નિસબત
ચંદુ મહેરિયા
બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨) માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ હંમેશા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પરામર્શમાં રહીને જ કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૧૭ મુજબ દેશની કોઈપણ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ, સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને વડીઅદાલતના મુખ્ય ન્યાયાધીશના પરામર્શ પછી કરવાની હોય છે. આ બંધારણીય જોગવાઈઓને અનુસરીને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક, બદલી, બઢતી થતી હતી. ચીફ જસ્ટિસની નિમણૂક સિનિયોરિટીના આધારે થતી હતી. બંધારણમાં જજીસની નિમણૂકનો અબાધિત અધિકાર સરકારને હતો.
આ જોગવાઈ હેઠળ વહાલા-દવલાની નીતિ છતાં એકંદરે સુચારુ રીતે કામ ચાલતું હતું. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન કહ્યાગરા ન્યાયાધીશોની બોલબાલા છતી થઈ હતી. એ સમયે શ્રીમતી ગાંધીએ સરકાર વિરોધી લાગતા સોળ હાઈકોર્ટ જજીસની બદલીઓ કરી નાંખી હતી. જસ્ટિસ એચ.આર.ખન્ન્નાની વરિષ્ઠતાને અવગણીને સરકારના તરફદાર ગણાતા જસ્ટિસ એ..એન.રે.ને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પદે નિયુક્ત કરાયા હતા. એટલે અત્યાર સુધી અક્ષુણ્ણ રહેલી ન્યાયતંત્રની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર જોખમ સર્જાયું હતું.
ન્યાયાધીશોની નિમણૂક સંબંધી બંધારણીય જોગવાઈઓને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી. તેના અર્થઘટનના પણ સવાલો ઉભા થયા હતા. ૧૯૮૧માં એસ.પી.ગુપ્તા વિરુધ્ધ ભારત સરકારના કેસના ચુકાદામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથેના પરામર્શનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અને બદલીનું નિયંત્રણ સરકાર કે વહીવટી તંત્ર હસ્તક હોવાનું સ્વીકાર્યું હતું. પરામર્શનો અર્થ વિચારોનું આદાનપ્રદાન ખરું પણ સંમતિ નથી તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન વર્સિસ ઈન્ડિયાના જજમેન્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો અભિપ્રાય મહત્વનો છે અને પરામર્શ એટલે માત્ર અભિપ્રાય કે વિચારો જાણવા નહીં પરંતુ તેમની સંમતી જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. વળી આ ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના બે વરિષ્ઠ ન્યાયાધીશો સાથે પરામર્શ પછી જે નામોની નિમણૂક અંગે અભિપ્રાય આપે કે ભલામણ કરે તે રાષ્ટ્રપતિને અર્થાત સરકારને બાધ્યકારી હોવાનું જણાવ્યું હતું. હાલની કોલેજિયમ સિસ્ટમનો ઉદભવ આ ચુકાદાથી થયો છે.
૧૯૯૮માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણને બંધારણના અનુચ્છેદ ૧૪૩ અન્વયે સુપ્રીમ કોર્ટમાં પ્રેસિડેન્સિયલ રેફરન્સ કર્યો હતો. તેમાં ચીફ જસ્ટિસના પરામર્શ કે અભિપ્રાય અંગે સ્પષ્ટતા માંગી હતી. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભના ચુકાદામાં જણાવ્યું હતું કે ન્યાયાધીશોની નિમણૂક અંગેનો સીજેઆઈનો અભિપ્રાય બહુમતી ન્યાયાધીશોનો અભિપ્રાય ગણાશે અને તેમાં સુપ્રીમના ચાર વરિષ્ઠ જજીસ સાથે પરામર્શ કરવાનો રહેશે. એ રીતે સીજેઆઈ ઉપરાંત ચાર સિનિયર જજીસ એમ કુલ પાંચ વ્યક્તિની હાલની કોલેજિયમ સિસ્ટ્મ અસ્તિત્વમાં આવી હતી.
ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને સ્વાયત્ત છે.પરંતુ કોલેજિયમને કારણે ન્યાયાધીશોની નિમણૂક-બદલીનો અધિકાર સરકાર પાસે ન રહ્યો અને ખુદ ન્યાયાધીશો જ તેમના સાથી ન્યાયાધીશોની નિમણૂક –બદલી કરે તે સરકારને ખૂંચે છે. એટલે સરકારે ૨૦૧૫માં સંસદના બંને ગ્રુહોમાં નવ્વાણુમો બંધારણ સુધારો પસાર કરી , નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની રચના કરી હતી. આ કમિશનના વડા કોલેજિયમની જેમ ચીફ જસ્ટિસ હતા. તેના કુલ છ સભ્યોમાં સુપ્રીમના બે વરિષ્ઠ જજીસ, કેન્દ્રીય કાયદા મંત્રી અને બે બિનસરકારી સભ્યોની જોગવાઈ કરી હતી. બિનસરકારી સભ્યોની પસંદગી વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અને લોકસભાના વિપક્ષના નેતાની સમિતિ કરે તેમ ઠરાવ્યું હતું. પ્રથમ નજરે કોલેજિયમ જેવા લાગતા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગને પણ અદાલતી પડકાર મળ્યો હતો. સુપ્રીમે તેને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ ગણી બંધારણ સુધારાને ૨૦૧૬માં ગેરબંધારણીય ગણ્યો અને કૉલેજિયમ યથાવત રહી.
ન તો બંધારણમાં કે નતો સંસદ ના કોઈ કાયદા દ્વારા કૉલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે પરંતુ આ એક બંધારણબાહ્ય , સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી અમલમાં આવેલી, પ્રણાલી છે. બંધારણીય જોગવાઈઓ મુજબ સંસદે પસાર કરેલા કાયદાથી અસ્તિત્વમાં આવેલ ન્યાયિક નિમણૂક આયોગને સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય ઠેરવે અને બંધારણબાહ્ય કોલેજિયમ ચાલુ રહે તે ભારે વિચિત્ર બાબત છે.
કૉલેજિયમ સિસ્ટમ સામે અનેક સવાલો છે. ન્યાયાધીશો જ ન્યાયાધીશોની નિમણૂક કરે તે અસહ્ય છે. આ પ્રણાલી અપારદર્શી છે અને પરિવારવાદને પોષે છે તેવા આરોપો છે. કોલેજિયમની કાર્યવાહીને માહિતી અધિકાર કાયદાથી પણ મુક્ત રાખતો ચુકાદો તેની પારદર્શિતા સામે સવાલો ખડા કરે છે. દેશની મોટાભાગની અદાલતોના ન્યાયાધીશો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો જ હોવાનું કેન્દ્રીય કાયદા મંત્રી જણાવી ચુક્યા છે. આ પ્રણાલી ન્યાયતંત્રની તાનાશાહી જેવી છે અને જજીસની નિમણૂકમાં યોગ્યતા, કામ પ્રત્યેની નિષ્ઠા તથા કાબેલિયતની અનદેખી થતી હોવાનો પણ આરોપ છે. ન્યાયાધીશોની નિમણૂકની સમગ્ર પ્રક્રિયામાંથી વહીવટી તંત્ર કે સરકારની બાદબાકી કરી નાંખવી તે અતાર્કિક અને બિનલોકશાહી પગલું પણ જણાય છે.
કૉલેજિયમે એકવાર ભલામણ કરેલ નામો સરકાર પરત કરે અને કોલેજિય જો તેને સર્વાનુમતે ફરી મોકલે તો સરકાર તે સ્વીકારવા બાધ્ય હોવાની જોગવાઈ આ સ્થિતિમાં નિર્ણય લેવામાં અસીમિત વિલંબ કરીને સરકાર કોલેજિયમને અર્થહીન કરે છે. સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેની આ ટકરામણ ઈચ્છનીય નથી. કેમ કે એક અભ્યાસ પ્રમાણે ૨૦૧૮ અને ૨૦૧૯ના બે વરસોમાં આ ગજગ્રાહને કારણે ૧૪૬ નામોની નિમણૂક લટકી હતી. તેમાં ૧૧૦ નામોને કેન્દ્રની મંજૂરી બાકી હતી તો ૩૬ નામો પર કોલેજિયમનો પુનર્વિચાર બાકી હતો.
આ સમસ્યાનો ઉકેલ સરકાર અને ન્યાયતંત્રે એકબીજાના વિરોધીને બદલે પૂરક બની કાઢવો રહ્યો. બંધારણીય જોગવાઈઓ, કોલેજિયમ સિસ્ટમ અને નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની સારી જોગવાઈઓને સાંકળીને સરકારનું નિયંત્રણ પણ રહે અને ન્યાયતંતની સ્વતંત્રતા પણ જળવાય તેવી કોઈ પધ્ધતિ શોધી શકાય. નીચલી અદાલતોના ન્યાયાધીશો માટેની પસંદગી પ્રક્રિયા કે સનદી સેવાની પસંદગી પ્રક્રિયાનો પણ આધાર લઈ શકાય. જો આમ થઈ શકે તો કૉલેજિયમ સિસ્ટમનો વિકલ્પ મળી શકે. ન્યાયતંત્રે કોલેજિયમ પ્રત્યેની મમત અને સરકારે તે નઠારી હોવાની જિદ છોડવી રહી.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.