સરયૂ પરીખ
મેહુલા ને અવનીની અવનવી પ્રીત,
માદક ને મંજુલ, ગવન ગોષ્ઠિની રીત.
કળીઓને થાય હવે ખીલું સજી સાજ,
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ.
ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ,
સંતોષે ટીપાથી અંતરની પ્યાસ.
કણ કણ માટીને મળી એક એક ધાર,
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર.
મીઠો તલસાટ સહે મેહુલાનો માર,
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ.
મને એમ લાગે તું મારો મેઘ રાજ,
સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.
મારો મન મોરલો નાચે થનકાર,
જ્યારે તું આવે હું સુણતી મલ્હાર.
“પ્રીત ગુંજન” — ૧૫૦ વર્ષના પ્રણય કાવ્યોના પ્રતિનિધિ સંગ્રહમાં આ કાવ્ય પ્રકાશિત થયેલ. આ સંગ્રહમાં મારા મામા, કવિ નાથાલાલ દવેનું કાવ્ય પણ હોવાથી મને વિશેષ આનંદ થયો.
સુશ્રી સરયૂ પરીખ – saryuparikh@gmail.com