વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ડૉક્ટર ચઢ્ઢાના દીકરા કૈલાશના જન્મદિનના સમારંભમાં એકઠા થયેલા મિતો અને મહેમાનોની હાજરીમાં સાપ અંગેની પોતાની જાણકારી અને કૌશલ્ય દર્શાવવા તત્પર કૈલાશને એક ઝેરી સાપ ડંખ મારે છે અને એનું ઝેર કૈલાશના શરીરમાં વ્યાપી જાય છે. ગતાંકથી અધૂરી વાત અને વાર્તામાં શું થાય છે એ આજે જોઈએ.
ઝેરી સાપના ડંખથી કૈલાશની હાલત મરણતોલ બની ગઈ. ડૉક્ટર કૈલાશ ચઢ્ઢાનો અનુભવ અને એમનું દાકતરી કૌશલ્ય પણ અર્થહીન બની રહ્યા. કોઈ કારી, કોઈ ઉપાય ન દેખાતા થોડી ઘણી શક્યતા વિચારતા ત્યાં હાજર મહેમાનોમાંથી એક જણે સાપનું ઝેર ઉતારનાર કોઈ મંત્રના જાણકારને બોલાવવા સલાહ આપી.
આજે આ વાત કદાચ આધુનિક તબીબી શાસ્ત્રના જાણકારના મનમાં ન બેસે, એવી જ રીતે ડૉક્ટર ચઢ્ઢાનું મન પણ આ વાત સ્વીકારવા તૈયાર ન થાત પણ એક પક્ષે પોતાની જીદ અને બીજા પક્ષે દીકરાનો જીવ હતો. સ્વાભાવિક છે ડૉક્ટરના દિમાગની જીદની સામે દીકરાનો જીવ બચાવવા ઇચ્છતા પિતાના દિલનું પલ્લું જરા વધુ નમી ગયું. ડૂબતો તરણું ઝાલે એમ એ આશાભરી નજરે પેલા મહેમાનની સામે જોઈ રહ્યા. ડૉક્ટરની નજર પારખતા બીજા મહેમાને આ વાત પર જરા જોર આપ્યું,
“અરે, કબરમાં પડેલી લાશમાં પણ પ્રાણ ફૂંકાયાના દાખલા જોયા છે સાહેબ, ઝાઝું વિચારવાના બદલે મંત્રના જાણકારને બોલાવો.”
“મારી અક્કલ પર પણ પડદો પડી ગયો હતો કે હું કૈલાશની વાતોમાં આવી ગયો. એ જ વખતે નસ્તર મૂકી દીધું હોત તો આ નોબત ન આવત. કહ્યું હતું કે સાપ ન પળાય પણ મારું સાંભળ્યું જ નહીં, હવે બોલાવો કોઈ ઝાડું-ફૂંક કરવાવાળાને, મારું જે જોઈએ એ આપી દઈશ, મારી તમામ મિલકત એના ચરણોમાં ધરી દઈશ, લંગોટી બાંધીને ઘરની બહાર નીકળી જઈશ, પણ મારા કૈલાશને બચાવી લો કોઈ.” ડોક્ટર ચઢ્ઢાના અવાજમાં કંપન હતું કે આક્રોશ?
જે બની ગયું એ કલ્પનાતિત હતું. મા-બાપ તો એના માથે વરરાજાનો સાફો બંધાય એની રાહમાં હતાં, મૃણાલિનીનું કલ્પનાવૃક્ષ નવ પલ્લવિત બનવાની રાહમાં હતું, નવવધૂ બનીને એના પાલવમાં અક્ષત- ફૂલો ઝીલવાના બદલે એનો પાલવ રક્તરંજિત બની જશે એવું તો કોણે વિચાર્યું સુદ્ધાં હોય!
પણ એમ બન્યું હતું. કૈલાશ સાથે સહજીવનના સપના જોતી મૃણાલિનીની નજર સામે મૃતપ્રાય કૈલાશનું શરીર પડ્યું હતું. પોતાની એક નાની અમસ્તી જીદ અને પછી કૈલાશની પોતાના કૌશલ્યને સાબિત કરવાની વધુ પડતી જીદ, એવા સંજોગો ઊભા કરશે જેનો કોઈ ઉપાય કે ઉકેલ જ નહી મળે એવું તો વિચાર્યું ન હોય ને? ન બનવાનું બની ગયું હતું.
કોઈ મહાશય મંત્ર-તંત્રના જાણકારને બોલાવી આવ્યા પણ કૈલાશનો ચહેરો જોતાની સાથે કશું કરવાની હિંમત ન ચાલી. ગજબનો સન્નાટો છવાઈ ગયો. આ એ જ થોડા સમય પહેલા હતું એ હર્યુ-ભર્યું મેદાન હતું. એની પર પથરાયેલી રૂપેરી ચાંદની પણ એમ જ યથાવત રેલાઈ રહી હતી. એ જ મિત્રો અને એ જ મહેમાનો હતાં પણ જ્યાં આનંદ છલકતો હતો ત્યાં સૌની આંખોમાં આંસુ હતાં, હાસ્યનો ધ્વનિ સંભળાતો હતો ત્યાં કરુણ આક્રંદ હતું.
શહેરના આ સ્તબ્ધ વાતાવરણથી ઘણે દૂર, તદ્દન અલગ દિશામાં એક સાવ જીર્ણશીર્ણ ઘરમાં એક ડોસો અને એક ડોસી અંગીઠીની સામે બેસીને ઠંડીની રાતમાં થોડીક હૂંફ મેળવવાની મથામણ કરતાં હતાં. ઘરમાં ન તો ચારપાઈ હતી કે ન તો સરખી પથારી. ખૂણામાં એક ચૂલો હતો જેના પર દિવસે ડોસી રાંધતી અને રાત પડે બંને જણ તાપતાં. દિવસે ક્યાંકથી મળતી સૂકી લાકડીઓ એકઠી કરીને ડોસો બજારમાં વેચી આવતો. આ એમની આજીવિકા હતી. કોઈએ એમને ન તો રાજી જોયાં હતાં જે ન તો નારાજ. બસ આમ જ એમના દિવસો પસાર થતાં હતાં. આજનું આજે ખાધું કાલની વાત કાલે એવું એકબીજાને આશ્વાસન આપતાં હતાં ત્યાં કમાડ ખખડ્યું. ડોસાએ બારણું ખોલ્યું.
“ભગત, કંઈ સાંભળ્યું? ડૉક્ટર ચઢ્ઢાના દીકરાને સાપે ડંખ માર્યો છે. આખા શહેરમાં હલ્લો મચ્યો છે. જો જઈ શકો તો નામ અને દામ બંને થશે.”
ડોસાએ કઠોર ભાવે મુંડી હલાવીને ઘસીને ના પાડી દીધી.
“જાય મારી બલા, મારે કંઈ નથી જવું. આ એ જ ચઢ્ઢા છે જેના પગે પડીને દીકરાનું જીવતદાન માંગ્યું હતું સાંભળવાની વાત તો દૂર, નજર સુદ્ધાં નહોતી નાખી. ભગવાન સાક્ષી છે એ વખતે મારી શું દશા હતી ,હવે એને ખબર પડશે કે દીકરાના મોતનું દુઃખ કેવું હોય છે.”
“ભગત, નહીં જ જાવ?” આવનારે પૂછ્યું
“ના, જે થયું એ ઠીક જ થયું છે. મારું કલેજું ટાઢું પડ્યું હવે એનો દીકરો ટાઢો પડશે. જાઓ ભાઈ, આજે હવે હું નિરાંતે સૂઈશ. હવે એને ખબર પડશે, બધી સાહ્યબી નીકળી જશે. અમારું શું ગયું? જ્યાં છ છોકરાંઓ મર્યાં ત્યાં એક વધારે. એનું તો ઘર સૂનું થઈ જશે. જઈશ, એક વાર તો એને જોવા જરૂર જઈશ, પણ આજે નહીં થોડા દિવસ પછી એની હાલત જોવા જ જઈશ.” અને ભગતે દરવાજો બંધ કરીને નિરાંતે પોતાની ચિલમમાં તમાકુ ભર્યું અને બેઠા બેઠા જાત સાથે વાત કરતા હોય એમ ડોસીની સામે જોઈને બડબડાટ શરૂ કર્યો.
“મારે શું કામ જવું જોઈએ? યાદ છે, બરાબર યાદ છે મને, એણે મારા દીકરા સામે એક નજર સુદ્ધાં નાખી નહોતી. મનેય ખબર તો હતી કે એ બચવાનો નથી અને ડૉક્ટર કંઈ ઈશ્વર નહોતો કે એની આંખોમાંથી કંઈ અમી વરસવાનું નહોતું કે એનાથી મારો દીકરો બચી જાત. જોઈ લે હવે ડૉક્ટર તું પણ આ રંગ જોઈ લે.”
ભગતના જીવનનો આ પહેલો અવસર હતો જ્યારે એ આવા સમાચાર સાંભળીને બેસી રહ્યા હોય. એમના એંસી વરસના જીવનમાં કેટલીય વાર કોઈને સાપ ડંખ્યો હોય અને એ દિવસ કે રાત, ઠંડી કે ગરમી, શ્વાવણ કે ભાદરવો જોયા વગર નિઃસ્વાર્થભાવે દોડ્યા હતા. એમના મંત્રોથી કેટલાંયને જીવન-દાન મળ્યું હતું.
ચિલમ પૂરી થતા ભગત સૂઈ તો ગયા પણ ઊંઘી ન શક્યા. એક અજાણ્યો ભાર એમના હ્રદયને ભીંસી રહ્યો. મનમાં વિચારો અને લાગણીઓ વચ્ચે તુમુલ યુદ્ધ ખેલાતું અનુભવી રહ્યા. અંતે એ ઊઠ્યા અને હળવેથી દરવાજો ખોલીને ચાલવા માંડ્યા. ડગમગતા પગે એ આગળ ચાલ્યા તો ખરા પણ પગ ડગમગે છે કે મન એ નક્કી નહોતા કરી શકતા. ચેતના અને બધિરતાની વચ્ચે મન અટવાતું હતું કે પગ? મન આગળ વધવા માટે પ્રતિકાર કરી રહ્યું હતું અને કર્મને આધિન વિચારો પગને આગળ ધકેલી રહયા હતા. સતત મનની દ્વિધા વચ્ચે ઝોલા ખાતો એક તરફ બાપ હતો એક તરફ ભલા ભગત જે કોઈનાય ભલા માટે ક્યારેય પાછા પડ્યા નહોતા.
મન અને હ્રદય એકમેક સાથે દલીલો પર ઉતરી ગયાં હતાં,
“આવી ઠંડી રાતમાં મારે શું કામ જવું જોઈએ? ઊંઘ ન આવે તો બે-ચાર ભજન ગાઈ લેવા જોઈએ ને? વ્યર્થ આવી દોડાદોડ કરવાની મારે શું જરૂર? ચઢ્ઢાનો દીકરો કાલે મરતો હોય તો આજે મરે. આવા તો દુનિયામાં હજારો લોકો મરે છે, મારે કોઈ મરે કે જીવે એનાથી શું મતલબ? મનમાં સતત ઘોળાતા વિચારો છતાં ભગતના પગ આગળ વધતા રહ્યા.
“અરે! હું કંઈ મંત્ર-તંત્ર કરવા ક્યાં જઉ છું? આ તો જરા જઈને ડૉક્ટરને રોતા કકળતા જોઈશ, આ મોટા લોકો માથું પછાડીને રડતાં હશે કે પછાડો ખાતાં હશે? અરે ના, એ લોકો તો બહુ વિદ્વાન હોય એમને તો ધીરજ રાખતા આવડે.”
આખા રસ્તે ભગતનું મન એક પછી એક સવાલની સામે જાતે જ જવાબ આપતું રહ્યું અને ભગત ડૉક્ટરના ઘર સુધી પહોંચી ગયા.
ઘરની લાઈટો ચાલુ હતી પણ સન્નાટાની છાયાથી જાણે એ રોશની ઝાંખી લાગતી હતી. મહેમાનો વિદાય થઈ ગયાં હતાં. સવાર થાય અને શબ ગંગાની ગોદમાં વહેતું મૂકવાની રાહમાં ઘરના બેઠાં હતાં. રોક્કળ શાંત પડી ગઈ હતી.
બારણે પહોંચીને ધ્રુજતા અવાજે ભગતે પોતાની હાજરી નોંધાવી. ખિન્ન વદને ડૉક્ટર બહાર આવ્યા ઝૂકેલી કમર, થાકેલી ઉંમરને લાકડીના ટેકે ભેરવીને ઊભેલા એક બુઢ્ઢા આદમીને જોઈને ડૉક્ટર એને દર્દી સમજી બેઠા. પહેલાની અકડ તો આ ક્ષણે રહી નહોતી, માથું ધૂણાવી નમ્રતાથી એમને તપાસવાની ના પાડી.
“ભાઈ આજે તો મારા પર જ મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. આજે તો શું એક મહિના સુધી હું કોઈ દર્દીને જોઈ શકુ એવી મનોસ્થિતિ નથી.”
“જાણુ છું અને એટલે જ આવ્યો છુ. ભાઈને જરા જોઈ લેવા દો. ઈશ્વરની કૃપા અપાર છે. એણે ધાર્યું તો બધું ઠીક થઈ જશે. મડદામાં પણ જીવ આવશે.” ભગતે પોતાના આવવાનું કારણ આપ્યું.
“જોઈ લો, બાકી ઘણાં મંત્ર-તંત્ર જાણવાવાળા આવ્યા અને એને જોઈને જ પાછા વળી ગયા.” ડૉક્ટરે વ્યથિત અવાજે જવાબ આપ્યો. એમને આશા તો નહોતી પણ જાણે બુઢ્ઢા આદમી પર દયા આવી. જરાક ખસીને જગ્યા કરી આપી.
ભગતે લાશને જોઈને માત્ર સ્મિત આપતા કહ્યું, “હજુ કશું નથી બગડ્યું બાબુ, નારાયણની મરજી હશે તો ભાઈ અડધા કલાકમાં બેઠા થઈ જશે, બસ ખાલી જરા કોઈને ડોલો ભરી ભરીને પાણી લાવવાનું કહો.”
નોકરોએ પાણી ભરેલી ડોલોથી કૈલાશને નવડાવવાનું શરૂ કર્યું. કૈલાશ બેઠો થવાનો જ છે એવા અગાધ વિશ્વાસથી ભગત મંત્ર બોલતા રહ્યા. કોણ જાણે કેટલીય વાર ભગત મંત્ર જપતા રહ્યા. રાત આગળ વધતી રહી, મંત્ર જાપ ચાલતા રહ્યા અને ઉષાએ લાલ કિરણોથી આંખો ખોલી ત્યારે એની સાથે કૈલાશે પણ એની બંધ આંખો ખોલી. એકાદ ક્ષણમાં તો એણે આળસ મરડી અને લાંબા સમયની ઊંઘમાંથી જાગ્રત થયો હોય એમ એકાદ ક્ષણમાં તો એણે આળસ મરડી અને પાણી માંગ્યું. ડૉક્ટર દોડ્યાને બહાર આવીને નારાયણીને ખબર આપી, નારાયણી દોડીને ભગતના પગમાં પડી. આંસુ સારતી મૃણાલિની કૈલાશની ખબર પૂછી રહી હતી.
થોડી વારમાં જ ચારેકોર ખબર પ્રસરી ગઈ. કૈલાશને જોવા લોકોનાં ટોળા ઊમટ્યાં. મિત્રવૃંદ મુબારકબાદ આપવાં આવવાં માંડ્યા. ડૉક્ટર અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગતની પ્રસંશા કરતા રહ્યા. લોકો ભગતના દર્શન કરવાં ઉત્સુક બન્યાં.
ડૉક્ટરે અંદર જઈને જોયું તો, ભગત નહોતા.
“અરે, હમણાં સુધી તો અહીં બેઠા ચિલમ પીતા હતા, અમે તમાકુ આપવા માંડી તો એ પણ ના લીધી. પોતાની પાસે હતી એ તમાકુ જ ભરી.” નોકરોએ જવાબ આપ્યો
ભગતને કોઈ મોટી રકમ આપવી એવું ડોક્ટર અને નારાયણી વિચારતાં રહ્યાં અને ભગત તો મક્કમ ચાલે ઘર તરફ આગળ ને આગળ વધી રહયા હતા.
“રાત્રે તો મેં એમને ઓળખ્યા નહોતા પણ સવારે એમનો ચહેરો જોઈને આછું યાદ આવતું હતું કે એ કોઈ દર્દીને લઈને આવ્યા હતા, મારી રમતનો સમય થતો હતો એટલે મેં જરાય ધ્યાન નહોતું આપ્યું, પણ હવે જો મને મળે તો એમના પગે પડીને મારા અપરાધની ક્ષમા માંગી લઈશ. હવે સમજાય છે કે આવા લોકોનો જન્મ પરોપકાર માટે જ થાય છે. એમની સારપે તો મને જીવનભરનો પાઠ શીખવાડી દીધો.” ડૉક્ટર નારાયણીને કહી રહયા હતા.
પ્રેમચંદ મુનશી લિખિત વાર્તા – મંત્ર – પર આધારિત
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.