ભગવાન થાવરાણી

સત્યજીત રાયની ફિલ્મોના રસાસ્વાદનવાળી શ્રેણીના એક હપ્તામાં ફિલ્મ સર્જકો વિષયક એક પારિભાષિક શબ્દ AUTEUR ( ઓટર ) ની ચર્ચા કરેલી. AUTEUR એટલે એવા ફિલ્મ સર્જક જેનો પ્રભાવ પોતાની સમગ્ર ફિલ્મના દરેક પાસા પર હોય, એ હદ્દે કે આપણે એમને જ સમગ્ર કૃતિના સર્જક કહેવા પડે ! સત્યજીત રાય આ કક્ષાના સર્જક નિર્વિવાદપણે હતા જ, પરંતુ વિશ્વ-સિનેમાના આલ્ફ્રેડ હિચકોક, ફેડરિકો ફેલિની, જોહ્ન ફોર્ડ, સ્ટેનલી કુબ્રિક, અકીરા કુરોસાવા, યાસુજીરો ઓઝુ, માર્ટીન સ્કોર્સીસ, આંદ્રે તારકોવ્સ્કી, ફ્રાંસ્વા ત્રુફો અને જેમની ફિલ્મોની આજકાલ વાતો કરીએ છીએ એ ઈંગમાર બર્ગમેન આવા AUTEURS માં આવે. હિચકોકનું જાણીતું વિધાન છે કે ‘ મારી ફિલ્મમાં લંડનના કોઈક ધોળા દિવસે રસ્તે પસાર થતી પીળા રંગની મોટરકારનું દ્રષ્ય હોય તો એ રસ્તો, કારની એ બ્રાંડ, એ ઉજ્જવળ દિવસ અને કારનો એ પીળો રંગ મેં પસંદ કરેલો હોય છે ‘ ! 

ઈંગમાર બર્ગમેનની બે ફિલ્મો WINTER LIGHT અને FANNY AND ALEXANDER ના નિર્માણ વિષે બનેલી આશરે બબ્બે કલાક લાંબી ફિલ્મો જોઈએ તો ખ્યાલ આવે કે ફિલ્મ સર્જનના દરેક પાસામાં બર્ગમેન લગભગ ગાંડપણની હદ્દે એકાકાર થયા હોય છે. નિર્દેશન તો ખરું જ, એમની મોટા ભાગની ફિલ્મોમાં પટકથા પણ એમની જ. સંગીત અને સિનેમાટોગ્રાફીમાં પણ ઓતપ્રોત. ક્યારેક તો એ વિભાગો સંભાળતા અન્ય કસબીઓને એ એમના કામમાં હસ્તક્ષેપ કરતા રોય એવું લાગે પરંતુ અંતિમ કૃતિ જોઈએ ત્યારે લાગે કે એ હસ્તક્ષેપ સાર્થક હતો !

મહાન ફિલ્મ સર્જકોમાંથી બર્ગમેન જ એક એવા છે જેમની માટો ભાગની ફિલ્મો આત્મકથાત્મક અથવા એમણે જોયેલાં સ્વપ્નો પર આધારિત છે. આજે જે ફિલ્મની વાત કરવાના છીએ એ CRIES AND WHISPERS ( 1972 )[1] ના મૂળમાં પણ એમને અવારનવાર આવેલું એક સ્વપ્ન છે. સપનામાં સફેદ વસ્ત્રોમાં સુસજ્જ ચાર સ્ત્રીઓ એક રાતા કમરામાં એકબીજા સાથે ગુસપુસ કરતી દેખાયેલી. બચપણમાં એમની આત્માની કલ્પના પણ કાળા વસ્ત્રો પહેરેલ ચહેરાવિહીન મનુષ્ય જે ભીતરેથી લાલ હોય એવી હતી. વીસમી સદીના શરુઆતના વર્ષોમાં આકાર લેતી આ ફિલ્મની વાર્તામાં પણ ચાર સ્ત્રીઓ છે. ત્રણ સગી બહેનો અને ચોથી એમની નોકરાણી. ગર્ભાશયના કેંસરના અંતિમ તબક્કામાંથી પસાર થતી અને મક્કમ પગલે મૃત્યુ ભણી ધકેલાઈ રહેલી એગ્નેસ ( હેરિયટ એંડરસન )એની બે બહેનો કારીન ( ઈંગ્રીડ થુલીન ) અને મારિયા ( લિવ ઉલમાન ) તેમજ એ ત્રણે બહેનોના ભવ્ય મહાલયમાં એમની સેવા કરતી નોકરાણી અન્ના ( કારી સિલ્વાન ). ફિલ્મના કેન્દ્રસ્થાને છે મૃત્યુ. ( ચાર સ્ત્રીઓની જ વાત કરતી આ શ્રુંખલાની જે પ્રથમ ફિલ્મ SO CLOSE TO LIFE આપણે વિસ્તારથી ચર્ચી એમાં જીવનની વાત હતી ! ) . બર્ગમેન કહે છે કે આ ચારેય સ્ત્રીઓના ચરિત્રાંકનમાં કોઈને કોઈ રીતે એમના પોતાના માતા કારીનનો અંશ છે. ફિલ્મ પૂર્ણત: સ્ત્રીપ્રઘાન છે. ( આપણે ચર્ચી ગયા એ AUTUMN SONATA અને PERSONAની જેમ ) . ફિલ્મમાં મૃત્યુ ઉપરાંત શ્રદ્ધા – અશ્રદ્ધા, સ્ત્રી માનસિકતા અને શારીરિક – માનસિક પીડામાંથી જીવનના અર્થની નિષ્પત્તિ, એ બધું પણ સાંકળી લેવાયું છે. બર્ગમેનની અને વિશ્વની શ્રેષ્ઠતમ ફિલ્મોમાં આ ફિલ્મનો શુમાર થાય છે. વળી આ ફિલ્મ નિર્વિવાદપણે એમની સૌથી વિષાદમય અને અંધારી ફિલ્મ છે.

બર્ગમેનની આ પહેલાંની ફિલ્મોથી સાવ અલગ, આ ફિલ્મમાં સંતૃપ્ત લાલ રંગનો ઉપયોગ પશ્ચાદભૂ તરીકે કરવામાં આવ્યો છે. ફિલ્મની ગુણવત્તાનું એક પ્રમાણ એ કે ૧૯૭૨માં આ ફિલ્મને ઓસ્કર માટેની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે નામાંકિત કરવામાં આવેલી ( જે એક બિન-અમેરિકન ફિલ્મ માટે આજે પણ મોટું બહુમાન ગણાય છે ) ફિલ્મની સિનેમાટોગ્રાફી માટે સ્વેન નિકવીસ્ટ ઓસ્કર જીતેલા પણ ખરા. ફિલ્મના એક વિવાદાસ્પદ દ્રશ્યને તો સ્વીડીશ પોસ્ટલ વિભાગે પોસ્ટલ ટિકિટ ઉપર પણ દર્શાવીને સન્માનિત કરેલું. ( બર્ગમેનને ખુદને એ રીતે સન્માનિત કરવા તો સામાન્ય વાત થઈ !

વર્તમાનમાં ચાલતી આ ફિલ્મ વારંવાર ફ્લેશબેકમાં જઈ ફિલ્મના ચારેય મુખ્ય ચરિત્રો – સ્ત્રીઓના જીવનના આંતરપ્રવાહો વર્ણવે છે જેથી એમના વર્તમાન વલણો અને મૂલ્યોની ભૂમિકા મુખર થાય. દરેક સ્ત્રીનો ભૂતકાળ છે જેના છેડા વર્તમાનને સ્પર્શે છે. ફિલ્મમાં થોડીક વાર માટે દેખા દેતી ત્રણે બહેનોની માનો રોલ પણ લિવ ઉલમાન ભજવે છે જ્યારે નોકરાણી અન્નાની બચપણમાં જ મૃત્યુ પામેલી દીકરી અને મારિયાના શૈશવની ભૂમિકા બર્ગમેનની બે દીકરીઓ ભજવે છે.

એગ્નેસનું આવી રહેલું મૃત્યુ ફિલ્મમાં કેન્દ્રસ્થાને છે અને બર્ગમેને કુશળતાપૂર્વક ઘડિયાળોના ફરી રહેલા કાંટાઓ અને ઝૂલી રહેલા લોલકોના પ્રતીકનો ઉપયોગ મૃત્યુની પદચાપ દર્શાવવા કર્યો છે. ફિલ્મમાં લગભગ અધરસ્તે જ એગ્નેસનું મૃત્યુ થાય છે છતાં એ મૃત્યુનો ઓછાયો છેવટ લગી – અંતિમ અદ્ભુત દ્રશ્યને બાદ કરતાં – ફિલ્મ પર મંડરાયેલો રહે છે.

સૌથી મોટી બહેન કારીન અને વચેટ મારિયા બન્ને પરણેલા છે પરંતુ એમનું લગ્નજીવન નિષ્ફળ છે. મરણાસન્ન એગ્નેસ અને અન્ના અપરિણીત છે. એગ્નેસના અંતિમ દિવસોમાં સાથે રહેવા અને ‘ સેવા ‘ કરવા બન્ને બહેનો પરિવાર છોડીને આવી છે પણ એમને પોતાની બહેનમાં કે એની તબિયતમાં કોઈ રસ નથી. એમને માત્ર દુનિયાદારી નિભાવવી છે. બચપણ સાથે વિતાવ્યું હોવા છતાં આ બન્ને બહેનો વચ્ચે આપસમાં પણ કોઈ સુમેળ કે સંવાદ નથી. બન્નેના દુખી લગ્નજીવનના ઓછાયા એમના પારસ્પરિક, બહેન એગ્નેસ અને નોકરાણી અન્ના પ્રત્યેના વર્તનમાં ડોકાય છે. અન્ના કુંવારી માતા બની નાનકડી દીકરીને બચપણમાં જ માંદગીથી ગુમાવી ચુકી છે. એ ધર્મિષ્ઠ અને આસ્થાવાન છે અને એને એગ્નેસ પ્રત્યે સાચો પ્રેમ છે.

ભવ્ય મેન્શનમાં એગ્નેસનો કમરો અલગ છે અને બન્ને બહેનોના અલગ. બધા કમરાઓ લાલ જાજમોથી એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે જાણે શરીરના અલગ – અલગ આંતરિક અવયવો. કેંસરની વેદના ન જીરવાતાં જ્યારે એગ્નેસ ઘાયલ પશુ જેવા ચિત્કાર નાંખે છે ત્યારે અન્ના તુરંત દોડી એની વહારે જાય છે . એની પાછળ બન્ને બહેનો પણ પરંતુ જાણે શરમે – ધરમે.

એગ્નેસની ખબર કાઢવા જરુર પડ્યે આવતો ડોક્ટર ડેવિડ ( અરલેંડ જોસેફસન – આપણે નીરખી ગયા એ SCENES FROM A MARRIAGE નો નાયક ) મારિયાનો પ્રેમી છે એટલું જ નહીં, સ્વયં એગ્નેસને પણ એના માટે છુપો પ્રેમ છે જે એના ક્રિયાકલાપ દ્વારા સ્પષ્ટ થાય છે. મારિયાના પતિને પત્નીના ડોક્ટર સાથેના સંબંધોની જાણ છે પણ એ પત્નીના આધિપત્ય અને એની પરપુરુષ-ભૂખ આગળ નિસહાય છે. ફિલ્મના એક આંચકાજનક ફ્લેશબેક દ્રષ્યમાં એ એના વિરોધમાં આપઘાતનો નિષ્ફળ પ્રયત્ન પણ કરે છે. એ પ્રસંગ વધુ આઘાતજનક એટલા માટે છે કે પતિની ચીસ સાંભળી બેડરૂમમાં દોડી આવતી મારિયા એની વહારે ધાવાને બદલે એને લોહી નીંગળતો સ્થિતપ્રજ્ઞતાથી જોઈ રહે છે !

એગ્નેસને નાની વયે મૃત્યુ પામેલી એમની મા સતત યાદ આવ્યે રાખે છે. એને એ રંજ પણ પીડ્યા કરે છે કે મા એના કરતાં વચેટ બહેન મારિયાને વધુ ચાહતી. એગ્નેસ માને છે કે એની મા માયાળુ, આકર્ષક અને જીવંત હતી પણ એના માટે તો ટાઢી, અલિપ્ત અને ક્રૂર જ ! જોકે હવે આ તબક્કે એને માની એકલતા પણ સમજાય છે.

ફિલ્મની કેંદ્રીય ઘટના એટલે એગ્નેસના મૃત્યુ પછી પણ એની હયાતી સાથે સંકળાયેલા પાત્રો અને એમની સાથે બનતી ઘટનાઓના નિરુપણ દ્વારા સર્જક એ વાત ભણી સંકેત કરે છે કે જે જીવે છે એમનું જીવન વળી ક્યાં ઓછું દુખદ છે અને કદાચ એમના મૃત્યુની ઘડી એગ્નેસ કરતાં પણ વધુ કારમી હશે ! એગ્નેસના મૃત્યુ પછીના એક યાદગાર દ્રષ્યમાં મારિયા મોટી બહેન કારીનને કહે છે કે તેમણે ભાગ્યે જ એકમેકને સ્પર્શ કર્યો છે અથવા સગી બહેનોને છાજે એવી અંતરંગ વાતો કરી છે. એ કારીનને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે અને કારીન ભારોભાર અણગમા પૂર્વક જાતને સંકોરી લે છે !

મોટી બહેન કારીન ભૂતકાળમાં જઈ એક ભયાનક ઘટના યાદ કરે છે. એના પતિ ફ્રેડરીકને પોતાનાથી દૂર રાખવા – પોતાનો શારીરિક સંસર્ગ ન કરવા પ્રેરવા એ ઈરાદાપૂર્વક પોતાના ગુપ્તાંગોને કાચના ધારદાર ટુકડાથી ઈજા કરે છે. પછી ત્યાંથી વહેતું લોહી પોતાના મોઢે ચોપડી, પતિને દેખાડી ચુપચાપ એનો ઉપહાસ કરે છે ! જેથી પતિને એના કરતાં પણ વધુ ઈજા પહોંચે ! સિનેમાના ઈતિહાસના સૌથી ચોંકાવનારા, વિક્ષિપ્ત કરનારા દ્રષ્યોમાંનું એક છે આ દ્રષ્ય !  એ વખતના કારીન એટલે કે અભિનેત્રી ઈંગ્રીડ થુલીનના ચહેરાના ભાવ – જાણે એ ધ્રુસ્કે – ધ્રુસ્કે રડી પડવું રોકતી હોય અને એના ઠેકાણે વિજયી સ્મિત ઓઢતી હોય – એ આ અભિનેત્રીની પ્રતિભાનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે.

ફિલ્મમાં નોકરાણી અન્નાને આવતા એક સ્વપ્નમાં, મૃત્યુ પામેલી પરંતુ હજી અંતિમ સંસ્કાર બાકી છે એવી એગ્નેસ જીવંત થાય છે અને કારીન અને મારિયાને બૂમો પાડી પોતાના કમરામાં બોલાવે છે. મહાપરાણે એગ્નેસ પાસે જઈ કારીન કહી દે છે કે તું તો મરી ગઈ, હું હજી જીવું છું અને મને તારામાં કોઈ રસ નથી. એ જ રીતે મારિયા પણ મૃત પરંતુ જીવંત થયેલી એગ્નેસને એમ કહીને ભાગી છૂટે છે કે હું બહેન ખાતર કંઈ પતિ અને બાળકોને છોડી ન દઉં ! માત્ર અન્ના જ એવી છે જે એગ્નેસની નજીક જાય છે, એગ્નેસનું માથું પોતાના ગોઠણે મુકી એને માની જેમ હિંચોળે છે. એ એક જ છે જે સ્પર્શનો – પ્રેમનો અર્થ જાણે છે અને એ એક જ છે જે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે ! અન્નાની પ્રકૃતિ અહીં પૂર્ણત: પ્રગટે છે.

અન્ય એક પ્રસંગમાં પણ અન્નાનું ચરિત્રની સરળતા અને પારદર્શકતા સુપેરે ઉજાગર થાય છે. એ ઈસુની પ્રતિમા આગળ મીણબત્તી પેટાવી વિનંતી કરે છે કે પ્રભુ ! તમારી પાસે આવેલી મારી દીકરીનું ધ્યાન રાખજો, એને તમારો અનંત પ્રેમ આપજો. પછી તરત મીણબત્તી ઓલવી, નીચે તાસકમાં પડેલ સફરજન ઉઠાવી, એક બટકું ભરીને સફરજન મૂકી દે છે !

એગ્નેસ હયાત અને પ્રમાણમાં પીડામુક્ત છે એવા ફિલ્મના એક દ્રષ્યમાં મારિયા પથારીમાં સૂતેલી એગ્નેસ આગળ ચાર્લ્સ ડિકંસની નવલકથા પિકવીક પેપર્સના એક પરિચ્છેદનું પઠન કરે છે. ફિલ્મના માત્ર બે શાતાદાયક દ્રષ્યોમાંનું એ એક છે. બાકી મહદંશે ફિલ્મમાં ઘરની લાલ દીવાલોમાંથી જાણે પીડા ઝરે છે જેને એ દીવાલો જ શોષી લે છે !

ફિલ્મની મધ્યમાં આવતું એગ્નેસના મૃત્યુવાળું દ્રષ્ય હૃદયવિદારક છે. મૃત્યુનું એક – એક પગલું દર્શકને સંભળાય, ‘ એ આવી રહ્યું છે, આવે છે, હવે પહોંચ્યું, હવે એણે મૃતકને દબોચી લીધું ‘ એવું લાગ્યા કરે. એ ક્ષણે અન્ના અને બન્ને બહેનોની વિપરીત પ્રકૃતિ ફરી એકવાર સ્પષ્ટ થાય છે. એક બાજુ મરી રહેલી એગ્નેસને ખોળામાં લઈ અન્ના મૃત્યુને જાણે શક્ય તેટલું દૂર હડસેલવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગે તો બીજી બાજુ બન્ને બહેનો કોઈક ને કોઈક બહાને એગ્નેસથી – કહો કે મૃત્યુથી – આઘી ભાગે ! એગ્નેસની મરણચીસો ભલભલાને થથરાવી દે અને પીડાથી છૂટવા પોતાની જ છાતીમાં જે મુક્કા મારે એ જાણે આપણને જ વાગતા હોય એવું લાગે !

એગ્નેસના અંતિમ સંસ્કાર પતી ગયા પછી બન્ને બહેનોના પતિ પોતાની પત્નીઓને લઈ જવા અને વિશાળ મહાલયનો વહીવટ આટોપવા આવે છે. ચારે વ્યવહારુ અને ઘમંડી લોકો અન્નાને બોલાવી, અેના માથે ઉપકાર કરતા હોય તેમ એને ટચુકડી રકમ આપે છે અને જાણે ‘ ચાલતી પકડવાનું ‘ કહે છે. એની પ્રિય એગ્નેસની યાદગીરીરુપે એની કોઈક વસ્તુ આપવાની ‘ ઉદાર ‘ દરખાસ્ત પણ કરે છે. ફિલ્મમાં એકમાત્ર વાર ઊંચા અવાજે બોલતી અન્ના એ સ્વીકારવાનો ઈંકાર કરે છે. પણ અન્નાએ કશુંક તફડાવ્યું તો છે જ. એ છે પુત્રીવત એગ્નેસની ડાયરી ! એ ડાયરીમાંની એગ્નેસની સ્મૃતિઓ એ ફિલ્મના માત્ર બે ખુશનુમા પ્રસંગોમાંનું બીજું અને ફિલ્મનું છેલ્લું ઉત્તમોત્તમ દ્રષ્ય.

એ સમય જ્યારે એગ્નેસની પીડા બહુ તીવ્ર નહોતી . ત્રણે બહેનો અને અન્ના સફેદ વસ્ત્રોમાં, હરિયાળી લોનમાં, પ્રસન્ન મુદ્રામાં. ત્રણે બહેનો ખુશખુશાલ લોનમાં મોટા હીંચકે બેસે છે અને અન્ના એમને ઝૂલાવે છે. એગ્નેસ ડાયરીમાં લખે છે  આ જ સુખ છે. હું જેમને સૌથી વધુ ચાહું છું એ બધા મારી સંગે છે. હું એમને સાંભળી, સ્પર્શી શકું છું. આથી વધુ શું જોઈએ ! હું અંતરતમથી જિંદગીની ઋણી છું. એણે મને ખોબલે – ખોબલે આપ્યું છે. 

ઔર જીનેકો ક્યા ચાહિયે ! આપણને ગુજરાતી કાવ્યપંક્તિઓ સાંભરે :

આળપંપાળથી શું વધુ જોઈએ ?
સારસંભાળથી શું વધુ જોઈએ ?

એક પંખીને બસ ચહેકવા, ઝૂમવા
લીલીછમ ડાળથી શું વધુ જોઈએ ?

અન્ના – ફિલ્મની એકમાત્ર સરળ અને પારદર્શક સ્ત્રી – માટે આ જ સ્મૃતિભેટ છે. પીડા અને મૃત્યુની સાક્ષાત ઉપસ્થિતિ છતાં એગ્નેસનો આ કૃતજ્ઞતાભાવ આપણને ગદગદિત કરે છે.

આ ફિલ્મ મૃત્યુ ઉપરાંત પ્રેમ, જાતિયતા, ઘૃણાની વાત કરે છે. બર્ગમેનની આ સિવાયની કોઈ પણ ફિલ્મની છાપ તમને આ ફિલ્મ માટે તૈયાર નહીં કરી શકે. આ ફિલ્મ પ્રજાળે પણ છે, વિક્ષિપ્ત કરે છે, ભયભીત કરે છે પરંતુ સાથે – સાથે મંત્રમુગ્ધ પણ કરે છે. આ માત્ર સ્ત્રીઓનું વિશ્વ છે, બર્ગમેનની અગાઉની SILENCE, PERSONA અને AUTUMN SONATA ની જેમ. એ સ્ત્રીઓ ઉપભોગના સાધન નથી. એ એવા પાત્રો છે જેમના થકી સર્જક પોતાના ભય, હતાશાઓ અને નિષ્ફળતાઓ વ્યક્ત કરે છે.

આ ફિલ્મના પાત્રો પરસ્પર સંવાદ સાધી શકતા નથી, સાવ પ્રાથમિક તબક્કાના સંપર્ક સિવાય. જે વિશ્વને એ લોકો સાચવી કે સમજી શકતા નથી એમાં એ બધા મદદ માટે ચિત્કારી રહ્યા છે. એ લોકો એક મૌન વિશ્વ સાથે માથું ફોડે છે. અહીંનો ઈશ્વર લાપરવાહ છે. ફિલ્મની ચાર સ્ત્રીઓએ આવા વેરાન અને લાગણીશૂન્ય જગતનો સામનો કરવાનો છે. રસપ્રદ વાત એ કે બર્ગમેનના પુરુષ પાત્રો હમેશા સ્વાર્થી રહ્યા છે. બીજી બાજુ એમના સ્ત્રી પાત્રોની નિષ્ફળતાનું કારણ એમનું શરીર અને જાતિયતાથી ઉપર નીકળવાના એમના પ્રયાસો છે. એ સ્ત્રીઓ પોતાના શરીરની મર્યાદાઓના કારણે પોતાની શુષ્ક અને ખાલીખમ જિંદગીઓમાં સપડાઈને કરમાય છે. ( જેમ કે આ ફિલ્મમાં કારીનનું સ્વ-દમન, મારિયાની પુરુષ ભૂખ અને મરણાસન્ન એગ્નેસ સુદ્ધાંનું ડોક્ટરના સ્પર્શને ઝંખવું ! )

એક સંગીત – વિવેચકે મોઝાર્ટના પિયાનો કોંસર્ટો નંબર 14 વિષે લખેલું કે એ CRIES AND WHISPERS જેવું લાગે છે. એ પરથી પ્રેરણા લઈ આ શીર્ષક રાખવામાં આવ્યું છે. એક અન્ય મંતવ્ય અનુસાર ફિલ્મનું આ શીર્ષક એ મૃત્યુ સમયે મનુષ્યના મોમાંથી નીકળતા ઉદ્દગારો છે.

ફિલ્મની શરુઆતના જ દ્રષ્યમાં પથારીમાં પડેલી એગ્નેસ કંઈ કહે એ પહેલાં તો બર્ગમેનના કાયમી સિનેમાટોગ્રાફર સ્વેન નિકવીસ્ટનો કેમેરા એના ચહેરા, ફાટેલા હોઠ, સુક્કા મોં અને મહામુશ્કેલીએ પ્રવાહી નીચે ઉતારતા ગળા ઉપર ફરી વળે છે. આ અભિનેત્રી હેરિયટ એંડર્સનને વહેલા સુઈ જવાની ટેવ હોવા છતાં બર્ગમેન એને રાત્રિના મોડે સુધી જગાડતા જેથી ફિલ્મમાં એનો થાકેલો, માંદો ચહેરો વધુ વાસ્તવિક લાગે ! ફિલ્મમાં એના કરતાં વધુ અનુભવી અને સફળ અભિનેત્રીઓ લિવ ઉલમાન અને ઈંગ્રીડ થુલીન હોવા છતાં આ ફિલ્મ હેરિયટની છે. કોઈકે લખ્યું છે કે એનો અભિનય  એટલો શક્તિશાળી છે કે આપણે પ્રેક્ષક તરીકે હાજર રહીને એને અવરોધતા હોઈએ એવી લાગણી અનુભવીએ છીએ. મૃત્યુને ઝંખવું અને મૃત્યુથી ડરવું એ બન્ને ભાવ એણે અદ્ભુત રીતે પ્રગટાવ્યા છે.

મૃત્યુ એક એવો વિષય છે જે ભણી બર્ગમેન વારંવાર પાછા ફર્યા છે. જાણે કોઈ માણસ પોતાના દૂખતા દાંતને વારંવાર જીભથી ખોતરતો હોય ! મૃત્યુની પ્રક્રિયા જીવનનો અંતિમ તબક્કો છે અને સૌથી પીડાદાયક ! મોટા ભાગના કિસ્સામાં મૃત્યુ ધીમે ધીમે થાય છે, બહુ ઓછા કિસ્સામાં સાવ અણધાર્યું ને અચાનક ! એ અંતિમ દિવસોમાં મરનારને ક્યારેક અદ્ભુત દિવ્યતાના દર્શન થાય એવું ય બને. બર્ગમેને કહ્યું છે કે CRIES AND WHISPERS અને PERSONA એવી ફિલ્મો છે તેમાં હું પૂર્ણપણે સ્વતંત્રતાથી કામ કરી શકેલો. આ બન્ને ફિલ્મોમાં હું એવા શબ્દાતીત રહસ્યોને સ્પર્શી શકેલો જે સિનેમામાં જ ઉઘાડી શકાય. મારી બધી ફિલ્મોને બ્લેક એંડ વ્હાઈટ નજરે જોઈ શકાય, CRIES AND WHISPERS સિવાય !

બર્ગમેન સંશયવાદી હતા. એમની ફિલ્મોમાંથી અનુમાન લગાવી શકાય કે એમને એ લોકોની ઈર્ષ્યા છે જેમની શ્રદ્ધા એમને એવું માનવા પ્રેરે છે કે ‘ સામે પારનું જીવન પણ સુંદર છે ‘. અનિશ્ચિતતામાં ઘૂમરાવા કરતાં એ બેહતર પણ છે. આ ફિલ્મનું સૌથી પ્રેમાળ અને પ્રશાંત ચરિત્ર અન્ના પણ શ્રદ્ધાળુ છે, નાનકડી પુત્રીને બચપણમાં ગુમાવ્યા છતાં એ વિનમ્ર અને સ્વીકારભાવવાળી છે.

વૂડી એલનની ફિલ્મો INTERIORS ( 1978 ) અને HANNAH AND HER SISTERS ( 1983 ) ઉપર આ ફિલ્મની ઘેરી અસર છે તો MARGARETHE VON TROTTA ની ફિલ્મ – ત્રયી THE BALANCE OF HAPPINESS, MARIANNA AND JULIANNE અને LOVE AND FEAR માં પણ આ ફિલ્મના ઓછાયા ! 1955 ની CARL THEODORE ની ફિલ્મ ORDET ના પડઘા આ ફિલ્મમાં સંભળાય છે. મહાન ફિલ્મ સર્જક ફ્રાંસ્વા ત્રુફો આ ફિલ્મ માટે કહે છે કે એનો આરંભ મહાન લેખક એંતોન ચેખવની વાર્તા THREE SISTERS જેવો છે અને અંત એમના જ નાટક THE CHERRY ORCHARD જેવો !

ફિલ્મમાં સંગીતકાર ફ્રેડરીક ચોપીનની એક તરજ વાગ્યા કરે છે. યોહાન બાક ની સંગીત રચનાઓ પણ નેપથ્યે રણઝણે છે.

ફિલ્મનો અંત એક રીતે બર્ગમેનની ફિલ્મ WILD STRAWBERRIES ના અંત સાથે સામ્ય ધરાવે છે. એ અંત ભૂતકાળ તરફ આંગળી ચીંધી કહે છે કે આપણું સ્વર્ગીય અસ્તિત્વ બાળપણના એ ખંડમાં છે જે આપણે છેક વીસરી બેસીએ છીએ. એગ્નેસની ડાયરીના ફિલ્મના અંતિમ શબ્દો છે  ‘ હા, ભૂતકાળ અને વર્તમાન પીડાદાયક હોય પરંતુ આપણા જખમોને આપણે આપણા ભવિષ્યનું નિર્માણ કરવા ન દઈ શકીએ. આપણે અવાજ ખોલવો પડે, વ્યક્ત થવું પડે, અન્યથા ગણગણાટમાં જ આખું જીવન વ્યતીત કરવું પડે.

આ ફિલ્મ એવા દરેક રસિકે અનુભવવી જોઈએ જેને જીવન અને પ્રેમને જોડતા સેતુમાં રસ છે. એ ત્યારે જોવાય જ્યારે તમારું મન અને આત્મા પ્રહારો ખમવા તૈયાર હોય. પોતાના મનનો આ અગોચર ખૂણો છતો કર્યા પછી બર્ગમેન આપણને આસાનીથી છોડી દેવા માંગતા નથી કારણકે આ ફિલ્મ જોવી એટલે માનવીય લાગણીઓના અંતિમોને સ્પર્શવા..

[1]

https://youtu.be/Mu0C1eQEon8


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.