ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

હોત એ કંટક કે પથ્થર તો હટાવી દેત હું-
મંઝિલે મારા જ સાથીઓ પહોંચવા દેતા નથી…
હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત-
શું કરું કે ઝાંઝવાઓએ ડુબાવ્યો છે મને!

બરકત વિરાણી

પ્રત્યેક રાષ્ટ્રને પોતાની પ્રકૃતિ અને સંસ્કૃતિ હોય છે. પ્રજાજનો સ્વભાવગત ગુણો અને અવગુણોથી ભરેલા હોય છે.

વર્ષોથી ચાલી આવતી રૂઢિઓ અને પ્રણાલીઓ વારસામાં પ્રાપ્ત થાય છે. બાળક નાનપણમાં જે જૂએ કે અનુભવે તે તેના સ્વભાવનો અંતર્ગત ભાગ બને છે. વર્ષોથી ચાલી આવતી આ વ્યવસ્થામાં પરિવર્તન લાવતાં દાયકાઓ વીતી જાય છે.

ભારતીય સંસ્કૃતિના પાયામાં કેટલીક બાબતો સાથે ‘દાન’  શબ્દ સંકળાઈ ગયો હતો. દિકરીના માતાપિતા ‘કન્યાદાન’ પ્રસંગે ગૌરવ અનુભવતા. સમગ્ર જીવન કન્યાદાન માટે સમર્પિત કરતા. તે જ રીતે વિવિધ સામાજિક સંસ્થાઓને આર્થિક સહયોગ કરી ‘દાન’  આપનાર સજ્જનો તે બાબતે સ્વાભિમાનની લાગણી અનુભવતા. આજે પણ અનેક ધાર્મિક સ્થળોએ પ્રવેશદ્વાર ઉપર ‘દાનપેટી’ મૂકવાનો રિવાજ મોજૂદ છે. લગભગ શિક્ષણ બાબતે પણ આવું જ હતું. સારસ્વતો ‘વિદ્યાદાન’  કરવામાં ગૌરવ, આનંદ અને ઊંડા સંતોષની લાગણીનો અનુભવ કરતા. આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં રાજાઓ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુના ઘરે જતા અને જ્ઞાનાન્વિત થઈ પોતાના જ્ઞાનાનુભવમાં વધારો કરતા. આ જ્ઞાનના બદલામાં બંને પક્ષે કોઈ અપેક્ષા નહોતી. આજથી ચાર-પાંચ દસકા પહેલાં પણ ખેડૂત સંતાનો શાકભાજી, ફળફળાદી અને અનાજ કયારેક તેમના ગુરુઓને ઘેર જઈ પ્રેમ અને આદરપૂર્વક આપવામાં લાગણીસહ આનંદ અનુભવતા. બંને પક્ષે કોઈ પણ અપેક્ષા વિના આપવા લેવાનો વ્યવહાર થતો. શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે માતાપિતાતુલ્ય બની તેમને શિક્ષણ-કેળવણી, સદગુણો, ચારિત્ર્ય, સ્વમાન, પ્રામાણિકતા, વફાદારી જેવાં મૂલ્યો શીખવતા. ત્યારે ગામનું મહાજન શાળાકીય અને ઉચ્ચ વિદ્યાકીય અભ્યાસની જવાબદારી માત્ર અને માત્ર કેળવણીના ફેલાવાર્થે સેવાભાવનાથી નિભાવતા.

શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધતાં સરકારે શિક્ષણની સંસ્થાઓને અનુદાન આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર નિભાવ ગ્રાન્ટ આપવામાં આવતી. સમયાંતરે શૈક્ષણિક કર્મચારીઓની માગણીઓને તાબે થઈ સરકારે કર્મચારીઓના પગાર તથા અન્ય ભથ્થાં આપવાની જવાબદારી પણ સ્વીકારી. ત્યારના રાજ્યકર્તાઓ શિક્ષકોને ભયમુકત બની, સુરક્ષિતતા અનુભવી ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરશે તેવી અપેક્ષાએ નિર્ણયો કરતા. પરંતુ અપેક્ષા કરતાં વિપરીત બન્યું. સલામતી સ્વચ્છંદતામાં પરિવર્તિત થતી નજરે પડી. લગભગ તે સમયથી શિક્ષણનું વ્યવસાયીકરણ થવાને બદલે વેપારીકરણ થયું. વિદ્યાનું દાન નહીં પરંતુ વેચાણ શરૂ થયું.

થોડીક નજર નજીકના ભૂતકાળ ઉપર કરવી પડે તેવી આજે સ્થિતિ છે. છેલ્લી અર્ધી સદીમાં વિશ્વમાં સમૃહવાદને બદલે વ્યકિતવાદનો મંત્ર કૂદકે ને ભૂસકે આગળ વઘ્યો. સૌ માત્ર ‘સ્વ’ના વિચારમાં જ જિંદગી જીવવા લાગ્યા. ‘સર્વ’ શબ્દ શબ્દકોશમાંથી પણ અદૃશ્ય થઈ ગયો. ‘મારું શું’ અને ‘મારે શું’ માં સમગ્ર સમાજ ખોવાઈ ગયો. કેટલીક વ્યકિતગત બાબતો માટે આ વિચારધારા સાચી હોઈ શકે પરંતુ જયાં સામૂહિક પ્રગતિ કે અધોગતિ સંકળાયેલી હોય ત્યાં વ્યકિેતવાદી વિચારધારા ચાલી શકે નહીં. માત્ર મારું ઘર સ્વચ્છ રાખું તેથી મારું ગામ સ્વચ્છ ન બની જાય. ગામને સ્વચ્છ રાખવા સામૂહિક પગલાં અનિવાર્ય છે. તેવું જ શિક્ષણ બાબતમાં છે.

ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આર્થિક સંકડામણમાં જીવનારનું પ્રમાણ સુખી સંપન્ન પરિવારો કરતાં અનેકગણું વધારે છે. થોડાક ચોક્કસ લોકો જ શ્રીમંત બની ગયા. ધનાઢયોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી હોવા છતાં વિશ્વના મોટા ભાગના લોકો મર્યાદિત આર્થિક આવકમાં અથડાતા ફૂટાતા જીવનના દિવસો વ્યતીત કરી રહ્યા છે. ખરેખર તો ‘છે’ (Have) અને ‘નથી’ (Have not)ની વચ્ચે અગાઉના સમયમાં જેટલી મોટી ખાઈ-ખીણ નહોતી તેની કરતાં અનેકગણી મોટી ખાઈ આજે ઊભી થઈ ગઈ છે. ગરીબ વધુ ને વધુ ગરીબ બની રહ્યો હોવાની વાતને અર્થશાસ્ત્રીય આંકડાઓનો મજબૂત ટેકો પ્રાપ્ત થાય છે.

છે ચારેકોર માનવ-સરજી નકરી મુશ્કિલાતો,
પરંતુ કૈંક છે એજથી એ સૌ સહેવું ગમે છે!
છે એક્કે એક કદમે મોત માર્ગમાં ઊભેલું,
અને તોયે સદાય ચાલતા રહેવું ગમે છે!

કરસનદાસ માણેક

આધુનિકીકરણ (Modernisation)ના નામનું એક વાવાઝોડું સમાજમાં ફૂંકાઈ ગયું. સેવાભાવી પેઢીનો યુગ અદૃશ્ય થયો. વર્તમાન સામાજિક અને રાજકીય નેતાઓએ પ્રત્યેક બાબતને કિંમત (Price) સાથે જોડી વિચારવાનું શરૂ કરી દીધું. ‘વાપરે તે ભોગવે’ (Users should pay)નું ચિંતન અને આચરણ શરૂ થતાં શિક્ષણમાં તે વિચારધારાનો અમલ થવા માંડ્યો. ખાસ કરીને ભારતમાં ગામડાં તૂટવા માંડયા અને શહેરોનો વિકાસ થતાં ગ્રામ્યવસ્તી પણ શહેરીકરણના પ્રવાહમાં જોડાઈ ગઈ. સરકારે શિક્ષણની જવાબદારીમાંથી છટકબારીઓ શોધી કાઢી. સ્વનિર્ભર શેક્ષણિક સંસ્થાઓ  (Self finance educational institution) ને શિક્ષણનો છૂટો દોર આપવામાં આવ્યો. કેટલાક શિક્ષણપ્રેમી અને મૂલ્યો આધારિત જીવન જીવતા નાગરિકોએ આ વ્યવસ્થાનો સદ્‌ઉપયોગ કર્યો. પરંત મોટા ભાગનાએ ‘સ્વવિકાસ’માં તેનો ઉપયોગ કરતાં શિક્ષણનું બહુ મોટું ‘બજાર’ શરૂ થઈ ગયું. શિક્ષણ ‘વેપાર’માં પરિવર્તિત થઈ ગયું.

કોઈ પણ કાર્યની શરૂઆત હંમેશા શુભ ઉદ્દેશો સાથે જ હોય છે. પ્રારંભમાં તેના નબળા પાસાં નજરે પડતા નથી. સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ બાબતે પણ તેવું જ બન્યું. ‘સ્વનિર્ભર’નું સારાપણું ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયું અને તેનું બીજું વરવું પાસું ઊભરી આવ્યું. શિક્ષણ સેવામાંથી ધંધામાં ફેરવાઈ ગયું. મૂડીવાદી લોકોને પોતાની મૂડી આ વ્યવસાયમાં સલામત અને વધુ નફો રળી આપનાર લાગતાં તેઓનો પગપેસારો થયો અને આજે તો ધનાઢયોએ આ ક્ષેત્રનો લગભગ સંપૂર્ણ કબજો લઈ લીધો છે.

મૂડીવાદી માનસ વધુ ને વધુ ભેગું કરવાની વિચારધારા ઉપર જ આગળ વધે છે. તેમણે શિક્ષણ સાથે આધુનિકરણ (Modernisation) અને અદ્યતન સુવિધાઓ (Modern Facility)ને જોડી દીધી. શરૂઆત ભવ્ય મકાનોથી કરી. ઉત્તમ ટેકનોલોજીનો સમાવેશ કરી પશ્ચિમના શિક્ષણ સાથે સ્પર્ધામાં ઊતરવાની તૈયારી કરી દીધી. સાથે સાથે ‘ગુણવત્તા’ (Quality)  સભર શિક્ષણ’નો દાવો કર્યો. ગુણવત્તા અને સુવિધા બે શબ્દો ચલણી બન્યા. આ બંનેને કારણે સંસ્થાઓ કમરતોડ ફી લેવામાં ગૌરવ અનભવવા લાગી. વાલીઓનું માનસ પણ જે સંસ્થા વધુ ફી લે છે તે વધુ સારી હોવાનું સ્વીકારતું થઈ ગયું. અત્યંત થોડા ટકા ધનાઢયોને પોસાય તેવી સંસ્થાઓમાં મઘ્યમ અને ઓછી આવક ધરાવતો વર્ગ પણ ઘસડાવા માંડયો. વાલીઓ પેટે પાટા બાંધી, ઘરબાર – દાગીના વેચી આવી કેપિટાલીસ્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટે પડાપડી કરવા લાગ્યા. ધંધાદારી સંચાલકોને ફાવતું મળી ગયું. આ સંચાલકોએ શિક્ષણના ક્ષેત્રને અત્યંત ભ્રષ્ટાચારી બનાવી દીધું. સરકારે પણ તે તરફ આંખ આડા કાન કર્યા. કેટલીક સંસ્થાઓ તો રાજકારણીઓના ટેકાથી અથવા તેમના દ્વારા જ શરૂ થતાં વાડ ચીભડાં ગળવા માંડી.

સરકારી બાબુઓ પોતાનાં પરિવારજનોને ઠેકાણે પાડવા રાજકીય નેતાઓને શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવામાં છૂટા હાથે મદદ કરવા લાગ્યા. લગભગ નજીવી કિંમતે જે સંસ્થાઓને જમીન તથા અન્ય સુવિધાઓ પ્રાપ્ત થઈ તેવી અનેક ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ લાખો રૂપિયાની ફી ઉઘરાવે છે. મેડીકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રે વિશાળ જગ્યાઓમાં આવા અનેક શૈક્ષણિક ઔદ્યોગિક સંકુલો (Educational  Industrial Complex) શરૂ થઈ ગયાં. સરકારની મદદ બાદ તૈયાર થયેલ શૈક્ષણિક સંકુલો અને ખાનગી વ્યકિતઓએ શરૂ કરેલ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ફી ઉધરાવવા બાબતમાં સ્પર્ધા થવા માંડી.

કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સરકારની સહાયથી દેશ પરદેશમાં સુવિધા અને આધુનિકતાના નામે પોતાની વાહવાહ અને કીર્તિ આંતરરાષ્ટ્રીય કક્ષા (International level)ની ખ્યાતિપ્રાપ્ત હોવાની અફવા ફેલાવવામાં સફળ થયા. બસ પછી તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવામાં પાછા વળીને જોયું નથી.

આજની શિક્ષણની પરિસ્થિતિ અત્યંત ગંભીર (critical) છે. શિક્ષણ આઈ.સી.યુ. (Intensive care unit)માં છે. તમામ સવલતોની વચ્ચે શિક્ષણ સિવાય તમામ વાતો શૈક્ષણિક સંસ્થાઓમાં થાય છે. શરીર છે, પરંતુ આત્માવિહીન છે. ઓકસીજનના ભરોસે અને ટેકાથી શિક્ષણનું હૃદય ધબકે છે. જો ધનરૂપી ઓકિસજન અદૃશ્ય થઈ જાય તો શિક્ષણને મૃત જાહેર કર્યા સિવાય મૃત્ય પામેલ અનુભવવા મળે તેવું સ્પષ્ટ ચિત્ર સૌને ખુલ્લી આંખે દેખાતું હોવા છતાં આંખો બંધ કરી સૌ ‘સબ સલામત’નાં બણગાં ફૂંકે છે.

જો શિક્ષણને ધનના ઢગલામાંથી દૂર કરવાનું સરકાર અને નાગરિકો નહીં વિચારે તો શિક્ષણ વસ્તુ (Commodity) બની જશે. આજે લગભગ તેવી પરિસ્થિતિ તો બની જ ગઈ છે. પરંતુ હજુ થોડાક સાત્વિક અને સંવેદનશીલ કેળવણીના નિઃસ્વાર્થી હિતચિંતકો સમાજમાં ઉપલબ્ધ છે. તેમના જ્ઞાન, અનુભવ અને ડહાપણનો લાભ લઈ શિક્ષણને માત્ર અને માત્ર સેવાકીય પ્રવૃત્તિ કેવી રીતે બનાવી શકાય તેની તાતી અને તાત્કાલીક ચર્ચા થાય તે અત્યંત આવશ્યક છે. જે નિર્ણયો આવે તેનું અમલીકરણ કરવાની કટિબઘ્ધતા સરકાર અને પ્રજાજનોની હોય તે પણ અત્યંત જરૂરી છે.

ભાવિપેઢી આપણને માફ ન કરવાની સ્થિતિએ પહોંચી જઈએ તે પહેલાં સવેળા યોગ્ય અને જરૂરી ઉપાયો લઈ શિક્ષણને માત્ર અને માત્ર શિક્ષણની દૃષ્ટિએ જોવાની શરૂઆત આજે જ નહીં, અત્યારથી જ કરીએ તેમાં આપણું શાણપણ અને ડહાપણ છે. શિક્ષણને ‘ઠાઠમાઠના ઠઠારા’માંથી તાકીદે બહાર લાવવાની આવશ્યકતા છે.

આચમન:

મૂકી છે દોટ બંનેએ, હવે જે થાય તે સાચું;
જમાને ઝાંઝવારૂપે, અમે તરસ્યા હરણરૂપે.


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)