-
(૧૧૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૦ (આંશિક ભાગ –૪)
હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ
(શેર ૬ થી ૮)થી આગળ
(શેર ૯ થી ૧૧)
આએ હૈ બેકસી-એ-ઇશ્ક઼ પે રોના ‘ગ઼ાલિબ‘
કિસ કે ઘર જાએગા સૈલાબ-એ-બલા મેરે બા‘દ (૯)[બેકસી= એકલતા, અસહાયતા; સૈલાબ= પૂર; બલા= આફત; સૈલાબ-એ-બલા= આફતનું પૂર (સંક્રમણ)]
રસદર્શન :
અહીં આપણને ગ઼ાલિબનો એક વધુ રસપ્રદ મક્તા શેર મળે છે અલંકારશાસ્ત્રના વિપ્રલંભ શૃંગાર રસનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે માશૂક માશૂકાના ઇશ્કને ગુમાવી બેસે છે, ત્યારે તે એવી એકલતા અનુભવે છે કે તે એકલા એકલા એવા તો રડી પડતા હોય છે કે તેમના રૂદન ઉપર કાબૂ મેળવી શકાતો નથી. માશૂક માટે તેમની આ ગમગીની એક આફત બની રહે છે. માશૂકાના સાન્નિધ્યમાં જે લુત્ફ મળતો હતો તે છીનવાઈ જતાં દિલને જે વેદના થાય છે તેને આફત જ ગણવી રહી. બીજા મિસરામાં આ આફતની માત્રા માટે સૈલાબ (પૂર) શબ્દ પ્રયોજાયો છે; જેનાથી સમજાય છે કે જેમ કોઈ મહાનદીમાં ઓચિતું પૂર આવી ચઢે તો સર્વત્ર જળબંબાકાર છવાઈ જઈને સઘળું તહસનહસ થઈ જાય, તેમ કપરા વિયોગથી માશૂકની દુનિયા લુંટાઈ જાય છે. અહીં માશૂકની એકલતા માટે કારણભૂત છે માશૂકાનો વિયોગ અને એ વિયોગ એવો તો અસહ્ય છે કે માશૂક તેને જીરવી શકવા અસમર્થ હોઈ તે જીવિત નહિ જ રહી શકે. આમ માશૂક કહે છે કે વિયોગનો આ સૈલાબ તેમના મૃત્યુ પછી તેમના જેવા અન્ય પ્રેમીઓમાંથી કોના ઘરે જશે, અર્થાત્ તેમના જેવા એવા અન્ય કોઈક કમભાગીને પણ આવી મહા આફતનો ભોગ બનવું પડશે. વિયોગની આવી વિકરાળ આફત તો કોઈકનો અને કોઈકનો ભોગ લેવા માટે હંમેશાં તત્પર જ હોય છે અને તેથી જ કોઈ વિરહી પ્રેમીઓ જીવલેણ એવી આવી આફતથી બચી શકશે નહિ.
શેરના બીજા મિસરાના અર્થઘટનના એક પર્યાય મુજબ માશૂક માને છે કે માશૂકાના વિયોગની આફત તેમના માટે એવી તો ભયાનક નીવડી છે કે એ આફતને તેમના મૃત્યુ પછી બીજા કોઈના ઘરે જવાની જરૂર રહેશે નહિ, કેમ કે એ આફતને એકલા માશૂકને જ પરેશાન કરવામાં પરિતૃપ્તિ થઈ ગઈ હશે.
* * *
પૂરક શેર :-
થી નિગહ મેરી નિહાઁ-ખ઼ાના-એ-દિલ કી નક઼્ક઼ાબ
બે-ખ઼તર જીતે હૈં અરબાબ-એ-રિયા મેરે બા‘દ (૧૦)[નિહાઁ= ગુપ્ત; નિહાઁ-ખ઼ાના-એ-દિલ= હૃદયનો ગુપ્ત ખૂણો (ભાગ); નક઼્ક઼ાબ= ઓઝલ, પડદો; બે-ખ઼તર= નિર્ભય; અરબાબ= માલિક, ઠેકેદાર; રિયા= છળકપટ, પાખંડ, દેખાડો]
રસદર્શન :
આ શેરના ઉલા મિસરામાં આપણને ગ઼ાલિબની ‘જરા હટકે’ કલ્પનાનાં દર્શન થાય છે. માશૂક તેમની માશૂકા પરત્વેની મહોબ્બતનો કોઈ જાહેરી દેખાડો નથી કરતા, પણ તેને પોતાના દિલના એક ગુપ્ત ખાનામાં સંતાડી રાખી છે. વળી એટલું જ નહિ તે ગુપ્ત ખાનાને તેમણે પડદાથી ઢાંકી પણ દીધું છે અને તેની તરફ તેમની માત્ર નજર જ મંડાયેલી રહે છે. દુશ્મનોથી પોતાના ઇશ્કને સલામતી બક્ષવા માશૂક કેટલી બધી સાવધાનીઓ વર્તે છે અને છતાંય તેમને અહર્નિશ ડર તો રહ્યા જ કરે છે કે રખે ને કદાચ એ ઈશ્ક જાહેર ન થઈ જાય! આમ આ મિસરામાં માશૂકની માનસિક હાલત ભયભીત છે, જેના વિરોધાભાસમાં બીજા મિસરામાં આપણને તેમના જાની દુશ્મનોની નિર્ભયતા જાણવા મળે છે.
બીજા સાની મિસરામાં પહેલા મિસરામાંના માશૂકના ભયની વિરુદ્ધ છળકપટ કરનારા અને દ્વેષીલા ખલનાયકોની નિર્ભયતા દર્શાવાઈ છે. માશૂક કહે છે કે એ પાંખંડીઓ તેમના મૃત્યુ બાદ નિર્ભયતાથી જીવ્યે જશે. આ ખલનાયકોને છળકપટના ઠેકેદારો (માલિકો) ગણાવાયા છે, જેનો મતલબ એ છે કે છળકપટ કરવું એ તેમનો ઈજારો છે અને તેમની આ દુષ્ટતાના મુકાબલામાં કોઈ આવી શકે નહિ. વળી આ દુશ્મનોને માશૂક પરત્વેની દુશ્મનાવટને જાળવી રાખવા તેમના અવસાનથી એવું તો મોકળું મેદાન મળી રહેશે કે તેઓ તેમની નીચ હરકતો કોઈપણ જાતની રોકટોક વગર નિર્ભયપણે ચાલુ જ રાખશે.
* * *
થા મૈં ગુલદસ્તા-એ-અહબાબ કી બંદિશ કી ગિયાહ
મુતફ઼ર્રિક઼ હુએ મેરે રુફ઼ક઼ા મેરે બા‘દ (૧૧)[ગુલદસ્તા= ફૂલોનો ગોટો, (અહીં) મિત્રોની ટોળી, મહેફિલ; હબીબ (અરબી)= મિત્ર; અહબાબ (બ.વ.)= મિત્રો; બંદિશ= પ્રતિબંધ, રુકાવટ, ષડયંત્ર, પેંતરો, (અહીં) બંધન; ગિયાહ (ફા.)= ઘાસ; મુતફ઼ર્રિક઼= વેરવિખેર, જુદા પડી જવું; રફ઼ીક઼= મિત્ર; રુફ઼ક઼ા (‘રફ઼ીક઼’નું બ.વ.)= સાથીઓ, મિત્રો]
રસદર્શન :
‘મેરે બા’દ’ રદીફને અગાઉના શેર જેટલો જ ન્યાય આપતો આ ગ઼ઝલનો આખરી શેર મિત્રાચારીને ઉજાગર કરે છે. ગ઼ાલિબ હંમેશાં મિત્રો વચ્ચે ઘેરાયેલા જ રહેતા અને શેર-ઓ-શાયરીની મહેફિલ જામતી. તેઓ પોતાનો કોઈ નવીન શેર મિત્રો સમક્ષ મૂકતા અને તેમની દાદ મેળવતા. પહેલા મિસરામાં ગ઼ાલિબ મિત્રો સાથેની એ મહેફિલોની મધુર યાદોને વાગોળતાં જણાવે છે કે મારી હયાતી દરમિયાન જેમ જમીન ઉપર ઉગેલા ઘાસના તંતુઓ એકબીજા સાથે જોડાયેલા રહીને રમણીય લીલી ચાદર સમા બની રહે તેમ હું મિત્રો વચ્ચે દાંડીઓ સાથેનાં ફૂલોનો ગલગોટો બની રહેતો હતો.
બીજા મિસરામાં ગ઼ાલિબ પોતે હયાત નહિ હોય તેવા સમયની કલ્પના કરતાં જણાવે છે કે એ ટાણે અમારો મિત્રોરૂપી ફૂલોનો ગોટો વેરવિખેર થઈ ગયો હશે. અહીં ઇંગિત અર્થ એ સમજાય છે મિત્રોને જોડી રાખવાની મુખ્ય ભૂમિકા ગ઼ાલિબ જ નિભાવતા હતા. તેમના અવસાન બાદ બાકીના મિત્રોને ગ઼ાલિબની હાજરી વગરની મહેફિલ શુષ્ક અને ગમગીન લાગતી હોઈ હવે તેઓ એકત્ર થતા નથી.
(સંપૂર્ણ)
નોંધ :-
ગ઼ઝલના સમાપને નીચે હું મીર તકી મીરની ‘મેરે બાદ’ રદીફવાળી આખી ગ઼ઝલ અભ્યાસુઓની ઉત્સુકતાને સંતોષવા માટે આપું છું.
આ કે સજ્જાદા-નશીં ક઼ૈસ હુઆ મેરે બાદ
ન રહી દશ્ત મેં ખ઼ાલી કોઈ જા મેરે બાદ (૧)ચાક કરના હૈ ઇસી ગ઼મ સે ગિરેબાન-એ-કફ઼ન
કૌન ખોલેગા તેરે બંદ-એ-ક઼બા મેરે બાદ (૨)વો હવા-ખાહ-એ-ચમન હૂઁ કી ચમન મેં હર સુબ્હ
પહલે મૈં જાતા થા ઔર બાદ-એ-સબા મેરે બાદ (૩)તેજ઼ રખના સર-એ-હર ખ઼ાર કો ઐ દશ્ત-એ-જૂનૂન
શાયદ આ જાયે કોઈ આબ્લા-પા મેરે બાદ (૪)મુઁહ પે રખ દામન-એ-ગુલ રોએંગે મુર્ગાન-એ-ચમન
હર રવિશ ખ઼ાક ઉડાએગી સબા મેરે બાદ (૫)બાદ મરને કે મેરી કબ્ર પે આયા વો મીર
યાદ આઈ મેરે ઈસા કો દવા મેરે બાદ (૬)* * *
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગ઼ઝલ ક્રમાંક –58)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે
-
રોટલીના લોટમાં
યામિની વ્યાસ
પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાંજો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાંઆવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાંએક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાંલોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાંભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાંહેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાંઆમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાંઆસ્વાદ
ઇલિયાસ શેખ
સૂરતના કવિયત્રી યામિનીબેન વ્યાસની આ ગઝલ આજે ફેસબુક પર વાંચી, તો પહેલાં તો મનમાં થયું, કોમેન્ટરૂપે “વાહ” લખીને, લાઇક કરીને આગળ વધી જઉં. પણ, મારે તો એવું છે ને કે, મન કહે એથી કાયમ ઉલ્ટું જ હું કરું ! કેમ કે, હું મનમોજી નહીં પણ દિલખુશ માણસ છું.! એટલે બહુધા હું દિલનો દોર્યો જ ચાલુ, એટલે આ ગઝલને ત્યારે મારાં lappyમાં લીંપી લીધી ‘ને હવે અત્યારે આ આસ્વાદ લખવા બેઠો છું.
યામિનીબેન વ્યાસનો મારો પ્રથમ પરિચય એટલે એ મારાં લેખક–અનુવાદક અને કટારલેખક મિત્ર પરેશ વ્યાસના સગા બેન થાય, એ નાતો, પણ યામિનીબેનનો યાદગાર પરિચય તો ગત અસ્મિતાપર્વ–18માં કાવ્યાયનની બેઠકમાં, ભરબપોરે, સાત સુંદર કવિયિત્રીઓનું સપ્તરંગી મેઘધનુષ જે ખીલ્યું હતું, એ મેઘધનુષમાંના એક રંગ લિસોટા એટલે યામિનીબેન. અસ્મિતાપર્વ-18ની કાવ્યાયનની એ બેઠક આંખોથી નિહાળવી અને કાનથી સાંભળવી ગમે એવી અન્નન્ય બેઠક હતી.!
આ ગઝલ અને આ અગાઉ પણ અનેક કાવ્યોમાં સર્જક સ્વયં જ્યારે માદા હોય, ત્યારે જે નારીભાવ સંવેદન અભિવ્યક્ત થાય છે, એવાં નારીભાવોનું પ્રકટીકરણ કદી નર સર્જક દ્વારા નથી થઇ શક્યું. કવિઓ દ્વારા નારીભાવોને વ્યક્ત કરતા અનેક ગીતો આપણને ગુજરાતી કવિતામાં મળે, પણ જે ભાવો એક સર્જક તરીકે નારી પોતે જ રજુ કરે, એ મને વધારે ઊર્મિસભર અને અધિકૃત લાગ્યા છે. કેમ કે, એક નારીના કેટલાંક સંવેદનો એના પોતીકા હોય છે. કેટલાંક ઇલાકા મા કા ઇલાકા હોય છે. આ ગઝલમાં પણ “રોટલીના લોટમાં” એવાં નવ્ય રદીફ સાથે કવિયિત્રી એના ભાવપ્રદેશને અને જીવનબોધને આઠ શેરો દ્વારા આપણી સમક્ષ ખુલ્લો મૂકી દે છે. રોટલીના લોટનું પ્રત્યેક શેરમાં અલગ-અલગ રૂપક આ ગઝલનું ઉદ્દીપક બની રહે છે. એટલે એ અર્થમાં આ ગઝલને મુસલસલ ગઝલ કહી શકાય.
જો કે, આ ગઝલમાં આઠને બદલે નવ અથવા તો આઠને બદલે સાત શેર હોત તો આ ગઝલને મુક્કમ્મલ ગઝલ પણ કહી શકાઇ હોત. ખૈર, આ તો ગઝલના છંદશાસ્ત્રનો મુદ્દો છે. પણ ઊર્મિ અને ભાવનો મુદ્દો તો શાસ્ત્રથી જુદો છે. શાસ્ત્રની સીમારેખા જ્યાં થંભે છે, ત્યાંથી જ તો ભાવનો પ્રદેશ આરંભાય છે. તો ચાલો ગઝલના એક પછી એક શેરને તપાસીએ.
પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાંમત્લાના શેરના પહેલા મિસરામાં જ નારીના ભાવોનું સર્જનાત્મક પ્રકટીકરણ જોવા મળે છે. અહીં “પરખાવી દીધી” શબ્દો મહત્વના છે. એક કુશળ કસબી તસ્બીહ ફેરવતા-ફેરવતા આપણને રોશન-નૂરના દર્શન કરાવી દે, એવી વાત અહીં સરળ શબ્દોમાં કરવામાં આવી છે. “પરખાવી દીધી” એટલે કે “જેની મને ઓલરેડી પરખ છે, એ પરખને અન્ય કોઇને બોધ કરાવવાની, પરખાવવાની અહીં વાત છે. “પારખવા” માટે સમજણ જોઈએ, પણ “પરખાવવા” માટે તો કૌશલ્ય જોઈએ. જે અહીં સફળતાપૂર્વક વ્યક્ત થયેલું જોવા મળે છે. પરખાવવાની આ બિના પણ કોઇ નાની સુની નથી. અહીં તો પ્રીત પરખાવી દીધાની વાત છે. આ સૌથી કઠીન કામ છે. કોઇને પ્રેમ કરવો એકદમ સરળ છે. પણ એને પણ પ્રેમ કરતો કરી દેવો એકદમ કઠીન છે. ત્યારે પ્રથમ મિસરામાં જ “પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં” એમ બોલીને નાયિકા અહીં પોતાના પ્રેમસભર હાથોનો સ્પર્શ પામીને તૈયાર થઇ રહેલો રોટલીનો લોટ, નાયકને યાર અને પ્યાર બનાવી મુકે છે, એ સુપેરે રજુ થાય છે. પણ પ્રીત પરખાવવાની આ મથામણમાં નાયિકા કેટલું સહન કરે છે? એનો ક્યાસ આપણને શેરના બીજા મિસરામાં મળે છે. “જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં.” અહીં લોટના પ્રતીક દ્વારા નાયિકા, પોતે રોટલીનો લોટ ગુંદવામાં કેટલી ઓતપ્રોત બની ગઇ છે, એની વાત છે. એક-એક રોટલી વણતી વખતે રોટલી ઉપર જે લોટ ભભરાવવામાં આવે છે, એ અહીં લોટ ન રહેતાં સ્વયં નાયિકા બની જાય છે. આખી જાત, આયખું, સમગ્ર અસ્તિત્વને પ્રેમની ચક્કીમાં પીસી-પીસીને લોટ બનાવી નાખીને, જ્યારે રોટલી બનાવવામાં આવે ત્યારે ખરાં અર્થમાં પ્રીતની સ્વયંને પરખ અને પ્રીતને, પ્રિયને પરખાવી શકાય છે. અહીં પ્રેમના માર્ગે જો ઓચિંતું અંધારું થાય તો હાથ સળગાવીને અજવાળું કરવાની તૈયારી રાખવી પડે એની વાત છે.
જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાંગઝલના આ પ્રથમ શેરમાં કવિયિત્રી તત્વચિંતકની અદાથી વર્તનમાં પરિવર્તન લઇ આવો, તો એના લાભાલાભની વાત સરળ બાનીમાં કરે છે. સાથે-સાથે એ વાતનો સંકેત પણ આપી દે છે, કે નાયકનો મિજાજ ગરમ છે. એણે એના વાણી-વર્તનમાં સુધારો લાવવાની જરૂર છે. અહીં “તો તું ખીલી શકે” એવી શરત મૂકીને કવિયત્રી એ હકીકત સાબિત કરે છે, કે જે “ખુલી શકે” એ જ ખીલી શકે, અને ખુલી જવા માટે નરમ બનવું પહેલી શરત છે. આ વાત રોટલીના નાના-શા ગોળ પીંડાને વેલણ દ્વારા ગોળ આકાર આપીને, ખીલતા પુષ્પની ઉપમા દ્વારા કાવ્યમય રીતે કવિયિત્રી જોડી આપે છે. કાંટાઓના નસીબમાં કદી ખીલવાનું નથી લખેલું હોતું. એ જ રીતે કઠણ લોટના નસીબમાં સુરેખ ગોળ ફૂલકા રોટલી બનવાનું નથી લખેલું હોતું. એટલે પ્રેમભાવ માટે સ્વભાવ નરમ રાખવો એ પૂર્વશરત છે.
આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાંગઝલના આ બીજા શેરમાં નાયિકાનો અપેક્ષાભાવ નિરૂપાયો છે. નાયિકાના મનની મુરાદ વ્યક્ત કરવામાં આવી છે. પણ આગળના શેરમાં જ નાયકના ગરમ મિજાજનો નિર્દેશ કરીને કવિયિત્રી આપણને વિચારતા કરી મુકે છે કે, શું ખરેખર નાયક આવીને નાયિકાના હાલ-હવાલ અને વહાલનો હવાલો લેશે? નાયિકાના ખબર અંતર પૂછશે? આવા અરમાન અને ભૂતકાળમાં માણેલી કોઇ સુખદ યાદને મમળાવતા, નાયિકા રોટલી વણવામાં મશગુલ છે. એને હવે નાયકના વર્તનમાં પરિવર્તનની ઉમેદ છે. પણ આ ઉમેદની સાથે “યાદ મમળાવવાની” વાત કરીને કવિયિત્રી અહીં સર્જનાત્મક રહસ્ય ખડું કરે છે.
એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાંગઝલના આ ત્રીજા શેરમાં એ રહસ્ય છતું થાય છે. નાયક સાવ ક્ષુલ્લક વાતમાં નાયિકાને તતડાવી નાખે છે, એવાં કોઇ દુખદ પ્રસંગની યાદ, નાયિકાને લોટ બાંધતા યાદ આવી જાય છે. એટલે એ નાયકને સન્મુખ તો નહીં, પણ એકલી-એકલી ફરિયાદ કરે છે કે, તેં દિવસે સાવ નાની અમથી વાતમાં મને એ કેટલું વઢયા હતાં. એમ યાદ કરીને આંખો છલકાવી દે છે. અહીં નાયિકાનો ભીતરી ભાવ એવો છે કે, નાયકના આગમન પહેલા હું જ મને એકલી-એકલી ફરિયાદ કરીને મારાં રોષને ઓસરી જવા દઉં. નાયક જયારે આવે ત્યારે ચહુંઓર ચાહત અને મહોબ્બત જ હોય, કોઇ ગિલા-શિકવામાં આ વખતે સમયને બરબાદ નથી કરવો. એટલે લાવ હું જાતે જ આંખ છલકાવી હૈયું હળવું કરી લઉં.
લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાંગઝલનો આ ચોથો શેર વ્હાલની રેસિપી બતાવે છે. શતરૂપા નારીના ૧૦૦ રૂપમાંથી એક રૂપ “અન્નપૂર્ણા”નું છે. જે નારી રસોઇ બનાવે છે, એ બહેન, ભાભી, દીકરી, મા કે પત્ની – ગમે તે હોય, પણ એ જેટલો સમય રસોડામાં હોય છે – એટલો સમય તો એ “માનું વ્હાલ” હોય છે. એ મા-સ્વરૂપા હોય છે. જે રીતે લોટ-પાણી અને મોણ, ગુંદાય-ગુંદાયને એકમેકમાં ઓતપ્રોત બનીને સમાઇ જાય છે એ જ રીતે માનું વ્હાલ પણ પ્રત્યેક રોટલીમાં એકરસ, એકરૂપ બનીને સમાઇ જતું હોય છે. એને જીવનપર્યંત પછી જુદું નથી પાડી શકાતું. અહીં નાયિકા આ વખતે એવી રોટલી બનાવવાની મથામણમાં છે કે, જેવી રોટલી નાયકની મા બનાવીને નાયકને ખવડાવતી હતી. માના વ્હાલની આ રેસિપી, આજે નાયક આવે તો એને બતાવી દેવી છે, એવાં આત્મવિશ્વાસ સાથે એ રોટલી વણી રહી છે.
ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાંગઝલનો આ પાંચમો શેર ચોથા શેરના અનુસંધાન રૂપે હોય એવું તરત જણાય આવે છે. સ્ત્રી જયારે કોઇને દિલથી ચાહતી હોય છે, ત્યારે એ એની મા બની જતી હોય છે. જ્યારે કોઇ સ્ત્રી તમને વાત-વાતમાં “જમી લીધું” “શું જમ્યાં?” એવાં તમારાં ભોજન વિષયક સવાલો કરે તો સમજી લેવું કે, એ સ્ત્રી તમારાં પ્રેમમાં છે. અહીં નાયિકા પણ રોટલી વણતા-વણતા, રોટલીને તાવડીમાં શેકતા-શેકતા, મમતાળુ માવડી બનીને, નાયકની ચિંતા કરે છે કે, આ બહાર ધોધમાર મેહુલો વરસે છે. આવા ઠંડા વાતાવરણમાં નાયકને કકડીને ભૂખ લાગી હશે. તો લાઉં મારાં હેતની હુંફ આ ગરમ-ગરમ રોટલીમાં ઉમેરી દઉં.! અહીં ભૂખ, ધોધમાર વરસાદ, રોટલીના લોટમાં સરકતી હુંફ જેવા પ્રતીકો શૃંગારરસનો પણ નિર્દેશ કરે છે. અહીં માત્ર હોજરીની ભૂખ ભાંગવાની વાત નથી. પણ નાયકની આવા રોમાન્ટિક માહોલમાં હાજરી સાંપડે એટલે શરીરની ભૂખ પણ ભાંગવાની વાત છે. રોટલીનું ટોનિક જાણે કે પ્લેટોનિક લવની પણ ઔષધિ અને લવની અવધિ બની જાય – એવા ભાવ સાથે નાયિકા એક-એક રોટલીમાં હુંફની ફૂંક મારતી જાય છે.!
હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાંગઝલનો આ છઠ્ઠો શેર પ્રમાણમાં નબળો અને સમગ્ર ગઝલના ભાવનિરૂપણમાં આગંતુક હોય એવો લાગે છે. કણક એટલે જાડો, ભરભરીયો લાપસી-ભાખરીમાં વપરાય એવો લોટ. અહીં રોટલીનો લોટ બાંધતી વખતે, કણક બાંધવાની વાત અને કણક સાથે જોડાયેલી કોઇની યાદનું હેડકીના રૂપે પુનઃસ્મરણ, અને એને લઈને કોઇ દિશા સુચનની વાત. આ શેરનો સાની મિસરા તો હજી પણ ચાલી જાય એવો છે. પણ ઉલા મિસરા તો સાવ નબળો છે. “રાહ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં” એ તો તદ્દન અતાર્કિક અને સમગ્ર ગઝલના ટેમ્પોમાં વગર ટીકીટે ચડી બેઠો હોય એવો પ્રવાસી શેર છે.!
આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાંગઝલનો આ છેલ્લો મક્તાનો શેર સમગ્ર ગઝલમાં શિરમોર શેર છે. અહીં રોજ-રોજ રોટલી વણવાની ક્રિયા એના પુનરાવર્તનથી પણ નાયિકાને કંટાળો નથી આપતી. અહીં પ્રત્યેક પુનરાવર્તન, પ્રેમનું એક નવ્ય આવર્તન બનીને આવે છે. જેને કારણે નાયિકાની પ્રત્યેક સાંજ હરખની હેલી બની જાય છે. રોટલીનો લોટ બાંધવાની પ્રકિયામાં એકવિધતા ભલે હોય, પણ નાયિકાના મનોજગતમાં દરેક વખતે ભાવોની વિવિધતા છે. એટલે નાયિકા નિરંતર નવ્ય ભાવ સંવેદનને રોટલી સાથે વણી જાણે છે.
નારીના હાથનો સ્પર્શ પુરુષને ચોવીસ કલાકમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક રૂપે મળે છે. પુરુષના જીવનનું ચાલક અને સંચાલકબળ જ સ્ત્રીના આ સ્પર્શની હાજરી છે. રોટલીથી માંડીને, નારીની પ્રેમાળ હથેળીઓમાં ધોવાતાં આંતરવસ્ત્રો, તૂટી ગયેલા ગાજ-બટનને સોઇથી સાંધતી આંગળીઓ, દોરાને દાંતમાં દબાવીને રસભીનો કરતા ટેરવાં અને રોજ સંકેલાતા વસ્ત્રો – જીવનના અનેક રહસ્યોને ઉકેલી નાખતા હોય છે. આજે તો હવે ઘરમાં ઘરઘંટીથી માંડીને આટામેકર, વોશિગ-મશીનથી માંડીને સિલાઈ મશીન અને વેક્યુમક્લીનરથી માંડીને ડીશવોશર જેવા ઉપકરણો આવી ગયા છે – એટલે હવે તો રોટી-કપડાં ઔર મકાન અને બરતનમાં અને વર્તનમાં દિવસે ને દિવસે નારીનો સ્પર્શ દુર્લભ બનતો જાય છે – ત્યારે યામિનીબેન આવી સરસ ગઝલ લઈને આવે છે – એ જગતમાં પ્રેમ અને હુંફ હજી સાબૂત છે એની સાબિતી આપે છે. યામિનીબેનને અનેક-અનેક ધન્યવાદ.
આ સાથે મારાં હમઉમ્ર મિત્રોને મને કહેવાનું મન થાય કે, અઠવાડિયે એકવાર લોટ ગુંદીને વાંકીચુકી રોટલી ન બનાવો તો કાંઈ નહીં, પણ અઠવાડિયામાં એકવાર તમારી પત્નીની સાડી, ચૂડીદાર, બ્લાઉઝ, પેટીકોટ અને અન્ડર વિયર્સને તમારા પ્રેમાળ હાથે સંકેલીને કબાટમાં ગોઠવવાનો પ્રયોગ કરવા જેવો છે. એમાં આનાભારેય નુકસાન નથી. ફાયદા હી ફાયદા હૈ.!!!
– ઇલિયાસ શેખ
યામિનીબેન એક યશસ્વી કવિયત્રી અને નાટ્ય કલાકાર તો છે જ એની સાથે એક આદર્શ ગૃહિણી છે. આ વિડીયોમાં યામિનીબેનને એમના રસોડામાં રોટલી બનાવતાં બનાવતાં એમના કાવ્ય ‘રોટલીના લોટમાં’ ની રજૂઆત કરતાં જોઈ શકાય છે. ગૃહિણી તરીકેની ફરજો બજાવે છે પણ મુખે તો કવિતા રમે છે !ગૃહિણી પદ અને કવિતા જાણે સાથે વણાઈ ગયાં છે !
સૌજન્ય : નીરવ રવે
-
બંધારણબાહ્ય કૉલેજિયમ સિસ્ટમ વિકલ્પહીન છે ?
નિસબત
ચંદુ મહેરિયા
બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨) માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ હંમેશા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પરામર્શમાં રહીને જ કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૧૭ મુજબ દેશની કોઈપણ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ, સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને વડીઅદાલતના મુખ્ય ન્યાયાધીશના પરામર્શ પછી કરવાની હોય છે. આ બંધારણીય જોગવાઈઓને અનુસરીને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક, બદલી, બઢતી થતી હતી. ચીફ જસ્ટિસની નિમણૂક સિનિયોરિટીના આધારે થતી હતી. બંધારણમાં જજીસની નિમણૂકનો અબાધિત અધિકાર સરકારને હતો.
આ જોગવાઈ હેઠળ વહાલા-દવલાની નીતિ છતાં એકંદરે સુચારુ રીતે કામ ચાલતું હતું. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન કહ્યાગરા ન્યાયાધીશોની બોલબાલા છતી થઈ હતી. એ સમયે શ્રીમતી ગાંધીએ સરકાર વિરોધી લાગતા સોળ હાઈકોર્ટ જજીસની બદલીઓ કરી નાંખી હતી. જસ્ટિસ એચ.આર.ખન્ન્નાની વરિષ્ઠતાને અવગણીને સરકારના તરફદાર ગણાતા જસ્ટિસ એ..એન.રે.ને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પદે નિયુક્ત કરાયા હતા. એટલે અત્યાર સુધી અક્ષુણ્ણ રહેલી ન્યાયતંત્રની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર જોખમ સર્જાયું હતું.
ન્યાયાધીશોની નિમણૂક સંબંધી બંધારણીય જોગવાઈઓને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી. તેના અર્થઘટનના પણ સવાલો ઉભા થયા હતા. ૧૯૮૧માં એસ.પી.ગુપ્તા વિરુધ્ધ ભારત સરકારના કેસના ચુકાદામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથેના પરામર્શનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અને બદલીનું નિયંત્રણ સરકાર કે વહીવટી તંત્ર હસ્તક હોવાનું સ્વીકાર્યું હતું. પરામર્શનો અર્થ વિચારોનું આદાનપ્રદાન ખરું પણ સંમતિ નથી તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન વર્સિસ ઈન્ડિયાના જજમેન્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો અભિપ્રાય મહત્વનો છે અને પરામર્શ એટલે માત્ર અભિપ્રાય કે વિચારો જાણવા નહીં પરંતુ તેમની સંમતી જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. વળી આ ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના બે વરિષ્ઠ ન્યાયાધીશો સાથે પરામર્શ પછી જે નામોની નિમણૂક અંગે અભિપ્રાય આપે કે ભલામણ કરે તે રાષ્ટ્રપતિને અર્થાત સરકારને બાધ્યકારી હોવાનું જણાવ્યું હતું. હાલની કોલેજિયમ સિસ્ટમનો ઉદભવ આ ચુકાદાથી થયો છે.
૧૯૯૮માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણને બંધારણના અનુચ્છેદ ૧૪૩ અન્વયે સુપ્રીમ કોર્ટમાં પ્રેસિડેન્સિયલ રેફરન્સ કર્યો હતો. તેમાં ચીફ જસ્ટિસના પરામર્શ કે અભિપ્રાય અંગે સ્પષ્ટતા માંગી હતી. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભના ચુકાદામાં જણાવ્યું હતું કે ન્યાયાધીશોની નિમણૂક અંગેનો સીજેઆઈનો અભિપ્રાય બહુમતી ન્યાયાધીશોનો અભિપ્રાય ગણાશે અને તેમાં સુપ્રીમના ચાર વરિષ્ઠ જજીસ સાથે પરામર્શ કરવાનો રહેશે. એ રીતે સીજેઆઈ ઉપરાંત ચાર સિનિયર જજીસ એમ કુલ પાંચ વ્યક્તિની હાલની કોલેજિયમ સિસ્ટ્મ અસ્તિત્વમાં આવી હતી.
ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને સ્વાયત્ત છે.પરંતુ કોલેજિયમને કારણે ન્યાયાધીશોની નિમણૂક-બદલીનો અધિકાર સરકાર પાસે ન રહ્યો અને ખુદ ન્યાયાધીશો જ તેમના સાથી ન્યાયાધીશોની નિમણૂક –બદલી કરે તે સરકારને ખૂંચે છે. એટલે સરકારે ૨૦૧૫માં સંસદના બંને ગ્રુહોમાં નવ્વાણુમો બંધારણ સુધારો પસાર કરી , નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની રચના કરી હતી. આ કમિશનના વડા કોલેજિયમની જેમ ચીફ જસ્ટિસ હતા. તેના કુલ છ સભ્યોમાં સુપ્રીમના બે વરિષ્ઠ જજીસ, કેન્દ્રીય કાયદા મંત્રી અને બે બિનસરકારી સભ્યોની જોગવાઈ કરી હતી. બિનસરકારી સભ્યોની પસંદગી વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અને લોકસભાના વિપક્ષના નેતાની સમિતિ કરે તેમ ઠરાવ્યું હતું. પ્રથમ નજરે કોલેજિયમ જેવા લાગતા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગને પણ અદાલતી પડકાર મળ્યો હતો. સુપ્રીમે તેને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ ગણી બંધારણ સુધારાને ૨૦૧૬માં ગેરબંધારણીય ગણ્યો અને કૉલેજિયમ યથાવત રહી.
ન તો બંધારણમાં કે નતો સંસદ ના કોઈ કાયદા દ્વારા કૉલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે પરંતુ આ એક બંધારણબાહ્ય , સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી અમલમાં આવેલી, પ્રણાલી છે. બંધારણીય જોગવાઈઓ મુજબ સંસદે પસાર કરેલા કાયદાથી અસ્તિત્વમાં આવેલ ન્યાયિક નિમણૂક આયોગને સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય ઠેરવે અને બંધારણબાહ્ય કોલેજિયમ ચાલુ રહે તે ભારે વિચિત્ર બાબત છે.
કૉલેજિયમ સિસ્ટમ સામે અનેક સવાલો છે. ન્યાયાધીશો જ ન્યાયાધીશોની નિમણૂક કરે તે અસહ્ય છે. આ પ્રણાલી અપારદર્શી છે અને પરિવારવાદને પોષે છે તેવા આરોપો છે. કોલેજિયમની કાર્યવાહીને માહિતી અધિકાર કાયદાથી પણ મુક્ત રાખતો ચુકાદો તેની પારદર્શિતા સામે સવાલો ખડા કરે છે. દેશની મોટાભાગની અદાલતોના ન્યાયાધીશો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો જ હોવાનું કેન્દ્રીય કાયદા મંત્રી જણાવી ચુક્યા છે. આ પ્રણાલી ન્યાયતંત્રની તાનાશાહી જેવી છે અને જજીસની નિમણૂકમાં યોગ્યતા, કામ પ્રત્યેની નિષ્ઠા તથા કાબેલિયતની અનદેખી થતી હોવાનો પણ આરોપ છે. ન્યાયાધીશોની નિમણૂકની સમગ્ર પ્રક્રિયામાંથી વહીવટી તંત્ર કે સરકારની બાદબાકી કરી નાંખવી તે અતાર્કિક અને બિનલોકશાહી પગલું પણ જણાય છે.
કૉલેજિયમે એકવાર ભલામણ કરેલ નામો સરકાર પરત કરે અને કોલેજિય જો તેને સર્વાનુમતે ફરી મોકલે તો સરકાર તે સ્વીકારવા બાધ્ય હોવાની જોગવાઈ આ સ્થિતિમાં નિર્ણય લેવામાં અસીમિત વિલંબ કરીને સરકાર કોલેજિયમને અર્થહીન કરે છે. સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેની આ ટકરામણ ઈચ્છનીય નથી. કેમ કે એક અભ્યાસ પ્રમાણે ૨૦૧૮ અને ૨૦૧૯ના બે વરસોમાં આ ગજગ્રાહને કારણે ૧૪૬ નામોની નિમણૂક લટકી હતી. તેમાં ૧૧૦ નામોને કેન્દ્રની મંજૂરી બાકી હતી તો ૩૬ નામો પર કોલેજિયમનો પુનર્વિચાર બાકી હતો.
આ સમસ્યાનો ઉકેલ સરકાર અને ન્યાયતંત્રે એકબીજાના વિરોધીને બદલે પૂરક બની કાઢવો રહ્યો. બંધારણીય જોગવાઈઓ, કોલેજિયમ સિસ્ટમ અને નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની સારી જોગવાઈઓને સાંકળીને સરકારનું નિયંત્રણ પણ રહે અને ન્યાયતંતની સ્વતંત્રતા પણ જળવાય તેવી કોઈ પધ્ધતિ શોધી શકાય. નીચલી અદાલતોના ન્યાયાધીશો માટેની પસંદગી પ્રક્રિયા કે સનદી સેવાની પસંદગી પ્રક્રિયાનો પણ આધાર લઈ શકાય. જો આમ થઈ શકે તો કૉલેજિયમ સિસ્ટમનો વિકલ્પ મળી શકે. ન્યાયતંત્રે કોલેજિયમ પ્રત્યેની મમત અને સરકારે તે નઠારી હોવાની જિદ છોડવી રહી.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સુખોપનિષદ
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
પુરાણા સમયમાં જ્યારે સમૂહ માધ્યમો અને સોશિયલ મિડિયા ન હતાં ત્યારે ‘શાસ્ત્રો’ નામનું મિડિયા તો હાજર હતું જ. નારદ મુનિ નામના તે વખતના એક મોટા ખબરપત્રીનું નામ આજે પણ ખૂબ જાણીતું છે. તે કાળમાં લડાઇઓનું પણ જીવંત પ્રસારણ થતું. કોમેન્ટેટરો તો તે વખતમાં અનેક હશે. પરંતુ સંશોધનકારોને મહાભારતના યુદ્ધનું જીવંત પ્રસારણ કરનાર સંજય નામના કોમેન્ટેટર સિવાય અન્ય નામ હજુ સુધી મળ્યું નથી. તે યુગમાં ‘સુભાષિતો’ નામની એક મોટિવેશનલ ચેનલ ચાલતી, જેના પર વિષ્ણુ શર્મા નામના એક ડાયરેકટરે ‘હિતોપદેશ’ નામની એક શ્રેણી શરૂ કરેલી..
વિષ્ણુ શર્માની આ શ્રેણીંના એક એપિસોડમાં પ્રસારિત થયેલું કે,
“आहार निद्रा भय मैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् ।
धर्मो हि तेषामधिको विशेष: धर्मेण हीनाः पशुभिः समानाः ॥(આહાર નિદ્રા, ભય અને પ્રજોત્પતિ બાબતે મનુષ્યો અને પશુઓ એક સમાન છે. માત્ર ધર્મ એ જ મનુષ્યની વિશેષતા છે. એથી ધર્મ વિનાના મનુષ્યને પશુ સમાન જાણવો)”
ચાર્વાક મુનિ અને તેમના અનુયાયીઓને પશુ સમાન ગણવાની આ વાત મને ગમી તો નહિ ઉપરાંત તેમાં સચ્ચાઈ પણ નથી એવું લાગ્યું. લાગે છે કે કોઈ મઠાધીશે પોતાના અનુયાયીઓ વધારવા માટે વિષ્ણુ શર્માને દ્રવ્ય આપીને આ શ્લોક લખાવ્યો હશે. ખરેખર તો આપણને પશુઓથી અલગ પાડનાર ધર્મ નહિ પરંતુ આપણી સુખની ઇચ્છા છે. માણસ સિવાય અન્ય કોઈ પ્રાણીને ભવિષ્યમાં સુખી થવાની ઇચ્છા થતી નથી. સુખ કોને કહેવાય તે બાબતે ‘તુંડે તુંડે ર્મતિભિન્ના’ હોવા છતાં મોટાભાગના લોકો સુખની શોધમાં જ જીવન વ્યતિત કરે છે. બાળકને તેના જીવનમાં સુખ મળે એ આશાએ વાલીઓ તેને નિશાળે મોકલે છે. ભણ્યા પછી માત્ર ભરણપોષણ માટે જ નહિ પરંતુ સુખ પણ મળે એ આશાએ તે નોકરીધંધો શોધે છે, સુખી થવા માટે પોતે લગ્ન કરે છે. ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં પોતે સુખી રહે તે માટે પ્રભુના પયંગબરોને બોલાવે છે. પ્રભુના આ પયંગબરો પોતે સુખી થાય તે માટે શાળામાં પ્રવેશ કરે છે, ભણ્યા પછી કામધંધો શોધે છે, પરણે છે વગેરે વગેરે. આમ સુખી થવાના પ્રયત્નોનો ક્રમ ચાલુ રહે છે. શ્રદ્ધાળુઓ પોતાનાં મૃત્યુ પછી સ્વર્ગનું સુખ પામવા માટે ધરમધ્યાન અને હરિભજન કરે છે..
માણસનાં જીવનમાં સુખનું મહત્વ એટલું બધું છે કે પોતાના નામો પણ ધનસુખ, મનસુખ, તનસુખ, જયસુખ, મહાસુખ, સુખલાલ, સુખદેવ, સુખરામ વગેરે વગેરે રાખે છે. સુખી નામની મહિલાઓ પોતાનાં નામને વિશેષણમાં તબદીલ કરવા પ્રયત્ન કરે છે. કોઈ અનુભવીએ જુદા જુદા સુખોને મેરિટ નંબર આપીને કહેવત પણ બનાવેલ છે.–પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ કોઠીમાં જાર, ત્રીજું સુખ સુલક્ષણા નાર, ચોથું સુખ ઘેર દીકરા..- જો કે મજાની વાત એ છે કે દરેકને પોતાનું સુખ પછીના ક્રમના સુખ કરતા મેરિટમાં પાછળ હોય તેમ લાગે છે. આમ સુખ બાબતે પારકા ભાણાનો લાડુ જ મોટો છે.
સુખ એ ભાવવાચક નહિ પરંતુ દ્રવ્યવાચક નામ છે એવી ગેરસમજને કારણે યુ. નો. જેવી સંસ્થાએ જુદા જુદા દેશોમાં સુખનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે ‘હેપીનેસ ઇન્ડેક્ષ’ માપવાનું શરૂ કર્યું છે. પશ્ચિમના ભોગવાદી દેશોને સાચું સુખ કોને કહેવાય તે ખબર ન હોવાથી સુખ માટેના માપદંડો પણ તેમણે ભૌતિક સુખના અધારે નક્કી કર્યા છે. આ કારણે જ આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે બિરાજતા વિશ્વગુરુ ભારતને તેમણે છેક છેવાડે 136મા ક્રમે મૂકેલ છે. આપણે એ બાબતે સહેજ પણ વિચલિત થયા વિના આપણા પૂર્વજોએ શરૂ કરેલું સાચા સુખ વિષે ચિંતન ચાલુ જ રાખીએ છે. આ લેખ પણ એ જ ઉપક્રમમાં છે..
આનંદ,ખુશી, સુખ વગેરે શબ્દો ઘણુંખરું પર્યાયવાચક હોય તેમ લાગે છે. ખૂબ ઝીણું કાંતનારા તેમાં અર્થભેદ જુએ છે. પરંતુ આપણે એવા ભેદોથી પર રહીશું
એમ કહેવાય છે કે ભૂખ્યા માણસને રોટલામાં ભગવાન દેખાય છે. અહીંયા ભગવાનનો અર્થ સુખ એવો જ સમજાય છે. બીમાર માણસને રોગમુક્તિમાં સુખ જણાય છે. લોભીનો આનંદ ધનના સંગ્રહમાં છે. રાજકારણીઓ ખુરશીમાં ખુશી જુએ છે. આમ માણસે માણસે નોખાં નોખાં સુખ હોય છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે પોતે જેમાં સુખ જુએ છે તે વસ્તુની પ્રાપ્તિ થયા પછી ધારેલું સુખ મળતું નથી, કદાચ સુખ મળ્યું છે તેમ લાગે તો પણ તેની અનુભૂતિ સમય જતા બષ્પીભવન પામીને ઊડી જાય છે. આ રીતે ભલે આપણે ઠેર ને ઠેર આવીને ઊભા રહી જતા હોઈએ, પરંતુ આપણી સુખની શોધ અટકતી નથી.
નવી ચીજવસ્તુ ખરીદવાથી આનંદ દરેકને મળે છે. આ આનંદ પણ ગજબની ચીજ છે. ધનવાનોને જેમ વસ્તુ મોંઘી તેમ આનંદ વધારે, મધ્યમ વર્ગનો આનંદ વસ્તુ સસ્તી મળે તેમાં હોય છે અને ગરીબો માટે તો મરીજ સાહેબે કહી જ દીધું જ છે “ગરીબને વસ્તુ ઈશ્વરથી પણ નિરાકાર હોય છે”
આપણો સૌનો અનુભવ છે કે મધ્યમ વર્ગની મહિલાઓ નવી સાડી કે અન્ય નવા પરિધાન ખરીદીને રાજી થાય છે. પરંતુ એ જ વસ્તુ પડોશી સસ્તા ભાવે લઈ આવ્યા છે તેની જાણ થતા જ તેનો આનંદ ઊડી જાય છે. ટૂંકમાં આપણે જ્યાં શોધીએ છીએ ત્યાં સુખ મળતું નથી. કદાચ ક્યારેક મળે છે તો ટકતું નથી.
કેટલાક સુખો દવાના ડોઝ જેવાં હોય છે, જો નિયત કરતા વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ફાયદાને બદલે નુક્શાન કરે છે. આ વાત સમજવા માટે આપણે એક જુગજૂની રમૂજ યાદ કરીએ.
એક માણસને પૂછવામાં આવ્યું, “તેં સુખનો અનુભવ ક્યારે કર્યો હતો?” તો તેનો જવાબ હતો, “એક વાર જ્યારે મારા શરીરે ખસ થઈ હતી ત્યારે હું તદ્દન નવી જ કાથી વડે ભરેલા ખાટલામાં આળોટેલો. એ વખતે મેં જે સુખનો અનુભવ કરેલો એવું સુખ જિંદગીમાં ક્યારેય માણ્યું નથી” પરંતુ આ રીતે સુખ માણનારે જો વધારે સમય શરીરને ખાટલા સાથે ઘસ્યે રાખ્યું હોત તો તે લોહીલુહાણ થઇ ગયો હોત અને તેનું થોડા સમયનું સુખ, દુ;ખમાં તબદીલ ગયું હોત. એટલે તો વૈરાગ્ય શતકમાં ભૃતુહરિએ કહ્યું છે,
‘भोगा न भुक्ता वयमेव भुक्ताः ।‘
કેટલાક ચિંતકોનું માનવું છે કે સુખ આપણને મળવા આતુર જ હોય છે, પરંતુ આપણે તેને એપોઈન્ટમેન્ટ આપતા નથી. આથી કોઈ સજ્જને “સુખને એક અવસર આપો.” નામનું આખું એક પુસ્તક લખવું પડ્યું છે.
આ રીતે સુખ વિષે ચિંતન અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. પરંતુ આપણે તો મહેતા નરસૈયાને જ યાદ કરીશું. તેમની એ વાતમાં દમ પણ છે કે સુખ અને દુ:ખ બન્ને આપણા ઘટ કહેતા શરીર સાથે જોડાયેલા જ છે. સંજોગોને કારણે જ્યારે દુ:ખ અનુભવીએ છીએ ત્યારે પણ સુખ તો હાજર જ હોય છે. આર્થિક રીતે દુ:ખી હોય તે શારીરિક રીતે સુખી હોઈં શકે છે, દુબર્ળ દેહ ધારણ કરનાર પૈસેટકે સુખી હોય છે. બન્ને રીતે દુ:ખી હોય તેનો સંસાર સુખી હોઈ શકે છે. ત્રણેય વાતે દુ:ખી હોય તેની પાસે ક્યારેક જ્ઞાનની સમૃદ્ધિનું સુખ હોય છે. આપણને જે બધી રીતે દુ:ખી લાગે તેને કુદરતે ગમે તે સ્થિતિમાં આનંદી રહી શકે તેવો સ્વભાવ બક્ષેલો હોય છે. ટૂંકમાં દરેક વ્યક્તિ કોઇને કોઇ રીતે સુખી હોય જ છે. પેલાં ફિલ્મી ગીતમાં ભલે કહેવાયું હોય કે ’દુખ તો આપના સાથી હૈ’ પરંતુ દુ:ખની સાથે સુખ પણ આપણું સાથી હોય છે. આપણે આપણા સુખને ઓળખતા નથી હોતા. આથી સુખ મેળવવા દોડવાની બદલે આપણી પાસે એવું ઘણું બધું હોય છે કે જેને સુખ તરીકે ઓળખી અને માન્યતા અપવાની જરૂર છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
એક નિવાસી કલાકારની કલા સફર
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
‘મંત્ર’ -ભાગ ૧
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ટ્વીસ્ટ ઓફ ટાઇમ,
શક્ય છે આજે જે ઉચ્ચતાના શિખરે બેઠા છે, જે પોતાની જાતને પરમાત્મા માનીને જનતા પર પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠા હોય એ આજે એ જ જનતા સામે યાચક બનીને ઊભા હોય. ૧૮૦ અંશના છેડે જઈને ઊભા હોય એવા સંજોગોય જીવનમાં આવે ખરા.
વાત છે આવા એક ખ્યાતિના ઊંચા આસને ચઢીને બેઠેલા એક ડૉક્ટરની.
સાંજનો સમય હતો. ડૉક્ટર ચઢ્ઢા ગૉલ્ફ રમવા તૈયાર થઈ કાર પાસે ઊભા હતા અને બે ભોઈ ડોળી લઈને આવ્યા. ડોળીની પાછળ એક બુઢ્ઢો આદમી લગભગ પગ ઘસડતો હોય એમ ચાલ્યો આવતો હતો. એ બુઢ્ઢા આદમીના સાત સંતાનોમાંથી બચેલો એક માત્ર દીકરો અત્યારે માંદગીનાં બિછાને હતો, જેને બચાવી લેવા એ બુઢ્ઢો આદમી ડૉક્ટર ચટ્ટાને સતત વિનંતી કરી રહ્યો હતો.
પણ એ સમય હતો ડૉક્ટરના આનંદપ્રમોદનો. ભલા આટલા વ્યસ્ત સમયમાંથી એ થોડો સમય પોતાના માટે ફાળવવા માંગતા હોય ત્યાં ક્યાં એમાં કોઈ ગરીબ બીમાર માટે સમય બગાડે? બુઢ્ઢા ગરીબ બાપની કાકલૂદીને સાંભળ્યા પછી પણ એની પાછળ એ પોતાનો મૂલ્યવાન સમય વેડફવા માંગતા નહોતા.
એ તો કારમાં બેસીને ચાલ્યા ગયા અને પાછળ મૂકતા ગયા એક લાચાર બાપના નિસાસા. એના માટે તો હજુ એ સમજવું અઘરું હતું કે આવી રીતે કોઈ જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો એવા દર્દીને બીજા દિવસ સુધીના સમય કેવી રીતે ટાળી શકાય? એને થયું કે સંસાર આટલો નિર્મમ કે કઠોર કેવી રીતે હોઈ શકે? ડૉક્ટર ચઢ્ઢાની કાબેલિયત વિશે સાંભળીને એ અહીં સુધી આશા ભર્યો આવ્યો હતો. એ જ રાત્રે એનો સાત વર્ષનો દીકરો એની બાળલીલા સંકેલીને પાછળ બુઢ્ઢા બાપને રોતો કકળતો મૂકીને ચાલ્યો ગયો.
ઘણાં વર્ષો પસાર થઈ ગયા. ડૉક્ટર ચઢ્ઢા ઘણું ધન, યશ કમાયા અને સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું. પચાસ વર્ષની આયુએ પણ એમની ચુસ્તી,સ્ફૂર્તિ યુવકોને શરમાવે એવી અકબંધ હતી. નિયમિતતા, સમયની પાબંધીમાં તો ક્યાંય ચૂક નહીં. એક દીકરી અને એક દીકરો, સુખી સંસાર. બે સંતાનોની માતા બન્યા પછી પણ શ્રીમતી નારાયણી ચઢ્ઢા યુવાન લાગતાં હતાં. દીકરીનાં લગ્ન થઈ ગયા હતા. કૉલેજમાં ભણતો દીકરો કૈલાશ, માતા-પિતાના જીવનનો આધાર હતો. દીકરો હતો પણ એવો કે ગુણવાન. વિદ્યાવાન, વિનયી, ઉદાર કે જેના માટે માતા-પિતા, કૉલેજ અને સમાજ પણ ગૌરવ લઈ શકે. આજે એની વીસમી વર્ષગાંઠ હતી.
સંધ્યા સમયે ડૉક્ટરનાં ઘરની આગળની વિશાળ ખુલ્લી જગ્યામાં એના જન્મદિનની ઉજવણી ચાલતી હતી. એક તરફ શહેરના નામાંકિત લોકો અને બીજી તરફ ચઢ્ઢાના દીકરાના કૉલેજના મિત્રોની ટોળી આ સમારંભને પોતાની રીતે માણી રહ્યાં હતાં. આનંદ-પ્રમોદનું વાતાવરણ હતું.
કૈલાશને સાપની શારીરિક-માનસિક પ્રકૃતિ વિશે જાણવાનો, સાપ પાળવાનો, એમને ટ્રેન કરવાનો, એના આંગળીના ઈશારે નચાવવાનો ગજબ શોખ હતો. કોઈ મદારી પાસેથી એણે આ વિદ્યા શીખી હતી. એ સાપ પર અસ્ખલિત વાત કરી શકતો. પ્રાણીશાસ્ત્રી પણ સાપ અંગે કૈલાશની જાણકારીથી દંગ રહી જતા. અઢળક પૈસા એ આ શોખ પાછળ ખર્ચી ચૂક્યો હતો.
એના મિત્ર વર્તુળમાં એના શોખ અંગે સૌને અત્યંત કુતૂહલ રહેતું, જ્યારે મળે ત્યારે સૌને કૈલાશ પાસે કંઈક અવનવું જાણવાની અપેક્ષા રહેતી. કૈલાશ સાપને આંગળીના ઈશારે નચાવતો એ જોવાની ઉત્સુકતા રહેતી.
આજે આ પ્રસંગે એકઠા થયેલા એના મિત્ર વર્તુળમાંથી એની સૌથી નિકટની મિત્ર મૃણાલિની જીદે ચઢી હતી. આટલા બધા મહેમાનોની હાજરીમાં આ જોખમ લેવા કૈલાશ તૈયાર નહોતો અને મૃણાલિની કદાચ સૌની હાજરીમાં એ કૈલાશ પર પોતાનું આધિપત્ય દર્શાવવાની તક ઝડપી લેવાના મૂડમાં હતી. સૌની હાજરીમાં કૈલાશને પોતાની વાત ટાળતો જોઈને મૃણાલિનીનું માન જાણે ઘવાતું હોય એમ એનો ચહેરાનો રંગ ઉતરી ગયો.
કૈલાશ સમજદાર હોવાની સાથે પ્રેમી પણ હતો. પ્રેમીની સમજ પ્રેમિકાને રાજી કરવા, રાજી જોવા તરફ દોરી જતી હતી. એણે મૃણાલિનીનું મન અને માન સાચવવા પ્રીતિ-ભોજન પત્યાં પછી સાપોને રાખવાનાં ખાનાં જેવા પાંજરા પાસે જઈને મહુવર વગાડીને એક પછી એક સાપને કાઢીને એમની કમાલ દર્શાવવા માંડી. ગજબનો તમાશો હતો. જાણે એક એક સાપ એના મનના ભાવ સમજતા હોય એમ એના ઈશારા પ્રમાણે પ્રતિભાવ આપી રહ્યા હતા. કૈલાશ કોઈ સાપને એના હાથે વીંટળાતો હતો તો કોઈને એની ગરદન પર.
મૃણાલિની એને ગળે વીંટાળવા માટે વારંવાર ના પાડતી રહી. કૈલાશના ગળે વીંટળાયેલા સાપને જોઈને એનો જીવ જાણે નીકળી જતો હતો. આ એનો થનારો પતિ હતો કંઈ કૈલાશપતિ નહોતો કે આમ સાપને ગળે વીંટાળીને ઊભો રહે અને એ જોયા કરે. પણ હવે કૈલાશને પ્રેમિકાન્ની સન્મુખ પોતાના કૌશલ્યને દર્શાવવાની ચાનક ચઢી હતી.
ધીરે ધીરે વાત ચડસ પર ચઢવા માંડી. કોઈકે કૈલાશને સાપના દાંત તોડી બતાવવા ચાનક ચઢાવી. મૃણાલિની મના કરતી રહી અને હવે કૈલાશ જીદે ચઢ્યો. એના હાથમાં સૌથી ઝેરી સાપ હતો. કૈલાશે સાપનું ગળું દબાવીને એનું મ્હોં ખોલાવા કોશિશ આદરી.
આજ સુધી સાપે પણ પોતાના પાલક તરફથી આવા વ્યહવારનો અનુભવ કર્યો નહોતો, સ્વાભાવિક રીતે એ પોતાના આત્મરક્ષણ માટે તરફડિયાં મારવા લાગ્યો. કૈલાશે વધુ જોર આપીને એનુ મ્હોં ખોલાવીને ઝેરીલા દાંતનું પ્રદર્શન કરાવ્યું. સૌ ચકિત થઈ ગયા. હવે કૈલાશે સાપની ગરદન પરથી પોતાની પકડ ઢીલી કરીને એને જમીન પર મૂકવાનો પ્રયાસ કર્યો. દુઃખ અને ક્રોધથી પાગલ થયેલા એ કાળા, ઝેરીલા સાપે કૈલાશની આંગળી પર ડંખ મારી દીધો.
ટપ-ટપ-ટપ,
કૈલાશની આંગળીમાંથી લોહી ટપકવા માંડ્યું. એ આંગળી દબાવી દીધી અને પોતાના રૂમમાંથી ઘસીને ડંખ પર લગાવી દેવાથી ઘાતક ઝેરની અસર પણ ઓસરી જાય એવી જડીબુટ્ટી લેવા દોડ્યો.
અત્યાર સુધી છવાયેલા કોલાહલમાં સન્નાટો વ્યાપી ગયો.
ડૉક્ટર ચઢ્ઢાને જડીબુટ્ટી પર વિશ્વાસ નહોતો. એ નસ્તર મૂકીને આગંળીનો એટલો ભાગ કાપીને ઝેર આગળ વધતું અટકાવવાના મતના હતા. કૈલાશને જડીબુટ્ટી પર પૂરેપૂરો વિશ્વાસ હતો. જડીબુટ્ટી એણે ઘસીને આંગળી પર લગાવાનો મિથ્યા પ્રયાસ કર્યો પણ આટલી ક્ષણોમાંય શરીરમાં વ્યાપેલા ઝેરની અસરથી એની આંખો ઢળી પડવા માંડી. હોઠ કાળા પડવા માંડ્યા અને એ જમીન પર ઢળી પડ્યો.
કૈલાશના હાથ-પગ ઠંડા પડવા માંડ્યા. ચહેરાની કાંતિ ઝાંખી થવા માંડી. નાડી ધીમી પડવા માંડી, હવે તો નસ્તર મૂકવાનો કોઈ અર્થ ન રહ્યો. કૈલાશની શારીરિક હાલતની સાથે ડૉક્ટર ચઢ્ઢાની માનસિક હાલત કથળવા માંડી. ડૉક્ટર ચઢ્ઢાનું ચાલ્યું હોત તો એમણે પોતાની ગરદન પર નસ્તર મૂકી દીધું હોત.
શું થશે કૈલાશનું અને ડૉકટર ચઢ્ઢાનું?
જોઈએ આવતા અંકે.
*******
પ્રેમચંદ મુનશી લિખિત વાર્તા -મંત્ર પર આધારિત
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ગ્રોસરી સ્ટોર
આનંદ રાવ
રમણભાઈ અને હું ૧૯૭૦ના દાયકામાં અમેરીકા આવેલા. ત્યારથી ઓળખાણ ચાલુ જ છે. અઠવાડીયામાં એકાદ વખત સાથે શતરંજ (ચેસ) રમીએ છીએ.
રમણભાઈ અને સુધાબેનના લગ્નને પીસ્તાલીસ પુરાં થતાં હતાં. કુટુંબીઓએ એક રેસ્ટોરન્ટમાં ઉજવણી ગોઠવી હતી.
“રમણભાઈ, એનીવર્સરીના પ્રોગ્રામની બધી તૈયારી થઈ ગઈ?” મેં મારા પ્યાદાનું મ્હોરુ ચલાવતાં પુછયું.
“બધુ થઈ ગયુ છે.” એમની નજર ચેસબોર્ડ ઉપર હતી.
“રમણભૈ, આ પીસ્તાલીસ વર્ષના લગ્નજીવનમાં તમારે અને સુધાબેન વચ્ચે ક્યારેય બરાબરની ગરમા ગરમ બોલાબોલી થઈ છે ખરી? સાચો જવાબ આપજો.”
“એ તો થાય જ ને. ઘણી વાર થાય છે. એનીવર્સરીના પ્રોગ્રામમાં અમારા વિષે એવું કશુ બોલતા નહીં પ્લીઝ.?”
“ના રે ના. આ તો અમસ્તુ જ મારી જાણ માટે.”
“તો સાંભળો. એક ખાનગી વાત કહી દઉ. તમે નહીં માનો.” એમણે એમનું ઊંટ ચલાવ્યું.”જુઓ, અમારી વચ્ચે મોટામાં મોટો ઝગડો થાય છે ગ્રોસરીસ્ટોર બાબતનો. સુધા મને કોઈ દીવસ એની સાથે ગ્રોસરી સ્ટોરમાં આવવા દેતી નથી. કોઈ દીવસ નહી. મારે સ્ટોરના પાર્કીન્ગ લૉટમાં ગાડી પાર્ક કરીને બેસી રહેવાનું. એ અંદર જઈને બધી ખરીદી કરે. એ બહારઆવે એટલે મારે બધી ગ્રોસરી ઉઠાવીને ગાડીમાં ગોઠવવાની.”
મને હસવુ આવી ગયુ. આવું કેમ થતું હશે?
“સાંભળો …” રમણભાઈ આગળ બોલ્યા. “શરુઆતમાં હું એની સાથે સ્ટોરમાં જતો. પણ હું જો કોઈ વસ્તુ ઉઠાવીને શોપીંગ કાર્ટમાં મુકુ તો એ તરત બોલે. *આ તો ઘરમાં છે. પાછું મુકી દો. બગાડ નથી કરવો.’ કહ્યાગરા કંથની જેમ હું એ વસ્તુ પાછી અભેરાઈ ઉપર મુકી દઉ. પછી હું કોઈ બીજી વસ્તુ લઉ તો તરત તાડુકે. “એ કોઇ ખાતુ નથી. પાછુ મુકી દો. કોઇને એ ભાવતુ નથી.’ હું ચુપચાપ એ વસ્તુ પણ પાછી મુકી દઉ. કોઈપણ વસ્તુ હું કાર્ટમાં મુકી શકુ નહીં. તરત હુકમ અને કચકચ શરુ થઈ જાય. હું જો કોઈ વાર અકળાઈને બોલુ તો તરત એ બોલી ઉઠતી …“સ્ટોરમાં લોકો વચ્ચે બોલાબોલી ના કરશો.”. હું ચુપ થઈ જતો. એના હાથમાં પૈસા પધરાવીને બહાર નીકળી જતો. એને નીરાંત થઈ જતી.”
ચેસબોર્ડ ઉપર હું ચુપચાપ મારા ઘોડાની ચાલ ચાલ્યો.
“સાંભળો. બીજી એક વાત. એક વખત સુધાએ ઓકીસમાં મને ફોન કર્યો … “ઘરે આવતાં દુધનું એક ગેલન લેતા આવજો. દુધ એક્દમ ખલાસ થઇ ગયું છે’ ઓફીસની બાજુના ગ્રોસરી સ્ટોરમાંથી મૅ દુધનું ગેલન ઉપાડ્યુ અને ઘેર આવ્યો. એણે ગેલન જોયુ અને તડુકી. “આ આપણું કાયમનું દુધ નથી. સવારે એની ચા પણ સરખી નહી થાય. તમે ગ્રોસરી સ્ટોરમાંથી એક વસ્તુ સરખી રીતે લાવી શક્તા નથી, આપણા સ્ટોરમાં ગયા હોત તો…”
મારો મીજાજ ગયો.
“દુધ બધે સરખુ જ હોય જુદા જુદા સ્ટોરોમાં જુદા જુદા નામે વેચાય એટલું જ.” પણ મારી વાત એને ગળે ઉતરી નહીં. એનો બબડાટ ચાલુ જ રહ્યો. હું મારા રુમમાં ચાલ્યો ગયો. … આ રીતની મગજમારી ચાલ્યા કરે છે. એટલે હું કદી હવે ગોસરી સ્ટોરમાં અંદર એની સાથે જવાની માથાકુટ કરતો જ નથી.”
એટલામાં મારાં શ્રીમતી ચાના બે કપ ટેબલ ઉપર મુકી ગયાં. જતાં જતાં એમણે અમને ટોણો માર્યો.
“તમે લોકો ચેસ રમવા ભેગા થયા છો કે સુધાબેનની ખોડખાંપણો કાઢવા?”
હું અને રમણભાઈ એક બીજાનાં મોં સામે જોતા રહ્યા.
“રમણભાઈ, આ ગ્રોસરીસ્ટોરની વાત તો ઘરઘરની કહાની છે.” મૅ કહ્યું, “પતીદેવોને ખરીદી કરતાં આવડતી નથી, હવે એનો કોઈ ઈલાજ પણ નથી.. It’s your move. ચાલ ચાલો.”
“સાંભળો. સુધાની અકડાઈની હદ વિષે તમને વાત કરી દઉ.” રમણભાઈએ કપમાંથી ચાનો ઘુંટ લીધો. ખોંખારો કરી ગળુ સાફ કર્યું અને બોલ્યા, “લાંબો વીંક-એન્ડ આવતો હતો એટલે સુધાએ મારા ભાઈઓને, એનાં ભાઈ બહેનોને અમારે ત્યાં ભેગા કરવાનું નક્કી કર્યું. બહુ જ આનંદની વાત હતી. અમારા આખા કુટુંબને સુધાએ એના પ્રેમના તાંતણાથી મજબુત રીતે
બાંધી રાખ્યું છે. ક્યાંય કોઈની વચ્ચે મતભેદો કે ઝગડા થવા દેતી નથી. વડીલ તરીકેના એના ડહાપણનો ઉપયોગ બધે બરાબર કરે છે – ફકત મારા સિવાય.”“આટલા બધા માણસો ભેગા થવાનાં હતાં એટલે ગ્રોસરીનું એનું લીસ્ટ પણ ખાસ્સુ લાંબુ હતું. પાર્કિંગ લૉટમાં હું ગાડીમાંથી બહાર નીકળ્યો. બાજુમાં જ ખાલી કાર્ટ પડ્યું હતું તે મેં ખેંચ્યુ.
“ચાલ…આજે હું તારી સાથે અંદર આવુ છું.”
“ના. અંદર તમારી શી જરુર છે? બધું શોપીંગ કરીને હું તરત જ આવી જઉ છું. તમે બેસો નીરાંતે ગાડીમાં.”
“હું અંદર આવીશ તો તારુ શું બગડી જવાનું છે?” હું અકળાયો. મારા અવાજમાં ગુસ્સો પણ હતો.
મારા ગુસ્સાની એના ઉપર ઉલ્ટી અસર થઈ.
“લો આ લીસ્ટ.” એણે જોરથી લીસ્ટ માર ઉપર ફેંક્યું. “જાવ અંદર અને બધુ ખરીદી આવો. હું ગાડીમાં બેસુ છું.”
બારણું ખોલી એ અંદર બેસી ગઈ અને ધડ દઈને બારણું બંધ કર્યું.મેં લીસ્ટ એના ખોળામાં પાછુ ફૅક્યું. સમસમતો ચુપચાપ ગાડીમાં મારી સીટ ઉપર આવીને બેસી ગયો. આટલી જીદ છે.”
+ + +
ત્રણેક વર્ષ વીતી ગયાં.
સુધાબેનની તબીયત લથડવા માંડી. ડૉકટરોએ નીદાન કર્યું કે કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું છે. રમણભાઈ આખો વખત સુધાબેનની પથારી પાસે જ ગાળતા. સુધાબેન ઘેનમાં સુઈ રહેતાં. આજે એમણે ધીમેથી આંખ ખોલી. તરત જ રમણભાઈએ અધીરા થઈને એમનો હાથ પકડી લીધો.
“સુધા, તને સારુ લાગે છે ને? અત્યારે કેમ છે?”
“હું તો હવે બહુ મોટા ગ્રોસરી સ્ટોરમાં જઈ રહી છું.” ધીમા, હાંફતા, થાકેલા અવાજે સુધાબેન બોલ્યાં. “તમે હંમેશની જેમ ગાડીમાં બેસીને મારી રાહ જોજો. હું ક્યારેક તો પાછી
આવીશ. પછી તમે આપણા પેલા સૌથી નાના, નવા ગ્રાન્ડસનને કાર્ટમાં બેસાડીને મારી સાથે સ્ટોરમાં છેક અંદર આવજો.”સુધાબેન સહેજ મલક્યાં. પછી તરત એમની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. રમણભાઈ ડુમો ખાળી શક્યા નહીં.
શ્રી આનંદરાવ લિંગાયતનો સંપર્ક gunjan.gujarati@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
બંદિશ એક, રૂપ અનેક (૯૪): “लट उलझी सुलझा जा रे मोहन”
નીતિન વ્યાસ

ચિત્રકાર શ્રી નંદલાલ બોઝ ઈસવીસનની સોળમી સદીમાં મથુરા પંથકમાં આવેલા ઓરછા ગામમાં રસિક કવિ શ્રી ચંદ્રસખી જન્મ થયો. નાનપણથી ભક્તિ સંગીતમાં અને તેમાં પણ રાધા કૃષ્ણના પ્રેમ અને વિયોગ પદો પૂર્ણ ધ્યાનથી સાંભળે અને પછી પોતાના સુમધુર અવાજમાં ગાય. તે વર્ષોમાં ગોંસાઇ હિતહરિવંશ સ્થાપિત રાધાવલ્લભ સંપ્રદાયનાં અનુયાયી ઓરછા ગામ પહોંચ્યા. અહીં સાનાઢ્ય બ્રાહ્મણનાં એક પ્રતિભાશાળી યુવકનો પરિચય થયો. તેને આમંત્રણ આપી વૃંદાવન અખાડા રાસમંડળ(હિતમંડળ) સામેલ કર્યો. તેને દીક્ષા આપી પટ્ટશિષ્ય બનાવ્યો. પછીના વર્ષોમાં તે કવિ ચંદ્રસખી તરીકે પ્રસિદ્ધ થયા. બાલકૃષ્ણને કેન્દ્રમાં રાખી પદો રચતા. સમય જતાં તેમને રાધાની કૃષ્ણભક્તિ તરફ ધ્યાન આકર્ષિત થયું.
કવિ ચંદ્રસખીએ રચેલા પદો પૈકીનું એક લોકપ્રિય પદ છે: “लट उलझी सुलझा जा रे मोहन ||”
શબ્દો છે:
लट उलझी सुलझा जा रे मोहन
मेरे हाथ मेहंदी लगीबालो का गजरा गिर गया मेरा
अपने हाथ पहना जा रे मोहन
मेरे हाथ मेहंदी लगी……..कानो का झुमका गिर गया मेरा
अपने हाथ पहना जा रे मोहन
मेरे हाथ मेहंदी लगी……आंखो का काजल हट गया मेरा
अपने हाथ लगा जा रे मोहन
मेरे हाथ मेहंदी लगी……..माथे की बिन्दिया बिखर गयी मेरी
अपने हाथ सजा जा रे मोहन
मेरे हाथ मेहंदी लगी………हाथो का कंगना गिर गया मेरा
अपने हाथ पहना जा रे मोहन
मेरे हाथ मेहंदी लगी……..पाव की पायल गिर गयी मेरी
अपने हाथ पहना जा रे मोहन
मेरे हाथ मेहंदी लगी……..सिर की चुनरी उड्ड गयी मेरी अपने हाथ ओढ जा रे मोहन
मेरे हाथ मेहंदी लगी……… लट उलझी सुलझा जा रे मोहन……..આજે પણ આ ભજન પારંપરિક ઢાળમાં ભજન મંડળીઓ ગાય છે. સાંભળીએ શ્રી ઓમ જી. પાટીદાર અને તેના સાથીદારોને:
ઘરમાં શુભ પ્રસંગે ગાવામાં આવે છે:
સાલ ૧૮૫૦ની આજુબાજુ નાં વર્ષોમાં ઉપશાસ્ત્રીય સંગીતની લોકપ્રિયતા વધી, ઠુમરી, ટપ્પા, દાદરા વગેરેની ગાયકી પ્રચલિત થઇ. તેની સાથે જુદા જુદા તંતુ અને તાલ વાદ્ય ગાયકી સાથે સંગતમાં જોડવા લાગ્યાં. ત્યારબાદ આ સંગીત સાથે ભળ્યું નૃત્ય- મુખ્યત્વે કથ્થક.
આ હળવી ગાયકીની લોકપ્રિયતા સાથે ઘણી પ્રચલિત બંદિશોના શબ્દોમાં થોડો ફેરફાર કરી ઠૂમરી ના અંદાજ માં ગાવામાં આવતી. અને તેમની એક “लट उलझी सुलझा जा रे मोहन”- “મોહન” ને બદલે શબ્દ ગોઠવાણો “बालम”. બાકી ના શબ્દ-સ્વરાંકન માં કશો ફેરફાર થયો નહિ. શુદ્ધ ને સ્થાને મિશ્ર રાગો માં ગાવાનો મહાવરો બની ગયો. ગાવામાં આલાપ અને તાનની જગાએ અલગ અલગ “હરકત” આવી.
સાંભળીયે ઠૂમરી “लट उलझी सुलझा जा रे बालम”
ગાયક મર્હુમ ઉસ્તાદ બડે ગુલામઅલી ખાં, રાગ બિહાગ
મેવાતી ઘરાણા, પદ્મ વિભૂષણ સાથે અનેક પારિતોષિકથી સન્માનિત સુપ્રસિદ્ધ ગાયક, પંડિત જસરાજ:
Doctorate in Biochemistry. ડો. અશ્વિની ભીડે, જયપુર અતરૌલી ઘરના, રાગ બિહાગ માં બે બંદિશ તેમના સુમધુર અવાજમાં સાંભળીયે: “બાજેરી મોરી પાયલ” , ત્યાર બાદ “લટ ઉલઝી”
એક ખૂબસૂરત જુગલબંધી શહેનાઇ નવાઝ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં અને સાથે ઠુમરી ગાયક ડો. સોમા ઘોષ
પંડિત હરીશચંદ્ર તિવારી
શ્રી કૌશિકી ચક્રવર્તી
ઉસ્તાદ અમીર ખાં ના શિષ્યા શ્રીમતી કંકણા બેનરજી
દીલ્લી ઘરના ના ગાયક શ્રી ફરીદ હુસેન
રવીન્દ્ર સંગીતનાં વિખ્યાત ગાયીકા શ્રી ઈન્દ્રાણી મુખરજી. ગુરુદેવ ટાગોર રચિત બંગાળી કવિતા અને હિન્દી ઠુમરીનું સરસ મિશ્રણ સાંભળો
શ્રી અંકિતા જોશી
પાશ્વ ગાયીકા શ્રી સંજીવની ભીલાંદે
નવોદિત કલાકાર અંજલિ ગાયકવાડ
સાલ ૧૯૪૦ના અરસામાં આ ગીત પ્રથમ વખત સિનેમાનાં પડદા પર આવ્યું. ફિલ્મ હતી “પૂજા”, ગાયીકા જ્યોતિ અને સંગીતકાર શ્રી અનિલ બિસ્વાસ
સાલ ૧૯૬૬માં પાકિસ્તાનમાં બનેલી ફિલ્મ માં આજ બંદિશ સાંભળવા મળી. ગાયિકા નૂરજહાં અને સંગીતકાર શ્રી રશીદ અત્રે
ગાયિકા ગીતા દત્ત અને સંગીતકાર રત્નદીપ હેમરાજ, ફિલ્મ “ઇન્સાન શૂરા ઇન્સાન ”
એક બંદિશ – મનમોહન મોરે શૈલીમાં, જે કર્ણાટકી રાગ અભેરી(ભિમપલાસ) માં સંગીતબદ્ધ થઇ છે તેમાં લય, સરગમ અને તરાના બખૂબી સામેલ થયેલ છે. સંગીતકાર એ. આર. રહેમાન અને ગાયક વિજય પ્રકાશ, ફિલ્મ “યુવરાજ”:
અમેરિકાની બર્કલે યુનિવર્સિટી વાદ્યવૃંદ ની એક પ્રસ્તુતિ
શ્રી શંકર ટકર સાથે બાંસુરી વાદક આદિત્ય રાવ:
રાગો પર આધારિત વેબસિરીઝ “બંદિશ બેન્ડિટ્સ” માં “लट उलझी सुलझा जा रे”, ગાયિકા શ્રેયા સુંદર અને સંગીતકાર શંકર મહાદેવન
ગાયિકા સ્વાતિ સિરસન્ત સાથે સંજોગ જોશી
આમ “लट उलझी” ની બંદિશ ભજન, ઠુમરી અને ફયુઝન માં સાંભળી. હવે આ બંદિશ સાથે થોડા નૃત્ય -મહદ અંશે કથ્થક જોઈએ: નૃત્યાંગના વેદાન્તિ ભાગવત, નિર્દેશક રાજશ્રી શિરકે
જીગ્ના દીક્ષિત નું નૃત્ય પ્રદર્શન સાથે ગાયક બલરાજ શાસ્ત્રી
શ્રી શ્યામક દાવર ની નૃત્ય શાળા
કલાકાર પ્રિયંકા સહા
“બુલવંત ફેસ્ટિવલ” કલાકાર કૈફ ગઝનવી

मैं सिखा न पाया शब्दों को नृत्य मुद्राएँ, भाव भंगिमाएँ।
पर वे अकसर ही मेरे मस्तिष्क में करते हैं ताण्डव।
किसी ने सच ही कहा है शब्द ही ब्रह्म हैं शब्द ही शिव हैं।
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૧) તેજનો તાપ (૨)

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
ફિલ્મ ઉદ્યોગ સાથે ગાઢ રીતે સંકળાયેલા ચિકિત્સક ડૉ. આર. પી. કપૂરે મને એક સમયના પ્રતિષ્ઠિત સંગીતનિર્દેશક ખુરશીદ અનવર સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો. ખુરશીદ અનવર એક વાર લાહોર ગયા ત્યારે ડૉ. કપૂરની સાથે એમ. એન્ડ ટી. સ્ટુડીયોની મુલાકાતે ગયા. તેના માલિક માખનલાલ પોતાની બની રહેલી ફિલ્મોમાંની એકના સંગીત ખુરશીદ અનવરને કરારબદ્ધ કરવા ઈચ્છતા હતા. એની ચર્ચા કરવા માટે તેમણે અનવરને નિમંત્ર્યા. પણ તે ગયા જ નહીં. તે પછી એક કાર્યક્રમમાં માખનલાલને ખુરશીદ અનવર અનાયાસે ભટકાઈ ગયા ત્યારે તેમણે તેનું કારણ અનવરને પૂછ્યું. ખુરશીદ અનવરનો જવાબ હતો, “માખનલાલ જેવા હાસ્યાસ્પદ નામવાળા નિર્માતા સાથે મારે કામ જ ન કરવું હોય તો હું શા માટે મળવા આવું?” લાંબા અરસા પછી ખુરશીદ અનવરે એમ. એન્ડ ટી. સ્ટુડીયોની એક ફિલ્મ માટે સંગીત આપ્યું, પણ એ અલગ કિસ્સો છે.
મારા ઘરે જામતી પીઢ કલાકારોની મજલિસ દરમિયાન કવિ પ્રદીપે પચાસ વર્ષ અગાઉનો એક એવો કિસ્સો કહ્યો, જે ત્યારે બહુ આનંદદાયક નહોતો પણ એને યાદ કરતી વેળા તેમને હસવું આવતું હતું. એક ગીતલેખક તરીકે તેઓ પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા અને સારું ગાઈ શકતા હોવાથી કોઈ કોઈ વાર (ફિલ્મો માટે) ગાતા પણ હતા. એ સમયે ગ્રામોફોન રેકોર્ડ માટે ફિલ્મી ગીતોનું રેકોર્ડીંગ HMV સ્ટુડીયોમાં ફરીથી કરવું પડતું હતું. ફિલ્મીસ્તાનની એક ફિલ્મના તેમણે લખેલા ગીતનું તેમના અવાજમાં રેકોર્ડીંગ કરવાનું હતું

રેકોર્ડીંગ શરૂ થતાં પહેલાં પંખા અને બારીઓ બંધ કરી દેવાયાં અને પ્રદીપ માઈકની સામે ઉભા રહી ગયા. કોઈ કારણસર તેમને થોડું અસુખ વર્તાતું હતું. પ્રદીપે સ્વસ્થ થવા માટે પસીનો લૂછ્યો ત્યાં સુધી સાજીંદાઓએ રાહ જોઈ. HMVના મેનેજર રમાકાંત રૂપજીને પ્રદીપની બેચેનીનો ખ્યાલ આવી જતાં તેમણે પૂછ્યું, “તુમ ઠીક તો હો ના?” પ્રદીપે તેમની સામે જોયું પણ જવાબ ન આપ્યો.
રૂપજીએ ફરીથી પૂછ્યું, “તુમ ઈતને નર્વસ ક્યૂં દીખતે હો?”
પ્રદીપનો મિજાજ ગયો. “યે તુમ તુમ ક્યા કરતા હૈ?” ખુબ જ ગુસ્સાથી તેમણે કહ્યું, “ભલે તમે મેનેજર હો, મને તેની પડી નથી. માનથી વાત કરતાં નથી ફાવતું?”
રૂપજી ઝંખવાઈ ગયા. પોતે ક્યાં વાંકમા હતા તેનો તેમને ખ્યાલ જ ન આવ્યો. પણ ત્યાં રેકોર્ડીંગ અધિકારી જી. એન. જોશી હાજર હતા તેમને તરત જ ખ્યાલ આવી ગયો કે પ્રદીપ શાથી ચીડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશમાં જન્મીને ઉછરેલા અને અલાહાબાદ તેમ જ લખનૌમાં રહેલા પ્રદીપ માટે ‘તુમ’નો પ્રયોગ ઉંમરમાં નાના કે સ્તરમાં ઉતરતા હોય તેને માટે થાય, જ્યારે માનવાચક સંબોધન કરવા માટે ‘આપ’નો પ્રયોગ કરાય તેવી સમજણ કેળવાઈ હતી. જી. એન. જોશીએ પ્રદીપને સમજાવ્યું કે રૂપજી મરાઠી હતા અને તેમને ‘તુમ’ અને ‘આપ’ વચ્ચેના ભેદની જાણ જ નહતી. આમ, જે બન્યું તે સાંસ્કૃતિક તફાવતને લીધે હતું. તેમાં તોછડાઈ નહોતી. આથી પ્રદીપનો ગુસ્સો અસ્થાને હતો.
આવી બદમિજાજી માત્ર ફિલ્મી વર્તુળોમાં જ જોવા મળે છે તેવું નથી. પાશ્ચાત્ય અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે પણ કેટલાક મશહૂર કલાકારો તેમની સિધ્ધીઓ જેટાલા જ તેમની ગુસ્સાભરી હરકતો માટે પણ જાણીતા છે. મૂળ ઈટાલીના પ્રતિષ્ઠિત વાદ્યવૃંદ સંચાલક અર્ટુરોરો ટોસ્કેનીની(૧૮૬૭-૧૯૫૭) ગુસ્સે ભરાય ત્યારે બેકાબુ બની જતા. એક રિહર્સલ દરમિયાન કોઈ વાદકની ચૂક થતાં તેમનો પારો છટક્યો. જરાયે વિચાર કર્યા વિના તેમણે વાદનના સમયની ચોક્કસ નોંધ રાખવા માટે માટે પોતાના ટેબલ ઉપર મૂકેલી કિંમતી સોનેરી ઘડીયાળ નીચે ફેંકી અને તેની ઉપર કૂદીને એને કચરી નાખી. જો કે ટોસ્કેનીની ના વાદકોએ ટૂંક સમય પછી તેમના જન્મદિવસ ઉપર તેમને બે ઘડીયાળો ભેટ આપી. તેમાંની એક સોનાની હતી આને બીજી સસ્તી હતી, જેની સાથે ‘માત્ર રિહર્સલ માટે’ લખેલી ટીકડી લગાડેલી હતી. આ દર્શાવે છે કે તેઓ અત્યંત માનભર્યું સ્થાન ભોગવતા હતા.

કેટલાક જાણીતા ગાયકોને તાળીઓનો ગડગડાટ ન થાય ત્યાં સુધી ઊંચા સૂરને લંબાવી રાખવાની આદત પડી ગઈ હોય છે. ‘મૈયા મોરી’ ગાતી વખતે અનુપ જલોટાની આવી શૈલી પરથી મને ટોસ્કેનીની સાથે જોડાયેલો એક પ્રસંગ યાદ આવી ગયો. એક કાર્યક્રમમાં એનરીકો કરુસો નામના એક મહાન ઓપેરા ગાયકે ઊંચા સૂરને જોરદાર દાદ મળી ત્યાં સુધી લંબાવ્યે રાખ્યો (અનુપ જલોટા સાથે સરખામણી કરવાનો કોઈ આશય નથી). આટલું લંબાણ તદ્દન બિનજરૂરી હતું અને ટોસ્કેનીનીને ઉશ્કેરી મૂકવા માટે પૂરતું હતું. તેમણે કરુસોએ સૂર મૂક્યો અને શ્રોતાગણની તાળીઓનો ગડગડાટ શમ્યો તેની અધિરાઈથી રાહ જોઈ. પછી સૌ સાંભળે તેમ બરાડો પાડ્યો, “ કરોસો! તારું પૂરું થયું?”
એકવાર હું મંચ પરથી પ્રસ્તુતિ કરી રહેલા બે તીખા મિજાજના કલાકારો વચ્ચેના દ્વંદ્વનો સાક્ષી બન્યો હતો. એક સમારંભમાં દિગ્ગજ ગાયક પંડીત ઓમકારનાથ ઠાકુરને લાગ્યું કે તેમની સાથે તબલાં પર સંગત કરી રહેલા અલ્લા રખા તેમનાથી આગળ નીકળવાની કોશિષ કરી રહ્યા હતા. અચાનક અટકી જઈ, ઓમકારનાથે પૂછ્યું, “ઉસ્તાદ, યે ક્યા કર રહે હો?”
અલ્લા રખા દાઢમાં બોલ્યા, “બસ, તબલા બજા રહા હૂં.”
ઓમકારનાથે પરખાવ્યું, “તો ફીર જીસ તરહ સે બજાના ચાહીયે, વૈસે હી બજાઈએ.”
શ્રોતાગણને આ બે કલાકારો વચ્ચેની શાબ્દિક તડાફડી સાંભળવાની બિલકુલ અપેક્ષા નહોતી.

ઓમકારનાથ સંપૂર્ણપણે સંગીતને વરેલા હતા અને તેઓ કલાનું માનહનન જરાયે સહન કરી શકતા નહોતા. રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા એક સમારંભમાં તેમણે પંડીત નહેરુને રશીયાના વડાપ્રધાન સાથે વાત કરતા જોયા અને તેમનું સ્વમાન ઘવાયું. તેમણે ગાયન અટકાવી દીધું અને બહુ વિવેકી નહીં તેવી રીતે નહેરુને કહ્યું કે તેઓ વાત પૂરી કરી લે પછી ગાયન આગળ વધશે. તરત જ નહેરુએ માફી માંગી અને પછી સમગ્ર પ્રસ્તુતિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.
પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયિકા કેસરબાઈ કેરકર તેમના તીખા મિજાજ અને કડવી જીભ માટે જાણીતાં હતાં ગુસ્સે થાય ત્યારે તેઓ ભલભલાને સંભળાવી દેતાં. એક કાર્યક્રમમાં કોઈ શ્રીમંત અને વરિષ્ઠ એવા પુરસ્કર્તાએ તેમને ઠૂમરી ગાવા માટે વિનંતી કરી. સામાન્ય રીતે ઠૂમરી પ્રેમ અને જુદાઈની લાગણીને વાચા આપવા માટેનો ગાયનપ્રકાર છે. તે સમયે સાઠીમાં પ્રવેશી ચૂકેલાં કેસરબાઈ માઈક ઉપર જ બોલ્યાં, “ન તો મારી ઠૂમરી ગાવાની ઉંમર છે, નથી તો તમારી તે સાંભળવાની.” આમ કહીને તેમણે પેલા જૈફને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા હતા. આજે આવા કલાકારો ઈતિહાસનાં પાનાં પર રહી ગયા છે. તેમનાં નખરાં ભૂલાઈ ગયાં છે. માત્ર તેમનું પીરસેલું મધૂર સંગીત પ્રેમથી યાદ કરાય છે.
નોંધ :
– તસવીરો નેટ પરથી અને ગીતો યુ ટ્યુબ પરથી લીધેલાં છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.
– મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
-
કતારમાં ફીફા વર્લ્ડ કપના સ્ટેડિયમ અને બીજા બાંધકામ દરમિયાન કેટલા કામદાર માર્યા ગયા?
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી
જગદીશ પટેલ
આ લેખ પ્રગટ થશે ત્યારે ફૂટ્બોલની વૈશ્વિક સ્પર્ધા તેની ચરમસીમા પર હશે. કતારને ૨૦ નવેંબર, ૨૦૨૨થી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી ચાલનારા ફીફા વર્લ્ડકપના યજમાન બનાવવાનો નિર્ણય ૨૦૧૦માં લેવામાં આવ્યો. તે પછી ત્યાં રમત માટે મેદાન કહેતાં સ્ટેડિયમ, રમતવીરો માટે રહેઠાણ, રમત જોવા આવનાર દુનિયાભરના રસિયાઓના રહેવા માટે હોટલો, તેમને હોટલથી મેદાન સુધી જવા માટે રસ્તા અને વાહન વ્યવહારની સુવિધા વગેરેના બાંધકામ અને બીજી તૈયારીઓ શરૂ થઇ. બાંધકામ માટે ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશથી હજારો કામદારોને રાખવામાં આવ્યા. રમત શરૂ થાય તે પહેલાં અનેક કામદારોના અકાળ મોત થયા પણ કતારની સરકાર અને ફીફાના વહીવટદારો સતત ઇન્કાર કરતા રહ્યા. છેક ૩0-૧૧-૨૨ને દિવસે, એટલે કે રમત શરૂ થયાના ૧૦ દિવસ પછી કતારની સુપ્રિમ કમિટી ફોર ડીલીવરી એંડ લીગસીના મહામંત્રી હસન અલ થાવાડીએ એક ઇંટરવ્યુમાં જણાવ્યું કે વર્લ્ડકપની તૈયારી દરમિયાન માર્યા ગયેલા સ્થળાંતરીત કામદારોની સંખ્યા ૪૦૦ અને ૫૦૦ની વચ્ચે હશે!

કતારના ૩૦ લાખ રહેવાસીઓમાંથી આશરે ૮૫% સ્થળાંતર કામદારો છે જે મોટાભાગે તેલથી સમૃદ્ધ ચુનંદા વર્ગને સેવા આપે છે. અહીં કામદારો પોતાના અધિકારો અને પોતાના હિતોની સાચવણી માટે સંગઠન બનાવી શકતા નથી કે સામૂહિક સોદાબાજી કરી શકતા નથી. કામદારોને માટે કાનૂની પ્રતિનિધિત્વ અસ્તિત્વમાં નથી. સંયુક્ત સમિતિઓ છે ખરી પણ, તે માત્ર 2% કર્મચારીઓને આવરી લે છે.
ફૂટબોલ, તેની સિદ્ધિના સર્વોચ્ચ સ્તરે, એક સમયે એક રમત હતી જે એક વ્યવસાય પણ હતી. સ્કાય અને સેટેલાઇટ કવરેજની શરૂઆત સાથે, તે એક વ્યવસાય બની ગયો જે એક રમત પણ હતી. ટુર્નામેન્ટના CEO, નાસેર અલ ખાતેવનો અંદાજ છે કે તેનો કુલ નફો રૂ. ૧૩,૮૪,૧૬,૬૩,૫૦,૦૦૦ ની આસપાસ હશે, અને પ્રેક્ષકોની સંખ્યા અંદાજિત ત્રણથી ચાર અબજ હશે. ફૂટબોલ હવે એક વૈશ્વિક વળગાડ છે, જે માટે વિશ્વના કેટલાક સૌથી ગરીબ રાષ્ટ્રોના સેંકડો કામ કરતા કામદારોએ તે માટે ભારે કિંમતે ચૂકવવી પડી છે – તેમના સમજી ન શકાય તેવા રહસ્યમય મૃત્યુ દ્વારા.
સ્થળાંતરીત કામદારોના મૃત્યુના સંબંધિત દૂતાવાસો દ્વારા સંકલિત કરેલા આંકડા નીચે મુજબ છે:
દેશ મ્રુત્યુ પામેલા કામદારોની સંખ્યા ભારત ૨૭૧૧ નેપાળ ૧૬૪૧ બાંગ્લાદેશ ૧૦૧૮ પાકિસ્તાન ૦૮૨૪ કુલ ૬૧૯૪ આ આંકડાઓ જુના છે. ૨૦૨૦ના ઉત્તરાર્ધથી આજદિન સુધીના મૃત્યુનો સમાવેશ થતો નથી. એ પણ નોંધવું જોઈએ કે મૃત્યુના રેકોર્ડમાં વ્યવસાય અથવા મૃતક ક્યાં કામ કરતો હતો તે નોંધવામાં આવતું નથી.
મૃત્યુના કારણોમાં, વીજ કરંટ, બેઠા મારને કારણે થતી ઇજાઓ, પડી જવું, આત્મહત્યા, મ્રુતદેહ સડી જવાને કારણે મ્રુત્યુનું કારણ જાણી શકાયું ન હોય તેવા મોત, પણ સૌથી વધુ મોત જે કારણે થયેલા બતાવવામાં આવે છે તે છે ‘કુદરતી’ મૃત્યુ જે મોટે ભાગે હૃદયરોગના તીવ્ર હુમલાને કારણે થાય છે. ભારતીય, બાંગ્લાદેશી અને નેપાળી કામદારોમાંથી ૬૯% મૃત્યુ આ રીતે નોંધાયા છે. એકલા ભારતીયોમાં આ આંકડો ૮૦% છે. શબપરીક્ષણ કહેતાં પોસ્ટ મોર્ટમ વિના જ આ કારણ નોંધવામાં આવે છે. ઉનાળાના મહિનાઓમાં ગરમી તિવ્ર હોય છે, ગરમીને કારણે થતી તાણ અનિવાર્ય પરિણામ છે. ઘર કે કોઇ મકાનની બહાર લાંબા સમય સુધી સાજાસમા રહેવા માટે પણ બહુ કાળજી લેવી પડતી હોય ત્યારે, શારીરિક શ્રમ કરતી વખતે ગરમીની અસરનો ભોગ ન બનો તો જ નવાઇ.

ટૂર્નામેન્ટની સંસ્થાકીય સમિતિ, જ્યારે આંકડાઓની અસરો માટે ખેદ વ્યક્ત કરે તો છે, પણ તે ગેરમાર્ગે દોરનારી છે. કતાર સરકાર ભારપૂર્વક કહે છે કે બાંધકામ ઉદ્યોગમાં ૧૦% કરતા ઓછા મૃત્યુ થયા છે. હકીકત એ છે કે ૨૦૧૦થી, એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એક મેટ્રો સિસ્ટમ, સાત સ્ટેડિયમ, લગભગ ૧૦૦ જેટલી હોટલો અને એક આખું શહેર બનાવવામાં આવ્યું છે (બધું કનેક્ટિંગ રોડ સાથે). બાંધકામના કામની પ્રકૃતિ, અહિંની કામની સંસ્કૃતિ અને ગરમીનું વાતાવરણ જોતાં આ આંકડો ભલે હાસ્યાસ્પદ નહી તો પણ શંકાસ્પદ તો લાગે જ છે.
શોષણની ચરમસીમા
કામદારો સાથે થયેલા દુર્વ્યવહાર ભયાનક છે. કામદારોના મૃત્યુના ઉંચા દર ઉપરાંત કામદારોના પગાર અને કામની શરતોને લગતા મુદ્દાઓ પણ મહત્વના છે. નોન-ટ્રાન્સફરેબલ વર્ક પરમિટ, કમના લાંબા કલાકો, આરામના દિવસોનો ઇનકાર અને પગારમાંથી કરાતી મનસ્વી કપાત સામાન્ય બાબત છે. કતારમાં કામ કરી ચૂકેલા કામદારોના લાંબા અનુભવ એવા છે કે ફરિયાદ કરી તો મર્યા! ‘ફરાર’ થઇ જતા કામદારોની ધરપકડ કરી તેમને લાંબા સમય સુધી અટકાયતમાં રાખવામાં આવતા હોવાના અહેવાલો એકલદોકલ નથી.
ઘણીવાર નોકરીદાતાઓ કર્મચારીઓને ચુકવવાના નાણા ચૂકવતા નથી. વેતન માટે મહિનાઓ સુધી રાહ જોવડાવવામાં આવતી હોય છે. કેટલાક તો એવા હોય છે જેમને ક્યારેય ચૂકવણી કરવામાં આવી ન હોય. અહીંના સરકારી વહીવટમાં જવાબદેહીતાની ગેરહાજરી છે અને કામદારો આવી સ્થિતિમાં કામ કરવા માટે બંધાયેલા છે. અમલદારશાહીની વ્યાપક અસમર્થતા કે નબળાઇને કારણે હોય કે ખરાબ, ભ્રષ્ટાચારી અને શોષણકારી પ્રથાઓને કારણે હોય, અન્યાયની જવાબદારી સ્વીકારવાનું કોઇ મેનેજમેન્ટને પોસાતું નથી. ન્યાય થાય તે જોવા કરતાં અન્યાયને દબાવી દેવા કે છૂપાવવામાં વધુ સમયશક્તિ ખર્ચવામાં આવે છે.

જો તમે વ્યક્તિગત ઈજાનું જોખમ ધરાવતું કામ કરતા હો તો તબીબી સારવાર મેળવવાનું પણ મુશ્કેલ છે. એવી કોઈ ગેરેંટી નથી કે માલિકે તમારા માટે ખરીદેલ વીમા પૉલિસી સક્રિય હશે. કિશોરવયના ડ્રાઈવરે એક વિદેશી નાગરિકને પોતાની ગાડી નીચે કચડી નાખ્યો. ત્રણ દિવસ પછી હજુ જ્યારે તે ભાગ્યે જ ભાનમાં આવ્યો હતો ત્યારે તેને હોસ્પિટલમાંથી કાઢી મુકવામાં આવ્યો કારણ , તેના માલિકો હોસ્પિટલનું બીલ ભરવામાં નિષ્ફળ ગયા હતા.
અને આ વાત જેમને થોડા વિશેષાધિકાર મળેલા છે તેવા વ્હાઇટ-કોલર પ્રોફેશનલ્સની સારવાર વિશે છે, જેમને સામાન્ય રીતે થોડું સન્માન આપવામાં આવે છે. ગરીબ દેશોમાંથી આવતા મજૂરવર્ગની હાલત તો વધુ ખરાબ છે. તૂટેલા હાડકાંની સારવાર માટે આવેલા સ્થળાંતરીત કામદારો સારવાર માટેના ખર્ચ માટે હોસ્પિટલના કારપાર્કમાં ભીખ માગતા તમને જોવા મળી શકે છે. આવા દેશમાં મજૂરી કરવા આવવું હોય તો પોતાના દેશમાં એજંટોને મોટી ફી ચૂકવવી પડે છે પરંતુ એકવાર તમે પહોંચ્યા પછી તમારી દેખભાળ કરવાવાળું કોઇ હોતું નથી.
માનવ અધિકાર સંગઠનો, ટ્રેડ યુનિયનો અને ચાહક જૂથોના ગઠબંધન દ્વારા આ વર્ષે મેમાં “પે અપ ફીફા” ઝુંબેશ શરૂ કરવામાં આવી. ઝુંબેશ દ્વારા કતાર અને ફીફાને મતાધિકારથી વંચિત કામદારો અને મૃતકોના પરિવારો માટે વળતર ભંડોળ સ્થાપવા હાકલ કરી હતી. અસંખ્ય યુરોપિયન ફૂટબોલ ફેડરેશનો દ્વારા સમર્થિત એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ, ફીફાને વળતરમાં ભાગ લેતા 32 રાષ્ટ્રો વચ્ચે વહેંચાયેલી $440 મિલિયનની ઈનામી રકમ સાથે મેચ કરવાનું સૂચન કર્યું. પરંતુ એમ્નેસ્ટી અનુસાર, કતારના શ્રમ કાયદામાં મર્યાદિત પ્રગતિ હોવા છતાં, કોઇ નક્કર કાર્યવાહી આ બાબતે કરવામાં ન આવી. કાનૂની છટકબારીઓને કારણે હજારો કામદારો શોષણના ચક્કરમાં અટવાયેલા રહે છે.

કતાર સંપૂર્ણ રીતે લગભગ ૨૦ લાખ સ્થળાંતર કરનારાઓ પર આધાર રાખે છે. બાંધકામથી લઈને સેવાઓ અને ઘરેલું કામ સુધીના ક્ષેત્રોમાં દેશના ૯૫ ટકા કામદાર/કર્મચારીઓ બીજા દેશોમાંથી આવે છે. કતારના સ્થળાંતરીત કામદારો મુખ્યત્વે ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, કેન્યા અને ફિલિપાઈન્સમાંથી આવે છે. તેઓ કતાર આવે છે કારણ કે તેમની પાસે તેમના વતનમાં નોકરીની સ્થિર તકો નથી અથવા તેઓ માને છે કે તેઓ વિદેશમાં કામ કરીને વધુ પૈસા કમાઈ શકે છે. ઘણા કામદારો વતનમાં પોતાના પરિવારોને મૂકીને આવ્યા હોય છે, જેઓ આર્થિક રીતે તેમના પર નિર્ભર હોય છે. વિશ્વમાં કતારમાં સ્થળાંતર કરનારાઓ અને નાગરિકોનું સૌથી વધુ પ્રમાણ છે. આ કામદારો વિના, તેની અર્થવ્યવસ્થા અટકી જશે.
કમનસીબે, કતારની વસ્તી ગણતરીના આંકડામાં જુદા જુદા દેશમાંથી સ્થળાંતર કરીને આવેલા નાગરિકોની વસ્તીને અલગ દર્શાવવામાં આવતી નથી, ન તો સરેરાશ પગાર, રોકાણની લંબાઈ અથવા કાનૂની દરજ્જાના, સ્વતંત્ર રીતે ચકાસી શકાય તેવા આંકડા પ્રકાશિત કરાતું નથી. સપ્ટેમ્બર ૨૦૨૦માં, કતારે રૂ. ૨૨,૩૯૯.૫0 (૨૭૪ અમેરિકન ડોલર) નું લઘુત્તમ વેતન નક્કી કરતો કાયદો પસાર કર્યો જે રાષ્ટ્રીયતા અથવા રોજગાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના તમામ કામદારોને લાગુ પડે છે.
છેલ્લા ચાર વર્ષથી, હ્યુમન રાઇટ્સ વોચ કતારના સત્તાવાળાઓને વારંવાર યુવાન અને અન્યથા સ્વસ્થ સ્થળાંતર કામદારોમાં અણધાર્યા અથવા ન સમજાય તેવા મૃત્યુના કારણોની તપાસ કરવા અને નિયમિતપણે આવા ઉંમર, લિંગ, વ્યવસાયની માહિતી આપતા આંકડા ભેગા કરવા વિનંતી કરે છે. હ્યુમન રાઇટ્સ વોચે પણ કતારને સંભવિત ઘાતક ગરમી સંબંધિત જોખમોથી કામદારોને બચાવવા માટે આઉટડોર વર્ક પર પર્યાપ્ત નિયંત્રણો લાદવા અને તેનો અસરકારક અમલ કરવા વિનંતી કરી છે. કમનસીબે, કતારે સ્થળાંતરીત કામદારોના મૃત્યુ અંગેના કોઈપણ અર્થપૂર્ણ ડેટાને સાર્વજનિક કરવાનો ઇનકાર કર્યો છે અને ભારે ગરમી અને ભેજના જોખમોથી કામદારોને બચાવવા માટે રચાયેલ ગરમીના નિયમો હજુ પણ અપૂરતા છે.
હ્યુમન રાઇટ્સ વોચના સંશોધનમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે કતારમાં સ્થળાંતરીત કામદારોના અધિકારોનું ઉલ્લંઘન ગંભીર છે અને તે ઉલ્લંઘનો ઘણીવાર કફાલા તરીકે ઓળખાતી તેની પ્રણાલીને કારણે થતા હોય છે. નોકરીદાતાઓ માલિકની પરવાનગી વિના નોકરી બદલે તો તે ગુનો ગણાય છે. સ્થળાંતરીત કામદારોના પાસપોર્ટની નોકરીદાતાઓ દ્વારા નિયમિત જપ્તી પણ કરવામાં આવે છે અને ગલ્ફમાં નોકરીઓ મેળવવા માટે ઉંચી ભરતી ફી ચૂકવવી પડે છે, જે તેમને વર્ષો સુધી દેવાદાર બનાવી દે છે.
એક બાજુ કામદારોની હડતાલ પર પ્રતિબંધ છે તો બીજી તરફ સ્થળાંતરીત કામદારોના અધિકારોનું રક્ષણ કરવા માટે રચાયેલ કાયદાનું અમલીકરણ નબળું હોવાને કારણે, શોષણ અને વેઠિયા મજૂરી ચાલુ રહે છે. સ્થળાંતરીત કામદારોની સૌથી સામાન્ય ફરિયાદોમાં વેતનની ચૂકવણી ન કરવી અથવા વિલંબિત ચૂકવણી, રહેવા માટે સાંક્ડી અને અસ્વચ્છ જગ્યા અને વધુ પડતા કામના કલાકો છે. સફાઈ કામદારો અને સિક્યુરીટી સહિત બાંધકામ કામદારો – જે પૈકી મોટાભાગના સ્થળાંતરીત કામદારો છે – વિશ્વ કપની સફળ યજમાની માટે સૌથી મહત્વપૂર્ણ હોવા છતાં તેઓનું બેહદ શોષણ થાય છે.
કતારમાં FIFA વર્લ્ડ કપ 2022ના આયોજન પર દેખરેખ રાખવાની જવાબદારી જેને સોંપવામાં આવેલી છે તે રાષ્ટ્રીય સંસ્થા (ડિલિવરી અને લેગસી માટેની સર્વોચ્ચ સમિતિ)એ ખાસ કરીને સ્ટેડિયમ સાઇટ્સ પર કામ કરતા સ્થળાંતરીત બાંધકામ કામદારો માટે વધારાના રક્ષણો લાગુ કર્યા છે, જેના કારણે કામ કરવાની સ્થિતિ વધુ સારી બની છે. પરંતુ આ સંરક્ષણો ફક્ત લગભગ 28,000 કામદારોને જ લાગુ પડે છે જે કતારની એકંદર સ્થળાંતરીત વસ્તીના માત્ર 1.5 ટકાથી ઓછી વસ્તી છે. તેઓ મેટ્રો સિસ્ટમ, હાઇવે, પાર્કિંગ લોટ, બ્રિજ, હોટલ અને વિશ્વકપ જોવા આવનાર લાખો મુલાકાતીઓની આગતા-સ્વાગતા કરવા માટે જરૂરી અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવતા કામદારોને લાગુ પડતા નથી. તેઓ ક્લીનર્સ, રેસ્ટોરન્ટ સ્ટાફ સિક્યુરીટી, ગાર્ડસ, ડ્રાઇવરો અને મુકાદમોને પણ બાકાત રાખે છે- જેઓ દેશની મુલાકાતે આવતા લોકોના ધસારાને પહોંચી વળવાના પ્રયાસોમાં જોડાયેલા હશે. અને સ્ટેડિયમ બાંધકામની સાઇટ્સ પર પણ, કામદારોએ કતારના કાયદા અને સુપ્રિમ કમિટીના વધારાના રક્ષણના ઉલ્લંઘનની ફરીયાદ કરી છે.
સ્થળાંતરીત કામદારોના કાનૂની દરજ્જા પર માલિકોને કડક નિયંત્રણ આપે છે, તે કફાલા સિસ્ટમને ઑક્ટોબર 2017 માં, માનવાધિકાર સંસ્થાઓ, મીડિયા આઉટલેટ્સ અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ઘણા વર્ષોના દબાણને પગલે, કતાર સરકારે નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) સાથે ત્રણ વર્ષના ટેકનિકલ સહકાર કરારના ભાગ રૂપે અન્ય શ્રમ સુધારાઓ લાગુ કરવા માટે પણ તેઓએ વચન આપ્યા હતા.
ત્યારથી, કતારે ઘણા સુધારાઓ રજૂ કર્યા છે જે કફાલા પ્રણાલીના અપમાનજનક પાસાઓને દૂર કરે છે અને મજૂર સુરક્ષામાં વધારો કરે છે. સુધારાઓમાં સૌથી નોંધપાત્ર એક્ઝિટ પરમિટની જોગવાઇ દુર કરી તે છે. આ જોગવાઇને કારણે સ્થળાંતરીત કામદાર તેમના માલિકની પરવાનગી વિના દેશ છોડી શકતા ન હતા; સ્થળાંતરીત કામદારોને તેમના માલિકની સંમતિ મેળવ્યા વિના તેમના કરારના અંત પહેલા નોકરી બદલવાની મંજૂરી આપવી; અને તમામ કામદારો માટે ભેદભાવ વિનાના મૂળભૂત લઘુત્તમ વેતનની સ્થાપના કરતો નવો કાયદો. કતારે મજૂર વિવાદ નિરાકરણ સમિતિઓની પણ સ્થાપના કરી છે, જે કામદારોને તેમના માલિકો સામેની ફરિયાદોને આગળ વધારવા માટે વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવવા બનાવાયેલ છે; વર્કર્સ સપોર્ટ એન્ડ ઈન્સ્યોરન્સ ફંડની સ્થાપના કરવા માટે કાયદો પસાર કર્યો. આ ફંડ કંપનીઓ ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય ત્યારે કામદારોને વેતન ચૂકવવામાં માટે ઉભું કરવામાં આવેલ છે; અને તેમના કામદારોના વેતન ચૂકવવામાં નિષ્ફળ રહેનાર માલિકોને સખત દંડ કરવાના સુધારા કર્યા છે.
તેમ છતાં સ્થળાંતરીત કામદારો સાથે દુર્વ્યવહાર અને શોષણ થતું રહે છે. વર્તમાન કાનૂની જોગવાઈઓના અપૂરતા અમલીકરણનો અર્થ એ છે કે તેઓ વ્યવહારમાં ભાગ્યે જ કામદારનું રક્ષણ કરવામાં સફળ રહે છે. આ કહેવાતા સુધારા પછી પણ કફાલા પ્રણાલીના અન્ય અપમાનજનક તત્વો પણ અકબંધ રહે છે. ઉદાહરણ તરીકે, ઑગસ્ટ 2020ના હ્યુમન રાઇટ્સ વૉચના અહેવાલમાં જાણવા મળ્યું છે કે કતારમાં નોકરીદાતાઓ વારંવાર કામદારોના વેતનના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને 2015માં રજૂ કરાયેલ અને સ્થળાંતરીત કામદારોને યોગ્ય રીતે અને સમયસર ચૂકવણી કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કરાયેલ સુધારા કામદારોને ખાસ રક્ષણ આપતા નથી.
જ્યાં સુધી કતાર તેની સંપૂર્ણ રીતે કફાલા પ્રણાલીને નાબૂદ ન કરે અને સ્થળાંતરીત કામદારોને ટ્રેડ યુનિયનમાં જોડાવા અને તેમના પોતાના અધિકારોની હિમાયત કરવાની મંજૂરી ન આપે ત્યાં સુધી કામદારો સાથે થતા દુર્વ્યવહાર અને શોષણ અટકે તેવી શક્યતા ઓછી છે. સ્થળાંતરીત કામદારો દેશમાં પ્રવેશ, રહેઠાણ અને રોજગારની સુવિધા માટે તેમના માલિકો પર સંપૂર્ણપણે નિર્ભર રહે છે, જેમાં કામદારોના રહેઠાણ અને વર્ક પરમિટ માટે અરજી કરવા અને રિન્યૂ કરવા માટે માલિક જવાબદાર હોય અને જ્યારે માલિકો આ જવાબદારીઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય ત્યારે પોતાની પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે કામદારો લાચાર બની જાય અને તેમનો કોઇ વાંક ન હોવા છતાં પરિણામો તો કામદારોએ ભોગવવા પડે છે.
હવે માલિકોની ભૂલને કારણે કે કામદારને હેરાન કરવા જેમણે જાણી જોઇને જરૂરી કાનુની દસ્તાવેજ પુરા પાડ્યા ન હોય તેવા કામદારો, કામદાર તેમના માલિકની પરવાનગી વિના નોકરી છોડી દે અથવા તેમની રહેઠાણ પરમિટની સમયસીમા સમાપ્ત થયા પછી અથવા રદ કરવામાં આવે તે પછી મંજૂર કરાયેલ ગ્રેસ અવધિ પછી દેશમાં રહે તે બધા ભાગેડુ ગણાય અને આવા ભાગેડુ કામદાર પર કતાર સરકાર કઠોર દંડ લાદવાનું ચાલુ રાખે છે. દંડમાં દંડ, અટકાયત, દેશનિકાલ અને ફરીથી પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
આ જોગવાઈઓને કારણે શોષણ અને વેઠ ચાલુ રહી શકે છે. ખાસ કરીને મજૂરો અને ઘરેલું કામદારો, ઘણીવાર માત્ર તેમની નોકરીઓ માટે જ નહીં પરંતુ આવાસ અને ખોરાક માટે પણ નોકરીદાતાઓ પર આધાર રાખે છે. વધુમાં, પાસપોર્ટ જપ્તી, નોકરી મેળવવા ચૂકવવી પડતી ઉંચી ફી, અને કામદારો સાથે છેતરપિંડી કરતી સ્કીમો ચાલુ રહે છે અને મોટાભાગે તે માટે ગુનેગારોને કોઇ સજા થતી નથી.
આ દેશમાં બીજી ચિંતા કે જે ખાસ કરીને બાંધકામ કામદારો અને ખુલ્લામાં કામ કરતા અન્ય કામદારો સાથે સંબંધિત છે તે લાખો સ્થળાંતરીત કામદારોના જીવનને અહિંની બળબળતી ગરમીથી બચાવવા માટે પુરતા નિયમોનો અભાવ છે જેઓ ઘણીવાર અસહ્ય ગરમ અને ભેજવાળી હવામાન પરિસ્થિતિઓમાં અઠવાડિયામાં છ અને ક્યારેક તો અઠવાડિયાના સાત દિવસ બાર બાર કલાક સુધી કામ કરે છે.
તમામ GCC દેશો સમાન ઉનાળામાં કામના કલાકો પર પ્રતિબંધ લાદે છે જે વાસ્તવિક હવામાન પરિસ્થિતિઓ અને તાપમાન સાથે જોડાયેલા નથી. કાયદો ઉનાળાના મહિનાઓમાં દિવસના ચોક્કસ સમયે ખુલ્લામાં કામ કરવા પર પ્રતિબંધ મૂકે છે. પરંતુ આબોહવાના આંકડા દર્શાવે છે કે કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં તે મહિનાઓ અને કલાકો સિવાયના સમયગાળામાં પણ બહાર ગરમી એટલી હોય કે પૂરતો આરામ ન લેવાય તો ગરમી-સંબંધિત ઘાતક બિમારીઓનો ભોગ બની શકાય. તમામ છ દેશોએ તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરનારા, તેમની અર્થવ્યવસ્થાને દોડતી રાખનારા અને તેમના ઘરો અને બાળકોની સંભાળ રાખનારા કામદારોનું રક્ષણ કરવા માટે વધુ પગલાં લેવાની જરૂર છે. શરૂઆત કફાલા પ્રણાલીને સંપૂર્ણ નાબૂદ કરવી, સ્થળાંતરીત કામદારોને ટ્રેડ યુનિયનોમાં જોડાવા પરના પ્રતિબંધને ઉઠાવી લેવાથી કરવાની છે.
સંદર્ભ : https://www.hrw.org/news/2022/11/17/fifa/qatar-migrant-workers-call-compensation-abuses
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855
