ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

જ્ઞાનને સીમાડા નથી હોતા..અને સાચો જ્ઞાનપિપાસુ  સદા તત્પર પણ હોય. પરંતુ કેટલીક વાર કોઈએ મેળવેલું જ્ઞાન જ પર્યાપ્ત છે, એવું માનીને ચાલનારો વર્ગ પણ હોય જ. ક્યાંક અંહકાર તો ક્યાંક ઉત્સાહમાં આવી વ્યક્તિ પોતાની ધારણાઓ લઈને હોય ત્યાંજ અટકી જાય છે.પણ તેના સદ્નસીબે જો તેને સુયોગ્ય ગુરુ મળી જાય તો તેનો ભ્રમ ભાંગે અને તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય.  એ જ શિક્ષણને પૂર્ણતા તરફ લઇ જાય.બૃહદાકારણ્ય ઉપનિષદમાં ગર્ગ ગોત્રીય બાલાકી અને કાશી નરેશ અજાતશત્રુનો સંવાદ આવી ઉત્તમ શિક્ષણ વિભાવના પર પ્રકાશ પાડે છે.

શુક્લ યજુર્વેદની કણ્વ શાખાના વાજસનેયિ બ્રાહ્મણ-શતપથ બ્રાહ્મણ અંતર્ગત આવેલું બૃહદાકારણ્ય ઉપનિષદ નામ પ્રમાણે ગુણધર્મ ધરાવે છે  બૃહદ એટલે મોટું અને આરણ્યક એટલે વનમાં વિકસિત થયેલું છે . છ અધ્યાય અને દરેક અધ્યાયમાં અનેક બ્રાહ્મણ અને એમાં અનેક બૌદ્ધિક ,તર્ક સંગત સંવાદો-વિમર્શ અને ચર્ચા. પ્રાચીન કાળમાં ભારતીય જ્ઞાનની ટોચ કેટલી ઊંચી હતી અને જ્ઞાન કોને કહેવાય અને કેમ મેળવાય તેનું દર્શન આ ઉપનિષદમાં છે.

પોતાની વિદ્વતાનો થોડો અહંકાર લઈને  અને કદાચ થોડી અપેક્ષાને લઈને પોતાના જ્ઞાનને અભિવ્યક્ત કરવા ગર્ગ બાલાકી, કાશીનરેશ અજાત શત્રુ પાસે ગયા ॐ दृप्तबालाकिर्हानूचानो गार्ग्य आस । स होवाचाजातशत्रुं काश्यं

ब्रह्म ते ब्रवाणीति । स होवाचाजातशत्रुः सहस्रमेतस्यां वाचि दद्मो जनको जनक इति वै जना धावन्तीति ॥.’ હું તમને બ્રહ્મજ્ઞાન આપવા આવ્યો છું’  પોતે પણ વિદ્વાન હોવા છતાં,સ્વાગત આદર કરી કાશીનરેશએ ખુશી વ્યક્ત કરીને તેમને જ્ઞાન પીરસવાની અનુમતિ આપી.બાલાકીએ પ્રારંભ કર્યો,’ આદિત્યમા રહેલા પુરુષની હું બ્રહ્મરૂપમાં ઉપાસના કરું છું.’ य एवायमाकाशे पुरुष एतमेवाहं ब्रह्मोपास इति । અજાતશત્રુએ એમને રોક્યા.કોઈ પોતાની માન્યતાનું શિક્ષણ આપી જાય તે કેમ સ્વીકારી શકાય ? છતાં પોતાના પ્રત્યુત્તરમાં યોગ્ય તર્ક પણ હોય તે જરૂરી છે કેમકે સામેના જાણકારને પણ તે સ્વીકાર્ય હોય સત્ય અને પ્રમાણભૂત શિક્ષણ મેળવવા માટેની આ પૂર્વ શરત છે.અજાતશત્રુએ તેમને અટકાવીને પ્રત્યુત્તર આપ્યો, ‘ એવું ન કહેશો.એ તો મૂર્ધા ( મસ્તક ) સ્વરૂપ છે. દીપ્તિમાન છે. બધાના રાજા છે તેવાં બ્રહ્મસ્વરૂપ્ને સમજીને તેની ઉપાસના કરું છું.’ अतिष्ठाः॒ स॒र्वेषां भूता॒नांमूर्धा॒ रा॒जे॒ति वा॒ अह॒मेत॒मु॒पास इ॒ति|

બાલાકીએ પોતાના જ્ઞાનની અભિવ્યક્તિ આગળ વધારી,’ચંદ્રમામાં રહેલા પુરુષને હું બ્રહ્મ સ્વરૂપ માની ઉપાસના કરું છું.’ ફરી રાજાએ આ વિચારનો અસ્વીકાર કર્યો.’ એવું ન કહેશો. ચંદ્રમાં તો શુભ્ર વસ્ત્ર ધારણ કરનાર રાજા સોમ વિરાજમાન છે અને એમની ઉપાસના કરનારની સંપન્નતા કાયમ જળવાઈ રહે છે.’-सो॒मो रा॒जे॒ति वा॒ अह॒मेत॒मु॒पास इ॒ति । स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते॒, अहर्-अहर्हसुतः॒ प्र॒सुतो भवति, ना॒स्या॒न्नं क्षीयते । બાલાકીની વિદ્યુત શક્તિમાં રહેલાં પુરુષ તત્ત્વને બ્રહ્મરૂપ સમજી ઉપાસના કરવાની વાત પણ રાજા અજાતશત્રુને માન્ય નહોતી તેમણે પ્રત્યુત્તર આપ્યો,.’તેજ સ્વરૂપ આ વિદ્યુતશક્તિને જે બ્રહ્મ સ્વરૂપ સમજીને ઉપાસના કરે તે પોતે તો તેજસ્વી બને,તેની સંતતિ પણ તેજસ્વીતા પ્રાપ્ત કરે છે. ‘ स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, तेजस्वी॒ ह भवति, तेजस्वि॒नी हास्य प्रजा॒ भवति ।

ગર્ગગોત્રીય બાલાકીએ પોતાની જ્ઞાનવાણી આગળ વધારી.’ આકાશમાં રહેલા પુરુષને જ બ્રહ્મ સ્વરૂપ સમજી ઉપાસના કરું છું.’ અસ્વીકાર સૂરમાં અજાતશત્રુએ ઉત્તર વાળ્યો ,’ હું તો એ આકાશતત્ત્વને પૂર્ણ માનીને જ ઉપાસના કરું છું.કેમકે તેની એ રીતે ઉપાસના કરવાથી ક્યારેય નષ્ટ ન થનારી તેની પ્રજા અને પશુઓ પણ  પરિપર્ણ રહે છે.’ स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, पूर्य॒ते प्रज॒या पशु॒भिःना॒स्यास्मा॒ल् लोका॒त्प्रजो॒द्वर्तते।  બાલાકીએ જયારે વાયુને પણ પુરુષ તરીકે બ્રહ્મ માનવાની વાત કરી ત્યારે ફરી રાજાથી ન રહેવાયું,’ હું એ વાયુની તો ઇન્દ્ર, વૈકુંઠ અને અપરાજેય સેના તરીકે બ્રહ્મ સ્વરૂપ માની ઉપાસના કરું છું.તેનો ઉપાસક ,કદી ન હારવાવાળા, વિજેતા બની રહે છે.’  स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, जिष्णु॒र्हा॒पराजिष्णुर्भवत्यन्यतस्त्यजायी॒।

જયારે ગર્ગ બાલાકીએ આગ્નેયશક્તિને પુરુષ ગણીને ઉપાસનાની વાત કરી ત્યારે તો કાશી નરેશ અકળાયા ‘.બ્રહ્મ વિષે વ્યર્થ ઉચ્ચારશો જ નહિ. અગ્નિમાં તો બધું સહન કરવાની ને આત્મસાત કરવાની શક્તિ છે.તેની એ રીતે બ્રહ્મ ઉપાસના કરે તે વિષાસહી ( આત્મસાતનો સામર્થ્યવાન ) બને છે અને તેની પ્રજા પણ તેવી જ થાય છે.’स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, विषास॒हिर्ह भवति, विषास॒हिर्हास्य प्रजा॒ भवति।  બાલાકીએ  જળના પુરુષ તત્વને અને દર્પણમાં રહેલા છાયાપુરષને જ બ્રહ્મ માનવાની પોતાની દલીલ કરી એટલે રાજા અજાતશત્રુએ નકાર ભણીને સંભળાવી દીધું કે, ’જલતત્ત્વ અને દર્પણનો છાયાપુરુષ તો દેદીપ્યમાન બ્રહ્મ સ્વરૂપ છે એટલે તેની જો તે રીતે ઉપાસના કરવામાં આવે તો ક્યારેય પોતાનું અપ્રતિરૂપ પ્રાપ્ત થતું નથી.અને દર્પણના દિદિપ્યમાનરૂપને બ્રહ્મ સ્વરૂપ ગણી કરેલી ઉપાસનાથી પ્રકાશવાન અને તેજસ સંપન્નતા પ્રાપ્ત થાય. रोचिष्णु॒र्हास्य प्रजा॒ भवति अ॒थो यैः॒ सन्निग॒च्छति, स॒र्वाꣳस्ता॒न॒तिरोचते। ગમન કરનારા ( ‘જનારા ) ની પાછળ જે શબ્દ થાય છે તેને જ હું બ્રહ્મ સ્વરૂપ માની ને ઉપાસના કરું છું.તેવું કહી બાલાકીએ પોતાની જ્ઞાનમર્યાદા છતી કરી પણ તુરત્ત જ તેનું  ખંડન કરતાં રાજા અજાતશત્રુએ ખુબ મોટું સત્ય તેમની સામે મૂક્યું,’ હું તો એને પ્રાણના રૂપમાં જ બ્રહ્મ સ્વરૂપ સમજીને ઉપાસના કરું છું.અને એ રીતે ઉપાસના કરનાર પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે છે.એમનું અકાળ મૃત્યુ થતું નથી.’  स॒ य॒ एत॒मेव॒मुपा॒स्ते, स॒र्वꣳ हैवा॒स्मि॒ꣳल् लोक॒ आ॒युरेति, नै॒नं पुरा॒ काला॒न्मृत्यु॒रा॒गच्छति।

હવે બાલાકીએ પોતાના જ્ઞાનની પરાકાષ્ટા પ્રસ્તુત કરી,’ હું તો આત્મામાં રહેલા પુરુષને જ બ્રહ્મ માની ઉપાસના કરું છું.’ કદાચ બાલાકીએ માન્યું હશે કે આ તો અંતિમ સત્ય હશે જ પણ જ્ઞાની કાશી નરેશએ ત્વરિત ઉત્તર વાળી દીધો,’ હું તો એમને બ્રહ્મ જિજ્ઞાસુ ( આત્મન્વિ ) એમ જાણીને ઉપાસના કરું છું.એ બ્રહ્મ જિજ્ઞાસુ જ હોય અને રહે છે.’ અજાતશત્રુએ- બ્રહ્મની જિજ્ઞાસાનું સાતત્ય રહે એ જ સાચો બ્રહ્મ ઉપાસક છે એવું પ્રતિપાદિત કર્યું. આખરે બાલાકી મૌન રહ્યા.તેની પાસે કહેવા જેવું કશુંય ન રહ્યું. स॒ य॒ एत॒मेव॒मुपा॒स्त, आत्मन्वी॒ ह भवति आत्मन्वि॒नी हास्य प्रजा॒ भवति। स॒ ह तूष्णी॒मास गा॒र्ग्यः।

  શિક્ષણની સાચી વિભાવના એ કે શિષ્યની તમામ શંકાઓ દૂર ન થાય ત્યાં સુધી મંડી જ પડવું.બાલાકીની મર્યાદા જાણી લીધા પછી પણ સવાલ એ થયો કે બાલાકીની શંકાનું સમાધાન કેમ કરવું ? રાજાથી તે વિદ્યા કેમ અપાય ?  પણ આ તો અજાતશત્રુ હતા.સિંહાસન પરથી ઉઠ્યા વધારે સ્પષ્ટ થાય એટલા માટે તેઓ બાલાકીને એક સુતેલા પુરુષ પાસે લઇ ગયા स होवाचाजातशत्रुः प्रतिलोमं चैतद्यद्ब्राह्मणः  क्षत्रियमुपेयाद् ब्रह्म मे वक्ष्यतीति । व्येव त्वा ज्ञपयिष्यामीति । तं पाणावादायोत्तस्थौ । तौ ह पुरुषꣳ सुप्तमाजग्मतुस्तमेतैर्नामभिरामन्त्रयांचक्रे बृहन्पाण्डरवासः  सोम राजन्निति । स नोत्तस्थौ । तं पाणिनाऽऽपेषं बोधयांचकार । स होत्तस्थौ ॥.માત્ર –‘ હે, શ્વેતામ્બરધારી ‘- એવું સામાન્ય સંબોધન કરી તેમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ ગાઢ નિદ્રાવાળા ભાઈ જાગ્યા નહિ. પછી તેને ઢંઢોળ્યા અને તે જાગી ગયા.અજાતશત્રુએ બાલાકીને સવાલ કર્યો, કે ,’ આ સૂતેલો પુરુષ ક્યાં હતો ?’ બાલાકી ઉત્તર ન આપી શક્યા .અજાતશત્રુએ ‘ પ્રસુપ્ત અવસ્થાના પુરુષની સ્થિતિ વખતે પણ પ્રાણ જ સત્ય છે અને આત્મા જ સત્ય છે’  એમ વિસ્તૃત રીતે સમજણ આપીને તેમને જ્ઞાન પરિતૃપ્ત કર્યા. स॒र्वे प्राणाः॒ स॒र्वे लोकाः॒ स॒र्वे देवाः॒स॒र्वाणि भूता॒नि स॒र्व एत॒ आत्म॒नो   ॐ  सर्व …व्यु॒च्चरन्ति । त॒स्योपनिष॒त्सत्य॒स्य सत्य॒मितिः प्राणा॒ वै॒ सत्यं॒, ते॒षामेषसत्य॒म् । કરોળિયાની તંતુઓ દ્વારા ઉર્ધ્વગતિ અને અગ્નિની ઊંચે ચડતી જ્વાળાઓના ઉદાહરણથી  બાલાકીનો પાઠ પૂરો પાકો કર્યો. स यथोर्णभिस्तन्तुनोच्चरेद् यथाऽग्नेः क्षुद्रा विष्फुलिङ्गा

व्युच्चरन्त्येवमेवास्मादात्मनः सर्वे प्राणाः सर्वे लोकाः सर्वे देवाः सर्वाणि भूतानि व्युच्चरन्ति । सर्वे ॥।
व्युच्चरन्ति तस्योपनिषत्सत्यस्य सत्यमिति प्राणा वै सत्यं तेषामेष सत्यम् ॥

આ કથા માટે મહર્ષિ અરવિંદ પોતાનો મત આપતાં કહે છે કે ‘ અજાતશત્રુએ પોતાના અનુભવોને સામે રાખીને બાલાકીની ધારણાઓ સામે નક્કર સત્ય મૂક્યું છે.’ એક ઉત્તમ ગુરુ શિષ્યની માન્યતા કે ધારણાને સકારાત્મક અને તર્કથી વધુ સ્પષ્ટ કરે એ આવશ્યક વિભાવના છે.એમ આ બૌદ્ધિક સંવાદ કહી જાય છે.


શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com