દીપક ધોળકિયા

ભારતના ઇતિહાસમાં સંથાલ આદિવાસીઓનો વિદ્રોહ ખાસ ઉલ્લેખને પાત્ર રહ્યો છે. આજે પણ સંથાલો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના મોટા ઇલાકાઓમાં વસે છે. ૧૭૯૩માં લૉર્ડ કૉર્નવૉલિસે જમીન મહેસૂલની કાયમી જમાબંધી પદ્ધતિ લાગુ કરી. આ સાથે જમીનની માલિકી સરકારના હાથમાં ચાલી ગઈ. પહેલાં આદિવાસીઓ જંગલને પોતાનું સમજીને એની પેદાશોનો ઉપયોગ કરતા હતા પરંતુ મહેસૂલ વધારવા માટે કંપની સરકારને નવી જમીનો જોઈતી હતી એટલે જંગલો કાપવાનું શરૂ થયું. સંથાલોને ભોળવીને બીરભૂમ જિલ્લામાં મોકલી દેવાયા. ત્યાં એ સીધા જ જમીનદારો અને શાહુકારોની ચુંગાલમાં સપડાયા અને સંથાલો પોલીસ દારોગાના જુલમોનો પણ શિકાર બનવા લાગ્યા. ૧૮૩૮માં સંથાલોના ગામ દામિની-કોહમાંથી માત્ર બે હજાર રૂપિયાની આવક થતી હતી, તે ૧૮૫૧માં વધીને ૪૪,૦૦૦ રૂપિયા થઈ અને બીજાં માત્ર ત્રણ વર્ષમાં ૬૮,૦૦૦ રૂપિયા સુધી પહોંચી.

એક વાર બે ભાઈઓ કાન્હૂ અને સીધૂ પોતાની ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે એમણે કંઈક ચમત્કાર અનુભવ્યો. એમને ‘ઠાકુરજી’નાં દર્શન થયાં. તે પછી એમણે પોતાને પ્રદેશના રાજા જાહેર કર્યા અને સૌને બીજા કોઈની આણ ન માનવાનો આદેશ આપ્યો. ઠાકુરજીએ જ એમને રાજા બનાવ્યા હતા. સંથાલો ઠાકુરજીનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. આમાં જ બ્રિટિશ હકુમતને પડકાર હતો.

૧૮૫૫માં કલકત્તાની મૅસર્સ મૅકી ઍન્ડ કંપનીએ જ્યાં સંથાલોને એમનાં ગામો ખાલી કરીને વસાવ્યા હતા તે બીરભૂમમાં જ લોખંડનું કારખાનું ખોલ્યું. આ ઉપરાંત, કોલસાની ખાણોનું કામ શરૂ થયું અને ગળીનાં કારખાનાં પણ બન્યાં. એમણે મોટા પાયે જંગલો કાપવાનું શરૂ કર્યું. આમાં ઘણા યુરોપિયનો અને યુરેઝિયનોને નોકરી મળી. આ લોકોને મન સંથાલ જંગલી જાનવર હતા અને એમની સ્ત્રીઓ માત્ર વસ્તુ હતી.

સંથાલો માટે ઝાડ એટલે એમના પૂર્વજોના આત્માઓનું ઘર. આત્માઓ ઝાડો અને પહાડોની ટોચ પર રહે. સંથાલોમાં ગોરાઓ સામે રોષ વધતો ગયો. બીજી બાજુ, શહેરી હિન્દુઓનો ધર્મ પણ એમની આસ્થા પર દબાણ કરતો હતો. એમણે ઘણાં હિન્દુ આસ્થાનાં પ્રતીકો સ્વીકાર્યાં બૈદ્યનાથ (ભગવાન શિવ)ના મેળામાં એમની આવવા માટે શહેરીઓ પ્રોત્સાહિત કરતા, પણ એ મેળામાં જતા ત્યારે એમને કોઈ સમોવડિયા ન માનતા. એમનો માત્ર નાચગાન અને મનોરંજન માટે ઉપયોગ થતો.

આમ ચારે બાજુથી સંથાલો ભીંસમાં હતા. એવામાં છોટા નાગપુર પ્રદેશનાં ખનિજો અને લાકડાં સહેલાઈથી લઈ જવા માટે રેલવે લાઇનનું બાંધકામ શરૂ થયું. જે બાકી હતું તે પણ હવે પૂરું થયું. કુદરતને ખોળે મુક્ત જીવન જીવવા ટેવાયેલા સંથાલો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. એમણે હવે બદલો લેવાનું શરૂ કર્યું. અંગ્રેજોના યુનિફૉર્મધારી સૈનિકોને જંગલની લડાઈનો અનુભવ નહોતો.  સંથાલોનાં તીર રોજેરોજ સૈનિકોની લોથો ઢાળવા લાગ્યાં.

એમનો પહેલો રોષ મહાજનો પર ઊતર્યો. એમણે શાહુકારો અને જમીનદારોનાં ઘરો પર હુમલા શરૂ કરી દીધા. માત્ર દામિની-કોહ નહીં આજુબાજુના પ્રદેશોના સંથાલોમાં પણ સંદેશ પહોંચવા લાગ્યો. એમના હુમલાઓ સામે ‘દિક્કુઓ’ (બંગાળી શહેરીઓ)એ સરકારમાં ફરિયાદો કરી. સંથાલોના સાથી જેવા માઝીઓના એક નેતા બીર સિંઘ માઝીને નાયબે કચેરીમાં બોલાવ્યો અને જોડાથી માર્યો. પોલીસે કાન્હૂ અને સીધૂને પણ પકડવાની કોશિશ કરી.

આથી બળતામાં ઘી ઉમેરાયું. સંથાલો ઉશ્કેરાયા. ૩૦મી જૂને પૂનમ હતી તે દિવસે દસ હજાર સંથાલ ભગનડીહીમાં એકઠા થયા. એમણે કંપનીના સત્તાવાળાઓ અને જમીનદારોને પત્રો લખીને જાણ કરી કે ‘ઠાકુરજી’એ નક્કી કરેલા દરે જ મહેસૂલ આપશું. એમણે પંદર દિવસમાં જવાબ માગ્યો.

૧૮૫૫ની સાતમી જુલાઈએ બધા એકઠા થયા. લડવાનો પાકો સંકલ્પ કર્યો અને નીકળી પડ્યા. એમણે કેટલીયે સરકારી કચેરીઓ પર હુમલા કર્યા. અંતે સરકારે પોલીસ ટુકડીઓ મોકલી, રીતસરનું યુદ્ધ થયું. ૧૫-૨૦ હજાર સંથાલો મોતને ભેટ્યા.

દેશ એટલે શું? ‘સભ્ય’ કહેવાતા ઇતિહાસકારો સંથાલોના વિદ્રોહને માત્ર જંગલ અને જમીન માટેનો વિદ્રોહ કહે છે. પરંતુ એ આ દેશ પર ઠોકી બેસાડાતી નવી આર્થિક વ્યવસ્થા સામેનો વિદ્રોહ હતો અને સંથાલો સમજી શક્યા કે આના ખરા અપરાધી કોણ હતા. એક દિવસના ધિંગાણામાં વીસ હજારનાં મરણ થાય એ ઇતિહાસની મોટી ઘટના છે. આદિવાસીઓનું આપણા પર ઋણ છે તેને માથે ચડાવીએ.

0x0x0

દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી