શૈલા મુન્શા

“આંખો પર દ્રશ્યોના ઉઝરડા પડ્યા છે,
કરમાયું સરોવરઃ કમળ પણ રડ્યાં છે!!” 

સુરેશ દલાલ

શ્રી સુરેશ દલાલના “ઉઝરડા” કાવ્યની આ પંક્તિ આજે પણ મારા દિવ્યાંગ વિધ્યાર્થી એ.જે (એડિયસ)ને યાદ કરતાં યાદ આવી જાય છે.

ઘણા વર્ષોથી અમેરિકામાં દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું અને  કેટલાય અનોખા બાળકો સાથે  અવનવા અનુભવો થતા રહે છે, પણ કોઈ અનુભવ દિલને એક  ટીસ એક વેદના આપી જાય છે.

એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમાં આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. મમ્મીની ભુલની સજા એ ભોગવી રહ્યો હતો. અમેરિકામાં સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. આ કારણે ઘણીવાર બાળક જન્મે પણ વણજોઈતું બની જાય. એ.જે.ના કિસ્સામાં પણ એવું જ કાંઈક બન્યુ.

માતાની ઉંમર માંડ અઢાર વર્ષની જ્યારે એ.જે. નો જન્મ થયો. મુગ્ધાવસ્થાનો પ્રેમ તો ના કહેવાય, પણ જાતીય આકર્ષણના કારણે ભણતર પુરું થયું નહોતું અને લગ્ન કરી લીધા. બાળ ઉછેરની કોઈ આવડત નહિ, ન આર્થિક પરિસ્થિતિ એટલી સરસ અને અઢાર વર્ષની છોકરીમાં એટલી સહનશક્તિ પણ નહિ. એક દિવસ નશાની હાલતમાં માતાએ રાત્રે રડતાં બે વર્ષના એ.જે.ને જમીન પર ફેંક્યો. બે વર્ષનુ કુમળુ બાળક બચી તો ગયું, પણ કમરના મણકા પર દબાવ આવ્યો અને એ.જે.નો ડાબો હાથ અને ડાબો પગ કામ કરતાં અટકી ગયા. મગજ પર અસર થઈ અને જ્ઞાનતંતુ પુરી રીતે કામ કરતાં અટકી ગયા. માતાને જેલ થઈ પણ એ.જે.ના પિતાએ સમજદારી દાખવી અને એ.જે.ની કસ્ટડી એમને મળી. એમણે પણ આ જવાબદારી ખુબ પ્રેમ અને નિષ્ઠાપુર્વક ઉપાડી લીધી.

એ.જે જેવો ત્રણ વર્ષનો થયો એને દિવ્યાંગ બાળકોના ક્લાસમાં પ્રવેશ મળી ગયો. એ.જેના પિતા વ્હીલચેરમાં મુકવા આવતાં અને અમારી સાથે ખૂબ પ્રેમપૂર્વક એ.જે અને એની પ્રગતિ માટે શું કરી શકાય એ વિશ વાત કરતાં રહેતા.

શાળાની દરેક પ્રવૃતિમાં હમેશ હાજર અને ખાસ તો અમારે બાળકોને પિકનિક પર લઈ જવાના હોય ત્યારે એ હમેશ એ.જે. સાથે આવતાં. એ.જે ની તબિયત થોડી ખરાબ હોય અને ફોન કરીએ તો પંદર મીનિટમાં એને લઈ જવા હાજર. પેરેન્ટ-ટીચર કોન્ફરન્સ હોય તો હાજર. ઊંચા પહોળા અને એમનુ વજન પણ વધારે. હમેશ નરમાશ અને વિવેકથી વાત કરે અને અને અમારો એટલો આભાર માને કે જાણે એ.જે. માટે અમે શું નુ શું કરી નાખ્યું હોય.

એ.જેને પણ પિતાના જીન્સ મળ્યાં હતા. વ્હીલચેરમાં સતત રહેવાને કારણે એનુ પણ વજન વધારે અને ઉમરના પ્રમાણમાં ઊંચાઈ પણ સારી. આટલી શારીરિક તકલીફ હોવા છતાં એ.જે હમેશ હસતો અને ખુશમિજાજ બાળક હતો.

એ.જેના જીવનનો અતિ ગમગીન દિવસ આજે પણ યાદ કરતાં શરીરના રુંવાડા ઊભા થઈ જાય છે.

એ દિવસ, મારા અને મીસ સમન્થા માટે હૈયામાં ટીસ ઉત્પન કરનારો બની રહ્યો.

પાંચ દિવસના થેંક્સ ગીવિંગ વેકેશન (અમેરિકામાં ઉજવાતો સર્વ પ્રત્યે આભાર પ્રગટ કરવાનો ઉત્સવ) પછી સ્કૂલે જવાનો જ કંટાળો આવતો હતો, પણ થોડા દિવસમાં નાતાલની બે અઠવાડિયાની રજા પડશે એ યાદ કરતાં હું  સ્કુલે પહોંચી. બાળકો પણ જાણે આળસી ગયા હોય તેમ ૭.૩૦ વાગ્યા સુધી કોઈ આવ્યું નહોતુ.

એ.જે.ની મમ્મી જેલમાંથી છૂટ્યા પછી પોતાની ભૂલ સમજી હતી, ને થોડા વખતથી એ.જે.ના માતા પિતાના સંબંધમાં સુમેળ દેખાતો હતો. સાથે તો નહોતા રહેતા, પણ ક્યારેક શનિ-રવિ એ.જે મમ્મી પાસે રહેતો અને સોમવારે સવારે મમ્મી એને સ્કૂલમાં લઈ આવતી.

એ દિવસે જ્યારે એ.જે. ની મમ્મી એને સ્કૂલમાં લઈને આવી, ત્યારે સ્કૂલ બસ પણ એ જ સમયે આવી એટલે હું બસમાંથી અમારા બાળકોને ઉતારવા ગઈ હતી. બાળકોને લઈને ક્લાસમાં આવતા મેં ડ્રાઈવરને કહ્યું પણ ખરૂં કે એ.જે. રજામાં એની મમ્મી પાસે રહ્યો લાગે છે એટલે આજે એ લઈને આવી.

ક્લાસમાં બાળકોને લઈને આવતા મેં જોયું કે,  એ.જે.ની મમ્મીની આંખમાં ઝળઝળિયાં અને સમન્થા સ્તબ્ધ ઊભી હતી.

એ.જે. ના પિતા રજા પડી એ જ દિવસે વહેલી સવારે ઊંઘમા જ અવસાન પામ્યા હતા. એ.જે. એના પિતા સાથે ઘરમા એકલો હતો. નસીબજોગે સવારે થેંક્સ ગીવીંગ માટે શું કરવું છે તે પૂછવા એ.જે.ની મમ્મીએ એ.જે.ના પિતાને ફોન કર્યો. વારંવાર ફોન કરવા છતાં જ્યારે સામેથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ગભરાઈ ને એણે એપાર્ટમેન્ટની ઓફીસમા ફોન કર્યો અને વિનંતી કરી કે મહેરબાની કરી દરવાજો ખોલી જૂવો કે બધું બરાબર છે કે નહિ?

એ.જેના પિતાને હાર્ટની થોડી તકલીફ તો હતી જ. ઉંચા પહોળા, અને વજન પ્રમાણમાં વધારે. આ પણ એક કારણ હોઈ શકે કે એમને પોતાની તબિયતની ચિંતાને કારણે એ.જે.ની મમ્મી સાથે સંબંધ સુધારવા માંડ્યા હતા, જાણે કે એમને મનમાં ઉગી આવ્યું હતું કે કદાચ મારી આવરદા વધુ નથી.

અપાર્ટમેન્ટની મેનેજરે પોલીસ બોલાવી એમની હાજરીમાં દરવાજો ખોલ્યો ત્યાં સુધીમાં ઘણી વાર થઈ ગઈ હતી. એ.જે.ના પિતા પલંગ પર મૃત અવસ્થામાં અને એ.જે.બાથરૂમના દરવાજા પાસે જમીન પર પડ્યો હતો.

પિતાની બાજુમાં સુતેલો બાળક, શું બની ગયું એનાથી અજ્ઞાત, ક્યારે સરકી જમીન પર આવ્યો અને આટલા કલાકો શું વિત્યું એના પર એ તો ભગવાન જ જાણે!!!

સોમવારે જ્યારે રજા પછી સ્કૂલ ખુલી એ દિવસની સવાર આ સમાચાર લઈ આવશે એની કોઈને ખબર નહોતી. સમન્થા અને હું આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતાં. એ.જેની મમ્મીના ચહેરા પર પસ્તાવાના આંસુ રેલાઈ રહ્યાં હતા.
એ.જે.ના સ્મિતવદના ચહેરામાં ફક્ત એક જ ફેરફાર દેખાતો હતો. એ જે એની પાસે જે આવે,એનો હાથ સખત રીતે પકડી જાણે સુરક્ષિતા ને હુંફ માટે ફાંફા મારતો હોય એવું એવું લાગતું હતું. હમેશનો હસતો અને સહુને હાયને બાય કહેતો અણસમજુ એ.જે. શાંત બની ગયો હતો.

અમે તો એ.જેને વધુ પ્રેમ સુરક્ષિતાની લાગણીથી હુંફ આપવાનો પ્રયાસ કર્યો જ હતો, પણ ઈશ્વર કૃપાએ એ.જેની મમ્મીમાં અમે ધરમૂળથી ફરક જોયો. એને પોતાની જવાબદારીનો અહેસાસ થયો. એ.જે પ્રત્યેની લાગણી, પ્રેમ અને એની દેખભાળ સારી રીતે કરવાની લગન અમે જોઈ શકતા હતા.

એક નાદાની ભર્યું પગલું અને એના પરિણામે એક તંદુરસ્ત બાળકને અકારણ જીવનભરની સજા!!!

એક જ આત્મસંતોષ અમને હતો કે એ.જેનુ ભવિષ્ય હવે સલામત હતું અને અમારા સહુના પ્રયત્ને એ વધુ વિકાસ પામી અમારી વિદાય લઈ મીડલ સ્કૂલમાં ગયો.

આ દિવ્યાંગ બાળકોની વધુ માવજત અને પ્રેમ કરવાની શક્તિ મને મળતી રહે અને એમની ઉર્જા મારા જીવનને સફળ બનાવે એ જ પ્રભુને પ્રાર્થના!!


સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

ઈ-મેલ: smunshaw22@yahoo.co.in

બ્લૉગ: www.smunshaw.wordpress.com