સોરઠની સોડમ
ડૉ. દિનેશ વૈશ્નવ
મારા પપ્પાએ ૧૯૩૨માં મુંબઈની “ગ્રાન્ડ મેડીકલ કોલેજ” માંથી દાક્તર બની પે’લી નોકરી જૂનાગઢના સરકારી દવાખાનામાં બેએક મહિના માસિક રૂ.૧૨ના પગારે સિવિલ સર્જન ડો. માર્ટિન હેઠળ શરૂ કરી. પછી ઈ માસિક રૂ.૨૦ના વેતને ગાયકવાડ રાજે છોટાઉદેપુરમાં નવા જ શરૂ કરેલ દવાખાનામાં પે’લા જ દાક્તર તરીકે જોડાયા. પાછા એકદોઢ વરસે જૂનાગઢ આવ્યા ને ઈ રાજના ગામડાઓમાં બદલીની નોકરી લીધી કારણકે એમાં ગામડાઓમાં ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ હતી ને આમ પગાર ઉપરાંત આવક વધે. પરિણામે મારું બાળપણ માળીયા હાટીના, સનખડા, દેલવાડા, મેંદરડા, ચોરવાડ, વિસાવદર, વ. ગામડાઓમાં ગ્યું ને છેલ્લે ઈ ચૂડા (ભેસાણ) નોકરી કરીને સરકારી નોકરીએથી નિવૃત થ્યા.
મેંદરડામાં એને ૧૯૫૫માં ડો. નિર્મળ પાસેથી ચાર્જ લીધેલ ને નિર્મળ સાહેબે ડો. વેણીલાલ ત્રયંબકરામ ઓઝા પાસેથી ભારતની આઝાદી વખતે. ઈ વખતે વેણીભાઈએ નિવૃત્તિ લીધી ને એને મેંદરડામાં જ નિવૃત જીવન વ્યતીત કર્યું. સદનસીબે વેણીભાઈએ ને એના પરિવારે અમને એના જ માન્યાં.વધુમાં વેણીભાઈના દીકરા રસિકભાઈ જયારે દાક્તર બનીને ૧૯૫૭માં મેંદરડા આવ્યા ત્યારે એને પપ્પાના હાથ નીચે તાલીમ મેળવીને પોતાનું ખાનગી દવાખાનું ખોલ્યું. એને આજીવન પપ્પાને “બાપુજી” તરીકે જ અપનાવ્યા. હું રસિક્ભાઈને છેલ્લે ૨૦૦૯માં મેંદરડા મળવા ગ્યોતો ને પછી ઈ થોડા જ વરસોમાં ૮૪ વરસે દિવંગત થ્યા. આ કે’વાનું કારણ એટલું જ કે વેણીભાઈ અને અમારા પરિવાર વચ્ચે સબંધ અડીખમ રયો કારણ કે મધુવંતીના ઉપલા વાસે કનડાના ડુંગરમાં પાણી પીધેલ સાવજુંનાં સેંજળ પીને અમે ઈ બાંધ્યોતો.
હવે વેણીભાઈ એટલે જૂનો જોગીંદર ને મારા પપ્પાની જેમ વાત્યુંનો ખજાનો એટલે એની બેઠક લગભગ રોજ રાતના અમારે ઘેર હોય. એમાં એને ૧૯૫૬ના શિયાળાની રાતે મેંદરડા પાસે અણિયાળા ગામના બેએક પેઢીથી આર્થિક સ્થિતિએ ઘસાઈ ગે’લ માણસુરભાઈ આયરની વાત એની અદકી અદાએ માય મુઠીવળતું મોણ નાખીને માંડી કે જે આજ મને અમારા યુ.સ.ના શિયાળાની રાતે અનાયસે યાદ આવી એટલે થ્યું કે હું પણ ઈ જ વાત માંડું..
તો ઘણા કાઠીયાવાડીયુંને ખબર હશે કે મેંદરડા તાલુકામાં મેંદરડા પાસેનાં પંખીના માળા જેવાં ગામોમાં માનપૂર, નાજાપુર, આલીધ્રા, ગંગેડી, સમઢીયાળા, બરવાળા, અણિયાળા, ચીરોડા, ગીર ખોરાસા, લુશાળા, બગડુ, દાત્રાણા, વ. આવે. પણ આ બધામાં અણિયાળા થોડુંક ઈ રીતે તરી આવે કે એમાં વસ્તી કડવા પટેલું જેટલી જ આયરુંની ને આ સૌ બબેચારચાર વીઘા ખેડાઉ જમીનના ખાધેપીધે સુખી મલિક. ત્યારે ૧૯૧૦ના દાયકે અણિયાળા ગામના નગરશેઠ શરાફી બાબુભાઇ રાયચંદ. બાબુભાઇ ને એનો પરિવાર પણ ગામમાં દૂધમાં શાકર ઓગળે એમ ઓગળીને રે’તો. શેઠ નરસા વરસે ગામના ખેડુઓને બિનવ્યાજે પૈસા ધીરતા ને સબળી સાલમાં જરૂરે ફુલતા જમીન કે એક કડલા કે કાંબીની થાપણે મોટી રકમ ધીરતા. જો ખેડુ મોં બોલી તિથિએ પૈસા પાછા ન દઈ સકે તો ઉઘરાણી પણ ઈ વાણિયાઈ મીઠપથી ભાગ્યે જ કરતા
વીંજણે પલાણેલ વખતને જાતાં ક્યાં વાર લાગે છ એટલે ૧૯૧૦ના પાછોત્રે દાયકે રાયચંદ શેઠના એકનાએક દીકરા ધનસુખનાં લગન ચીરોડામાં સુખી વણિક પરિવારમાં લેવાણાં. થાવા કાળને ને લગનને મહિના દી’ની વાર હતી યાં ધનસુખને ઘરના છાણાંના ટીંબેથી કાળોતરો આભડી ગ્યો ને ઈવડો ઈ યાંનેયાં મોઢેથી ફીણના ડૂચા કાઢવા મંડ્યો. પછી તો ઈ એને બઠો કરવા ભુવા ધુણાવ્યા, ડાકલાં વગડાવ્યાં, દાણા પડાવ્યા, છગન મા’રાજે હજરત જોયું, દુઘાબાપાએ ધનસુખના કાનેથી ઝેર ચૂસ્યું, પાટલે ચોપાટની કાંકરી મૂકીને વડદાદાના મૃતાત્માને બોલાવ્યો એમ ઘણુંઘણું કર્યું પણ છેલ્લે તો મીંઢોળ બાંધેલ ધનસસુખને અગનના ખોળે જ મુકવો પડ્યો.
આ માઠા વાવડ અણિયાળામાં જ નહીં પણ ઈ મલકમાં ઘોડાપૂરે પુગ્યા ને ગામેગામે ગોકીરો થઇ ગ્યો. પછી તો આ ક્લોયા મરણે રાયચંદ શેઠ આગળ પાંચના, દસના, પંદરના એમ ટોળાં મોં ઢાંકણે લોકીએ આવે. હવે ઈ વખતના રિવાજે જે લોકીએ આવે ઈ વળતાં ગામના ચોરે રોકાય ને જો ઈ ટાણે ભાતનો, રોંઢાનો કે વાળુનો ટેમ હોય તો ચોરે બેઠેલા ગામના સૌ બા’ર ગામના મેં’મામાનુંને પોતપોતાને ઘેર અજીઠા કરાવે. એમાં બીજેત્રીજે દી’ માણસુરભાઈ આયર હોત અણીયાના છસાત જણુ ચોરે બેઠાતા ને લોકી કરીને બા’રગામના દસબાર જણા ભાતના ટાણે ચોરે રોકાણા એટલે ગામના સૌએ એકબે મેં’માનને ઘેર લઇ જાવાનું નક્કી કરી લીધું ને એમાં નબળી સ્થિતિના માણસુરભાઈ પણ ભળ્યા. પણ ચોરો સમજુ એટલે બાકીનામાંથી બેત્રણ જણાએ કીધું, “માણસુરભાઈ, આજ અમારું માન ને મન રાખો ને નોતરવાનું રે‘વા દયો. આજ તો અમેં પૂરતા છીંયેં ને મે‘માનું પણ ક્યાં જાજા છે ને દી‘ના ક્યાં દકાળ છે, કાલપરમ દી‘ જાજા મેં‘માનું આવે તીંયેં મારા બાપ નોતરજો.” પણ માણસુરભાઈ એકના બે ન થ્યા ને એને એક મેં’માનનું કાંડુ પકડ્યું ને એને ભાતે આવવાની તાણ કરી.
આ મેં’માનને માણસુરભાઈની પરિસ્થિતિની ખબર ન જ હોય ઈ સ્વાભાવિક હતું એટલે ઈ માણસુરભાઈ ભેગા ભાતે એને ઘેર ગ્યા. ધણશેરી માંથી ઘેર જાતાં રસ્તામાં બેએક વાત કરતાં ખબર પડી કે ઈ મેં’માન ચીરોડાના કાપડના વેપારી લખુભાઈ હતા ને એને સંતાનોમાં એક્નીએક દિકરી હતી તો માણસુરભાઈને વીસેક વરસનો કાનો એકનોએક દીકરો હતો ને સાતથી જાજી પેઢીથી પરિવાર અણિયાળામાં જ છે. ઘેર પૂગતાં આયરે ઓસરીએથી સાદ દીધો, “આયરાણી હાંભળ્યું, ચીરોડાના મેં‘માન ભાતે આવ્યા છ.” ઘરના રસોડેથી આયરાણીએ એના હૈયા લગી લાજના ઘૂમટે મેં’માનને વિવેકથી આવકારતાં ઓસરીમાં બે પાટલા ને ઢીંચણિયાં ઢાળ્યાં ને પાતર ને પાણીના કળસા મુકયા. થોડીકવારમાં લખુભાઇ ને માણસુરભાઈ ભાણે બેઠા એટલે આયરાણીએ પડીયામાંથી બેય પાતરમાં અગારનું ચપટીચપટી ગાંગડી મીઠું મૂક્યું. મેં’માન રોટલા, શાક, છાસની રાહમાં હતા પણ માણસુરભાઈએ કીધું, “જયમાતાજી, હાલો બેય ભાયું આજ હારે ભાત ખાયેં.” ખાતાંખાતાં માણસુરભાઈએ ખુલાસો કર્યો કે કાનો ભગાબાપાના ખેતરે સાતીએ ગ્યોતો ને આયરને પોતાની ફુંમતુંએ જમીન કે ઢોરઢાંખર નો’તાં. લખુભાઇએ પણ એમ પોતાની નાનીમોટી વાત્યું કરી પણ એનામાં વય કરતાં અક્કલ બમણી એટલે એને આયરની નબળી પરિસ્થિતિનું એંધાણ થઇ ગ્યું. પછી તો એને કણી મીઠું ને બેચાર ઘૂંટડા પાણી પીને ગળા લગી ધરવણના અડકારું ખાધા ને છેલ્લે ઈ યજમાનની રજા લઈ ને એને ઘેર જાવા નીકળ્યા.
હવે “દુઃખનું ઓસડ દા‘ડા” એમ પાંચછ મહિને અણિયાળા ને આજુબાજુના મલકમાં સૌના માયલે ધનસુખની ચિતા ઠરી એટલે પોતપોતાને ધંધે વળગ્યા, રાયચંદ શેઠ પણ દુકાનના થડે ગોઠવાણા, અણિયાળામાં સુરજદાદો પણ દશા બદલીને પુરવે ઉગવા મંડયો ને ગામ માથેથી કમુરતાં ઉતર્યાં એમ લાગ્યું. એટલે સારું સકન જોઈને લખુભાઈ ચીરોડાથી રાયચંદ શેઠને મળવા અણિયાળા આવ્યા. શેઠે પણ એની મેં’માનગતી હૈડાના હેતે કરી ને રસોડે લસલસતી સુખડીનું બકડીયું ચડયું ને મગનાં આધારણ ઓરાણાં. બેય જણા વાતે વળગ્યા, ગામમાં આંટો દીધો ને ઘેર પાછા આવ્યા એટલે રસોડેથી સાદ દીધો એટલે ભરેભાણે બેઠા. પછી બેય વાણિયા જમીજુઠીને સોપારી કાતરતાતા તીંયે લખુભાઈએ શેઠને કીધું:
“મોટાભાઈ, તમને તો ખબર જ છે કે જો વિધાતાના લેખ સવળા પડ્યા હોત તો મારી લક્ષ્મી ને તમારા ધનસુખકુમારના નાતે આપણે બેય આજ વેવાઈ હોત પણ ધાર્યું ધરણીધરનું થાય છ. હવે ભાઈ મને એક વિચાર ઉગ્યો છ કે જો તમે મંજુરી દયો તો લક્ષ્મીને મારે અણિયાળામાં દેવી છ કારણ કે આ ગામ ખાનદાન, સંતોષી ને હેતાળ છે.” એટલે રાયચંદ શેઠે ઘડીયે વિચાર્યાવીના કીધું:
“લખુભાઈ મારી મંજુરી છે એટલું નહીં પણ મારે ઘેર લક્ષ્મી વહુ બનીને આવવાની હતી ઈ પે‘લાંની ધનસુખ વેરે વેવિશાળ થાતાં ઈ મારી દીકરી બની ગઈ છે ને એટલે મારી એક શરત છે જો તમે મંજુર રાખતો. મારી દીકરી લક્ષમીનો કરિયાવર હું પુરીસ.” એટલે લખુભાઇએ કીધું:
“ભાઈ, તમે તો આ ગામના જણેજણને જાણો છ તો કોક સારો મુરતિયો ચીંધો એટલે કરિયાવર પુરી સકો.” શેઠે અચકાતાં કીધું:
“જે મારા ધ્યાનમાં છે ઈ ખોયડે માં લક્ષ્મીની કૃપા નથી, ઈ આપણી નાતનુંયે નથી પણ ઈ ખોયડે માં સરસ્વતીનો વાસ છે એટલે યાં સજ્જનતા, સંસકાર, ખાનદાની, મીઠપ અને ઉનો આવકાર ભારોભાર ભર્યાં છ ને ઈ છે અભણ પણ ઢગલો કોઠાસુજ વાળા માણસુરભાઈ આયરનું ખોયડું ને ઈ ખોયડાનો વારસદાર કાનો મને લક્ષ્મી માટે યોગ્ય મુરતિયો લાગે છ. બીજું કે માણસુરભાઈનું આ ગામમાં નાક, નામ અને માન પણ ઉંચેરાં છે ને એને કેટલાય કટમ્બને વખતે વ્યાવાહારિક સલાહ દઈને ઉગાર્યાં છ.” એટલે લખુભાઇએ કીધું:
“મોટા ભાઈ, તમે તો મારા બોલ મારે કંઠેથી કાઢી લીધા ને આમ પણ જ્યાં સરસ્વતી હોય યાં લક્ષ્મી આજ નહીંને કાલ પણ આવે જ બાકી જ્યાં નરી લક્ષ્મી જ હોય યાં સરસ્વતી આવે કે ન પણ આવે.” પછી એને ઈ આયરની ઓસરીએ ગાંગડી મીઠાના ભાતનું કીધું કે જેમાં એને પણ વિવેક, પ્રેમ, સજ્જનતા, ખાનદાની ને સંસકારનો પછેડીફાડ મે (વરસાદ) વરસતો જોયોતો. રાયચંદ શેઠે તરત જ કીધું:
“તો સારા કામનાં તો સદાય સકન. હાલો બેય ભાયું માણસુરભાઈના ખોયડે.” પછી માણસુરભાઈને ઈ બેય વાણિયા મળ્યા ને યાનેયાં કંકુના ચાંદલે શાકારના પડા બંધાણા, એકાબીજાને દેવાણા ને કાના ને લક્ષ્મીના ચાંદલા થ્યા. ઈ સાલની અખાત્રીજે કાના ને લક્ષ્મીનાં લગન લેવાણાં, ધામેધૂમે લગન થ્યાં, જાડી જાનને ગળાના સમ દઈને લખુભાઈ ને રાયચંદ શેઠે પાંચપાંચ દી’ સામિયાણામાં ઠાઠે રોકી ને પે’લા ટંકથી જાજી બીજા ટંકે મેં’માનગતી કરી. છઠે દી’ લક્ષ્મીએ ઘરના મંદિરે થાપા પાડ્યા, હૈયા લગી લાજના ઘૂમટે ગાડે બેઠી, ગાડાનાં પૈડાં સીંચાણા, માં રામણદિવડો જાલીને ગાડા પછવાડે ગામના ગોંદરા લગી ગઈ ને વાજતેગાજતે જાન ઉઘલાવી પણ જાણે “કાળજાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…” ઈ લાગણીએ સૌ માંડવીયા પાછા ફર્યા. પછી તો સામે અઠવાડિયે ચાર ગાડાની – બે રાયચંદ શેઠનાં ને બે લખુભાઇનાં – હેડ લક્ષ્મીનો કરિયાવર લઈને માણસુરભાઈની ફળીમાં ઉભી. રીવાજ મુજબ વેવાઇયું વચ્ચે “અટઅટલું ન હોય,” “અરે, અમારી હેસિયતે નથી ને અમે કાંઈ નથી કરી સક્યા” એમ હા-ના થઇ પણ છેલ્લે ખાલી ગાડાં પાછાં વળ્યાં.
આયરના ખોયડે લાપસીનાં આધરણ મુકાણાં ને આમ લક્ષ્મીએ બે નહીં પણ ત્રણ પરિવારને જોડ્યા. લક્ષ્મી પણ સુકન્યા અને કુશળ ગૃહણી હતી ને કુંકાપગલી પણ નીકળી. જોતજોતામાં કાનાએ ફુલતું એમાંથી પડ્યકું ને એમાંથી બે વીઘા ખેડાઉ જમીન અણિયાળાની બરવાળા કોરની સીમમાં લીધી ને ફળીમાં ઢોરઢાંખર બાંધ્યા. આ કોર માણસુરભાઈ પણ માથે ફાળીયાને બદલે પાઘડી ને પછેડીને બદલે કિનખાબની ભેંટ બાંધીને ગામના ચોરે એની મૂછને તાવ દેતા બેસવા મંડ્યા. ટૂંકમાં, લક્ષ્મીએ માં સરસ્વતીસભર ખોયડે માં લક્ષ્મીને જોતજોતામાં પધરાવ્યાં.
મેં તો આ છથી વધુ દાયકા પે’લાં વેણીભાઈએ કીધેલ ને મને જે આછુંપાતળું યાદ છે ઈ આધારે વાત માંડી પણ આ જ વાત પદ્મશ્રી ભીખુદાનભાઈ પણ એની મધઝરતી ચારણી જભાને “ઓહોને માથે બાચકું” કે’છ ને એના કે’વા મુજબ આજે પણ માણસુરભાઈની પછીની પેઢી અણિયાળામાં છે. મારી ઈચ્છા છે કે હવે જયારે પણ હું દેશ આવું ત્યારે અણિયાળામાં આ પરિવારને ગોતીને મળીશ ને એની સજ્જનતા ને સંસ્કારનું એકાદ ફોરું મારા માથે જીલીસ.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.