હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ

(શેર ૬ થી ૮)

મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા
(સંકલનકાર અને રસદર્શનકાર)

હૈ જુનૂઁ અહલ-એ-જુનૂઁ કે લિએ આગ઼ોશ-એ-વિદા
ચાક હોતા હૈ ગરેબાઁ સે જુદા મેરે બાદ (૬)

[જુનૂઁ= ઉન્માદ, ગાંડપણ, ઘેલછા; અહલ-એ-જુનૂઁ= ઉન્માદી લોકોનો સમૂહ; આગ઼ોશ-એ-વિદા’અ= વિદાય વખતે ભેટવું, આલિંગન આપવું; ચાક હોના= ફાડવું, ચીરવું; ગરેબાઁ= (પહેરણનું) કોલર]

આ શેરનો પહેલો મિસરો તેના અર્થઘટન માટે થોડોક સંકુલ હોવા છતાં પુખ્ત વિચારણાના અંતે તે સ્પષ્ટ થઈ શકે તેમ છે. અહીં ‘જુનૂઁ’નો અર્થ ‘ઘેલછા’ લેવો પડશે કે જે ઉન્માદ કે ગાંડપણની સરખામણીએ હળવો છે. ઉન્માદ કે ગાંડપણમાં માનસિક હાલત બેકાબૂ હોય છે, જ્યારે ઘેલછામાં અતિ ઉત્સાહ કે અતિ નિરાશા હોવા છતાં માણસ થોડોક સભાન હોય છે. આમ આ ઉલા મિસરાનો સરળ અર્થ તો આમ થાય છે કે  ઘેલછાયુક્ત સમૂહના લોકો માટે ઘેલછા એવી હોય છે, જેવી કે કોઈ વ્યક્તિઓ એકબીજીથી છૂટી પડતી વખતે જે રીતે એકબીજીને આલિંગન આપે. વળી આ આલિંગન પછી તરત જ જાણે કે છેડો જ ફાડી નાખવામાં આવતો હોય તે રીતે એકબીજીથી એકદમ અળગી થઈ જાય.

હવે આપણે બીજા મિસરા સાથે પ્રથમ મિસરાને સાંકળીએ તો માશૂકનું કથન આમ બનશે કે જે ઝનૂન કે જુસ્સા સાથે વ્યક્તિઓ આલિંગન આપીને જે રીતે છૂટી પડી જાય, બસ તે જ રીતે મારા મૃત્યુપછી મારા પહેરણના કોલરને પણ ચીરી નાખવામાં આવશે. અહીં ફલિત થતા બહુ જ સૂક્ષ્મ અર્થને આપણે તારવવો પડશે એવી મૈયતની કફન તૈયાર કરવાની રીત સાથે કે જ્યાં બેવડ વાળેલા સળંગ કપડામાં ચીરો મૂકીને મૈયતનું માથું દાખલ કરવામાં આવતું હોય છે. એક મુહાવરામાં જેમ કહેવાય છે કે કફનમાં ખિસ્સું નથી હોતું, તેમ અહીં કહેવાયું છે કે મૈયતના કફનમાં પહેરણને કોલર નથી હોતું. જીવંત વ્યક્તિના પહેરણનો કોલર શોભા માટે હોય છે, જ્યારે મૃત વ્યક્તિ માટે એ અર્થહીન હોઈ કફનમાં માત્ર ચીરો મૂકવામાં આવતો હોય છે. આમ પ્રથમ મિસરામાંની ઉદાહરણ રૂપ મુકાયેલી વાતને બીજા મિસરામાં એ રીતે લાગુ પાડી શકાય કે માશૂકના અવસાન પછી તેનાં આપ્તજનો સભાન ઘેલછામાં કફનમાં ચીરો મૂકી દે છે.

વિશેષ જાણકારી કે પહેરણના કોલર સાથે બે સંવેગોમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ થતી હોય છે. એક એ કે જ્યારે માણસ મગરૂરી પ્રદર્શિત કરવા માગે, ત્યારે તે કોલરને ખેંચીને ઠીક કરતો હોય છે; અને બીજું કે જ્યારે તે હતાશા કે માનસિક તનાવ અનુભવે અથવા તો ક્રોધાવેશમાં આવી જાય ત્યારે તે કોલરને ફાડી નાખતો હોય છે.

* * *

કૌન હોતા હૈ હરીફ઼-એ-મય-એ-મર્દ-અફ઼ગન-એ-ઇશ્ક઼
હૈ મુકર્રર લબ-એ-સાક઼ી પે સલા મેરે બા
દ (૭)

[મય= શરાબ; અફ઼ગન= ફેંકનાર, પછાડનાર;  હરીફ઼-એ-મય-એ-મર્દ-અફ઼ગન-એ-ઇશ્ક઼= ઇશ્કના શરાબમાં  મસ્ત થઈ ગયેલા માશૂકનો એવો બહાદુર પ્રતિસ્પર્ધી કે જે તેને મહાત કરી શકે – પછાડી શકે; મુકર્રર= નિશ્ચિત; લબ-એ-સાક઼ી= સાકી (કલાલ)ના ઓષ્ટ;  સલા= આમંત્રણ]

આ શેરમાંની ગ઼ાલિબની અજીબોગરીબ કલ્પના આપણને આફરીન-આફરીન પોકારવાની ફરજ પાડી શકે તેમ છે. પ્રથમ મિસરામાં ઉદારણ તરીકે તો એવા શરાબીઓની વાત કહેવામાં આવે છે કે જેઓ એકબીજાના સ્પર્ધક બનીને વધુ અને વધુ શરાબના પેગ ગટગટાવી શકે. પરંતુ અહીં માશૂકના ઇશ્કના શરાબને સમજવાનો છે કે જે પેલા ખરેખરા શરાબની જેમ ભાન ભૂલાવી દેતો હોય છે. હવે માશૂક જાણે કે પડકાર ફેંકતો હોય તેમ અન્યોને કહે છે કે તેના જેવો ઇશ્કના નશામાં ચકચૂર થઈ શકે તેવો કોઈ બહાદુર છે ખરો! આમ અહીં આ મિસરામાંથી એ અર્થ ફલિત થાય છે કે માશૂકના માશૂકા પરત્વેના ઇશ્કના નશાનો  મુકાબલો કરી શકે એવો કોઈ હરીફ હોઈ શકે જ નહિ.

હવે બીજા મિસરામાંની શાયરની ભવ્ય કલ્પના સમજવા જેવી છે. માશૂક અહીં કહે છે કે મારા મૃત્યુ પછી  શરાબપાન કરાવનારના ઓષ્ટ ઉપર હજુ પણ વધારે શરાબપાન કરવા માટેનો આગ્રહ કે આમંત્રણ નિશ્ચિત રહે તેમ મારા ઇશ્કના નશાની માત્રા પણ એટલી હદ સુધીની રહેશે કે જે તેમના અવસાન પછી પણ અતૃપ્ત જ રહેશે. આમ ફરી પાછા પ્રથમ ઉલા મિસરાને અહીં સાંકળીએ તો માશૂકના ઇશ્કને હંફાવી શકે તેવો કોઈ હરીફ પાક્યો નથી અને પાકશે પણ નહિ.

* * *

ગ઼મ સે મરતા હૂઁ કિ ઇતના નહીં દુનિયા મેં કોઈ
કિ કરે તાજ઼િયત-એ-મેહર-ઓ-વફ઼ા મેરે બા
દ (૮)

[તાજ઼િયત= મરણ પ્રસંગે આપવામા આવતો દિલાસો; મેહર= કૃપા, મહેરબાની;  તાજ઼િયત-એ-મેહર-ઓ-વફ઼ા= વફાદારી અને મહેરબાની સૂચક મૃત્યુ પછી અપાતો દિલાસો]

આ શેરનો પ્રથમ મિસરો સમજવામાં સરળ છે, પણ તેમાં માશૂકનો ભારોભાર આક્રોશ છે. માશૂક પોતાના ગમની દયનીય સ્થિતિ વર્ણવતાં કહે છે તેમના જેવો પ્રાણઘાતક ગમ દુનિયાના કોઈ ઈસમને નહિ હોય. અહીં માશૂકનો ગમ બીજો તો કયો હોઈ શકે સિવાય કે માશૂકાના ઇશ્કને પ્રાપ્ત કરવાની તેમની નિષ્ફળતા. ‘ઇતના’ શબ્દ માશૂકના ગમની માત્રા દર્શાવે છે કે જે અસહ્ય છે અને તેથી જ તો તે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છે. આ મિસરામાં ઇંગિત ભાવ એ સમાયેલો છે કે લોકોએ માશૂકની હયાતી દરમિયાન તો તેમના ગમની અવગણના કરી છે, પણ તેમના મૃત્યુ પછી તેઓ કેવો કૃત્રિમ શિષ્ટાચાર નિભાવી રહ્યા છે; જેનો ઉલ્લેખ આપણને બીજા મિસરામાં મળે છે.

બીજા મિસરામાં માશૂકની ફરિયાદનો એવો સૂર નીકળે છે કે તેમના મૃત્યુ પછી ઝિયારત કે બેસણામાં દિલાસો આપવા માટે લોકો  તેમના પરત્વેની વફાદારી દર્શાવવાની જાણે કે મહેરબાની કરતા હોય તેમ ઊમટી પડશે. હવે આ તાજિયત કે સહાનુભૂતિ મરનાર માટે તો અર્થહીન છે કેમ કે તે તો માશૂકનાં આપ્તજનોને અપાય છે. માશૂકની હયાતી દરમિયાનની ગમગીન હાલતને તો એ તાજિયત આપનારાઓએ નજર અંદાઝ કરી દીધી હતી અને હવે તો તેઓ માત્ર લોકાચાર નિભાવી રહ્યા છે. આમ આ શેરના ‘મેરે બા’દ’ રદીફને આ શેરમાં સુપેરે નિભાવવામાં આવ્યો છે.

(ક્રમશ: ભાગ-૪)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577

નેટજગતનું સરનામુઃ

William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે