ફિર દેખો યારોં

બીરેન કોઠારી

કોઈ વ્યક્તિની શારિરીક કે માનસિક ક્ષતિને મજાક બનાવવી સભ્યતાનું લક્ષણ નથી, એ પ્રજાકીય રીતે અપરિપકવતાની નિશાની છે, પણ આપણે ત્યાં એમ કરવાની પ્રથા સામાન્ય છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘ડાઉન્‍સ સિન્‍ડ્રોમ’ ધરાવતા ‘કમાભાઈ’ નામની વ્યક્તિનો ઉપયોગ લોકોના મનોરંજન થકી પ્રચાર માટે કરવો એ આપણા જાહેર જીવનમાંથી સંવેદનાનો કઈ હદે લોપ થયો છે એનું સૂચક છે. ‘કાણિયો’, ‘લંગડો’, ‘ઠૂંઠો’, ‘બાડો’, ‘આંધળો’, બહેરો’ જેવા શબ્દો હજી છૂટથી ચોક્કસ પ્રકારની શારિરીક ક્ષતિઓ ધરાવતી વ્યક્તિ માટે વપરાતાં જોવા મળે છે.

આવા માહોલમાં એક સમાચાર ખરેખર આનંદ પમાડનારા છે, ભલે એ આપણા દેશના નથી. ‘યુરોપિયન સ્પેસ એજન્‍સી‘ (ઈ.એસ.એ.) દ્વારા તેના અવકાશી કાર્યક્રમ માટે અવકાશયાત્રીઓની ભરતી કરવામાં આવી. આમાં જહોન મેક્ફૉલ નામના ૪૧ વર્ષીય માણસની પસંદગી થઈ એ બાબત વિશિષ્ટ છે. મેક્ફૉલ વિકલાંગ છે. મોટર સાઈકલના એક અકસ્માતમાં માત્ર ૧૯ વર્ષની વયે તેમણે પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. અલબત્ત, એમ થયા પછી હિંમત હારીને તેઓ બેસી રહ્યા ન હતા. ૨૦૦૮ની બીજિંગ પેરાલિમ્પિક રમતોમાં તેમણે દોડવીર તરીકે યુ.કે.નું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. હવે તેમની પસંદગી અવકાશયાત્રા માટે થવામાં તેમની વિકલાંગતાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

તસવીર નેટ પરથી સાભાર

અવકાશયાત્રાને હજી ઘણી વાર છે, અને આ દાયકાની આખર સુધીમાં ઈ.એસ.એ. દ્વારા ચંદ્ર પર પોતાના પહેલવહેલા અવકાશયાત્રીને મોકલવામાં આવશે. આ માટે ઈ.એસ.એ. પાસે લાયક ઉમેદવારોની બાવીસેક હજાર અરજીઓ આવી હતી. એ પૈકી દ્વિતીય તબક્કામાં ૧,૩૬૧ અરજીઓની પસંદગી થઈ હતી, જેમાં કુલ ૨૫૭ વિકલાંગ ઉમેદવારો પૈકીના ૨૭ની અરજીનો સમાવેશ થતો હતો. શરીરના નીચલા અંગની ચોક્કસ પ્રકારની ક્ષતિઓ હોય એવા ઉમેદવારની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેમ કે, પગનો નીચલો હિસ્સો ન હોય, જન્મથી જ યા કોઈ અકસ્માતને કારણે અંગ ટૂંકાં હોય અથવા ઉમેદવારની ઊંચાઈ ૧૩૦ સે.મી.થી ઓછી હોય.

મેક્ફૉલ હાલ તબીબ તરીકે કાર્યરત છે. તેમની પસંદગી થઈ છે, પણ હજી તેમણે વિવિધ પ્રકારની તાલીમમાંથી પસાર થવું પડશે. માનસિક, વ્યાવસાયિક, જાણકારીની રીતે તેમજ ટેક્નિકલ રીતે અવકાશયાત્રી બનવા માટે લાયકાત ધરાવતા હોય, પણ પ્રવર્તમાન યાંત્રિક વ્યવસ્થાને કારણે શારિરીક ક્ષતિને લઈને અવકાશયાત્રી તરીકે પસંદગી ન પામી શકે એવા ઉમેદવારો માટે ઈ.એસ.એ. દ્વારા ‘પેરાસ્ટ્રોનોટ્સ’ જેવો શબ્દપ્રયોગ પ્રયોજવામાં આવ્યો છે. હજી ઈ.એસ.એ. પણ વિકલાંગ અવકાશયાત્રીને મોકલવા માટેની શક્યતાઓ પર કામ કરી રહી છે.

મેક્ફૉલે એક મુલાકાતમાં જણાવ્યા અનુસાર પોતાના પગની વિકલાંગતાને લઈને અવકાશયાત્રી બની શકવાની શક્યતા અંગે પોતે કદી વિચાર સુદ્ધાં કર્યો ન હતો. સમસ્યાઓને ઓળખવાના, ઊકેલવાના અને અવરોધોને ઓળંગવાના પોતાના કૌશલ્યનો ઉપયોગ અન્ય સામાન્ય લોકોની જેમ જ કરવા બાબતે પોતે અતિ ઉત્સાહિત છે. મેક્ફૉલે એમ પણ કહ્યું હતું કે અવકાશમાં વિકલાંગ વ્યક્તિને મોકલવાથી થતા વ્યવહારુ સવાલોના જવાબ મેળવવા માટે પોતે આતુર છે. અલબત્ત, હજી એ સોએ સો ટકા નક્કી નથી કે મેક્ફૉલ અવકાશમાં જશે જ, છતાં ઈ.એસ.એ. દ્વારા એમ કરવાના બનતા પ્રયાસો અવશ્ય કરવામાં આવશે એમ જણાવાયું છે. કારણ? ઈ.એસ.એ.દ્વારા અગાઉ પણ વિકલાંગોને અવકાશી કાર્યક્રમમાં ઉમેદવારી નોંધાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિવિધતા અને સમાવેશકતા તરફની સમાજની અપેક્ષાઓ બદલાઈ છે. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતી (વિકલાંગ) વ્યક્તિઓને આ કાર્યક્રમમાં સમાવવાનો અર્થ એ પણ છે કે તેમના અસાધારણ અનુભવમાંથી, મુશ્કેલ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાની તેમની ક્ષમતા અને દૃષ્ટિકોણ થકી સમાજને પણ લાભ થશે.

સર્વસમાવેશકતાનો આ ખ્યાલ માનવીય ગૌરવને અનુરૂપ છે, અને ઈ.એસ.એ. પોતાના અવકાશી કાર્યક્રમ થકી તેનો અમલ કરવાની પહેલ દર્શાવે એ એક ઉમદા ચેષ્ટા છે. આપણે વિકલાંગને ‘દિવ્યાંગ’ નામ આપી દીધું, અને તેઓ ‘દિવ્ય’ શક્તિ ધરાવતા હોવાની સરકારી રાહે વાર્તા કરી, પણ ખરેખર તેમના ગૌરવ માટે કશું કરાયું ખરું? ગૌરવ તો દૂરની બાબત ગણાય, તેમની મૂળભૂત જરૂરિયાતને લક્ષમાં આખીને કશાં પગલાં લેવાયાં? ખેર, આ તો સરકારી નીતિની વાત થઈ, પણ એક સમાજ તરીકે, નાગરિક તરીકે આપણે તેમને સમાન ગણતા થયા ખરા? તેઓ હજી દયા, તિરસ્કાર અને મજાકને પાત્ર ગણાય છે. તેમને પડતી અગવડો એવી હોય છે કે અનુકંપા સિવાય બીજો ભાવ જ પેદા ન થાય!

અસમાનતામાં પણ આપણે કેટકેટલું વૈવિધ્ય જાળવ્યું છે! પુરુષ-સ્ત્રી અસમાનતા, કોમ વચ્ચેની અસમાનતા, જ્ઞાતિ વચ્ચેની અસમાનતા, અમીર- ગરીબની અસમાનતા, કામની અસમાનતા અને આવી તો બીજી અનેક! અને આ અસમાનતાનો રોગ હવે બારમાસી બની રહ્યો છે. રાજકારણીઓ પ્રજાના મનમાં ઊંડે સુધી ઉતરેલા અસમાનતાનાં મૂળિયાંને નાબૂદ કરવાને બદલે ખાતર-પાણી પાઈ પાઈને બરાબર મજબૂત કરી રહ્યા છે.

હજી ગટરસફાઈનું કામ ચોક્કસ જ્ઞાતિ પૂરતું જ મર્યાદિત છે અને તેમાં ફેરફાર સાવ ધીમી ગતિએ થઈ રહ્યો છે. એ પૂર્ણપણે નાબૂદ થાય એ પહેલાં કોને ખબર તે કેટલાયનો ભોગ લેશે!

અલબત્ત, અસમાનતા કેવળ ભારતનો ઈજારો છે એમ નથી. વિશ્વભરમાં તે એક યા બીજે સ્વરૂપે વ્યાપેલી છે. પણ આપણા સાંસ્કૃતિક મિથ્યાગૌરવની દુહાઈઓ વચ્ચે આવી અસમાનતા વિરોધાભાસ પેદા કરે છે. આવા માહોલમાં મેક્ફૉલની પસંદગી કરવાનું પગલું અભિનંદનીય છે. આ પગલું એક નવી કેડી કંડારવામાં નિમિત્ત બની રહેશે, જેમાં માનવગૌરવનો વિજય હશે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮-૧૨–૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)