નિત નવા વંટોળ

પ્રીતિ સેનગુપ્તા

નવલકથાનું સ્વરૂપ ક્ષીણ થવા બેઠું છે – એમ માનનારાંએ જરા વધારે વિચાર કરવો જોઈએ. વૈવિધ્યપૂર્ણ માનવ-જીવનના અવનવા અનુભવોનું સાચું પ્રતિબિંબ નવલકથામાં પડતું રહેતું હોય છે. આધુનિક કાળમાં સતત થતાં રહેતાં લોકોનાં સ્થળાંતર, સંમિશ્રણ, સામાજિક અને સાંસ્કૃતિક સંઘર્ષણ વગેરે કારણો નવલકથાને અનેકવિધ વિષયોની શક્યતા તથા અખૂટ
સર્જન-બળ પૂરાં પાડતાં જાય છે.

વિદેશોમાં વસતાં, પોતપોતાની માતૃભાષામાં નહીં પણ અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષામાં લખતાં, અને નામના પામતાં ભારતીય લેખકોની સંખ્યા વર્ષે વર્ષે વધતી જતી દેખાય છે. એક તાજા જેવો દાખલો લઈએ તો રોહિન્ટન મિસ્ત્રીનું નામ લેવું પડે. મુંબઈમાં ૧૯૫૨માં જન્મેલા એ પારસી યુવક ૧૯૭૫થી કૅનૅડામાં વસ્યા છે. સૌથી પહેલાં બહાર પડેલો એમનો ટૂંકી વાતીઓનો સંગ્રહ ઘણી પ્રશંસા પામેલો. લગભગ તરત ૧૯૯૧માં છપાઈ આવેલી નવલ “સચ અ લૉન્ગ જર્ની”ને મોટાં મોટાં ઈનામ મળેલાં. ઈગ્લંડના પ્રખ્યાત બૂકર પ્રાઈઝ માટે પણ આ નવલની નોંધણી થયેલી.

૧૯૯૬માં એમનું ત્રીજું પુસ્તક બહાર પડ્યું. છસોથી વધારે પાનાંનો સ્થુળકાય ગ્રંથ, ને એ હતી તો એક નવલ જ – “અ ફાઈન બૅલૅન્સ”, ને એને કૉંમનવૅલ્થ રાઈટર્સ પ્રાઈઝ મળ્યું. જોકે એ પહેલાંથી જ એને વિષેનાં વિવેચન છાપાં અને સામયિકોમાં પ્રગટ થતાં ગયેલાં, તેથી એના કથાનક વિષે, તેમજ પુસ્તકના સર્વવ્યાપી સૂરની બાબતે જાણ થઈ ગયેલી. લેખક ખૂબ સંવેદનશીલ છે, બધાં જ પાત્રો એમનો ખૂબ સ્નેહ પામે છે, પણ આખી વાત છે દેશના લોકોનાં જીવનની, કારમી વાસ્તવિકતાની. રાજકારણીય ઉથલપાથલ, સામાજિક વેરઝેર, આર્થિક મુશ્કેલીઓ વગેરે જેવા વિષયોનાં સૂત્ર અંદર અંદર ગુંથાતાં રહે છે, ગુંચવાતાં રહે છે. એક પણ પાત્ર એમાંથી બચતું નથી.

દરેક પાત્ર એવું કમભાગી હોય છે, અને સાધારણ સુખથી પણ એવું વંચિત હોય છે, કે આ પુસ્તકનું વાંચન અત્યંત કઠિન બને છે. વાચકના હૃદયને દુ:ખ પહોંચ્યા જ ડરે છે. હું તો આવી કૃતિઓ, કે જેમાં જીવન ખૂબ જ દુ:ખી હોય, વાંચી જ નથી શકતી. બલ્કે, એમને નહીં વાંચવાનો આગ્રહ રાખું છું. વિવેચનો પરથી કથાનકનો ખ્યાલ મળી ગયેલો.

આખા પુસ્તક પર હતાશાનો ભાવ છવાયેલો રહે છે, અને ક્યારેય ના રુઝાય એવા નૈતિક આઘાતોનું એમાં નિરુપણ છે. મુખ્ય પાત્રોનાં જીવનની પશ્ચાદ્‌ ભૂમિકા ઘણી વિગતે વર્ણવાઈ છે, પણ એમનાં સાંપ્રત જીવન અંગેની લાગણીઓ જાણે સંતાયેલી રહી જાય છે. પુસ્તકનું શીર્ષક સાર્થક નથી બનતું, કારણકે લેખન તથા નિરુપણમાં સમતુલન હંમેશાં સચવાતું નથી.


સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે