મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

પુરાણા સમયમાં જ્યારે સમૂહ માધ્યમો અને સોશિયલ મિડિયા ન હતાં ત્યારે ‘શાસ્ત્રો’ નામનું મિડિયા તો હાજર હતું જ. નારદ મુનિ નામના તે વખતના એક મોટા  ખબરપત્રીનું નામ આજે પણ ખૂબ જાણીતું છે. તે કાળમાં લડાઇઓનું પણ જીવંત પ્રસારણ થતું. કોમેન્ટેટરો તો તે વખતમાં અનેક હશે. પરંતુ સંશોધનકારોને મહાભારતના યુદ્ધનું જીવંત પ્રસારણ કરનાર સંજય નામના કોમેન્ટેટર સિવાય અન્ય નામ હજુ સુધી મળ્યું નથી. તે યુગમાં ‘સુભાષિતો’ નામની એક મોટિવેશનલ ચેનલ ચાલતી, જેના પર વિષ્ણુ શર્મા નામના એક ડાયરેકટરે ‘હિતોપદેશ’ નામની એક  શ્રેણી શરૂ કરેલી..

વિષ્ણુ શર્માની આ શ્રેણીંના એક એપિસોડમાં પ્રસારિત થયેલું કે,

“आहार निद्रा भय मैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् ।
धर्मो हि तेषामधिको विशेष: धर्मेण हीनाः पशुभिः समानाः ॥

(આહાર નિદ્રા, ભય અને પ્રજોત્પતિ બાબતે મનુષ્યો અને પશુઓ એક સમાન છે. માત્ર ધર્મ એ જ મનુષ્યની વિશેષતા છે. એથી ધર્મ વિનાના મનુષ્યને પશુ સમાન જાણવો)”

ચાર્વાક મુનિ અને તેમના અનુયાયીઓને પશુ સમાન ગણવાની આ વાત મને ગમી તો નહિ ઉપરાંત તેમાં સચ્ચાઈ પણ નથી એવું લાગ્યું. લાગે છે કે કોઈ મઠાધીશે પોતાના અનુયાયીઓ વધારવા માટે વિષ્ણુ શર્માને દ્રવ્ય આપીને આ શ્લોક લખાવ્યો હશે. ખરેખર તો આપણને પશુઓથી અલગ પાડનાર ધર્મ નહિ પરંતુ આપણી સુખની ઇચ્છા છે. માણસ સિવાય અન્ય કોઈ પ્રાણીને ભવિષ્યમાં સુખી થવાની  ઇચ્છા થતી નથી. સુખ કોને કહેવાય તે બાબતે ‘તુંડે તુંડે ર્મતિભિન્ના’ હોવા છતાં મોટાભાગના લોકો સુખની શોધમાં જ જીવન વ્યતિત કરે છે. બાળકને તેના જીવનમાં સુખ મળે એ આશાએ વાલીઓ તેને નિશાળે મોકલે છે. ભણ્યા પછી માત્ર ભરણપોષણ માટે જ નહિ પરંતુ સુખ પણ મળે એ આશાએ તે નોકરીધંધો શોધે છે, સુખી થવા માટે પોતે લગ્ન કરે છે. ત્યાર પછી  વૃદ્ધાવસ્થામાં પોતે સુખી રહે તે માટે પ્રભુના પયંગબરોને બોલાવે છે. પ્રભુના આ પયંગબરો પોતે સુખી થાય તે માટે  શાળામાં પ્રવેશ કરે છે, ભણ્યા પછી  કામધંધો શોધે છે, પરણે છે વગેરે વગેરે. આમ સુખી થવાના પ્રયત્નોનો ક્રમ ચાલુ રહે છે. શ્રદ્ધાળુઓ પોતાનાં મૃત્યુ પછી સ્વર્ગનું સુખ પામવા માટે ધરમધ્યાન અને હરિભજન કરે છે..

માણસનાં જીવનમાં સુખનું મહત્વ એટલું બધું છે કે પોતાના નામો પણ ધનસુખ, મનસુખ, તનસુખ,  જયસુખ, મહાસુખ, સુખલાલ, સુખદેવ, સુખરામ વગેરે વગેરે રાખે છે. સુખી નામની મહિલાઓ પોતાનાં નામને વિશેષણમાં તબદીલ કરવા પ્રયત્ન કરે છે. કોઈ અનુભવીએ જુદા જુદા સુખોને મેરિટ નંબર આપીને કહેવત પણ બનાવેલ છે.–પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ કોઠીમાં જાર, ત્રીજું સુખ સુલક્ષણા નાર, ચોથું સુખ ઘેર દીકરા..- જો કે મજાની વાત એ છે કે દરેકને પોતાનું સુખ પછીના ક્રમના સુખ કરતા મેરિટમાં પાછળ હોય તેમ લાગે છે. આમ સુખ બાબતે પારકા ભાણાનો લાડુ જ મોટો  છે.

સુખ એ  ભાવવાચક નહિ પરંતુ  દ્રવ્યવાચક નામ છે એવી ગેરસમજને કારણે યુ. નો. જેવી સંસ્થાએ જુદા જુદા દેશોમાં સુખનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે ‘હેપીનેસ ઇ‌ન્ડેક્ષ’ માપવાનું શરૂ કર્યું છે. પશ્ચિમના ભોગવાદી દેશોને સાચું સુખ કોને કહેવાય તે ખબર ન હોવાથી સુખ માટેના માપદંડો પણ તેમણે ભૌતિક સુખના અધારે નક્કી કર્યા છે. આ કારણે જ આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે બિરાજતા વિશ્વગુરુ ભારતને તેમણે  છેક છેવાડે 136મા ક્રમે મૂકેલ છે. આપણે એ બાબતે સહેજ પણ વિચલિત થયા વિના આપણા પૂર્વજોએ શરૂ કરેલું  સાચા સુખ વિષે ચિંતન ચાલુ જ રાખીએ છે. આ લેખ પણ એ જ ઉપક્રમમાં છે..

આનંદ,ખુશી, સુખ વગેરે શબ્દો ઘણુંખરું પર્યાયવાચક હોય તેમ લાગે છે. ખૂબ ઝીણું કાંતનારા તેમાં અર્થભેદ જુએ છે. પરંતુ આપણે એવા ભેદોથી પર રહીશું

એમ કહેવાય છે કે ભૂખ્યા માણસને રોટલામાં ભગવાન દેખાય છે. અહીંયા ભગવાનનો અર્થ સુખ એવો જ સમજાય છે. બીમાર માણસને રોગમુક્તિમાં સુખ જણાય છે. લોભીનો આનંદ ધનના સંગ્રહમાં  છે. રાજકારણીઓ ખુરશીમાં ખુશી જુએ છે. આમ માણસે માણસે નોખાં નોખાં સુખ હોય છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે પોતે જેમાં સુખ જુએ છે તે વસ્તુની પ્રાપ્તિ થયા પછી  ધારેલું સુખ મળતું નથી, કદાચ સુખ મળ્યું છે તેમ લાગે તો પણ તેની અનુભૂતિ સમય જતા બષ્પીભવન પામીને ઊડી જાય છે. આ રીતે ભલે આપણે ઠેર ને ઠેર આવીને ઊભા રહી જતા હોઈએ, પરંતુ આપણી સુખની શોધ અટકતી નથી.

નવી ચીજવસ્તુ ખરીદવાથી આનંદ દરેકને મળે છે. આ આનંદ પણ ગજબની ચીજ છે. ધનવાનોને જેમ વસ્તુ મોંઘી તેમ આનંદ વધારે, મધ્યમ વર્ગનો આનંદ વસ્તુ સસ્તી મળે તેમાં હોય  છે અને ગરીબો માટે તો મરીજ સાહેબે કહી જ  દીધું જ છે  “ગરીબને વસ્તુ ઈશ્વરથી પણ નિરાકાર હોય છે”

આપણો સૌનો અનુભવ છે કે મધ્યમ વર્ગની મહિલાઓ નવી સાડી કે અન્ય નવા પરિધાન ખરીદીને  રાજી થાય છે. પરંતુ એ જ વસ્તુ પડોશી સસ્તા ભાવે લઈ આવ્યા છે તેની જાણ થતા જ તેનો આનંદ ઊડી જાય છે. ટૂંકમાં આપણે જ્યાં શોધીએ છીએ ત્યાં સુખ મળતું નથી. કદાચ ક્યારેક મળે છે તો ટકતું નથી.

કેટલાક સુખો દવાના ડોઝ જેવાં હોય છે, જો નિયત કરતા વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ફાયદાને બદલે નુક્શાન કરે છે. આ વાત સમજવા માટે આપણે એક જુગજૂની રમૂજ યાદ કરીએ.

એક માણસને પૂછવામાં આવ્યું, “તેં સુખનો અનુભવ ક્યારે કર્યો હતો?” તો  તેનો  જવાબ હતો, “એક વાર જ્યારે મારા શરીરે ખસ થઈ હતી ત્યારે હું  તદ્દન નવી જ કાથી વડે ભરેલા  ખાટલામાં આળોટેલો. એ વખતે  મેં જે સુખનો અનુભવ કરેલો એવું સુખ જિંદગીમાં ક્યારેય માણ્યું નથી”  પરંતુ આ રીતે સુખ માણનારે જો વધારે સમય શરીરને ખાટલા સાથે ઘસ્યે રાખ્યું હોત તો તે લોહીલુહાણ થ‌ઇ ગયો હોત અને તેનું થોડા સમયનું સુખ, દુ;ખમાં તબદીલ ગયું હોત. એટલે તો વૈરાગ્ય શતકમાં ભૃતુહરિએ કહ્યું છે,

‘भोगा न भुक्ता वयमेव भुक्ताः ।‘

કેટલાક ચિંતકોનું માનવું છે કે સુખ આપણને મળવા આતુર જ હોય છે, પરંતુ આપણે તેને એપોઈ‌ન્ટમે‌ન્ટ આપતા નથી. આથી કોઈ સજ્જને “સુખને એક અવસર આપો.” નામનું આખું એક પુસ્તક લખવું પડ્યું છે.

આ રીતે સુખ વિષે ચિંતન અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. પરંતુ આપણે તો મહેતા નરસૈયાને જ યાદ કરીશું. તેમની એ  વાતમાં દમ  પણ છે કે સુખ અને દુ:ખ બન્ને આપણા ઘટ કહેતા શરીર સાથે જોડાયેલા જ છે. સંજોગોને કારણે જ્યારે દુ:ખ અનુભવીએ છીએ ત્યારે પણ સુખ તો હાજર જ હોય છે. આર્થિક રીતે દુ:ખી હોય તે શારીરિક રીતે સુખી હોઈં શકે છે, દુબર્ળ દેહ ધારણ કરનાર પૈસેટકે સુખી હોય છે. બન્ને રીતે દુ:ખી હોય તેનો સંસાર સુખી હોઈ શકે છે. ત્રણેય વાતે દુ:ખી હોય તેની પાસે ક્યારેક જ્ઞાનની સમૃદ્ધિનું સુખ હોય છે.  આપણને  જે બધી રીતે  દુ:ખી લાગે  તેને કુદરતે  ગમે તે સ્થિતિમાં આનંદી રહી શકે તેવો સ્વભાવ બક્ષેલો હોય છે.  ટૂંકમાં દરેક વ્યક્તિ  કોઇને કોઇ રીતે સુખી હોય જ છે. પેલાં ફિલ્મી ગીતમાં ભલે કહેવાયું હોય કે ’દુખ તો આપના સાથી હૈ’  પરંતુ દુ:ખની સાથે  સુખ પણ આપણું સાથી હોય છે. આપણે આપણા સુખને ઓળખતા નથી હોતા. આથી સુખ મેળવવા દોડવાની બદલે આપણી પાસે એવું ઘણું બધું હોય  છે કે જેને સુખ તરીકે ઓળખી અને માન્યતા અપવાની જરૂર છે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.