પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ
આજ સુધીમાં રજનીકુમાર પંડ્યાના સિત્તેર ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે. તેમાં ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ,સામાજિક ચિંતન-નિબંધો, જીવનચરિત્રો, વ્યક્તિચિત્રો- જેમાં ફિલ્મી હસ્તીઓથી લઇ સામાજિક નિસબત ધરાવતી નામી- અનામી અનેક વ્યક્તિઓ ઉપરાંત સંસ્થાઓ અંગેનાં લખાણો પણ સામેલ છે. ‘દાંડીકૂચના બજે ડંકા’ નામે એક નાટક પણ તેમણે લખ્યું છે. આ સિવાય સંપાદન અને સંકલનો પણ ખરા! આ અગાઉ તેમણે હાસ્ય-કટાક્ષ વાર્તાઓ પણ લખી છે, જેના બે સંગ્રહો ‘હાસ બિલોરી’ તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૦૩નું ‘જ્યોતિન્દ્ર દવે પારિતોષિક’ વિજેતા ‘શબ્દઠઠ્ઠા’ પ્રકાશિત થઇ ચૂક્યા છે. આ ક્રમમાં ‘તીરછી નજર’ તેમનો ત્રીજો હાસ્યવાર્તાસંગ્રહ છે.
આ વાર્તાસંગ્રહ બે ભાગમાં વિભાજીત છે. પહેલા વિભાગમાં માનવમનની વિસંગતીઓને હાસ્યરસમાં ઝબોળીને પ્રસ્તુત કરાયેલી કુલ ૧૯ વાર્તાઓ છે. આ વાર્તાઓમાં પાત્રોને તેમણે રાજકીય નેતાના તો ક્યારેક સરકારી કારકૂનના; શેઠના તો ક્યારેક ચપરાશીના એમ વિવિધ વાઘા પહેરાવ્યા છે, પણ તેમના માધ્યમથી રજનીકુમારે મનોદર્પણ પર ઉપસેલી છબીઓને કલમ વાટે વાર્તારૂપે કાગળ પર ઉતારી છે.
આ વાર્તાઓની વિશેષતા એ કે તેમાં હાસ્ય ઉપરાંત કોઇ ચિરંતન સત્ય છુપાયેલું છે. જેમ કે; પહેલા ક્રમની વાર્તા ‘પૃથ્વીરાજ ચૌહાણનો વેશ’માં, રમૂજ સાથે સમજાવ્યું છે કે શિખરે બિરારજમાન વ્યક્તિમાં ગમે તેવું કૌવત અને કૌશલ્ય કેમ ના હોય, પણ કોઇ એક તબક્કે તો નીચે ઉતરી બીજા માટે જગ્યા ખાલી કરવી જ પડે છે. આ વાત તેમણે ઘરડા થવા છતાં પણ પૃથ્વીરાજ ચૌહાણનો કિરદાર નિભાવવા ઉત્સુક મકન મહારથીના પાત્રથી રજૂ કરી છે. એ જ રીતે ‘જીકુભાનો જેજેકાર’ તથા ‘હાઇ કમાન્ડ હાય, હાય’ જેવી વાર્તાઓ રાજકારણને તર્ક તથા નિયમોથી બાર ગાઉ છેટું રહેતું હોવાનો મર્મ પકડીને લખાઇ છે. એવોર્ડોમાં ચાલતા લોલમલોલની વાત ‘લાટા એવોર્ડ’માં તથા સહુને સાચવવા જતાં મૂળ હેતુ જ માર્યો જાય તેવા નિર્ણયોની વાત ‘મેગાફાસ્ટ ટ્રેનની જનમકુંડળી’ વાર્તામાં હાસ્ય નીપજાવતી શૈલીમાં આલેખાઇ છે. ‘એક લેડી ક્લાર્કની કેફિયત’ વાર્તામાં નેતા કરતાંય ચપરાશીની પહોંચ ઘણી ઉંચી હોવાનું મરક મરક હસાવતા રહીને પ્રતિપાદિત કર્યું છે; તો ‘એક પૂંછડાનો ફેર!’ જેવી વાર્તાથી હાસ્યની સાથે કાયદાઓની પોકળતા તરફ અંગુલીનિર્દેશ કરાયો છે.
વાર્તાઓ થોડા બહોળા અર્થમાં સમજવાનો પ્રયાસ કરવામાં આવે તો વાચકને પણ સમજાય છે કે વાર્તામાં જેમ નાયકની એક આભાસી દુનિયા છે, એવું આભાસી વિશ્વ તેને ખુદને પણ વળગેલું છે! અને વાર્તાનાયકની જેમ જ નિરર્થકતાની જાણ હોવા છતાં તેને સત્ય માનવા અને ઠેરવવા ખુદ પણ કેટલાં વલખાં મારે છે! રજનીકુમારે આવા વલખાંઓને હાસ્યરસ નિપજાવતી વાર્તારૂપે રજૂ કર્યા છે.
‘આત્મારામની અદાલત’ નામના બીજા વિભાગમાં રજનીકુમારે સર્જેલા પાત્ર આત્મારામને કેન્દ્રમાં રાખી લખાયેલી ૧૪ વાર્તાઓનો સમાવેશ છે. આ વાર્તાઓમાં એવી કેટલીક પ્રતિક સમસ્યાઓનો આધાર લેવાયો છે કે જે તે સમયે વ્યક્તિને જબરદસ્ત માનસિક પરિતાપ આપવાની સાથે ક્યારેક આત્મઘાત તરફ દોરી જાય છે. જેમ કે, કેન્સરની બિમારી, જીવનસાથીની પસંદગીમાં અસંતોષ, ઇર્ષા, નસીબ, વ્યવસાયિક સમસ્યાઓ, સલાહો, મોળા પડતા જતા સંબંધોનો સ્વીકાર, ખુન્નસ વગેરે… પ્રોફેસર આત્મારાંમની આંખે જૂઓ તો એ સમસ્યાઓ એટલી મોટી નથી હોતી, જેટલી પીડાતી વ્યક્તિને તે જણાય છે! કેટલીક ઉપાધિઓના ઉપાયો સહજ અને સરળ હોય છે તો કેટલીકનો સ્વીકાર! રજનીકુમારે પ્રોફેસર આત્મારામના પાત્રની મદદથી ખૂબ જ સલુકાઇથી આ સત્ય સમજાવ્યું છે; અલબત્ત, હાસ્યરસના મરમી લેખક બીરેન કોઠારીએ પ્રોફેસર આત્મારાંમનો પરિચય કરાવતાં એક સ્થળે લખ્યું છે કે,પ્રોફેસર આત્મારામ કોટ અને ટાઇ પહેરેલો મોટીવેશનલ થીન્કર કે સ્પીકર નથી, કે નથી એ ચિંતક. એ તો મારા- તમારા, આપણા જેવો સામાન્ય વ્યક્તિ છે, જે ક્યારેક આપણા કરતાંય અતિસામાન્ય વ્યક્તિ જણાય છે. તે કોઇ જાણતલની ભૂમિકામાં આવ્યા વગર મૂંઝવણ અનુભવતા પાત્ર સાથે આત્મીયતાથી ખભે હાથ મૂકી શરૂઆતમાં તેની ‘હા’ માં ‘હા’ મિલાવે છે ત્યારે શરૂઆતમાં રમૂજનો ભાવ નીપજે છે. વાત ઉપાયો તરફ આગળ ધપતી જાય તેમ ગંભીરતા પકડાય છે અને છેવટે ઉઘાડ છવાઇ જાય છે. પ્રોફેસરના સંપર્કમાં આવ્યા પછી એમ થઇ આવે કે કેટલા સરળ ઉપાયો અને ક્યારેક સહજ સ્વીકૃતિને અભાવે આપણે અકારણ કેટલી પીડા વેઠતા હતા!
રજનીકુમારનું ઘણું લેખન સત્યઘટનાઓ પર આધારિત રહ્યું છે. સંવેદનાથી ઝણઝણાવી મૂકતાં તેમનાં લખાણોની પ્રભાવકતા અને સંખ્યાને કારણે તેઓ ગંભીર લેખનના વ્યક્તિ ગણાય છે. તેઓ ખુદ નોંધે છે કે તેમનું લક્ષ માણસના જીવનમાં ઘોળાયેલી કારુણી તરફ વધુ રહે છે. પરંતું મન- વર્તનની વિસંવાદિતના અનુભવો મનના ખૂણે અંકિત થાય ત્યારે કટાક્ષ જન્મે. તેમાંથી જેને કાગળ પર ઉતરવાનો મોકો મળ્યો તે આ વાર્તાસંગ્રહ ‘તીરછી નજરે’.
હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે રજનીકુમારની હાસ્યવાર્તાઓ વિશે લખ્યું છે કે આ રજનીકુમારની તીરછી નજરમાં ઇર્ષ્યા, રાગ-દ્વેષ, ભય, ગુસ્સો વગેરેનો પાસ જોવા નથી મળતો. તેમનાં લખાણોમાં માત્ર રમૂજ છે જે સમભાવ પ્રેરિત છે. તેમણે એમ પણ નોંધ્યું છે કે મોટે ભાગે કોઇ કથાની ઓથ લઇને આગળ વધતી કથાઓ હાસ્યકથા તરીકે ઓળખાય છે. આવી રચનાઓમાં કથાનો ભાર વધતાં કલાત્મક માવજત જળવાતી નથી. પરંતું વાર્તાકલાના દરેક માપદંડથી તપાસતાં ‘તીરછી નજર’ની હાસ્યવાર્તાઓ ટૂંકી વાર્તાઓની જોડાજોડ ઊભેલી જણાય છે. આ વાર્તાઓ રજનીકુમારને ગંભીરલેખન ઉપરાંત હાસ્યલેખકોની પંગતમાં માનભેર સ્થાન અપાવે તેવી સક્ષમ છે.
*** *** ***
પુસ્તક અંગે માહિતી:
તીરછી નજર: રજનીકુમાર પંડ્યા
લેખક સંપર્કઃ rajnikumarp@gmail.com
પૃષ્ઠસંખ્યા : ૧૬૦
કિંમત : ₹ ૩૦૦/-
પ્રથમ આવૃત્તિ,ઓક્ટોબર ૨૦૨૨
મુદ્રક અને પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
વિજાણુ સંપર્ક: contact@zenopusl.in
વિજાણુ સરનામું: www.zenopus.in
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com