ફિર દેખો યારોં

બીરેન કોઠારી

રોજેરોજ સોનાનું એક ઈંડું આપનાર મરઘીની વાર્તા અતિ જાણીતી છે. આવી મરઘીને તેનો માલિક લાલચને વશ થઈને તેને મારી નાંખે છે. નથી તેને ઈંડાં મળતાં અને મરઘી પણ તે ગુમાવી બેસે છે. આ વાર્તા કાલ્પનિક નથી. આવી ઘટનાઓ હવે રોજિંદી બની રહી છે. આનો એક નમૂનો જોઈએ.

ઉત્તરાખંડના નૈનિતાલમાં આવેલા સૂખાતાલ (તાલ એટલે સરોવર)માં છેલ્લા ઓગણીસ મહિનાથી સરકાર દ્વારા સૌંદર્યીકરણનું કામ ચાલી રહ્યું હતું. હવે જાહેર હિતની એક અરજીને પગલે વડી અદાલતે તેને આગામી સૂચના ન અપાય ત્યાં સુધી અટકાવવાની સૂચના આપી છે. કારણ એ કે તળાવનું સૌંદર્ય વધારવાના નામે તેનું તળિયું કોન્‍ક્રીટનું કરાઈ રહ્યું હોવાનું અદાલતને જાણવા મળ્યું.

સૂખાતાલનો સ્રાવ વિસ્તાર ૨૩,૦૦૦ચો.કિ.મી.માં પ્રસરેલો છે, જે અતિ વિખ્યાત એવા, એકાદ કિ.મી.ના અંતરે આવેલા નૈની તાલ માટે મુખ્ય રિચાર્જ વિસ્તાર છે. તેનું મોટા ભાગનું પાણી નૈનીમાં વહી જવાને કારણે એ તળાવ વર્ષનો મોટો ભાગ સૂકાયેલું રહે છે. આથી તે ‘સૂખા’ તાલ તરીકે ઓળખાય છે. નૈનીમાં ભરઉનાળે પણ ભરપૂર પાણી રહે છે.

૨૦૨૧ના મે મહિનામાં ઉત્તરાખંડ સરકારે સૂખાતાલની સુંદરતા વધારવા માટેના સાડા પચીસ કરોડના એક પ્રકલ્પને મંજૂરી આપી. આ પ્રકલ્પ આઈ.આઈ.ટી, રુડકી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં તળાવ ફરતે લોખંડની રેલિંગ અને પગદંડી બનાવવાનો સમાવેશ થતો હતો. સ્વાભાવિક છે કે આ બધું ત્યારે જ શોભે જો તળાવમાં પાણી રહે, જે સામાન્ય સંજોગોમાં નૈનીમાં વહી જાય છે. આથી સૂખાતાલમાં પાણી ટકી રહે એ માટે તેના તળિયાને કોન્‍ક્રીટથી મઢવાનું નક્કી કરાયું. આમ કરવાથી તેમાં પાણી રહે ખરું, પણ જે પાણી જમીનમાં ઊતરતું હતું એ બંધ થઈ જાય. આને કારણે કદાચ પ્રવાસીઓના આકર્ષણમાં ઊમેરો અને તેના થકી આવકમાં વધારો થાય, પણ આ તળાવ સાથે સંકળાયેલી આખી જળપ્રણાલિનું અને તેને લઈને પર્યાવરણ પર થતી વિપરીત અસરનું શું? આ બાબતને લઈને પર્યાવરણવાદીઓએ વિરોધ કરવાનુ નક્કી કર્યું. સ્થાનિક કર્મશીલો અને નાગરિક સમુદાયના મળીને કુલ 104 લોકોએ સહી કરીને ઉત્તરાખંડ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિપીન સાંઘીને એક પત્ર મોકલ્યો. તેમાં વિકાસને નામે સૂખાતાલના થઈ રહેલા વિનાશ અંગે વિગતવાર જણાવવામાં આવ્યું હતું. સૂખાતાલના ‘અવૈજ્ઞાનિક અને વણજોઈતા’ વિકાસ અને તેના સૂચિત વિકાસ આયોજન બાબતે પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં એમ પણ જણાવાયું હતું કે સરોવરને તળિયે કોન્‍ક્રીટ કરવાથી નૈનીતાલની જૈવપ્રણાલિને પણ નુકસાન થશે, જેની અસર નૈનીતાલના નિવાસીઓની આજીવિકા પર પડી શકે છે.[૧]

આ પત્રને આધારે, ૨૦૨૨ના માર્ચમાં વડી અદાલતે સુઓ મોટો અરજી દાખલ કરીને પત્રનું રૂપાંતર જાહેર હિતની અરજીમાં કરી દીધું અને કાર્તિકેય હરિ ગુપ્તાને વકીલ તરીકે નીમ્યા. એ પછી આઠેક મહિને, એટલે કે ૨૨ નવેમ્બરે વડી અદાલતે આ વિકાસકામ પર મનાઈહુકમ ફરમાવ્યો. આ કાર્યવાહીમાં ઓગણીસ મહિના વીતી ગયા પછી અત્યારે શી સ્થિતિ છે?

આ સ્થળના ઈજનેર નવિન અગ્રવાલના જણાવ્યા અનુસાર તેઓ સારી ઝડપે કામ કરી રહ્યા હતા અને આગામી બેએક મહિનામાં આ સ્થળને જનતા માટે ખુલ્લું મૂકવાનું આયોજન હતું. તળિયાને કોન્‍ક્રીટનું કરવાનું કામ શરૂ થવામાં જ હતું અને વડી અદાલતનો મનાઈહુકમ આવ્યો. અહીં કામ કરતા અધિકારીઓના મતે ૮૦ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું હતું.

સરકારે સરોવરના તળિયાને કોન્‍ક્રીટથી ભરવાનું કોઈ આયોજન હોવાનો ઈન્‍કાર કર્યો છે, અને જણાવ્યું છે કે તેઓ સરોવરના તળિયે ‘જિઓસિન્‍થીટીક ક્લે લાઈનર’ (જી.સી.એલ.) નો ઉપયોગ કરવાના હતા. જી.સી.એલ. સાવ ઓછી છિદ્રાળુતા ધરાવતું કૃત્રિમ રીતે વિકસાવાયેલું માધ્યમ છે.

કુમાઉ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક ચારુ ચંદ્ર પંતે અગ્રણી અંગ્રેજી અખબાર ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ આખો વિસ્તાર જૈવપ્રણાલિની દૃષ્ટિએ સંવેદનશીલ છે અને તેની સાથે કોઈ ચેડાં કરવાં ન જોઈએ. સૂખાતાલ ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલું હોવાથી તે નૈની તાલ માટે રિચાર્જ ક્ષેત્રનું કામ કરે છે. પણ સૂખાતાલ મૌસમી હોવાથી વર્ષનો અમુક સમય તે ખાલી રહે છે અને તેથી લોકો તેમાં કચરો ફેંકવા લાગ્યા છે. કેટલાકે તેની ફરતે મકાન બાંધ્યા છે અને તેના સ્રાવ વિસ્તાર પર દબાણ કર્યું છે. અહીં મૂકાયેલા ત્રણ્ચાર પમ્પ રોજનું ત્રીસ લાખ લીટર પાણી ઉલેચે છે, જે નૈનીતાલની રોજની 80  લાખ લીટરની જરૂરિયાતનો મોટો હિસ્સો છે.

આ અગાઉ 2014માં સેન્‍ટર ફોર ઈકોલોજી ડેવેલપમેન્‍ટ એન્ડ રિસર્ચના કાર્યપાલક નિદેશક ડૉ. વિશાલ સીંઘની આગેવાની હેઠળની એક સંશોધન ટુકડીએ જણાવ્યું હતું કે નૈનિતાલનું ભૂસ્તર અતિ નાજુક હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની સજાવટનું કામ સાવધાનીપૂર્વક કરવું જોઈએ. આ ટુકડીએ સૂખાતાલને નૈનિતાલ માટેના ‘અતિ મહત્ત્વના રિચાર્જ વિસ્તાર’ તરીકે ઓળખાવ્યો હતો. એ સમયે ડૉ. સીંઘે કહેલું કે સામાજિક અને પર્યાવરણીય દૃષ્ટિકોણથી જોઈએ તો અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી આ વિસ્તાર સાથે ચેડાં ન કરવાં. નૈનિતાલના જળસંતુલનને જાળવવામાં અને નૈનીતાલની વિશાળ જનસંખ્યાને પાણી પૂરું પાડવામાં સૂખાતાલની ભૂમિકા મહત્ત્વની હોવાથી તેના તળ સાથે ચેડાં કરવાનું કોઈ પણ સંજોગોમાં ટાળવું જોઈએ.

પણ આવી બધી સૂચના કે ચેતવણીઓને ગણે કોણ? પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું કરવાની અને તેના થકી પ્રાપ્ત થનારી આવકની લ્હાયમાં એક આખા ભૌગોલિક વિસ્તારનું નિકંદન કાઢવા સુધી પહોંચી જવાની આ ઘટના પહેલી પણ નથી કે છેલ્લી પણ નહીં હોય!

સોનાનાં ઈંડાં માટે આખેઆખી મરઘીને મારી નાંખવાની માણસની વૃત્તિ આજના યુગમાં વકરી છે એવી કદાચ ક્યારેય નહોતી વકરી!
[૧]


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૧૨–૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)