વાત મારી, તમારી અને આપણી
ડૉ. મૃગેશ વૈષ્ણવ
એમ.ડી.(મનોચિકિત્સક)
મન અને શરીરથી જે હોય તેનાથી જુદા કે બીજાઓ જેવા બનવાના જે વ્યક્તિ પ્રયત્નો કરે છે તેના જેટલી દુ:ખી, અસહાય કે હતાશ વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઇ નથી.
વલ્લરી એના કુટુંબમાં સૌથી નાની હતી. તેનો એક ભાઇ એક પ્રતિષ્ઠિત કંપનીમાં ફાઇનાન્સ મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો. બીજો એક ભાઇ સફળ ધારાશાસ્ત્રી તરીકે શહેરમાં જાણીતો હતો. મોટી બહેન ડૉકટર બની તેની જ લાઇનના તબીબ સાથે પરણી હતી અને બીજા નંબરની બહેને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. જ્યારે વલ્લરી મહામુશ્કેલીએ આર્ટસ ગ્રેજ્યુએટ થઇ હતી. તેના અન્ય ભાઇ બહેનો દેખાવમાં પણ સુંદર અને પ્રતિભાશાળી હતા.
જ્યારે વલ્લરી દેખાવે સામાન્ય હતી. બાર વર્ષની ઉંમરે જ તેને ભારે નંબરના ચશ્મા આવ્યા હતા. પોતાનો સામાન્ય દેખાવ, ચશ્માના જાડા કાચ અને સામાન્ય બુદ્ધિ પ્રતિભાને કારણે વલ્લરી એવું માનતી હતી કે અવિનાશરાય મહેતા પ્રતિષ્ઠિત સોલીસીટરના ખાનદાનનો એક અંશ ગણવાને તે લાયક નથી. વલ્લરી નાનપણથી જ સ્વભાવે શરમાળ, ઓછાબોલી અને વધારે પડતી સંવેદનશીલ હતી. તે ઘરમાં પણ કોઇની જોડે ભળતી નહિ અને તેને ખાસ કોઇ બહેનપણી પણ નહોતી. તે હંમેશા પોતાની મોટી બે બહેનોના ઉતરેલા કપડાં જ પહેરતી. કારણ કે તે એવું માનતી કે પોતે ગમે તેટલા નવાં અને આધુનિક વસ્ત્રો પરિધાન કરે તો પણ ક્યારેય તેની બહેનો જેટલી સુંદર તે દેખાવાની નથી.
નાનપણથી જ તે ન કોઇની સાથે રમવા જતી કે ન ઘરમાં પણ કોઇ પ્રકારનું તોફાન કરતી. સતત બેઠાડુ જિંદગીને કારણે તે સ્થૂળકાય થઇ ગઇ હતી. સામાન્ય દેખાવ, ચશ્માના જાડા કાચ, સ્થૂળ શરીર, બહેનોના ખૂલતા કપડા તથા લઘુતા અને શરમથી સતત મોં છૂપાવીને ફરતી વલ્લરીની ચિંતા તેની માતાને પણ વિશેષ હતી. પુત્રીને પ્રોત્સાહિત કરવા તે હંમેશા કહ્યા કરતી… ”તારી મોટી બહેનો જેવી થા… ભાઇઓ પાસેથી કંઇક શીખ…” પરંતુ આવા વાક્યો વલ્લરીને વધારે હતોત્સાહ કરતાં હતાં. તેની બહેનો કે ભાભીઓ જેટલી સુંદર, પ્રતિભાવાન કે બુદ્ધિમાન તે ક્યારેય નહિ થઇ શકે એ વાતનો તેણે સ્વીકાર કરી લીધો હતો. વલ્લરીને કુટુંબના અન્ય લોકો જેવી બનાવવા માટે તેનો આત્મવિશ્વાસ અને પ્રતિભા વધારવા માટે માતા અરૃણાબેને ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ વલ્લરી તો તેના કોચલામાં વધારે ને વધારે ભરાઇ જતી હતી.
આખરે વલ્લરી એટલી બધી ભાંગી પડી કે તેને તેનું અસ્તિત્વ હેતુવિહીન અને અર્થવિહીન લાગવા માંડયું. જિંદગી એક બોજારૃપ લાગવા માંડી. જીવનથી હારી ચૂકેલી, આત્મવિશ્વાસ અને આત્મસન્માનનો સંપૂર્ણ અભાવ અનુભવતી વલ્લરી આત્મહત્યા કરવાનો નિર્ણય લઇ ચૂકી હતી, પરંતુ આવું કરવાથી કુટુંબની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું માની આત્મહત્યા કરવાની હિંમત પણ ગુમાવી બેઠી હતી.
વલ્લરીની મનોવ્યથા સાંભળ્યા બાદ તેની સમસ્યાના મૂળ વિશે ચર્ચા કરતા સલાહ આપી : બહેન તમારી સમસ્યાનું મૂળ એક જ છે કે તમે જેવા પણ છો, એવા તમારી જાતનો… તમારો પોતાનો સ્વીકાર તમે પોતે જ કરતાં નથી. તમે જેવા છો એવા જ બરોબર છો. તમારી જાતને બીજાઓ જેવી બનાવવાની જરૃર નથી. તમારી બહેનો જેવી છે તેવા તમારે પણ થવું જ જોઇએ એ આગ્રહ તમે મૂકી દો.
બરાબર એક મહિના પછી વલ્લરીના ચહેરા પરની શરમ, સંકોચ અને નિરાશા ગાયબ થઇ ગયા હતા. તેના ચહેરા પરના જાડા ગ્લાસવાળા ચશ્માનું સ્થાન કોન્ટેક્ટ લેન્સે લઇ લીધું હતું. તેણે નવો ડ્રેસ પહેર્યો હતો. ચહેરા પર થોડો મેઇક અપ પણ કર્યો હતો. તેનો દેખાવ અને વર્તન જોઇને સાહજિક રીતે જ ટકોર થઇ ગઇ ‘વાહ, એક મહિનામાં તમારા મોઢા પર કંઇક વિશેષ, ચમક આવી ગઇ છે !!’
આ ટકોરનો હળવેથી જવાબ આપતાં વલ્લરી બોલી ‘મારો આત્મવિશ્વાસ વધ્યો છે, ચહેરા પર તેજી આવી છે એ વાત તમારી સાચી છે, પરંતુ તમે મારામાં જે ફેરફાર જુઓ છો તેનું મૂળ કારણ તમારા શબ્દો છે. મારે બીજાઓ જેવા બનવાની જરૃર નથી. હું જેવી છું એવી મારી જાતનો મારે સ્વીકાર કરવાની જરૃર છે… એ શબ્દોની મારા મન પર જાદુઇ અસર થઇ છે. તે દિવસથી મને સમજાયું કે મારી મમ્મીએ મને મારી બહેનો જેવી બનાવવાની કોશિષ ન કરી હોત તો વાસ્તવિકતા કંઇક જુદી જ હોત. મને એક વાત સમજાઇ ગઇ કે મારી જાતનો અસ્વીકાર કરી તેને બીજાઓ જેવી બનાવવાના જેટલા પ્રયત્નો કર્યા તેટલી જ હું નિષ્ફળતા અને લઘુતાનો શિકાર બની. મને સમજાયું કે બીજાઓ જેવા બનવાના અભરખા રાખીને મેં મારી જાત પર ઘણા અત્યાચારો કર્યા છે.’ મેં મારી જાતને તે જેવી છે એવી સ્વીકારી લેવાનું નક્કી કર્યું. હું જે નથી તેનો અફસોસ મેં બાજુએ મૂકી દીધો અને મારે બીજા કોઇ જેવા નહિ પણ મારા જેવા જ બનવું છે એ વાત નક્કી કરી નાંખી. ત્યાર પછી મેં નવા ડ્રેસ ખરીદ્યા. શરમ સંકોચ છોડીને બીજાઓ સાથે બોલવાનું શરૃ કર્યું. પપ્પાના કામમાં રસ લેવાનું શરૃ કર્યું.
વલ્લરીને અપાયેલી સલાહના કેટલાક શબ્દો તેના હૃદયને સ્પર્શી ગયા હતા. જેનાથી તેનો હૃદય પલટો થઇ ગયો હતો. તેણે પોતાના વિચારો બદલી નાખ્યા હતા. તેનું જીવન બદલાઇ ગયું હતું. યાદ રાખજો… તમે આજે જેવા છો.. જ્યાં છો.. તેને માટે જવાબદાર તમારી પોતાની વિચારધારા છે. તમારી પરિસ્થિતિ બદલવા માટે તમારે બીજા લોકોને બદલવાની જરૃર નથી. માત્ર તમારા પોતાના વિચારો જ બદલવાની જરૃર છે. તમારી જાતને ઓળખવાનો, તમારી મર્યાદાઓનો સ્વીકાર કરવાનો પ્રયત્ન વલ્લરીની જેમ જ બહુ જ ટૂંકા ગાળામાં તમારામાં પણ અદ્ભુત પરિવર્તન લાવી શકે છે.
જે વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકે છે અને તેનો મૂળ સ્વરૃપમાં સ્વીકાર કરી શકે છે એના જેવી બુદ્ધિમાન અને સમજદાર વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઇ નથી. વલ્લરીની આ સમજદારી પર તેને શાબાશી આપી કેટલીક મહત્વની ટીપ્સ અપાઇ, ‘તમે તમારા વ્યક્તિત્વના સારા તથા નબળા એમ તમામ પાસાઓને ચકાસવાનું શરૃ કરો.. અને જે ગમે તે રંગના કપડાં પહેરો, દર્પણમાં જોઇ તમારી લાક્ષણિકતાના, વ્યક્તિત્વના, પ્રભાવના, સુંદરતાના વખાણ કરો. લોકો સાથે મુક્ત મને વાત કરવાનું શરૃ કરી દો. તમારે એક ખ્યાતનામ સોલીસીટર બનવું છે એવું નક્કી કરી નાંખો. આ દુનિયા સમક્ષ તમે તમારી જાતને જેવી છે એવા જ સ્વરૃપમાં રજૂ કરવાની કોશિશ કરો. આ દુનિયામાં બીજા કોઇપણના સ્વરૃપે આગળ વધવાની કે બીજી કોઇપણ વ્યક્તિ જેવા બનવાની તમારે જરૃર નથી.’
વલ્લરી સાથે આવી તો કેટલીયે ચર્ચા થઇ. આજે વલ્લરી લૉ-ગ્રેજ્યુએટ થઇ ગઇ છે. તેના પિતા સાથે જોડાઇ ગઇ છે. ઘણા મોહક અને ફૂટડા યુવાનો વલ્લરી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે. વલ્લરીની ઊંચી કાયા, સપ્રમાણ શરીર અને વિશ્વાસભરી છટા જોઇને તેની સાથે તેના જૂના ફોટાને સરખાવો તો તમે પણ એ વાત માનવા તૈયાર જ ન થાવ કે તમે એ જ વ્યક્તિને મળી રહ્યા છો. આજે વલ્લરી એક વાત કહે છે ‘મને પસંદ કરવા આવનાર યુવાનને મારી આપવીતી સંભળાવીશ અને જે યુવાન મારા આ મૂળ સ્વરૃપનો પણ સ્વીકાર કરશે તેની સાથે જ હું લગ્ન કરીશ, હું જેવી દેખાતી હતી એ વાતનો મને કોઇ રંજ નથી. ક્યારેક તે એવું પણ કહે છે કે મને પરણવા આવનાર યુવાનની આગળ હું મારા લેન્સ કાઢી નાખી, જાડા કાચવાળા ચશ્મા પહેરીને જ જઇશ. મને એ સ્વરૃપમાં પણ જે પસંદ કરશે તેની સાથે જ હું લગ્ન કરીશ…’
વલ્લરીની આ વાત લગભગ બધાને લાગુ પડે છે. ‘તમે જેવા છો, તમે જે છો, એવા જ રહેવાનો પ્રયત્ન કરવાની વાત.’ – આ દુનિયાના ઈતિહાસ જેટલી જ જૂની છે. એક વાત હંમેશા યાદ રાખો કે ‘મન અને શરીરથી તમે જે છો તેનાથી જુદા કે બીજાઓ જેવા બનવાના વ્યક્તિ પ્રયત્નો કરે છે તેના જેટલી દુ:ખી, અસહાય કે હતાશ વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઇ નથી.’ તમારા બાળકને કેળવણી આપતાં પહેલાં આ વાત તમારે યાદ રાખવી પડશે.
આજના આ આધુનિક જમાનામાં બીજાઓ જેવા બનવાનો રોગ વકર્યો છે. બધાને પોતાની આગવી ઓળખ ભૂંસી નાખીને શાહરૃખખાન, સલમાનખાન, સચીન તેંડુલકર, ઐશ્વર્યા રાય કે દીપિકા પદુકોણ બનવું છે કે દેખાવું છે. હકીકતમાં નકલખોર વ્યક્તિ નહિ પણ પોતાનું આગવું વ્યક્તિત્વ અને ઓળખ ઊભી કરનાર વ્યક્તિ જ સફળતા મેળવી શકે છે.
યુવાન મિત્રો, તમે જેવા છો એવી જ તમારી જાતનો સ્વીકાર કરી લેશો તો જીવનમાં ઝડપભેર પ્રગતિના પંથે આગળ વધી શકશો. બધાએ આકાશમાં ચમકતાં ચાંદ સિતારા બનવાની જરૃર નથી. તમે તમારી જાતને ચમકાવી શકો તો પણ ઘણું છે.
ન્યુરોગ્રાફ :
છોને હું નાનક દીવડી કોડીયું માટીનું થઇ, ઉજ્જવાળું કો ગૃહ ગરીબનું, તો યે મારે ઘણું…
ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:
E_Mail: mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com