દીપક ધોળકિયા
એંસી વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ અંગ્રેજો સામે યુદ્ધે ચડનાર જગદીશપુરના જમીનદાર બાબુ કુંવરસિંહનું નામ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમર છે. વિદ્રોહમાં જોડાવાની મને બહુ ઇચ્છા નહોતી પણ ઘડપણ એમાં આડે નહોતું આવતું, બીજાં જ કારણો હતાં. અંગ્રેજો સાથે એમના સંબંધો સારા હતા અને એમની પાસેથી એમને મોટી લોન લેવી હતી. વિદ્રોહ શરૂ થયો ત્યારે એ અંગ્રેજોની ઑફિસોના આંટાફેરા કરતા હતા! આમ છતાં લોકો સાથે એ ન્યાયની ભાવનાથી વર્તન કરતા એટલે લોકોમાં એમનું બહુ માન હતું. દાનકુનીના બળવા પછી લોકો એમને જ નેતા માનતા હતા. અંતે અંગત હિતોનો ભોગ આપીને એ યુદ્ધમાં કૂદી પડ્યા.
દાનાપુરમાં બળવો કરીને સિપાઈઓએ પોતાની હાક જમાવી દીધી અને તરત આરા તરફ કૂચ કરી ગયા. ત્યાં ૨૬મીએ પહોંચ્યા કે તરત કુંવરસિંહે બળવાની સરદારી હાથમાં લઈ લીધી. જો કે કમિશનર ટેઇલર એમનો મિત્ર હતો. એણે હજી બે દિવસ પહેલાં જ પત્ર લખીને સરકારને કહ્યું હતું કે કુંવરસિંહને બળવામાં નહીં જોડાય. બીજી બાજુ કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ અને બીજા એક જાગીરદાર નિશાન સિંહ બળવાખોરો સાથે હતા. એ વખતે નિશાન સિંહ સાઠ વર્ષની વય પાર કરી ચૂક્યા હતા.
જુલાઈના છેલ્લા અઠવાડિયાથી શાહાબાદ અંગ્રેજો માટે ઝંઝાવાત જેવું રહ્યું. ૨૬મીએ આરામાં વસતા બધા યુરોપિયનોને એક એંજીનિયરના બેમાળી મકાનમાં આશરો લેવો પડ્યો. આ બાજુ કુંવરસિંહ અને દાનાપુરના વિદ્રોહીઓએ અંગ્રેજ ગૅરિસનને ઘેરી લીધી. અંગ્રેજોના ચોકિયાત દળે પણ વિદ્રોહ કર્યો. અંગ્રેજ અફસરોને એની કલ્પના પણ નહોતી. આરાનો સેશન્સ જજ લખે છે કે ગાર્ડોનો ઉપરી અધિકારી મને મળવા આવ્યો ત્યારે મેં એને તિજોરીની રખેવાળી કરવાનો હુકમ આપ્યો અને સલાહ આપી કે વિદ્રોહીઓ ઓછા હોય તો જ સામનો કરવો, એ વખતે હું શીખોની ટુકડી લઈને મદદે આવીશ પણ વિદ્રોહીઓ બહુ ઘણા હોય તો પીછેહઠ કરી લેવી. પણ મેં જોયું કે વિદ્રોહીઓ તિજોરીએ પહોંચ્યા ત્યારે ગાર્ડોએ સામનો ન કર્યો, એટલું જ નહીં, એમના તરફ ગયા, જાણે સ્વાગત કરતા હોય!
અહીં વિદ્રોહીઓએ સહેલાઈથી તિજોરી લૂંટી પરંતુ એક પણ અંગ્રેજની હત્યા ન કરી. જે કેદ થયા તેમને કુંવરસિંહના સૈનિકોએ સારી રીતે સાચવ્યા.
શાહાબાદમાં કુંવરસિંહનું શાસન
કુંવરસિંહે શાહાબાદને અંગ્રેજોના હાથમાંથી ઝુંટવી લીધું અનેતરત વહીવટી વ્યવસ્થા ગોઠવી દીધી. કુંવરસિંહ વિચારોમાં પણ પ્રગતિશીલ હતા એટલે એમણે અંગ્રેજી હકુમતને તો ઉડાડી દીધી પણ એની સુવ્યવસ્થાના એ પ્રશંસક હતા એટલે જૂના દેશી ઢંગને બદલે અંગ્રેજી હકુમતની જેમ વ્યવસ્થા ગોઠવી. એમણે મૅજિસ્ટ્રેટ, ત્રણ-ચાર થાણાના પોલીસ વડાઓ અને બીજા અધિકારીઓ નીમ્યા.
પરાજય
અંગ્રેજોની ગૅરિસન છિન્નભિન્ન થવાની અણીએ હતી પણ નસીબ અંગ્રેજોની સાથે હતું. બેંગાલ રેજિમેન્ટના મેજર આયરના નેતૃત્વ હેઠળની ટુકડી કુંવરસિંહના સિપાઈઓ સાથે બીજે ક્યાંક લડાઈ પછી આરા તરફ નીકળી આવી. એના માટે કુંવરસિંહ તૈયાર નહોતા. આ મદદ કોઈ યોજના વિના જ આવી હતી. આયરે બીજી અને ત્રીજી ઑગસ્ટે વિદ્રોહીઓ પર જબ્બરદસ્ત હુમલો કર્યો. જે પકડાયા તેમને ઝાડેથી લટકાવી દીધા, જગદીશપુર પર કબજો કરી લીધો, લોકોનાં શસ્ત્રો ઝુંટવી લીધાં અને એક મંદિર તોડી પાડ્યું કારણ કે એ મંદિરને કુંવરસિંહે મોટી મદદ આપી હતી. એના સૈનિકોએ કુંવરસિંહના ઘરમાં ઘૂસીને લૂંટફાટ કરી અને મકાનો જમીનદોસ્ત કરી દીધાં.
પરંતુ એનો અર્થ નથી કે અંગ્રેજો નિરાંતનો શ્વાસ લેવા લાગ્યા હતા. ગયા, મુઝફ્ફરપુર, મિર્ઝાપુર, પૂર્ણિયા, મૂંગેર, હઝારીબાગ, બૂઢી, બાગોદર, છોટા નાગપુર, માનભૂમ, સિંઘભૂમ અને પલામૂ તેમ જ બીજા કેટલાય વિસ્તારોમાં બળવો ફેલાઈ ગયો હતો અને અંગ્રેજો ભાગવા લાગ્યા હતા. જનવિદ્રોહની સૌથી સબળ અસર બિહારમાં દેખાતી હતી.
હાથ જાતે કાપી નાખ્યો
ઈસ્ટ ઇંડિયા કંપનીએ વિદ્રોહને દબાવવા માટે નેપાલના રાણાની મદદ માગી. ૨૫મી ઑગસ્ટે નેપાલી મોકલેલી ટુકડીઓ આવી જતાં ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારોના જીવમાં જીવ આવ્યો. અને તે પછી વિદ્રોહને કચડી નાખવાનું સહેલું થઈ ગયું.
કુંવરસિંહ માત્ર જગદીશપુર અને આરા કે આસપાસના પ્રદેશોમાં જ નહીં. આજના ઉત્તર પ્રદેશના ગાઝીપુર. બલિયા અને આઝમગઢ સુધી જઈને દુશ્મનને પડકારતા હતા. પરંતુ એમની પાસે સાધનો સીમિત હતાં, એટલે માત્ર ગેરિલા યુદ્ધ કરે તો જ ઓછા ખર્ચે વધારે નુકસાન કરી શકે. અંતે એમણે આરા પાછા જવા વિચાર્યું. ગંગા પાર કરતા હતા ત્યારે દુશ્મને હુમલો કરતાં એમને કાંડા ઉપર ગોળી વાગી. એનો ઉપાય થઈ શકે તેમ નહોતું એટલે એમણે પોતાનો હાથ જ કાંડાથી કાપી નાખ્યો!
૧૮૫૮ની ૨૬મી એપ્રિલે એમનું અવસાન થયું છેવટ સુધી અંગ્રેજો એમને પકડી ન શક્યા.
અમરસિંહ અને હરેકૃષ્ણ
કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ મોટા ભાઈની પાછળ વિદ્રોહમાં જોતરાવા નહોતા માગતા. પરંતુ કુંવરસિંહે એમને કેટલાક રાજાઓને પત્ર લખીને મદદ માગવા કહ્યું ત્યારે પહેલાં અમરસિંહે ના પાડી, પરંતુ તે પછી તૈયાર થઈ ગયા અને છેક સુધી સાથ આપ્યો એટલું જ નહીં, કુંવરસિંહના મૃત્યુ પછી પણ ભાઈનું અધૂરું કાર્ય ચાલુ રાખ્યું. કુંવરસિંહે બનાવેલી સ્વતંત્ર સરકાર એમના મૃત્યુ પછી પણ કામ કરતી રહી. એનું નેતૃત્વ અમરસિંહે સંભાળ્યું પણ એમના મુખ્ય સેનાપતિ હરેકૃષ્ણ સિંહનો એમાં બહુ મહત્ત્વનો ફાળો રહ્યો. હરેકૃષ્ણની બહાદુરીની નોંધ બ્રિટીશ લેખકો પણ લે છે. છેલ્લે ૧૮૫૯માં એ જ્યારે પકડાઈ ગયા ત્યારે એમને ફાંસી આપી દેવાઈ.
બિહારના વીરોને નમન.
સંદર્ભઃ
- 1857: बिहार में महायुद्ध, प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त, राजकमल प्रकाशन, 2015 (Google Books)
(https://books.google.co.in/books?id=9cGgdEGTxvYC&lpg=PP1&pg=PA7#v=onepage&q&f=false)
- https://archives.peoplesdemocracy.in/2007/0506/05062007_1857.htm
- ભારતઃ ગુલામી– અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર: આઝાદી માટેનો સંઘર્ષ , પ્રકરણ ૩૫ (આ લેખકની વેબગુર્જરી પરની શ્રેણી).
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી