. તેઓ તેમની રીતે તેનું વિશ્લેષણ કરતા હોય છે. શિક્ષક વાચન અને અનુભવને આધારે પોતાના પ્રવચનમાં ઉદાહરણો ટાંકી બાળકોનો વિશ્વાસ સંપાદન કરે છે. આ ઘટનાઓની વિદ્યાર્થીના માનસ ઉપર ચોટદાર અસર થતી હોય છે. નેતૃત્વના પાઠ માત્ર અને માત્ર વર્ગખંડમાં શીખવાય છે. બાળકના આત્મવિશ્વાસનું જતન અને સંવર્ધન વર્ગખંડમાં થાય છે. સફળ નેતાનાં લક્ષણો કયાં હોઈ શકે તેનું ચિંતન વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રવચનની વચ્ચે સંભળાતા અને સમજાતા વિધાનોમાંથી કરતા હોય છે. રાષ્ટ્રને ઉત્તમ નેતા પૂરા પાડવાની જવાબદારી શૈક્ષણિક સંસ્થાએ નિભાવવાની હોય ત્યારે વિશ્વના નિવડેલ નેતાઓની વાતો પ્રસંગોપાત શિક્ષક તેમના શૈક્ષણિક કાર્ય દરમિયાન કરે તે આવશ્યક છે. આંતરરાષ્ટ્રીય નેતાઓના વ્યકિતવિકાસનાં પાસાંઓનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટપણે જોવા મળશે કે તેઓ પાઠશાળામાં જ સફળ નેતૃત્વના ઉત્તમ પાઠો ભણ્યા હતા.

(5) વર્તમાન ઘટનાઓનું વ્યવસ્થાપન: ભૂતકાળના સમયની વાતો કરવાની આદત મોટા ભાગના વડીલોમાં હોય છે. પરંતુ ભૂતકાળ કયારેય વર્તમાન બની શકતો નથી. આ સંજોગોમાં વર્તમાનની વાતો, ઘટનાઓ, પ્રસંગો અને વ્યવહારોની ચર્ચા વર્ગખંડમાં કરવાનો હવાલો શિક્ષકના શિરે છે. નાની બાબતો મહાન ઘટનાઓનું સર્જન કરતી હોય છે. વર્તમાનને એટલો ઉત્તમ બનાવો જેથી તે ભૂતકાળની ઈર્ષા કરી શકે. મોટાભાગના વિદ્યાર્થીઓ હાલમાં બનતી બાબતો ઉપર ઘ્યાન આપતા હોવાથી તેમને વર્તમાનની સાચી, યોગ્ય અને પૂરતી સમજ આપવાની જવાબદારી સારસ્વતશ્રીના શિરે હોય છે. જૂની પુરાણી વાતો કરી વિદ્યાર્થીઓને વર્તમાનથી દૂર લઈ જતા શિક્ષકો તરફ વિદ્યાર્થીઓ માનની નજરે ન જૂએ તે સ્વભાવિક છે.

(6) સામાજીકતાનું વ્યવસ્થાપન : વર્ગના વિદ્યાર્થીઓના સામાજિક, આર્થિક, કૌટુંબિક અને માનસિક સ્તર અલગ-અલગ હોય તે સ્વભાવિક છે. વર્ગના તમામ વિદ્યાર્થીઓને ક્રમચય અને સંચયના નિયમના આધારે છૂટા પાડીએ તો અનેક જૂથો પ્રાપ્ત થાય. બે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સરખી હોય તો પણ માનસિક કે સામાજિક સ્થિતિ અલગ પણ હોઈ શકે. આ પ્રકારના જુદા જુદા જૂથોનો તલસ્પર્શી અભ્યાસ કરી તેમની સાથે વાતચીત કરવામાં આવે તો જ તેની સાથે યોગ્ય વ્યવહાર થઈ શકે. બધાને “એક લાકડીએ હાંકવા’માં કોઈ તર્ક રહેલો નથી. બાળકના વંશ અને વારસાને જાણી તેની સાથે વાતચીત થઈ શકે. સામાન્યીકરણ કરતા શિક્ષકો મહદ્‌અંશે નિષ્ફળતાને વરે છે.

ખરો વિદ્યાભ્યાસ એ
કે જે વડે આપણે
આત્માને, આપણને, ઈશ્વરને
અને
સત્યને ઓળખીએ.

(7) સંવાદિતાનું વ્યવસ્થાપન: શિક્ષકે વર્ગખંડના સૌ વિદ્યાર્થીઓને એક સાથે લઈને ચાલવાનું છે. માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપર ઘ્યાન આપવાને બદલે તમામ શૈક્ષણિક સ્તરના વિદ્યાર્થીઓ એક સાથે આગેકૂચ કરે તે અત્યંત આવકારદાયક અને આવશ્યક છે. આ સોથી કઠિન કાર્ય છે. બાળકોની વિવિધતાને ઓળખી, તેમની મર્યાદાઓ સમજી તેઓની વિશિષ્ટ શકિતઓ બહાર લાવવાની કામગીરી અત્યંત કપરી જરૂર છે. પરંત અશક્ય નથી. અલબત્ત, તે મહેનત અને સમય માંગી લે તેવી પ્રવૃત્તિ છે. સફળ શિક્ષકો આ કળા હસ્તગત કરી લેતા હોય છે. વર્ગખંડને સમતોલ રાખવાની કળા સૌ શિક્ષકોમાં હોય તે શકય નથી. તેથી તેમાં નિવડેલ સારસ્વતોની વર્તણૂકનો અભ્યાસ કરી તે રસ્તે ચાલનાર શિક્ષક પણ વર્ગખંડમાં એકરાગિતા લાવી શકે છે. શિક્ષક અને વિદ્યાર્થી તેની જિંદગીના જીવંત કલાકો વર્ગખંડમાં ગાળતા હોવાથી ત્યાં વાતાવરણ ઉત્તમોત્તમ હોય તો જ જીવન ઉત્સાહદાયક અને આનંદમય બની રહે. બંને જણે તાલથી તાલ મિલાવીને મળવું જોઈએ. શાળા સંચાલક અને આચાર્યશ્રીએ પ્રોત્સાહન પૂરું પાડવાની જવાબદારી નિભાવવાની હોય છે. કોઠારી કમિશને સાચું જ કહ્યું, ‘ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.’ આજે પણ આ વાત સો ટકા પ્રસ્તુત છે અને ભવિષ્યમાં પણ રહેશે જ.

આચમન:

વર્ગમાં જઈ મનગમતો વિષય
ભણાવવાનો પણ એક નશો હોય છે.
આવો નશો ન ચડતો હોય
એવા માણસે
શિક્ષક
થવાનું ટાળવું જોઈએ.


 

(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)