ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

ગઈ કડીમાં આપણે એકોર્ડીયનનો પ્રાથમિક પરિચય મેળવ્યા પછી તેનો પ્રભાવક ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક ચુનંદાં ગીતો માણ્યાં. આ કડીમાં ફરી એક વાર એકોર્ડીયન વાદન ધરાવતાં યાદગાર હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ.

૧૯૫૦ની સાલમાં હિન્દી ફિલ્મી વાદ્યવૃંદમાં પહેલી વાર એકોર્ડીયનના પદાર્પણ બાદ ૧૯૭૦ સુધીના બે દાયકા દરમિયાન લગભગ બધા જ સંગીતનિર્દેશકો અને તેમના સંયોજકોએ તેનો ખુબ જ કર્ણપ્રિય ઉપયોગ કર્યો.

૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’ના ગીતથી શરૂઆત કરીએ. શંકર-જયકિશનના સ્વરાંકનમાં મઢાયેલા આ ગીતની શરૂઆત એકોર્ડીયન પર વાગેલા પૂર્વાલાપ/Preludeથી થાય છે. વળી બીજા અંતરા પહેલાંના  મધ્યાલાપ/Interlude દરમિયાન ૧.૨૯ થી ૧.૩૧ સુધીમાં વાદક ગૂડી સીરવાઈની એક ઝલક પણ જોવા મળી જાય છે.

ફિલ્મ ‘પૂનમ’ (૧૯૫૨)માં પણ શંકર-જયકિશનનું સંગીત હતું. તેના આ ગીતના માધુર્યમાં એકોર્ડીયનવાદન ઉમેરો કરે છે.

ફિલ્મ ‘પતિતા’(૧૯૫૩)ની સફળતામાં શંકર-જયકિશનના સંગીતનિર્દેશનમાં બનેલાં ગીતોનો મોટો ફાળો હતો. તેમાંના તલત મહમૂદના સ્વરમાં ગવાયેલા એક ગીતની શરૂઆત જ એકોર્ડીયન પર છેડાયેલા પૂર્વાલાપ/Preludeથી થાય છે. સમગ્ર ગીત દરમિયાન એકોર્ડીયનની હાજરી સતત વર્તાતી રહે છે.

https://www.youtube.com/watch?v=T_QKUWk6anI

૧૯૫૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘રૂખસાના’ વ્યવસાયિક ધોરણે સાવ નિષ્ફળ નીવડી હતી. પણ સજ્જાદ હુસેનના સંગીતનિર્દેશનમાં બનેલાં તેનાં ગીતો પૈકીનું એક ખાસ્સું લોકપ્રિય બન્યું હતું. એ યુગલગીતમાં ખુબ જ નોંધનીય એકોર્ડીયનવાદન સાંભળવા મળે છે. સમગ્રપણે એવી અસર ઉપજે છે કે જાણે કોઈ ઉલ્લાસમય વાતાવરણમાં દોડાદોડી કરી રહેલું એક નાનકડું બાળક ટહુકા અને ખીલખીલાટ વડે સતત પોતાની હાજરી પૂરાવતું રહેતું હોય!

ઓ.પી. નૈયરના નિર્દેશનમાં બનેલાં ગીતો ધરાવતી ફિલ્મ ‘મંગુ’ (૧૯૫૪)નું આ ગીત સાંભળતાં વિચાર આવે કે ગાયકીની સંગત એકોર્ડીયન કરી રહ્યું છે કે પછી એકોર્ડીયનની સંગત ગાયકી દ્વારા થઈ રહી છે!

૧૯૫૪માં જ પ્રદર્શિત થયેલી અને ઓ.પી. નૈયરનું જ સંગીત ધરાવતી ફિલ્મ ‘આર પાર’ના પ્રસ્તુત ગીતમાં પણ યાદગાર એકોર્ડીયન વાદન સાંભળવા મળે છે.

https://www.youtube.com/watch?v=CoESiBRIvok

૧૯૫૭ની બિલકુલ નિષ્ફળ ફિલ્મ ‘કૈદી’માં પણ ઓ.પી. નૈયરનું યાદગાર સંગીત હતું. ઉપરનાં બે ગીતો અને આ ગીત સાંભળ્યા પછી એવો વિચાર આવે છે કે ૧૯૫૪-૧૯૫૭ના સમયગાળા દરમિયાન ઓ.પી. નૈયર એકોર્ડીયનવાદનની એક ચોક્કસ લઢણનો સાથ લઈને ધૂનો બનાવતા હોય તો નવાઈ નહીં.

સંગીતનિર્દેશક એન. દતા (દત્તા નાયક)નું નામ પ્રમાણમાં ઓછું જાણીતું છે. પણ તેમનાં બનાવેલાં અમુક ગીતો ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ફિલ્મ ‘બ્લેક કેટ’(૧૯૫૯)ના પ્રસ્તુત ગીતમાં ખુબ જ કર્ણપ્રિય એકોર્ડીયનવાદન છે.

૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’ ખુબ જ સફળ નીવડી હતી. ફિલ્મની વાર્તા તો ઉત્તમ હતી જ, સાથે તેની સફળતામાં એ સમયનાં ટોચનાં અભિનેતા-અભિનેત્રી, દિગ્દર્શક, અન્ય કસબીઓ તેમ જ અને શંકર-જયકિશનનાં બનાવેલાં ગીતોનો મોટો ફાળો હતો. ફિલ્મના ટાઈટલ ગીતનું એકોર્ડીયનવાદન આજે પણ તાજગીભર્યું લાગે છે.

https://www.youtube.com/watch?v=vLlatxcn1qc

હંસરાજ બહલનાં બનાવેલાં ગીતો આજે પણ ચાહકોની યાદમાં અકબંધ છે. તેમનું સંગીતનિર્દેશન ધરાવતી ૧૯૬૦ની ફિલ્મ ‘મૂડ મૂડ કે ન દેખ’ના પ્રસ્તુત ગીતમાં ખુબ જ ધ્યાન ખેંચતું રહે તેવું એકોર્ડીયનવાદન છે.

ફરીથી માણીએ ઓ.પી.નૈયરનું સ્વરનિયોજન ધરાવતું એક ગીત. ૧૯૬૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હમ સબ ઉસ્તાદ હૈ’ના આ ગીતના એકોર્ડીયનવાદનમાં તેમની શૈલી સ્પષ્ટ જણાઈ આવે છે.

https://youtu.be/o-z_nBUaE-Q

ફિલ્મ ‘આખરી ખત’ (૧૯૬૬)માં સંગીતકાર ખય્યામે તેમની પરંપરાગત શૈલી કરતાં અલગ પડતું એક ગીત બનાવ્યું. આ ગીત પ્રખ્યાત ગાયક અને ગીટારવાદક ભૂપીન્દર સિંહે ગાયું છે. પ્રસ્તુત ક્લિપની રસપ્રદ બાબત એ છે કે ગાયક પોતે જ પરદા ઉપર જોવા મળે છે. તે ઉપરાંત ફિલ્મી વાદ્યવૃંદના ટોચના સંયોજક અને ટ્રમ્પેટવાદક એન્ટોનીયો વાઝ ઉર્ફે ચીક ચોકલેટ પોતાના વાદ્ય સાથે ૩.૧૮ થી ૩.૨૩ દરમિયાન નજરે પડે છે.

૧૯૭૧માં વાદ્યવૃંદની દુનિયામાં એક એવો પડાવ આવ્યો, જેણે બહુ દૂરગામી અસર છોડી. ઈલેક્ટોનીક્સ ક્ષેત્રે થઈ રહેલા આવિષ્કારો થકી ‘સીન્થેસાઈઝર’ નામે એવું કળવાદ્ય બજારમાં આવ્યું, જેના વડે અનેક વાદ્યોના લગભગ આબેહૂબ અવાજ સાથે ધૂનો વગાડી શકાતી હતી. વળી કોઈએ કલ્પના પણ ન કરી હોય એવા વિશિષ્ટ પ્રકારના અવાજો પણ તેના વડે પેદા કરી શકાતા હતા. આથી ગીતો સાથેના વાદન તેમ જ પાર્શ્વસંગીત માટે ઉપયોગે લેવાતાં કેટલાંયે વાદ્યો ક્રમશ: બિનઉપયોગી બનવા લાગ્યાં. આનો સૌથી શરૂઆતનો ભોગ બન્યાં હાર્મોનિયમ, એકોર્ડીયન અને પિયાનો જેવાં આદિકળવાદ્યો. આ કારણથી ૧૯૭૧ પછીનાં ફિલ્મી ગીતોમાં એકોર્ડીયનનો ઉપયોગ તદ્દન મર્યાદિત બની ગયો.

માનસ મુખરજી નામના સંગીતકાર મુખ્યત્વે બંગાળી ફિલ્મોમાં વ્યસ્ત રહેતા હોવાથી હિન્દી ફિલ્મ વ્યવસાયમાં લગભગ અજાણ્યા જ રહ્યા. તેમણે ૧૯૭૯ની ફિલ્મ ‘શાયદ’ના એક ગીતમાં એકોર્ડીયનના કર્ણપ્રિય અંશો પ્રયોજ્યા હતા. તે ગીત સાંભળીએ.

https://www.youtube.com/watch?v=-ZiIMJAEXXU

( આ ક્ષમતાવાન સંગીતનિર્દેશક માત્ર ૪૪ વર્ષની વયે દુનિયા છોડી ગયા. પણ તેમનાં સંતાનો – શાન અને સાગરીકા – હિન્દી ફિલ્મો માટે ગાયક તરીકે પ્રચલિત થઈ ચૂક્યાં છે.)

જાણ્યે અજાણ્યે એક એવી છાપ ઉભી થઈ છે કે એકોર્ડીયન રાજ કપૂરનું ખુબ જ પ્રિય વાદ્ય હતું અને તેઓ કુશળતાથી એ વગાડી પણ શકતા હતા. એ માન્યતા ફિલ્મી વર્તૂળોમાં પણ પ્રચલિત હતી. આ બાબતની પ્રતીતિ ફિલ્મ ‘નસીબ’(૧૯૮૧)ના પ્રસ્તુત ગીતમાં થાય છે. હોટલમાં યોજાયેલી એક પાર્ટીમાં અમિતાભ બચ્ચન ગીત ગાઈ રહ્યા છે સાથે વાદ્યવૃંદ પણ છે. દરમિયાન એક પછી એક ફિલ્મી સિતારાઓ આવતા જાય છે. એવામાં રાજ કપૂર પ્રવેશે છે. અમિતાભ બહુ નમ્રતાથી તેમના હાથમાં એકોર્ડીયન પકડાવી દે છે અને સૌ તેમને વગાડવા માટે વિનંતિ કરે છે.

જો કે આ અંગેનો દાવો ખુદ રાજ કપૂરે ક્યારેય કર્યો હોય એવું ધ્યાને નથી આવ્યું. તે જ રીતે એક માન્યતા એવી પણ બંધાઈ ગઈ છે કે એકોર્ડીયનનો સૌથી વધુ ઉપયોગ શંકર-જયકિશનની બનાવેલી ધૂનોમાં સાંભળવા મળે છે. જો કે એ માન્યતામાં કોઈ વજૂદ નથી. અહીં પ્રસ્તુત થયેલાં અને તે ઉપરાંતનાં અનેકાનેક એકોર્ડીયનપ્રધાન ગીતો શંકર-જયકિશન ઉપરાંત નૌશાદ, સી.રામચંદ્ર, સચીનદેવ બર્મન, હેમંતકુમાર, સજ્જાદ હુસેન, રાહુલદેવ બર્મન, ઓ.પી. નૈયર, ખય્યામ, દતા નાયક, રવિ અને કંઈ કેટલાયે સંગીતકારોની અને તેમના સહાયકોની સર્જકતાના ફાલરૂપે ઉતર્યાં છે.

નોંધ :

૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com