વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

ટ્વીસ્ટ ઓફ ટાઇમ,

શક્ય છે આજે જે ઉચ્ચતાના શિખરે બેઠા છે, જે પોતાની જાતને પરમાત્મા માનીને જનતા પર પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠા હોય એ આજે એ જ જનતા સામે યાચક બનીને ઊભા હોય. ૧૮૦ અંશના છેડે જઈને ઊભા હોય એવા સંજોગોય જીવનમાં આવે ખરા.

વાત છે આવા એક ખ્યાતિના ઊંચા આસને ચઢીને બેઠેલા એક ડૉક્ટરની.

સાંજનો સમય હતો. ડૉક્ટર ચઢ્ઢા ગૉલ્ફ રમવા તૈયાર થઈ કાર પાસે ઊભા હતા અને બે ભોઈ ડોળી લઈને આવ્યા. ડોળીની પાછળ એક બુઢ્ઢો આદમી લગભગ પગ ઘસડતો હોય એમ ચાલ્યો આવતો હતો. એ બુઢ્ઢા આદમીના સાત સંતાનોમાંથી બચેલો એક માત્ર દીકરો અત્યારે માંદગીનાં બિછાને હતો, જેને બચાવી લેવા એ બુઢ્ઢો આદમી ડૉક્ટર ચટ્ટાને સતત વિનંતી કરી રહ્યો હતો.

પણ એ સમય હતો ડૉક્ટરના આનંદપ્રમોદનો. ભલા આટલા વ્યસ્ત સમયમાંથી એ થોડો સમય પોતાના માટે ફાળવવા માંગતા હોય ત્યાં ક્યાં એમાં કોઈ ગરીબ બીમાર માટે સમય બગાડે? બુઢ્ઢા ગરીબ બાપની કાકલૂદીને સાંભળ્યા પછી પણ એની પાછળ એ પોતાનો મૂલ્યવાન સમય વેડફવા માંગતા નહોતા.

એ તો કારમાં બેસીને ચાલ્યા ગયા અને પાછળ મૂકતા ગયા એક લાચાર બાપના નિસાસા. એના માટે તો હજુ એ સમજવું અઘરું હતું કે આવી રીતે કોઈ જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો એવા દર્દીને બીજા દિવસ સુધીના સમય કેવી રીતે ટાળી શકાય? એને થયું કે સંસાર આટલો નિર્મમ કે કઠોર કેવી રીતે હોઈ શકે? ડૉક્ટર ચઢ્ઢાની કાબેલિયત વિશે સાંભળીને એ અહીં સુધી આશા ભર્યો આવ્યો હતો. એ જ રાત્રે એનો સાત વર્ષનો દીકરો એની બાળલીલા સંકેલીને પાછળ બુઢ્ઢા બાપને રોતો કકળતો મૂકીને ચાલ્યો ગયો.

ઘણાં વર્ષો પસાર થઈ ગયા. ડૉક્ટર ચઢ્ઢા ઘણું ધન, યશ કમાયા અને સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું. પચાસ વર્ષની આયુએ પણ એમની ચુસ્તી,સ્ફૂર્તિ યુવકોને શરમાવે એવી અકબંધ હતી. નિયમિતતા, સમયની પાબંધીમાં તો ક્યાંય ચૂક નહીં. એક દીકરી અને એક દીકરો, સુખી સંસાર. બે સંતાનોની માતા બન્યા પછી પણ શ્રીમતી નારાયણી ચઢ્ઢા યુવાન લાગતાં હતાં. દીકરીનાં લગ્ન થઈ ગયા હતા. કૉલેજમાં ભણતો દીકરો કૈલાશ, માતા-પિતાના જીવનનો આધાર હતો. દીકરો હતો પણ એવો કે ગુણવાન. વિદ્યાવાન, વિનયી, ઉદાર કે જેના માટે માતા-પિતા, કૉલેજ અને સમાજ પણ  ગૌરવ લઈ શકે. આજે એની વીસમી વર્ષગાંઠ હતી.

સંધ્યા સમયે ડૉક્ટરનાં ઘરની આગળની વિશાળ ખુલ્લી જગ્યામાં એના જન્મદિનની ઉજવણી ચાલતી હતી. એક તરફ શહેરના નામાંકિત લોકો અને બીજી તરફ ચઢ્ઢાના દીકરાના કૉલેજના મિત્રોની ટોળી આ સમારંભને પોતાની રીતે માણી રહ્યાં હતાં. આનંદ-પ્રમોદનું વાતાવરણ હતું.

કૈલાશને સાપની શારીરિક-માનસિક પ્રકૃતિ વિશે જાણવાનો, સાપ પાળવાનો, એમને ટ્રેન કરવાનો, એના આંગળીના ઈશારે નચાવવાનો ગજબ શોખ હતો. કોઈ મદારી પાસેથી એણે આ વિદ્યા શીખી હતી. એ સાપ પર અસ્ખલિત વાત કરી શકતો. પ્રાણીશાસ્ત્રી પણ સાપ અંગે કૈલાશની જાણકારીથી દંગ રહી જતા. અઢળક પૈસા એ આ શોખ પાછળ ખર્ચી ચૂક્યો હતો.

એના મિત્ર વર્તુળમાં એના શોખ અંગે સૌને અત્યંત કુતૂહલ રહેતું, જ્યારે મળે ત્યારે સૌને કૈલાશ પાસે કંઈક અવનવું જાણવાની અપેક્ષા રહેતી. કૈલાશ સાપને આંગળીના ઈશારે નચાવતો એ જોવાની ઉત્સુકતા રહેતી.

આજે આ પ્રસંગે એકઠા થયેલા એના મિત્ર વર્તુળમાંથી એની સૌથી નિકટની મિત્ર મૃણાલિની જીદે ચઢી હતી.  આટલા બધા મહેમાનોની હાજરીમાં આ જોખમ લેવા કૈલાશ તૈયાર નહોતો અને મૃણાલિની કદાચ સૌની હાજરીમાં એ કૈલાશ પર પોતાનું આધિપત્ય દર્શાવવાની તક ઝડપી લેવાના મૂડમાં હતી. સૌની હાજરીમાં કૈલાશને પોતાની વાત ટાળતો જોઈને મૃણાલિનીનું માન જાણે ઘવાતું હોય એમ એનો ચહેરાનો રંગ ઉતરી ગયો.

કૈલાશ સમજદાર હોવાની સાથે પ્રેમી પણ હતો. પ્રેમીની સમજ પ્રેમિકાને રાજી કરવા, રાજી જોવા તરફ દોરી જતી હતી. એણે મૃણાલિનીનું મન અને માન સાચવવા પ્રીતિ-ભોજન પત્યાં પછી સાપોને રાખવાનાં ખાનાં જેવા પાંજરા પાસે જઈને મહુવર વગાડીને એક પછી એક સાપને કાઢીને એમની કમાલ દર્શાવવા માંડી. ગજબનો તમાશો હતો. જાણે એક એક સાપ એના મનના ભાવ સમજતા હોય એમ એના ઈશારા પ્રમાણે પ્રતિભાવ આપી રહ્યા હતા. કૈલાશ કોઈ સાપને એના હાથે વીંટળાતો હતો તો કોઈને એની ગરદન પર.

મૃણાલિની એને ગળે વીંટાળવા માટે વારંવાર ના પાડતી રહી. કૈલાશના ગળે વીંટળાયેલા સાપને જોઈને એનો જીવ જાણે નીકળી જતો હતો. આ એનો થનારો પતિ હતો કંઈ કૈલાશપતિ નહોતો કે આમ સાપને ગળે વીંટાળીને ઊભો રહે અને એ જોયા કરે. પણ હવે કૈલાશને પ્રેમિકાન્ની સન્મુખ પોતાના કૌશલ્યને દર્શાવવાની ચાનક ચઢી હતી.

ધીરે ધીરે વાત ચડસ પર ચઢવા માંડી. કોઈકે કૈલાશને સાપના દાંત તોડી બતાવવા ચાનક ચઢાવી. મૃણાલિની મના કરતી રહી અને હવે કૈલાશ જીદે ચઢ્યો. એના હાથમાં સૌથી ઝેરી સાપ હતો. કૈલાશે સાપનું ગળું દબાવીને એનું મ્હોં ખોલાવા કોશિશ આદરી.

આજ સુધી સાપે પણ પોતાના પાલક તરફથી આવા વ્યહવારનો અનુભવ કર્યો નહોતો, સ્વાભાવિક રીતે એ પોતાના આત્મરક્ષણ માટે તરફડિયાં મારવા લાગ્યો. કૈલાશે વધુ જોર આપીને એનુ મ્હોં ખોલાવીને  ઝેરીલા દાંતનું પ્રદર્શન કરાવ્યું. સૌ ચકિત થઈ ગયા. હવે કૈલાશે સાપની ગરદન પરથી પોતાની પકડ ઢીલી કરીને એને જમીન પર મૂકવાનો પ્રયાસ કર્યો. દુઃખ અને ક્રોધથી પાગલ થયેલા એ કાળા, ઝેરીલા સાપે કૈલાશની આંગળી પર ડંખ મારી દીધો.

ટપ-ટપ-ટપ,

કૈલાશની આંગળીમાંથી લોહી ટપકવા માંડ્યું. એ આંગળી દબાવી દીધી અને પોતાના રૂમમાંથી ઘસીને ડંખ પર લગાવી દેવાથી ઘાતક ઝેરની અસર પણ ઓસરી જાય એવી જડીબુટ્ટી લેવા દોડ્યો.

અત્યાર સુધી છવાયેલા કોલાહલમાં સન્નાટો વ્યાપી ગયો.

ડૉક્ટર ચઢ્ઢાને જડીબુટ્ટી પર વિશ્વાસ નહોતો. એ નસ્તર મૂકીને આગંળીનો  એટલો ભાગ કાપીને ઝેર આગળ વધતું અટકાવવાના મતના હતા.  કૈલાશને જડીબુટ્ટી પર પૂરેપૂરો વિશ્વાસ હતો. જડીબુટ્ટી એણે ઘસીને આંગળી પર લગાવાનો મિથ્યા પ્રયાસ કર્યો પણ આટલી ક્ષણોમાંય શરીરમાં વ્યાપેલા ઝેરની અસરથી એની આંખો ઢળી પડવા માંડી. હોઠ કાળા પડવા માંડ્યા અને એ જમીન પર ઢળી પડ્યો.

કૈલાશના હાથ-પગ ઠંડા પડવા માંડ્યા. ચહેરાની કાંતિ ઝાંખી થવા માંડી. નાડી ધીમી પડવા માંડી, હવે તો નસ્તર મૂકવાનો કોઈ અર્થ ન રહ્યો.  કૈલાશની શારીરિક હાલતની સાથે ડૉક્ટર ચઢ્ઢાની માનસિક હાલત  કથળવા માંડી. ડૉક્ટર ચઢ્ઢાનું ચાલ્યું હોત તો એમણે પોતાની ગરદન પર નસ્તર મૂકી દીધું હોત.


શું થશે કૈલાશનું અને ડૉકટર ચઢ્ઢાનું?

જોઈએ આવતા અંકે.

*******

પ્રેમચંદ મુનશી લિખિત વાર્તા -મંત્ર પર આધારિત


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.