ભગવાન થાવરાણી

લેખમાળાના આ છઠ્ઠા હપ્તામાં ઈંગમાર બર્ગમેનની જે ફિલ્મ WINTER LIGHT વિષે ચર્ચા કરવાના છીએ એ એક ફિલ્મ – ત્રયી (અર્થાત એક જ વિષય પર બનેલી એક જ સર્જકની ત્રણ ફિલ્મો) ની બીજા નંબરની ફિલ્મ છે. આ ત્રણ ફિલ્મો એટલે ૧. THROUGH A GLASS DARKLY (1961); . WINTER LIGHT (1963) અને SILENCE ( 1963 ). આ ત્રણેય ફિલ્મોનો કેંદ્રિય વિષય ઈશ્વરનું અસ્તિત્વ અને કટોકટીની ક્ષણોમાં એનું મૌન હતું.

ફિલ્મ વિષે વાત કરીએ એ પહેલાં આવી કેટલીક ફિલ્મ – ત્રયીઓ વિષે માહિતી. આવી ફિલ્મોનો એક પ્રકાર એટલે આયોજનપૂર્વક બનાવવામાં આવતી Sequels. ભારતમાં આવી ફિલ્મોનો તોટો નથી. ધૂમ – ૧- ૨- ૩, ક્રિશ – ૧-૨-૩, રેસ – ૧-૨-૩, બાગી ૧-૨-૩, ગોલમાલ ૧-૨-૩ વગેરે આવી ફિલ્મોના લોકપ્રિય પ્રકાર. ઉત્કૃષ્ટ ફિલ્મોના ઉદાહરણોમાં સત્યજીત રાયની પથેર પાંચાલી – અપરાજિતો – અપૂર સંસાર સર્વવિદિત છે જ, એમની કલકત્તા – ત્રયી પ્રતિદ્વંદી – સીમાબદ્ધ – જન અરણ્ય પણ જગવિખ્યાત છે જે ‘૭૦ ના દશકની કલકત્તા – બંગાળની અરાજકતા, નક્સલવાદ અને બેકારીની વાત કરે છે. આ જ વિષય પરની મૃણાલ સેનની ફિલ્મ ત્રિપુટી ઈંટરવ્યુ (૧૯૭૧), કલકત્તા ૭૧ (૧૯૭૨) અને પદાતિક (૧૯૭૩) પણ ઉત્તમ ફિલ્મોની કક્ષામાં આવે. આવા જ ગજાના અન્ય બંગાળી ફિલ્મ સર્જક ઋત્વિક ઘટકની દેશ – વિભાજનની સામાજિક અસરો પર આધારિત ફિલ્મ – ત્રયી મેઘે ઢાકા તારા (૧૯૬૦), કોમલ ગાંધાર (૧૯૬૧) અને સુબર્નરેખા (૧૯૬૨) પણ શ્રેષ્ઠ કક્ષાની.

આંતરરાષ્ટ્રીય ફલકની વાત કરીએ તો સર્જક ફ્રાંસીસ ફોર્ડ કોપોલાની GODFATHER  ૧ – ૨ -૩ પહેલી યાદ આવે. જ્યોર્જ લુકાસની STAR WARS, ક્રિસ્ટોફર નોલાનની DARK KNIGHT, પીટર જેક્સનની LORD OF THE RINGS પણ જગપ્રસિદ્ધ છે. મારી અંગત પસંદગી પર આવું તો મહાન ગ્રીક ફિલ્મ સર્જક થિયો એંજેલોપૌલોસની સરહદો વિષયક ફિલ્મ – ત્રિપુટી ETERNITY AND A DAY, SUSPENDED STEP OF THE STORK અને ULYSIS GAZE , મહાન જાપાનીઝ સર્જક યાસુજીરો ઓઝુની નોરીકો નામના સ્ત્રી પાત્રની કથા કહેતી LATE SPRING (૧૯૪૯) , EARLY SUMMER (૧૯૫૧) અને TOKYO STORY (૧૯૫૩)વિદ્રોહી ફ્રેંચ સર્જક લુઈ બ્યુન્યુએલની ધર્મ – વર્ગભેદ – નૈતિકતાનો ઉપહાસ કરતી  THE DISCREET CHARM OF BOURGEOISIE (1972), THE PHANTOM OF LIBERTY (૧૯૭૪) અને THAT OBSCURE OBJECT OF DESIRE (1977) અને ઈટાલિયન સર્જક માઈકલેંજેલો એંતોનિયોનીની નૈતિક ક્ષય વિષયક ફિલ્મ ત્રિપુટી THE ADVENTURE (1960), THE NIGHT (1961) અને THE ECLIPSE (1962) , જર્મન સર્જક વર્નર રેઈનર ફેસબીંડરની દ્વિતીય વિશ્વ યુદ્ધેતર જર્મન સ્ત્રીઓની કથા કહેતી ફિલ્મ-ત્રયી THE MARRIAGE OF MARIA BRAUN (1979), LOLA (1981 ) અને  VERONICA VOSS ( 1982 ) અને છેલ્લે, ભારત જેવા જ પરિવેશમાં કડક સેંસર નિયંત્રણો છતાં અદ્ભુત ફિલ્મો બનાવનારા મહાન સર્જક અબ્બાસ કિયારોસ્તામીની જીવનના સરળ રહસ્યો નિરુપતી ફિલ્મો AND LIFE GOES ON (1982), THROUGH THE OLIVE TREES (1994) અને TASTE OF CHERRY (1997) નો સમાવેશ કરી શકાય .

આજની ફિલ્મની વાત. WINTER LIGHT (1963)[1] ઈંગમાર બર્ગમેનની ૪૬ ફિલ્મોમાંની ૨૪ મી અર્થાત ફિલ્મ સર્જનના મધ્યાહ્નકાળની ફિલ્મ. એના બરાબર પહેલાંની THROUGH A GLASS DARKLY અને એ પછીની THE SILENCE સહિત આ ત્રણે ફિલ્મો ઈશ્વરના અસ્તિત્વ અને કટોકટીની ક્ષણોમાં એના મૌન પર કેંદ્રિત છે. ફિલ્મ માત્ર ૮૧ મિનિટની છે. (આ ફિલ્મની સમાંતરે બર્ગમેનના મિત્ર VILGOT SJOMAN દ્વારા આ ફિલ્મના સર્જનની કથા કહેતી ફિલ્મ  ‘ INGMAR BERGMAN MAKES A MOVIE – MAKING OF WINTER LIGHT ૧૫૦ મિનિટ લાંબી છે !)

ફિલ્મ વાત કરે છે સ્વીડનના એક પાંખી વસતી ધરાવતા અને શીત – વિકટ વાતાવરણ ધરાવતા નાનકડા ગામના વિધુર પાદરી ટોમાસ એરિકસન (અભિનેતા GUNNAR BJORNSTRAND) અને એના ધર્મ અને ઈશ્વરમાં ડગી ગયેલા વિશ્વાસની. ઉપર ઉલ્લેખેલી ત્રણમાંની પહેલી ફિલ્મ THROUGH A GLASS DARKLY નો અંત, ઈશ્વરના અસ્તિત્વના સવાલોની વાત કરતાં એક અલ્પવિરામે અટકે છે કે પ્રેમ એ જ ઈશ્વર છે. એ કશ્મકશને બર્ગમેન અહીં આગળ લઈ જાય છે. કરુણતા એ કે પોતાના ઈશ્વરના અસ્તિત્વમાં ડગી ગયેલા વિશ્વાસની અકળામણમાં આજની ફિલ્મનો કથાનાયક, ‘ પ્રેમ એ જ ઈશ્વર છે ‘ વાળા તારણનો ધરમૂળથી ઉચ્છેદ કરી દે છે ! ફિલ્મના અંત લગી પહોંચતાં એવું લાગે કે નાયક ટોમાસની ભીરુ અને કંઈક અંશે સ્વાર્થી મથામણ કરતાં તો એને એકપક્ષીય રીતે અને દિલોજાનથી ચાહતી અને બે વર્ષ લગી એની ઉપપત્ની તરીકે રહી ચૂકેલી શિક્ષિકા માર્ટા લુંડબર્ગ (INGRID THULIN) અને એના જ ચર્ચનો અદનો કર્મચારી અલ્ગોટ (ALAN ENDWELL) ક્યાંય વધુ સ્પષ્ટ અને ઈમાનદાર છે. સર્જક બર્ગમેન પણ ફિલ્મના વિષયને પોતાના આગવા સંસ્પર્શથી ઈશ્વરના મૌન કરતાં નાયકના ભાગેડુ મૌન સાથે સાંકળે છે.

ફિલ્મનું શીર્ષક પ્રતીકાત્મક છે. ભૌતિક અર્થમાં WINTER LIGHT એટલે એવો શિયાળુ ઝાંખો પ્રકાશ (વિશેષ કરીને સ્વીડન જેવા સ્કેંડીનેવિયન દેશો જે ધ્રુવ પ્રદેશની નિકટ છે) જે દિવસને ઝાંખો – પાંખો અજવાળી રાખે . એ રીતે એ માનવીય જીવનથી દૂર થઈ ગયેલા લોકો પર પડતા પ્રેમરૂપી આછા અજવાસનું પ્રતીક છે. સ્વીડીશ ભાષાના ફિલ્મના શીર્ષકનો અર્થ COMMUNICANTS અર્થાત સંપ્રેષકો થાય. ફિલ્મના અનેક દ્રષ્યોમાં પાત્રોની કરુણતા એ છે કે તેઓ એકબીજા લગી પહોંચવામાં – communicate કરવામાં નિષ્ફળ જાય છે. (આપણા સૌના જીવનની મુખ્ય સમસ્યા પણ એ જ છે !)

બર્ગમેન અને એમના કુશળ કેમેરામેન સ્વેન નિકવીસ્ટ દ્વારા ફિલ્મનું ધુંધળું, ગંભીર અને ઉદાસ વાતાવરણ રચાવાની શરુઆત ફિલ્મના પ્રારંભિક દ્રષ્યથી જ થાય છે જ્યારે કેમેરા ચર્ચમાં સવારની સર્વિસ માટે એકઠા થયેલા ગણ્યા-ગાંઠ્યા ભક્તોના તનાવગ્રસ્ત અને કશુંક ઝંખતા શૂન્યમનસ્ક ચહેરાઓ પર મંડાય છે. અહીં પાદરી ટોમાસ ઉપરાંત ઉપસ્થિત છે માછીમાર દંપતિ યોનાસ અને એની સગર્ભા પત્ની કારીન પર્સન ( MAX VON SYDOW, GUNNEL LINDBLOM ), માર્ટા , એક વિધવા સ્ત્રી, અન્ય બે’ક જણ અને ચર્ચના જ કર્મચારીઓ ઓર્ગન-વાદક ફ્રેડરીક અને અલ્ગોટ ફ્રોવીક.

સર્વિસ પૂરી થયા બાદ એ બધા પાદરી ટોમાસ આગળ પ્રસાદ લેવા એ રીતે ઝૂકે છે જાણે ખરા અર્થમાં યાચકો હોય ! અને છે પણ ખરા કારણકે દરેકની કંઈકને કંઈક સમસ્યા છે જેનો ઉકેલ એ બધા ટોમાસ પાસે ઝંખે છે. કોઈક આશ્વાસન ઝંખે છે, કોઈક પ્રોત્સાહન તો કોઈક પ્રેમ ! એ ખુદ પોતાની શારીરિક (ફ્લૂ) અને માનસિક (ઈશ્વરનું અસ્તિત્વ અને મૌન) સમસ્યાઓથી પરેશાન છે.

એક માર્ટા જ એવી છે જે આ બધી વિધિઓમાં પૂર્ણત: નાસ્તિક હોવા છતાં ઉપસ્થિત છે, ટોમાસ તરફના અસીમ પ્રેમના કારણે . ચર્ચનો અપંગ સહાયક અલ્ગોટ પણ ઈચ્છે છે કે ટોમાસ પોતાના સંસારનું બધું વૈતરું પોતે કરવા કરતાં માર્ટાનો સહારો લે અને ઘર માંડે. માર્ટા થોડાક સમય પહેલાં લગી ટોમાસ સાથે એની ઉપપત્ની તરીકે બે’ક વર્ષ રહી પણ ચૂકી છે.

પર્સન દંપતિમાં પણ પતિ યોનાસ વ્યગ્ર અને વિક્ષિપ્ત છે. એને એ ચિંતા કોરી ખાય છે કે ચીન અણુબોંબ વિકસાવી રહ્યું છે. આવા બિનભરોસાપાત્ર લોકોના હાથે આવા વિનાશક શસ્ત્રો ચડે તો જગતની સલામતીનું શું ? એ ટોમાસ સાથે એ બાબતે ચર્ચા કરી પોતાના મનનું સમાધાન ઈચ્છે છે. ટોમાસ એની ચિંતાના જવાબમાં કેવળ એટલું કહે છે કે એ ચિંતા તો આખા જગતને છે અને આપણે પ્રભુ પર ભરોસો રાખીએ. આવું કહેતી વખતે કેમેરા ટોમાસના ધ્રૂજતા હાથ પર કેંદ્રિત થાય છે, જાણે એ દર્શાવવા કે એને પોતાની જ વાતમાં ભરોસો નથી ! એ વાતચીત દરમિયાન પાછો એ ઉમેરે છે કે એને પોતાને પણ પ્રભુમાં કોઈ શ્રદ્ધા રહી નથી ! ટોમાસના ‘ જીવન ચાલતું રહેવું જોઈએ ‘ જેવા સૂફિયાણા નિવેદનના જવાબમાં યોનાસ લાગલો જવાબ વાળે છે કે ‘એવું જીવવાનો શો અર્થ ?’ એનો ઈરાદો સ્પષ્ટ છે.

આ સમગ્ર સંવાદ ( એને સંવાદનો અભાવ કહેવો વધુ યોગ્ય રહે ! ) દરમિયાન સર્જક બર્ગમેનની પેલી માન્યતા વારંવાર પુન:પ્રતિપાદિત થતી રહે છે કે ચહેરો જ આત્માનું પ્રવેશદ્વાર છે. એમના મતે ચહેરાના કોઈ પણ ક્લોઝ-અપ એ સિનેમાના વ્યાકરણનો હિસ્સો છે જેનો ઉપયોગ કોઈ મુદ્દો સ્પષ્ટ કરવા, કોઈ પ્રતિક્રિયા દર્શાવવા અથવા કોઈ ભાવ પર ભાર મૂકવા થવો ઘટે. બર્ગમેનની દરેક ફિલ્મમાં – વિશેષ કરીને આ ‘ ઈશ્વરના મૌન ‘ વાળી ત્રયીમાં અને એમાંય આ ફિલ્મમાં – આ હકીકત ડગલે ને પગલે ઉજાગર થાય છે.

ફિલ્મના એક યાદગાર દ્રષ્યમાં માર્ટાએ ટોમાસને લખેલા પત્રનું વાંચન સ્વયં માર્ટા દ્વારા થાય છે. એ કહે છે ” જાણું છું, તું મને પ્રેમ કરતો નથી. તારી તેં  માની લીધેલી સમસ્યાઓનો ઉકેલ સરળ છે. ઈશ્વરની નિષ્ક્રિયતા એ કોઈ ચિંતાનો વિષય નથી. એનું અસ્તિત્વ જ ક્યાં છે ? જીવન વિષે તારે હજી ઘણું શીખવાનું બાકી છે. તને પ્રેમનો અર્થ જ ખબર નથી. એક વાત યાદ દેવડાવું. ગયા ઉનાળે મારી હથેળીઓમાં ભયંકર ફોલ્લા નીકળેલા. મારી હાલત ખરાબ હતી. ત્યારે આપણે સાથે રહેતા. હાથે પાટા બાંધેલા . સુઈ પણ નહોતી શકતી. મેં તને પૂછેલું કે પ્રાર્થનાની શક્તિમાં એટલો ભરોસો હોય તો મારા આ દર્દમાંથી સાજા થવાની પ્રાર્થના કરી તેં ? તને એ કેમ સૂઝ્યું નહીં ? હું ત્યારે જ તને સમજી ગયેલી પણ તું મને ક્યારેય સમજ્યો નહીં. 

આપણે બે વર્ષ સાથે રહ્યા. મારા હાથનો ચેપ બીજા અંગોમાં ફેલાતો ગયો. તું મને સતત ઉવેખતો હતો. મારાથી ત્રાસીને તેં આપણા સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો. તારા ધર્મમાં મને ક્યારેય વિશ્વાસ નહોતો. મારું કુટુંબ પૂર્ણ નાસ્તિક હતું છતાં અમારી વચ્ચે કાયમ ઉષ્મા, સુમેળ અને પ્રેમનું વાતાવરણ રહેતું. ઈશ્વર કેવળ એક ધુંધળી માન્યતા તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત હતો. તને પણ એનામાં ક્યાં વિશ્વાસ છે ? ધર્મ – અધ્યાત્મને લક્ષમાં ન લઈએ તો પણ જીવન પૂરતું ગૂંચવાડાભર્યું છે. એને વધારે ગૂંચવવાની શી જરૂર

જો ઈશ્વર હોય તો મારી એટલી જ પ્રાર્થના છે કે હે પ્રભુ ! તેં મને શારીરિક અને માનસિક રીતે આટલી મજબૂત બનાવી તો પછી મારી ક્ષમતાનુસાર કામગીરી કેમ ન આપી ? મને જીવનનો અર્થ આપ. હું આજીવન તારી ગુલામ રહીશ. કદાચ તારા પ્રત્યેનો પ્રેમ એ મને અપાયેલો પડકાર છે. અધૂરપ હોય તો એટલી કે હું એ પૂરેપૂરો વ્યક્ત કરી શકતી નથી. કદાચ સ્વમાનના કારણે ! 

હું તને ચાહું છું. તારા માટે જીવું છું. કોઈક અન્ય માટે જીવન ખરચી નાખવું એ બહુ અઘરું છે એ જાણું છું. મારે એ કરવું છે. “

આ સમગ્ર દ્રષ્ય અસાધારણ છે. અભિનેત્રી ઈંગ્રીડ થુલીનનો ચહેરો દરેક શબ્દ એના ભાવાનુસાર ઉચ્ચારે છે. એના શબ્દોની નિખાલસતા સંવેદનશૂન્ય અને પલાયનવાદી ટોમાસ જીરવી શકતો નથી.

યોનાસ ફરી સલાહ લેવા આવે છે. ટોમાસના તકલાદી અને ઉડાઉ પ્રશ્નો અને અને સૂચનો એને કોઈ સધિયારો આપતા નથી. ટોમાસ ફરી પોતોના ઈશ્વરમાં ઊઠી ગયેલા વિશ્વાસની વાત કરે છે જેના જવાબમાં યોનાસ ” જો એનું અસ્તિત્વ જ ન હોય તો બીજી પીંજણનો શો અર્થ ? પછી તો બધું સરળ અને પારદર્શક બની જાય છે. મૃત્યુ પણ. સૃષ્ટા કે વાહક જ નથી તો બધું આપણા પર જ છે. ‘ કહી જાય છે. એના જતાવેંત ટોમાસ ‘ હવે હું મુક્ત થયો ‘ એવું ઉચ્ચારે છે . થોડીક વાર પછી યોનાસે આત્મહત્યા કરી લીધાના સમાચાર આવે છે.

ફરી એક યાદગાર દ્રષ્ય. વહેતી નદીના કાંઠે યોનાસની લાશ પડી છે. એને અવલ મંઝિલે પહોંચાડવા પોલિસ અને ટોમાસ ઘટતી કાર્યવાહી કરી રહ્યા છે. નદીના ધસમસતા પ્રવાહના અવાજમાં એમની વાતચીત દબાઈ જાય છે. સર્જક બર્ગમેન જાણે પૂરવાર કરવા માંગે છે કે જીવનની નદી સદાનીરા છે. એ વહેતી રહે છે અને વહેતી જ રહેવી જોઈએ. એની આગળ કોઈ જ મૃત્યુ વિસાતમાં નથી !

માર્ટાનું ઘર. માર્ટા ટોમાસને રાહત થાય માટે એને એસ્પીરીન અને કફ સીરપ આપે છે. ટોમાસનો પ્રતિભાવ જુઓ ! ” મારે એકલતા જોઈએ છે. આપણા બે વિષેની અફવાઓથી ત્રસ્ત છું હું. મને તારી જરુર નથી. હું તારી કાળજીથી કંટાળ્યો છું. તારા પ્રેમના નાટકથી પણ. તારી શારીરિક તકલીફોમાં મને કોઈ રસ નથી. “ બેહદ આહત માર્ટા પૂછે છે ‘ આ બધું તેં મને પહેલાં કેમ કહ્યું નહીં ? ‘ ટોમાસનો ઠાવકાઈપૂર્વકનો જવાબ “મારા ઉછેરના કારણે. મને શીખવવામાં આવેલું કે સ્ત્રીઓનો આદર કરવો ”  તારી પત્ની ?’  “મારી પત્ની એ બધું હતી જે તું ક્યારેય નહીં બની શકે. તારા એ માટેના પ્રયત્નો વ્યર્થ છે.” માર્ટા ક્ષત-વિક્ષત, નખશીખ ઘવાયેલી, પ્રભુના અસ્તિત્વ વિષે મથામણ અનુભવતા એક ધર્મ-પુરુષ દ્વારા જીવતા-જાગતા માણસની થતી વલે જોઈ રહે છે !  એનો જવાબ  ‘ હકીકત એ છે કે તું તારાથી જ નારાજ છો. મેં જ્યારે તારી વાતો સાંભળી છે ત્યારે તારા પ્રત્યેના ધિક્કારને સહાનુભૂતિમાં પળોટવાનો પ્રયાસ કર્યો છે. તું બચી નહીં શકે. ખતમ થઈ જઈશ . તારા જ ધિક્કારની આગમાં ભસ્મીભૂત થઈ જઈશ. ‘ 

યોનાસનું ઘર. કારીનને એના પતિના આપઘાતના સમાચાર આપવા આવેલ પાદરી ટોમાસ. એ પોતાનો બચાવ કરતાં કહે છે કે મેં તો યોનાસને ઘણો સમજાવ્યો. પ્રારંભિક આઘાત પચાવી લીધા પછી કારીન સ્વયંને સાચવી લે છે. એ પણ ટોમાસની સૂફિયાણી વાતો પ્રત્યે ઉદાસીન છે.

અંતિમ પ્રસંગ ફરી ચર્ચમાં. આ ચર્ચ બાજુના ગામનું છે. બપોરની સર્વિસ . અહીં પ્રેક્ષકોમાં માર્ટા અને ચર્ચના બે કર્મચારીઓ અલ્ગોટ અને ફ્રેડરીક સિવાય કોઈ નથી. આ અંત યાદગાર છે અલ્ગોટના આત્મકથનના કારણે. એ શરીરે જ અપંગ છે, વિચારે નહીં ! એ બહુ સ્વાભાવિક રીતે ટોમાસને કહે છે  ” એક વિચાર ઘણા સમયથી તમને કહેવા ઈચ્છતો હતો. તમારી સલાહથી મેં બાઈબલ વાંચવાની શરુઆત કરેલી. એ મારી અનિદ્રાના ઉપચાર માટે ઉપકારક પણ નીવડ્યું. હું તમને એ કહું જે મને સૂઝ્યું છે. પ્રભુ ઈસુએ ક્રોસ પર જે પીડા ભોગવી એને આપણે સૌ આટલું બધું મહત્વ આપીએ છીએ એમાં કશુંક ખોટું થાય છે. મારા મતે એ શારીરિક પીડા કોઈ વિસાતમાં નથી. એવી પીડા તો મેં પણ સહન કરી છે. પ્રભુની એ પીડા તો માત્ર ચારેક કલાકની હતી. એમની ખરેખરી પીડા બીજી હતી. જ્યારે સૈનિકો એમને ક્રોસ પર લટકાવવા લઈ જવા આવ્યા ત્યારે એમના બધા શિષ્યો એમને છોડીને નાસી ગયા. જે લોકો ત્રણ-ત્રણ વર્ષથી એમની સાથે હતા પણ એમાંનું કોઈ એમને ઓળખી શક્યું નહીં ! પોતાનું કોઈ સમજતું નથી એ પીડા સૌથી ખતરનાક નથી ? હજી એથીય વધુ દારુણ પીડાની વાત કરું. એમને ખીલા જડી દેવામાં આવ્યા ત્યારે એમણે ચીસ પાડેલી મારા પ્રભુ ! તે મને તરછોડી દીધો ?’  કોઈ જવાબ નહીં. ત્યારે એમને કેવું લાગ્યું હશે ? મૃત્યુ પહેલાંની એ ક્ષણોમાં એ શંકાથી ઘેરાઈ ગયા હશે કે એમણે જે કંઈ અત્યાર સુધી ઉપદેશ્યું એ ગલત હતું ? એ જ એમની સૌથી મોટી પીડા હતી. (એક ભાવક તરીકે પ્રશ્ન ઊભરે કે શું પાદરી ટોમાસ પણ ઈસુને કટોકટીમાં છેહ દેનારા એમના શિષ્યો જેવા નથી ?) ”

માર્ટા સિવાય (એ પણ નાસ્તિક !) કોઈ પ્રેક્ષક હાજર ન હોવા છતાં સર્વિસ શરુ કરાય છે. માર્ટા સ્વગત કહે છે ‘ કાશ આપણે સૌ સલામતીનો અનુભવ કરી એકમેક પ્રત્યે ઋજુતા દાખવતા હોત ! કાશ આપણા માટે આલંબન લઈ શકાય એવું એકાદ સત્ય હાથવગું હોત ! કાશ આપણામાં શ્રદ્ધા જેવું કશુંક હોત ! ‘ 

હાજર ચાર લોકો પ્રાર્થનામાં જોડાય છે. એ ચારેય જાણે છે કે આ બધું એક નિરર્થક નાટક છે !

દરેક કૃતિ કોઈને કોઈ રીતે એના સર્જકના જીવનનો અંશ હોય છે. બર્ગમેનની અનેક ફિલ્મોમાં એમના બચપણ, યુવાની, લગ્નજીવન અને એ સાથે સંકળાયેલા સ્મરણો ડોકિયું કરે છે. આ ફિલ્મના મુખ્ય પાત્ર – પાદરીનું નામ ટોમાસ એરિકસન છે. બર્ગમેનના પિતાનું નામ એરિક હતું. એ પોતે પાદરી હતા. એમના સન એટલે દીકરા એટલે આ એરિકસન એટલે બર્ગમેન પોતે !

સમગ્ર ફિલ્મમાં ત્રણ આત્મકથનો ચાવીરૂપ છે. માર્ટા દ્વારા વંચાતો એણે ટોમાસને લખેલો પત્ર, ટોમાસ દ્વારા માર્ટાના ઘરે એની માર્ટા તરફના અણગમાની કબૂલાત અને ચર્ચના કર્મચારી અલ્ગોટ દ્વારા કરાયેલું ઈસુની પીડાનું વિશ્લેષણ !

એક દ્રષ્ટિએ જોઈએ તો આ ફિલ્મ સાથે ઈશ્વરના અસ્તિત્વ અંગેની સર્જક બર્ગમેનની શોધખોળ સમાપ્ત થાય છે. એ પછીની એમની મોટા ભાગની ફિલ્મોમાં માનવીય પ્રેમ જ મુખ્ય વિષય રહ્યો છે.

ફિલ્મમાં સર્વિસ વખતે વાગતા ઓર્ગન મ્યુઝિક સિવાય કોઈ સંગીત નથી.

એ ઉમેરવું રહ્યું કે આ ફિલ્મ ઈશ્વરના મૌન વિષેની વાત કરતાં વિશેષ છે. પાદરી ટોમાસ ફિલ્મમાં ઘણું બધું બોલે છે પણ એને પોતાને જ લાગે છે કે એના શબ્દો એના પોતાના માટે કોઈ જ ઉપયોગના નથી. ફિલ્મનો અન્ય પુરુષ માછીમાર યોનાસ જગતના દુષ્ટ તત્ત્વોથી ત્રસ્ત છે અને શ્વર નામના ઠગથી નિરાશ !

ફિલ્મનો દ્રષ્ય-વિન્યાસ સરળતાપૂર્ણ છે. બર્ગમેનના કાયમી અને મહાન કેમેરામેન સ્વેન નિકવીસ્ટ દ્વારા ઝડપાયેલું એક પણ દ્રષ્ય અસર લાવવા માટે કેમેરા મુવમેંટનો ઉપયોગ કરતું નથી. કેમેરા મહદંશે સ્થિર રહે છે. એમના કેમેરાની નજર એવી અવિચળ છે કે કેટલાક કંટાળાજનક દ્રષ્યો (જેમ કે ફિલ્મની શરુઆત) પણ દર્શકને બાંધી રાખે છે. આપણને લાગે કે કોઈ ગતિવિધિ ન હોવા છતાં દ્રષ્યની ભીતરે સામાન્ય કરતાં કશુંક વિશેષ ઘટિત થઈ રહ્યું છે. બર્ગમેન અસર ઊભી કરવા નહીં, દ્રશ્યોને યથાતથ દેખાડવા ઈચ્છે છે. એમની ખાસિયત અનુસાર લાંબા શોટમાં પણ ચહેરાઓ જ કેંદ્રમાં છે. કહેવાય છે કે બર્ગમેન અને નિકવીસ્ટ એક આખો શિયાળુ દિવસ ગામડાના ચર્ચમાં એ જોવા બેસી રહ્યા કે સૂર્યપ્રકાશ કંઈ રીતે ગતિ કરે છે !

ટોમાસ આખી ફિલ્મમાં ક્યાંય સ્મિત કરતા નથી. એ રુગ્ણ, ટાઢાગાર, અલિપ્ત અને બધા પ્રત્યે બેદરકાર ભાસે છે. ફિલ્મમાં માત્ર અલ્ગોટનો ચહેરો એવો છે જે જીવંત દેખાય છે અને શ્રદ્ધાના રહસ્ય પ્રત્યે વિસ્મયથી ભરપૂર ! એણે ઈસુને ખરા અર્થમાં આત્મસાત કર્યો છે. ટોમાસ એને સાંભળવાનો ડોળ કરે છે પણ સાંભળતો નથી.

ઝીણવટથી જોઈએ તો ફિલ્મમાં ઈશ્વરના મૌન કરતાં હાડ-ચામના મનુષ્યોનું મૌન વધુ અકળાવનારું છે. ટોમાસના માર્ટાના ઘરની મુલાકાત પછી એ બન્ને મૃત યોનાસના ઘરે જાય છે એ દરમિયાન પ્રવર્તતું મૌન વધુ બિહામણું છે. ટોમાસ પોતે યોનાસની વ્યથા પરત્વે મૌન છે. એ માર્ટાની લાગણીઓ પ્રત્યે મૌન છે. ચર્ચના ઓરગનીસ્ટ ફ્રેડરીક ચર્ચમાં ચાલતી સર્વિસ પ્રત્યે અલિપ્ત છે. જે લોકો મૌન નથી એ બધા મદદ વાંછે છે પણ એમને મળે છે મૌન !

ટેકનીકની દ્રષ્ટિએ ફિલ્મ સંપૂર્ણત: ક્ષતિરહિત છે. એ હદે કે ફિલ્મનો એક પણ શોટ બાકાત કરીએ તો ફિલ્મની વ્યાપક અસરને હાનિ પહોંચે. જે શબ્દો આપણા સત્યજીત રાયે પોતાની ફિલ્મ ‘ ચારૂલતા ‘ માટે ઉચ્ચારેલા, લગભગ એ જ શબ્દો બર્ગમેન પોતાની આ ફિલ્મ માટે કહે છે. ‘ મારી આ એક જ ફિલ્મ છે જેના વિષે હું કહી શકું કે મેં અહીંથી શરુ કર્યું અને અહીં પૂરું કર્યું અને રસ્તામાં આવતી દરેક વસ્તુ મારા અંકુશ હેઠળ હતી. ફિલ્મની પ્રત્યેક ક્ષણમાં દરેક વસ્તુ બરાબર એમ જ બની જે રીતે હું ઈચ્છતો હતો.

આ ફિલ્મ ભાગેડુ મનોરંજન માટે હરગીઝ નથી. એ મનનો ખોરાક છે. એ એક અઘરી ફિલ્મ છે. એના સર્જકની માનીતી.

એ માનવીય પરિસ્થિતિઓ પર એક થીજાવી દેતી ઉદાસ નજર નાંખી બાકીનું કામ આપણા પર છોડી દે છે.

[1]

https://youtu.be/qpIVMx0q_IA


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.