કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

       આપણા દેશમાં દૂધ માટે ઉપયોગમાં આવતાં પ્રાણીઓમાં ગાય, ભેંશ અને બકરી મુખ્ય છે.પણ ટકાવારીમાં બકરીનું દૂધ તો માત્ર બેથી પાંચ ટકા વચ્ચેનું છે.બાકીનો જથ્થો ગાય અને ભેંશ પૂરો પાડે છે. આ બે પ્રાણીઓમાં પણ ગાય પાળવી કે ભેંશ ? એ બાબતે આપણે જ્યારે હિંદુસ્તાનના ખેડૂત તરીકે નિર્ણય લેવાનો હોય ત્યારે બે-ત્રણ વધુ વજનદાર બાબતોથી વાકેફ રહેવું વધુ જરૂરી ગણાય.   

તસવીર – સાંદર્ભિક
નેટ પરથી સાભાર

[1] બન્નેના દૂધની ગુણવત્તા =ડેરીનો ધંધો કરવાવાળા દૂધનું મુલ્યાંકન તેની અંદર રહેલા માત્ર ચરબીના પ્રમાણ પરથી નક્કી કરે છે તે બરાબર નથી. કારણ કે ચરબી તો દૂધમાં રહેલાં અનેક પોષકતત્વો માહ્યલું એક સામાન્ય તત્વ છે. આ સિવાય પણ દૂધમાં તો બીજા ઘણાબધા કિંમતી તત્વો સમાયેલાછે જ ! આવા કિંમતી તત્વોની વાત કોરાણે રાખી માત્ર ચરબી વધુ હોવાના કારણોસર ભેંશોના દૂધને વધુપડતું મહત્વ આપવાનું શરુ થયું ત્યારથી ગાયનું દૂધ બીજા નંબરે ગણાવા માંડ્યું છે.

       આપણે વિજ્ઞાનના આધારે વાત કરીએ તો શરીરને ઉપયોગી એવા દૂધમાંના તત્વોની ગણતરી કરીએ તો ભેંશના દૂધમા ચરબીનું પ્રમાણ થોડું વધારે છે તે ખરું, પણ તે કેવા સ્વરૂપે છે તે જાણવાની દરકાર લીધી છે ક્યારેય ? ભેંશના દૂધની ચરબી પચવામાં ખૂબજ કઠીન હોવા ઉપરાંત માનવશરીરમાં મેદના સ્વરૂપે અને રક્તવાહિનીઓમાં ચરબી રૂપે એકત્રિત થાય છે, જે હાર્ટએટેક અને બ્લડપ્રેસર જેવા રોગને નોતરે છે. ગાયના દૂધમાં ચરબીનું પ્રમાણ ભલે થોડું ઓછું હોય પણ આ ચરબી માનવ શરીરમાં મેદ નહીં, રક્ત બનાવનારી છે.

         એવું જ, ભેંશના દૂધ માહ્યલું પ્રોટીન પણ પચવામાં કાઠું છે. જરા નીરિક્ષણ કરજો, ભેંશનું દૂધ એકદમ સફેદ અને ગાયનું દૂધ પીળાશ પડતું કેમ? કારણ કે વિટામીન ‘એ’ જેમાંથી બને છે તેવા ‘કેરોટીન’ નું પ્રમાણ ગાયના દૂધમાં ઘણું ઊંચું હોય છે.જ્યારે ભેંશના દૂધમાં સાવ સામાન્ય છે. આ ઉપરાંત આયોડીન અને કેટલાય પ્રજીવકો તેમજ તૈલી તેજાબો જે ગાયના દૂધમાં વધુ હોય છે તે ભેંશના દૂધમાં ખાસ જોવા મળતા નથી.

[2] બન્નેના સ્વભાવ અને આદતો = ભેંશ એ કાળા રંગનું, જાડી ચામડી વાળું, એદી સ્વભાવનું જાનવર છે. ભેંશોનો કુદરતી કાળો રંગ વાતાવરણમાંથી ગરમી વધારે પકડે છે. જ્યારે ગાયોમાં મોટાભાગે અન્ય રંગના પશુઓ હોવાથી આ તકલીફ રહેતી નથી. ગાય અને ભેંશ બન્ને અલગ સ્વભાવના, જુદી તાસીરના અને વિશિષ્ટ રૂપ-બાંધાના જાનવરો છે. બન્નેની તાસીર જાણવા ક્યારેક આ પ્રયોગ કરી જોજો !

[અ] ગાય અને ભેંશ-બન્નેના તાજા જન્મેલા-બેચાર વાહાના બચ્ચાને પૂરતું ધાવણ ધવરાવી છુટ્ટા મૂકી જોજો ! બન્નેના બચ્ચાં-ઊંઘે છે, કુદે છે. કે બેસી જાય છે- શું કરે છે તે નિરખજો.

[બ] એક બાજુ દસ દૂજણી ગાયોનું ટોળું અને બીજી બાજુ દસ દૂજણી ભીંસોનું ખાડું-એમ જાનવરોને ઊભા રાખી બન્નેના ધાવણાં બચડાં ને છૂટા કરી નીરખજો કે કોના બચ્ચાં પોતાની મા ને તરત શોધી વાળે છે ?

[ક] ગાય અને ભેંશ બન્ને પોતાના નાના બચ્ચાને પાસે રાખી બેઠા હોય ત્યારે તે ઓચિંતાના ભડકી જાય તેવું વર્તન કરજો, અને પછી નિરખજો કે કોણે એના બચ્ચાનેખુંદી નાખ્યું ?

[ડ] તમે બરાબર માર્ક કરજો કે આપણે ગાય કે ભેંશને ચારો નીરવા ગયા હોઇએ અને અજાણથી જાનવર આપણા પગ ઉપર એનો પગ મૂકી દે ત્યારે આપણે ડચકારો કરી આપણો પગ છૂટો કરાવવા “પગ…..પગ…” બોલી તેને એનો પગ આપણા પગ ઉપરથી ખેસવી લે તેવો આદેશ આપીએ તો બેમાથી કોણ જલ્દી પોતાનો પગ ખેસવી લે છે ?

          અરે ! તમે બરાબરનું નીરિક્ષણ કરશો તો માલુમ પડ્યાવિના નહીં રહે કે ભેંશના પેશાબનું પાટોડું ભર્યું હોય ત્યાં મચ્છરોને કેવી મજા પડી જતી હોય છે ! જ્યારે ગૌમુત્રનો તો વાતાવરણ જંતુરહિત કરવામાટે છંટકોરો દેવાય ! અરે, ગૌમુત્રતો ખેતીપાકોના વિકાસ અને વર્ધનના હોર્મોંસ તરીકે અને જીવાતોના ત્રાસમાંથી રાહત આપનાર ‘પાકસંરક્ષક’ તરીકે વપરાય છે. હમણાના છેલ્લા નૂતન અભિગમ મુજબ ગૌમુત્રનો અર્ક તો માનવ આરોગ્ય અર્થે કેટલાય દર્દોમાં રાહત બક્ષનારો હોવાનું પણ સાબિત થયું છે.એટલે એનો વપરાશ આરોગ્ય રક્ષણના ક્ષેત્રે પણ ખુબ વધ્યો છે.

         એટલે ગાય અને ભેંશ બન્ને અલગ સ્વભાવના અને જુદી તાસીરના હોઇ, તેની અસર તેના દૂધમાં અને આપણી સાથેના વ્યવહારમાં આવ્યા વિના રહેતી નથી. ભેંશ સાથેના સહવાસ અને એના દૂધ વપરાશથી આપણામાં પણ જાડીબુધ્ધી, એદીપણું અને રોગ સામે જૂકીપડે તેવી શારીરિક નબળાઇ જો ન આવે તો તો ભેંશનાં દૂધનું માતમ જ મરી પરવાર્યું ગણાયને ? “અન્ન તેવો ઓડકાર” – ખાધી હોય ડુંગળી અને કેસર કેરીના સ્વાદ જેવો ઓડકાર થોડો આવે ? એદી અને કમઅક્કલ ભેંશનું દૂધ ખાઇએ અને દોડવા-તરવાકે બુધ્ધિ ચાતૂર્યની સ્પર્ધામાં આગળ નીકળી જવાના સ્વપ્ના સેવીએ-સાચા પડે કદી ?

નક્કર પૂરાવો = ગાયકવાડ સરકારના વછેરા દોડવાની રેસમાં લગાતાર ત્રણ-ચાર વરસથી પાછળ રહેવા લાગ્યા. આવું બનવાનું કારણ શું હોઇ શકે તે શોધવા પરદેશથી અશ્વપાલન નિષ્ણાંતોને બોલાવાયા.નિષ્ણાંતોએ આવી, ઘોડાઓને કેવા પ્રકારનો ચારો અને કેવી જાતની ચંદણી અપાય છે, એના રહેણાંકની સુવિધા ક્યા પ્રકારની છે, તેને કેવી રીતની તાલીમ અપાઇ રહી છે વગેરે બાબતોની જીણવટભરી  તપાસ કર્યા પછી પણ અશ્વો રેસમાં ક્યા કારણસર નબળા પૂરવાર થઇ રહ્યા છે તે ન શોધી શક્યા તેનો વસવસો હ્દયમાં ધરી, નિરાશ થઇ, ગેસ્ટહાઉસનાપગથિયાં ઊતરી રહ્યા હતા ત્યાં ઓચિંતાના એક મોટા હોજમાં કેટલાક પશૂઓને પાણીમાં પડીરહી ઊંઘતા ભાળ્યાં. “ આ ક્યા જાનવરો છે ? અને એ બધા આ કાદવ-પાણીમાં શું કરે છે ?” એવું પૂછતાં જવાબ અપાયો કે “ આ બધી ભેંશો છે, અને એ કાદવ-પાણીમાં સ્નાન સાથે આરામ અને ઊંઘ લઇ રહી છે,” ફરી પ્રશ્ન પૂછાયો કે “ ભેંશો શું કરે ?”  “ભેંશો દૂધ કરે,અને એ દૂધ અમે આ વછેરાને પીવરાવીએ છીએ.” જવાબ સાંભળી કહે “ હં….હં..! પહેલીથી જ પીવરાવો છો ?” “ ના, પહેલા ગાયોનું દૂધ પાવામાં આવતું, હમણાં છેલ્લા પાંચેક વરસથીગાયોનું દૂધ બંધ કરી આ ભેંશોનું દૂધ પાવાનું શરુ કર્યું છે !” જવાબ સાંભળી નિષ્ણાંતો હરખાઇ ઊઠ્યા અને બોલી પડ્યા-“ બસ ! તમારા વછેરા દોડવાની હરિફાઇમાં પાછળ રહેવા માંડ્યા તેનું એકમાત્ર કારણ આ એદી સ્વભાવના જાનવરો [ભેંશો]નું દૂધ તેને પીવરાવવા માંડ્યું એજ છે !”

[3] બન્નેના વંશ-વેલાની ઉપયોગિતા = ભેંશને જો પાડી જન્મે તો તો ભવિષ્યે ભેંશ થાય. પણ પાડો જન્મે તો ? આપણો દેશ વિષુવવ્રતની નજીક આવેલો હોઇ ગરમી ખુબ પડે છે. આ માથું ફાડી નાખે એવા ધોમ ધખતા તાપમાં ગાયોના ગોધલા સાંતી-ગાડે જુતી રમરમાટી બોલાવી શકે – ભેંશ જેવા કાળા રંગના અને જાડી ચામડીવાળા પાડાઓનું એ કામ નહીં ! અરે ! હાંફી જઇ, હાથ જીભ કાઢી બેસી પડે મિત્રો !

         પછી તો તેને માટેનો એક જ રસ્તો કતલખાને જઇ કપાઇ મરવાનો બચ્યો હોય છે. જ્યારે ગાયના બચ્ચા ‘બળદ’નું આપણા દેશના અર્થતંત્રમાં રહેલું સ્થાન જાણ્યું છે ? આ દેશની ૬૮ ટકા વસ્તીનો  રોટલો જેનાપર નિર્ભર છે તેવી આ દેશની ‘ખેતી’ ને ચલાવનારું બળ ‘બળદ’  છે. દિવસે દિવસે નાનાનાના ટુકડાઓમાં વહેંચાયે જતી જમીનોમાં અને ઇંધણની અપ્રાપ્યતાની સીમાએ ધપ્યે જતી સ્થિતિમાં, બીજી કોઇ ખેતીમાં વપરાતી બળદ સિવાયની એનર્જી ખરી કે જે ખેતીમાંથી જ નીકળતી આડપેદાશ પર નભી રહીને, માત્ર પેટવડિયા પગારથી ખેતીને ચલાવી રહી હોય ! હોય તો બતાવો !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com