વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • દાસ્તાન-કહાની – आज तुम्हे एक कहानी सुनाता हु

    નિરંજન મહેતા

    આ વિષયનો પહેલો લેખ જેમાં ૧૯૬૫ સુધીના ગીતો હતા તે ૨૪.0૯.૨૦૨૨ના રોજ વે.ગુ. પર મુકાયો હતો. ત્યારબાદ કોઈક કારણસર આ બીજો લેખ મુકવાનો બાકી હતો તે હવે મુકું છું.

    ૧૯૭૧ની ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેશ’નું આ ગીત એક મેળાના દ્રશ્ય પર રચાયું છે જેમાં ડાકુના રોલમાં રહેલા વિનોદ ખન્નાને પકડવા ધર્મેન્દ્ર અન્યો સાથે આવે છે

    हाय शरमाऊ किस किस को बताऊ
    ऐसे कैसे मै सुनाओ सब को
    अपनी प्रेम कहानिया

    લક્ષ્મી છાયા આ ગીતના કલાકાર છે જે ગીત દ્વારા ધર્મેન્દ્રને વિનોદ ખન્નાના એંધાણ આપે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજીનો.

    https://youtu.be/GfjCGBcbn5E
    ૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘મર્યાદા’નું આ ગીત એક દર્દભર્યું ગીત છે.

    झुबा पे दर्द भरी दास्ताँ चली आई
    बहार आने से पहले खिजा चली आई

    લાગે છે પ્રેમમાં નાસીપાસ રાજેશ ખન્ના આ ગીત દ્વારા પોતાની વ્યથા દર્શાવે છે. નકારાત્મક ગીતના રચયિતા છે આનંદ બક્ષી જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાયક છે મુકેશ

    ૧૯૭૧ની વધુ એક ફિલ્મ ‘ઉપહાર’નું આ ગીત એક તરફી પ્રેમભાવ વ્યક્ત કરે છે

    मै एक राजा हु तू एक रानी है
    प्रेमनगर की ये एक सुन्दर कहानी है

    જયા ભાદુરી પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરે છે સ્વરૂપ દત્ત. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાનાર કલાકાર છે રફીસાહેબ.

    ૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું આ ગીત એક ફિલસુફીભર્યું ગીત છે

    एक प्यार का नगमा है
    मौजो की रवानी है
    जिंदगी कुछ नहीं
    तेरी मेरी कहानी है

    કલાકારો છે નંદા, મનોજકુમાર અને સત્યજીત. સંતોષ આનંદના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. યુગલ ગીતના ગાયકો છે મુકેશ અને લતાજી.

    ૧૯૭૬ની ફિલ્મ ‘ફકીરા’નું ગીત જોઈએ

    तोता मैना की कहानी
    तो पुरानी पुरानी हो गई

    પ્રેમીઓના આ ગીતના કલાકાર છે શબાના આઝમી અને શશીકપૂર. રવીન્દ્ર જૈનનાં ગીત અને સંગીત. સ્વર છે  કિશોરકુમાર અને  લતાજીના

    https://youtu.be/fIMcJjfjyMo

    ૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત વિદેશની ભૂમિ પર રચાયું છે જેમાં પ્રેમની વ્યાખ્યા રજુ થઇ છે. ગીતની શરૂઆત અન્ય ભાષાના શબ્દોથી થાય છે જેને બાદમાં ઝીનત અમનના મુખે હિંદી અર્થ દેખાડાયો છે

    दो लब्जो की है दिल की कहानी
    या है मोहब्बत या है जवानी

    ઝીનત અમાન અને અમિતાભ બચ્ચન પર રચિત આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન. ગાયક કલાકારો આશા ભોસલે, અમિતાભ બચ્ચન અને શરદ કુમાર.

    https://youtu.be/Wh8dQVjnvlY

    ૧૯૭૯ની ફિલ્મ ‘મી. નટવરલાલ’નું આ વાર્તારૂપી બાળગીત આજે પણ અત્યંત મશહુર તેના અંતિમ શબ્દોને કારણે જેમાં જીવનની ફિલસુફી દેખાય છે.

    आओ बच्चो आज तुम्हे एक कहानी सुनाता हु

    અમિતાભ બચ્ચન સાથે બાળકો પણ સહભાગી છે. ગીતના શબ્દો આનંદ બક્ષીનાં અને સંગીત રાજેશ રોશનનું. ગાનાર કલાકારો અમિતાભ બચ્ચન અને માસ્ટર રવિ.

    ૧૯૮૨ની ફિલ્મ ‘રાજપૂત’નું આ ગીત હાલરડારૂપમાં મુકાયું છે જેમાં ધર્મેન્દ્ર અતીતને યાદ કરે છે.

    कहानिया सुनाती है पवन आती जाती
    एक था दिया एक थी बाती

    ધર્મેન્દ્ર પર રચાયેલ આ ગીતમાં હેમા માલિની અને રાજેશ ખન્ના પણ સામેલ છે. આનંદ બક્ષીનાં શબ્દોને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત સાંપડ્યું છે અને ગાયક છે રફીસાહેબ

    ૧૯૮૫ની ફિલ્મ ‘પિઘલતા આસમાં’નું આ ગીત પણ પ્રેમીઓના અનન્ય પ્રેમને દર્શાવે છે.

    तेरी मेरी तेरी मेरी प्रेम कहानी
    किताबो में भी ना मिलगी

    પોતાનો પ્રેમ અનન્ય છે તેવું શશીકપૂર અને રાખી એકબીજાને કહે છે. ઇન્દીવરનાં શબ્દો અને કલ્યાણજી આણંદજીનું સંગીત. ગાયક કલાકારો અલકા યાજ્ઞિક અને કિશોરકુમાર

    ૧૯૮૫ની અન્ય ફિલ્મ ‘અલગ અલગ’નું આ ગીત જીવનની એક ફિલસુફી સમજાવે છે

    इस जीवन की यही है कहानी
    आनी जानी ये दुनिया बहते दरिया का पानी

    હોસ્પિટલના માહોલમાં રચાયેલ આ ગીત ટીના મુનીમ પર રચાયું છે જેમાં શશીકપૂરને પણ દર્શાવાયા છે. આનંદ બક્ષીના શબ્દોને સજાવ્યા છે આર.ડી.બર્મને અને સ્વર છે લતાજીનો.

    ૧૯૮૬ની ફિલ્મ ‘નગીના’નું આ ગીત એક રહસ્યમય ગીત છે જે રીશીકપૂર અને શ્રીદેવી પર રચાયું છે.

    भूली बिसरी एक कहानी
    फिर आई एक याद पुरानी

    શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકા અનુરાધા પૌડવાલ.

    ૧૯૮૮ની ફિલ્મ ‘ઇજાજત’નું આ ગીત એક હલકી નોકજોક પ્રકારનું છે.

    छोटी सी कहानी से
    बारिशो के पानी से
    सारी वादी भर गई

    આ ગીત પાર્શ્વગીતના રૂપમાં છે જેમાં રેખા અને નસીરુદ્દીન શાહ કલાકારો છે. ગીતકાર ગુલઝાર અને સંગીતકાર  આર.ડી.બર્મન. સ્વર છે આશા ભોસલેનો.
    https://youtu.be/4GWmE0VbNbk

    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com

  • બાળ ગગન વિહાર – મણકો ૧૯ – વાત અમારા એ.જે (એડિયાસ) ની

    શૈલા મુન્શા

    “આંખો પર દ્રશ્યોના ઉઝરડા પડ્યા છે,
    કરમાયું સરોવરઃ કમળ પણ રડ્યાં છે!!” 

    સુરેશ દલાલ

    શ્રી સુરેશ દલાલના “ઉઝરડા” કાવ્યની આ પંક્તિ આજે પણ મારા દિવ્યાંગ વિધ્યાર્થી એ.જે (એડિયસ)ને યાદ કરતાં યાદ આવી જાય છે.

    ઘણા વર્ષોથી અમેરિકામાં દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું અને  કેટલાય અનોખા બાળકો સાથે  અવનવા અનુભવો થતા રહે છે, પણ કોઈ અનુભવ દિલને એક  ટીસ એક વેદના આપી જાય છે.

    એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમાં આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. મમ્મીની ભુલની સજા એ ભોગવી રહ્યો હતો. અમેરિકામાં સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. આ કારણે ઘણીવાર બાળક જન્મે પણ વણજોઈતું બની જાય. એ.જે.ના કિસ્સામાં પણ એવું જ કાંઈક બન્યુ.

    માતાની ઉંમર માંડ અઢાર વર્ષની જ્યારે એ.જે. નો જન્મ થયો. મુગ્ધાવસ્થાનો પ્રેમ તો ના કહેવાય, પણ જાતીય આકર્ષણના કારણે ભણતર પુરું થયું નહોતું અને લગ્ન કરી લીધા. બાળ ઉછેરની કોઈ આવડત નહિ, ન આર્થિક પરિસ્થિતિ એટલી સરસ અને અઢાર વર્ષની છોકરીમાં એટલી સહનશક્તિ પણ નહિ. એક દિવસ નશાની હાલતમાં માતાએ રાત્રે રડતાં બે વર્ષના એ.જે.ને જમીન પર ફેંક્યો. બે વર્ષનુ કુમળુ બાળક બચી તો ગયું, પણ કમરના મણકા પર દબાવ આવ્યો અને એ.જે.નો ડાબો હાથ અને ડાબો પગ કામ કરતાં અટકી ગયા. મગજ પર અસર થઈ અને જ્ઞાનતંતુ પુરી રીતે કામ કરતાં અટકી ગયા. માતાને જેલ થઈ પણ એ.જે.ના પિતાએ સમજદારી દાખવી અને એ.જે.ની કસ્ટડી એમને મળી. એમણે પણ આ જવાબદારી ખુબ પ્રેમ અને નિષ્ઠાપુર્વક ઉપાડી લીધી.

    એ.જે જેવો ત્રણ વર્ષનો થયો એને દિવ્યાંગ બાળકોના ક્લાસમાં પ્રવેશ મળી ગયો. એ.જેના પિતા વ્હીલચેરમાં મુકવા આવતાં અને અમારી સાથે ખૂબ પ્રેમપૂર્વક એ.જે અને એની પ્રગતિ માટે શું કરી શકાય એ વિશ વાત કરતાં રહેતા.

    શાળાની દરેક પ્રવૃતિમાં હમેશ હાજર અને ખાસ તો અમારે બાળકોને પિકનિક પર લઈ જવાના હોય ત્યારે એ હમેશ એ.જે. સાથે આવતાં. એ.જે ની તબિયત થોડી ખરાબ હોય અને ફોન કરીએ તો પંદર મીનિટમાં એને લઈ જવા હાજર. પેરેન્ટ-ટીચર કોન્ફરન્સ હોય તો હાજર. ઊંચા પહોળા અને એમનુ વજન પણ વધારે. હમેશ નરમાશ અને વિવેકથી વાત કરે અને અને અમારો એટલો આભાર માને કે જાણે એ.જે. માટે અમે શું નુ શું કરી નાખ્યું હોય.

    એ.જેને પણ પિતાના જીન્સ મળ્યાં હતા. વ્હીલચેરમાં સતત રહેવાને કારણે એનુ પણ વજન વધારે અને ઉમરના પ્રમાણમાં ઊંચાઈ પણ સારી. આટલી શારીરિક તકલીફ હોવા છતાં એ.જે હમેશ હસતો અને ખુશમિજાજ બાળક હતો.

    એ.જેના જીવનનો અતિ ગમગીન દિવસ આજે પણ યાદ કરતાં શરીરના રુંવાડા ઊભા થઈ જાય છે.

    એ દિવસ, મારા અને મીસ સમન્થા માટે હૈયામાં ટીસ ઉત્પન કરનારો બની રહ્યો.

    પાંચ દિવસના થેંક્સ ગીવિંગ વેકેશન (અમેરિકામાં ઉજવાતો સર્વ પ્રત્યે આભાર પ્રગટ કરવાનો ઉત્સવ) પછી સ્કૂલે જવાનો જ કંટાળો આવતો હતો, પણ થોડા દિવસમાં નાતાલની બે અઠવાડિયાની રજા પડશે એ યાદ કરતાં હું  સ્કુલે પહોંચી. બાળકો પણ જાણે આળસી ગયા હોય તેમ ૭.૩૦ વાગ્યા સુધી કોઈ આવ્યું નહોતુ.

    એ.જે.ની મમ્મી જેલમાંથી છૂટ્યા પછી પોતાની ભૂલ સમજી હતી, ને થોડા વખતથી એ.જે.ના માતા પિતાના સંબંધમાં સુમેળ દેખાતો હતો. સાથે તો નહોતા રહેતા, પણ ક્યારેક શનિ-રવિ એ.જે મમ્મી પાસે રહેતો અને સોમવારે સવારે મમ્મી એને સ્કૂલમાં લઈ આવતી.

    એ દિવસે જ્યારે એ.જે. ની મમ્મી એને સ્કૂલમાં લઈને આવી, ત્યારે સ્કૂલ બસ પણ એ જ સમયે આવી એટલે હું બસમાંથી અમારા બાળકોને ઉતારવા ગઈ હતી. બાળકોને લઈને ક્લાસમાં આવતા મેં ડ્રાઈવરને કહ્યું પણ ખરૂં કે એ.જે. રજામાં એની મમ્મી પાસે રહ્યો લાગે છે એટલે આજે એ લઈને આવી.

    ક્લાસમાં બાળકોને લઈને આવતા મેં જોયું કે,  એ.જે.ની મમ્મીની આંખમાં ઝળઝળિયાં અને સમન્થા સ્તબ્ધ ઊભી હતી.

    એ.જે. ના પિતા રજા પડી એ જ દિવસે વહેલી સવારે ઊંઘમા જ અવસાન પામ્યા હતા. એ.જે. એના પિતા સાથે ઘરમા એકલો હતો. નસીબજોગે સવારે થેંક્સ ગીવીંગ માટે શું કરવું છે તે પૂછવા એ.જે.ની મમ્મીએ એ.જે.ના પિતાને ફોન કર્યો. વારંવાર ફોન કરવા છતાં જ્યારે સામેથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ગભરાઈ ને એણે એપાર્ટમેન્ટની ઓફીસમા ફોન કર્યો અને વિનંતી કરી કે મહેરબાની કરી દરવાજો ખોલી જૂવો કે બધું બરાબર છે કે નહિ?

    એ.જેના પિતાને હાર્ટની થોડી તકલીફ તો હતી જ. ઉંચા પહોળા, અને વજન પ્રમાણમાં વધારે. આ પણ એક કારણ હોઈ શકે કે એમને પોતાની તબિયતની ચિંતાને કારણે એ.જે.ની મમ્મી સાથે સંબંધ સુધારવા માંડ્યા હતા, જાણે કે એમને મનમાં ઉગી આવ્યું હતું કે કદાચ મારી આવરદા વધુ નથી.

    અપાર્ટમેન્ટની મેનેજરે પોલીસ બોલાવી એમની હાજરીમાં દરવાજો ખોલ્યો ત્યાં સુધીમાં ઘણી વાર થઈ ગઈ હતી. એ.જે.ના પિતા પલંગ પર મૃત અવસ્થામાં અને એ.જે.બાથરૂમના દરવાજા પાસે જમીન પર પડ્યો હતો.

    પિતાની બાજુમાં સુતેલો બાળક, શું બની ગયું એનાથી અજ્ઞાત, ક્યારે સરકી જમીન પર આવ્યો અને આટલા કલાકો શું વિત્યું એના પર એ તો ભગવાન જ જાણે!!!

    સોમવારે જ્યારે રજા પછી સ્કૂલ ખુલી એ દિવસની સવાર આ સમાચાર લઈ આવશે એની કોઈને ખબર નહોતી. સમન્થા અને હું આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતાં. એ.જેની મમ્મીના ચહેરા પર પસ્તાવાના આંસુ રેલાઈ રહ્યાં હતા.
    એ.જે.ના સ્મિતવદના ચહેરામાં ફક્ત એક જ ફેરફાર દેખાતો હતો. એ જે એની પાસે જે આવે,એનો હાથ સખત રીતે પકડી જાણે સુરક્ષિતા ને હુંફ માટે ફાંફા મારતો હોય એવું એવું લાગતું હતું. હમેશનો હસતો અને સહુને હાયને બાય કહેતો અણસમજુ એ.જે. શાંત બની ગયો હતો.

    અમે તો એ.જેને વધુ પ્રેમ સુરક્ષિતાની લાગણીથી હુંફ આપવાનો પ્રયાસ કર્યો જ હતો, પણ ઈશ્વર કૃપાએ એ.જેની મમ્મીમાં અમે ધરમૂળથી ફરક જોયો. એને પોતાની જવાબદારીનો અહેસાસ થયો. એ.જે પ્રત્યેની લાગણી, પ્રેમ અને એની દેખભાળ સારી રીતે કરવાની લગન અમે જોઈ શકતા હતા.

    એક નાદાની ભર્યું પગલું અને એના પરિણામે એક તંદુરસ્ત બાળકને અકારણ જીવનભરની સજા!!!

    એક જ આત્મસંતોષ અમને હતો કે એ.જેનુ ભવિષ્ય હવે સલામત હતું અને અમારા સહુના પ્રયત્ને એ વધુ વિકાસ પામી અમારી વિદાય લઈ મીડલ સ્કૂલમાં ગયો.

    આ દિવ્યાંગ બાળકોની વધુ માવજત અને પ્રેમ કરવાની શક્તિ મને મળતી રહે અને એમની ઉર્જા મારા જીવનને સફળ બનાવે એ જ પ્રભુને પ્રાર્થના!!


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in

    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • ઠાઠમાઠનો ઠઠારો

    ચેલેન્‍જ.edu

    રણછોડ શાહ

    હોત એ કંટક કે પથ્થર તો હટાવી દેત હું-
    મંઝિલે મારા જ સાથીઓ પહોંચવા દેતા નથી…
    હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત-
    શું કરું કે ઝાંઝવાઓએ ડુબાવ્યો છે મને!

    બરકત વિરાણી

    પ્રત્યેક રાષ્ટ્રને પોતાની પ્રકૃતિ અને સંસ્કૃતિ હોય છે. પ્રજાજનો સ્વભાવગત ગુણો અને અવગુણોથી ભરેલા હોય છે.

    વર્ષોથી ચાલી આવતી રૂઢિઓ અને પ્રણાલીઓ વારસામાં પ્રાપ્ત થાય છે. બાળક નાનપણમાં જે જૂએ કે અનુભવે તે તેના સ્વભાવનો અંતર્ગત ભાગ બને છે. વર્ષોથી ચાલી આવતી આ વ્યવસ્થામાં પરિવર્તન લાવતાં દાયકાઓ વીતી જાય છે.

    ભારતીય સંસ્કૃતિના પાયામાં કેટલીક બાબતો સાથે ‘દાન’  શબ્દ સંકળાઈ ગયો હતો. દિકરીના માતાપિતા ‘કન્યાદાન’ પ્રસંગે ગૌરવ અનુભવતા. સમગ્ર જીવન કન્યાદાન માટે સમર્પિત કરતા. તે જ રીતે વિવિધ સામાજિક સંસ્થાઓને આર્થિક સહયોગ કરી ‘દાન’  આપનાર સજ્જનો તે બાબતે સ્વાભિમાનની લાગણી અનુભવતા. આજે પણ અનેક ધાર્મિક સ્થળોએ પ્રવેશદ્વાર ઉપર ‘દાનપેટી’ મૂકવાનો રિવાજ મોજૂદ છે. લગભગ શિક્ષણ બાબતે પણ આવું જ હતું. સારસ્વતો ‘વિદ્યાદાન’  કરવામાં ગૌરવ, આનંદ અને ઊંડા સંતોષની લાગણીનો અનુભવ કરતા. આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં રાજાઓ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુના ઘરે જતા અને જ્ઞાનાન્વિત થઈ પોતાના જ્ઞાનાનુભવમાં વધારો કરતા. આ જ્ઞાનના બદલામાં બંને પક્ષે કોઈ અપેક્ષા નહોતી. આજથી ચાર-પાંચ દસકા પહેલાં પણ ખેડૂત સંતાનો શાકભાજી, ફળફળાદી અને અનાજ કયારેક તેમના ગુરુઓને ઘેર જઈ પ્રેમ અને આદરપૂર્વક આપવામાં લાગણીસહ આનંદ અનુભવતા. બંને પક્ષે કોઈ પણ અપેક્ષા વિના આપવા લેવાનો વ્યવહાર થતો. શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે માતાપિતાતુલ્ય બની તેમને શિક્ષણ-કેળવણી, સદગુણો, ચારિત્ર્ય, સ્વમાન, પ્રામાણિકતા, વફાદારી જેવાં મૂલ્યો શીખવતા. ત્યારે ગામનું મહાજન શાળાકીય અને ઉચ્ચ વિદ્યાકીય અભ્યાસની જવાબદારી માત્ર અને માત્ર કેળવણીના ફેલાવાર્થે સેવાભાવનાથી નિભાવતા.

    શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધતાં સરકારે શિક્ષણની સંસ્થાઓને અનુદાન આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર નિભાવ ગ્રાન્ટ આપવામાં આવતી. સમયાંતરે શૈક્ષણિક કર્મચારીઓની માગણીઓને તાબે થઈ સરકારે કર્મચારીઓના પગાર તથા અન્ય ભથ્થાં આપવાની જવાબદારી પણ સ્વીકારી. ત્યારના રાજ્યકર્તાઓ શિક્ષકોને ભયમુકત બની, સુરક્ષિતતા અનુભવી ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરશે તેવી અપેક્ષાએ નિર્ણયો કરતા. પરંતુ અપેક્ષા કરતાં વિપરીત બન્યું. સલામતી સ્વચ્છંદતામાં પરિવર્તિત થતી નજરે પડી. લગભગ તે સમયથી શિક્ષણનું વ્યવસાયીકરણ થવાને બદલે વેપારીકરણ થયું. વિદ્યાનું દાન નહીં પરંતુ વેચાણ શરૂ થયું.

    થોડીક નજર નજીકના ભૂતકાળ ઉપર કરવી પડે તેવી આજે સ્થિતિ છે. છેલ્લી અર્ધી સદીમાં વિશ્વમાં સમૃહવાદને બદલે વ્યકિતવાદનો મંત્ર કૂદકે ને ભૂસકે આગળ વઘ્યો. સૌ માત્ર ‘સ્વ’ના વિચારમાં જ જિંદગી જીવવા લાગ્યા. ‘સર્વ’ શબ્દ શબ્દકોશમાંથી પણ અદૃશ્ય થઈ ગયો. ‘મારું શું’ અને ‘મારે શું’ માં સમગ્ર સમાજ ખોવાઈ ગયો. કેટલીક વ્યકિતગત બાબતો માટે આ વિચારધારા સાચી હોઈ શકે પરંતુ જયાં સામૂહિક પ્રગતિ કે અધોગતિ સંકળાયેલી હોય ત્યાં વ્યકિેતવાદી વિચારધારા ચાલી શકે નહીં. માત્ર મારું ઘર સ્વચ્છ રાખું તેથી મારું ગામ સ્વચ્છ ન બની જાય. ગામને સ્વચ્છ રાખવા સામૂહિક પગલાં અનિવાર્ય છે. તેવું જ શિક્ષણ બાબતમાં છે.

    ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આર્થિક સંકડામણમાં જીવનારનું પ્રમાણ સુખી સંપન્ન પરિવારો કરતાં અનેકગણું વધારે છે. થોડાક ચોક્કસ લોકો જ શ્રીમંત બની ગયા. ધનાઢયોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી હોવા છતાં વિશ્વના મોટા ભાગના લોકો મર્યાદિત આર્થિક આવકમાં અથડાતા ફૂટાતા જીવનના દિવસો વ્યતીત કરી રહ્યા છે. ખરેખર તો ‘છે’ (Have) અને ‘નથી’ (Have not)ની વચ્ચે અગાઉના સમયમાં જેટલી મોટી ખાઈ-ખીણ નહોતી તેની કરતાં અનેકગણી મોટી ખાઈ આજે ઊભી થઈ ગઈ છે. ગરીબ વધુ ને વધુ ગરીબ બની રહ્યો હોવાની વાતને અર્થશાસ્ત્રીય આંકડાઓનો મજબૂત ટેકો પ્રાપ્ત થાય છે.

    છે ચારેકોર માનવ-સરજી નકરી મુશ્કિલાતો,
    પરંતુ કૈંક છે એજથી એ સૌ સહેવું ગમે છે!
    છે એક્કે એક કદમે મોત માર્ગમાં ઊભેલું,
    અને તોયે સદાય ચાલતા રહેવું ગમે છે!

    કરસનદાસ માણેક

    આધુનિકીકરણ (Modernisation)ના નામનું એક વાવાઝોડું સમાજમાં ફૂંકાઈ ગયું. સેવાભાવી પેઢીનો યુગ અદૃશ્ય થયો. વર્તમાન સામાજિક અને રાજકીય નેતાઓએ પ્રત્યેક બાબતને કિંમત (Price) સાથે જોડી વિચારવાનું શરૂ કરી દીધું. ‘વાપરે તે ભોગવે’ (Users should pay)નું ચિંતન અને આચરણ શરૂ થતાં શિક્ષણમાં તે વિચારધારાનો અમલ થવા માંડ્યો. ખાસ કરીને ભારતમાં ગામડાં તૂટવા માંડયા અને શહેરોનો વિકાસ થતાં ગ્રામ્યવસ્તી પણ શહેરીકરણના પ્રવાહમાં જોડાઈ ગઈ. સરકારે શિક્ષણની જવાબદારીમાંથી છટકબારીઓ શોધી કાઢી. સ્વનિર્ભર શેક્ષણિક સંસ્થાઓ  (Self finance educational institution) ને શિક્ષણનો છૂટો દોર આપવામાં આવ્યો. કેટલાક શિક્ષણપ્રેમી અને મૂલ્યો આધારિત જીવન જીવતા નાગરિકોએ આ વ્યવસ્થાનો સદ્‌ઉપયોગ કર્યો. પરંત મોટા ભાગનાએ ‘સ્વવિકાસ’માં તેનો ઉપયોગ કરતાં શિક્ષણનું બહુ મોટું ‘બજાર’ શરૂ થઈ ગયું. શિક્ષણ ‘વેપાર’માં પરિવર્તિત થઈ ગયું.

    કોઈ પણ કાર્યની શરૂઆત હંમેશા શુભ ઉદ્દેશો સાથે જ હોય છે. પ્રારંભમાં તેના નબળા પાસાં નજરે પડતા નથી. સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ બાબતે પણ તેવું જ બન્યું. ‘સ્વનિર્ભર’નું સારાપણું ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયું અને તેનું બીજું વરવું પાસું ઊભરી આવ્યું. શિક્ષણ સેવામાંથી ધંધામાં ફેરવાઈ ગયું. મૂડીવાદી લોકોને પોતાની મૂડી આ વ્યવસાયમાં સલામત અને વધુ નફો રળી આપનાર લાગતાં તેઓનો પગપેસારો થયો અને આજે તો ધનાઢયોએ આ ક્ષેત્રનો લગભગ સંપૂર્ણ કબજો લઈ લીધો છે.

    મૂડીવાદી માનસ વધુ ને વધુ ભેગું કરવાની વિચારધારા ઉપર જ આગળ વધે છે. તેમણે શિક્ષણ સાથે આધુનિકરણ (Modernisation) અને અદ્યતન સુવિધાઓ (Modern Facility)ને જોડી દીધી. શરૂઆત ભવ્ય મકાનોથી કરી. ઉત્તમ ટેકનોલોજીનો સમાવેશ કરી પશ્ચિમના શિક્ષણ સાથે સ્પર્ધામાં ઊતરવાની તૈયારી કરી દીધી. સાથે સાથે ‘ગુણવત્તા’ (Quality)  સભર શિક્ષણ’નો દાવો કર્યો. ગુણવત્તા અને સુવિધા બે શબ્દો ચલણી બન્યા. આ બંનેને કારણે સંસ્થાઓ કમરતોડ ફી લેવામાં ગૌરવ અનભવવા લાગી. વાલીઓનું માનસ પણ જે સંસ્થા વધુ ફી લે છે તે વધુ સારી હોવાનું સ્વીકારતું થઈ ગયું. અત્યંત થોડા ટકા ધનાઢયોને પોસાય તેવી સંસ્થાઓમાં મઘ્યમ અને ઓછી આવક ધરાવતો વર્ગ પણ ઘસડાવા માંડયો. વાલીઓ પેટે પાટા બાંધી, ઘરબાર – દાગીના વેચી આવી કેપિટાલીસ્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટે પડાપડી કરવા લાગ્યા. ધંધાદારી સંચાલકોને ફાવતું મળી ગયું. આ સંચાલકોએ શિક્ષણના ક્ષેત્રને અત્યંત ભ્રષ્ટાચારી બનાવી દીધું. સરકારે પણ તે તરફ આંખ આડા કાન કર્યા. કેટલીક સંસ્થાઓ તો રાજકારણીઓના ટેકાથી અથવા તેમના દ્વારા જ શરૂ થતાં વાડ ચીભડાં ગળવા માંડી.

    સરકારી બાબુઓ પોતાનાં પરિવારજનોને ઠેકાણે પાડવા રાજકીય નેતાઓને શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવામાં છૂટા હાથે મદદ કરવા લાગ્યા. લગભગ નજીવી કિંમતે જે સંસ્થાઓને જમીન તથા અન્ય સુવિધાઓ પ્રાપ્ત થઈ તેવી અનેક ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ લાખો રૂપિયાની ફી ઉઘરાવે છે. મેડીકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રે વિશાળ જગ્યાઓમાં આવા અનેક શૈક્ષણિક ઔદ્યોગિક સંકુલો (Educational  Industrial Complex) શરૂ થઈ ગયાં. સરકારની મદદ બાદ તૈયાર થયેલ શૈક્ષણિક સંકુલો અને ખાનગી વ્યકિતઓએ શરૂ કરેલ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ફી ઉધરાવવા બાબતમાં સ્પર્ધા થવા માંડી.

    કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સરકારની સહાયથી દેશ પરદેશમાં સુવિધા અને આધુનિકતાના નામે પોતાની વાહવાહ અને કીર્તિ આંતરરાષ્ટ્રીય કક્ષા (International level)ની ખ્યાતિપ્રાપ્ત હોવાની અફવા ફેલાવવામાં સફળ થયા. બસ પછી તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવામાં પાછા વળીને જોયું નથી.

    આજની શિક્ષણની પરિસ્થિતિ અત્યંત ગંભીર (critical) છે. શિક્ષણ આઈ.સી.યુ. (Intensive care unit)માં છે. તમામ સવલતોની વચ્ચે શિક્ષણ સિવાય તમામ વાતો શૈક્ષણિક સંસ્થાઓમાં થાય છે. શરીર છે, પરંતુ આત્માવિહીન છે. ઓકસીજનના ભરોસે અને ટેકાથી શિક્ષણનું હૃદય ધબકે છે. જો ધનરૂપી ઓકિસજન અદૃશ્ય થઈ જાય તો શિક્ષણને મૃત જાહેર કર્યા સિવાય મૃત્ય પામેલ અનુભવવા મળે તેવું સ્પષ્ટ ચિત્ર સૌને ખુલ્લી આંખે દેખાતું હોવા છતાં આંખો બંધ કરી સૌ ‘સબ સલામત’નાં બણગાં ફૂંકે છે.

    જો શિક્ષણને ધનના ઢગલામાંથી દૂર કરવાનું સરકાર અને નાગરિકો નહીં વિચારે તો શિક્ષણ વસ્તુ (Commodity) બની જશે. આજે લગભગ તેવી પરિસ્થિતિ તો બની જ ગઈ છે. પરંતુ હજુ થોડાક સાત્વિક અને સંવેદનશીલ કેળવણીના નિઃસ્વાર્થી હિતચિંતકો સમાજમાં ઉપલબ્ધ છે. તેમના જ્ઞાન, અનુભવ અને ડહાપણનો લાભ લઈ શિક્ષણને માત્ર અને માત્ર સેવાકીય પ્રવૃત્તિ કેવી રીતે બનાવી શકાય તેની તાતી અને તાત્કાલીક ચર્ચા થાય તે અત્યંત આવશ્યક છે. જે નિર્ણયો આવે તેનું અમલીકરણ કરવાની કટિબઘ્ધતા સરકાર અને પ્રજાજનોની હોય તે પણ અત્યંત જરૂરી છે.

    ભાવિપેઢી આપણને માફ ન કરવાની સ્થિતિએ પહોંચી જઈએ તે પહેલાં સવેળા યોગ્ય અને જરૂરી ઉપાયો લઈ શિક્ષણને માત્ર અને માત્ર શિક્ષણની દૃષ્ટિએ જોવાની શરૂઆત આજે જ નહીં, અત્યારથી જ કરીએ તેમાં આપણું શાણપણ અને ડહાપણ છે. શિક્ષણને ‘ઠાઠમાઠના ઠઠારા’માંથી તાકીદે બહાર લાવવાની આવશ્યકતા છે.

    આચમન:

    મૂકી છે દોટ બંનેએ, હવે જે થાય તે સાચું;
    જમાને ઝાંઝવારૂપે, અમે તરસ્યા હરણરૂપે.


    (શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


    (પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)

  • સોનાનાં ઈંડાં અને મરઘી બન્ને ગુમાવવાનો શાસનપ્રેરિત ઉદ્યમ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    રોજેરોજ સોનાનું એક ઈંડું આપનાર મરઘીની વાર્તા અતિ જાણીતી છે. આવી મરઘીને તેનો માલિક લાલચને વશ થઈને તેને મારી નાંખે છે. નથી તેને ઈંડાં મળતાં અને મરઘી પણ તે ગુમાવી બેસે છે. આ વાર્તા કાલ્પનિક નથી. આવી ઘટનાઓ હવે રોજિંદી બની રહી છે. આનો એક નમૂનો જોઈએ.

    ઉત્તરાખંડના નૈનિતાલમાં આવેલા સૂખાતાલ (તાલ એટલે સરોવર)માં છેલ્લા ઓગણીસ મહિનાથી સરકાર દ્વારા સૌંદર્યીકરણનું કામ ચાલી રહ્યું હતું. હવે જાહેર હિતની એક અરજીને પગલે વડી અદાલતે તેને આગામી સૂચના ન અપાય ત્યાં સુધી અટકાવવાની સૂચના આપી છે. કારણ એ કે તળાવનું સૌંદર્ય વધારવાના નામે તેનું તળિયું કોન્‍ક્રીટનું કરાઈ રહ્યું હોવાનું અદાલતને જાણવા મળ્યું.

    સૂખાતાલનો સ્રાવ વિસ્તાર ૨૩,૦૦૦ચો.કિ.મી.માં પ્રસરેલો છે, જે અતિ વિખ્યાત એવા, એકાદ કિ.મી.ના અંતરે આવેલા નૈની તાલ માટે મુખ્ય રિચાર્જ વિસ્તાર છે. તેનું મોટા ભાગનું પાણી નૈનીમાં વહી જવાને કારણે એ તળાવ વર્ષનો મોટો ભાગ સૂકાયેલું રહે છે. આથી તે ‘સૂખા’ તાલ તરીકે ઓળખાય છે. નૈનીમાં ભરઉનાળે પણ ભરપૂર પાણી રહે છે.

    ૨૦૨૧ના મે મહિનામાં ઉત્તરાખંડ સરકારે સૂખાતાલની સુંદરતા વધારવા માટેના સાડા પચીસ કરોડના એક પ્રકલ્પને મંજૂરી આપી. આ પ્રકલ્પ આઈ.આઈ.ટી, રુડકી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં તળાવ ફરતે લોખંડની રેલિંગ અને પગદંડી બનાવવાનો સમાવેશ થતો હતો. સ્વાભાવિક છે કે આ બધું ત્યારે જ શોભે જો તળાવમાં પાણી રહે, જે સામાન્ય સંજોગોમાં નૈનીમાં વહી જાય છે. આથી સૂખાતાલમાં પાણી ટકી રહે એ માટે તેના તળિયાને કોન્‍ક્રીટથી મઢવાનું નક્કી કરાયું. આમ કરવાથી તેમાં પાણી રહે ખરું, પણ જે પાણી જમીનમાં ઊતરતું હતું એ બંધ થઈ જાય. આને કારણે કદાચ પ્રવાસીઓના આકર્ષણમાં ઊમેરો અને તેના થકી આવકમાં વધારો થાય, પણ આ તળાવ સાથે સંકળાયેલી આખી જળપ્રણાલિનું અને તેને લઈને પર્યાવરણ પર થતી વિપરીત અસરનું શું? આ બાબતને લઈને પર્યાવરણવાદીઓએ વિરોધ કરવાનુ નક્કી કર્યું. સ્થાનિક કર્મશીલો અને નાગરિક સમુદાયના મળીને કુલ 104 લોકોએ સહી કરીને ઉત્તરાખંડ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિપીન સાંઘીને એક પત્ર મોકલ્યો. તેમાં વિકાસને નામે સૂખાતાલના થઈ રહેલા વિનાશ અંગે વિગતવાર જણાવવામાં આવ્યું હતું. સૂખાતાલના ‘અવૈજ્ઞાનિક અને વણજોઈતા’ વિકાસ અને તેના સૂચિત વિકાસ આયોજન બાબતે પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં એમ પણ જણાવાયું હતું કે સરોવરને તળિયે કોન્‍ક્રીટ કરવાથી નૈનીતાલની જૈવપ્રણાલિને પણ નુકસાન થશે, જેની અસર નૈનીતાલના નિવાસીઓની આજીવિકા પર પડી શકે છે.[૧]

    આ પત્રને આધારે, ૨૦૨૨ના માર્ચમાં વડી અદાલતે સુઓ મોટો અરજી દાખલ કરીને પત્રનું રૂપાંતર જાહેર હિતની અરજીમાં કરી દીધું અને કાર્તિકેય હરિ ગુપ્તાને વકીલ તરીકે નીમ્યા. એ પછી આઠેક મહિને, એટલે કે ૨૨ નવેમ્બરે વડી અદાલતે આ વિકાસકામ પર મનાઈહુકમ ફરમાવ્યો. આ કાર્યવાહીમાં ઓગણીસ મહિના વીતી ગયા પછી અત્યારે શી સ્થિતિ છે?

    આ સ્થળના ઈજનેર નવિન અગ્રવાલના જણાવ્યા અનુસાર તેઓ સારી ઝડપે કામ કરી રહ્યા હતા અને આગામી બેએક મહિનામાં આ સ્થળને જનતા માટે ખુલ્લું મૂકવાનું આયોજન હતું. તળિયાને કોન્‍ક્રીટનું કરવાનું કામ શરૂ થવામાં જ હતું અને વડી અદાલતનો મનાઈહુકમ આવ્યો. અહીં કામ કરતા અધિકારીઓના મતે ૮૦ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું હતું.

    સરકારે સરોવરના તળિયાને કોન્‍ક્રીટથી ભરવાનું કોઈ આયોજન હોવાનો ઈન્‍કાર કર્યો છે, અને જણાવ્યું છે કે તેઓ સરોવરના તળિયે ‘જિઓસિન્‍થીટીક ક્લે લાઈનર’ (જી.સી.એલ.) નો ઉપયોગ કરવાના હતા. જી.સી.એલ. સાવ ઓછી છિદ્રાળુતા ધરાવતું કૃત્રિમ રીતે વિકસાવાયેલું માધ્યમ છે.

    કુમાઉ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક ચારુ ચંદ્ર પંતે અગ્રણી અંગ્રેજી અખબાર ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ આખો વિસ્તાર જૈવપ્રણાલિની દૃષ્ટિએ સંવેદનશીલ છે અને તેની સાથે કોઈ ચેડાં કરવાં ન જોઈએ. સૂખાતાલ ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલું હોવાથી તે નૈની તાલ માટે રિચાર્જ ક્ષેત્રનું કામ કરે છે. પણ સૂખાતાલ મૌસમી હોવાથી વર્ષનો અમુક સમય તે ખાલી રહે છે અને તેથી લોકો તેમાં કચરો ફેંકવા લાગ્યા છે. કેટલાકે તેની ફરતે મકાન બાંધ્યા છે અને તેના સ્રાવ વિસ્તાર પર દબાણ કર્યું છે. અહીં મૂકાયેલા ત્રણ્ચાર પમ્પ રોજનું ત્રીસ લાખ લીટર પાણી ઉલેચે છે, જે નૈનીતાલની રોજની 80  લાખ લીટરની જરૂરિયાતનો મોટો હિસ્સો છે.

    આ અગાઉ 2014માં સેન્‍ટર ફોર ઈકોલોજી ડેવેલપમેન્‍ટ એન્ડ રિસર્ચના કાર્યપાલક નિદેશક ડૉ. વિશાલ સીંઘની આગેવાની હેઠળની એક સંશોધન ટુકડીએ જણાવ્યું હતું કે નૈનિતાલનું ભૂસ્તર અતિ નાજુક હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની સજાવટનું કામ સાવધાનીપૂર્વક કરવું જોઈએ. આ ટુકડીએ સૂખાતાલને નૈનિતાલ માટેના ‘અતિ મહત્ત્વના રિચાર્જ વિસ્તાર’ તરીકે ઓળખાવ્યો હતો. એ સમયે ડૉ. સીંઘે કહેલું કે સામાજિક અને પર્યાવરણીય દૃષ્ટિકોણથી જોઈએ તો અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી આ વિસ્તાર સાથે ચેડાં ન કરવાં. નૈનિતાલના જળસંતુલનને જાળવવામાં અને નૈનીતાલની વિશાળ જનસંખ્યાને પાણી પૂરું પાડવામાં સૂખાતાલની ભૂમિકા મહત્ત્વની હોવાથી તેના તળ સાથે ચેડાં કરવાનું કોઈ પણ સંજોગોમાં ટાળવું જોઈએ.

    પણ આવી બધી સૂચના કે ચેતવણીઓને ગણે કોણ? પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું કરવાની અને તેના થકી પ્રાપ્ત થનારી આવકની લ્હાયમાં એક આખા ભૌગોલિક વિસ્તારનું નિકંદન કાઢવા સુધી પહોંચી જવાની આ ઘટના પહેલી પણ નથી કે છેલ્લી પણ નહીં હોય!

    સોનાનાં ઈંડાં માટે આખેઆખી મરઘીને મારી નાંખવાની માણસની વૃત્તિ આજના યુગમાં વકરી છે એવી કદાચ ક્યારેય નહોતી વકરી!
    [૧]


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૧૨–૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કોઈનો લાડકવાયો (૧૪) કાન્હૂ અને સીધૂઃ ૧૮૫૫નો સંથાલ વિદ્રોહ

    દીપક ધોળકિયા

    ભારતના ઇતિહાસમાં સંથાલ આદિવાસીઓનો વિદ્રોહ ખાસ ઉલ્લેખને પાત્ર રહ્યો છે. આજે પણ સંથાલો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના મોટા ઇલાકાઓમાં વસે છે. ૧૭૯૩માં લૉર્ડ કૉર્નવૉલિસે જમીન મહેસૂલની કાયમી જમાબંધી પદ્ધતિ લાગુ કરી. આ સાથે જમીનની માલિકી સરકારના હાથમાં ચાલી ગઈ. પહેલાં આદિવાસીઓ જંગલને પોતાનું સમજીને એની પેદાશોનો ઉપયોગ કરતા હતા પરંતુ મહેસૂલ વધારવા માટે કંપની સરકારને નવી જમીનો જોઈતી હતી એટલે જંગલો કાપવાનું શરૂ થયું. સંથાલોને ભોળવીને બીરભૂમ જિલ્લામાં મોકલી દેવાયા. ત્યાં એ સીધા જ જમીનદારો અને શાહુકારોની ચુંગાલમાં સપડાયા અને સંથાલો પોલીસ દારોગાના જુલમોનો પણ શિકાર બનવા લાગ્યા. ૧૮૩૮માં સંથાલોના ગામ દામિની-કોહમાંથી માત્ર બે હજાર રૂપિયાની આવક થતી હતી, તે ૧૮૫૧માં વધીને ૪૪,૦૦૦ રૂપિયા થઈ અને બીજાં માત્ર ત્રણ વર્ષમાં ૬૮,૦૦૦ રૂપિયા સુધી પહોંચી.

    એક વાર બે ભાઈઓ કાન્હૂ અને સીધૂ પોતાની ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે એમણે કંઈક ચમત્કાર અનુભવ્યો. એમને ‘ઠાકુરજી’નાં દર્શન થયાં. તે પછી એમણે પોતાને પ્રદેશના રાજા જાહેર કર્યા અને સૌને બીજા કોઈની આણ ન માનવાનો આદેશ આપ્યો. ઠાકુરજીએ જ એમને રાજા બનાવ્યા હતા. સંથાલો ઠાકુરજીનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. આમાં જ બ્રિટિશ હકુમતને પડકાર હતો.

    ૧૮૫૫માં કલકત્તાની મૅસર્સ મૅકી ઍન્ડ કંપનીએ જ્યાં સંથાલોને એમનાં ગામો ખાલી કરીને વસાવ્યા હતા તે બીરભૂમમાં જ લોખંડનું કારખાનું ખોલ્યું. આ ઉપરાંત, કોલસાની ખાણોનું કામ શરૂ થયું અને ગળીનાં કારખાનાં પણ બન્યાં. એમણે મોટા પાયે જંગલો કાપવાનું શરૂ કર્યું. આમાં ઘણા યુરોપિયનો અને યુરેઝિયનોને નોકરી મળી. આ લોકોને મન સંથાલ જંગલી જાનવર હતા અને એમની સ્ત્રીઓ માત્ર વસ્તુ હતી.

    સંથાલો માટે ઝાડ એટલે એમના પૂર્વજોના આત્માઓનું ઘર. આત્માઓ ઝાડો અને પહાડોની ટોચ પર રહે. સંથાલોમાં ગોરાઓ સામે રોષ વધતો ગયો. બીજી બાજુ, શહેરી હિન્દુઓનો ધર્મ પણ એમની આસ્થા પર દબાણ કરતો હતો. એમણે ઘણાં હિન્દુ આસ્થાનાં પ્રતીકો સ્વીકાર્યાં બૈદ્યનાથ (ભગવાન શિવ)ના મેળામાં એમની આવવા માટે શહેરીઓ પ્રોત્સાહિત કરતા, પણ એ મેળામાં જતા ત્યારે એમને કોઈ સમોવડિયા ન માનતા. એમનો માત્ર નાચગાન અને મનોરંજન માટે ઉપયોગ થતો.

    આમ ચારે બાજુથી સંથાલો ભીંસમાં હતા. એવામાં છોટા નાગપુર પ્રદેશનાં ખનિજો અને લાકડાં સહેલાઈથી લઈ જવા માટે રેલવે લાઇનનું બાંધકામ શરૂ થયું. જે બાકી હતું તે પણ હવે પૂરું થયું. કુદરતને ખોળે મુક્ત જીવન જીવવા ટેવાયેલા સંથાલો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. એમણે હવે બદલો લેવાનું શરૂ કર્યું. અંગ્રેજોના યુનિફૉર્મધારી સૈનિકોને જંગલની લડાઈનો અનુભવ નહોતો.  સંથાલોનાં તીર રોજેરોજ સૈનિકોની લોથો ઢાળવા લાગ્યાં.

    એમનો પહેલો રોષ મહાજનો પર ઊતર્યો. એમણે શાહુકારો અને જમીનદારોનાં ઘરો પર હુમલા શરૂ કરી દીધા. માત્ર દામિની-કોહ નહીં આજુબાજુના પ્રદેશોના સંથાલોમાં પણ સંદેશ પહોંચવા લાગ્યો. એમના હુમલાઓ સામે ‘દિક્કુઓ’ (બંગાળી શહેરીઓ)એ સરકારમાં ફરિયાદો કરી. સંથાલોના સાથી જેવા માઝીઓના એક નેતા બીર સિંઘ માઝીને નાયબે કચેરીમાં બોલાવ્યો અને જોડાથી માર્યો. પોલીસે કાન્હૂ અને સીધૂને પણ પકડવાની કોશિશ કરી.

    આથી બળતામાં ઘી ઉમેરાયું. સંથાલો ઉશ્કેરાયા. ૩૦મી જૂને પૂનમ હતી તે દિવસે દસ હજાર સંથાલ ભગનડીહીમાં એકઠા થયા. એમણે કંપનીના સત્તાવાળાઓ અને જમીનદારોને પત્રો લખીને જાણ કરી કે ‘ઠાકુરજી’એ નક્કી કરેલા દરે જ મહેસૂલ આપશું. એમણે પંદર દિવસમાં જવાબ માગ્યો.

    ૧૮૫૫ની સાતમી જુલાઈએ બધા એકઠા થયા. લડવાનો પાકો સંકલ્પ કર્યો અને નીકળી પડ્યા. એમણે કેટલીયે સરકારી કચેરીઓ પર હુમલા કર્યા. અંતે સરકારે પોલીસ ટુકડીઓ મોકલી, રીતસરનું યુદ્ધ થયું. ૧૫-૨૦ હજાર સંથાલો મોતને ભેટ્યા.

    દેશ એટલે શું? ‘સભ્ય’ કહેવાતા ઇતિહાસકારો સંથાલોના વિદ્રોહને માત્ર જંગલ અને જમીન માટેનો વિદ્રોહ કહે છે. પરંતુ એ આ દેશ પર ઠોકી બેસાડાતી નવી આર્થિક વ્યવસ્થા સામેનો વિદ્રોહ હતો અને સંથાલો સમજી શક્યા કે આના ખરા અપરાધી કોણ હતા. એક દિવસના ધિંગાણામાં વીસ હજારનાં મરણ થાય એ ઇતિહાસની મોટી ઘટના છે. આદિવાસીઓનું આપણા પર ઋણ છે તેને માથે ચડાવીએ.

    0x0x0

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : ચિત્કાર અને ગણગણાટ | CRIES AND WHISPERS ( 1972 ) – VISKNINGAR OCH ROP

    ભગવાન થાવરાણી

    સત્યજીત રાયની ફિલ્મોના રસાસ્વાદનવાળી શ્રેણીના એક હપ્તામાં ફિલ્મ સર્જકો વિષયક એક પારિભાષિક શબ્દ AUTEUR ( ઓટર ) ની ચર્ચા કરેલી. AUTEUR એટલે એવા ફિલ્મ સર્જક જેનો પ્રભાવ પોતાની સમગ્ર ફિલ્મના દરેક પાસા પર હોય, એ હદ્દે કે આપણે એમને જ સમગ્ર કૃતિના સર્જક કહેવા પડે ! સત્યજીત રાય આ કક્ષાના સર્જક નિર્વિવાદપણે હતા જ, પરંતુ વિશ્વ-સિનેમાના આલ્ફ્રેડ હિચકોક, ફેડરિકો ફેલિની, જોહ્ન ફોર્ડ, સ્ટેનલી કુબ્રિક, અકીરા કુરોસાવા, યાસુજીરો ઓઝુ, માર્ટીન સ્કોર્સીસ, આંદ્રે તારકોવ્સ્કી, ફ્રાંસ્વા ત્રુફો અને જેમની ફિલ્મોની આજકાલ વાતો કરીએ છીએ એ ઈંગમાર બર્ગમેન આવા AUTEURS માં આવે. હિચકોકનું જાણીતું વિધાન છે કે ‘ મારી ફિલ્મમાં લંડનના કોઈક ધોળા દિવસે રસ્તે પસાર થતી પીળા રંગની મોટરકારનું દ્રષ્ય હોય તો એ રસ્તો, કારની એ બ્રાંડ, એ ઉજ્જવળ દિવસ અને કારનો એ પીળો રંગ મેં પસંદ કરેલો હોય છે ‘ ! 

    ઈંગમાર બર્ગમેનની બે ફિલ્મો WINTER LIGHT અને FANNY AND ALEXANDER ના નિર્માણ વિષે બનેલી આશરે બબ્બે કલાક લાંબી ફિલ્મો જોઈએ તો ખ્યાલ આવે કે ફિલ્મ સર્જનના દરેક પાસામાં બર્ગમેન લગભગ ગાંડપણની હદ્દે એકાકાર થયા હોય છે. નિર્દેશન તો ખરું જ, એમની મોટા ભાગની ફિલ્મોમાં પટકથા પણ એમની જ. સંગીત અને સિનેમાટોગ્રાફીમાં પણ ઓતપ્રોત. ક્યારેક તો એ વિભાગો સંભાળતા અન્ય કસબીઓને એ એમના કામમાં હસ્તક્ષેપ કરતા રોય એવું લાગે પરંતુ અંતિમ કૃતિ જોઈએ ત્યારે લાગે કે એ હસ્તક્ષેપ સાર્થક હતો !

    મહાન ફિલ્મ સર્જકોમાંથી બર્ગમેન જ એક એવા છે જેમની માટો ભાગની ફિલ્મો આત્મકથાત્મક અથવા એમણે જોયેલાં સ્વપ્નો પર આધારિત છે. આજે જે ફિલ્મની વાત કરવાના છીએ એ CRIES AND WHISPERS ( 1972 )[1] ના મૂળમાં પણ એમને અવારનવાર આવેલું એક સ્વપ્ન છે. સપનામાં સફેદ વસ્ત્રોમાં સુસજ્જ ચાર સ્ત્રીઓ એક રાતા કમરામાં એકબીજા સાથે ગુસપુસ કરતી દેખાયેલી. બચપણમાં એમની આત્માની કલ્પના પણ કાળા વસ્ત્રો પહેરેલ ચહેરાવિહીન મનુષ્ય જે ભીતરેથી લાલ હોય એવી હતી. વીસમી સદીના શરુઆતના વર્ષોમાં આકાર લેતી આ ફિલ્મની વાર્તામાં પણ ચાર સ્ત્રીઓ છે. ત્રણ સગી બહેનો અને ચોથી એમની નોકરાણી. ગર્ભાશયના કેંસરના અંતિમ તબક્કામાંથી પસાર થતી અને મક્કમ પગલે મૃત્યુ ભણી ધકેલાઈ રહેલી એગ્નેસ ( હેરિયટ એંડરસન ), એની બે બહેનો કારીન ( ઈંગ્રીડ થુલીન ) અને મારિયા ( લિવ ઉલમાન ) તેમજ એ ત્રણે બહેનોના ભવ્ય મહાલયમાં એમની સેવા કરતી નોકરાણી અન્ના ( કારી સિલ્વાન ). ફિલ્મના કેન્દ્રસ્થાને છે મૃત્યુ. ( ચાર સ્ત્રીઓની જ વાત કરતી આ શ્રુંખલાની જે પ્રથમ ફિલ્મ SO CLOSE TO LIFE આપણે વિસ્તારથી ચર્ચી એમાં જીવનની વાત હતી ! ) . બર્ગમેન કહે છે કે આ ચારેય સ્ત્રીઓના ચરિત્રાંકનમાં કોઈને કોઈ રીતે એમના પોતાના માતા કારીનનો અંશ છે. ફિલ્મ પૂર્ણત: સ્ત્રીપ્રઘાન છે. ( આપણે ચર્ચી ગયા એ AUTUMN SONATA અને PERSONAની જેમ ) . ફિલ્મમાં મૃત્યુ ઉપરાંત શ્રદ્ધા – અશ્રદ્ધા, સ્ત્રી માનસિકતા અને શારીરિક – માનસિક પીડામાંથી જીવનના અર્થની નિષ્પત્તિ, એ બધું પણ સાંકળી લેવાયું છે. બર્ગમેનની અને વિશ્વની શ્રેષ્ઠતમ ફિલ્મોમાં આ ફિલ્મનો શુમાર થાય છે. વળી આ ફિલ્મ નિર્વિવાદપણે એમની સૌથી વિષાદમય અને અંધારી ફિલ્મ છે.

    બર્ગમેનની આ પહેલાંની ફિલ્મોથી સાવ અલગ, આ ફિલ્મમાં સંતૃપ્ત લાલ રંગનો ઉપયોગ પશ્ચાદભૂ તરીકે કરવામાં આવ્યો છે. ફિલ્મની ગુણવત્તાનું એક પ્રમાણ એ કે ૧૯૭૨માં આ ફિલ્મને ઓસ્કર માટેની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે નામાંકિત કરવામાં આવેલી ( જે એક બિન-અમેરિકન ફિલ્મ માટે આજે પણ મોટું બહુમાન ગણાય છે ) ફિલ્મની સિનેમાટોગ્રાફી માટે સ્વેન નિકવીસ્ટ ઓસ્કર જીતેલા પણ ખરા. ફિલ્મના એક વિવાદાસ્પદ દ્રશ્યને તો સ્વીડીશ પોસ્ટલ વિભાગે પોસ્ટલ ટિકિટ ઉપર પણ દર્શાવીને સન્માનિત કરેલું. ( બર્ગમેનને ખુદને એ રીતે સન્માનિત કરવા તો સામાન્ય વાત થઈ !

    વર્તમાનમાં ચાલતી આ ફિલ્મ વારંવાર ફ્લેશબેકમાં જઈ ફિલ્મના ચારેય મુખ્ય ચરિત્રો – સ્ત્રીઓના જીવનના આંતરપ્રવાહો વર્ણવે છે જેથી એમના વર્તમાન વલણો અને મૂલ્યોની ભૂમિકા મુખર થાય. દરેક સ્ત્રીનો ભૂતકાળ છે જેના છેડા વર્તમાનને સ્પર્શે છે. ફિલ્મમાં થોડીક વાર માટે દેખા દેતી ત્રણે બહેનોની માનો રોલ પણ લિવ ઉલમાન ભજવે છે જ્યારે નોકરાણી અન્નાની બચપણમાં જ મૃત્યુ પામેલી દીકરી અને મારિયાના શૈશવની ભૂમિકા બર્ગમેનની બે દીકરીઓ ભજવે છે.

    એગ્નેસનું આવી રહેલું મૃત્યુ ફિલ્મમાં કેન્દ્રસ્થાને છે અને બર્ગમેને કુશળતાપૂર્વક ઘડિયાળોના ફરી રહેલા કાંટાઓ અને ઝૂલી રહેલા લોલકોના પ્રતીકનો ઉપયોગ મૃત્યુની પદચાપ દર્શાવવા કર્યો છે. ફિલ્મમાં લગભગ અધરસ્તે જ એગ્નેસનું મૃત્યુ થાય છે છતાં એ મૃત્યુનો ઓછાયો છેવટ લગી – અંતિમ અદ્ભુત દ્રશ્યને બાદ કરતાં – ફિલ્મ પર મંડરાયેલો રહે છે.

    સૌથી મોટી બહેન કારીન અને વચેટ મારિયા બન્ને પરણેલા છે પરંતુ એમનું લગ્નજીવન નિષ્ફળ છે. મરણાસન્ન એગ્નેસ અને અન્ના અપરિણીત છે. એગ્નેસના અંતિમ દિવસોમાં સાથે રહેવા અને ‘ સેવા ‘ કરવા બન્ને બહેનો પરિવાર છોડીને આવી છે પણ એમને પોતાની બહેનમાં કે એની તબિયતમાં કોઈ રસ નથી. એમને માત્ર દુનિયાદારી નિભાવવી છે. બચપણ સાથે વિતાવ્યું હોવા છતાં આ બન્ને બહેનો વચ્ચે આપસમાં પણ કોઈ સુમેળ કે સંવાદ નથી. બન્નેના દુખી લગ્નજીવનના ઓછાયા એમના પારસ્પરિક, બહેન એગ્નેસ અને નોકરાણી અન્ના પ્રત્યેના વર્તનમાં ડોકાય છે. અન્ના કુંવારી માતા બની નાનકડી દીકરીને બચપણમાં જ માંદગીથી ગુમાવી ચુકી છે. એ ધર્મિષ્ઠ અને આસ્થાવાન છે અને એને એગ્નેસ પ્રત્યે સાચો પ્રેમ છે.

    ભવ્ય મેન્શનમાં એગ્નેસનો કમરો અલગ છે અને બન્ને બહેનોના અલગ. બધા કમરાઓ લાલ જાજમોથી એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે જાણે શરીરના અલગ – અલગ આંતરિક અવયવો. કેંસરની વેદના ન જીરવાતાં જ્યારે એગ્નેસ ઘાયલ પશુ જેવા ચિત્કાર નાંખે છે ત્યારે અન્ના તુરંત દોડી એની વહારે જાય છે . એની પાછળ બન્ને બહેનો પણ પરંતુ જાણે શરમે – ધરમે.

    એગ્નેસની ખબર કાઢવા જરુર પડ્યે આવતો ડોક્ટર ડેવિડ ( અરલેંડ જોસેફસન – આપણે નીરખી ગયા એ SCENES FROM A MARRIAGE નો નાયક ) મારિયાનો પ્રેમી છે એટલું જ નહીં, સ્વયં એગ્નેસને પણ એના માટે છુપો પ્રેમ છે જે એના ક્રિયાકલાપ દ્વારા સ્પષ્ટ થાય છે. મારિયાના પતિને પત્નીના ડોક્ટર સાથેના સંબંધોની જાણ છે પણ એ પત્નીના આધિપત્ય અને એની પરપુરુષ-ભૂખ આગળ નિસહાય છે. ફિલ્મના એક આંચકાજનક ફ્લેશબેક દ્રષ્યમાં એ એના વિરોધમાં આપઘાતનો નિષ્ફળ પ્રયત્ન પણ કરે છે. એ પ્રસંગ વધુ આઘાતજનક એટલા માટે છે કે પતિની ચીસ સાંભળી બેડરૂમમાં દોડી આવતી મારિયા એની વહારે ધાવાને બદલે એને લોહી નીંગળતો સ્થિતપ્રજ્ઞતાથી જોઈ રહે છે !

    એગ્નેસને નાની વયે મૃત્યુ પામેલી એમની મા સતત યાદ આવ્યે રાખે છે. એને એ રંજ પણ પીડ્યા કરે છે કે મા એના કરતાં વચેટ બહેન મારિયાને વધુ ચાહતી. એગ્નેસ માને છે કે એની મા માયાળુ, આકર્ષક અને જીવંત હતી પણ એના માટે તો ટાઢી, અલિપ્ત અને ક્રૂર જ ! જોકે હવે આ તબક્કે એને માની એકલતા પણ સમજાય છે.

    ફિલ્મની કેંદ્રીય ઘટના એટલે એગ્નેસના મૃત્યુ પછી પણ એની હયાતી સાથે સંકળાયેલા પાત્રો અને એમની સાથે બનતી ઘટનાઓના નિરુપણ દ્વારા સર્જક એ વાત ભણી સંકેત કરે છે કે જે જીવે છે એમનું જીવન વળી ક્યાં ઓછું દુખદ છે અને કદાચ એમના મૃત્યુની ઘડી એગ્નેસ કરતાં પણ વધુ કારમી હશે ! એગ્નેસના મૃત્યુ પછીના એક યાદગાર દ્રષ્યમાં મારિયા મોટી બહેન કારીનને કહે છે કે તેમણે ભાગ્યે જ એકમેકને સ્પર્શ કર્યો છે અથવા સગી બહેનોને છાજે એવી અંતરંગ વાતો કરી છે. એ કારીનને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે અને કારીન ભારોભાર અણગમા પૂર્વક જાતને સંકોરી લે છે !

    મોટી બહેન કારીન ભૂતકાળમાં જઈ એક ભયાનક ઘટના યાદ કરે છે. એના પતિ ફ્રેડરીકને પોતાનાથી દૂર રાખવા – પોતાનો શારીરિક સંસર્ગ ન કરવા પ્રેરવા એ ઈરાદાપૂર્વક પોતાના ગુપ્તાંગોને કાચના ધારદાર ટુકડાથી ઈજા કરે છે. પછી ત્યાંથી વહેતું લોહી પોતાના મોઢે ચોપડી, પતિને દેખાડી ચુપચાપ એનો ઉપહાસ કરે છે ! જેથી પતિને એના કરતાં પણ વધુ ઈજા પહોંચે ! સિનેમાના ઈતિહાસના સૌથી ચોંકાવનારા, વિક્ષિપ્ત કરનારા દ્રષ્યોમાંનું એક છે આ દ્રષ્ય !  એ વખતના કારીન એટલે કે અભિનેત્રી ઈંગ્રીડ થુલીનના ચહેરાના ભાવ – જાણે એ ધ્રુસ્કે – ધ્રુસ્કે રડી પડવું રોકતી હોય અને એના ઠેકાણે વિજયી સ્મિત ઓઢતી હોય – એ આ અભિનેત્રીની પ્રતિભાનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે.

    ફિલ્મમાં નોકરાણી અન્નાને આવતા એક સ્વપ્નમાં, મૃત્યુ પામેલી પરંતુ હજી અંતિમ સંસ્કાર બાકી છે એવી એગ્નેસ જીવંત થાય છે અને કારીન અને મારિયાને બૂમો પાડી પોતાના કમરામાં બોલાવે છે. મહાપરાણે એગ્નેસ પાસે જઈ કારીન કહી દે છે કે તું તો મરી ગઈ, હું હજી જીવું છું અને મને તારામાં કોઈ રસ નથી. એ જ રીતે મારિયા પણ મૃત પરંતુ જીવંત થયેલી એગ્નેસને એમ કહીને ભાગી છૂટે છે કે હું બહેન ખાતર કંઈ પતિ અને બાળકોને છોડી ન દઉં ! માત્ર અન્ના જ એવી છે જે એગ્નેસની નજીક જાય છે, એગ્નેસનું માથું પોતાના ગોઠણે મુકી એને માની જેમ હિંચોળે છે. એ એક જ છે જે સ્પર્શનો – પ્રેમનો અર્થ જાણે છે અને એ એક જ છે જે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે ! અન્નાની પ્રકૃતિ અહીં પૂર્ણત: પ્રગટે છે.

    અન્ય એક પ્રસંગમાં પણ અન્નાનું ચરિત્રની સરળતા અને પારદર્શકતા સુપેરે ઉજાગર થાય છે. એ ઈસુની પ્રતિમા આગળ મીણબત્તી પેટાવી વિનંતી કરે છે કે પ્રભુ ! તમારી પાસે આવેલી મારી દીકરીનું ધ્યાન રાખજો, એને તમારો અનંત પ્રેમ આપજો. પછી તરત મીણબત્તી ઓલવી, નીચે તાસકમાં પડેલ સફરજન ઉઠાવી, એક બટકું ભરીને સફરજન મૂકી દે છે !

    એગ્નેસ હયાત અને પ્રમાણમાં પીડામુક્ત છે એવા ફિલ્મના એક દ્રષ્યમાં મારિયા પથારીમાં સૂતેલી એગ્નેસ આગળ ચાર્લ્સ ડિકંસની નવલકથા પિકવીક પેપર્સના એક પરિચ્છેદનું પઠન કરે છે. ફિલ્મના માત્ર બે શાતાદાયક દ્રષ્યોમાંનું એ એક છે. બાકી મહદંશે ફિલ્મમાં ઘરની લાલ દીવાલોમાંથી જાણે પીડા ઝરે છે જેને એ દીવાલો જ શોષી લે છે !

    ફિલ્મની મધ્યમાં આવતું એગ્નેસના મૃત્યુવાળું દ્રષ્ય હૃદયવિદારક છે. મૃત્યુનું એક – એક પગલું દર્શકને સંભળાય, ‘ એ આવી રહ્યું છે, આવે છે, હવે પહોંચ્યું, હવે એણે મૃતકને દબોચી લીધું ‘ એવું લાગ્યા કરે. એ ક્ષણે અન્ના અને બન્ને બહેનોની વિપરીત પ્રકૃતિ ફરી એકવાર સ્પષ્ટ થાય છે. એક બાજુ મરી રહેલી એગ્નેસને ખોળામાં લઈ અન્ના મૃત્યુને જાણે શક્ય તેટલું દૂર હડસેલવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગે તો બીજી બાજુ બન્ને બહેનો કોઈક ને કોઈક બહાને એગ્નેસથી – કહો કે મૃત્યુથી – આઘી ભાગે ! એગ્નેસની મરણચીસો ભલભલાને થથરાવી દે અને પીડાથી છૂટવા પોતાની જ છાતીમાં જે મુક્કા મારે એ જાણે આપણને જ વાગતા હોય એવું લાગે !

    એગ્નેસના અંતિમ સંસ્કાર પતી ગયા પછી બન્ને બહેનોના પતિ પોતાની પત્નીઓને લઈ જવા અને વિશાળ મહાલયનો વહીવટ આટોપવા આવે છે. ચારે વ્યવહારુ અને ઘમંડી લોકો અન્નાને બોલાવી, અેના માથે ઉપકાર કરતા હોય તેમ એને ટચુકડી રકમ આપે છે અને જાણે ‘ ચાલતી પકડવાનું ‘ કહે છે. એની પ્રિય એગ્નેસની યાદગીરીરુપે એની કોઈક વસ્તુ આપવાની ‘ ઉદાર ‘ દરખાસ્ત પણ કરે છે. ફિલ્મમાં એકમાત્ર વાર ઊંચા અવાજે બોલતી અન્ના એ સ્વીકારવાનો ઈંકાર કરે છે. પણ અન્નાએ કશુંક તફડાવ્યું તો છે જ. એ છે પુત્રીવત એગ્નેસની ડાયરી ! એ ડાયરીમાંની એગ્નેસની સ્મૃતિઓ એ ફિલ્મના માત્ર બે ખુશનુમા પ્રસંગોમાંનું બીજું અને ફિલ્મનું છેલ્લું ઉત્તમોત્તમ દ્રષ્ય.

    એ સમય જ્યારે એગ્નેસની પીડા બહુ તીવ્ર નહોતી . ત્રણે બહેનો અને અન્ના સફેદ વસ્ત્રોમાં, હરિયાળી લોનમાં, પ્રસન્ન મુદ્રામાં. ત્રણે બહેનો ખુશખુશાલ લોનમાં મોટા હીંચકે બેસે છે અને અન્ના એમને ઝૂલાવે છે. એગ્નેસ ડાયરીમાં લખે છે  ‘ આ જ સુખ છે. હું જેમને સૌથી વધુ ચાહું છું એ બધા મારી સંગે છે. હું એમને સાંભળી, સ્પર્શી શકું છું. આથી વધુ શું જોઈએ ! હું અંતરતમથી જિંદગીની ઋણી છું. એણે મને ખોબલે – ખોબલે આપ્યું છે. 

    ઔર જીનેકો ક્યા ચાહિયે ! આપણને ગુજરાતી કાવ્યપંક્તિઓ સાંભરે :

    આળપંપાળથી શું વધુ જોઈએ ?
    સારસંભાળથી શું વધુ જોઈએ ?

    એક પંખીને બસ ચહેકવા, ઝૂમવા
    લીલીછમ ડાળથી શું વધુ જોઈએ ?

    અન્ના – ફિલ્મની એકમાત્ર સરળ અને પારદર્શક સ્ત્રી – માટે આ જ સ્મૃતિભેટ છે. પીડા અને મૃત્યુની સાક્ષાત ઉપસ્થિતિ છતાં એગ્નેસનો આ કૃતજ્ઞતાભાવ આપણને ગદગદિત કરે છે.

    આ ફિલ્મ મૃત્યુ ઉપરાંત પ્રેમ, જાતિયતા, ઘૃણાની વાત કરે છે. બર્ગમેનની આ સિવાયની કોઈ પણ ફિલ્મની છાપ તમને આ ફિલ્મ માટે તૈયાર નહીં કરી શકે. આ ફિલ્મ પ્રજાળે પણ છે, વિક્ષિપ્ત કરે છે, ભયભીત કરે છે પરંતુ સાથે – સાથે મંત્રમુગ્ધ પણ કરે છે. આ માત્ર સ્ત્રીઓનું વિશ્વ છે, બર્ગમેનની અગાઉની SILENCE, PERSONA અને AUTUMN SONATA ની જેમ. એ સ્ત્રીઓ ઉપભોગના સાધન નથી. એ એવા પાત્રો છે જેમના થકી સર્જક પોતાના ભય, હતાશાઓ અને નિષ્ફળતાઓ વ્યક્ત કરે છે.

    આ ફિલ્મના પાત્રો પરસ્પર સંવાદ સાધી શકતા નથી, સાવ પ્રાથમિક તબક્કાના સંપર્ક સિવાય. જે વિશ્વને એ લોકો સાચવી કે સમજી શકતા નથી એમાં એ બધા મદદ માટે ચિત્કારી રહ્યા છે. એ લોકો એક મૌન વિશ્વ સાથે માથું ફોડે છે. અહીંનો ઈશ્વર લાપરવાહ છે. ફિલ્મની ચાર સ્ત્રીઓએ આવા વેરાન અને લાગણીશૂન્ય જગતનો સામનો કરવાનો છે. રસપ્રદ વાત એ કે બર્ગમેનના પુરુષ પાત્રો હમેશા સ્વાર્થી રહ્યા છે. બીજી બાજુ એમના સ્ત્રી પાત્રોની નિષ્ફળતાનું કારણ એમનું શરીર અને જાતિયતાથી ઉપર નીકળવાના એમના પ્રયાસો છે. એ સ્ત્રીઓ પોતાના શરીરની મર્યાદાઓના કારણે પોતાની શુષ્ક અને ખાલીખમ જિંદગીઓમાં સપડાઈને કરમાય છે. ( જેમ કે આ ફિલ્મમાં કારીનનું સ્વ-દમન, મારિયાની પુરુષ ભૂખ અને મરણાસન્ન એગ્નેસ સુદ્ધાંનું ડોક્ટરના સ્પર્શને ઝંખવું ! )

    એક સંગીત – વિવેચકે મોઝાર્ટના પિયાનો કોંસર્ટો નંબર 14 વિષે લખેલું કે એ CRIES AND WHISPERS જેવું લાગે છે. એ પરથી પ્રેરણા લઈ આ શીર્ષક રાખવામાં આવ્યું છે. એક અન્ય મંતવ્ય અનુસાર ફિલ્મનું આ શીર્ષક એ મૃત્યુ સમયે મનુષ્યના મોમાંથી નીકળતા ઉદ્દગારો છે.

    ફિલ્મની શરુઆતના જ દ્રષ્યમાં પથારીમાં પડેલી એગ્નેસ કંઈ કહે એ પહેલાં તો બર્ગમેનના કાયમી સિનેમાટોગ્રાફર સ્વેન નિકવીસ્ટનો કેમેરા એના ચહેરા, ફાટેલા હોઠ, સુક્કા મોં અને મહામુશ્કેલીએ પ્રવાહી નીચે ઉતારતા ગળા ઉપર ફરી વળે છે. આ અભિનેત્રી હેરિયટ એંડર્સનને વહેલા સુઈ જવાની ટેવ હોવા છતાં બર્ગમેન એને રાત્રિના મોડે સુધી જગાડતા જેથી ફિલ્મમાં એનો થાકેલો, માંદો ચહેરો વધુ વાસ્તવિક લાગે ! ફિલ્મમાં એના કરતાં વધુ અનુભવી અને સફળ અભિનેત્રીઓ લિવ ઉલમાન અને ઈંગ્રીડ થુલીન હોવા છતાં આ ફિલ્મ હેરિયટની છે. કોઈકે લખ્યું છે કે એનો અભિનય  એટલો શક્તિશાળી છે કે આપણે પ્રેક્ષક તરીકે હાજર રહીને એને અવરોધતા હોઈએ એવી લાગણી અનુભવીએ છીએ. મૃત્યુને ઝંખવું અને મૃત્યુથી ડરવું એ બન્ને ભાવ એણે અદ્ભુત રીતે પ્રગટાવ્યા છે.

    મૃત્યુ એક એવો વિષય છે જે ભણી બર્ગમેન વારંવાર પાછા ફર્યા છે. જાણે કોઈ માણસ પોતાના દૂખતા દાંતને વારંવાર જીભથી ખોતરતો હોય ! મૃત્યુની પ્રક્રિયા જીવનનો અંતિમ તબક્કો છે અને સૌથી પીડાદાયક ! મોટા ભાગના કિસ્સામાં મૃત્યુ ધીમે ધીમે થાય છે, બહુ ઓછા કિસ્સામાં સાવ અણધાર્યું ને અચાનક ! એ અંતિમ દિવસોમાં મરનારને ક્યારેક અદ્ભુત દિવ્યતાના દર્શન થાય એવું ય બને. બર્ગમેને કહ્યું છે કે CRIES AND WHISPERS અને PERSONA એવી ફિલ્મો છે તેમાં હું પૂર્ણપણે સ્વતંત્રતાથી કામ કરી શકેલો. આ બન્ને ફિલ્મોમાં હું એવા શબ્દાતીત રહસ્યોને સ્પર્શી શકેલો જે સિનેમામાં જ ઉઘાડી શકાય. મારી બધી ફિલ્મોને બ્લેક એંડ વ્હાઈટ નજરે જોઈ શકાય, CRIES AND WHISPERS સિવાય !

    બર્ગમેન સંશયવાદી હતા. એમની ફિલ્મોમાંથી અનુમાન લગાવી શકાય કે એમને એ લોકોની ઈર્ષ્યા છે જેમની શ્રદ્ધા એમને એવું માનવા પ્રેરે છે કે ‘ સામે પારનું જીવન પણ સુંદર છે ‘. અનિશ્ચિતતામાં ઘૂમરાવા કરતાં એ બેહતર પણ છે. આ ફિલ્મનું સૌથી પ્રેમાળ અને પ્રશાંત ચરિત્ર અન્ના પણ શ્રદ્ધાળુ છે, નાનકડી પુત્રીને બચપણમાં ગુમાવ્યા છતાં એ વિનમ્ર અને સ્વીકારભાવવાળી છે.

    વૂડી એલનની ફિલ્મો INTERIORS ( 1978 ) અને HANNAH AND HER SISTERS ( 1983 ) ઉપર આ ફિલ્મની ઘેરી અસર છે તો MARGARETHE VON TROTTA ની ફિલ્મ – ત્રયી THE BALANCE OF HAPPINESS, MARIANNA AND JULIANNE અને LOVE AND FEAR માં પણ આ ફિલ્મના ઓછાયા ! 1955 ની CARL THEODORE ની ફિલ્મ ORDET ના પડઘા આ ફિલ્મમાં સંભળાય છે. મહાન ફિલ્મ સર્જક ફ્રાંસ્વા ત્રુફો આ ફિલ્મ માટે કહે છે કે એનો આરંભ મહાન લેખક એંતોન ચેખવની વાર્તા THREE SISTERS જેવો છે અને અંત એમના જ નાટક THE CHERRY ORCHARD જેવો !

    ફિલ્મમાં સંગીતકાર ફ્રેડરીક ચોપીનની એક તરજ વાગ્યા કરે છે. યોહાન બાક ની સંગીત રચનાઓ પણ નેપથ્યે રણઝણે છે.

    ફિલ્મનો અંત એક રીતે બર્ગમેનની ફિલ્મ WILD STRAWBERRIES ના અંત સાથે સામ્ય ધરાવે છે. એ અંત ભૂતકાળ તરફ આંગળી ચીંધી કહે છે કે આપણું સ્વર્ગીય અસ્તિત્વ બાળપણના એ ખંડમાં છે જે આપણે છેક વીસરી બેસીએ છીએ. એગ્નેસની ડાયરીના ફિલ્મના અંતિમ શબ્દો છે  ‘ હા, ભૂતકાળ અને વર્તમાન પીડાદાયક હોય પરંતુ આપણા જખમોને આપણે આપણા ભવિષ્યનું નિર્માણ કરવા ન દઈ શકીએ. આપણે અવાજ ખોલવો પડે, વ્યક્ત થવું પડે, અન્યથા ગણગણાટમાં જ આખું જીવન વ્યતીત કરવું પડે. ‘

    આ ફિલ્મ એવા દરેક રસિકે અનુભવવી જોઈએ જેને જીવન અને પ્રેમને જોડતા સેતુમાં રસ છે. એ ત્યારે જોવાય જ્યારે તમારું મન અને આત્મા પ્રહારો ખમવા તૈયાર હોય. પોતાના મનનો આ અગોચર ખૂણો છતો કર્યા પછી બર્ગમેન આપણને આસાનીથી છોડી દેવા માંગતા નથી કારણકે આ ફિલ્મ જોવી એટલે માનવીય લાગણીઓના અંતિમોને સ્પર્શવા..

    [1]

    https://youtu.be/Mu0C1eQEon8


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • (૧૧૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૦ (આંશિક ભાગ –૪)

    હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ

    (શેર ૬ થી ૮)થી આગળ

    (શેર ૯ થી ૧૧)

    આએ હૈ બેકસી-એ-ઇશ્ક઼ પે રોના ‘ગ઼ાલિબ‘
    કિસ કે ઘર જાએગા સૈલાબ-એ-બલા મેરે બા
    ‘દ (૯)

    [બેકસી= એકલતા, અસહાયતા; સૈલાબ= પૂર; બલા= આફત; સૈલાબ-એ-બલા= આફતનું પૂર (સંક્રમણ)]

    રસદર્શન :

    અહીં આપણને ગ઼ાલિબનો એક વધુ રસપ્રદ મક્તા શેર મળે છે અલંકારશાસ્ત્રના વિપ્રલંભ શૃંગાર રસનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે માશૂક માશૂકાના ઇશ્કને ગુમાવી બેસે છે, ત્યારે તે એવી એકલતા અનુભવે છે કે તે એકલા એકલા એવા તો રડી પડતા હોય છે કે તેમના રૂદન ઉપર કાબૂ મેળવી શકાતો નથી. માશૂક માટે તેમની આ ગમગીની એક આફત બની રહે છે. માશૂકાના સાન્નિધ્યમાં જે લુત્ફ મળતો હતો તે છીનવાઈ જતાં દિલને જે વેદના થાય છે તેને આફત જ ગણવી રહી. બીજા મિસરામાં આ આફતની માત્રા માટે સૈલાબ (પૂર) શબ્દ પ્રયોજાયો છે; જેનાથી સમજાય છે કે જેમ કોઈ મહાનદીમાં ઓચિતું પૂર આવી ચઢે તો સર્વત્ર જળબંબાકાર છવાઈ જઈને સઘળું તહસનહસ થઈ જાય, તેમ કપરા વિયોગથી માશૂકની દુનિયા લુંટાઈ જાય છે. અહીં માશૂકની એકલતા માટે કારણભૂત છે માશૂકાનો વિયોગ અને એ વિયોગ એવો તો અસહ્ય છે કે માશૂક તેને જીરવી શકવા અસમર્થ હોઈ તે જીવિત નહિ જ રહી શકે. આમ માશૂક કહે છે કે વિયોગનો આ સૈલાબ તેમના મૃત્યુ પછી તેમના જેવા અન્ય પ્રેમીઓમાંથી કોના ઘરે જશે, અર્થાત્ તેમના જેવા એવા અન્ય કોઈક કમભાગીને પણ આવી મહા આફતનો ભોગ બનવું પડશે. વિયોગની આવી વિકરાળ આફત તો કોઈકનો અને કોઈકનો ભોગ લેવા માટે હંમેશાં તત્પર જ હોય છે અને તેથી જ કોઈ વિરહી પ્રેમીઓ જીવલેણ એવી આવી આફતથી બચી શકશે નહિ.

    શેરના બીજા મિસરાના અર્થઘટનના એક પર્યાય મુજબ માશૂક માને છે કે માશૂકાના વિયોગની આફત તેમના માટે એવી તો ભયાનક નીવડી છે કે એ આફતને તેમના મૃત્યુ પછી બીજા કોઈના ઘરે જવાની જરૂર રહેશે નહિ, કેમ કે એ આફતને એકલા માશૂકને જ પરેશાન કરવામાં પરિતૃપ્તિ થઈ ગઈ  હશે.

    * * *

    પૂરક શેર :-

    થી નિગહ મેરી નિહાઁ-ખ઼ાના-એ-દિલ કી નક઼્ક઼ાબ
    બે-ખ઼તર જીતે હૈં અરબાબ-એ-રિયા મેરે બા‘દ (૧૦)

    [નિહાઁ= ગુપ્ત; નિહાઁ-ખ઼ાના-એ-દિલ= હૃદયનો ગુપ્ત ખૂણો (ભાગ); નક઼્ક઼ાબ= ઓઝલ, પડદો; બે-ખ઼તર= નિર્ભય; અરબાબ= માલિક, ઠેકેદાર; રિયા= છળકપટ, પાખંડ, દેખાડો]

     

    રસદર્શન :

    આ શેરના ઉલા મિસરામાં આપણને ગ઼ાલિબની ‘જરા હટકે’ કલ્પનાનાં દર્શન થાય છે. માશૂક તેમની માશૂકા પરત્વેની મહોબ્બતનો કોઈ જાહેરી દેખાડો નથી કરતા, પણ તેને પોતાના દિલના એક ગુપ્ત ખાનામાં સંતાડી રાખી છે. વળી એટલું જ નહિ તે ગુપ્ત ખાનાને તેમણે પડદાથી ઢાંકી પણ દીધું છે અને તેની તરફ તેમની માત્ર નજર જ મંડાયેલી રહે છે. દુશ્મનોથી પોતાના ઇશ્કને સલામતી બક્ષવા માશૂક કેટલી બધી સાવધાનીઓ વર્તે છે અને છતાંય તેમને અહર્નિશ ડર તો રહ્યા જ કરે છે કે રખે ને કદાચ એ ઈશ્ક જાહેર ન થઈ જાય! આમ આ મિસરામાં માશૂકની માનસિક હાલત ભયભીત છે, જેના વિરોધાભાસમાં બીજા મિસરામાં આપણને તેમના જાની દુશ્મનોની નિર્ભયતા જાણવા મળે છે.

    બીજા સાની મિસરામાં પહેલા મિસરામાંના માશૂકના ભયની વિરુદ્ધ છળકપટ કરનારા અને દ્વેષીલા ખલનાયકોની નિર્ભયતા દર્શાવાઈ છે. માશૂક કહે છે કે એ પાંખંડીઓ તેમના મૃત્યુ બાદ નિર્ભયતાથી જીવ્યે જશે. આ ખલનાયકોને છળકપટના ઠેકેદારો (માલિકો) ગણાવાયા છે, જેનો મતલબ એ છે કે છળકપટ કરવું એ તેમનો ઈજારો છે અને તેમની આ દુષ્ટતાના મુકાબલામાં કોઈ આવી શકે નહિ. વળી આ દુશ્મનોને માશૂક પરત્વેની દુશ્મનાવટને જાળવી રાખવા તેમના અવસાનથી એવું તો મોકળું મેદાન મળી રહેશે કે તેઓ તેમની નીચ હરકતો કોઈપણ જાતની  રોકટોક વગર નિર્ભયપણે ચાલુ જ રાખશે.

                                                * * *

    થા મૈં ગુલદસ્તા-એ-અહબાબ કી બંદિશ કી ગિયાહ
    મુતફ઼ર્રિક઼ હુએ મેરે રુફ઼ક઼ા મેરે બા
    ‘દ (૧૧)

    [ગુલદસ્તા= ફૂલોનો ગોટો, (અહીં) મિત્રોની ટોળી, મહેફિલ; હબીબ (અરબી)= મિત્ર; અહબાબ (બ.વ.)= મિત્રો; બંદિશ= પ્રતિબંધ, રુકાવટ, ષડયંત્ર, પેંતરો, (અહીં) બંધન; ગિયાહ (ફા.)= ઘાસ; મુતફ઼ર્રિક઼= વેરવિખેર, જુદા પડી જવું; રફ઼ીક઼= મિત્ર; રુફ઼ક઼ા (‘રફ઼ીક઼’નું બ.વ.)= સાથીઓ, મિત્રો]

    રસદર્શન :

    ‘મેરે બા’દ’ રદીફને અગાઉના શેર જેટલો જ ન્યાય આપતો આ ગ઼ઝલનો આખરી શેર મિત્રાચારીને ઉજાગર કરે છે. ગ઼ાલિબ હંમેશાં મિત્રો વચ્ચે ઘેરાયેલા જ રહેતા અને શેર-ઓ-શાયરીની મહેફિલ જામતી. તેઓ પોતાનો કોઈ નવીન શેર મિત્રો સમક્ષ મૂકતા અને તેમની દાદ મેળવતા. પહેલા મિસરામાં ગ઼ાલિબ મિત્રો સાથેની એ મહેફિલોની મધુર યાદોને વાગોળતાં જણાવે છે કે મારી હયાતી દરમિયાન જેમ જમીન ઉપર ઉગેલા ઘાસના તંતુઓ એકબીજા સાથે જોડાયેલા રહીને રમણીય લીલી ચાદર સમા બની રહે તેમ હું મિત્રો વચ્ચે દાંડીઓ સાથેનાં ફૂલોનો ગલગોટો બની રહેતો હતો.

    બીજા મિસરામાં  ગ઼ાલિબ પોતે હયાત નહિ હોય તેવા સમયની કલ્પના કરતાં જણાવે છે કે એ ટાણે અમારો મિત્રોરૂપી ફૂલોનો ગોટો વેરવિખેર થઈ ગયો હશે. અહીં ઇંગિત અર્થ એ સમજાય છે મિત્રોને જોડી રાખવાની મુખ્ય ભૂમિકા ગ઼ાલિબ જ નિભાવતા હતા. તેમના અવસાન બાદ બાકીના મિત્રોને ગ઼ાલિબની હાજરી વગરની મહેફિલ શુષ્ક અને ગમગીન લાગતી હોઈ હવે તેઓ એકત્ર થતા નથી.

    (સંપૂર્ણ)

     

    નોંધ :-

    ગ઼ઝલના સમાપને નીચે હું મીર તકી મીરની ‘મેરે બાદ’ રદીફવાળી આખી ગ઼ઝલ અભ્યાસુઓની ઉત્સુકતાને સંતોષવા માટે આપું છું.

    આ કે સજ્જાદા-નશીં ક઼ૈસ હુઆ મેરે બાદ
    ન રહી દશ્ત મેં ખ઼ાલી કોઈ જા મેરે બાદ (૧)

    ચાક કરના હૈ ઇસી ગ઼મ સે ગિરેબાન-એ-કફ઼ન
    કૌન ખોલેગા તેરે બંદ-એ-ક઼બા મેરે બાદ (૨)

    વો હવા-ખાહ-એ-ચમન હૂઁ કી ચમન મેં હર સુબ્હ
    પહલે મૈં જાતા થા ઔર બાદ-એ-સબા મેરે બાદ (૩)

    તેજ઼ રખના સર-એ-હર ખ઼ાર કો ઐ દશ્ત-એ-જૂનૂન
    શાયદ આ જાયે કોઈ આબ્લા-પા મેરે બાદ (૪)

    મુઁહ પે રખ દામન-એ-ગુલ રોએંગે મુર્ગાન-એ-ચમન
    હર રવિશ ખ઼ાક ઉડાએગી સબા મેરે બાદ (૫)

    બાદ મરને કે મેરી કબ્ર પે આયા વો મીર
    યાદ આઈ મેરે ઈસા કો દવા મેરે બાદ (૬)

       

    * * *

    – મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)     

    – વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

    (ગ઼ઝલ ક્રમાંક –58)

    * * *

    ઋણસ્વીકાર:

    (૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

    (૨) http://www.youtube.com વેબસાઇટનો…

    (૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

    (૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

    (૫) Courtesy : https://rekhta.org

    (૬) Courtesy –  urduwallahs.wordpress.com

    (૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

    (૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

     

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

    ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577

     

    નેટજગતનું સરનામુઃ

    William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે    

     

     

  • રોટલીના લોટમાં

    યામિની વ્યાસ 

    પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
    જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

    જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
    વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

    આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
    યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

    એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
    આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

    લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
    રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

    ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
    હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

    હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
    ‘
    રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

    આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
    સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

    આસ્વાદ

     ઇલિયાસ શેખ

    સૂરતના કવિયત્રી યામિનીબેન વ્યાસની આ ગઝલ આજે ફેસબુક પર વાંચી, તો પહેલાં તો મનમાં થયું, કોમેન્ટરૂપે “વાહ” લખીને, લાઇક કરીને આગળ વધી જઉં. પણ, મારે તો એવું છે ને કે, મન કહે એથી કાયમ ઉલ્ટું જ હું કરું ! કેમ કે, હું મનમોજી નહીં પણ દિલખુશ માણસ છું.! એટલે બહુધા હું દિલનો દોર્યો જ ચાલુ, એટલે આ ગઝલને ત્યારે મારાં lappyમાં લીંપી લીધી ‘ને હવે અત્યારે આ આસ્વાદ લખવા બેઠો છું.

     યામિનીબેન વ્યાસનો મારો પ્રથમ પરિચય એટલે એ મારાં લેખક–અનુવાદક અને કટારલેખક મિત્ર પરેશ વ્યાસના સગા બેન થાય, એ નાતો, પણ યામિનીબેનનો યાદગાર પરિચય તો ગત અસ્મિતાપર્વ–18માં કાવ્યાયનની બેઠકમાં, ભરબપોરે, સાત સુંદર કવિયિત્રીઓનું સપ્તરંગી મેઘધનુષ જે ખીલ્યું હતું, એ મેઘધનુષમાંના એક રંગ લિસોટા એટલે યામિનીબેન. અસ્મિતાપર્વ-18ની કાવ્યાયનની એ બેઠક આંખોથી નિહાળવી અને કાનથી સાંભળવી ગમે એવી અન્નન્ય બેઠક હતી.!

    આ ગઝલ અને આ અગાઉ પણ અનેક કાવ્યોમાં સર્જક સ્વયં જ્યારે માદા હોય, ત્યારે જે નારીભાવ સંવેદન અભિવ્યક્ત થાય છે, એવાં નારીભાવોનું પ્રકટીકરણ કદી નર સર્જક દ્વારા નથી થઇ શક્યું. કવિઓ દ્વારા નારીભાવોને વ્યક્ત કરતા અનેક ગીતો આપણને ગુજરાતી કવિતામાં મળે, પણ જે ભાવો એક સર્જક તરીકે નારી પોતે જ રજુ કરે, એ મને વધારે ઊર્મિસભર અને અધિકૃત લાગ્યા છે. કેમ કે, એક નારીના કેટલાંક સંવેદનો એના પોતીકા હોય છે. કેટલાંક ઇલાકા મા કા ઇલાકા હોય છે. આ ગઝલમાં પણ “રોટલીના લોટમાં” એવાં નવ્ય રદીફ સાથે કવિયિત્રી એના ભાવપ્રદેશને અને જીવનબોધને આઠ શેરો દ્વારા આપણી સમક્ષ ખુલ્લો મૂકી દે છે. રોટલીના લોટનું પ્રત્યેક શેરમાં અલગ-અલગ રૂપક આ ગઝલનું ઉદ્દીપક બની રહે છે. એટલે એ અર્થમાં આ ગઝલને મુસલસલ ગઝલ કહી શકાય.

    જો કે, આ ગઝલમાં આઠને બદલે નવ અથવા તો આઠને બદલે સાત શેર હોત તો આ ગઝલને મુક્કમ્મલ ગઝલ પણ કહી શકાઇ હોત. ખૈર, આ તો ગઝલના છંદશાસ્ત્રનો મુદ્દો છે. પણ ઊર્મિ અને ભાવનો મુદ્દો તો શાસ્ત્રથી જુદો છે. શાસ્ત્રની સીમારેખા જ્યાં થંભે છે, ત્યાંથી જ તો ભાવનો પ્રદેશ આરંભાય છે. તો ચાલો ગઝલના એક પછી એક શેરને તપાસીએ.

    પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
    જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

    મત્લાના શેરના પહેલા મિસરામાં જ નારીના ભાવોનું સર્જનાત્મક પ્રકટીકરણ જોવા મળે છે. અહીં “પરખાવી દીધી” શબ્દો મહત્વના છે. એક કુશળ કસબી તસ્બીહ ફેરવતા-ફેરવતા આપણને રોશન-નૂરના દર્શન કરાવી દે, એવી વાત અહીં સરળ શબ્દોમાં કરવામાં આવી છે. “પરખાવી દીધી” એટલે કે “જેની મને ઓલરેડી પરખ છે, એ પરખને અન્ય કોઇને બોધ કરાવવાની, પરખાવવાની અહીં વાત છે. “પારખવા” માટે સમજણ જોઈએ, પણ “પરખાવવા” માટે તો કૌશલ્ય જોઈએ. જે અહીં સફળતાપૂર્વક વ્યક્ત થયેલું જોવા મળે છે. પરખાવવાની આ બિના પણ કોઇ નાની સુની નથી. અહીં તો પ્રીત પરખાવી દીધાની વાત છે. આ સૌથી કઠીન કામ છે. કોઇને પ્રેમ કરવો એકદમ સરળ છે. પણ એને પણ પ્રેમ કરતો કરી દેવો એકદમ કઠીન છે. ત્યારે પ્રથમ મિસરામાં જ “પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં” એમ બોલીને નાયિકા અહીં પોતાના પ્રેમસભર હાથોનો સ્પર્શ પામીને તૈયાર થઇ રહેલો રોટલીનો લોટ, નાયકને યાર અને પ્યાર બનાવી મુકે છે, એ સુપેરે રજુ થાય છે. પણ પ્રીત પરખાવવાની આ મથામણમાં નાયિકા કેટલું સહન કરે છે? એનો ક્યાસ આપણને શેરના બીજા મિસરામાં મળે છે. “જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં.” અહીં લોટના પ્રતીક દ્વારા નાયિકા, પોતે રોટલીનો લોટ ગુંદવામાં કેટલી ઓતપ્રોત બની ગઇ છે, એની વાત છે. એક-એક રોટલી વણતી વખતે રોટલી ઉપર જે લોટ ભભરાવવામાં આવે છે, એ અહીં લોટ ન રહેતાં સ્વયં નાયિકા બની જાય છે. આખી જાત, આયખું, સમગ્ર અસ્તિત્વને પ્રેમની ચક્કીમાં પીસી-પીસીને લોટ બનાવી નાખીને, જ્યારે રોટલી બનાવવામાં આવે ત્યારે ખરાં અર્થમાં પ્રીતની સ્વયંને પરખ અને પ્રીતને, પ્રિયને પરખાવી શકાય છે. અહીં પ્રેમના માર્ગે જો ઓચિંતું અંધારું થાય તો હાથ સળગાવીને અજવાળું કરવાની તૈયારી રાખવી પડે એની વાત છે.

    જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
    વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલના આ પ્રથમ શેરમાં કવિયિત્રી તત્વચિંતકની અદાથી વર્તનમાં પરિવર્તન લઇ આવો, તો એના લાભાલાભની વાત સરળ બાનીમાં કરે છે. સાથે-સાથે એ વાતનો સંકેત પણ આપી દે છે, કે નાયકનો મિજાજ ગરમ છે. એણે એના વાણી-વર્તનમાં સુધારો લાવવાની જરૂર છે. અહીં “તો તું ખીલી શકે” એવી શરત મૂકીને કવિયત્રી એ હકીકત સાબિત કરે છે, કે જે “ખુલી શકે” એ જ ખીલી શકે, અને ખુલી જવા માટે નરમ બનવું પહેલી શરત છે. આ વાત રોટલીના નાના-શા ગોળ પીંડાને વેલણ દ્વારા ગોળ આકાર આપીને, ખીલતા પુષ્પની ઉપમા દ્વારા કાવ્યમય રીતે કવિયિત્રી જોડી આપે છે. કાંટાઓના નસીબમાં કદી ખીલવાનું નથી લખેલું હોતું. એ જ રીતે કઠણ લોટના નસીબમાં સુરેખ ગોળ ફૂલકા રોટલી બનવાનું નથી લખેલું હોતું. એટલે પ્રેમભાવ માટે સ્વભાવ નરમ રાખવો એ પૂર્વશરત છે.

    આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
    યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલના આ બીજા શેરમાં નાયિકાનો અપેક્ષાભાવ નિરૂપાયો છે. નાયિકાના મનની મુરાદ વ્યક્ત કરવામાં આવી છે. પણ આગળના શેરમાં જ નાયકના ગરમ મિજાજનો નિર્દેશ કરીને કવિયિત્રી આપણને વિચારતા કરી મુકે છે કે, શું ખરેખર નાયક આવીને નાયિકાના હાલ-હવાલ અને વહાલનો હવાલો લેશે? નાયિકાના ખબર અંતર પૂછશે? આવા અરમાન અને ભૂતકાળમાં માણેલી કોઇ સુખદ યાદને મમળાવતા, નાયિકા રોટલી વણવામાં મશગુલ છે. એને હવે નાયકના વર્તનમાં પરિવર્તનની ઉમેદ છે. પણ આ ઉમેદની સાથે “યાદ મમળાવવાની” વાત કરીને કવિયિત્રી અહીં સર્જનાત્મક રહસ્ય ખડું કરે છે.

    એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
    આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલના આ ત્રીજા શેરમાં એ રહસ્ય છતું થાય છે. નાયક સાવ ક્ષુલ્લક વાતમાં નાયિકાને તતડાવી નાખે છે, એવાં કોઇ દુખદ પ્રસંગની યાદ, નાયિકાને લોટ બાંધતા યાદ આવી જાય છે. એટલે એ નાયકને સન્મુખ તો નહીં, પણ એકલી-એકલી ફરિયાદ કરે છે કે, તેં દિવસે સાવ નાની અમથી વાતમાં મને એ કેટલું વઢયા હતાં. એમ યાદ કરીને આંખો છલકાવી દે છે. અહીં નાયિકાનો ભીતરી ભાવ એવો છે કે, નાયકના આગમન પહેલા હું જ મને એકલી-એકલી ફરિયાદ કરીને મારાં રોષને ઓસરી જવા દઉં. નાયક જયારે આવે ત્યારે ચહુંઓર ચાહત અને મહોબ્બત જ હોય, કોઇ ગિલા-શિકવામાં આ વખતે સમયને બરબાદ નથી કરવો. એટલે લાવ હું જાતે જ આંખ છલકાવી હૈયું હળવું કરી લઉં.

    લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
    રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલનો આ ચોથો શેર વ્હાલની રેસિપી બતાવે છે. શતરૂપા નારીના ૧૦૦ રૂપમાંથી એક રૂપ “અન્નપૂર્ણા”નું છે. જે નારી રસોઇ બનાવે છે, એ બહેન, ભાભી, દીકરી, મા કે પત્ની – ગમે તે હોય, પણ એ જેટલો સમય રસોડામાં હોય છે – એટલો સમય તો એ “માનું વ્હાલ” હોય છે. એ મા-સ્વરૂપા હોય છે. જે રીતે લોટ-પાણી અને મોણ, ગુંદાય-ગુંદાયને એકમેકમાં ઓતપ્રોત બનીને સમાઇ જાય છે એ જ રીતે માનું વ્હાલ પણ પ્રત્યેક રોટલીમાં એકરસ, એકરૂપ બનીને સમાઇ જતું હોય છે. એને જીવનપર્યંત પછી જુદું નથી પાડી શકાતું. અહીં નાયિકા આ વખતે એવી રોટલી બનાવવાની મથામણમાં છે કે, જેવી રોટલી નાયકની મા બનાવીને નાયકને ખવડાવતી હતી. માના વ્હાલની આ રેસિપી, આજે નાયક આવે તો એને બતાવી દેવી છે, એવાં આત્મવિશ્વાસ સાથે એ રોટલી વણી રહી છે.

    ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
    હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

     ગઝલનો આ પાંચમો શેર ચોથા શેરના અનુસંધાન રૂપે હોય એવું તરત જણાય આવે છે. સ્ત્રી જયારે કોઇને દિલથી ચાહતી હોય છે, ત્યારે એ એની મા બની જતી હોય છે. જ્યારે કોઇ સ્ત્રી તમને વાત-વાતમાં “જમી લીધું” “શું જમ્યાં?” એવાં તમારાં ભોજન વિષયક સવાલો કરે તો સમજી લેવું કે, એ સ્ત્રી તમારાં પ્રેમમાં છે. અહીં નાયિકા પણ રોટલી વણતા-વણતા, રોટલીને તાવડીમાં શેકતા-શેકતા, મમતાળુ માવડી બનીને, નાયકની ચિંતા કરે છે કે, આ બહાર ધોધમાર મેહુલો વરસે છે. આવા ઠંડા વાતાવરણમાં નાયકને કકડીને ભૂખ લાગી હશે. તો લાઉં મારાં હેતની હુંફ આ ગરમ-ગરમ રોટલીમાં ઉમેરી દઉં.! અહીં ભૂખ, ધોધમાર વરસાદ, રોટલીના લોટમાં સરકતી હુંફ જેવા પ્રતીકો શૃંગારરસનો પણ નિર્દેશ કરે છે. અહીં માત્ર હોજરીની ભૂખ ભાંગવાની વાત નથી. પણ નાયકની આવા રોમાન્ટિક માહોલમાં હાજરી સાંપડે એટલે શરીરની ભૂખ પણ ભાંગવાની વાત છે. રોટલીનું ટોનિક જાણે કે પ્લેટોનિક લવની પણ ઔષધિ અને લવની અવધિ બની જાય – એવા ભાવ સાથે નાયિકા એક-એક રોટલીમાં હુંફની ફૂંક મારતી જાય છે.!

    હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
    ‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

     ગઝલનો આ છઠ્ઠો શેર પ્રમાણમાં નબળો અને સમગ્ર ગઝલના ભાવનિરૂપણમાં આગંતુક હોય એવો લાગે છે. કણક એટલે જાડો, ભરભરીયો લાપસી-ભાખરીમાં વપરાય એવો લોટ. અહીં રોટલીનો લોટ બાંધતી વખતે, કણક બાંધવાની વાત અને કણક સાથે જોડાયેલી કોઇની યાદનું હેડકીના રૂપે પુનઃસ્મરણ, અને એને લઈને કોઇ દિશા સુચનની વાત. આ શેરનો સાની મિસરા તો હજી પણ ચાલી જાય એવો છે. પણ ઉલા મિસરા તો સાવ નબળો છે. “રાહ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં” એ તો તદ્દન અતાર્કિક અને સમગ્ર ગઝલના ટેમ્પોમાં વગર ટીકીટે ચડી બેઠો હોય એવો પ્રવાસી શેર છે.!

    આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
    સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

    ગઝલનો આ છેલ્લો મક્તાનો શેર સમગ્ર ગઝલમાં શિરમોર શેર છે. અહીં રોજ-રોજ રોટલી વણવાની  ક્રિયા એના પુનરાવર્તનથી પણ નાયિકાને કંટાળો નથી આપતી. અહીં પ્રત્યેક પુનરાવર્તન, પ્રેમનું એક નવ્ય આવર્તન બનીને આવે છે. જેને કારણે નાયિકાની પ્રત્યેક સાંજ હરખની હેલી બની જાય છે. રોટલીનો લોટ બાંધવાની પ્રકિયામાં એકવિધતા ભલે હોય, પણ નાયિકાના મનોજગતમાં દરેક વખતે ભાવોની વિવિધતા છે. એટલે નાયિકા નિરંતર નવ્ય ભાવ સંવેદનને રોટલી સાથે વણી જાણે છે.

    નારીના હાથનો સ્પર્શ પુરુષને ચોવીસ કલાકમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક રૂપે મળે છે. પુરુષના જીવનનું ચાલક અને સંચાલકબળ જ સ્ત્રીના આ સ્પર્શની હાજરી છે. રોટલીથી માંડીને, નારીની પ્રેમાળ હથેળીઓમાં ધોવાતાં આંતરવસ્ત્રો, તૂટી ગયેલા ગાજ-બટનને સોઇથી સાંધતી આંગળીઓ, દોરાને દાંતમાં દબાવીને રસભીનો કરતા ટેરવાં અને રોજ સંકેલાતા વસ્ત્રો – જીવનના અનેક રહસ્યોને ઉકેલી નાખતા હોય છે. આજે તો હવે ઘરમાં ઘરઘંટીથી માંડીને આટામેકર, વોશિગ-મશીનથી માંડીને સિલાઈ મશીન અને વેક્યુમક્લીનરથી માંડીને ડીશવોશર જેવા ઉપકરણો આવી ગયા છે – એટલે હવે તો રોટી-કપડાં ઔર મકાન અને બરતનમાં અને વર્તનમાં દિવસે ને દિવસે નારીનો સ્પર્શ દુર્લભ બનતો જાય છે – ત્યારે યામિનીબેન આવી સરસ ગઝલ લઈને આવે છે – એ જગતમાં પ્રેમ અને હુંફ હજી સાબૂત છે એની સાબિતી આપે છે. યામિનીબેનને અનેક-અનેક ધન્યવાદ.

    આ સાથે મારાં હમઉમ્ર મિત્રોને મને કહેવાનું મન થાય કે, અઠવાડિયે એકવાર લોટ ગુંદીને વાંકીચુકી રોટલી ન બનાવો તો કાંઈ નહીં, પણ અઠવાડિયામાં એકવાર તમારી પત્નીની સાડી, ચૂડીદાર, બ્લાઉઝ, પેટીકોટ અને અન્ડર વિયર્સને તમારા પ્રેમાળ હાથે સંકેલીને કબાટમાં ગોઠવવાનો પ્રયોગ કરવા જેવો છે. એમાં આનાભારેય નુકસાન નથી. ફાયદા હી ફાયદા હૈ.!!! 

     – ઇલિયાસ શેખ


    યામિનીબેન એક યશસ્વી કવિયત્રી અને નાટ્ય કલાકાર તો છે જ એની સાથે એક આદર્શ ગૃહિણી છે. આ વિડીયોમાં યામિનીબેનને એમના રસોડામાં  રોટલી  બનાવતાં બનાવતાં એમના કાવ્ય  ‘રોટલીના લોટમાં’ ની રજૂઆત કરતાં જોઈ શકાય છે. ગૃહિણી તરીકેની ફરજો બજાવે છે પણ મુખે તો કવિતા રમે છે !ગૃહિણી પદ અને કવિતા જાણે સાથે વણાઈ ગયાં છે !

     સૌજન્ય : નીરવ રવે 

  • બંધારણબાહ્ય કૉલેજિયમ સિસ્ટમ વિકલ્પહીન છે ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨) માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ હંમેશા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પરામર્શમાં રહીને જ કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૧૭ મુજબ દેશની કોઈપણ હાઈકોર્ટના ન્યાયાધીશોની  નિમણૂક રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ, સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને વડીઅદાલતના મુખ્ય  ન્યાયાધીશના પરામર્શ પછી  કરવાની હોય છે.  આ બંધારણીય જોગવાઈઓને અનુસરીને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક, બદલી, બઢતી થતી હતી.  ચીફ જસ્ટિસની નિમણૂક સિનિયોરિટીના આધારે થતી હતી.  બંધારણમાં જજીસની નિમણૂકનો અબાધિત અધિકાર સરકારને હતો.

    આ જોગવાઈ હેઠળ વહાલા-દવલાની નીતિ છતાં  એકંદરે સુચારુ રીતે કામ ચાલતું હતું. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી  દરમિયાન કહ્યાગરા ન્યાયાધીશોની બોલબાલા છતી થઈ હતી. એ સમયે શ્રીમતી ગાંધીએ  સરકાર વિરોધી લાગતા  સોળ હાઈકોર્ટ જજીસની બદલીઓ કરી નાંખી હતી. જસ્ટિસ એચ.આર.ખન્ન્નાની વરિષ્ઠતાને અવગણીને સરકારના તરફદાર ગણાતા જસ્ટિસ એ..એન.રે.ને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પદે નિયુક્ત કરાયા હતા.  એટલે અત્યાર સુધી અક્ષુણ્ણ રહેલી ન્યાયતંત્રની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર જોખમ સર્જાયું હતું.

    ન્યાયાધીશોની નિમણૂક સંબંધી બંધારણીય જોગવાઈઓને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી.  તેના અર્થઘટનના પણ સવાલો ઉભા થયા હતા.  ૧૯૮૧માં એસ.પી.ગુપ્તા વિરુધ્ધ ભારત સરકારના કેસના ચુકાદામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથેના પરામર્શનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો.  સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અને બદલીનું નિયંત્રણ સરકાર કે વહીવટી તંત્ર હસ્તક હોવાનું સ્વીકાર્યું હતું. પરામર્શનો અર્થ વિચારોનું આદાનપ્રદાન ખરું પણ સંમતિ નથી તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન વર્સિસ ઈન્ડિયાના જજમેન્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો અભિપ્રાય મહત્વનો છે અને પરામર્શ એટલે  માત્ર અભિપ્રાય કે વિચારો જાણવા નહીં પરંતુ તેમની સંમતી  જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. વળી આ ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના બે વરિષ્ઠ  ન્યાયાધીશો સાથે પરામર્શ  પછી જે નામોની નિમણૂક અંગે અભિપ્રાય આપે કે ભલામણ કરે તે રાષ્ટ્રપતિને અર્થાત સરકારને બાધ્યકારી હોવાનું જણાવ્યું હતું. હાલની કોલેજિયમ સિસ્ટમનો ઉદભવ આ ચુકાદાથી થયો છે.

    ૧૯૯૮માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણને  બંધારણના અનુચ્છેદ ૧૪૩ અન્વયે  સુપ્રીમ કોર્ટમાં પ્રેસિડેન્સિયલ રેફરન્સ કર્યો હતો.  તેમાં ચીફ જસ્ટિસના પરામર્શ કે અભિપ્રાય અંગે સ્પષ્ટતા માંગી હતી.  સુપ્રીમ કોર્ટે  આ સંદર્ભના ચુકાદામાં જણાવ્યું હતું કે  ન્યાયાધીશોની નિમણૂક અંગેનો સીજેઆઈનો અભિપ્રાય બહુમતી ન્યાયાધીશોનો અભિપ્રાય ગણાશે અને તેમાં સુપ્રીમના ચાર વરિષ્ઠ જજીસ સાથે પરામર્શ કરવાનો રહેશે.  એ રીતે સીજેઆઈ ઉપરાંત ચાર સિનિયર જજીસ એમ કુલ પાંચ વ્યક્તિની હાલની કોલેજિયમ સિસ્ટ્મ અસ્તિત્વમાં આવી હતી.

    ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને સ્વાયત્ત છે.પરંતુ કોલેજિયમને કારણે ન્યાયાધીશોની નિમણૂક-બદલીનો અધિકાર સરકાર પાસે ન રહ્યો અને ખુદ ન્યાયાધીશો જ તેમના સાથી ન્યાયાધીશોની નિમણૂક –બદલી કરે તે સરકારને ખૂંચે છે. એટલે સરકારે ૨૦૧૫માં  સંસદના બંને ગ્રુહોમાં નવ્વાણુમો બંધારણ સુધારો પસાર કરી ,  નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની રચના કરી હતી.  આ કમિશનના વડા  કોલેજિયમની જેમ ચીફ જસ્ટિસ હતા. તેના કુલ છ સભ્યોમાં  સુપ્રીમના બે વરિષ્ઠ જજીસ,  કેન્દ્રીય કાયદા મંત્રી અને બે બિનસરકારી સભ્યોની જોગવાઈ કરી હતી. બિનસરકારી સભ્યોની પસંદગી વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અને લોકસભાના વિપક્ષના નેતાની સમિતિ કરે તેમ ઠરાવ્યું હતું.  પ્રથમ નજરે કોલેજિયમ  જેવા લાગતા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગને પણ અદાલતી પડકાર મળ્યો હતો. સુપ્રીમે તેને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ ગણી બંધારણ સુધારાને ૨૦૧૬માં ગેરબંધારણીય ગણ્યો  અને  કૉલેજિયમ યથાવત રહી.

    ન તો  બંધારણમાં કે નતો  સંસદ ના કોઈ કાયદા દ્વારા કૉલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે પરંતુ   આ એક બંધારણબાહ્ય , સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી અમલમાં આવેલી,  પ્રણાલી છે. બંધારણીય જોગવાઈઓ મુજબ  સંસદે પસાર કરેલા  કાયદાથી અસ્તિત્વમાં આવેલ ન્યાયિક નિમણૂક આયોગને સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય ઠેરવે  અને બંધારણબાહ્ય કોલેજિયમ ચાલુ રહે તે ભારે વિચિત્ર બાબત છે.

    કૉલેજિયમ સિસ્ટમ સામે અનેક સવાલો છે. ન્યાયાધીશો જ ન્યાયાધીશોની નિમણૂક કરે તે અસહ્ય  છે. આ પ્રણાલી અપારદર્શી છે અને પરિવારવાદને પોષે છે તેવા આરોપો છે. કોલેજિયમની કાર્યવાહીને માહિતી અધિકાર કાયદાથી પણ મુક્ત રાખતો ચુકાદો તેની પારદર્શિતા સામે સવાલો ખડા કરે છે. દેશની મોટાભાગની અદાલતોના ન્યાયાધીશો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો જ હોવાનું કેન્દ્રીય કાયદા મંત્રી જણાવી ચુક્યા છે.  આ પ્રણાલી ન્યાયતંત્રની તાનાશાહી જેવી છે અને જજીસની નિમણૂકમાં યોગ્યતા, કામ પ્રત્યેની નિષ્ઠા તથા  કાબેલિયતની અનદેખી થતી હોવાનો પણ આરોપ છે. ન્યાયાધીશોની નિમણૂકની સમગ્ર પ્રક્રિયામાંથી વહીવટી તંત્ર કે સરકારની બાદબાકી કરી નાંખવી તે અતાર્કિક અને બિનલોકશાહી પગલું પણ જણાય છે.

    કૉલેજિયમે એકવાર ભલામણ કરેલ નામો સરકાર પરત કરે અને કોલેજિય જો તેને સર્વાનુમતે ફરી મોકલે તો સરકાર તે સ્વીકારવા બાધ્ય હોવાની જોગવાઈ  આ સ્થિતિમાં  નિર્ણય લેવામાં અસીમિત વિલંબ કરીને સરકાર કોલેજિયમને અર્થહીન કરે છે.  સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેની આ ટકરામણ ઈચ્છનીય નથી. કેમ કે એક અભ્યાસ પ્રમાણે ૨૦૧૮ અને ૨૦૧૯ના બે વરસોમાં આ ગજગ્રાહને કારણે ૧૪૬ નામોની નિમણૂક લટકી હતી. તેમાં ૧૧૦ નામોને કેન્દ્રની મંજૂરી બાકી હતી તો ૩૬ નામો પર કોલેજિયમનો પુનર્વિચાર બાકી હતો.

    આ સમસ્યાનો ઉકેલ સરકાર અને ન્યાયતંત્રે એકબીજાના વિરોધીને બદલે પૂરક બની કાઢવો રહ્યો. બંધારણીય જોગવાઈઓ, કોલેજિયમ સિસ્ટમ અને નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની સારી જોગવાઈઓને સાંકળીને સરકારનું નિયંત્રણ પણ રહે અને ન્યાયતંતની સ્વતંત્રતા પણ જળવાય તેવી કોઈ પધ્ધતિ શોધી શકાય. નીચલી અદાલતોના ન્યાયાધીશો માટેની પસંદગી પ્રક્રિયા કે સનદી સેવાની પસંદગી પ્રક્રિયાનો પણ આધાર લઈ શકાય. જો આમ થઈ શકે તો કૉલેજિયમ સિસ્ટમનો વિકલ્પ મળી શકે. ન્યાયતંત્રે કોલેજિયમ પ્રત્યેની મમત અને  સરકારે તે નઠારી હોવાની જિદ છોડવી રહી.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સુખોપનિષદ

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    પુરાણા સમયમાં જ્યારે સમૂહ માધ્યમો અને સોશિયલ મિડિયા ન હતાં ત્યારે ‘શાસ્ત્રો’ નામનું મિડિયા તો હાજર હતું જ. નારદ મુનિ નામના તે વખતના એક મોટા  ખબરપત્રીનું નામ આજે પણ ખૂબ જાણીતું છે. તે કાળમાં લડાઇઓનું પણ જીવંત પ્રસારણ થતું. કોમેન્ટેટરો તો તે વખતમાં અનેક હશે. પરંતુ સંશોધનકારોને મહાભારતના યુદ્ધનું જીવંત પ્રસારણ કરનાર સંજય નામના કોમેન્ટેટર સિવાય અન્ય નામ હજુ સુધી મળ્યું નથી. તે યુગમાં ‘સુભાષિતો’ નામની એક મોટિવેશનલ ચેનલ ચાલતી, જેના પર વિષ્ણુ શર્મા નામના એક ડાયરેકટરે ‘હિતોપદેશ’ નામની એક  શ્રેણી શરૂ કરેલી..

    વિષ્ણુ શર્માની આ શ્રેણીંના એક એપિસોડમાં પ્રસારિત થયેલું કે,

    “आहार निद्रा भय मैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् ।
    धर्मो हि तेषामधिको विशेष: धर्मेण हीनाः पशुभिः समानाः ॥

    (આહાર નિદ્રા, ભય અને પ્રજોત્પતિ બાબતે મનુષ્યો અને પશુઓ એક સમાન છે. માત્ર ધર્મ એ જ મનુષ્યની વિશેષતા છે. એથી ધર્મ વિનાના મનુષ્યને પશુ સમાન જાણવો)”

    ચાર્વાક મુનિ અને તેમના અનુયાયીઓને પશુ સમાન ગણવાની આ વાત મને ગમી તો નહિ ઉપરાંત તેમાં સચ્ચાઈ પણ નથી એવું લાગ્યું. લાગે છે કે કોઈ મઠાધીશે પોતાના અનુયાયીઓ વધારવા માટે વિષ્ણુ શર્માને દ્રવ્ય આપીને આ શ્લોક લખાવ્યો હશે. ખરેખર તો આપણને પશુઓથી અલગ પાડનાર ધર્મ નહિ પરંતુ આપણી સુખની ઇચ્છા છે. માણસ સિવાય અન્ય કોઈ પ્રાણીને ભવિષ્યમાં સુખી થવાની  ઇચ્છા થતી નથી. સુખ કોને કહેવાય તે બાબતે ‘તુંડે તુંડે ર્મતિભિન્ના’ હોવા છતાં મોટાભાગના લોકો સુખની શોધમાં જ જીવન વ્યતિત કરે છે. બાળકને તેના જીવનમાં સુખ મળે એ આશાએ વાલીઓ તેને નિશાળે મોકલે છે. ભણ્યા પછી માત્ર ભરણપોષણ માટે જ નહિ પરંતુ સુખ પણ મળે એ આશાએ તે નોકરીધંધો શોધે છે, સુખી થવા માટે પોતે લગ્ન કરે છે. ત્યાર પછી  વૃદ્ધાવસ્થામાં પોતે સુખી રહે તે માટે પ્રભુના પયંગબરોને બોલાવે છે. પ્રભુના આ પયંગબરો પોતે સુખી થાય તે માટે  શાળામાં પ્રવેશ કરે છે, ભણ્યા પછી  કામધંધો શોધે છે, પરણે છે વગેરે વગેરે. આમ સુખી થવાના પ્રયત્નોનો ક્રમ ચાલુ રહે છે. શ્રદ્ધાળુઓ પોતાનાં મૃત્યુ પછી સ્વર્ગનું સુખ પામવા માટે ધરમધ્યાન અને હરિભજન કરે છે..

    માણસનાં જીવનમાં સુખનું મહત્વ એટલું બધું છે કે પોતાના નામો પણ ધનસુખ, મનસુખ, તનસુખ,  જયસુખ, મહાસુખ, સુખલાલ, સુખદેવ, સુખરામ વગેરે વગેરે રાખે છે. સુખી નામની મહિલાઓ પોતાનાં નામને વિશેષણમાં તબદીલ કરવા પ્રયત્ન કરે છે. કોઈ અનુભવીએ જુદા જુદા સુખોને મેરિટ નંબર આપીને કહેવત પણ બનાવેલ છે.–પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ કોઠીમાં જાર, ત્રીજું સુખ સુલક્ષણા નાર, ચોથું સુખ ઘેર દીકરા..- જો કે મજાની વાત એ છે કે દરેકને પોતાનું સુખ પછીના ક્રમના સુખ કરતા મેરિટમાં પાછળ હોય તેમ લાગે છે. આમ સુખ બાબતે પારકા ભાણાનો લાડુ જ મોટો  છે.

    સુખ એ  ભાવવાચક નહિ પરંતુ  દ્રવ્યવાચક નામ છે એવી ગેરસમજને કારણે યુ. નો. જેવી સંસ્થાએ જુદા જુદા દેશોમાં સુખનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે ‘હેપીનેસ ઇ‌ન્ડેક્ષ’ માપવાનું શરૂ કર્યું છે. પશ્ચિમના ભોગવાદી દેશોને સાચું સુખ કોને કહેવાય તે ખબર ન હોવાથી સુખ માટેના માપદંડો પણ તેમણે ભૌતિક સુખના અધારે નક્કી કર્યા છે. આ કારણે જ આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે બિરાજતા વિશ્વગુરુ ભારતને તેમણે  છેક છેવાડે 136મા ક્રમે મૂકેલ છે. આપણે એ બાબતે સહેજ પણ વિચલિત થયા વિના આપણા પૂર્વજોએ શરૂ કરેલું  સાચા સુખ વિષે ચિંતન ચાલુ જ રાખીએ છે. આ લેખ પણ એ જ ઉપક્રમમાં છે..

    આનંદ,ખુશી, સુખ વગેરે શબ્દો ઘણુંખરું પર્યાયવાચક હોય તેમ લાગે છે. ખૂબ ઝીણું કાંતનારા તેમાં અર્થભેદ જુએ છે. પરંતુ આપણે એવા ભેદોથી પર રહીશું

    એમ કહેવાય છે કે ભૂખ્યા માણસને રોટલામાં ભગવાન દેખાય છે. અહીંયા ભગવાનનો અર્થ સુખ એવો જ સમજાય છે. બીમાર માણસને રોગમુક્તિમાં સુખ જણાય છે. લોભીનો આનંદ ધનના સંગ્રહમાં  છે. રાજકારણીઓ ખુરશીમાં ખુશી જુએ છે. આમ માણસે માણસે નોખાં નોખાં સુખ હોય છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે પોતે જેમાં સુખ જુએ છે તે વસ્તુની પ્રાપ્તિ થયા પછી  ધારેલું સુખ મળતું નથી, કદાચ સુખ મળ્યું છે તેમ લાગે તો પણ તેની અનુભૂતિ સમય જતા બષ્પીભવન પામીને ઊડી જાય છે. આ રીતે ભલે આપણે ઠેર ને ઠેર આવીને ઊભા રહી જતા હોઈએ, પરંતુ આપણી સુખની શોધ અટકતી નથી.

    નવી ચીજવસ્તુ ખરીદવાથી આનંદ દરેકને મળે છે. આ આનંદ પણ ગજબની ચીજ છે. ધનવાનોને જેમ વસ્તુ મોંઘી તેમ આનંદ વધારે, મધ્યમ વર્ગનો આનંદ વસ્તુ સસ્તી મળે તેમાં હોય  છે અને ગરીબો માટે તો મરીજ સાહેબે કહી જ  દીધું જ છે  “ગરીબને વસ્તુ ઈશ્વરથી પણ નિરાકાર હોય છે”

    આપણો સૌનો અનુભવ છે કે મધ્યમ વર્ગની મહિલાઓ નવી સાડી કે અન્ય નવા પરિધાન ખરીદીને  રાજી થાય છે. પરંતુ એ જ વસ્તુ પડોશી સસ્તા ભાવે લઈ આવ્યા છે તેની જાણ થતા જ તેનો આનંદ ઊડી જાય છે. ટૂંકમાં આપણે જ્યાં શોધીએ છીએ ત્યાં સુખ મળતું નથી. કદાચ ક્યારેક મળે છે તો ટકતું નથી.

    કેટલાક સુખો દવાના ડોઝ જેવાં હોય છે, જો નિયત કરતા વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ફાયદાને બદલે નુક્શાન કરે છે. આ વાત સમજવા માટે આપણે એક જુગજૂની રમૂજ યાદ કરીએ.

    એક માણસને પૂછવામાં આવ્યું, “તેં સુખનો અનુભવ ક્યારે કર્યો હતો?” તો  તેનો  જવાબ હતો, “એક વાર જ્યારે મારા શરીરે ખસ થઈ હતી ત્યારે હું  તદ્દન નવી જ કાથી વડે ભરેલા  ખાટલામાં આળોટેલો. એ વખતે  મેં જે સુખનો અનુભવ કરેલો એવું સુખ જિંદગીમાં ક્યારેય માણ્યું નથી”  પરંતુ આ રીતે સુખ માણનારે જો વધારે સમય શરીરને ખાટલા સાથે ઘસ્યે રાખ્યું હોત તો તે લોહીલુહાણ થ‌ઇ ગયો હોત અને તેનું થોડા સમયનું સુખ, દુ;ખમાં તબદીલ ગયું હોત. એટલે તો વૈરાગ્ય શતકમાં ભૃતુહરિએ કહ્યું છે,

    ‘भोगा न भुक्ता वयमेव भुक्ताः ।‘

    કેટલાક ચિંતકોનું માનવું છે કે સુખ આપણને મળવા આતુર જ હોય છે, પરંતુ આપણે તેને એપોઈ‌ન્ટમે‌ન્ટ આપતા નથી. આથી કોઈ સજ્જને “સુખને એક અવસર આપો.” નામનું આખું એક પુસ્તક લખવું પડ્યું છે.

    આ રીતે સુખ વિષે ચિંતન અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. પરંતુ આપણે તો મહેતા નરસૈયાને જ યાદ કરીશું. તેમની એ  વાતમાં દમ  પણ છે કે સુખ અને દુ:ખ બન્ને આપણા ઘટ કહેતા શરીર સાથે જોડાયેલા જ છે. સંજોગોને કારણે જ્યારે દુ:ખ અનુભવીએ છીએ ત્યારે પણ સુખ તો હાજર જ હોય છે. આર્થિક રીતે દુ:ખી હોય તે શારીરિક રીતે સુખી હોઈં શકે છે, દુબર્ળ દેહ ધારણ કરનાર પૈસેટકે સુખી હોય છે. બન્ને રીતે દુ:ખી હોય તેનો સંસાર સુખી હોઈ શકે છે. ત્રણેય વાતે દુ:ખી હોય તેની પાસે ક્યારેક જ્ઞાનની સમૃદ્ધિનું સુખ હોય છે.  આપણને  જે બધી રીતે  દુ:ખી લાગે  તેને કુદરતે  ગમે તે સ્થિતિમાં આનંદી રહી શકે તેવો સ્વભાવ બક્ષેલો હોય છે.  ટૂંકમાં દરેક વ્યક્તિ  કોઇને કોઇ રીતે સુખી હોય જ છે. પેલાં ફિલ્મી ગીતમાં ભલે કહેવાયું હોય કે ’દુખ તો આપના સાથી હૈ’  પરંતુ દુ:ખની સાથે  સુખ પણ આપણું સાથી હોય છે. આપણે આપણા સુખને ઓળખતા નથી હોતા. આથી સુખ મેળવવા દોડવાની બદલે આપણી પાસે એવું ઘણું બધું હોય  છે કે જેને સુખ તરીકે ઓળખી અને માન્યતા અપવાની જરૂર છે.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.