વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – નાટકો

    પુસ્તક પરિચય

    રીટા જાની

    અર્વાચીન ગુજરાતી સાહિત્યના અતિ સમર્થ લેખક  શ્રી. કનૈયાલાલ મુનશીની કલમનો કસબ વેબગુર્જરીના માધ્યમથી આપણે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં છેલ્લા બે વર્ષથી માણી રહ્યા છીએ. માત્ર કવિતા સિવાય સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે-નવલકથા, નાટક, નિબંધ, ચરિત્ર, આત્મકથા, સાહિત્યિક ઇતિહાસ…… એમણે મહત્વનું પ્રદાન કર્યું છે. ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એમણે ચિરંજીવ અને સીમાસ્તંભરૂપ પ્રદાન કર્યું છે. તેમની નવલકથાઓ નાટ્યતત્ત્વ અને નાટ્યાત્મક શૈલીથી રસસભર છે, તો તેમની પાસેથી સ્વભાવિક જ નાટકો મળે. મુનશીની પ્રતિભા એક સમર્થ નાટયકાર તરીકેની પણ છે. નાટયકાર મુનશીએ સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક એમ ત્રણેય પ્રકારના નાટકો લખ્યાં છે. મુનશીના નાટકો ગુજરાતી નાટક અને રંગભૂમિના ક્ષેત્રે  સીમાચિહ્નરૂપ છે. મુનશીએ બિનધંધાદારી ગુજરાતી નાટકમંડળીઓ માટે ઉત્કૃષ્ટ કૃતિઓ આપી રંગભૂમિ અને સાહિત્યિક નાટકો વચ્ચેના અંતરને ઓછું કર્યું. બોલાતી જીવંત ભાષાનો  રણકાર મુનશીના નાટકોમાં સંભળાય  છે.

    મુનશીને રંગભૂમિ અને નાટકો પ્રત્યે બાળપણથી જ આકર્ષણ હતું. નાટકમંડળી જ્યારે ગામમાં આવે ત્યારે તેમના પિતા પોતાના ઘેર ઉતારતા. બાળમુનશી પર તેનો ઘણો પ્રભાવ પડતો.  મુનશી જ્યારે કોલેજમાં હતા ત્યારે નાણાકીય ભીડમાં પણ નાટક જોવા માટે પૈસાનો બંદોબસ્ત કરી જ લેતાં એવું તેમણે આત્મકથામાં નોંધ્યું છે. અને જ્યારે પત્ની ને પ્રેમિકા  સાથે યુરોપ ગયા ત્યારે પણ તેમણે પાશ્ચાત્ય નાટકો જોયા. આમ તેમને નાટક પ્રતિ ઉત્કટ લગાવ હોવા છતાં નવલકથાની તુલનાએ નાટક ઓછાં લખ્યાં છે. ઐતિહાસિક નવલકથાના બેતાજ બાદશાહે કુલ પંદર નાટકોમાં ફક્ત એકજ ઐતિહાસિક નાટક ‘ધ્રુવસ્વામિનીદેવી’ આપ્યું છે. જ્યારે નાટકમાં એમને સામાજિક વિષયવસ્તુએ સફળતા અપાવી છે.

    મુનશીનાં નાટકોમાં બિનજરૂરી લંબાણ નથી કારણ પહેલાં નાટકમાં ગીતોનો સમાવેશ થતો હતો. મુનશીના નાટકો સમય સાથે તાલ મિલાવતાં અને  તત્કાલીન જનરૂચિને અનુકુળ હતાં. બાળપણથી જ રંગભૂમિના ચાહક હોવાથી ગુજરાતી ધંધાદારી રંગભૂમિની વિશેષતા અને મર્યાદાઓથી તેઓ વાકેફ હતા. ડૂમા, હ્યુગો, બર્નાર્ડ શો જેવા સર્જકોનો તેમના માનસ પર  પ્રભાવ હતો. તેથી વ્યવસાયી રંગભૂમિનાં  ઉત્તમ તત્વોનો અને પાશ્ર્ચાત્ય નાટ્યશૈલીનો સમન્વય સાધી તેમણે કલાત્મક સાહિત્યિક નાટકો આપ્યા.

    મુનશીના સામાજિક નાટકો મુખ્યત્વે પ્રહસનરૂપ છે. તેમાં મુનશીએ શ્રીમંત વર્ગના દંભ અને અભિમાન  હાસ્ય સ્વરૂપે દર્શાવ્યા છે. ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ અને ‘બે ખરાબ જણ’ હાસ્યપ્રધાન અને વ્યંગપ્રધાન છે. ‘કાકાની શશી’ રંગભૂમિ પર સફળ નીવડેલું ઉલ્લેખનીય નાટક છે. ‘બ્રહ્મચર્યાશ્રમ’માં લેખકે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની હાંસી ઉડાવી છે. ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ તેમની જ નવલકથા ‘સ્નેહસંભ્રમ’નું નાટ્યરૂપાંતર છે. ‘ડૉ.મધુરિકા’ સમાજમાં નારીના મુક્ત વિચારોના કારણે ઊભી થતી સમસ્યાઓની વાત છે. તો ‘છીએ તે જ ઠીક’ અને ‘વાહ રે વાહ !’ હાસ્યપ્રધાન છે.

    ‘કાકાની શશી’ એ ત્રિઅંકી પ્રહસન છે. આ નાટ્યકૃતિમાં મનુષ્યની વૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના ઓઠા હેઠળ કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી લોકોની હાંસી કરાયેલી છે. નાટકનો અંત થોડો વિવાદાસ્પદ બનાવ્યો છે છતાં આ એક સફળ નાટ્યકૃતિ છે એટલું જ નહીં પણ નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની મહત્વની કડી છે.

    આ ઉપરાંત ‘પુરંદર પરાજય’, ‘અવિભક્ત આત્મા’,  ‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ જેવા આપણી સંસ્કૃતિના પાયાના  પરિવેશને ઉજાગર કરતાં પૌરાણિક નાટકો પણ આપ્યા છે. સાથે આપણે લેખમાળાના ક્રમાંક-17માં જોયું એમ ‘લોપામુદ્રા’નો પ્રથમ ખંડ નવલકથારૂપે આપ્યા પછી લેખકે એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા છે. આ કૃતિઓને મુનશીએ ‘પૌરાણિક’ કહી છે. પરંતુ એ શબ્દશ:  ‘પૌરાણિક’ નથી. કારણકે કેટલીકવાર પુરાણકાળ પહેલાંના વેદકાળમાં પણ તે વિસ્તરે છે.

    ‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ બંને નાટક થોડે ઘણે અંશે મળતાં આવે છે. પિતાની માગણી અને હુકમ ખાતર કે પ્રભાવ હેઠળ સંતાનોનું બલિદાન છે. સ્વતંત્રતાનો મહિમા છે. ‘તર્પણ’માં સહસ્ત્રાર્જુને જમદગ્નિ માર્યા ત્યારથી તે સગર ગાદીએ બેઠાં ત્યાં સુધીની એક સતત વિપ્લવાત્મક વિગ્રહ ચાલી રહ્યો હતો એનો છેલ્લો પ્રસંગ આલેખાયો છે.

    “અવિભક્ત આત્મા”ના અંતમાં અરુંધતી અને વસિષ્ઠના લગ્ન દ્વારા એમ કહેવું મુનશીને અભિપ્રેત હોઇ શકે કે તપ અને પદ કરતાં સ્નેહનું મૂલ્ય વધારે છે. અરુંધતી સપ્તર્ષિ પદ પ્રાપ્ત કરવા તપ આદરે છે. એ જ અરુંધતી વસિષ્ઠને સપ્તર્ષિ પદ મળ્યા બાદ પોતાના હજાર શિષ્યોને ભૂલી જઇને એમની સાથે ચાલી નીકળે છે.

    “પુત્રસમોવડી”ના કેન્દ્રમાં દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની છે. પુત્રતુલ્ય થવા મથતી દેવયાની શુક્રાચાર્યનાં પ્રભાવમાં જીવે છે. પ્રથમ પ્રેમી કચથી પિતાને ખાતર છૂટી પડે છે. યયાતિ સાથેના લગ્નમાં પણ ઇન્દ્રાસન પર વિજય મેળવવાની શરત મૂકે છે. દેવયાનીમાં તેજ છે પણ એ તેજ પ્રકાશ ફેલાવવાને બદલે અન્યોને દઝાડે છે. મુનશી નાટકોના પૌરાણિક પાત્રોમાં કાલ્પનિક બદલાવ લાવી એમનો તંતુ આજનાં સમય સાથે પણ જોડે છે.

    શ્રી. વિનોદ અધ્વર્યુ ઐતિહાસિક નાટક ‘ધ્રુવસ્વામિનીદેવી’ના  કથાનક વિષે કહે છે કે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’ પર આધારિત આ સમગ્ર કૃતિ મુનશીનું જ સર્જન છે. નિર્વીય સમગુપ્તની જાજવલ્યમાન સામ્રાજ્ઞી ધ્રુવાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લઘુબન્ધુ ચંદ્રગુપ્તની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્તનું બનાવટી ગાંડપણ, કાયર રામગુપ્ત અને બર્બર શકક્ષત્રપ વચ્ચે અવદશામાં મુકાતી ધ્રુવાદેવીની ચંદ્રગુપ્તના પરાક્રમથી મુક્તિ, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હઠાવી તેનાં સામ્રાજ્ય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ-વગેરે નાટ્યાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ પ્રયોગાનુકૂલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠ્યકૃતિ તરીકે વધુ આવકાર્ય બની છે.

    નાટકો અને અન્ય સાહિત્ય  બંને લેખક  કે નાટયકાર  માટે અભિવ્યક્તિના પ્રકારો છે પરંતુ  બંને વિચારશીલતા પ્રેરતા હોવા છતાં નાટક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ હોવાને  કારણે તેનો સંદેશ  વધુ  સચોટ રીતે  પહોંચે છે. જેમ નવલકથામાં મુનશી  વિશિષ્ટ  સ્થાન ધરાવે છે  તે જ રીતે નાટકમાં પણ તે અજોડ છે તેમ લાગે  છે.


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com

  • તીરછી નજર: વાર્તાઓ માટે જાણીતા રજનીકુમારની હાસ્યવાર્તાઓ

    પુસ્તક પરિચય

    પરેશ પ્રજાપતિ

    આજ સુધીમાં રજનીકુમાર પંડ્યાના સિત્તેર ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે. તેમાં ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ,સામાજિક ચિંતન-નિબંધો, જીવનચરિત્રો, વ્યક્તિચિત્રો- જેમાં ફિલ્મી હસ્તીઓથી લઇ સામાજિક નિસબત ધરાવતી નામી- અનામી અનેક વ્યક્તિઓ ઉપરાંત સંસ્થાઓ અંગેનાં લખાણો પણ સામેલ છે. ‘દાંડીકૂચના બજે ડંકા’ નામે એક નાટક પણ તેમણે લખ્યું છે. આ સિવાય સંપાદન અને સંકલનો પણ ખરા! આ અગાઉ તેમણે હાસ્ય-કટાક્ષ વાર્તાઓ પણ લખી છે, જેના બે સંગ્રહો ‘હાસ બિલોરી’ તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૦૩નું ‘જ્યોતિન્દ્ર દવે પારિતોષિક’ વિજેતા ‘શબ્દઠઠ્ઠા’ પ્રકાશિત થઇ ચૂક્યા છે. આ ક્રમમાં ‘તીરછી નજર’ તેમનો ત્રીજો હાસ્યવાર્તાસંગ્રહ છે.

    આ વાર્તાસંગ્રહ બે ભાગમાં વિભાજીત છે. પહેલા વિભાગમાં માનવમનની વિસંગતીઓને હાસ્યરસમાં ઝબોળીને પ્રસ્તુત કરાયેલી કુલ ૧૯ વાર્તાઓ છે. આ વાર્તાઓમાં પાત્રોને તેમણે રાજકીય નેતાના તો ક્યારેક સરકારી કારકૂનના; શેઠના તો ક્યારેક ચપરાશીના એમ વિવિધ વાઘા પહેરાવ્યા છે, પણ તેમના માધ્યમથી રજનીકુમારે મનોદર્પણ પર ઉપસેલી છબીઓને કલમ વાટે વાર્તારૂપે કાગળ પર ઉતારી છે.

    આ વાર્તાઓની વિશેષતા એ કે તેમાં હાસ્ય ઉપરાંત કોઇ ચિરંતન સત્ય છુપાયેલું છે. જેમ કે; પહેલા ક્રમની વાર્તા ‘પૃથ્વીરાજ ચૌહાણનો વેશ’માં, રમૂજ સાથે સમજાવ્યું છે કે શિખરે બિરારજમાન વ્યક્તિમાં ગમે તેવું કૌવત અને કૌશલ્ય કેમ ના હોય, પણ કોઇ એક તબક્કે તો નીચે ઉતરી બીજા માટે જગ્યા ખાલી કરવી જ પડે છે. આ વાત તેમણે ઘરડા થવા છતાં પણ પૃથ્વીરાજ ચૌહાણનો કિરદાર નિભાવવા ઉત્સુક મકન મહારથીના પાત્રથી રજૂ કરી છે. એ જ રીતે ‘જીકુભાનો જેજેકાર’ તથા ‘હાઇ કમાન્ડ હાય, હાય’ જેવી વાર્તાઓ રાજકારણને તર્ક તથા નિયમોથી બાર ગાઉ છેટું રહેતું હોવાનો મર્મ પકડીને લખાઇ છે. એવોર્ડોમાં ચાલતા લોલમલોલની વાત ‘લાટા એવોર્ડ’માં તથા સહુને સાચવવા જતાં મૂળ હેતુ જ માર્યો જાય તેવા નિર્ણયોની વાત ‘મેગાફાસ્ટ ટ્રેનની જનમકુંડળી’ વાર્તામાં હાસ્ય નીપજાવતી શૈલીમાં આલેખાઇ છે. ‘એક લેડી ક્લાર્કની કેફિયત’ વાર્તામાં નેતા કરતાંય ચપરાશીની પહોંચ ઘણી ઉંચી હોવાનું મરક મરક હસાવતા રહીને પ્રતિપાદિત કર્યું છે; તો ‘એક પૂંછડાનો ફેર!’ જેવી વાર્તાથી હાસ્યની સાથે કાયદાઓની પોકળતા તરફ અંગુલીનિર્દેશ કરાયો છે.

    વાર્તાઓ થોડા બહોળા અર્થમાં સમજવાનો પ્રયાસ કરવામાં આવે તો વાચકને પણ સમજાય છે કે વાર્તામાં જેમ નાયકની એક આભાસી દુનિયા છે, એવું આભાસી વિશ્વ તેને ખુદને પણ વળગેલું છે! અને વાર્તાનાયકની જેમ જ નિરર્થકતાની જાણ હોવા છતાં તેને સત્ય માનવા અને ઠેરવવા ખુદ પણ કેટલાં વલખાં મારે છે! રજનીકુમારે આવા વલખાંઓને હાસ્યરસ નિપજાવતી વાર્તારૂપે રજૂ કર્યા છે.

    ‘આત્મારામની અદાલત’ નામના બીજા વિભાગમાં રજનીકુમારે સર્જેલા પાત્ર આત્મારામને કેન્દ્રમાં રાખી લખાયેલી ૧૪ વાર્તાઓનો સમાવેશ છે. આ વાર્તાઓમાં એવી કેટલીક પ્રતિક સમસ્યાઓનો આધાર લેવાયો છે કે જે તે સમયે વ્યક્તિને જબરદસ્ત માનસિક પરિતાપ આપવાની સાથે ક્યારેક આત્મઘાત તરફ દોરી જાય છે. જેમ કે, કેન્સરની બિમારી, જીવનસાથીની પસંદગીમાં અસંતોષ, ઇર્ષા, નસીબ, વ્યવસાયિક સમસ્યાઓ, સલાહો, મોળા પડતા જતા સંબંધોનો સ્વીકાર, ખુન્નસ વગેરે… પ્રોફેસર આત્મારાંમની આંખે જૂઓ તો એ સમસ્યાઓ એટલી મોટી નથી હોતી, જેટલી પીડાતી વ્યક્તિને તે જણાય છે! કેટલીક ઉપાધિઓના ઉપાયો સહજ અને સરળ હોય છે તો કેટલીકનો સ્વીકાર! રજનીકુમારે પ્રોફેસર આત્મારામના પાત્રની મદદથી ખૂબ જ સલુકાઇથી આ સત્ય સમજાવ્યું છે; અલબત્ત, હાસ્યરસના મરમી લેખક બીરેન કોઠારીએ પ્રોફેસર આત્મારાંમનો પરિચય કરાવતાં એક સ્થળે લખ્યું છે કે,પ્રોફેસર આત્મારામ કોટ અને ટાઇ પહેરેલો મોટીવેશનલ થીન્કર કે સ્પીકર નથી, કે નથી એ ચિંતક. એ તો મારા- તમારા, આપણા જેવો સામાન્ય વ્યક્તિ છે, જે ક્યારેક આપણા કરતાંય અતિસામાન્ય વ્યક્તિ જણાય છે. તે કોઇ જાણતલની ભૂમિકામાં આવ્યા વગર મૂંઝવણ અનુભવતા પાત્ર સાથે આત્મીયતાથી ખભે હાથ મૂકી શરૂઆતમાં તેની ‘હા’ માં ‘હા’ મિલાવે છે ત્યારે શરૂઆતમાં રમૂજનો ભાવ નીપજે છે. વાત ઉપાયો તરફ આગળ ધપતી જાય તેમ ગંભીરતા પકડાય છે અને છેવટે ઉઘાડ છવાઇ જાય છે. પ્રોફેસરના સંપર્કમાં આવ્યા પછી એમ થઇ આવે કે કેટલા સરળ ઉપાયો અને ક્યારેક સહજ સ્વીકૃતિને અભાવે આપણે અકારણ કેટલી પીડા વેઠતા હતા!

    રજનીકુમારનું ઘણું લેખન સત્યઘટનાઓ પર આધારિત રહ્યું છે. સંવેદનાથી ઝણઝણાવી મૂકતાં તેમનાં લખાણોની પ્રભાવકતા અને સંખ્યાને કારણે તેઓ ગંભીર લેખનના વ્યક્તિ ગણાય છે. તેઓ ખુદ નોંધે છે કે તેમનું લક્ષ માણસના જીવનમાં ઘોળાયેલી કારુણી તરફ વધુ રહે છે. પરંતું મન- વર્તનની વિસંવાદિતના અનુભવો મનના ખૂણે અંકિત થાય ત્યારે કટાક્ષ જન્મે. તેમાંથી જેને કાગળ પર ઉતરવાનો મોકો મળ્યો તે આ વાર્તાસંગ્રહ ‘તીરછી નજરે’.

    હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે રજનીકુમારની હાસ્યવાર્તાઓ વિશે લખ્યું છે કે આ રજનીકુમારની તીરછી નજરમાં ઇર્ષ્યા, રાગ-દ્વેષ, ભય, ગુસ્સો વગેરેનો પાસ જોવા નથી મળતો. તેમનાં લખાણોમાં માત્ર રમૂજ છે જે સમભાવ પ્રેરિત છે. તેમણે એમ પણ નોંધ્યું છે કે મોટે ભાગે કોઇ કથાની ઓથ લઇને આગળ વધતી કથાઓ હાસ્યકથા તરીકે ઓળખાય છે. આવી રચનાઓમાં કથાનો ભાર વધતાં કલાત્મક માવજત જળવાતી નથી. પરંતું વાર્તાકલાના દરેક માપદંડથી તપાસતાં ‘તીરછી નજર’ની હાસ્યવાર્તાઓ ટૂંકી વાર્તાઓની જોડાજોડ ઊભેલી જણાય છે. આ વાર્તાઓ રજનીકુમારને ગંભીરલેખન ઉપરાંત હાસ્યલેખકોની પંગતમાં માનભેર સ્થાન અપાવે તેવી સક્ષમ છે.

    *** *** ***

    પુસ્તક અંગે માહિતી:

    તીરછી નજર: રજનીકુમાર પંડ્યા
    લેખક સંપર્કઃ rajnikumarp@gmail.com

    પૃષ્ઠસંખ્યા : ૧૬૦‌
    કિંમત : ₹ ૩૦૦/-
    પ્રથમ આવૃત્તિ,ઓક્ટોબર ૨૦૨૨

    મુદ્રક અને પ્રકાશક :  ઝેન ઓપસ, અમદાવાદ
    વિજાણુ સંપર્ક: contact@zenopusl.in
    વિજાણુ સરનામું: www.zenopus.in


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • તમે જેવા છો તેવા જ તમારી જાતને સ્વીકાર્ય છો ?

    વાત મારી, તમારી અને આપણી

    ડૉ. મૃગેશ વૈષ્ણવ
    એમ.ડી.(મનોચિકિત્સક)

     મન અને શરીરથી જે હોય તેનાથી જુદા કે બીજાઓ જેવા બનવાના જે વ્યક્તિ પ્રયત્નો કરે છે તેના જેટલી દુ:ખી, અસહાય કે હતાશ વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઇ નથી.

    વલ્લરી એના કુટુંબમાં સૌથી નાની હતી. તેનો એક ભાઇ એક પ્રતિષ્ઠિત કંપનીમાં ફાઇનાન્સ મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો. બીજો એક ભાઇ સફળ ધારાશાસ્ત્રી તરીકે શહેરમાં જાણીતો હતો. મોટી બહેન ડૉકટર બની તેની જ લાઇનના તબીબ સાથે પરણી હતી અને બીજા નંબરની બહેને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. જ્યારે વલ્લરી મહામુશ્કેલીએ આર્ટસ ગ્રેજ્યુએટ થઇ હતી. તેના અન્ય ભાઇ બહેનો દેખાવમાં પણ સુંદર અને પ્રતિભાશાળી હતા.

    જ્યારે વલ્લરી દેખાવે સામાન્ય હતી. બાર વર્ષની ઉંમરે જ તેને ભારે નંબરના ચશ્મા આવ્યા હતા. પોતાનો સામાન્ય દેખાવ, ચશ્માના જાડા કાચ અને સામાન્ય બુદ્ધિ પ્રતિભાને કારણે વલ્લરી એવું માનતી હતી કે અવિનાશરાય મહેતા પ્રતિષ્ઠિત સોલીસીટરના ખાનદાનનો એક અંશ ગણવાને તે લાયક નથી. વલ્લરી નાનપણથી જ સ્વભાવે શરમાળ, ઓછાબોલી અને વધારે પડતી સંવેદનશીલ હતી. તે ઘરમાં પણ કોઇની જોડે ભળતી નહિ અને તેને ખાસ કોઇ બહેનપણી પણ નહોતી. તે હંમેશા પોતાની મોટી બે બહેનોના ઉતરેલા કપડાં જ પહેરતી. કારણ કે તે એવું માનતી કે પોતે ગમે તેટલા નવાં અને આધુનિક વસ્ત્રો પરિધાન કરે તો પણ ક્યારેય તેની બહેનો જેટલી સુંદર તે દેખાવાની નથી.

    નાનપણથી જ તે ન કોઇની સાથે રમવા જતી કે ન ઘરમાં પણ કોઇ પ્રકારનું તોફાન કરતી. સતત બેઠાડુ જિંદગીને કારણે તે સ્થૂળકાય થઇ ગઇ હતી. સામાન્ય દેખાવ, ચશ્માના જાડા કાચ, સ્થૂળ શરીર, બહેનોના ખૂલતા કપડા તથા લઘુતા અને શરમથી સતત મોં છૂપાવીને ફરતી વલ્લરીની ચિંતા તેની માતાને પણ વિશેષ હતી. પુત્રીને પ્રોત્સાહિત કરવા તે હંમેશા કહ્યા કરતી… ”તારી મોટી બહેનો જેવી થા… ભાઇઓ પાસેથી કંઇક શીખ…” પરંતુ આવા વાક્યો વલ્લરીને વધારે હતોત્સાહ કરતાં હતાં. તેની બહેનો કે ભાભીઓ જેટલી સુંદર, પ્રતિભાવાન કે બુદ્ધિમાન તે ક્યારેય નહિ થઇ શકે એ વાતનો તેણે સ્વીકાર કરી લીધો હતો. વલ્લરીને કુટુંબના અન્ય લોકો જેવી બનાવવા માટે તેનો આત્મવિશ્વાસ અને પ્રતિભા વધારવા માટે માતા અરૃણાબેને ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ વલ્લરી તો તેના કોચલામાં વધારે ને વધારે ભરાઇ જતી હતી.

    આખરે વલ્લરી એટલી બધી ભાંગી પડી કે તેને તેનું અસ્તિત્વ હેતુવિહીન અને અર્થવિહીન લાગવા માંડયું. જિંદગી એક બોજારૃપ લાગવા માંડી. જીવનથી હારી ચૂકેલી, આત્મવિશ્વાસ અને આત્મસન્માનનો સંપૂર્ણ અભાવ અનુભવતી વલ્લરી આત્મહત્યા કરવાનો નિર્ણય લઇ ચૂકી હતી, પરંતુ આવું કરવાથી કુટુંબની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું માની આત્મહત્યા કરવાની હિંમત પણ ગુમાવી બેઠી હતી.

    વલ્લરીની મનોવ્યથા સાંભળ્યા બાદ તેની સમસ્યાના મૂળ વિશે ચર્ચા કરતા સલાહ આપી : બહેન તમારી સમસ્યાનું મૂળ એક જ છે કે તમે જેવા પણ છો, એવા તમારી જાતનો… તમારો પોતાનો સ્વીકાર તમે પોતે જ કરતાં નથી. તમે જેવા છો એવા જ બરોબર છો. તમારી જાતને બીજાઓ જેવી બનાવવાની જરૃર નથી. તમારી બહેનો જેવી છે તેવા તમારે પણ થવું જ જોઇએ એ આગ્રહ તમે મૂકી દો.

    બરાબર એક મહિના પછી વલ્લરીના ચહેરા પરની શરમ, સંકોચ અને નિરાશા ગાયબ થઇ ગયા હતા. તેના ચહેરા પરના જાડા ગ્લાસવાળા ચશ્માનું સ્થાન કોન્ટેક્ટ લેન્સે લઇ લીધું હતું. તેણે નવો ડ્રેસ પહેર્યો હતો. ચહેરા પર થોડો મેઇક અપ પણ કર્યો હતો. તેનો દેખાવ અને વર્તન જોઇને સાહજિક રીતે જ ટકોર થઇ ગઇ ‘વાહ, એક મહિનામાં તમારા મોઢા પર કંઇક વિશેષ, ચમક આવી ગઇ છે !!’

    આ ટકોરનો હળવેથી જવાબ આપતાં વલ્લરી બોલી ‘મારો આત્મવિશ્વાસ વધ્યો છે, ચહેરા પર તેજી આવી છે એ વાત તમારી સાચી છે, પરંતુ તમે મારામાં જે ફેરફાર જુઓ છો તેનું મૂળ કારણ તમારા શબ્દો છે. મારે બીજાઓ જેવા બનવાની જરૃર નથી. હું જેવી છું એવી મારી જાતનો મારે સ્વીકાર કરવાની જરૃર છે… એ શબ્દોની મારા મન પર જાદુઇ અસર થઇ છે. તે દિવસથી મને સમજાયું કે મારી મમ્મીએ મને મારી બહેનો જેવી બનાવવાની કોશિષ ન કરી હોત તો વાસ્તવિકતા કંઇક જુદી જ હોત. મને એક વાત સમજાઇ ગઇ કે મારી જાતનો અસ્વીકાર કરી તેને બીજાઓ જેવી બનાવવાના જેટલા પ્રયત્નો કર્યા તેટલી જ હું નિષ્ફળતા અને લઘુતાનો શિકાર બની. મને સમજાયું કે બીજાઓ જેવા બનવાના અભરખા રાખીને મેં મારી જાત પર ઘણા અત્યાચારો કર્યા છે.’ મેં મારી જાતને તે જેવી છે એવી સ્વીકારી લેવાનું નક્કી કર્યું. હું જે નથી તેનો અફસોસ મેં બાજુએ મૂકી દીધો અને મારે બીજા કોઇ જેવા નહિ પણ મારા જેવા જ બનવું છે એ વાત નક્કી કરી નાંખી. ત્યાર પછી મેં નવા ડ્રેસ ખરીદ્યા. શરમ સંકોચ છોડીને બીજાઓ સાથે બોલવાનું શરૃ કર્યું. પપ્પાના કામમાં રસ લેવાનું શરૃ કર્યું.

    વલ્લરીને અપાયેલી સલાહના કેટલાક શબ્દો તેના હૃદયને સ્પર્શી ગયા હતા. જેનાથી તેનો હૃદય પલટો થઇ ગયો હતો. તેણે પોતાના વિચારો બદલી નાખ્યા હતા. તેનું જીવન બદલાઇ ગયું હતું. યાદ રાખજો… તમે આજે જેવા છો.. જ્યાં છો.. તેને માટે જવાબદાર તમારી પોતાની વિચારધારા છે. તમારી પરિસ્થિતિ બદલવા માટે તમારે બીજા લોકોને બદલવાની જરૃર નથી. માત્ર તમારા પોતાના વિચારો જ બદલવાની જરૃર છે. તમારી જાતને ઓળખવાનો, તમારી મર્યાદાઓનો સ્વીકાર કરવાનો પ્રયત્ન વલ્લરીની જેમ જ બહુ જ ટૂંકા ગાળામાં તમારામાં પણ અદ્ભુત પરિવર્તન લાવી શકે છે.

    જે વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકે છે અને તેનો મૂળ સ્વરૃપમાં સ્વીકાર કરી શકે છે એના જેવી બુદ્ધિમાન અને સમજદાર વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઇ નથી. વલ્લરીની આ સમજદારી પર તેને શાબાશી આપી કેટલીક મહત્વની ટીપ્સ અપાઇ, ‘તમે તમારા વ્યક્તિત્વના સારા તથા નબળા એમ તમામ પાસાઓને ચકાસવાનું શરૃ કરો.. અને જે ગમે તે રંગના કપડાં પહેરો, દર્પણમાં જોઇ તમારી લાક્ષણિકતાના, વ્યક્તિત્વના, પ્રભાવના, સુંદરતાના વખાણ કરો. લોકો સાથે મુક્ત મને વાત કરવાનું શરૃ કરી દો. તમારે એક ખ્યાતનામ સોલીસીટર બનવું છે એવું નક્કી કરી નાંખો. આ દુનિયા સમક્ષ તમે તમારી જાતને જેવી છે એવા જ સ્વરૃપમાં રજૂ કરવાની કોશિશ કરો. આ દુનિયામાં બીજા કોઇપણના સ્વરૃપે આગળ વધવાની કે બીજી કોઇપણ વ્યક્તિ જેવા બનવાની તમારે જરૃર નથી.’

    વલ્લરી સાથે આવી તો કેટલીયે ચર્ચા થઇ. આજે વલ્લરી લૉ-ગ્રેજ્યુએટ થઇ ગઇ છે. તેના પિતા સાથે જોડાઇ ગઇ છે. ઘણા મોહક અને ફૂટડા યુવાનો વલ્લરી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે. વલ્લરીની ઊંચી કાયા, સપ્રમાણ શરીર અને વિશ્વાસભરી છટા જોઇને તેની સાથે તેના જૂના ફોટાને સરખાવો તો તમે પણ એ વાત માનવા તૈયાર જ ન થાવ કે તમે એ જ વ્યક્તિને મળી રહ્યા છો. આજે વલ્લરી એક વાત કહે છે ‘મને પસંદ કરવા આવનાર યુવાનને મારી આપવીતી સંભળાવીશ અને જે યુવાન મારા આ મૂળ સ્વરૃપનો પણ સ્વીકાર કરશે તેની સાથે જ હું લગ્ન કરીશ, હું જેવી દેખાતી હતી એ વાતનો મને કોઇ રંજ નથી. ક્યારેક તે એવું પણ કહે છે કે મને પરણવા આવનાર યુવાનની આગળ હું મારા લેન્સ કાઢી નાખી, જાડા કાચવાળા ચશ્મા પહેરીને જ જઇશ. મને એ સ્વરૃપમાં પણ જે પસંદ કરશે તેની સાથે જ હું લગ્ન કરીશ…’

    વલ્લરીની આ વાત લગભગ બધાને લાગુ પડે છે. ‘તમે જેવા છો, તમે જે છો, એવા જ રહેવાનો પ્રયત્ન કરવાની વાત.’ – આ દુનિયાના ઈતિહાસ જેટલી જ જૂની છે. એક વાત હંમેશા યાદ રાખો કે ‘મન અને શરીરથી તમે જે છો તેનાથી જુદા કે બીજાઓ જેવા બનવાના વ્યક્તિ પ્રયત્નો કરે છે તેના જેટલી દુ:ખી, અસહાય કે હતાશ વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઇ નથી.’ તમારા બાળકને કેળવણી આપતાં પહેલાં આ વાત તમારે યાદ રાખવી પડશે.

    આજના આ આધુનિક જમાનામાં બીજાઓ જેવા બનવાનો રોગ વકર્યો છે. બધાને પોતાની આગવી ઓળખ ભૂંસી નાખીને શાહરૃખખાન, સલમાનખાન, સચીન તેંડુલકર, ઐશ્વર્યા રાય કે દીપિકા પદુકોણ બનવું છે કે દેખાવું છે. હકીકતમાં નકલખોર વ્યક્તિ નહિ પણ પોતાનું આગવું વ્યક્તિત્વ અને ઓળખ ઊભી કરનાર વ્યક્તિ જ સફળતા મેળવી શકે છે.

    યુવાન મિત્રો, તમે જેવા છો એવી જ તમારી જાતનો સ્વીકાર કરી લેશો તો જીવનમાં ઝડપભેર પ્રગતિના પંથે આગળ વધી શકશો. બધાએ આકાશમાં ચમકતાં ચાંદ સિતારા બનવાની જરૃર નથી. તમે તમારી જાતને ચમકાવી શકો તો પણ ઘણું છે.

    ન્યુરોગ્રાફ :

    છોને હું નાનક દીવડી કોડીયું માટીનું થઇ, ઉજ્જવાળું કો ગૃહ ગરીબનું, તો યે મારે ઘણું…


    ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

    E_Mail: mrugeshvaishnav@gmail.com
    Website: www.drmrugeshvaishnav.com

  • ભવ્ય, ભપકાદાર અને અતિ ખર્ચાળ લગ્નો દેખાડાનું પ્રતીક છે.

    નિસબત

    ચંદુ મહેરિયા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહમાં એ મતલબની  ટકોર કરી હતી કે સમૂહ લગ્ન બાદ ઘરે માંડવો બાંધી નાત ના જમાડતા. જો રૂપિયા ઉછળતા હોય તો સારા કામમાં વાપરજો. ભવ્ય, ભપકાદાર અને અતિખર્ચાળ લગ્નોમાં જે પ્રકારે સામાજિક પ્રતિષ્ઠા અને સંપત્તિનું વરવું પ્રદર્શન થાય છે તેનાથી હવે તો સૌ કોઈ વાકેફ છે. થોડા કલાકો કે એકાદ દિવસની વાહવાહી લૂંટવા જે પ્રકારે લગ્નોમાં ધૂમ ખર્ચા થાય છે તે હાલની લગ્નસરામાં પણ જોવા મળશે.

    ભારતમાં વરસે દહાડે ૧.૨ કરોડ લગ્નો થાય છે. ૨૦૧૭ થી ૨૦૨૧માં લગભગ ૬ કરોડ લગ્નો થયા હતા. અમેરિકાનું લગ્ન બજાર ૭૦  અબજ ડોલરનું છે અને ભારતનું  ૩.૭૧ લાખ કરોડનું છે. દર વરસે તેમાં સરેરાશ પચીસ ટકાના દરે વૃધ્ધિ થાય છે. ભારતમાં એક લગ્ન દીઠ સરેરાશ લગ્ન ખર્ચ ૫ લાખથી ૫ કરોડનો અંદાજવામાં આવે છે.  બે વ્યક્તિ વચ્ચેનું મિલન એવો લગ્ન પ્રસંગ અંગત નહીં પણ પારિવારિક અને સામાજિક અવસર ગણાય છે. તેના માટે મહિનાઓથી તૈયારીઓ ચાલે છે અને આખી જિંદગીની બચત ખર્ચી નાંખવામાં આવે છે. જેની પાસે આર્થિક સવલત નથી તે દેવું કરીને પણ આ પ્રસંગને ભપકાદાર બનાવે છે.

    લગ્ન ટાણે સોનુ, કપડાં, જમણવાર, ફટાકડા, વાહનો, દહેજ અને સજાવટ પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. જ્વેલરી માર્કેટમાં ૭૦ ટકા સોનાની ખરીદી લગ્નો માટે થાય છે. લગ્ન દીઠ ૩૦ થી ૪૦ ગ્રામના હિસાબે વરસે એક કરોડ લગ્નોમાં ૩૦૦ થી ૪૦૦ ટન સોનાનું જ વેચાણ થાય છે. હવે લગ્ન ખર્ચમાં અવનવા ઉમેરા થયા કરે છે. પારંપરિક લગ્નોનું સ્વરૂપ બદલાઈને કોર્પોરેટ લગ્નોનું બની ગયું છે. લગ્નનો ખુશીનો અવસર જે અગાઉ સામૂહિક જવાબદારીથી ઉકેલાતો હતો તે હવે  પ્રાઈવેટ એજન્સીઝને સોંપી દઈ ઉજવાય છે. ધનાઢ્યોના ડેસ્ટિનેશન વેડિંગ સાથે મધ્યમવર્ગમાં પ્રી.વેડિંગ શૂટનું ચલણ વધ્યું છે.

    કેટલાક અતિ ખર્ચાળ લગ્નોની ચર્ચા અને થોડીઘણી ટીકા માધ્યમોમાં દિવસો સુધી થાય છે. દેશના જાણીતા ઉધ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણીના ઉધ્યોગપતિ પરિવારના પુત્ર આનંદ પિરામલ સાથેના લગ્ન એટલા તો ભવ્ય હતા કે તેમાં ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ઉત્તરાખંડના એક વ્યાપારી ગુપ્તા બંધુઓના બે પુત્રોના લગ્નમાં ૨૦૦ હેલિકોપ્ટર, રૂ. ૫ કરોડના વિદેશી ફૂલ વપરાયા હતા અને લગ્ન પછી ૨૭૫ ક્વિન્ટલ કચરો ઉત્પન્ન થયો હતો ! . આ લગ્નનો ખર્ચ રૂ.૨૦૦ કરોડનો હતો. ક્રિકેટર વિરાટ કોહલીના ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેના લગ્ન ઈટલીમાં યોજાયા હતા. અનુષ્કા માટેની રૂ. એક કરોડની વીંટી સાથે આ લગ્નનો ખર્ચ રૂ.૧૦૦ કરોડનો થયાનો અંદાજ છે. ફિલ્મ અભિનેતા રણવીર સિહ અને અભિનેત્રી દીપિકા પદુકોણના લગ્નમાં રૂ. ૯૫ કરોડ વપરાયા હતા.

    એવી દલીલ થાય છે કે જેમની પાસે નાણાં છે તે પોતાના આનંદ કે શોખ માટે લગ્નોમાં ખર્ચા કરે તેમાં ખોટું શું છે ? આ દલીલ કરનાર તેની અસર અન્યો પર પડે છે તે હકીકત નજરઅંદાજ કરે છે. લગ્નના વ્યર્થ ખર્ચને કન્યાના માતાપિતાની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. પિતૃસત્તાક દેશમાં પુત્રીના જન્મ સાથે જ એના લગ્નના ખર્ચની ચિંતા થાય છે. એક કરતાં વધુ દીકરીના માવતરને તો આખી જિંદગી આ ચિંતા સતાવતી રહે છે. એક સર્વેનું તારણ એવું પણ હતું કે જે કન્યાના લગ્નમાં વરપક્ષને ઓછો ખર્ચ થયેલો લાગ્યો હોય છે તે કન્યાને  સાસરીમાં કાયમ મહેણા-ટોણા સાંભળવા પડે છે અને ક્યારેક વાત વણસીને છૂટાછેડા સુધી પહોંચે છે. મધ્યમવર્ગ, નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબો પણ ભવ્ય લગ્નોને કારણે લઘુતા ગ્રંથિ અનુભવે છે.

    જવાહરલાલ નહેરુએ એમની આત્મકથા ‘મારી જીવનકથા’માં લખ્યું છે કે,  “ હિંદુસ્તાનમાં ગરીબ કે અમીર સૌનાં લગ્નોમાં કેવળ દમામ અને દેખાવમાં પૈસાનું પાણી થાય છે એવી ટીકા બહુ થઈ છે અને એ ટીકા સાચી પણ છે. પૈસાનું પાણી  થાય છે એ તો બાજુએ રહ્યું , પણ જેમાં કળા કે સૌંદર્યનું નામ પણ ન હોય એવા અશિષ્ટ તમાશા જોઈને તો દુ:ખ જ થાય છે. આ બધા માટે ખરા ગુનેગાર લોકો મધ્યમવર્ગના છે. ગરીબ લોકો પણ કરજના બોજા વહોરીને ઉડાઉ થઈ શકે છે.” (પૃષ્ઠ-૧૦) આઝાદી પૂર્વે લખાયેલી આ આત્મકથામાં લગ્નો પાછળના દેખાડાના ખર્ચની જે ટીકા અને ચિંતા છે તે આજે આઝાદીના અમૃત પર્વે પણ કરવી પડે છે.

    લગ્નો પાછળ પાણીની જેમ વપરાતા પૈસા અંગે સમાજમાં જાગ્રતિ પણ આવી રહી છે. કેટલાક જ્ઞાતિ અને ધર્મ સમૂહોએ તેના પર પ્રતિબંધો મૂકવાના પ્રયાસો કર્યા છે. સામાજિક જાગ્રતિ સાથે સરકારી લગામ પણ જરૂરી છે. ૨૦૧૭માં બિહારના કોંગ્રેસ સાંસદ રંજીત રંજને લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. ધ મેરેજ (કમ્પલસરી રજિસ્ટ્રેશન એન્ડ પ્રિવેન્શન ઓફ વેસ્ટફુલ એક્સપેન્ડિચર ) બિલ,  ૨૦૧૬માં મહેમાનોની સંખ્યાથી માંડીને ઘણા ખર્ચા પર મર્યાદા મૂકવાની, પાંચ લાખથી વધારે ખર્ચ પર દસ ટકા ટેક્સ લેવાની જોગવાઈ હતી.  આ બિનસરકારી વિધેયક હોઈ સ્વાભાવિક જ તે પસાર થઈ શક્યું નથી. પરંતુ આ પ્રકારના કોઈ સરકારી અંકુશની જરૂરિયાત છે.

    નેતાઓ અને અભિનેતાઓએ સાદાઈથી લગ્નોનો દાખલો પૂરો પાડવાની પણ જરૂર છે. દેશના પહેલા ગૃહમંત્રી સરદાર પટેલે એમના સચિવ વી.પી.મેનનને તેમનાં દીકરીના લગ્નનો સમારંભ  દિલ્હીમાં નહીં યોજવાની ફરજ પાડી હતી. ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાનના તેમના  કાર્યકાળ દરમિયાન જ બંને સંતાનોના લગ્નો સાદાઈથી કર્યા હતા. જોકે ખુદ તેમના પક્ષના ગઈકાલના અને આજના નેતાઓ તેનું અનુકરણ કરતા નથી.સંતાનહીન લોકનાયક જયપ્રકાશ નારાયણના પત્ની પ્રભાવતી દેવી જેમને પુત્રવત માનતા હતા તેવા એક કૌટુંબિક યુવાનનું લગ્ન ભારે ધામધૂમ સાથે બનારસમાં યોજાયું અને તેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક રાજનેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા તેની વ્યાપક ટીકા થઈ હતી. તેથી જયપ્રકાશે ‘અંતે મેં ભી મિટ્ટી કા બના હુઆ નાચીઝ ઈન્સાન હું” એવા ખુલાસા સાથે દેશજનતાની ક્ષમા માંગતું અખબારી નિવેદન કર્યું હતું. આ સ્થિતિમાં આ પ્રશ્ન સહેલાઈથી ઉકલવાનો નથી.

    પેટા

     લગ્નનો ખુશીનો અવસર જે અગાઉ સામૂહિક જવાબદારીથી ઉકેલાતો હતો તે હવે  પ્રાઈવેટ એજન્સીઝને સોંપી દઈ ઉજવાય છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૬

    ચિરાગ પટેલ

    उ. १४.४.७ (१५३०) अग्ने नक्षत्रमजरमा सूर्यँरोहयो दिवि । दधज्ज्योतिर्जनेभ्यः ॥ (केतु आग्नेय)

    હે અગ્નિદેવ! સર્વેને પ્રકાશ આપતાં, ક્ષીણ ન થનારા અને સદૈવ ગતિશીલ, સૂર્યને અંતરિક્ષમાં સ્થાપિત કરો.

    આ સામમાં ઋષિ સૂર્ય અંગે જે વિશેષણો પ્રયોજે છે એ ધ્યાનાકર્ષક છે. સૂર્ય સર્વેને પ્રકાશ આપનાર છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે સૂર્ય જ પ્રકાશનો સ્ત્રોત છે. વળી, સૂર્ય ચંદ્રની જેમ ક્ષીણ નથી થતો. ભલે, રાત્રિસમયે કોઈ સ્થળ પર સૂર્ય દેખાતો નથી પણ એ ગતિશીલ હોવાથી અન્યત્ર તો દૃષ્ટિગોચર છે જ. વળી, અગ્નિને કારણે જ સૂર્ય અંતરિક્ષમાં સ્થાપિત છે. અર્થાત, અંતરિક્ષમાં સ્થાપિત સૂર્યનો પ્રકાશ અગ્નિને લીધે છે.

    उ. १५.२.२ (१५४७) कृष्णां यदेनीमभि वर्पसाभूज्जनयन्योषां बृहतः पितुर्जाम् । उर्ध्वं भानुँसूर्यस्य स्तभायन् दिवो वसुभिररतिर्वि भाति ॥ (त्रित आप्त्य)

    આ અગ્નિદેવ પિતાથી ઉત્પન્ન થઈને સ્ત્રીરૂપી ઉષાને પ્રગટ કરી, અંધારી રાતને પોતાની જ્વાળાઓથી હરાવે છે. એ સમયે ગતિશીલ અગ્નિ દ્યુલોકમાં પોતાના તેજથી સૂર્યના પ્રકાશને ઉપર જ રોકીને જાતે પ્રકાશિત થાય છે.

    આ સામમાં સૂર્યના કારણરૂપ અગ્નિ હોવા છતાં સૂર્ય અગ્નિના પિતા છે એમ ઋષિ જણાવે છે. અગ્નિ એટલે કે ઉષ્માથી સૂર્યની આંતરિક પ્રક્રિયાનો પ્રારંભ થયો અને એ પ્રક્રિયા વળી નવી ઉષ્મા અને પ્રકાશ જન્માવે છે. સૂર્યપ્રકાશમાં સ્થિત અગ્નિ કિરણો સાથે ગતિ કરે છે. આ કિરણો વાતાવરણના ઉપલા સ્તરમાં વિખેરણ પામીને વાતાવરણ અજવાળે છે. જો વાતાવરણ ન હોય તો અંધારા કળા પશ્ચાદભૂમાં સૂર્ય મોટા પ્રકાશિત ગોળા સમાન દેખાતો હોત, અત્યારના આપણાં દિવસને અજવાળતા ભૂરા આકાશ સમાન નહીં!

    उ. १६.२.४ (१५८८) इन्द्रो मह्ना रोदसी पप्रथच्छव इन्द्रः सूर्य मरोचयत् । इन्द्रे ह विश्वा भुवनानि येमिरे इन्द्रे स्वानास इन्दवः ॥ (मेध्यातिथि काण्व)

    ઇન્દ્રએ પોતાના સામર્થ્યથી દ્યુલોક અને પૃથ્વીને વિસ્તૃત બનાવ્યાં, સૂર્યને પ્રકાશયુક્ત કર્યો, બધાંને આશ્રય આપ્યો. એવા ઇન્દ્ર માટે જ આ સોમરસ સમર્પિત છે.

    આ સામમાં ઋષિ પૃથ્વી અને વાતાવરણની તે સામેની સ્થિતિ માટે ઇન્દ્રને શ્રેય આપે છે. વળી, ઋષિ કહે છે કે, સૂર્યને પ્રકાશિત કરનાર અને સર્વેને આશ્રય આપનાર પણ ઇન્દ્ર જ છે. વેદોમાં અનેક ઠેકાણે વિદ્યુતસહિતના મેઘને ઇન્દ્ર તરીકે ઋષિઓ સંબોધે છે. આવાં મેઘ દ્યુલોકની ઊંચાઈ બતાવે છે. પ્રાચીન પૃથ્વીમાં જ્યારે વાતાવરણ ગરમ થયું હશે મેઘ બનવાનો આરંભ થયો ત્યારે મેઘ બનવાનો આરંભ થયો હશે અને હિમયુગ સમાપ્ત થયો હશે. એટલે, ભૂમિનો હિમ કે પાણીથી ઢંકાયેલો ભાગ સપાટી ઉપર આવ્યો હશે. એટલે, એમ કહી શકાય કે, ઇન્દ્રને લીધે દ્યુલોક અને પૃથ્વી વિસ્તૃત થયાં. મેઘ અને વાતાવરણ સૂર્યના ઘાતક કિરણોથી જીવસૃષ્ટિને બચાવે છે.

    उ. १७.१.६ (१६२२) वृषा यूथेव वँसगः कृष्टीरियर्त्योजसा । ईशानो अप्रतिष्कुतः ॥ (मधुच्छन्दा वैश्वामित्र)

    સર્વના સ્વામી, અમારી વિરુદ્ધ કાર્ય ન કરનાર, શક્તિમાન, ઇન્દ્ર, પોતાના સામર્થ્ય પ્રમાણે અનુદાન વહેંચવા, જેમ સાંઢ ગાયોના ટોળામાં જાય છે, તેમ મનુષ્યો પાસે જાય છે.

    આ સામના દેવતા ઇન્દ્ર છે પરંતુ ઋષિ સૂર્યનું વર્ણન કરે છે. ઇશાન શબ્દ રુદ્ર અને સૂર્ય બંને માટે પ્રયોજાય છે. સૂર્ય પૃથ્વી પરની જીવસૃષ્ટિના પિતા અને પાલક છે. પોતાના કિરણોરૂપી ગાયોના ટોળામાં વૃષભ સમાન સૂર્ય રહે છે.

    उ. १७.१.९ (१६२५) किमित्ते विष्णो परिचक्षि नाम प्र यद्ववक्षे शिपिविष्टो अस्मि । मा वर्पो अस्मदप गूह एतद्यदन्यरुपः समिथे बभूथ ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    કિરણોયુક્ત હું છું એ પ્રમાણે સર્વવ્યાપી ભાવવાળું આપનું સ્વરૂપ નિઃસંદેહ પ્રખ્યાત છે. એવા સ્વરૂપને અમારાથી છુપાવી ના દો, કારણ કે, સંગ્રામમાં અન્ય રૂપ ધારણ કરવા છતાંય તમે અમારા સંરક્ષક બની રહો છો.

    આ સામમાં વિષ્ણુ શબ્દ સર્વવ્યાપી સૂર્ય માટે પ્રયોજાયો છે. સૂર્યના કિરણો સમગ્ર પૃથ્વી પર વ્યાપ્ત છે અને કિરણોયુક્ત એટલે કે પ્રકાશિત એવું સૂર્યનું આ એક સ્વરૂપ છે. જ્યારે રાત્રીનો અંધકાર હોય ત્યારે ચંદ્રમા અને નક્ષત્રો દ્વારા સૂર્ય અન્ય સ્વરૂપે ઉપસ્થિત હોય છે. આ સ્વરૂપમાં પણ સૂર્ય પોતાની રક્ષા કરે એમ ઋષિ ઈચ્છે છે.


    શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

  • સંતૃપ્તિ, સત્ય તણી

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    જ્ઞાનને સીમાડા નથી હોતા..અને સાચો જ્ઞાનપિપાસુ  સદા તત્પર પણ હોય. પરંતુ કેટલીક વાર કોઈએ મેળવેલું જ્ઞાન જ પર્યાપ્ત છે, એવું માનીને ચાલનારો વર્ગ પણ હોય જ. ક્યાંક અંહકાર તો ક્યાંક ઉત્સાહમાં આવી વ્યક્તિ પોતાની ધારણાઓ લઈને હોય ત્યાંજ અટકી જાય છે.પણ તેના સદ્નસીબે જો તેને સુયોગ્ય ગુરુ મળી જાય તો તેનો ભ્રમ ભાંગે અને તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય.  એ જ શિક્ષણને પૂર્ણતા તરફ લઇ જાય.બૃહદાકારણ્ય ઉપનિષદમાં ગર્ગ ગોત્રીય બાલાકી અને કાશી નરેશ અજાતશત્રુનો સંવાદ આવી ઉત્તમ શિક્ષણ વિભાવના પર પ્રકાશ પાડે છે.

    શુક્લ યજુર્વેદની કણ્વ શાખાના વાજસનેયિ બ્રાહ્મણ-શતપથ બ્રાહ્મણ અંતર્ગત આવેલું બૃહદાકારણ્ય ઉપનિષદ નામ પ્રમાણે ગુણધર્મ ધરાવે છે  બૃહદ એટલે મોટું અને આરણ્યક એટલે વનમાં વિકસિત થયેલું છે . છ અધ્યાય અને દરેક અધ્યાયમાં અનેક બ્રાહ્મણ અને એમાં અનેક બૌદ્ધિક ,તર્ક સંગત સંવાદો-વિમર્શ અને ચર્ચા. પ્રાચીન કાળમાં ભારતીય જ્ઞાનની ટોચ કેટલી ઊંચી હતી અને જ્ઞાન કોને કહેવાય અને કેમ મેળવાય તેનું દર્શન આ ઉપનિષદમાં છે.

    પોતાની વિદ્વતાનો થોડો અહંકાર લઈને  અને કદાચ થોડી અપેક્ષાને લઈને પોતાના જ્ઞાનને અભિવ્યક્ત કરવા ગર્ગ બાલાકી, કાશીનરેશ અજાત શત્રુ પાસે ગયા ॐ दृप्तबालाकिर्हानूचानो गार्ग्य आस । स होवाचाजातशत्रुं काश्यं

    ब्रह्म ते ब्रवाणीति । स होवाचाजातशत्रुः सहस्रमेतस्यां वाचि दद्मो जनको जनक इति वै जना धावन्तीति ॥.’ હું તમને બ્રહ્મજ્ઞાન આપવા આવ્યો છું’  પોતે પણ વિદ્વાન હોવા છતાં,સ્વાગત આદર કરી કાશીનરેશએ ખુશી વ્યક્ત કરીને તેમને જ્ઞાન પીરસવાની અનુમતિ આપી.બાલાકીએ પ્રારંભ કર્યો,’ આદિત્યમા રહેલા પુરુષની હું બ્રહ્મરૂપમાં ઉપાસના કરું છું.’ य एवायमाकाशे पुरुष एतमेवाहं ब्रह्मोपास इति । અજાતશત્રુએ એમને રોક્યા.કોઈ પોતાની માન્યતાનું શિક્ષણ આપી જાય તે કેમ સ્વીકારી શકાય ? છતાં પોતાના પ્રત્યુત્તરમાં યોગ્ય તર્ક પણ હોય તે જરૂરી છે કેમકે સામેના જાણકારને પણ તે સ્વીકાર્ય હોય સત્ય અને પ્રમાણભૂત શિક્ષણ મેળવવા માટેની આ પૂર્વ શરત છે.અજાતશત્રુએ તેમને અટકાવીને પ્રત્યુત્તર આપ્યો, ‘ એવું ન કહેશો.એ તો મૂર્ધા ( મસ્તક ) સ્વરૂપ છે. દીપ્તિમાન છે. બધાના રાજા છે તેવાં બ્રહ્મસ્વરૂપ્ને સમજીને તેની ઉપાસના કરું છું.’ अतिष्ठाः॒ स॒र्वेषां भूता॒नांमूर्धा॒ रा॒जे॒ति वा॒ अह॒मेत॒मु॒पास इ॒ति|

    બાલાકીએ પોતાના જ્ઞાનની અભિવ્યક્તિ આગળ વધારી,’ચંદ્રમામાં રહેલા પુરુષને હું બ્રહ્મ સ્વરૂપ માની ઉપાસના કરું છું.’ ફરી રાજાએ આ વિચારનો અસ્વીકાર કર્યો.’ એવું ન કહેશો. ચંદ્રમાં તો શુભ્ર વસ્ત્ર ધારણ કરનાર રાજા સોમ વિરાજમાન છે અને એમની ઉપાસના કરનારની સંપન્નતા કાયમ જળવાઈ રહે છે.’-सो॒मो रा॒जे॒ति वा॒ अह॒मेत॒मु॒पास इ॒ति । स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते॒, अहर्-अहर्हसुतः॒ प्र॒सुतो भवति, ना॒स्या॒न्नं क्षीयते । બાલાકીની વિદ્યુત શક્તિમાં રહેલાં પુરુષ તત્ત્વને બ્રહ્મરૂપ સમજી ઉપાસના કરવાની વાત પણ રાજા અજાતશત્રુને માન્ય નહોતી તેમણે પ્રત્યુત્તર આપ્યો,.’તેજ સ્વરૂપ આ વિદ્યુતશક્તિને જે બ્રહ્મ સ્વરૂપ સમજીને ઉપાસના કરે તે પોતે તો તેજસ્વી બને,તેની સંતતિ પણ તેજસ્વીતા પ્રાપ્ત કરે છે. ‘ स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, तेजस्वी॒ ह भवति, तेजस्वि॒नी हास्य प्रजा॒ भवति ।

    ગર્ગગોત્રીય બાલાકીએ પોતાની જ્ઞાનવાણી આગળ વધારી.’ આકાશમાં રહેલા પુરુષને જ બ્રહ્મ સ્વરૂપ સમજી ઉપાસના કરું છું.’ અસ્વીકાર સૂરમાં અજાતશત્રુએ ઉત્તર વાળ્યો ,’ હું તો એ આકાશતત્ત્વને પૂર્ણ માનીને જ ઉપાસના કરું છું.કેમકે તેની એ રીતે ઉપાસના કરવાથી ક્યારેય નષ્ટ ન થનારી તેની પ્રજા અને પશુઓ પણ  પરિપર્ણ રહે છે.’ स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, पूर्य॒ते प्रज॒या पशु॒भिःना॒स्यास्मा॒ल् लोका॒त्प्रजो॒द्वर्तते।  બાલાકીએ જયારે વાયુને પણ પુરુષ તરીકે બ્રહ્મ માનવાની વાત કરી ત્યારે ફરી રાજાથી ન રહેવાયું,’ હું એ વાયુની તો ઇન્દ્ર, વૈકુંઠ અને અપરાજેય સેના તરીકે બ્રહ્મ સ્વરૂપ માની ઉપાસના કરું છું.તેનો ઉપાસક ,કદી ન હારવાવાળા, વિજેતા બની રહે છે.’  स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, जिष्णु॒र्हा॒पराजिष्णुर्भवत्यन्यतस्त्यजायी॒।

    જયારે ગર્ગ બાલાકીએ આગ્નેયશક્તિને પુરુષ ગણીને ઉપાસનાની વાત કરી ત્યારે તો કાશી નરેશ અકળાયા ‘.બ્રહ્મ વિષે વ્યર્થ ઉચ્ચારશો જ નહિ. અગ્નિમાં તો બધું સહન કરવાની ને આત્મસાત કરવાની શક્તિ છે.તેની એ રીતે બ્રહ્મ ઉપાસના કરે તે વિષાસહી ( આત્મસાતનો સામર્થ્યવાન ) બને છે અને તેની પ્રજા પણ તેવી જ થાય છે.’स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, विषास॒हिर्ह भवति, विषास॒हिर्हास्य प्रजा॒ भवति।  બાલાકીએ  જળના પુરુષ તત્વને અને દર્પણમાં રહેલા છાયાપુરષને જ બ્રહ્મ માનવાની પોતાની દલીલ કરી એટલે રાજા અજાતશત્રુએ નકાર ભણીને સંભળાવી દીધું કે, ’જલતત્ત્વ અને દર્પણનો છાયાપુરુષ તો દેદીપ્યમાન બ્રહ્મ સ્વરૂપ છે એટલે તેની જો તે રીતે ઉપાસના કરવામાં આવે તો ક્યારેય પોતાનું અપ્રતિરૂપ પ્રાપ્ત થતું નથી.અને દર્પણના દિદિપ્યમાનરૂપને બ્રહ્મ સ્વરૂપ ગણી કરેલી ઉપાસનાથી પ્રકાશવાન અને તેજસ સંપન્નતા પ્રાપ્ત થાય. रोचिष्णु॒र्हास्य प्रजा॒ भवति अ॒थो यैः॒ सन्निग॒च्छति, स॒र्वाꣳस्ता॒न॒तिरोचते। ગમન કરનારા ( ‘જનારા ) ની પાછળ જે શબ્દ થાય છે તેને જ હું બ્રહ્મ સ્વરૂપ માની ને ઉપાસના કરું છું.તેવું કહી બાલાકીએ પોતાની જ્ઞાનમર્યાદા છતી કરી પણ તુરત્ત જ તેનું  ખંડન કરતાં રાજા અજાતશત્રુએ ખુબ મોટું સત્ય તેમની સામે મૂક્યું,’ હું તો એને પ્રાણના રૂપમાં જ બ્રહ્મ સ્વરૂપ સમજીને ઉપાસના કરું છું.અને એ રીતે ઉપાસના કરનાર પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે છે.એમનું અકાળ મૃત્યુ થતું નથી.’  स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, स॒र्वꣳ हैवा॒स्मि॒ꣳल् लोक॒ आ॒युरेति, नै॒नं पुरा॒ काला॒न्मृत्यु॒रा॒गच्छति।

    હવે બાલાકીએ પોતાના જ્ઞાનની પરાકાષ્ટા પ્રસ્તુત કરી,’ હું તો આત્મામાં રહેલા પુરુષને જ બ્રહ્મ માની ઉપાસના કરું છું.’ કદાચ બાલાકીએ માન્યું હશે કે આ તો અંતિમ સત્ય હશે જ પણ જ્ઞાની કાશી નરેશએ ત્વરિત ઉત્તર વાળી દીધો,’ હું તો એમને બ્રહ્મ જિજ્ઞાસુ ( આત્મન્વિ ) એમ જાણીને ઉપાસના કરું છું.એ બ્રહ્મ જિજ્ઞાસુ જ હોય અને રહે છે.’ અજાતશત્રુએ- બ્રહ્મની જિજ્ઞાસાનું સાતત્ય રહે એ જ સાચો બ્રહ્મ ઉપાસક છે– એવું પ્રતિપાદિત કર્યું. આખરે બાલાકી મૌન રહ્યા.તેની પાસે કહેવા જેવું કશુંય ન રહ્યું. स॒ य॒ एत॒मेव॒मुपा॒स्त, आत्मन्वी॒ ह भवति आत्मन्वि॒नी हास्य प्रजा॒ भवति। स॒ ह तूष्णी॒मास गा॒र्ग्यः।

      શિક્ષણની સાચી વિભાવના એ કે શિષ્યની તમામ શંકાઓ દૂર ન થાય ત્યાં સુધી મંડી જ પડવું.બાલાકીની મર્યાદા જાણી લીધા પછી પણ સવાલ એ થયો કે બાલાકીની શંકાનું સમાધાન કેમ કરવું ? રાજાથી તે વિદ્યા કેમ અપાય ?  પણ આ તો અજાતશત્રુ હતા.સિંહાસન પરથી ઉઠ્યા વધારે સ્પષ્ટ થાય એટલા માટે તેઓ બાલાકીને એક સુતેલા પુરુષ પાસે લઇ ગયા स होवाचाजातशत्रुः प्रतिलोमं चैतद्यद्ब्राह्मणः  क्षत्रियमुपेयाद् ब्रह्म मे वक्ष्यतीति । व्येव त्वा ज्ञपयिष्यामीति । तं पाणावादायोत्तस्थौ । तौ ह पुरुषꣳ सुप्तमाजग्मतुस्तमेतैर्नामभिरामन्त्रयांचक्रे बृहन्पाण्डरवासः  सोम राजन्निति । स नोत्तस्थौ । तं पाणिनाऽऽपेषं बोधयांचकार । स होत्तस्थौ ॥.માત્ર –‘ હે, શ્વેતામ્બરધારી ‘- એવું સામાન્ય સંબોધન કરી તેમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ ગાઢ નિદ્રાવાળા ભાઈ જાગ્યા નહિ. પછી તેને ઢંઢોળ્યા અને તે જાગી ગયા.અજાતશત્રુએ બાલાકીને સવાલ કર્યો, કે ,’ આ સૂતેલો પુરુષ ક્યાં હતો ?’ બાલાકી ઉત્તર ન આપી શક્યા .અજાતશત્રુએ ‘ પ્રસુપ્ત અવસ્થાના પુરુષની સ્થિતિ વખતે પણ પ્રાણ જ સત્ય છે અને આત્મા જ સત્ય છે’  એમ વિસ્તૃત રીતે સમજણ આપીને તેમને જ્ઞાન પરિતૃપ્ત કર્યા. स॒र्वे प्राणाः॒ स॒र्वे लोकाः॒ स॒र्वे देवाः॒स॒र्वाणि भूता॒नि स॒र्व एत॒ आत्म॒नो   ॐ  सर्व …व्यु॒च्चरन्ति । त॒स्योपनिष॒त्सत्य॒स्य सत्य॒मितिः प्राणा॒ वै॒ सत्यं॒, ते॒षामेषसत्य॒म् । કરોળિયાની તંતુઓ દ્વારા ઉર્ધ્વગતિ અને અગ્નિની ઊંચે ચડતી જ્વાળાઓના ઉદાહરણથી  બાલાકીનો પાઠ પૂરો પાકો કર્યો. स यथोर्णभिस्तन्तुनोच्चरेद् यथाऽग्नेः क्षुद्रा विष्फुलिङ्गा

    व्युच्चरन्त्येवमेवास्मादात्मनः सर्वे प्राणाः सर्वे लोकाः सर्वे देवाः सर्वाणि भूतानि व्युच्चरन्ति । सर्वे ॥।
    व्युच्चरन्ति तस्योपनिषत्सत्यस्य सत्यमिति प्राणा वै सत्यं तेषामेष सत्यम् ॥

    આ કથા માટે મહર્ષિ અરવિંદ પોતાનો મત આપતાં કહે છે કે ‘ અજાતશત્રુએ પોતાના અનુભવોને સામે રાખીને બાલાકીની ધારણાઓ સામે નક્કર સત્ય મૂક્યું છે.’ એક ઉત્તમ ગુરુ શિષ્યની માન્યતા કે ધારણાને સકારાત્મક અને તર્કથી વધુ સ્પષ્ટ કરે એ આવશ્યક વિભાવના છે.એમ આ બૌદ્ધિક સંવાદ કહી જાય છે.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • માણસ છે, બિઝનેસ કરે છે

    વ્યંગ્ય કવન

    કૃષ્ણ દવે 

    પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
    ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    અજવાળાનો સ્ટોક કરીને, સુરજને પણ બ્લોક કરીને,
    પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    સંબધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
    લાગણીઓ લહેરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
    જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
    માંગો તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
    જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    પોતાનું આકાશ બતાવી, સુરજ, તારા, ચન્દ્ર ગણાવી,
    વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

  • મલ્હાર

    સરયૂ પરીખ

    મેહુલા ને અવનીની અવનવી પ્રીત,
    માદક ને મંજુલ, ગવન ગોષ્ઠિની રીત.

    કળીઓને થાય હવે ખીલું સજી સાજ,
    મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ.

    ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ,
    સંતોષે ટીપાથી અંતરની પ્યાસ.

    કણ કણ માટીને મળી એક એક ધાર,
    ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર.

    મીઠો તલસાટ સહે મેહુલાનો માર,
    ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ.

    મને એમ લાગે તું મારો મેઘ રાજ,
    સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.

    મારો મન મોરલો નાચે થનકાર,
    જ્યારે તું આવે હું સુણતી મલ્હાર.

    “પ્રીત ગુંજન” — ૧૫૦ વર્ષના પ્રણય કાવ્યોના પ્રતિનિધિ સંગ્રહમાં આ કાવ્ય પ્રકાશિત થયેલ. આ સંગ્રહમાં મારા મામા, કવિ નાથાલાલ દવેનું કાવ્ય પણ હોવાથી મને વિશેષ આનંદ થયો.

    સુશ્રી સરયૂ પરીખ – saryuparikh@gmail.com

  • ‘મંત્ર’ – ભાગ ૨

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ડૉક્ટર ચઢ્ઢાના દીકરા કૈલાશના જન્મદિનના સમારંભમાં એકઠા થયેલા મિતો અને મહેમાનોની હાજરીમાં સાપ અંગેની પોતાની જાણકારી અને કૌશલ્ય દર્શાવવા તત્પર કૈલાશને એક ઝેરી સાપ ડંખ મારે છે અને એનું ઝેર કૈલાશના શરીરમાં વ્યાપી જાય છે. ગતાંકથી અધૂરી વાત અને વાર્તામાં શું થાય છે એ આજે જોઈએ.

    ઝેરી સાપના ડંખથી કૈલાશની હાલત મરણતોલ બની ગઈ. ડૉક્ટર કૈલાશ ચઢ્ઢાનો અનુભવ અને એમનું દાકતરી કૌશલ્ય પણ અર્થહીન બની રહ્યા. કોઈ કારી, કોઈ ઉપાય ન દેખાતા થોડી ઘણી શક્યતા વિચારતા ત્યાં હાજર મહેમાનોમાંથી એક જણે સાપનું ઝેર ઉતારનાર કોઈ મંત્રના જાણકારને બોલાવવા સલાહ આપી.

    આજે આ વાત કદાચ આધુનિક તબીબી શાસ્ત્રના જાણકારના મનમાં ન બેસે, એવી જ રીતે ડૉક્ટર ચઢ્ઢાનું મન પણ આ વાત સ્વીકારવા તૈયાર ન થાત પણ એક પક્ષે પોતાની જીદ અને બીજા પક્ષે દીકરાનો જીવ હતો. સ્વાભાવિક છે ડૉક્ટરના દિમાગની જીદની સામે દીકરાનો જીવ બચાવવા ઇચ્છતા પિતાના દિલનું પલ્લું જરા વધુ નમી ગયું. ડૂબતો તરણું ઝાલે એમ એ આશાભરી નજરે પેલા મહેમાનની સામે જોઈ રહ્યા.  ડૉક્ટરની નજર પારખતા બીજા મહેમાને આ વાત પર જરા જોર આપ્યું,

    “અરે, કબરમાં પડેલી લાશમાં પણ પ્રાણ ફૂંકાયાના દાખલા જોયા છે સાહેબ, ઝાઝું વિચારવાના બદલે મંત્રના જાણકારને બોલાવો.”

    “મારી અક્કલ પર પણ પડદો પડી ગયો હતો કે હું કૈલાશની વાતોમાં આવી ગયો. એ જ વખતે નસ્તર મૂકી દીધું હોત તો આ નોબત ન આવત. કહ્યું હતું કે સાપ ન પળાય પણ મારું સાંભળ્યું જ નહીં, હવે બોલાવો કોઈ ઝાડું-ફૂંક કરવાવાળાને, મારું જે જોઈએ એ આપી દઈશ, મારી તમામ મિલકત એના ચરણોમાં ધરી દઈશ, લંગોટી બાંધીને ઘરની બહાર નીકળી જઈશ, પણ મારા કૈલાશને બચાવી લો કોઈ.” ડોક્ટર ચઢ્ઢાના અવાજમાં કંપન હતું કે આક્રોશ?

    જે બની ગયું એ કલ્પનાતિત હતું. મા-બાપ તો એના માથે વરરાજાનો સાફો બંધાય એની રાહમાં હતાં, મૃણાલિનીનું કલ્પનાવૃક્ષ નવ પલ્લવિત બનવાની રાહમાં હતું, નવવધૂ બનીને એના પાલવમાં અક્ષત- ફૂલો ઝીલવાના બદલે એનો પાલવ રક્તરંજિત બની જશે એવું તો કોણે વિચાર્યું સુદ્ધાં હોય!

    પણ એમ બન્યું હતું. કૈલાશ સાથે સહજીવનના સપના જોતી મૃણાલિનીની નજર સામે મૃતપ્રાય કૈલાશનું શરીર પડ્યું હતું. પોતાની એક નાની અમસ્તી જીદ અને પછી કૈલાશની પોતાના કૌશલ્યને સાબિત કરવાની વધુ પડતી જીદ, એવા સંજોગો ઊભા કરશે જેનો કોઈ ઉપાય કે ઉકેલ જ નહી મળે એવું તો વિચાર્યું ન હોય ને? ન બનવાનું બની ગયું હતું.

    કોઈ મહાશય મંત્ર-તંત્રના જાણકારને બોલાવી આવ્યા પણ કૈલાશનો ચહેરો જોતાની સાથે કશું કરવાની હિંમત ન ચાલી. ગજબનો સન્નાટો છવાઈ ગયો. આ એ જ થોડા સમય પહેલા હતું એ હર્યુ-ભર્યું મેદાન હતું. એની પર પથરાયેલી રૂપેરી ચાંદની પણ એમ જ યથાવત રેલાઈ રહી હતી. એ જ મિત્રો અને એ જ મહેમાનો હતાં પણ જ્યાં આનંદ છલકતો હતો ત્યાં સૌની આંખોમાં આંસુ હતાં, હાસ્યનો ધ્વનિ સંભળાતો હતો ત્યાં કરુણ આક્રંદ હતું.

    શહેરના આ સ્તબ્ધ વાતાવરણથી ઘણે દૂર, તદ્દન અલગ દિશામાં એક સાવ જીર્ણશીર્ણ ઘરમાં એક ડોસો અને એક ડોસી અંગીઠીની સામે બેસીને ઠંડીની રાતમાં થોડીક હૂંફ મેળવવાની મથામણ કરતાં હતાં. ઘરમાં ન તો ચારપાઈ હતી કે ન તો સરખી પથારી. ખૂણામાં એક ચૂલો હતો જેના પર દિવસે ડોસી રાંધતી અને રાત પડે બંને જણ તાપતાં. દિવસે ક્યાંકથી મળતી સૂકી લાકડીઓ એકઠી કરીને ડોસો બજારમાં વેચી આવતો. આ એમની આજીવિકા હતી. કોઈએ એમને ન તો રાજી જોયાં હતાં જે ન તો નારાજ. બસ આમ જ એમના દિવસો પસાર થતાં હતાં. આજનું આજે ખાધું કાલની વાત કાલે એવું એકબીજાને આશ્વાસન આપતાં હતાં ત્યાં કમાડ ખખડ્યું. ડોસાએ બારણું ખોલ્યું.

    “ભગત, કંઈ સાંભળ્યું? ડૉક્ટર ચઢ્ઢાના દીકરાને સાપે ડંખ માર્યો છે. આખા શહેરમાં હલ્લો મચ્યો છે. જો જઈ શકો તો નામ અને દામ બંને થશે.”

    ડોસાએ કઠોર ભાવે મુંડી હલાવીને ઘસીને ના પાડી દીધી.

    “જાય મારી બલા, મારે કંઈ નથી જવું. આ એ જ ચઢ્ઢા છે જેના પગે પડીને દીકરાનું જીવતદાન માંગ્યું હતું સાંભળવાની વાત તો દૂર, નજર સુદ્ધાં નહોતી નાખી. ભગવાન સાક્ષી છે એ વખતે મારી શું દશા હતી ,હવે એને ખબર પડશે કે દીકરાના મોતનું દુઃખ કેવું હોય છે.”

    “ભગત, નહીં જ જાવ?” આવનારે પૂછ્યું

    “ના, જે થયું એ ઠીક જ થયું છે. મારું કલેજું ટાઢું પડ્યું હવે એનો દીકરો ટાઢો પડશે. જાઓ ભાઈ, આજે હવે હું નિરાંતે સૂઈશ. હવે એને ખબર પડશે, બધી સાહ્યબી નીકળી જશે. અમારું શું ગયું? જ્યાં છ છોકરાંઓ મર્યાં ત્યાં એક વધારે. એનું તો ઘર સૂનું થઈ જશે. જઈશ, એક વાર તો એને જોવા જરૂર જઈશ, પણ આજે નહીં થોડા દિવસ પછી એની હાલત જોવા જ જઈશ.” અને ભગતે દરવાજો બંધ કરીને નિરાંતે પોતાની ચિલમમાં તમાકુ ભર્યું અને બેઠા બેઠા જાત સાથે વાત કરતા હોય એમ ડોસીની સામે જોઈને બડબડાટ શરૂ કર્યો.

    “મારે શું કામ જવું જોઈએ? યાદ છે, બરાબર યાદ છે મને, એણે મારા દીકરા સામે એક નજર સુદ્ધાં નાખી નહોતી. મનેય ખબર તો હતી કે એ બચવાનો નથી અને ડૉક્ટર કંઈ ઈશ્વર નહોતો કે એની આંખોમાંથી કંઈ અમી વરસવાનું નહોતું કે એનાથી મારો દીકરો બચી જાત. જોઈ લે હવે ડૉક્ટર તું પણ આ રંગ જોઈ લે.”

    ભગતના જીવનનો આ પહેલો અવસર હતો જ્યારે એ આવા સમાચાર સાંભળીને બેસી રહ્યા હોય. એમના એંસી વરસના જીવનમાં કેટલીય વાર કોઈને સાપ ડંખ્યો હોય અને એ દિવસ કે રાત, ઠંડી કે ગરમી, શ્વાવણ કે ભાદરવો જોયા વગર નિઃસ્વાર્થભાવે દોડ્યા હતા. એમના મંત્રોથી કેટલાંયને જીવન-દાન મળ્યું હતું.

    ચિલમ પૂરી થતા ભગત સૂઈ તો ગયા પણ ઊંઘી ન શક્યા. એક અજાણ્યો ભાર એમના હ્રદયને ભીંસી રહ્યો. મનમાં વિચારો અને લાગણીઓ વચ્ચે તુમુલ યુદ્ધ ખેલાતું અનુભવી રહ્યા. અંતે એ ઊઠ્યા અને હળવેથી દરવાજો ખોલીને ચાલવા માંડ્યા. ડગમગતા પગે એ આગળ ચાલ્યા તો ખરા પણ પગ ડગમગે છે કે મન એ નક્કી નહોતા કરી શકતા. ચેતના અને બધિરતાની વચ્ચે મન અટવાતું હતું કે પગ? મન આગળ વધવા માટે પ્રતિકાર કરી રહ્યું હતું અને કર્મને આધિન વિચારો પગને આગળ ધકેલી રહયા હતા. સતત મનની દ્વિધા વચ્ચે ઝોલા ખાતો એક તરફ બાપ હતો એક તરફ ભલા ભગત જે કોઈનાય ભલા માટે ક્યારેય પાછા પડ્યા નહોતા.

    મન અને હ્રદય એકમેક સાથે દલીલો પર ઉતરી ગયાં હતાં,

    “આવી ઠંડી રાતમાં મારે શું કામ જવું જોઈએ? ઊંઘ ન આવે તો બે-ચાર ભજન ગાઈ લેવા જોઈએ ને? વ્યર્થ આવી દોડાદોડ કરવાની મારે શું જરૂર? ચઢ્ઢાનો દીકરો કાલે મરતો હોય તો આજે મરે. આવા તો દુનિયામાં હજારો લોકો મરે છે, મારે કોઈ મરે કે જીવે એનાથી શું મતલબ? મનમાં સતત ઘોળાતા વિચારો છતાં ભગતના પગ આગળ વધતા રહ્યા.

    “અરે! હું કંઈ મંત્ર-તંત્ર કરવા ક્યાં જઉ છું? આ તો જરા જઈને ડૉક્ટરને રોતા કકળતા જોઈશ, આ મોટા લોકો માથું પછાડીને રડતાં હશે કે પછાડો ખાતાં હશે? અરે ના, એ લોકો તો બહુ વિદ્વાન હોય એમને તો ધીરજ રાખતા આવડે.”

    આખા રસ્તે ભગતનું મન એક પછી એક સવાલની સામે જાતે જ જવાબ આપતું રહ્યું અને ભગત ડૉક્ટરના ઘર સુધી પહોંચી ગયા.

    ઘરની લાઈટો ચાલુ હતી પણ સન્નાટાની છાયાથી જાણે એ રોશની ઝાંખી લાગતી હતી. મહેમાનો વિદાય થઈ ગયાં હતાં. સવાર થાય અને શબ ગંગાની ગોદમાં વહેતું મૂકવાની રાહમાં ઘરના બેઠાં હતાં. રોક્કળ શાંત પડી ગઈ હતી.

    બારણે પહોંચીને ધ્રુજતા અવાજે ભગતે પોતાની હાજરી નોંધાવી. ખિન્ન વદને ડૉક્ટર બહાર આવ્યા ઝૂકેલી કમર, થાકેલી ઉંમરને લાકડીના ટેકે ભેરવીને ઊભેલા એક બુઢ્ઢા આદમીને જોઈને ડૉક્ટર એને દર્દી સમજી બેઠા. પહેલાની અકડ તો આ ક્ષણે રહી નહોતી, માથું ધૂણાવી નમ્રતાથી એમને તપાસવાની ના પાડી.

    “ભાઈ આજે તો મારા પર જ મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. આજે તો શું એક મહિના સુધી હું કોઈ દર્દીને જોઈ શકુ એવી મનોસ્થિતિ નથી.”

    “જાણુ છું અને એટલે જ આવ્યો છુ. ભાઈને જરા જોઈ લેવા દો. ઈશ્વરની કૃપા અપાર છે. એણે ધાર્યું તો બધું ઠીક થઈ જશે. મડદામાં પણ જીવ આવશે.” ભગતે પોતાના આવવાનું કારણ આપ્યું.

    “જોઈ લો, બાકી ઘણાં મંત્ર-તંત્ર જાણવાવાળા આવ્યા અને એને જોઈને જ પાછા વળી ગયા.” ડૉક્ટરે વ્યથિત અવાજે જવાબ આપ્યો. એમને આશા તો નહોતી પણ જાણે બુઢ્ઢા આદમી પર દયા આવી. જરાક ખસીને જગ્યા કરી આપી.

    ભગતે લાશને જોઈને માત્ર સ્મિત આપતા કહ્યું, “હજુ કશું નથી બગડ્યું બાબુ, નારાયણની મરજી હશે તો ભાઈ અડધા કલાકમાં બેઠા થઈ જશે, બસ ખાલી જરા કોઈને ડોલો ભરી ભરીને પાણી લાવવાનું કહો.”

    નોકરોએ પાણી ભરેલી ડોલોથી કૈલાશને નવડાવવાનું શરૂ કર્યું.  કૈલાશ બેઠો થવાનો જ છે એવા અગાધ વિશ્વાસથી ભગત મંત્ર બોલતા રહ્યા. કોણ જાણે કેટલીય વાર ભગત મંત્ર જપતા રહ્યા. રાત આગળ વધતી રહી, મંત્ર જાપ ચાલતા રહ્યા અને ઉષાએ લાલ કિરણોથી આંખો ખોલી ત્યારે એની સાથે કૈલાશે પણ એની બંધ આંખો ખોલી. એકાદ ક્ષણમાં તો એણે આળસ મરડી અને લાંબા સમયની ઊંઘમાંથી જાગ્રત થયો હોય એમ એકાદ ક્ષણમાં તો એણે આળસ મરડી અને પાણી માંગ્યું. ડૉક્ટર દોડ્યાને બહાર આવીને નારાયણીને ખબર આપી, નારાયણી દોડીને ભગતના પગમાં પડી. આંસુ સારતી મૃણાલિની કૈલાશની ખબર પૂછી રહી હતી.

    થોડી વારમાં જ ચારેકોર ખબર પ્રસરી ગઈ. કૈલાશને જોવા લોકોનાં ટોળા ઊમટ્યાં. મિત્રવૃંદ મુબારકબાદ આપવાં આવવાં માંડ્યા. ડૉક્ટર અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગતની પ્રસંશા કરતા રહ્યા. લોકો ભગતના દર્શન કરવાં ઉત્સુક બન્યાં.

    ડૉક્ટરે અંદર જઈને જોયું તો, ભગત નહોતા.

    “અરે, હમણાં સુધી તો અહીં બેઠા ચિલમ પીતા હતા, અમે તમાકુ આપવા માંડી તો એ પણ ના લીધી. પોતાની પાસે હતી એ તમાકુ જ ભરી.” નોકરોએ જવાબ આપ્યો

    ભગતને કોઈ મોટી રકમ આપવી એવું ડોક્ટર અને નારાયણી વિચારતાં રહ્યાં અને ભગત તો મક્કમ ચાલે ઘર તરફ આગળ ને આગળ વધી રહયા હતા.

    “રાત્રે તો મેં એમને ઓળખ્યા નહોતા પણ સવારે એમનો ચહેરો જોઈને આછું યાદ આવતું હતું કે એ કોઈ દર્દીને લઈને આવ્યા હતા, મારી રમતનો સમય થતો હતો એટલે મેં જરાય ધ્યાન નહોતું આપ્યું, પણ હવે જો મને મળે તો એમના પગે પડીને મારા અપરાધની ક્ષમા માંગી લઈશ. હવે સમજાય છે કે આવા લોકોનો જન્મ પરોપકાર માટે જ થાય છે. એમની સારપે તો મને જીવનભરનો પાઠ શીખવાડી દીધો.” ડૉક્ટર નારાયણીને કહી રહયા હતા.


    પ્રેમચંદ મુનશી લિખિત વાર્તા – મંત્ર – પર આધારિત


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • વાદ્યવિશેષ : (૪) – કળવાદ્યો : એકોર્ડીયન [૨]

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    ગઈ કડીમાં આપણે એકોર્ડીયનનો પ્રાથમિક પરિચય મેળવ્યા પછી તેનો પ્રભાવક ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક ચુનંદાં ગીતો માણ્યાં. આ કડીમાં ફરી એક વાર એકોર્ડીયન વાદન ધરાવતાં યાદગાર હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ.

    ૧૯૫૦ની સાલમાં હિન્દી ફિલ્મી વાદ્યવૃંદમાં પહેલી વાર એકોર્ડીયનના પદાર્પણ બાદ ૧૯૭૦ સુધીના બે દાયકા દરમિયાન લગભગ બધા જ સંગીતનિર્દેશકો અને તેમના સંયોજકોએ તેનો ખુબ જ કર્ણપ્રિય ઉપયોગ કર્યો.

    ૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’ના ગીતથી શરૂઆત કરીએ. શંકર-જયકિશનના સ્વરાંકનમાં મઢાયેલા આ ગીતની શરૂઆત એકોર્ડીયન પર વાગેલા પૂર્વાલાપ/Preludeથી થાય છે. વળી બીજા અંતરા પહેલાંના  મધ્યાલાપ/Interlude દરમિયાન ૧.૨૯ થી ૧.૩૧ સુધીમાં વાદક ગૂડી સીરવાઈની એક ઝલક પણ જોવા મળી જાય છે.

    ફિલ્મ ‘પૂનમ’ (૧૯૫૨)માં પણ શંકર-જયકિશનનું સંગીત હતું. તેના આ ગીતના માધુર્યમાં એકોર્ડીયનવાદન ઉમેરો કરે છે.

    ફિલ્મ ‘પતિતા’(૧૯૫૩)ની સફળતામાં શંકર-જયકિશનના સંગીતનિર્દેશનમાં બનેલાં ગીતોનો મોટો ફાળો હતો. તેમાંના તલત મહમૂદના સ્વરમાં ગવાયેલા એક ગીતની શરૂઆત જ એકોર્ડીયન પર છેડાયેલા પૂર્વાલાપ/Preludeથી થાય છે. સમગ્ર ગીત દરમિયાન એકોર્ડીયનની હાજરી સતત વર્તાતી રહે છે.

    https://www.youtube.com/watch?v=T_QKUWk6anI

    ૧૯૫૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘રૂખસાના’ વ્યવસાયિક ધોરણે સાવ નિષ્ફળ નીવડી હતી. પણ સજ્જાદ હુસેનના સંગીતનિર્દેશનમાં બનેલાં તેનાં ગીતો પૈકીનું એક ખાસ્સું લોકપ્રિય બન્યું હતું. એ યુગલગીતમાં ખુબ જ નોંધનીય એકોર્ડીયનવાદન સાંભળવા મળે છે. સમગ્રપણે એવી અસર ઉપજે છે કે જાણે કોઈ ઉલ્લાસમય વાતાવરણમાં દોડાદોડી કરી રહેલું એક નાનકડું બાળક ટહુકા અને ખીલખીલાટ વડે સતત પોતાની હાજરી પૂરાવતું રહેતું હોય!

    ઓ.પી. નૈયરના નિર્દેશનમાં બનેલાં ગીતો ધરાવતી ફિલ્મ ‘મંગુ’ (૧૯૫૪)નું આ ગીત સાંભળતાં વિચાર આવે કે ગાયકીની સંગત એકોર્ડીયન કરી રહ્યું છે કે પછી એકોર્ડીયનની સંગત ગાયકી દ્વારા થઈ રહી છે!

    ૧૯૫૪માં જ પ્રદર્શિત થયેલી અને ઓ.પી. નૈયરનું જ સંગીત ધરાવતી ફિલ્મ ‘આર પાર’ના પ્રસ્તુત ગીતમાં પણ યાદગાર એકોર્ડીયન વાદન સાંભળવા મળે છે.

    https://www.youtube.com/watch?v=CoESiBRIvok

    ૧૯૫૭ની બિલકુલ નિષ્ફળ ફિલ્મ ‘કૈદી’માં પણ ઓ.પી. નૈયરનું યાદગાર સંગીત હતું. ઉપરનાં બે ગીતો અને આ ગીત સાંભળ્યા પછી એવો વિચાર આવે છે કે ૧૯૫૪-૧૯૫૭ના સમયગાળા દરમિયાન ઓ.પી. નૈયર એકોર્ડીયનવાદનની એક ચોક્કસ લઢણનો સાથ લઈને ધૂનો બનાવતા હોય તો નવાઈ નહીં.

    સંગીતનિર્દેશક એન. દતા (દત્તા નાયક)નું નામ પ્રમાણમાં ઓછું જાણીતું છે. પણ તેમનાં બનાવેલાં અમુક ગીતો ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ફિલ્મ ‘બ્લેક કેટ’(૧૯૫૯)ના પ્રસ્તુત ગીતમાં ખુબ જ કર્ણપ્રિય એકોર્ડીયનવાદન છે.

    ૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’ ખુબ જ સફળ નીવડી હતી. ફિલ્મની વાર્તા તો ઉત્તમ હતી જ, સાથે તેની સફળતામાં એ સમયનાં ટોચનાં અભિનેતા-અભિનેત્રી, દિગ્દર્શક, અન્ય કસબીઓ તેમ જ અને શંકર-જયકિશનનાં બનાવેલાં ગીતોનો મોટો ફાળો હતો. ફિલ્મના ટાઈટલ ગીતનું એકોર્ડીયનવાદન આજે પણ તાજગીભર્યું લાગે છે.

    https://www.youtube.com/watch?v=vLlatxcn1qc

    હંસરાજ બહલનાં બનાવેલાં ગીતો આજે પણ ચાહકોની યાદમાં અકબંધ છે. તેમનું સંગીતનિર્દેશન ધરાવતી ૧૯૬૦ની ફિલ્મ ‘મૂડ મૂડ કે ન દેખ’ના પ્રસ્તુત ગીતમાં ખુબ જ ધ્યાન ખેંચતું રહે તેવું એકોર્ડીયનવાદન છે.

    ફરીથી માણીએ ઓ.પી.નૈયરનું સ્વરનિયોજન ધરાવતું એક ગીત. ૧૯૬૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હમ સબ ઉસ્તાદ હૈ’ના આ ગીતના એકોર્ડીયનવાદનમાં તેમની શૈલી સ્પષ્ટ જણાઈ આવે છે.

    https://youtu.be/o-z_nBUaE-Q

    ફિલ્મ ‘આખરી ખત’ (૧૯૬૬)માં સંગીતકાર ખય્યામે તેમની પરંપરાગત શૈલી કરતાં અલગ પડતું એક ગીત બનાવ્યું. આ ગીત પ્રખ્યાત ગાયક અને ગીટારવાદક ભૂપીન્દર સિંહે ગાયું છે. પ્રસ્તુત ક્લિપની રસપ્રદ બાબત એ છે કે ગાયક પોતે જ પરદા ઉપર જોવા મળે છે. તે ઉપરાંત ફિલ્મી વાદ્યવૃંદના ટોચના સંયોજક અને ટ્રમ્પેટવાદક એન્ટોનીયો વાઝ ઉર્ફે ચીક ચોકલેટ પોતાના વાદ્ય સાથે ૩.૧૮ થી ૩.૨૩ દરમિયાન નજરે પડે છે.

    ૧૯૭૧માં વાદ્યવૃંદની દુનિયામાં એક એવો પડાવ આવ્યો, જેણે બહુ દૂરગામી અસર છોડી. ઈલેક્ટોનીક્સ ક્ષેત્રે થઈ રહેલા આવિષ્કારો થકી ‘સીન્થેસાઈઝર’ નામે એવું કળવાદ્ય બજારમાં આવ્યું, જેના વડે અનેક વાદ્યોના લગભગ આબેહૂબ અવાજ સાથે ધૂનો વગાડી શકાતી હતી. વળી કોઈએ કલ્પના પણ ન કરી હોય એવા વિશિષ્ટ પ્રકારના અવાજો પણ તેના વડે પેદા કરી શકાતા હતા. આથી ગીતો સાથેના વાદન તેમ જ પાર્શ્વસંગીત માટે ઉપયોગે લેવાતાં કેટલાંયે વાદ્યો ક્રમશ: બિનઉપયોગી બનવા લાગ્યાં. આનો સૌથી શરૂઆતનો ભોગ બન્યાં હાર્મોનિયમ, એકોર્ડીયન અને પિયાનો જેવાં આદિકળવાદ્યો. આ કારણથી ૧૯૭૧ પછીનાં ફિલ્મી ગીતોમાં એકોર્ડીયનનો ઉપયોગ તદ્દન મર્યાદિત બની ગયો.

    માનસ મુખરજી નામના સંગીતકાર મુખ્યત્વે બંગાળી ફિલ્મોમાં વ્યસ્ત રહેતા હોવાથી હિન્દી ફિલ્મ વ્યવસાયમાં લગભગ અજાણ્યા જ રહ્યા. તેમણે ૧૯૭૯ની ફિલ્મ ‘શાયદ’ના એક ગીતમાં એકોર્ડીયનના કર્ણપ્રિય અંશો પ્રયોજ્યા હતા. તે ગીત સાંભળીએ.

    https://www.youtube.com/watch?v=-ZiIMJAEXXU

    ( આ ક્ષમતાવાન સંગીતનિર્દેશક માત્ર ૪૪ વર્ષની વયે દુનિયા છોડી ગયા. પણ તેમનાં સંતાનો – શાન અને સાગરીકા – હિન્દી ફિલ્મો માટે ગાયક તરીકે પ્રચલિત થઈ ચૂક્યાં છે.)

    જાણ્યે અજાણ્યે એક એવી છાપ ઉભી થઈ છે કે એકોર્ડીયન રાજ કપૂરનું ખુબ જ પ્રિય વાદ્ય હતું અને તેઓ કુશળતાથી એ વગાડી પણ શકતા હતા. એ માન્યતા ફિલ્મી વર્તૂળોમાં પણ પ્રચલિત હતી. આ બાબતની પ્રતીતિ ફિલ્મ ‘નસીબ’(૧૯૮૧)ના પ્રસ્તુત ગીતમાં થાય છે. હોટલમાં યોજાયેલી એક પાર્ટીમાં અમિતાભ બચ્ચન ગીત ગાઈ રહ્યા છે સાથે વાદ્યવૃંદ પણ છે. દરમિયાન એક પછી એક ફિલ્મી સિતારાઓ આવતા જાય છે. એવામાં રાજ કપૂર પ્રવેશે છે. અમિતાભ બહુ નમ્રતાથી તેમના હાથમાં એકોર્ડીયન પકડાવી દે છે અને સૌ તેમને વગાડવા માટે વિનંતિ કરે છે.

    જો કે આ અંગેનો દાવો ખુદ રાજ કપૂરે ક્યારેય કર્યો હોય એવું ધ્યાને નથી આવ્યું. તે જ રીતે એક માન્યતા એવી પણ બંધાઈ ગઈ છે કે એકોર્ડીયનનો સૌથી વધુ ઉપયોગ શંકર-જયકિશનની બનાવેલી ધૂનોમાં સાંભળવા મળે છે. જો કે એ માન્યતામાં કોઈ વજૂદ નથી. અહીં પ્રસ્તુત થયેલાં અને તે ઉપરાંતનાં અનેકાનેક એકોર્ડીયનપ્રધાન ગીતો શંકર-જયકિશન ઉપરાંત નૌશાદ, સી.રામચંદ્ર, સચીનદેવ બર્મન, હેમંતકુમાર, સજ્જાદ હુસેન, રાહુલદેવ બર્મન, ઓ.પી. નૈયર, ખય્યામ, દતા નાયક, રવિ અને કંઈ કેટલાયે સંગીતકારોની અને તેમના સહાયકોની સર્જકતાના ફાલરૂપે ઉતર્યાં છે.

    નોંધ :

    ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com