વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

 આ લેખ પ્રગટ થશે ત્યારે ફૂટ્બોલની વૈશ્વિક સ્પર્ધા તેની ચરમસીમા પર હશે. કતારને ૨૦ નવેંબર, ૨૦૨૨થી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી ચાલનારા ફીફા વર્લ્ડકપના યજમાન બનાવવાનો નિર્ણય ૨૦૧૦માં લેવામાં આવ્યો. તે પછી ત્યાં રમત માટે મેદાન કહેતાં સ્ટેડિયમ, રમતવીરો માટે રહેઠાણ, રમત જોવા આવનાર દુનિયાભરના રસિયાઓના રહેવા માટે હોટલો, તેમને હોટલથી મેદાન સુધી જવા માટે રસ્તા અને વાહન વ્યવહારની સુવિધા વગેરેના બાંધકામ અને બીજી તૈયારીઓ શરૂ થઇ. બાંધકામ માટે ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશથી હજારો કામદારોને રાખવામાં આવ્યા. રમત શરૂ થાય તે પહેલાં અનેક કામદારોના અકાળ મોત થયા પણ કતારની સરકાર અને ફીફાના વહીવટદારો સતત ઇન્કાર કરતા રહ્યા. છેક ૩0-૧૧-૨૨ને દિવસે, એટલે કે રમત શરૂ થયાના ૧૦ દિવસ પછી કતારની સુપ્રિમ કમિટી ફોર ડીલીવરી એંડ લીગસીના મહામંત્રી હસન અલ થાવાડીએ એક ઇંટરવ્યુમાં જણાવ્યું કે વર્લ્ડકપની તૈયારી દરમિયાન માર્યા ગયેલા સ્થળાંતરીત કામદારોની સંખ્યા ૪૦૦ અને ૫૦૦ની વચ્ચે હશે!

કતારના ૩૦ લાખ રહેવાસીઓમાંથી આશરે ૮૫% સ્થળાંતર કામદારો છે જે મોટાભાગે તેલથી સમૃદ્ધ ચુનંદા વર્ગને સેવા આપે છે. અહીં કામદારો પોતાના અધિકારો અને પોતાના હિતોની સાચવણી માટે સંગઠન બનાવી શકતા નથી કે સામૂહિક સોદાબાજી કરી શકતા નથી. કામદારોને માટે કાનૂની પ્રતિનિધિત્વ અસ્તિત્વમાં નથી. સંયુક્ત સમિતિઓ છે ખરી પણ, તે માત્ર 2% કર્મચારીઓને આવરી લે છે.

ફૂટબોલ, તેની સિદ્ધિના સર્વોચ્ચ સ્તરે, એક સમયે એક રમત હતી જે એક વ્યવસાય પણ હતી. સ્કાય અને સેટેલાઇટ કવરેજની શરૂઆત સાથે, તે એક વ્યવસાય બની ગયો જે એક રમત પણ હતી. ટુર્નામેન્ટના CEO, નાસેર અલ ખાતેવનો અંદાજ છે કે તેનો કુલ નફો રૂ. ૧૩,૮૪,૧૬,૬૩,૫૦,૦૦૦ ની આસપાસ હશે, અને પ્રેક્ષકોની સંખ્યા અંદાજિત ત્રણથી ચાર અબજ હશે. ફૂટબોલ હવે એક વૈશ્વિક વળગાડ છે, જે માટે વિશ્વના કેટલાક સૌથી ગરીબ રાષ્ટ્રોના સેંકડો કામ કરતા કામદારોએ તે માટે ભારે કિંમતે ચૂકવવી પડી છે – તેમના સમજી ન શકાય તેવા રહસ્યમય મૃત્યુ દ્વારા.

સ્થળાંતરીત કામદારોના મૃત્યુના સંબંધિત દૂતાવાસો દ્વારા સંકલિત કરેલા આંકડા નીચે મુજબ છે:

દેશ  મ્રુત્યુ પામેલા કામદારોની સંખ્યા
ભારત ૨૭૧૧
નેપાળ ૧૬૪૧
બાંગ્લાદેશ ૧૦૧૮
પાકિસ્તાન ૦૮૨૪
કુલ ૬૧૯૪

 

આ આંકડાઓ જુના છે. ૨૦૨૦ના ઉત્તરાર્ધથી આજદિન સુધીના મૃત્યુનો સમાવેશ થતો નથી. એ પણ નોંધવું જોઈએ કે મૃત્યુના રેકોર્ડમાં વ્યવસાય અથવા મૃતક ક્યાં કામ કરતો હતો તે નોંધવામાં આવતું નથી.

મૃત્યુના કારણોમાં, વીજ કરંટ, બેઠા મારને કારણે થતી ઇજાઓ, પડી જવું, આત્મહત્યા, મ્રુતદેહ સડી જવાને કારણે મ્રુત્યુનું  કારણ જાણી શકાયું ન હોય તેવા મોત, પણ સૌથી વધુ મોત જે કારણે થયેલા બતાવવામાં આવે છે તે છે ‘કુદરતી’ મૃત્યુ જે મોટે ભાગે હૃદયરોગના તીવ્ર હુમલાને કારણે થાય છે. ભારતીય, બાંગ્લાદેશી અને નેપાળી કામદારોમાંથી ૬૯% મૃત્યુ આ રીતે નોંધાયા છે. એકલા ભારતીયોમાં આ આંકડો ૮૦% છે. શબપરીક્ષણ કહેતાં પોસ્ટ મોર્ટમ વિના જ આ કારણ નોંધવામાં આવે છે. ઉનાળાના મહિનાઓમાં ગરમી તિવ્ર હોય છે, ગરમીને કારણે થતી તાણ અનિવાર્ય પરિણામ છે. ઘર કે કોઇ મકાનની બહાર લાંબા સમય સુધી સાજાસમા રહેવા માટે પણ બહુ કાળજી લેવી પડતી હોય ત્યારે, શારીરિક શ્રમ કરતી વખતે ગરમીની અસરનો ભોગ ન બનો તો જ નવાઇ.

ટૂર્નામેન્ટની સંસ્થાકીય સમિતિ, જ્યારે આંકડાઓની અસરો માટે ખેદ વ્યક્ત કરે  તો છે, પણ તે ગેરમાર્ગે દોરનારી છે. કતાર સરકાર ભારપૂર્વક કહે છે કે બાંધકામ ઉદ્યોગમાં ૧૦% કરતા ઓછા મૃત્યુ થયા છે. હકીકત એ છે કે ૨૦૧૦થી, એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એક મેટ્રો સિસ્ટમ, સાત સ્ટેડિયમ, લગભગ ૧૦૦ જેટલી હોટલો અને એક આખું શહેર બનાવવામાં આવ્યું છે (બધું કનેક્ટિંગ રોડ સાથે). બાંધકામના કામની પ્રકૃતિ, અહિંની કામની સંસ્કૃતિ અને ગરમીનું વાતાવરણ જોતાં આ આંકડો ભલે હાસ્યાસ્પદ નહી તો પણ શંકાસ્પદ તો લાગે જ છે.

શોષણની ચરમસીમા

કામદારો સાથે થયેલા દુર્વ્યવહાર ભયાનક છે. કામદારોના મૃત્યુના ઉંચા દર ઉપરાંત કામદારોના પગાર અને કામની શરતોને લગતા મુદ્દાઓ પણ મહત્વના છે. નોન-ટ્રાન્સફરેબલ વર્ક પરમિટ, કમના લાંબા કલાકો, આરામના દિવસોનો ઇનકાર અને પગારમાંથી કરાતી મનસ્વી કપાત સામાન્ય બાબત છે. કતારમાં કામ કરી ચૂકેલા કામદારોના લાંબા અનુભવ એવા છે કે ફરિયાદ કરી તો મર્યા! ‘ફરાર’ થઇ જતા કામદારોની ધરપકડ કરી તેમને લાંબા સમય સુધી અટકાયતમાં રાખવામાં આવતા હોવાના અહેવાલો એકલદોકલ નથી.

ઘણીવાર નોકરીદાતાઓ કર્મચારીઓને ચુકવવાના નાણા ચૂકવતા નથી. વેતન માટે મહિનાઓ સુધી રાહ જોવડાવવામાં આવતી હોય છે. કેટલાક તો એવા હોય છે જેમને ક્યારેય ચૂકવણી કરવામાં આવી ન હોય. અહીંના સરકારી વહીવટમાં જવાબદેહીતાની ગેરહાજરી છે અને કામદારો આવી સ્થિતિમાં કામ કરવા માટે બંધાયેલા છે. અમલદારશાહીની વ્યાપક અસમર્થતા કે નબળાઇને કારણે હોય કે ખરાબ, ભ્રષ્ટાચારી અને શોષણકારી પ્રથાઓને કારણે હોય, અન્યાયની જવાબદારી સ્વીકારવાનું કોઇ મેનેજમેન્ટને પોસાતું નથી. ન્યાય થાય તે જોવા કરતાં અન્યાયને  દબાવી દેવા કે છૂપાવવામાં વધુ સમયશક્તિ ખર્ચવામાં આવે છે.

જો તમે વ્યક્તિગત ઈજાનું જોખમ ધરાવતું કામ કરતા હો તો તબીબી સારવાર મેળવવાનું પણ મુશ્કેલ છે. એવી કોઈ ગેરેંટી નથી કે માલિકે તમારા માટે ખરીદેલ વીમા પૉલિસી સક્રિય હશે. કિશોરવયના ડ્રાઈવરે એક વિદેશી નાગરિકને પોતાની ગાડી નીચે કચડી નાખ્યો. ત્રણ દિવસ પછી હજુ જ્યારે તે ભાગ્યે જ ભાનમાં આવ્યો હતો ત્યારે તેને હોસ્પિટલમાંથી કાઢી મુકવામાં આવ્યો કારણ , તેના માલિકો હોસ્પિટલનું બીલ ભરવામાં નિષ્ફળ ગયા હતા.

અને આ વાત જેમને થોડા વિશેષાધિકાર મળેલા છે તેવા વ્હાઇટ-કોલર પ્રોફેશનલ્સની સારવાર વિશે છે, જેમને સામાન્ય રીતે થોડું સન્માન  આપવામાં આવે છે. ગરીબ દેશોમાંથી આવતા મજૂરવર્ગની હાલત તો વધુ ખરાબ છે. તૂટેલા હાડકાંની સારવાર માટે આવેલા સ્થળાંતરીત કામદારો સારવાર માટેના ખર્ચ માટે હોસ્પિટલના કારપાર્કમાં ભીખ માગતા તમને જોવા મળી શકે છે.  આવા દેશમાં મજૂરી કરવા આવવું હોય તો પોતાના દેશમાં એજંટોને મોટી ફી ચૂકવવી પડે છે પરંતુ એકવાર તમે પહોંચ્યા પછી તમારી દેખભાળ કરવાવાળું કોઇ હોતું નથી.

માનવ અધિકાર સંગઠનો, ટ્રેડ યુનિયનો અને ચાહક જૂથોના ગઠબંધન દ્વારા આ વર્ષે મેમાં “પે અપ ફીફા” ઝુંબેશ શરૂ કરવામાં આવી. ઝુંબેશ દ્વારા કતાર અને ફીફાને મતાધિકારથી વંચિત કામદારો અને મૃતકોના પરિવારો માટે વળતર ભંડોળ સ્થાપવા હાકલ કરી હતી. અસંખ્ય યુરોપિયન ફૂટબોલ ફેડરેશનો દ્વારા સમર્થિત એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ, ફીફાને વળતરમાં ભાગ લેતા 32 રાષ્ટ્રો વચ્ચે વહેંચાયેલી $440 મિલિયનની ઈનામી રકમ સાથે મેચ કરવાનું સૂચન કર્યું. પરંતુ એમ્નેસ્ટી અનુસાર, કતારના શ્રમ કાયદામાં મર્યાદિત પ્રગતિ હોવા છતાં, કોઇ નક્કર કાર્યવાહી આ બાબતે કરવામાં ન આવી. કાનૂની છટકબારીઓને કારણે હજારો કામદારો શોષણના ચક્કરમાં અટવાયેલા રહે છે.

કતાર સંપૂર્ણ રીતે લગભગ ૨૦ લાખ સ્થળાંતર કરનારાઓ પર આધાર રાખે છે. બાંધકામથી લઈને સેવાઓ અને ઘરેલું કામ સુધીના ક્ષેત્રોમાં દેશના ૯૫ ટકા કામદાર/કર્મચારીઓ બીજા દેશોમાંથી આવે છે. કતારના સ્થળાંતરીત કામદારો મુખ્યત્વે ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, કેન્યા અને ફિલિપાઈન્સમાંથી આવે છે. તેઓ કતાર આવે છે કારણ કે તેમની પાસે તેમના વતનમાં નોકરીની સ્થિર તકો નથી અથવા તેઓ માને છે કે તેઓ વિદેશમાં કામ કરીને વધુ પૈસા કમાઈ શકે છે. ઘણા કામદારો વતનમાં પોતાના પરિવારોને મૂકીને આવ્યા હોય છે, જેઓ આર્થિક રીતે તેમના પર નિર્ભર હોય છે. વિશ્વમાં કતારમાં સ્થળાંતર કરનારાઓ અને નાગરિકોનું સૌથી વધુ પ્રમાણ છે. આ કામદારો વિના, તેની અર્થવ્યવસ્થા અટકી જશે.

કમનસીબે, કતારની વસ્તી ગણતરીના આંકડામાં જુદા જુદા દેશમાંથી સ્થળાંતર કરીને આવેલા નાગરિકોની વસ્તીને અલગ દર્શાવવામાં આવતી નથી, ન તો સરેરાશ પગાર, રોકાણની લંબાઈ અથવા કાનૂની દરજ્જાના, સ્વતંત્ર રીતે ચકાસી શકાય તેવા આંકડા પ્રકાશિત કરાતું નથી. સપ્ટેમ્બર ૨૦૨૦માં, કતારે રૂ. ૨૨,૩૯૯.૫0 (૨૭૪ અમેરિકન ડોલર) નું લઘુત્તમ વેતન નક્કી કરતો કાયદો પસાર કર્યો જે રાષ્ટ્રીયતા અથવા રોજગાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના તમામ કામદારોને લાગુ પડે છે.

છેલ્લા ચાર વર્ષથી, હ્યુમન રાઇટ્સ વોચ કતારના સત્તાવાળાઓને વારંવાર યુવાન અને અન્યથા સ્વસ્થ સ્થળાંતર કામદારોમાં અણધાર્યા અથવા ન સમજાય તેવા મૃત્યુના કારણોની તપાસ કરવા અને નિયમિતપણે આવા ઉંમર, લિંગ, વ્યવસાયની માહિતી આપતા આંકડા ભેગા કરવા વિનંતી કરે છે. હ્યુમન રાઇટ્સ વોચે પણ કતારને સંભવિત ઘાતક ગરમી સંબંધિત જોખમોથી કામદારોને બચાવવા માટે આઉટડોર વર્ક પર પર્યાપ્ત નિયંત્રણો લાદવા અને તેનો અસરકારક અમલ કરવા વિનંતી કરી છે. કમનસીબે, કતારે સ્થળાંતરીત કામદારોના મૃત્યુ અંગેના કોઈપણ અર્થપૂર્ણ ડેટાને સાર્વજનિક કરવાનો ઇનકાર કર્યો છે અને ભારે ગરમી અને ભેજના જોખમોથી કામદારોને બચાવવા માટે રચાયેલ ગરમીના નિયમો હજુ પણ અપૂરતા છે.

હ્યુમન રાઇટ્સ વોચના સંશોધનમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે કતારમાં સ્થળાંતરીત કામદારોના અધિકારોનું ઉલ્લંઘન ગંભીર છે અને તે ઉલ્લંઘનો ઘણીવાર કફાલા તરીકે ઓળખાતી તેની પ્રણાલીને કારણે થતા હોય છે. નોકરીદાતાઓ માલિકની પરવાનગી વિના નોકરી બદલે તો તે ગુનો ગણાય છે. સ્થળાંતરીત કામદારોના પાસપોર્ટની નોકરીદાતાઓ દ્વારા નિયમિત જપ્તી પણ કરવામાં આવે છે અને ગલ્ફમાં નોકરીઓ મેળવવા માટે ઉંચી ભરતી ફી ચૂકવવી પડે છે, જે તેમને વર્ષો સુધી દેવાદાર બનાવી દે છે.

એક બાજુ કામદારોની હડતાલ પર પ્રતિબંધ છે તો બીજી તરફ સ્થળાંતરીત કામદારોના અધિકારોનું રક્ષણ કરવા માટે રચાયેલ કાયદાનું અમલીકરણ નબળું હોવાને કારણે, શોષણ અને વેઠિયા મજૂરી ચાલુ રહે છે. સ્થળાંતરીત કામદારોની સૌથી સામાન્ય ફરિયાદોમાં વેતનની ચૂકવણી ન કરવી અથવા વિલંબિત ચૂકવણી, રહેવા માટે સાંક્ડી અને અસ્વચ્છ જગ્યા અને વધુ પડતા કામના કલાકો છે. સફાઈ કામદારો અને સિક્યુરીટી સહિત બાંધકામ કામદારો – જે પૈકી મોટાભાગના સ્થળાંતરીત કામદારો છે – વિશ્વ કપની સફળ યજમાની માટે સૌથી મહત્વપૂર્ણ હોવા છતાં તેઓનું બેહદ શોષણ થાય છે.

કતારમાં FIFA વર્લ્ડ કપ 2022ના આયોજન પર દેખરેખ રાખવાની જવાબદારી જેને સોંપવામાં આવેલી છે તે રાષ્ટ્રીય સંસ્થા (ડિલિવરી અને લેગસી માટેની સર્વોચ્ચ સમિતિ)એ ખાસ કરીને સ્ટેડિયમ સાઇટ્સ પર કામ કરતા સ્થળાંતરીત બાંધકામ કામદારો માટે વધારાના રક્ષણો લાગુ કર્યા છે, જેના કારણે કામ કરવાની સ્થિતિ વધુ સારી બની છે. પરંતુ આ સંરક્ષણો ફક્ત લગભગ 28,000 કામદારોને જ લાગુ પડે છે જે કતારની એકંદર સ્થળાંતરીત વસ્તીના માત્ર 1.5 ટકાથી ઓછી વસ્તી છે. તેઓ મેટ્રો સિસ્ટમ, હાઇવે, પાર્કિંગ લોટ, બ્રિજ, હોટલ અને વિશ્વકપ જોવા આવનાર લાખો મુલાકાતીઓની આગતા-સ્વાગતા કરવા માટે જરૂરી અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવતા કામદારોને લાગુ પડતા નથી. તેઓ ક્લીનર્સ, રેસ્ટોરન્ટ સ્ટાફ સિક્યુરીટી, ગાર્ડસ, ડ્રાઇવરો અને મુકાદમોને પણ બાકાત રાખે છે- જેઓ દેશની મુલાકાતે આવતા લોકોના ધસારાને પહોંચી વળવાના પ્રયાસોમાં જોડાયેલા હશે. અને સ્ટેડિયમ બાંધકામની સાઇટ્સ પર પણ, કામદારોએ કતારના કાયદા અને સુપ્રિમ કમિટીના વધારાના રક્ષણના ઉલ્લંઘનની ફરીયાદ કરી છે.

સ્થળાંતરીત કામદારોના કાનૂની દરજ્જા પર માલિકોને કડક નિયંત્રણ આપે છે, તે કફાલા સિસ્ટમને ઑક્ટોબર 2017 માં, માનવાધિકાર સંસ્થાઓ, મીડિયા આઉટલેટ્સ અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ઘણા વર્ષોના દબાણને પગલે, કતાર સરકારે નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) સાથે ત્રણ વર્ષના ટેકનિકલ સહકાર કરારના ભાગ રૂપે અન્ય શ્રમ સુધારાઓ લાગુ કરવા માટે પણ તેઓએ વચન આપ્યા હતા.

ત્યારથી, કતારે ઘણા સુધારાઓ રજૂ કર્યા છે જે કફાલા પ્રણાલીના અપમાનજનક પાસાઓને દૂર કરે છે અને મજૂર સુરક્ષામાં વધારો કરે છે. સુધારાઓમાં સૌથી નોંધપાત્ર એક્ઝિટ પરમિટની જોગવાઇ દુર કરી તે છે. આ જોગવાઇને કારણે સ્થળાંતરીત કામદાર તેમના માલિકની પરવાનગી વિના દેશ છોડી શકતા ન હતા; સ્થળાંતરીત કામદારોને તેમના માલિકની સંમતિ મેળવ્યા વિના તેમના કરારના અંત પહેલા નોકરી બદલવાની મંજૂરી આપવી; અને તમામ કામદારો માટે ભેદભાવ વિનાના મૂળભૂત લઘુત્તમ વેતનની સ્થાપના કરતો નવો કાયદો. કતારે મજૂર વિવાદ નિરાકરણ સમિતિઓની પણ સ્થાપના કરી છે, જે કામદારોને તેમના માલિકો સામેની ફરિયાદોને આગળ વધારવા માટે વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવવા બનાવાયેલ છે; વર્કર્સ સપોર્ટ એન્ડ ઈન્સ્યોરન્સ ફંડની સ્થાપના કરવા માટે કાયદો પસાર કર્યો. આ ફંડ કંપનીઓ ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય ત્યારે કામદારોને વેતન ચૂકવવામાં માટે ઉભું કરવામાં આવેલ છે; અને તેમના કામદારોના વેતન ચૂકવવામાં નિષ્ફળ રહેનાર માલિકોને સખત દંડ કરવાના સુધારા કર્યા છે.

તેમ છતાં સ્થળાંતરીત કામદારો સાથે દુર્વ્યવહાર અને શોષણ થતું રહે છે. વર્તમાન કાનૂની જોગવાઈઓના અપૂરતા અમલીકરણનો અર્થ એ છે કે તેઓ વ્યવહારમાં ભાગ્યે જ કામદારનું રક્ષણ કરવામાં સફળ રહે છે. આ કહેવાતા સુધારા પછી પણ કફાલા પ્રણાલીના અન્ય અપમાનજનક તત્વો પણ અકબંધ રહે છે. ઉદાહરણ તરીકે, ઑગસ્ટ 2020ના હ્યુમન રાઇટ્સ વૉચના અહેવાલમાં જાણવા મળ્યું છે કે કતારમાં નોકરીદાતાઓ વારંવાર કામદારોના વેતનના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને 2015માં રજૂ કરાયેલ અને સ્થળાંતરીત કામદારોને યોગ્ય રીતે અને સમયસર ચૂકવણી કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કરાયેલ સુધારા કામદારોને ખાસ રક્ષણ આપતા નથી.

જ્યાં સુધી કતાર તેની સંપૂર્ણ રીતે કફાલા પ્રણાલીને નાબૂદ ન કરે અને સ્થળાંતરીત કામદારોને ટ્રેડ યુનિયનમાં જોડાવા અને તેમના પોતાના અધિકારોની હિમાયત કરવાની મંજૂરી ન આપે ત્યાં સુધી કામદારો સાથે થતા દુર્વ્યવહાર અને શોષણ અટકે તેવી શક્યતા ઓછી છે. સ્થળાંતરીત કામદારો દેશમાં પ્રવેશ, રહેઠાણ અને રોજગારની સુવિધા માટે તેમના માલિકો પર સંપૂર્ણપણે નિર્ભર રહે છે, જેમાં કામદારોના રહેઠાણ અને વર્ક પરમિટ માટે અરજી કરવા અને રિન્યૂ કરવા માટે માલિક જવાબદાર હોય અને જ્યારે માલિકો આ જવાબદારીઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય ત્યારે પોતાની પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે કામદારો લાચાર બની જાય અને તેમનો કોઇ વાંક ન હોવા છતાં પરિણામો તો કામદારોએ ભોગવવા પડે છે.

હવે માલિકોની ભૂલને કારણે કે કામદારને હેરાન કરવા જેમણે જાણી જોઇને જરૂરી કાનુની દસ્તાવેજ પુરા પાડ્યા ન હોય તેવા કામદારો, કામદાર તેમના માલિકની પરવાનગી વિના નોકરી છોડી દે અથવા તેમની રહેઠાણ પરમિટની સમયસીમા સમાપ્ત થયા પછી અથવા રદ કરવામાં આવે તે પછી મંજૂર કરાયેલ ગ્રેસ અવધિ પછી દેશમાં રહે તે બધા ભાગેડુ ગણાય અને આવા ભાગેડુ કામદાર પર કતાર સરકાર કઠોર દંડ લાદવાનું ચાલુ રાખે છે. દંડમાં દંડ, અટકાયત, દેશનિકાલ અને ફરીથી પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

આ જોગવાઈઓને કારણે શોષણ અને વેઠ ચાલુ રહી શકે છે. ખાસ કરીને મજૂરો અને ઘરેલું કામદારો, ઘણીવાર માત્ર તેમની નોકરીઓ માટે જ નહીં પરંતુ આવાસ અને ખોરાક માટે પણ નોકરીદાતાઓ પર આધાર રાખે છે. વધુમાં, પાસપોર્ટ જપ્તી, નોકરી મેળવવા ચૂકવવી પડતી ઉંચી ફી, અને કામદારો સાથે છેતરપિંડી કરતી સ્કીમો ચાલુ રહે છે અને મોટાભાગે તે માટે ગુનેગારોને કોઇ સજા થતી નથી.

આ દેશમાં બીજી ચિંતા કે જે ખાસ કરીને બાંધકામ કામદારો અને ખુલ્લામાં કામ કરતા અન્ય કામદારો સાથે સંબંધિત છે તે લાખો સ્થળાંતરીત કામદારોના જીવનને અહિંની બળબળતી ગરમીથી બચાવવા માટે પુરતા નિયમોનો અભાવ છે જેઓ ઘણીવાર અસહ્ય ગરમ અને ભેજવાળી હવામાન પરિસ્થિતિઓમાં અઠવાડિયામાં છ અને ક્યારેક તો અઠવાડિયાના સાત દિવસ બાર બાર કલાક સુધી કામ કરે છે.

તમામ GCC દેશો સમાન ઉનાળામાં કામના કલાકો પર પ્રતિબંધ લાદે છે જે વાસ્તવિક હવામાન પરિસ્થિતિઓ અને તાપમાન સાથે જોડાયેલા નથી. કાયદો ઉનાળાના મહિનાઓમાં દિવસના ચોક્કસ સમયે ખુલ્લામાં કામ કરવા પર પ્રતિબંધ મૂકે છે. પરંતુ આબોહવાના આંકડા દર્શાવે છે કે કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં તે મહિનાઓ અને કલાકો સિવાયના સમયગાળામાં પણ બહાર ગરમી એટલી હોય કે પૂરતો આરામ  ન લેવાય તો ગરમી-સંબંધિત ઘાતક બિમારીઓનો ભોગ બની શકાય. તમામ છ દેશોએ તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરનારા, તેમની અર્થવ્યવસ્થાને દોડતી રાખનારા અને તેમના ઘરો અને બાળકોની સંભાળ રાખનારા કામદારોનું રક્ષણ કરવા માટે વધુ પગલાં લેવાની જરૂર છે. શરૂઆત કફાલા પ્રણાલીને સંપૂર્ણ નાબૂદ કરવી, સ્થળાંતરીત કામદારોને ટ્રેડ યુનિયનોમાં જોડાવા પરના પ્રતિબંધને ઉઠાવી લેવાથી કરવાની છે.


સંદર્ભ : https://www.hrw.org/news/2022/11/17/fifa/qatar-migrant-workers-call-compensation-abuses


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855